Wednesday 26 August 2015

શિક્ષણ ક્ષેત્રેને અસર કરનારા બનાવોનું વિશ્લેષ્ણ


                આજકાલ શિક્ષણના સમુદ્રમાં એક મંથન ચાલી રહ્યું છે. દેશનું માનવ સંસાધન ખાતું નવી શિક્ષણ નીતિ લાવવા માટે દેશભરમાંથી સૂચનો મંગાવવામાં વ્યસ્ત છે. બરાબર આજ સમયે બે એવી પરિસ્થિતી સર્જાઈ છે જેને શિક્ષણ નીતિ સાથે નિસ્બત છે. એક, અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને બીજું, ગુજરાતમાં શરૂ થયેલું અનામત વિરોધી આંદોલન.

                અલ્હાબાદ હાઈકોર્ટે ખરેખર તો સરકારી નેતા અને અધિકારીઓ(બાબુઓ)ને તમાચો માર્યો છે. પોતાના ચુકાદામાં તેણે જણાવ્યુ છે કે આ લોકો પોતાના સંતાનોને સરકારી શાળામાં જ ભણાવવા મૂકે, અને આ કામ આવતા વર્ષના નવા સત્રથી જ અમલમાં આવે! કોર્ટના ચુકાદાઓ માત્ર પુરાવા કે તર્કને આધારે જ આપવામાં નથી અપાતાં, પણ તેમાં ન્યાયાધીશની બુદ્ધિ અને દૂરંદેશીપણાની ક્ષમતાનો પણ વિનિયોગ થતો હોય છે. અત્યાર સુધી આવો ચુકાદો ક્યારેય આવ્યો નથી, એટલે આ ચુકાદાથી નવી ચર્ચાએ જોર પકડ્યું છે.

                કોર્ટને આવો ચુકાદો આપવાનું કેમ સૂઝયું હશે તેની પાછળનું કારણ ઝટ સમજાઈ જાય તેવું છે. દેશની કંગાળ શિક્ષણ વ્યવસ્થા અને તેમાંય સરકારી શિક્ષણની તળીએ બેસી ગયેલી વ્યવસ્થા માટે સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો તે માત્ર ને માત્ર સરકાર જ હોય. અને આ સરકાર એટલે કોણ? ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને તેમને વહીવટમાં સાથ આપનારા તેમના સનદી અધિકારીઓ. જો કોઈ આંખનો ડૉક્ટર તેના પોતાના સંતાનની આંખની સારવાર માટે અન્ય આંખના ડૉક્ટરને બતાવે તો કેવું લાગે? બસ બધી મોકાણ અંહી જ સર્જાઈ છે. આપણાં નેતાઓ અને અધિકારીઓ (જેઓ સરકારના તમામ લાભો મેળવે છે) પોતાના સંતાનોને સરકારી(પોતાની જ!) શાળાઓમાં ભણાવવાને બદલે હાઈ-ફાઈ ખાનગી શાળામાં મૂકે તે હાસ્યાસ્પદ ન કહેવાય? પોતાના પગ પર કુહાડી મારવા બરાબર કહેવાય ને?!

                આ લોકો આવું કેમ કરે છે તે વિષે પૂછો તો જણાવશે કે, સરકારી શાળાઓમાં ચોખ્ખાઈ ક્યાં હોય છે? અને મજૂરોના છોકરા સાથે અમારા છોકરા ભણે? અરે સરકારી શાળાના શિક્ષકો ભણાવતાં જ ક્યાં હોય છે? તેઓ તો પોતાનું ભરત-ગૂંથણ કરે, શાક સમારે, ઊંઘી જાય કે મોબાઈલ પર ગેમ રમે! આવી જગ્યાએ કઈ અમારા સંતાનો ભણે વળી? વેરી બેડ!!

