Saturday 28 September 2019

મૂલ્યલક્ષી શિક્ષણની શોધનું ચિંતન

           શિક્ષણ આજકાલ બહુ સ્પર્ધાત્મક બની ગયું છે, ને તેમાંથી મૂલ્યો તો જાણે સાવ નામશેષ થઈ ગયા છે..એ પાછા આવશે કે? એક નિવૃત્ત આચાર્યની યોગાનુયોગ થયેલી મુલાકાતમાં સંભળાયેલા શબ્દો આવા હતાં. શિક્ષણ જગતનો જીવ હતો અને છેલ્લા થોડા વર્ષોનું અવલોકન હતું. એટલે એમાં નિરાશા સાથે થોડી વેદના પણ હતી જ. એમના છેલ્લાં શબ્દોમાં એ ભારોભાર છલકાતી હતી. મૂલ્યો વિષેની સંકલ્પના સાપેક્ષ છે એટલે સૌ તેને પોતપોતાની રીતે મુલવે છે. અહીં મૂલ્યોને આપણે સદવર્તન તરીકે જ સ્વીકારીને ચાલીએ તો પેલા આચાર્યની વ્યથામાં તથ્ય છે.
         ઘણી શાળાઓ હવે પરિણામલક્ષી બનીને રહી ગઈ છે. એમાં માત્ર પરીક્ષાના ગુણપત્રક સાથે જ સંબંધ રહ્યો છે. સ્વાભાવિક છે કે પ્રશ્નોનાં જવાબોમાં જ સીમિત થયેલું શિક્ષણ, વાળ સરખા રાખવા, સ્વચ્છ કપડાં રાખવા, વડીલો સાથે નરમાશથી વાત કરવી, પુસ્તકો-નોટને રૂપિયા(ચલણી નોટ)ની જેમ સાચવવા વગેરે જેવી બાબતો તરફથી સાવ હટી ગયું છે. સતત લખાણપટ્ટી કરવાની પ્રવૃત્તિએ શાળા જીવનમાંથી સારી રીતભાતને અલ્પ (લઘુમતી) કક્ષામાં મૂકી દીધી છે. એ સંદર્ભમાં નિવૃત્ત આચાર્યની પાછા આવશે કે?’ની ચિંતા સાચે જ થોડી વાજબી લાગે છે.
        એમ છતાં કોઈપણ વ્યક્તિએ જીવનમાં સાવ નિરાશ થવું ન જોઈએ. બદલાતા વિચારો, વ્યવસ્થાને બદલે છે. અને જે લોકો સ્વયંને બદલવામાં ધીમા છે ત્યાં આવી નિરાશા રહેવાની જ છે. આમાંથી બહાર કેમ નીકળી શકાય તે વિચારવાનું છે. મૂલ્યોને, શિક્ષણ પ્રક્રિયાનો ભાગ બનાવવા શિક્ષકોએ અને શિક્ષણવિદ્દોએ વિકલ્પો તરફ નજર દોડાવવાની જરૂર છે. આ માટે એક નાનકડી વાત જાણીએ.

