દેશની શિક્ષણ વ્યવસ્થાથી હટીને જરા સરહદ-પારના દેશોની
શિક્ષણ વ્યવસ્થા પર આજે નજર દોડાવવી છે. ચાલો, મારી સાથે. લાઈબેરીયા યુનિવર્સિટીમાં પોતાના શરૂઆતના થોડા
દિવસો દરમ્યાન એક પુરુષ વિદ્યાર્થીએ ફામતા અડ્રેકિસને પૂછ્યું– ‘તેં Sex 101 વર્ગ પસંદ કર્યો છે?’ ‘તારો મતલબ શો છે?’ ફામતાએ
સામો પ્રશ્ન કર્યો હતો. હકીકત એ છે કે Sex 101 એ બાબતનો
નિર્દેશ કરે છે કે એને સ્વીકારનાર વિધાર્થીનીએ પાસ થવા માટે પોતાના પુરુષ અધ્યાપક
સાથે શારીરિક સંબંધ બાંધવો જ પડે. યાને કે ગ્રેડ મેળવવા માટે પોતાની જાતને અધ્યાપક
સાથેના જાતીય સંબંધથી અપગ્રેડ કરવી પડે! વિચિત્ર અને અનૈતિક લાગે તેવી આ રસમ માત્ર
લાયબેરિયાની યુનિવર્સિટીમાં જ નહીં પણ આફ્રિકાના સમગ્ર સબ-સહરાન વિસ્તારની આ
સામાન્ય બીના છે.
‘એકશન એઇડ’ નામની
સંસ્થાએ કરેલા સર્વેક્ષણ મુજબ પોતાના અભ્યાસકાળ દરમ્યાન લાઇબેરીયન યુનિવર્સિટીની
૮૫ ટકા વિદ્યાર્થીઓની શારીરિક રીતે કનડગત કરવામાં આવે છે અથવા તો તેમને સેક્સ માટે
ફરજ પાડવામાં આવે છે. કેટલીક વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે જો તેઓ પોતાના પુરુષ
પ્રાધ્યાપક સાથે આમ કરવા ઇનકાર કરે તો તેમને ફરીથી તે જ વર્ગમાં(રીપીટર તરીકે)
ભણવાનું દબાણ કરવામાં આવે છે. પુરુષ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને સીટી મારવી, અભદ્ર ભાષામાં કોમેન્ટ કરવી કે સ્પર્શ કરવા જેવી હરકતો એક સામાન્ય ઘટના
બની છે. યુનિવર્સિટીની નબળી આંતરમાળખાકીય સુવિધા, સાંજ પછીના
વર્ગો છતાં રાત્રી લાઇટનો અભાવ વગેરે જેવી વિષમતા સ્ત્રી શિક્ષણ માટે કોઈ રીતે
પ્રોત્સાહક સ્થિતિ નથી.
આ સ્થિતિમાં
અડ્રેકિસે યુનિવર્સિટીમાં જ ‘વુમન ફોરમ’ નામનું જૂથ શરૂ કર્યું છે કે જે આવા
બનાવોની જાણકારી મેળવી જે તે સત્તાધીશો સમક્ષ રજૂ કરીને ગુનેગારો સામે કડક પગલા લે.
ઉપરાંત, આ ફોરમનું એક ધ્યેય પુરૂષોને શિક્ષિત કરવાનું પણ છે, કે જે સ્ત્રીઓના અધિકારને જાણે અને કનડગત ઘટાડે. ગત ફેબ્રુઆરીમાં એક
મિટિંગ થઈ જેમાં આની જાગરૂકતા અંગે પ્રચાર-પ્રસાર કાર્ય આરંભાયુ છે. એક દેશની વિષમ
પરિસ્થિતિમાં ‘ઝાંસીની રાણી’ બનવા તરફ
જઈ રહેલી વીરાંગના ફામતા અડ્રેકિસ ને આપણી હાર્દિક શુભેચ્છા.
હવે વાત કરીએ
વિકસિત દેશ ફ્રાંસની. થોડા દિવસ પહેલાં ફ્રાંસના શિક્ષણ પ્રધાન વિનસેન્ટ પેઈલોને
એવું જાહેર કરી દીધું કે શાળાઓમાં ઉનાળુ વેકેશન આઠને બદલે છ અઠવાડિયાનું રહેશે!