                હાઇકોર્ટની લપડાક એટલે જ યોગ્ય જણાય છે કે જેનું સર્જન અને સંચાલન પોતાના થકી થતું હોય તેવી શાળામાં પોતાના જ બાળકો ન ભણે તો તેનો સીધો સંદેશ શો જાય? સરકારી લાભો મેળવીને લખલૂટ ધન કમાવવાનું, ને તેનાથી ધંધાદારી સુવિધાવાળી હાઈ-ફાઈ શાળાઓમાં પોતાના સંતાનોને સારું શિક્ષણ આપવા માટે પોતાની જ સંસ્થાઓને રખડતી મૂકી દેવી એ સરકારનું શરમજનક કૃત્ય ન કહેવાય? પોતાના સંતાનોને સલામત અને સંસ્કૃત રાખીને સમાજના અન્ય બાળકોને ખંડેર જેવી શાળામાં ધકેલવાનું સરકારી બાબુઓનું કૃત્ય શોભાસ્પદ નથી જ. વળી, કોર્ટના ચુકાદાનો ગર્ભિત સૂર એ પણ છે કે સરકારી શાળાઓના કંગાળ વહીવટ, સાધનોની અધૂરપ અને શિક્ષકોની અછત માટે પણ આ લોકો જ જવાબદાર  છે.

                ભારતની શાળાઓની સુવિધાની વાત છોડો, શિક્ષણની ગુણવત્તા માટે શિક્ષકોની ભારે અછત પ્રવર્તે છે. આશરે જુદા જુદા વિભાગોમાં પંજાબમાં 12875, દિલ્હીમાં 1000, ઉત્તરપ્રદેશમાં 1,45000, બિહારમાં 1,38000, અને ઉતરાખંડ 3232 જેટલા શિક્ષકોની અધૂરપ છે.

                કોર્ટના ચુકાદાનો અમલ થાય તો ધીમે ધીમે સરકારી શાળાઓમાં કાબેલ શિક્ષકોની ભરતી થશે, તેથી શિક્ષણ ગુણવત્તા સુધરશે. પોતાના જ સંતાનો શાળામાં ભણશે તો શૌચાલય, મેદાન, લાઈબ્રેરી, લેબોરેટરી જેવી સુવિધા ઝડપથી પ્રાપ્ય બનશે. ખાનગી શાળાઓ સામે સ્પર્ધા ઊભી થશે તો તેઓની ઊંચી ફી વસૂલવાની વૃત્તિ પર નિયંત્રણ આવશે. આ ફટકાર પાછળ કોર્ટની ભાવના તો ઘણી ઊંચી અને તાર્કિક છે, પણ તેનો અમલ તો સરકારી નેતા અને સરકારી અધિકારીઓએ જ કરવાનો છે. તેથી યે ઈશ્ક નહીં આસાન!!


                હવે બીજી સાંપ્રત પરિસ્થિતી તરફ વળીએ. દેશભરમાં તમામ નાગરિકોને સમાન સુવિધા પ્રાપ્ય બને તે માટે બંધારણની કલમ 16(4) મુજબ કોઈપણ પછાત વર્ગના નાગરિકોને (Any backward class of  citizen)ને અનામતનો લાભ મળી શકે. ધ્યાન રહે કે આ શબ્દમાં ક્યાંય Caste શબ્દ નથી! પણ આપણાં નેતાઓ એટલા અભણ(ચતુર!?) કે Classનો અર્થ Caste કરી નાખ્યો! એટલું જ નહી મતના લોભિયા બનીને જાતિ આધારિત આરક્ષણ કરી નાંખ્યું. વિડંબના તો એ બની કે સુપ્રીમ કોર્ટે પણ તેણે સમર્થન આપી દીધું. આમ ન્યાય તોળવા ગયા પણ અન્યાયનો જાણે આરંભ થઈ ગયો હતો!

