Sunday 24 March 2013

વિશ્વ શિક્ષણ ક્ષેત્રના દુ:ખદ-સુખદ સમાચારો



           દેશની શિક્ષણ વ્યવસ્થાથી હટીને જરા સરહદ-પારના દેશોની શિક્ષણ વ્યવસ્થા પર આજે નજર દોડાવવી છે. ચાલો, મારી સાથે. લાઈબેરીયા યુનિવર્સિટીમાં પોતાના શરૂઆતના થોડા દિવસો દરમ્યાન એક પુરુષ વિદ્યાર્થીએ ફામતા અડ્રેકિસને પૂછ્યું– તેં Sex 101 વર્ગ પસંદ કર્યો છે?’ તારો મતલબ શો છે?’ ફામતાએ સામો પ્રશ્ન કર્યો હતો. હકીકત એ છે કે Sex 101 એ બાબતનો નિર્દેશ કરે છે કે એને સ્વીકારનાર વિધાર્થીનીએ પાસ થવા માટે પોતાના પુરુષ અધ્યાપક સાથે શારીરિક સંબંધ બાંધવો જ પડે. યાને કે ગ્રેડ મેળવવા માટે પોતાની જાતને અધ્યાપક સાથેના જાતીય સંબંધથી અપગ્રેડ કરવી પડે! વિચિત્ર અને અનૈતિક લાગે તેવી આ રસમ માત્ર લાયબેરિયાની યુનિવર્સિટીમાં જ નહીં પણ આફ્રિકાના સમગ્ર સબ-સહરાન વિસ્તારની આ સામાન્ય બીના છે.
        એકશન એઇડ નામની સંસ્થાએ કરેલા સર્વેક્ષણ મુજબ પોતાના અભ્યાસકાળ દરમ્યાન લાઇબેરીયન યુનિવર્સિટીની ૮૫ ટકા વિદ્યાર્થીઓની શારીરિક રીતે કનડગત કરવામાં આવે છે અથવા તો તેમને સેક્સ માટે ફરજ પાડવામાં આવે છે. કેટલીક વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે જો તેઓ પોતાના પુરુષ પ્રાધ્યાપક સાથે આમ કરવા ઇનકાર કરે તો તેમને ફરીથી તે જ વર્ગમાં(રીપીટર તરીકે) ભણવાનું દબાણ કરવામાં આવે છે. પુરુષ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને સીટી મારવી, અભદ્ર ભાષામાં કોમેન્ટ કરવી કે સ્પર્શ કરવા જેવી હરકતો એક સામાન્ય ઘટના બની છે. યુનિવર્સિટીની નબળી આંતરમાળખાકીય સુવિધા, સાંજ પછીના વર્ગો છતાં રાત્રી લાઇટનો અભાવ વગેરે જેવી વિષમતા સ્ત્રી શિક્ષણ માટે કોઈ રીતે પ્રોત્સાહક સ્થિતિ નથી.         
        આ સ્થિતિમાં અડ્રેકિસે યુનિવર્સિટીમાં જ વુમન ફોરમ નામનું જૂથ શરૂ કર્યું છે કે જે આવા બનાવોની જાણકારી મેળવી જે તે સત્તાધીશો સમક્ષ રજૂ કરીને ગુનેગારો સામે કડક પગલા લે. ઉપરાંત, આ ફોરમનું એક ધ્યેય પુરૂષોને શિક્ષિત કરવાનું પણ છે, કે જે સ્ત્રીઓના અધિકારને જાણે અને કનડગત ઘટાડે. ગત ફેબ્રુઆરીમાં એક મિટિંગ થઈ જેમાં આની જાગરૂકતા અંગે પ્રચાર-પ્રસાર કાર્ય આરંભાયુ છે. એક દેશની વિષમ પરિસ્થિતિમાં ઝાંસીની રાણી બનવા તરફ જઈ રહેલી વીરાંગના ફામતા અડ્રેકિસ ને આપણી હાર્દિક શુભેચ્છા.