આમેય પેઈલોન શિક્ષણ સુધારણા માટે વધુ મક્કમ હતા. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે
વિધાર્થીઓએ અઠવાડિયાના મધ્યે મળતી રાજા છોડી દેવી અથવા દરરોજના ટાઈમ ટેબલમાંથી ૪૫ મિનિટ
ઘટાડીને શનિવારે સવારે વર્ગો ભરવાના રહેશે. આવા નિર્ણયથી સ્વાભાવિક રીતે જ જેમ
ભારતમાં થાય છે તેમ ત્યાં પણ થયું. વાલીઓ અને શિક્ષકો વિરોધ દર્શાવવા શેરીમાં ઉતરી
પડ્યા! જો કે ફ્રાંસના વિદ્યાર્થીઓ અઠવાડિયાના ચારને બદલે સાડા ચાર દિવસ ભણે એવી
આશા સેવતા પેઈલોને સ્પષ્ટ કર્યું કે આનો અમલ ૨૦૧૫ પહેલાં થશે નહિ.
ફ્રાંસ પાસે
દિવસો લાંબા, પણ
ટૂંકું શાળા જીવન છે એમ કહેતા ગયા વર્ષે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ફ્રાંકોઇસ
હોલાન્ડેએ શિક્ષણ વ્યવસ્થામાં ગૃહકાર્યમાં ઘટાડો કરવા તથા નબળા વિદ્યાર્થીઓને પણ
ફરી પાછા તે જ વર્ગમાં ભણવું ન પડે તેવી સુધારણા બાબતે લોકોને વચન આપ્યું હતું.
હોલાન્ડેના આયોજન મુજબ બુધવારના રજાના દિવસ સિવાય સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા
સુધીમાં બે કલાકનો ભોજન વિરામ આપીને અઠવાડિયામાં સાડા ચાર દિવસ શિક્ષણ કાર્ય
ચલાવવાની ગણતરી છે. ફ્રાંસમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓ વર્ષમાં લગભગ ૮૪૭ કલાક
શાળામાં ગળે છે. જ્યારે યુરોપના ઘણા દેશોમાં આ સમયગાળો ૭૭૪ કલાકનો છે. આમ છતાં, ગુણવત્તાની દ્રષ્ટિએ ફ્રાંસ પોતાના પડોશી દેશો અને અમેરિકા કરતાં પાછળ
રહ્યું છે. આ સંદર્ભમાં બ્રિટીશ પત્રકાર પીટર ગમ્બેલ કહે છે કે ‘તેઓ માટે શાળાના લાંબા કલાકો મોટી સમસ્યા છે. વળી તેઓનું શાળા શિક્ષણ
જુનવાણી અને નિસ્તેજ બન્યું છે. તેઓના વર્ગખંડનું વાતાવરણ ખુબજ કઠોર જણાય છે.’ વિશ્વના વિકસિત દેશ વિશે પીટરે કહેલી વાતને ૮૦ ટકા પણ સાચી માનીએ તો
વિકાસશીલ ભારતની શિક્ષણ વ્યવસ્થાથી તો આપણી છાતી ગજ ગજ ફૂલી જાય છે, બોલો હાચુ કે ની ?!
હવે વારો
આપણાં પડોશી દેશ ભૂતાન વિશે. થીમ્પૂ એની રાજધાની, અને એમાં આવેલી છે જીગ્મે લોસેલ પ્રાથમિક શાળા. આ શાળાની
દીવાલો, દાદર બધુ જ વનસ્પતિ અને વેલાઓથી ઢંકાયેલું છે અને
ત્યાં લખાયેલું છે ‘Let nature be your teacher’ (કુદરતને
બનાવો તમારો શિક્ષક!). ૨૦૦૫થી હેડ્માસ્ટર તરીકે કાર્યરત ચોકી દુકપ્પાનું કહેવું છે
કે આ અમારું અનધિકૃત સ્લોગન છે. આમ તો અમારો દેશ પહાડોથી ઘેરાયેલો છે પણ અહીં
શહેરમાં બાળકો પોતાને પ્રકૃતિથી અળગા મહેસૂસ કરે છે એટલે અમે બહારની દુનિયાને આ
રીતે શાળાના પર્યાવરણમાં સામેલ કરી છે. એ યાદ રહે કે ૨૦૦૯થી ભૂતાને જાહેર ક્ષેત્રે
હરિયાળી રાષ્ટ્રીય ખુશી કાર્યક્રમ(Gross National Happiness)
હાથ ધર્યો છે, જે અંતર્ગત શિક્ષણમાં પણ ‘ગ્રીન સ્કૂલ ગ્રીન ભૂતાન’નો ખ્યાલ લાવવામાં આવ્યો
છે.