                ખરી હકીકત એ જ હતી કે જેઓ નાણાકીય સ્થિતિએ કંગાળ હોય તેને જ અનામતનું રક્ષણ મળે, તેને બદલે  થયું એવું કે અમુક જાતિ પછાત છે તેથી તેવા સમગ્ર સમૂહને આવા લાભો મળવા માંડ્યા! આમ આર્થિક નબળાઈને બદલે જાતિ મહત્વનો માપદંડ બની ગઈ. એ તો સારૂ છે કે સુપ્રીમ કોર્ટે અનામતનું રક્ષણ 50 ટકા પર અટકાવ્યું છે.

                મૂળ વાત એ છે કે જાતિને આધાર બનાવીને આર્થિક રીતે પછાત ન હોય તેવા લોકોએ પણ સરકારી લાભો દ્વારા લૂટવાનું ચાલુ રાખ્યું છે. આથી જ હવે  ગુર્જરો, બ્રાહ્મણો, પાટીદારો અને અન્ય બિનપછાત ગણાતી જાતિઓ રોષે ભરાઈ છે. અનામતને નામે સંપત્તિવાન  બની ગયેલી પેઢી પોતાના પછીની પેઢીને લાભ ખાટવા માટે પછાત જ રાખે તે તો અધમ કૃત્ય ગણાય. બક્ષીપંચનો લાભ લઈને ડોક્ટર કે ઇજનેર બનેલ વ્યક્તિને કેટલા વર્ષ સુધી આર્થિક રીતે પછાત ગણવી તેના મૂલ્યાંકનની કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી બિનઅનામત લોકોને સહન કરવાના પ્રશ્નો વધવા માંડ્યા! ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગવાને બદલે ધરાયેલા લોકોનો જઠરાગ્નિ જાગે ત્યારે મન ચકરાવે તો ચઢે જ , પણ એ વિચારણીય ઘડી પણ બને જ.

                પાટીદારો કે ગુર્જરો કે અન્યો આટલી મોટી સંખ્યામાં ક્યારે વિરોધ કરવા મેદાને પડે? જ્યારે સરકારી વ્યવસ્થામાં ઊધઈ પડી હોય ત્યારે પોતાની ભવિષ્યની પેઢીનો શિકાર ન થઈ જાય તે માટે વ્યવસ્થા સુધારની હાકલ કરે તેમાં કઈ ખોટું નથી. નામ ભલે અનામત આંદોલન આપ્યું હોય, પણ મારા મતે તેઓ અનામત વ્યવસ્થામાં સુધાર થાય તેની તરફેણમાં હશે જ. OBCને બદલે EBC થાય તો તે વ્યવસ્થા વધુ ન્યાયી હશે. પણ નેતાઓને ન્યાય-અન્યાય કરતાં પોતાની સત્તા વધુ વહાલી હોય છે એટલે મત મેળવવા માટે કોમવાદી રમત રમવાનું એમને ઝડપથી ફાવી જતું હોય છે. એકબીજા સાથે લડાવી મારીને સુધારણાનું ગળું ઘોંટી દેવાના એમના સાર્થક પ્રયત્નો રહેવાના જ છે.

                આર્થિક રીતે નબળી વ્યક્તિને દેશની કોઈપણ વ્યવસ્થાનો લાભ મળવો જ જોઈએ એ આદર્શ અને ન્યાયી વ્યવસ્થા છે. તેમાં વહાલા-દવલાનો મોહ વર્જિત છે અને એમ જ રહેવો જ જોઈએ. આ માટે ગુજરાતનું આ આંદોલન દેશવ્યાપી બને તો જ બંધારણમાં સુધારા શક્ય બનશે. અન્યથા, અનામત પ્રથાનું ભૂત પેઢી દર પેઢીએ ધૂણતું જ રહેશે. ન્યાય માટે મૂકેલી વ્યવસ્થા ધીમે ધીમે અન્યાયને પોષતી જ રહેશે, પોષતી જ રહેશે...સરકાર કો સોચના ચાહીએ..દિલ સે !!



ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 22/8/15 )

Sunday 9 August 2015

નાની કવિતા







દંભ

એણે મંદિરની

દાન પેટીમાં પધરાવી હતી

નકલી નોટ.