        હવે વાત કરીએ વિકસિત દેશ ફ્રાંસની. થોડા દિવસ પહેલાં ફ્રાંસના શિક્ષણ પ્રધાન વિનસેન્ટ પેઈલોને એવું જાહેર કરી દીધું કે શાળાઓમાં ઉનાળુ વેકેશન આઠને બદલે છ અઠવાડિયાનું રહેશે! આમેય પેઈલોન શિક્ષણ સુધારણા માટે વધુ મક્કમ હતા. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે વિધાર્થીઓએ અઠવાડિયાના મધ્યે મળતી રાજા છોડી દેવી અથવા દરરોજના ટાઈમ ટેબલમાંથી ૪૫ મિનિટ ઘટાડીને શનિવારે સવારે વર્ગો ભરવાના રહેશે. આવા નિર્ણયથી સ્વાભાવિક રીતે જ જેમ ભારતમાં થાય છે તેમ ત્યાં પણ થયું. વાલીઓ અને શિક્ષકો વિરોધ દર્શાવવા શેરીમાં ઉતરી પડ્યા! જો કે ફ્રાંસના વિદ્યાર્થીઓ અઠવાડિયાના ચારને બદલે સાડા ચાર દિવસ ભણે એવી આશા સેવતા પેઈલોને સ્પષ્ટ કર્યું કે આનો અમલ ૨૦૧૫ પહેલાં થશે નહિ.
        ફ્રાંસ પાસે દિવસો લાંબા, પણ ટૂંકું શાળા જીવન છે એમ કહેતા ગયા વર્ષે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ફ્રાંકોઇસ હોલાન્ડેએ શિક્ષણ વ્યવસ્થામાં ગૃહકાર્યમાં ઘટાડો કરવા તથા નબળા વિદ્યાર્થીઓને પણ ફરી પાછા તે જ વર્ગમાં ભણવું ન પડે તેવી સુધારણા બાબતે લોકોને વચન આપ્યું હતું. હોલાન્ડેના આયોજન મુજબ બુધવારના રજાના દિવસ સિવાય સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં બે કલાકનો ભોજન વિરામ આપીને અઠવાડિયામાં સાડા ચાર દિવસ શિક્ષણ કાર્ય ચલાવવાની ગણતરી છે. ફ્રાંસમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓ વર્ષમાં લગભગ ૮૪૭ કલાક શાળામાં ગળે છે. જ્યારે યુરોપના ઘણા દેશોમાં આ સમયગાળો ૭૭૪ કલાકનો છે. આમ છતાં, ગુણવત્તાની દ્રષ્ટિએ ફ્રાંસ પોતાના પડોશી દેશો અને અમેરિકા કરતાં પાછળ રહ્યું છે. આ સંદર્ભમાં બ્રિટીશ પત્રકાર પીટર ગમ્બેલ કહે છે કે તેઓ માટે શાળાના લાંબા કલાકો મોટી સમસ્યા છે. વળી તેઓનું શાળા શિક્ષણ જુનવાણી અને નિસ્તેજ બન્યું છે. તેઓના વર્ગખંડનું વાતાવરણ ખુબજ કઠોર જણાય છે. વિશ્વના વિકસિત દેશ વિશે પીટરે કહેલી વાતને ૮૦ ટકા પણ સાચી માનીએ તો વિકાસશીલ ભારતની શિક્ષણ વ્યવસ્થાથી તો આપણી છાતી ગજ ગજ ફૂલી જાય છે, બોલો હાચુ કે ની ?!
