Monday 19 September 2016

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!


                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  સાહેબ, મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી અપેક્ષાએ તેની બધી જરૂરિયાતો પૂરી કરી છે. જોઈતી બધી વસ્તુઓ અપાવી છે, પણ ભણવામાં હજી કોઈ વળતર નથી મળતું. શાળા-કોલેજો આખા દિવસની કરી દો સર! હું તો વર્તમાન શિક્ષણના પરીવર્તનથી જુદું જ વિચારી રહ્યો હતો, જેમાં શાળા-કોલેજના થોડા કલાક બાદ વિદ્યાર્થીઓએ નાના નાના કામો કે વ્યવસાય કરીને થોડા પૈસા કમાય. પણ વાલીએ સૂચવેલો વિકલ્પ તો હજીયે વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં રોકી રાખવા બાબતે હતો.!

                        મેં તાત્કાલિક તો કોઈ ઉપાય તેમને આપ્યો જ નહોતો અને મારો વિચાર પણ તેમને વહેંચ્યો નહોતો. વાલીની ફરિયાદ સાચી હતી પણ પોતાનું સંતાન સારું ભણે તે માટે તેમણે અજમાવેલા રસ્તાઓ યોગ્ય નહોતા. મને જે વિચાર આવ્યો છે તે આવી સમસ્યામાંથી જ નીપજેલ હતો. શાળા-કોલેજના સંતાનોને પોતાના શોખ પૂરા કરવા માટે જે થોડી નાણાકીય આવશ્યકતા રહે મા-બાપ આપે જ એવો હઠાગ્રહ વર્ષો જૂની આપની સમાજ વ્યવસ્થાનો જ ભાગ છે. સંતાન જાતે કામાતુ ન થાય ત્યાં સુધી (અને ત્યાર બાદ પણ!) મા-બાપે જ રૂપિયા ખર્ચ્યા કરવાના એ ભારતીય કૌટુંબિક વિચારધારા છે અને હજીયે પ્રસ્તુત જ છે.

                       
                         પણ હવે આ વ્યવસ્થામાં ગાબડું પડે અથવા પાડવાના પ્રયત્નો થાય તો શું એ વિશે વિચારીએ. આમ તો જે વિકસિત દેશો છે ત્યાં મોટેભાગે વિદ્યાર્થીઓ પોતાના ભણવાના અને સાથે થોડા મનોરંજનનો ખર્ચો જાત કમાઈથી કાઢે છે. વાલીઓ ઈચ્છે તો મદદ કરે, પણ સંતાનો એવી માંગણી કરવામાંયે ક્ષોભ અનુભવે છે. તરુણાવસ્થામાં આવે ત્યારથી વિદ્યાર્થીઓ પોતે આર્થિક ઉપાર્જન બાબતે સક્રિય થઈ જતાં હોય છે.

                        આપણે ત્યાંના યુવાનો આવું બિલકુલ વિચારતા નથી. હા, થોડી હવા મહાનગરોમાં દેખાય છે ખરી, પરંતુ ભારતીય સમાજ વ્યવસ્થામાં આ બાબતે મોટા પાયે બદલાવ આવે તો કઈં ખોટું નથી. શાથી? ઉચ્ચતર માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ કરતાં હતા સંશોધનમાં તેઓના અનુભવ ઘણા ફળદાયી જણાયા હતા. નાણાકીય વળતરનો લાભ તો ખરો જ પણ તેની સાથે જવાબદારી કઈ રીતે નિભાવવી, સમયપાલન કઈ રીતે થાય, વડીલો સાથે કેવી રીતે વાતચીત કરવી, દુનિયામાં જે ફેરફારો આવી રહ્યા હોય તેનાથી વાકેફ થવું વગેરે જેવા અનેક લાભો મળે છે. ખરા અર્થમાં શિક્ષણની વ્યવહારુ તાલીમ આ રીતે જ મળે છે.

                        બીજું, આ રીતે વ્યસ્ત તરુણો બીજી અનેક સમસ્યાઓમાંથી બચી શકે છે. નવરા નખ્ખોદ વાળે એ કહેવત માનવશ્રમના દુર્વ્યયને જ રજૂ કરે છે.  માત્ર શાળા કે કોલેજમાં ચાર-પાંચ કલાકો વિતાવીને બાકીનો સમય, મોટાભાગના તરૂણો અને યુવાનો માટે હરવા-ફરવા અને મનોરંજનમાં જ વીતી જતો હોય છે. (અપવાદરૂપ કિસ્સામાં તેનો અભ્યાસ પાછળ ઉપયોગ થતો હોય છે.) આ સમયમાં થતી મોટાભાગની પ્રવૃત્તિઓ ઉત્પાદક હોતી નથી, એટલું જ નહીં ઘણી વખત આવા સમયમાં જ  યુવાનો ખોટી રીતભાત, ખોટી આદત અને ખોટા સંબંધોમાં સરી પડતાં હોવાનું જણાયું છે.