ને મૂર્તિ સામે હાથ જોડી બોલ્યોતો-

હે પ્રભુ! ઠગ લોકોથી મને બચાવજે..!

ડૉ. વિજય મનુ પટેલ

હે યુવા! આવનારી મુશ્કેલીથી વાકેફ છો ને ?



વહાલા મિત્રો,
                ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાનાં ભારતને યાદ કરું છું તો મને ગામડાની સ્ત્રીઓનું ઘમ્મર વલોણું યાદ આવે છે. મોટા માટલામાં લાંબા વાંસ નીચે લાકડાનું એક ચક્કર લગાડેલું હોય અને પછી સામસામે બે સ્ત્રીઓ વાંસ પર વીંટાળેલી દોરી ખેંચીને દહીં-છાશ વલોવીને માખણ કાઢવાનું કામ કરતી. હવે એ પેઢી દૂર થઈને નવી સ્ત્રીઓનો જમાનો આવ્યો છે. તેમના હાથમાં ઘમ્મર વલોણું નથી, પણ ઇલેક્ટ્રીક બ્લેન્ડર(આધુનિક વલોણું) આવી ગયું છે! તેમના છોકરાઓ હવે કાપડનાં ચીથરામાંથી બનાવેલ દડી કે ભમરડા, ગિલ્લીદંડા રમતાં નથી, તેઓ તો રમે છે બેટરીથી ચાલતાં સ્વયં સંચાલિત ઈલેક્ટ્રોનિક રમકડાં!!

                પણ હવે, વિશ્વમાં અને દેશમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં જે ઝડપથી કમ્પ્યુટર, મોબાઈલ અને  ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ રમકડાં વગેરેનો જે ઝડપથી વપરાશ વધ્યો છે તે જોતાં તેનો ભંગાર કે કચરાના નિકાલની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. કેમ કે આવી વસ્તુઓમાં ઝેરી ધાતુઓ ઉપરાંત કેડિયમ, સીસુ, પારો, આર્સેનિક જેવા ભયાનક રસાયણો મોજૂદ હોય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે  લગભગ 4 લાખ ટન ઇ-કચરો સર્જાય છે. હજી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેટલા વધશે તેટલો આ કચરો વધતો જ જશે          
                આપ નવી પેઢીના વાચક હોવ તો તમારી આ ચિંતા માટે આપ શું નક્કર સમાધાન વિચારો છો? કે માત્ર save water, save power ની જેમ save E-wasteના નારા લગાવીને બેસી રહેશો? સમય તમારો હશે, મુશ્કેલી પણ તમારી જ હશે...તો પછી ઘડીક વિચારો અને તેને લખીને વહેંચોને?!
હાશ! માણસ ઊડી નથી શકતો,
નહિતર પૃથ્વીની સાથે
આકાશને પણ બગાડી મુકતે!

-હેનરી ડેવિડ થોરો

Saturday 1 August 2015

ભારતના દશ પ્રેરણાદાયી શિક્ષકોને ઓળખો!



ભારતના દશ પ્રેરણાદાયી શિક્ષકોને ઓળખો!