        હવે વારો આપણાં પડોશી દેશ ભૂતાન વિશે. થીમ્પૂ એની રાજધાની, અને એમાં આવેલી છે જીગ્મે લોસેલ પ્રાથમિક શાળા. આ શાળાની દીવાલો, દાદર બધુ જ વનસ્પતિ અને વેલાઓથી ઢંકાયેલું છે અને ત્યાં લખાયેલું છે ‘Let nature be your teacher’ (કુદરતને બનાવો તમારો શિક્ષક!). ૨૦૦૫થી હેડ્માસ્ટર તરીકે કાર્યરત ચોકી દુકપ્પાનું કહેવું છે કે આ અમારું અનધિકૃત સ્લોગન છે. આમ તો અમારો દેશ પહાડોથી ઘેરાયેલો છે પણ અહીં શહેરમાં બાળકો પોતાને પ્રકૃતિથી અળગા મહેસૂસ કરે છે એટલે અમે બહારની દુનિયાને આ રીતે શાળાના પર્યાવરણમાં સામેલ કરી છે. એ યાદ રહે કે ૨૦૦૯થી ભૂતાને જાહેર ક્ષેત્રે હરિયાળી રાષ્ટ્રીય ખુશી કાર્યક્રમ(Gross National Happiness) હાથ ધર્યો છે, જે અંતર્ગત શિક્ષણમાં પણ ગ્રીન સ્કૂલ ગ્રીન ભૂતાનનો ખ્યાલ લાવવામાં આવ્યો છે.
        ગ્રીન શાળા માત્ર પર્યાવરણ સાથે સંબંધિત નથી પણ એક ફિલસૂફી છે. અમે બાળકોમાં ગ્રીન માઈન્ડને વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ શબ્દો છે ભૂતાનના શિક્ષણ પ્રધાન ઠાકુરસિંગ પોવડેલના. થીમ્પુની આ શાળામાં શાકભાજીનો બાગ છે અને બાળકો ખેતીની આવડતો શીખે છે. દરેક વર્ગને પોતાનું એક ઝાડ છે જેની સંભાળ તેણે રાખવાની હોય છે. ગ્રીન સ્કીમ યોજના અંતર્ગત પ્લાસ્ટિક બૉટલ અને નાની ડાળખીઓમાથી બનાવેલા ઝાડુ દ્વારા વિદ્યાર્થીઓ દરરોજ સવારે શાળાની સફાઈ કરે છે. દુનિયાના મોટા અને વિકસિત રાષ્ટ્રો સંપોષિત વિકાસની ચર્ચા વધુ કરે છે ત્યારે વિકાસમાં પછાત એવા ભૂતાનની આ શાળા અંધારા ખૂણામાંનો દીવો બનીને ઝળહળી રહી છે. આપણે પડોશી ભારતવાસી શું વિચારીશું?
        આપણે ત્યાં જેમ કેટલાકને વેલેન્ટાઇન ડે કે અંગ્રેજી ભાષા અંગે વાંધો છે તેમ ઇન્ડોનેશિયામાં પણ વાંધો પડ્યો છે. આવતા વર્ષથી પ્રાથમિક શાળામાં અંગ્રેજીનું શિક્ષણ બંધ થઈ જશે! દેશના શિક્ષણ અને સંસ્કૃતિ ખાતા સાથે સંકળાયેલા પ્રધાન મુસ્લીયર કાસીમે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં હવે અંગ્રેજીમાં પાઠો નહિ હશે કેમ કે વિદ્યાર્થીઓ ઇન્ડોનેશિયન ભાષાને બરાબર સમજી શકતા નથી. વધુમાં, સરકાર ઈચ્છે છે કે ઇન્ડોનેશિયન કલા-સંસ્કૃતિ અને ધર્મના શિક્ષણ પર વધુ ભાર અપાય. તેથી અંગ્રેજી ભાષા માત્ર જુનિયર હાઈસ્કૂલ(માધ્યમિક) કક્ષાથી જ શીખી શકાશે. દેશની પરીક્ષાના નબળા પરિણામોનું અવલોકન કરતાં જણાયુ છે કે વિદ્યાર્થીઓ પોતાની બહાસા ભાષાને બદલે અંગ્રેજી પાછળ વધારે પડતો સમય વ્યતીત કરતાં હતાં.
        આપણે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવા તરફ વાલીઓનો ઝોક ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે છતાં ભારતમાં આવો આક્રમક નિર્ણય લેવાય તેવી શક્યતા નથી કેમ કે આપણી પોતાની ભાષા કઈ એ બાબતે હજી ક્યાં આપણે એકમત છીએ? ખરું ને? અંતે, દુનિયાના આટલા પ્રશ્નો પણ તમારા મનમાં થોડા સ્પંદનો જગાવશે એવી આશા સાથે આજે અહીં જ અટકીએ.