               
            એક વખત રાજા કૃષ્ણરાયનો દરબાર (આજની ભાષામાં મિટિંગ) ચાલી રહ્યો હતો. ગરમીની ઋતુ હતી તેથી ઘણાબધાં દરબારીઓ પરસેવેથી રેબઝેબ થઈ રહ્યા હતાં. એવામાં તેમાંના એક-બે દરબારીઓએ મોં ખોલ્યું: મહારાજ રોજ સવારે બગીચામાં જે હવા હોય છે તે ખુશબુદાર અને ઠંડી હોય છે, શું આવી હવા અહીં દરબારમાં (સભાખંડમાં) ન લાવી શકાય?’ અન્ય દરબારીઓ તો આ પ્રશ્ન સાંભળી મૌન થઈ ગયા હતા એટલે રાજાએ એલાન કર્યું કે જે કોઈપણ બગીચાની હવા આ દરબારમાં લાવશે તેને હું એક હજાર સોનામહોર આપીશ.
          સોનામહોરની જાહેરાતથી સૌ આકર્ષાયા હતા, પણ પ્રશ્ન એ હતો કે બગીચાની હવાને દરબારમાં લાવવી કઈ રીતે? બધાના નિરાશ ચહેરા જોઈને રાજાએ પણ નિસાસો નાંખ્યો: મને લાગે છે કે કોઈપણ દરબારી બગીચાની હવા નહીં લાવી શકશે.’ એ દરબારમાં તેનાલીરામ પણ બેઠો હતો એટલે એ તરત ઊભો થયો ને બોલ્યો, હું એ હવાને કેદ કરી લાવ્યો છું, આપની આજ્ઞા હોય તો અહીં તેને છોડી દઉં! રાજા ખુશ થઈને બોલ્યા, નેકી અને પૂછ પૂછ? ક્યાં છે હવા? દરબારમાં છોડી દો એને..
              તેનાલીરામે તરત જ બહાર ઉભેલા દશ માણસોને બોલાવ્યા. આ દરેકના હાથમાં ખસખસ, ગુલાબ, ચમેલી જેવા ફૂલોમાંથી બનાવેલા પંખા હતા, જેમાં અત્તર ભેળવેલું હતું. તેનાલીરામે દશેય વ્યક્તિઓને રાજાની પાછળ ગોઠવાઈ જવાનો આદેશ કર્યો અને કહ્યું કે હવે તમે પંખાને હળવેથી હલાવાતા રહો બસ. થોડીવારમાં દરબારમાં ખુશબોદાર અને ઠંડી હવા પ્રસરી ગઈ! બધાએ તેનાલી રામની જયજયકાર બોલાવી. રાજાએ વચન મુજબ એક હજાર સોનામહોર આપીને કહ્યું, તેનાલી રામ તારી અંદર કોઈપણ સમસ્યામાંથી ઉકેલ મેળવવાની ક્ષમતા છે.’
            વાર્તા ભલે કાલ્પનિક હશે પણ ખાલી થતી શાળા અને વર્ગખંડમાં પ્રસન્નતા અને મૂલ્યો સિંચવા માટે આપણને એક રસ્તો તો ચીંધે છે. અગાઉ કહ્યું તેમ મૂલ્યો સાપેક્ષ છે અને તેને દરેક પરિસ્થિતી અને વ્યક્તિ પોતાની રીતે સમજે છે અને સમજાવે છે. આજના વિદ્યાર્થીઓમાં કોઈ મૂલ્ય જેવુ રહ્યું નથી ત્યારે તેનો સંદર્ભ બોલનાર વ્યક્તિને જોઈતા વર્તનથી જુદા(અણગમતા) વર્તનનો અનુભવ હોય છે. પંદર-વીસ વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ આજે રસ્તામાં કે કોઈ મેળાવડામાં મળી જાય તો વાંકા વળીને અભિવાદન ઝીલે, પણ છેલ્લાં ચાર-પાંચ વર્ષના કોઈ વિદ્યાર્થીઓ આ રીતે મળે તો હાથ મિલાવે અથવા એટલુંયે નહીં કરે માત્ર હળવું સ્મિત કરે! (શક્ય છે એટલુયે ન કરે!!)
             શરૂઆતમાં આવું અજુગતું લાગે પણ બહારની દુનિયાની હવા આવી બની રહી છે એ તો સ્વીકારવું જ પડે. જેમ બગીચાની હવા દરબારમાં લાવવાની હતી તેમ બહાર(સમાજ)ની હવા (રીત-રસમ, રીતભાત)ને ક્યારેક થોડા ફેરફાર સાથે વર્ગખંડમાં લાવી શકાય કે કેમ તે વિચારવું આપણાં માટે હવે ફરજિયાત અને અનિવાર્ય બન્યું છે સમજો. ખરેખર તો આપણાં સૌની મથામણ તેનાથી ઉલટી દિશામાં ચાલે છે. વર્ગખંડ (દરબાર)માંથી વર્તનરૂપી હવાને બહાર સમાજ (બગીચા)માં લઈ જઈએ છીએ! ખોટું નથી?! શિક્ષણને સમાજ પરીવર્તનનું સાધન ગણવામાં આવ્યું છે એ દ્રષ્ટિએ વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને વર્તન-પરીવર્તન કરીને બહાર મોકલવાના છે એવા જુનવાણી ખ્યાલમાં આપણે જીવીએ છીએ.
            પણ આ વાર્તા અહીં મૂકવા પાછળનો હેતુ હવેથી જરા ઊંધી દિશામાં વિચારવાનો છે. મતલબ બગીચામાંથી દરબારમાં સુગંધ અને ઠંડી હવાને લાવવાનો! સમાજમાંથી વર્ગખંડમાં મૂલ્યોને  લાવવાનો. ઘણાને આ સાવ અજુગતું અને હમ્બગ લાગશે એટલે એ બાબતે સ્પષ્ટતા કરીએ. શું આપણે ટ્રાફિકનો એક નિયમ (ડાબી બાજુ જ ચાલવું કે વાહન ચલાવવું) સમજાવી અને તે ઉદાહરણ દ્વારા વર્ગખંડમાં દાખલ થવા કે બહાર જવા માટે વિદ્યાર્થીને ડાબી બાજુથી જ જવાનું ન શીખવી શકીએ? ટી.વી.માં સમાચાર વાચક દ્વારા થતી પ્રવાહી અને શુદ્ધ રજૂઆતનું ઉદાહરણ સમ્જાવી વર્ગમાં કે પ્રાર્થના સંમેલનમાં થતી રજૂઆતને સત્વશીલ ન બનાવી શકીએ?
          શેરી-મહોલ્લામાં આવતી કચરાગાડીના મજૂરોની સ્થિતિનું વર્ણન કરીને વિદ્યાર્થીઓમાં ઓછામાં ઓછા કચરા નું મૂલ્ય ન સીંચી શકાય કે? આવા કઈંક કેટલાયે ઉદાહરણો શિક્ષકો અને આચાર્યોએ વિચારવા પડશે. જો ન કરીશું તો વિદ્યાર્થીઓમાં કઇં મૂલ્યો નથી રહ્યાનો અજંપો કાયમ માટે પીડશે. આપણી આસપાસની સ્થિતિનું સતત અવલોકન શિક્ષક જીવનનું કર્તવ્ય બનવું જોઈએ. જે એમ કરે છે તેને સમસ્યાઓમાંથી વિકલ્પો મળશે, ભલે થોડું મોડું થાય.
            સારાંશમાં, વર્ગખંડ દરબારમાં રાજા જે તે શિક્ષક છે. હા, વર્ષ દરમ્યાન ક્યારેક વર્ગમાં રાજાઓ બદલાય છે, પણ દરબારીઓ તેના તે જ રહે છે. અહીં સવાલ તો મૂલ્યરૂપી સુગંધ અને ઠંડક લાવવાની વાત છે. આશા છે કે ઉપરના વિચારો તમને એ બાબતે પ્રેરિત કરશે.

