શિક્ષક-વાલી સંવાદ: સર્વાંગી વિકાસની અનિવાર્યતા
રજાના એ દિવસે હળવા મૂડમાં કેટલાક
શિક્ષક-આચાર્ય ભેગા મળ્યા હતાં ત્યારે એમની ચર્ચા વચ્ચે એક સૂર ઉઠ્યો હતો: ‘આ લોકોને
શાળા શિક્ષણના સંચાલનમાં ઘૂસવા જ ન દેવાય. વારંવારની એમની દખલ રોજિંદા શિક્ષણને
ડિસ્ટર્બ કરી મૂકે છે.’ બીજાએ સૂર પુરાવ્યો હતો: તમારી વાત સાચી છે. પણ બીજા એક
શિક્ષકે જુદી વાત કરી હતી: ‘કેટલેક અંશે તમારું મંતવ્ય સ્વીકાર્ય છે પણ વાલીઓના સહકાર
વિના બાળકોના બધા જ પ્રશ્નો આપણે ઉકેલી ન શકીએ એ પણ હકીકત છે.’ ઘડીક
શાંતિ પઠરાઈ ગઈ હતી. વાત ચિંતન કરવા જેવી હતી એટલું મનોમન સ્વીકારીને કોઈ ઉકેલ
વિના બધા વિખરાઈ ગયા હતાં.
પચાસેક
વર્ષના કોઈ વ્યક્તિને તેમના સમયની શિક્ષણ વ્યવસ્થા વિશે પૂછશો તો ઘણુબધું કહેશે, પણ એક
વાત અચૂક કહેશે કે, ‘હું ક્યાં અને કેવું ભણતો હતો તેના વિશે મારા મા-બાપને
બિલકુલ જાણ નહોતી. કદાચ તેઓ શાળામાં મુલાકાત આવ્યા હોય તેવું પણ મને જાણમાં નથી.’ આ સાચું
હશે કેમ કે તે સમયે સંતનોને ભણાવવા બાબતે ‘ઘર’ તરફથી
કોઈ જ દખલ નહોતી. શિક્ષક જે કહે તે ‘બ્રહ્મવાક્ય’ ગણાતું.
હા, એ વખતે વડીલોનું શિક્ષણ પણ ઝાઝું નહોતું એટલે તેમના સંતાનો પાસે પણ એવી
અપેક્ષા તેઓ રાખતા નહોતા!
સમય
બદલાયો, વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક-સામાજિક વિચારસરણીમાં પરિવર્તન
આવ્યું, તેની સાથે શિક્ષણ મનોવિજ્ઞાનના ઘણા ફેરફારો સ્વીકૃત બનવા
લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. તેથી
જેમ વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સારા સંબંધો રહેવા જોઈએ તેમ શિક્ષક-વાલી વચ્ચે પણ
રહેવા જોઈએ. મતલબ શાળાઓ સાથે કુટુંબ(સમાજ)નું જોડાણ આજના સમયનો નવો વિચાર છે.
જોડાણનો મતલબ બંને સાથે મળીને શાળા ચલાવે એવું નહીં, પરંતુ
બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને કેટલાક નિર્ણયો લે
તે છે.
શિક્ષક
અને વાલી વચ્ચેનો સૌથી પહેલો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે, જે બંને
વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાંખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ
કરતાં પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્ત્વની ગણાય, એ
દ્રષ્ટિએ દરેક વર્ષે નવા સત્રની શરૂઆતમાં શિક્ષક-વાલી વચ્ચેની પરિચય મિટિંગ થવી જોઈએ. આ મુલાકાત
એકમેકની ફરિયાદ કરવા માટેની નહીં થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ કેમ કે તેમ થવાથી
બંને પક્ષને કોઈ લાભ તો થતો જ નથી, પરંતુ
વિદ્યાર્થીઓના વિકાસમાં તે અવરોધરૂપ બની જાય છે.
વાલીના
પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ
મેળવે તે જ હોવો જોઈએ. આ માટે તેમના મનમાં આવા પ્રશ્નો હોય એ ઇચ્છનીય છે કે: મારુ
સંતાન બીજા બાળકો સાથે ભળી શકે છે ખરું? સમૂહ
પ્રવૃત્તિઓમાં તેની સામેલગીરી કેવી રહે છે?
વાંચન-લેખન માટે હું (વાલી તરીકે) તેને કઈ રીતે મદદરૂપ થઈ શકું તેમ છું? મારા
સંતાન માટે કોઈ ખાસ પ્રવૃત્તિનું સૂચન છે? સંતાનની
ઘરવર્તણૂક સામે કોઈ રજૂઆત કરવાની છે? આવા પ્રશ્નોનાં
સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી સંતાનના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે.