                    -ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 25/03/13)

Monday 18 March 2013

સ્ટીવન સ્પિલબર્ગ: એક શિક્ષકથી કમ નથી !



        ભલે, દિવસભર કે આખું વર્ષ આપણી આસપાસ કામકાજની ભરમાર રહેતી હોય તો પણ મોટાભાગના લોકોને જે દુનિયાનું ઘેલું રહે છે તે છે મનોરંજનની દુનિયા. એ પછી હોલીવૂડ, બોલીવૂડ, કોલીવૂડ કે ટેલીવૂડ હોય. હમણાં આ ક્ષેત્રની એક મોટી હસ્તી ભારતની મૂલાકાતે આવી અને ભારતની ફિલ્મક્ષેત્રની મોટી મોટી ભારતીય હસ્તીઓની સાથે ગોષ્ઠિ પણ કરી. શિક્ષણની આ કૉલમમાં આજે એ હસ્તીની જ વાત કરવી છે જે શિક્ષણ જગતની નથી. ચાલો તો વાત માંડીએ હોલીવૂડ આઈકોન સ્ટીવન સ્પિલબર્ગ વિશેની.


        ડિસેમ્બર 18, 1946માં અમેરિકના સિનસિનાટી (ઓહાયો)માં માતા લીહ સ્પિલબર્ગની કૂખે જન્મનાર આ બાળક વિશે માતાએ કહ્યું છે કે- મોટાભાગના લોકો સપના જુએ છે. સ્ટીવન જુએ છે અને પછી પૂરા કરે છે.પોતાના પિતાનો 8 મિલિમીટરનો કેમેરો પકડીને ઘરઘથ્થુ ફિલમ બનાવવાની શરૂઆત કરનાર આજે દુનિયાના મોંઘામાં મોંઘો કેમેરો વાપરનાર બન્યો. એટલું જ નહીં દુનિયાનો શ્રેષ્ઠ અને સફળ દિગ્દર્શક-નિર્માતા બન્યો. તેની ફિલ્મ ચાલતી હોય ત્યારે બોક્સ ઓફિસ પર તેને ઓવેરટેક કરવાનું ગજું આજ સુધી દુનિયાના કોઈ દિગ્દર્શકના નશીબમાં આવ્યું નથી. તેમની પ્રતિભા વિશે તેના નજીકના સાથી જ્યોર્જ લુકાસ કહે છે કે- સ્ટીવન જેવા લોકો રોજ નથી આવતા. અને જો તેમ થાય તો તે અદભૂત હશે...તે તેની ઉંમરના ફિલ્મ નિર્માતાઓના જૂથમાં નહોતો. એ તો દૂ..ર...દૂ...ર તેઓથી પણ ઘણો આગળ હતો!
        સ્ટીવને પોતાના બાળપણના  અનુભવોને લઈને ઘણી ફિલ્મો બનાવી. પોલ્ટરઘીસ્ટ, ઇ.ટી. અને અમ્પાયર ઓફ ધી સન એમાની હતી. તેની માતા કહે છે કે તમે જ્યારે ઇ.ટી. જોશો ત્યારે ડાઇનિંગ ટેબલ પર અમારા કુટુંબને નિહાળી શકશો. આમ એક રીતે તેઓ સામાન્ય માનવીથી વિશેષ નહોતા. છતાં તેમની વિશેષતા એવા ખુલ્લાપણામાં રહેલી છે કે જે ઘણુખરું આપણાં ભારતીયોમાં નથી. તેમણે પોતાની અંગત જિંદગીને પણ બહુ જ નિખાલસતા સાથે જાહેરમાં કહી છે. જેમ કે, તેમના માતા-પિતાના સંબંધ વિચ્છેદ, ધર્મ વિશે પોતાની દ્વિધા, પ્રથમ દુખદ લગ્નજીવન અને પછી છૂટાછેડા વગેરે. ઉપરાંત લિફ્ટ કે વિમાનમાં બેસવામાં ડર કે સેટ ઉપર કામ કરતા વિચારતી વખતે આંગળી ચૂસવાની નાની નાની બાબતોને પણ ખુલ્લા દિલે કહી છે. બાળકોને શિસ્તમાં રાખવા બાબતે તેઓ ઉદાર છે. પોતાના બાળકોને તેની માતા (પોતાની પત્ની) પથારીમાં સૂઈ જવાનું કહેતી ત્યારે તેઓ બાળકને  નીચે જઈ રમવાની સલાહ આપતા! (ભારતીય મા-બાપો સ્વાભાવિક રીતે જ તેમના પત્ની તરફી રહેવાના, ખરું ને?)