- ડૉ. વિજય મનુ પટેલ 

Monday 2 September 2019

SETU Visit - 2019


વડીલો અને વ્હાલા મિત્રો,
        વિકાસની પ્રક્રિયા આસાન નથી હોતી. દેશ પ્રગતિના પંથે જરૂર છે. શહેરથી દૂરના ગામડાઓમાં રસ્તા, વીજળી જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે પરંતુ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સ્થિતિ હજી સંતોષકારક નથી.
        શહેરની શાળાના વિદ્યાર્થીઓ ગામડાની શાળાના વિદ્યાર્થીઓને કશુંક શીખવે, સાથે રમે અને સાથે પ્રવૃત્તિઓ કરે તેવા વિચાર સાથે મેં સેતુ પ્રકલ્પને અમલમાં મૂક્યો છે. ચાર વર્ષથી ચાલતા આ પ્રકલ્પમાં અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓ જોડાયા છે અને તેનાથી માત્ર ગામડાના વિદ્યાર્થીઓને જ પ્રોત્સાહન નથી મળ્યું પરંતુ ત્યાંના શિક્ષકોએ પણ આવી હેતુસભર મુલાકાત અને પ્રવૃત્તિઓને વધાવી છે.
        તારીખ 30-8-2019ના રોજની આ મુલાકાત એક શહેર અને બે ગામડાની શાળા વચ્ચેનો સેતુ બની રહી હતી. સાંધીએર ગામની પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાનમેળો આયોજિત થયો હતો. શહેરના વિદ્યાર્થીઓને આ મેળો અજુગતો એ રીતે લાગ્યો હતો કે એમાં માત્ર છ જેટલી જ કૃતિઓ હતી! એકંદરે આ અનુભવ તેઓને માટે અનોખો હતો.
        અછારણ ગામની શાળા સાથે શહેરની (મારી) શાળા નિયમિત રીતે જોડાયેલી રહે છે એટલે દર વર્ષની જેમ ગામડાના વિદ્યાર્થીઓ સાથે ભળી જવાનો અવસર યાદગાર બની રહ્યો. આ વખતે પણ અમે ત્રણ શિક્ષકો અને સોળ જેટલા વિદ્યાર્થીઓએ ગામડાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સેતુરચ્યો! અછારણની શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી અને સાથે ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરીને અમે સૌ કૃતકૃત્ય થયા હતા. આ દિવસની કેટલીક ક્ષણો આ રહી:













આ જ પ્રવૃત્તિઓને વિડિયો સ્વરૂપે નિહાળવા માટે આપને નીચેની link પર click કરવા અનુરોધ છે!
                 https://youtu.be/SEO6mwyKuyU
સામાજિક પરિવર્તનની નવી દિશા ચીંધતી આ પ્રવૃત્તિ આપને ગમી જ હશે! આપનો અભિપ્રાય નવી પ્રેરણા આપશે.

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...