                        તેથી જો શાળા-કોલેજના સમય બાદ તેઓને અન્ય કોઈ આવડત વધે અને સાથે થોડું વળતર પ્રાપ્ત થાય તેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો બેવડો લાભ મળે છે. પોતાના ખર્ચને પહોંચી વળ્યાનું સ્વમાન મળે અને સાથે કઇંક નવી જવાબદારી કે આવડત કેળવ્યાનો સંતોષ પ્રાપ્ત થાય. કામની જવાબદારી વ્યક્તિને વધુ પરિપક્વ બનાવે છે એ હકીકતનો અસ્વીકાર થઈ શકે તેમ નથી.

                        કોલેજમાં દાખલ થતાં પહેલાંથી જ વિદ્યાર્થીઓમાં આ અંગેનો હકારાત્મક અભિગમ વિકાસવા માંડે તો આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ કેળવવાના બીજા પ્રકલ્પો કે ખાસ વર્ગો ભરવાની આવશ્યકતા ન રહે. જાતે કમાયેલું ધન, કરકસર નાગરિક બનાવવામાં પણ લાભદાયી બની રહે છે.

                        કોલેજના વિદ્યાર્થીઓ ઉંમરની દ્રષ્ટિએ થોડા પરિપક્વ હોય છે તેથી આવા વ્યાવસાયિક કામ માટે વાલીઓ તરફથી સહકાર ઝડપથી મળે, પરંતુ શાળાના વિદ્યાર્થીઓને આવું કામ (ખાસ કરીને વળતર મેળવવાના હેતુથી) કરાવવા બાબતે ભારતીય વાલીઓ ઉત્સાહી નહીં જ બને. આની પાછળના મુખ્ય કારણોમાં રોજના ચાર કલાકથી વધુ સમય કોઈ કામમાં જોડાવું પડે તો પાંચ દિવસ મુજબ 20 કલાકથી વધુ શારીરિક-માનસિક શ્રમમાં જાય, એને લીધે ભણતરની ગુણવત્તા પર સીધી અસર પડે. શાળાનું ગૃહકાર્ય અધૂરું રહે. લાંબેગાળે ડોપાઉટનો પ્રશ્ન પણ કદાચ આવે!

                        વળી, બધા જ વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ માટે સક્ષમ હોતા નથી. શારીરિક અને માનસિક રીતે પણ. અન્ય કેટલાકને તેની કોઈ જ આવશ્યકતા જણાતી હોતી નથી. અને થોડા કિસ્સામાં વાલીઓ પોતાના સંતાન બાબતે વધુ પડતાં પસેસીવ હોવાથી તેઓ ક્યારેય આ બાબતે વિચારશે જ નહીં!

                        શાળા-કોલેજના જે વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ માટે જોડાશે તેઓએ અભ્યાસ સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ (વિજ્ઞાન મેળો, રમત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા વગેરે..)નો ભોગ આપવો પડે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય અને જોબ મેળવવામાં કૂદી પડે તો આગળનો અભ્યાસ પડી ભાંગવા સંભવ છે. પૈસા કમાવવાની લ્હાયમાં કારકિર્દી સંકોચાઈને રહી જાય એવું બને.

                        આ વ્યવસ્થાના ઉપર મુજબના લાભાલાભ છે. જે તે સરકારે પોતાના સમાજ અને શાસન વ્યવસ્થા અનુસાર વિચારવું પડે. માત્ર સૈદ્ધાંતિકને બદલે વ્યવહારુ જ્ઞાન મેળવવાની તક યુવાનોને લગ્નજીવન પહેલાં મળે તો કૌટુંબિક સ્થિરતા આપવામાં મદદરૂપ બની શકે છે એ દ્રષ્ટિએ એ સ્વીકારવાની લાલચ થાય પણ પૈસા પૈસા ની માનસિકતા, સંબંધોમાં નવા પ્રશ્નો ઊભા કરે એવું બને.

                        આ બંને વચ્ચે તરુણો અને યુવાનો માટે એક મધ્યમ માર્ગ એ રીતે વિચારી શકાય કે શાળા-કોલેજના વર્ષો દરમ્યાન અમુક કલાકની સમાજસેવા’(વળતર વિનાનું કાર્ય) ફરજિયાત બનાવવામાં આવે. આમાં આર્થિક વળતર ન હોય પણ કામનો અનુભવ મળે. વર્ષના થોડાક જ કલાકો (કે દિવસો)નું કામ હોય એટલે વૈધિક શિક્ષણમાં પણ ઝાઝો અવરોધ ન આવે.

                        સૈદ્ધાંતિકની સાથે પોતાના ગમતા ક્ષેત્રે કામ કરવાનો થોડો અનુભવ વિદ્યાર્થીઓને જવાબદારીનું ભાન કરાવે અને એ રીતે સારા નાગરિક બનાવવામાં મદદરૂપ થાય. પાર્ટટાઈમ જોબ કે સમાજસેવાની રીતે વર્ષના થોડા કલાકો કે દિવસો વ્યવહારુ જ્ઞાન કે અનુભવ મેળવવામાં વિદ્યાર્થીઓ કાઢે તેમાં ગેરલાભ કરતાં લાભો ઘણાં છે છતાં વાચક તરીકે આપ પણ એ બાબતે મંથન કરી જુઓ.


-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 19/6/16)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...