                ભારતીય શાળાઓનું એ વરવું ચિત્ર છે કે એક તરફ શિક્ષકોની ભારે અછત છે અને બીજી તરફ અપૂરતી અને બિનસરકારક તાલીમો છે. યુનેસ્કોના ગ્લોબલ મોનિટરિંગ રિપોર્ટ (સર્વ માટે શિક્ષણ-2015) ની હકીકતો મુજબ દુનિયાના 21થી 85 દેશોના બાળકોમાં અડધા બાળકો પાયાના ખ્યાલો શીખી શકતા નથી. (આ દેશમાં ભારતનો પણ સમાવેશ છે!)
                આ રિપોર્ટ મુજબ વિશ્વમાં પ્રાથમિક શિક્ષણ માટે 2011થી 2015 સુધીમાં 5.2 બિલિયન શિક્ષકોની જરૂરત રહેશે. પણ ખાટલે મોટી ખોડ વિષમતા ઉપરના જેવી છે. ભારતમાં આનો ઉપાય એ જ છે કે તાલીમ પ્રેરિત(motivation) અને અધ્યાપનમાં રત બને તેવા શિક્ષકોની મોટાપાયે ભરતી કરવામાં આવે. આવા શિક્ષકોથી જ એક કાંકરે બે પક્ષી મારી શકાય તેમ છે. ગુણવત્તા પણ સુધરે અને અછત પણ દૂર થઈ જાય. જો કે, આ માત્ર બોલવામાં અને લખવામાં જ સરળ છે. સરકાર દ્વારા આનો અમલ હાલમાં તો દેખાતો નથી એવા સમયે મને સાંભરે છે ભારતના એવા કેટલાક શિક્ષકો કે જેમણે પોતાની પાસે જે કઈં આવડત અને સાધન છે તેના વડે દીવો પ્રગટાવવાની કોશિશ કરી છે. ઓળખીએ તેઓને.
                1) આદિત્યકુમાર: વિજ્ઞાનના સ્નાતક આદિત્યકુમારે પોતાની જિંદગીને લખનૌની ઝૂપપટ્ટીના બાળકોને ભણાવવા માટે સમર્પિત કરી છે. આ કામ માટે તે દરરોજ 60 કિ.મી. ની સાયકલ સવારી કરે છે! મફતમાં પોતાનો સમય અને શક્તિ વાપરનાર કુમારની સાઇકલ જ તેની હરતીફરતી શાળા છે. લગભગ બે દશકાથી કાર્યરત તેની આ સાઇકલ શાળા અભ્યાસક્રમની કોઈ ચોક્કસ તરાહને અનુસરતી નથી છતાં આદિત્યકુમાર(સાઇકલ ગુરુ) પોતાના શિક્ષા યજ્ઞને અવિરતપણે આગળ ધપાવી રહ્યાં છે.
                2) રાજેશકુમાર શર્મા: નવી દિલ્હીમાં પોતાનો કરિયાણા સ્ટોર્સ ચલાવતા શર્મા શહેરના મેટ્રો ઓવરબ્રીજ નીચે દરરોજ બે કલાક ઝૂપડપટ્ટીના 30 બાળકોને ભણાવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ તેની નિશુલ્ક પ્રવૃત્તિ રહી છે. કોઈ ખાસ સુવિધા વિના તે પોતાના જ્ઞાનને પછાત બાળકોને સિંચવાનું કામ કરી રહ્યાં છે.
                3) ખુરશીદ: પ્રથમ નામની સંસ્થા સાથે સંકળાયેલ સ્વયંસેવક ખુરશીદે પશ્ચિમ બંગાળના રાણીપૂર ગામના બાળકોને ત્યારે ભણાવવાનું શરૂ કર્યું, જ્યારે તે પોતાને માટે કામ શોધવાના પ્રયત્નોમાં અસફળ રહ્યો. ગામડાના ઘર પછવાડે આવેલા વરંડા (પરસાળ)માં તે પોતાના વર્ગો ચલાવે છે. રાણીપૂરના બાળકોનો તે રોલ મોડેલ  બની ચૂક્યો છે, અને પોતે કોલેજ શિક્ષણમાં જોડાવા આતુર છે.
                4) આનંદકુમાર: પોતાના સુપર 30 કાર્યક્રમથી જાણીતા બનેલા ગણિતજ્ઞ આનંદકુમાર એક વૈશ્વિક  ચહેરો છે. પટણામાં IIT-JEE ની પ્રવેશ પરીક્ષા માટે ગરીબ વિદ્યાર્થીને મફતમાં શિક્ષણ આપી રહ્યાં છે. આ કામ તેઓ છેલ્લાં 14 વર્ષથી કરી રહ્યાં છે. શિક્ષણના ક્ષેત્રમાં પોતાની કામગીરી બદલ તેમને ટોરોન્ટો યુનિ. ખાતે બ્રિટિશ કોલમ્બિયા વિધાનસભા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