        સ્પિલબર્ગનું વ્યક્તિત્વ આટલું નિખાર પામ્યું એની પાછળ ઘણા કારણો છે. પ્રથમ છે જીવનના  નાનામાં નાના દુ:ખ (ભય) અને સુખ (આનંદ)ની ક્ષણોને નજીકથી ઓળખવા-માણવાની તેમની કાબેલિયત. બાળકોના ટોળામાં તે એક મોટું બાળક હતું કે જેને 12 વર્ષે ફિલમ બનાવાનો વિચાર આવે! બીજું, એનામાં હતી તકનિકી કુશળતા. સક્ષમ સ્ટોરીલાઇન સાથે પડદા પર લગભગ જીવંત કરી દેવાની તેની કુશળતા તેને અસામાન્ય દિગ્દર્શકનો દરજ્જો અપાવી ગઈ. તેમની ત્રીજી ખાસિયત હતી ધિક્કાર, આતુરતા, પ્રેમ, સમર્પણ, ભક્તિ વગેરે જેવી નાનામાં નાની સંવેદનાને પણ સીધે સીધી કેમેરામાં કેદ કરી લેવાની કુનેહ. આવી નાની ક્ષણો કે દ્રશ્યોએ  જ દુનિયાના પ્રેક્ષકોને થિયેટર અને થિયેટરની બહાર વિચારતા કરી મૂક્યા છે. એક દ્વાર તરફ મોઢું રાખીને ઉભેલા છોકરા પર થોડી ક્ષણો સુધી કેમેરો સ્થિર રહે ને પછી પ્રવેશદ્વાર તરફના પ્રકાશમાં હલચલ શરૂ થાય...ને પછી? પછી?...બસ, આ જે ક્ષણો હોય છે તે જ સ્ટીવનની કમાલ છે! આ તો મેં શબ્દ દ્વારા તમને એકાદ દ્રશ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાકી જે છે તે તો તેની ફિલ્મોમાં છે.   
        એમના વ્યક્તિત્વની ચોથી વાત છે તેમના અનેક ક્ષેત્રોમાં રસ-રુચીની. આને લીધે તેઓ કોઈપણ વિષયવસ્તુને  સર્જનાત્મક રીતે ઢાળી શકતા હતા. વ્હેલ માછલી (Jaws-1975), પરગ્રહવાસી પ્રાણી (E.T.-1982), કે નામશેષ થયેલા ડાઈનોસોર્સ (The Jurassic Park-1993) પર ફિલ્મો બનાવે તો લાગે કે તેઓ માત્ર સાયન્સ ફિકસન ફિલ્મોના જ રચયિતા છે. પણ The Color Purple-1985 એ ગામડામાં રહેતી કાળી સ્ત્રીની વેદનાનું નિરૂપણ કરતી ગંભીર ફિલ્મ છે. એક ગોરી ચામડીના વ્યક્તિને એક કાળી સ્ત્રીની વેદના પર ફિલ્મ બનવાવનો વિચાર જ કઈં અસામાન્ય નથી?! તો Empire of the Sun જાપાન અને ચીન વચ્ચે બીજા વિશ્વયુદ્ધના થીમ પર આધારીત હતી. જેમાં પોતાના કુટુંબથી છૂટા પડી ગયેલા અને પછી કારાવાસમાં વેઠેલી બર્બરતાપૂર્ણ વ્યવહારની જીમની કથાને સ્ટીવને રજૂ કરી હતી. આમ, જુદા જુદા વિષયોની રુચી તેમને અનેક વિષયો પર અદભૂત ફિલ્મો બનાવવાની નિમિત્ત બની જેનો લાભ દુનિયાના પ્રેક્ષકોને પણ મળ્યો.
