ડૉ.મનમોહનસિંઘને એક શિક્ષકનો ખુલ્લો પત્ર...
- ડો.વિજય એમ.પટેલ
M.com., Ph.D.(Edu.), PGJMC.
આદરણીયશ્રી,
અર્થશાસ્ત્રના શિક્ષક તરીકે તમારા જેવા પ્રબુદ્ધ સજ્જન વિશે હું મનોમન ગર્વ મહેસૂસ કરતો હતો. આર્થિક સુધારાઓ વિશે ભણાવતી વખતે તમારી પ્રતિભાને હું વર્ગમાં લાવીને વખાણતા થાકતો નહોતો. શાંત, સૌમ્ય, ને સાદાઇના તમારા ગુણોએ મને જ નહિ સૌને આકર્ષ્યા હતા. પણ હવે એ ગર્વ અને ઉમળકો મારામાંથી જાણે ઓસરી રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થામાં તમે ઓછું યોગદાન આપ્યુ છે એમ કહું તો હું ઘમંડી ગણાઇશ, પણ હવે એમ કહેવાનું રોકી નથી શકતો કે ' વિદ્વાન માણસોના મૌન ' કંઇ કેટલાય લોકોને હતાશાની ગર્તામાં ધકેલે છે !
જેમ રાધાક્રિષ્ણન શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા એમાં શિક્ષક સમાજ ગૌરવાન્વિત બન્યો, તેમ અર્થશાસ્ત્રીમાંથી તમે વડાપ્રધાન બન્યા એ અર્થશાસ્ત્રના શિક્ષકો કે વિધ્યાર્થીઓ માટે ગૌરવવંતી ઘટના ગણાય. અને એનો મને પણ આનંદ જ હોય. પણ વડાપ્રધાન બન્યા પછી તમારા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેમ અર્થતંત્રમાંથી ગૂમ થઇ ગયા તે સમજાતું નથી. દેશમાથી અધધ નાણું વિદેશમાં ગયું એ કઇં એક વર્ષની ઘટના તો ન જ હોય ને ? તમે રિઝર્વ બેન્ક ના ગવર્નર હતા ત્યારે આ બાબત વિશે તમે કઇં જ નહોતું વિચાર્યું ? માની લો કે તે વખતે તમારી પાસે રાજકીય સત્તા નહોતી એટ્લે તમે કશું કરી શકો તેમ નહોતા. પણ આ તો તમારા રાજમાં કલમાડી, રાજા જેવા તમારા જ સાથીઓએ ભ્રસ્ટાચારની હોડ લગાવી દીધી ને તોયે વડાપ્રધાનજી તમે તો ' સાયલન્ટ મોડ ' જ બની રહ્યાં.!
રાજકીય નેતા તરીકે તમે વિદ્ધાન, પ્રામાણિક અને ભ્રષ્ટાચારથી દૂર રહેનારા બનવાનો પ્રયત્ન કર્યો એ તમારા ઊજળા પાસા પ્રત્યે મને આદર રહ્યો છે, પણ તમારા આ ગુણોનો પ્રભાવ તમે તમારા સાથીઓ પર પણ પાડી ન શક્યા ? તો પછી આવા વ્યક્તિત્વથી સમાજ અને દેશને કેટલો લાભ થયો ? ભ્રષ્ટાચારને નાથીને દેશની કલંકરૂપ ગરીબીને નાથવામાં તમારી રાજકીય સત્તાનો ઉપયોગ કરવાને બદલે તમે તો કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારાઓને જ દબાવી દેવાના સહયોગી બની ગયા !! તમારી સજ્જનતા પ્રત્યે મારી આસ્થા અહીં જ ખંડિત થઈ છે ગુરુજી.
એક વિધ્યાર્થીએ તો ટકોર કરી કે સર, તમે અર્થશાસ્ત્ર ભણાવતી વખતે કેટલું બોલ બોલ કરો છો, ને વિદ્ધાન અર્થશાસ્ત્રી મનમોહનજી તો કઇં બોલતા જ નથી ! મે મારા પર જ વ્યંગ કરી તેને સમજાવ્યો કે ' અધૂરો ઘડો છલકાય ઘણો !' પણ હું મનોમન વિચારી રહ્યો હતો કે છલોછલ ભરેલો ઘડો પણ જો ખૂણામાં પડી રહે તો ગંધાઇ નહીં રહે ?! માફ કરજો સર, જો મારાથી ખોટું કહેવાઈ ગયું હોય તો.
વિદેશમાં તમે ઘણા લોકપ્રિય છો એ વાત ખરી પણ ઘરના લોકોને સ્વચ્છ અને ન્યાયી વહિવટ આપવામાં તમે શું કર્યુ તેની યાદી જડતી નથી ! મારા શિક્ષકો અને કુશળ વક્તાઓ કહેતા રહે છે કે knowledge is power, તમે તો પ્રખર અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન છો અર્થાત જ્ઞાન અને શક્તિ બન્નેના સમન્વયરૂપ છો છતાં તમારા રાજમાં knowledge ને બદલે Money power ની જ બોલબાલા વધી ગઇ ! તમે સંસદીય લોકશાહી અને બંધારણને બચાવવાની વાત કરો છો પણ ભ્રસ્ટાચાર કે કાળા નાણાને નાથવા માટે બંધારણમાં ફેરફાર કરવાનો વિચાર સુદ્ધા કરતાં નથી. આવી લાચારી મારા જેવા અનેક ભારતવાસીઓને ગળે ડૂમો બની ગઇ છે.
વાતને ટૂંકાવીને કહું તો ભ્રષ્ટ અને અઠંગ રાજકરણીઓ વચ્ચે તમે ' સ્વચ્છ અને નિર્મળ ' નહિ રહી શકો એવું શું અમારે માની જ લેવાનું ને સર ? ખેર, હું તો એક સામાન્ય નાગરિક છું, ઝાઝુ યોગદાન ન આપી શકું પણ પછી તમે પણ એવી અપેક્ષા ન રાખતા કે શિક્ષક ' સ્વચ્છ ' જ હોવો જોઇએ ! ઘડીક વિચારજો કે બધા લોકોનો તમારા જેવા સજ્જન માણસમાંથી વિશ્વાસ ઉઠી જશે તો દેશની હાલત શું થશે ? ડો.મનમોહનજી, તમારા વ્યક્તિત્વ અને વડાપ્રધાન પદની ગરિમા વિશે લખવાની એક સામાન્ય નાગરિક્ની હેસિયત શું હોઇ શકે ? પણ શિક્ષક છું, દંભી બની રહેવા કરતાં નિખાલસતાથી કડવી વાત કહી દેવી અમારો ધર્મ છે. એટલે નાના મોઢે મોટી વાત થઇ ગઇ હોય તો ક્ષમ્ય ગણશો. જય હિન્દ !!
- લિ. આપનો વિશ્વાસુ,