‘ગ્રીન શાળા માત્ર પર્યાવરણ સાથે સંબંધિત નથી
પણ એક ફિલસૂફી છે. અમે બાળકોમાં ગ્રીન માઈન્ડને વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ’ આ શબ્દો છે ભૂતાનના શિક્ષણ પ્રધાન ઠાકુરસિંગ પોવડેલના. થીમ્પુની આ
શાળામાં શાકભાજીનો બાગ છે અને બાળકો ખેતીની આવડતો શીખે છે. દરેક વર્ગને પોતાનું એક
ઝાડ છે જેની સંભાળ તેણે રાખવાની હોય છે. ગ્રીન સ્કીમ યોજના અંતર્ગત પ્લાસ્ટિક બૉટલ
અને નાની ડાળખીઓમાથી બનાવેલા ઝાડુ દ્વારા વિદ્યાર્થીઓ દરરોજ સવારે શાળાની સફાઈ કરે
છે. દુનિયાના મોટા અને વિકસિત રાષ્ટ્રો સંપોષિત વિકાસની ચર્ચા વધુ કરે છે ત્યારે
વિકાસમાં પછાત એવા ભૂતાનની આ શાળા અંધારા ખૂણામાંનો દીવો બનીને ઝળહળી રહી છે. આપણે
પડોશી ભારતવાસી શું વિચારીશું?
આપણે ત્યાં જેમ કેટલાકને વેલેન્ટાઇન ડે કે અંગ્રેજી ભાષા અંગે વાંધો છે
તેમ ઇન્ડોનેશિયામાં પણ વાંધો પડ્યો છે. આવતા વર્ષથી પ્રાથમિક શાળામાં અંગ્રેજીનું
શિક્ષણ બંધ થઈ જશે! દેશના શિક્ષણ અને સંસ્કૃતિ ખાતા સાથે સંકળાયેલા પ્રધાન
મુસ્લીયર કાસીમે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં હવે અંગ્રેજીમાં પાઠો નહિ હશે
કેમ કે વિદ્યાર્થીઓ ઇન્ડોનેશિયન ભાષાને બરાબર સમજી શકતા નથી. વધુમાં, સરકાર ઈચ્છે છે કે ઇન્ડોનેશિયન કલા-સંસ્કૃતિ અને ધર્મના શિક્ષણ પર વધુ
ભાર અપાય. તેથી અંગ્રેજી ભાષા માત્ર જુનિયર હાઈસ્કૂલ(માધ્યમિક) કક્ષાથી જ શીખી
શકાશે. દેશની પરીક્ષાના નબળા પરિણામોનું અવલોકન કરતાં જણાયુ છે કે વિદ્યાર્થીઓ
પોતાની ‘બહાસા’ ભાષાને બદલે અંગ્રેજી
પાછળ વધારે પડતો સમય વ્યતીત કરતાં હતાં.
આપણે ત્યાં
અંગ્રેજી માધ્યમમાં ભણાવવા તરફ વાલીઓનો ઝોક ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે છતાં
ભારતમાં આવો આક્રમક નિર્ણય લેવાય તેવી શક્યતા નથી કેમ કે આપણી પોતાની ભાષા કઈ એ
બાબતે હજી ક્યાં આપણે એકમત છીએ? ખરું ને? અંતે, દુનિયાના આટલા
પ્રશ્નો પણ તમારા મનમાં થોડા સ્પંદનો જગાવશે એવી આશા સાથે આજે અહીં જ અટકીએ.
-ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 25/03/13)
No comments:
Post a Comment