શિક્ષકો
સાથેની મુલાકાત બાબતે બીજી એક-બે વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એક, અગાઉથી
ચોક્કસ સમય નક્કી કરીને જ મળવું જોઈએ અને બે, આવી
મુલાકાતો બહુ લાંબી ન જ થવી જોઈએ. જે તે શિક્ષકના વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ
હોય છે એટલે દરેકનું વ્યક્તિગત સમાધાન એકસાથે ન થઈ શકે. હા, આવી
મુલાકાતમાં પણ દોષારોપણને બદલે સમસ્યાના સમાધાનને શોધવાની કવાયત રહેવી જોઈએ. આ
માટે શિક્ષક અને વાલી બંને પ્રસન્ન હોય એ અત્યંત આવશ્યક છે. જે તે વિદ્યાર્થીની
નબળાઈ અને ક્ષમતા(તાકાત)થી વાકેફ થઈ ને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર
કામ થઈ શકે છે.
જ્યોર્જ
લિયોનાર્ડનો વિચાર છે કે, ‘જે સ્વયંને બદલી શકે એવી બધી જ પ્રવૃત્તિ શિક્ષણ છે(Education
is, doing anything that changes you).’ અર્થાત, બાળકો
સાથે સંકળાયેલા સૌ પોતાના સારા કામ થકી તેના વ્યક્તિત્વને નિખારી શકે છે. એ
દ્રષ્ટિએ વાલી-શિક્ષકો વચ્ચેનો સંબંધ વિદ્યાર્થીઓના પરિવર્તનમા મહત્ત્વનો સંબંધ છે.
એમ છતાં આપણે ત્યાં બંને
વચ્ચે મોટી ખાઈ જોવા મળે છે કેમ કે બંને વચ્ચેની મુલાકાત મોટાભાગે એકબીજાની ફરિયાદ
માટે જ થતી જોવા મળે છે. વિદેશોમાં આવી મૈત્રી(Relationship)ને
બાળકોની વિચારશક્તિને ખીલવવામાં ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.
રિઝો-1999
અને પાર્ચ-2011ના સંશોધનોનો સાર એવો હતો કે, નિયમિત
રીતે વાલી-શિક્ષક વચ્ચેની ટૂંકી મુલાકાત શાળા-સમાજના સંબંધને પ્રોત્સાહિત કરે છે.
એકબીજાના જ્ઞાન-માહિતીની અદલાબદલીથી બંને પક્ષે વૈચારિક વાતાવરણમાં સુધારો થાય છે.
વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક, બાળકોની
જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે, જે વર્ગખંડ
શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે. ઓબ્રે-2011નો અભ્યાસ પણ એ વાતની
પુષ્ટિ આપે છે કે જ્યારે શાળા અમુક ખાસ પ્રવૃત્તિ કે અભ્યાસલક્ષી નિર્ણયોમાં
વાલીઓને સામેલ કરે છે ત્યારે બાળકના વિકાસમાં તેની હકારાત્મક અસર પડે છે.
બદલાયેલી
સામાજિક-આર્થિક પરિસ્થિતમાં કુટુંબ વ્યવસ્થામાં ઘણા પરિવર્તનો આવ્યા છે. સંયુક્તમાંથી
એકાંગી કુટુંબો વધ્યા છે. શિક્ષણ મેળવેલ દંપતીઓ(વાલીઓ) નોકરી-વયવસાયમાં જોડાવા
તત્પર બન્યા છે. ઇન્ટરનેટ-મોબાઈલ ટેક્નોલૉજી રોજિંદા જીવનમાં હાવી બની રહી છે
ત્યારે સંતાનની મુશ્કેલીઓ ઘર અને શાળામાં કઈ અને કેવી છે તે જાણવું અતિ આવશ્યક
બન્યું છે. આવા સંજોગોમાં તરુણ વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેની વૈચારિક ક્ષમતાને
ઊર્ધ્વગામી બનાવવાનો શ્રેષ્ઠ રસ્તો શિક્ષક(શાળા)-વાલી(સમાજ) વચ્ચેના
સંવાદિતાપૂર્ણ સંબંધોને વિકસાવવાનો જ જણાય છે.
શિક્ષક
અને વાલી, બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી(બાળક)છે, જેના
સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી
ભોગોલિક અંતર ધરાવે, પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો-પ્રવૃત્તિઓ
વચ્ચેનું અંતર ન્યૂનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે. તેથી જ, દરેક
શાળાઓને વાલી જેવા શિક્ષક અને દરેક કુટુંબને શિક્ષક જેવા વાલીઓની જરૂર છે એ ન જ ભૂલીએ.
-ડૉ. વિજય મનુ પટેલ
(ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)
No comments:
Post a Comment