        અને એક અંતિમ ખૂબીની વાત પણ જાણીએ કે સ્પિલબર્ગની સફળતામાં હતી તેની દંભરહિત છબી. માત્ર પોતાને જ વધુ મહત્વ આપતી કે અતિ ગંભીર વિષયોવાળી ફિલ્મો બનાવવાનું તેમણે ટાળ્યું છે. જે ઓછું ભણાવે, તે અઘરું પેપર કાઢે તેવી ઉક્તિ શિક્ષણ જગતમાં પ્રચલિત છે. પરંતુ સ્ટીવન સામાન્ય લોકોને સમજાય તેવી ફિલ્મો બનાવવામાં માને છે. આ વિચારધારનું મૂળ તેની પૃષ્ઠ ભૂમિમાં રહેલું જણાય છે. તેમના જીવનના શરૂઆતના વર્ષો બહુ સાદગીપૂર્ણ હતા. સમૃધ્ધિના તેઓ વારસદાર નહોતા. તેમણે બહુ સારી ફિલ્મ સ્કૂલમાં પણ તાલીમ નહોતી લીધી. તેઓ અમેરિકાનું એક મધ્યમવર્ગી સંતાન હતા બસ. અને કદાચ એટલે જ તેમની ફિલ્મોને વિશાળ પ્રેક્ષકો પણ પ્રાપ્ત થયા છે. તેઓ કહે છે કે મારી ફિલ્મોમાં સામાન્ય માનવી, અસામાન્ય સ્થિતિમાં હોય છે એટલે લોકો પોતાની જાતને હિરો તરીકે બહુ આસાનીથી જોડી ડે છે!
        આ શિક્ષણની કૉલમ છે તો વાલીઓ અને શિક્ષક મિત્રો આપને માટે તેના જીવન સાથે સંકળાયેલો એક પ્રસંગ અહીં અચૂક ટાંકીશ: “… મારા  નાઈટ સૂટ સાથે જ  એક મધ્યરાત્રીએ મારા પિતાએ મને ઉઠાડીને પોતાની કારમાં બેસાડી દીધો હતો. મને શું થઈ રહ્યું હતું તે કશું સમજાતું નહોતું. એ ડરામણી સ્થિતિ હતી ને વળી મારી માતા મારી સાથે નહોતી. તેમણે કોફીનું થર્મોશ અને ધાબળો સાથે લઈને લગભગ અડધો કલાક ગાડી હાંકયે રાખી હતી. અને પછી રસ્તાની એક ધારે ગાડી થોભવી. મધ્યરાત્રીએ પણ ત્યાં થોડા લોકો હતા અને આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. અમે પણ જગ્યા શોધીને બેસી ગયા હતા. થોડીવાર પછી તેઓએ આકાશ તરફ ઈશારો કરી કહ્યું, જો, ઉલ્કા વર્ષાનો અદભૂત નઝારો! વેધશાળા દ્વારા જેની જાહેરાત થઈ હતી  એ અદભૂત અવકાશીય ઘટના હતી.
        બાળપણના આ સંસ્કારોએ સ્વાભાવિક રીતે જ દુનિયાને એક ઉમદા, સર્જનશીલ સ્પિલબર્ગ આપ્યો. આવી એક વ્યક્તિ ભારતદર્શને આવે એ આપણે મન લ્હાવો કહેવાય. એમનું કામ ફિલ્મો બનાવવાનું આપણું માનવીને માનવ બનાવવાવનું, એમને સામાન્યમાથી અસામાન્ય કર્યું તો આપણે પણ એમ જ કરવાનું હોય છે ને ? અંતમાં, આપ સૌ વાચકો મિત્રોની સાથે સાથે થોડું હું પણ તેમના વિશે જાણું એ માટે આ નાનકડો પ્રયાસ કર્યો છે.  આપ વાંચો, વિચારો અને બીજાને પણ વંચાવો કેમ કે ઉચ્ચ કોટિના માણસો ક્યારેક જ આવે છે આ ધરતી પર..!!

                       -ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 18/3/13)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...