                5) બાબર અલી: પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં ગરીબ બાળકો માટે ચલાવાતી શાળામાં વિશ્વના સૌથી યુવા આચાર્ય તરીકે 16 વર્ષનો બાબર અલી કાર્યરત છે. તે બાળકોને માત્ર ભણાવવા જ નથી ઈચ્છતો પણ તીવ્ર ગરીબીમાંથી  બહાર નીકળવા પોતાને પણ સતત શીખવતો રહે છે. તેણે થોડા સમય પહેલા જ ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ કરી છે.
                6) ગગનદીપ સિંહ: નબળી દ્રષ્ટિવાળા તેમજ દ્રષ્ટિ વિનાના બાળકોની જિંદગીમાં અજવાળું પારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જેસલમેરના ગગનદીપ સિંહ. દરેક બાળકને માટે અલગ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉપરાંત તે વાળકના વાલીઓને તેમના વિકાસમાં સંપૂર્ણ સહયોગ કરવા માટે વાલી-માર્ગદર્શનના કામ ઉપર ધ્યાન એકત્રિત કરી રહ્યાં છે. ગગને દ્રષ્ટિની ખામીવાળા માટેની રાષ્ટ્રીય સંસ્થામાંથી ખાસ તાલીમ મેળવી છે. તેથી તે બ્રેલ લિપિ દ્વારા શીખતા બાળકોને પણ ખાસ સહયોગ આપે છે.
                7) સુગતો મિત્રા: 2013નો TED પુરસ્કાર મેળવનાર ભારતીય સુગતો મિત્રા પોતાના ક્લાઉડ સ્કૂલ કાર્યક્રમ દ્વારા બાળકો એકબીજાને સ્વયં શીખવે તેના પર કામ કરી રહ્યાં છે. તેઓનું માનવું છે કે વૈધિક દેખરેખ વિના પણ બાળકોમાં જાતે શીખવાની ક્ષમતા હોય છે. તેમનું કહેવું છે કે, ઓછામાં ઓછા માનવીય માર્ગદર્શન તથા આનંદદાયક અને પ્રેરક વિષય વસ્તુ દ્વારા કોઈપણ ઉંમરના બાળકને પાયાની ગણતરીની આવડત શીખવી શકાય છે.
                ડૉ. સુગતો મિત્રા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્દ છે. 25 જેટલી શોધ તેમને નામે છે. NIIT (વૈશ્વિક IT Learning Corpo.)ના ચીફ સાયંટીસ અને ન્યુ કેસલ યુનિવર્સિટી, યુ.કે.ના પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓ USAનો મેન ઓફ પીસ એવોર્ડ, યુ.કે. નો સોશિયલ ઈનોવેશન એવોર્ડ અને ભારત સરકાર તરફથી તેમના હોલ ઇન વૉલ કાર્યક્રમ માટે દેવાંગ મહેતા એવોર્ડ મેળવી ચૂક્યા છે.
                8) ફાધર જુલિયન: કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લાના એક એક બાળકને કમ્પ્યુટર આવડે એવા ધ્યેય સાથે ફાધર જુલિયન એક બસમાં પોતાનો વર્ગ ચલાવે છે. અર્થાત પૈડા પર વર્ગ!! આ બસમાં પાટલીઓ અને ટેબલ ગોઠવવામાં આવ્યા છે, અને તેમાં સૂર્ય શક્તિથી ચાલે તેવા 10 લેપટોપ પણ ગોઠવવામાં આવ્યા છે. આ અજોડ બસ એકસાથે 20 વિદ્યાર્થીઓના બેચને નિશુલ્ક શિક્ષણ આપે છે. વર્ષ 2012 થી શરૂ થયેલી આ યાત્રા, સરકારી શાળાના 2000થી વધુ બાળકોને પ્રશિક્ષિત કરી ચૂકી છે.
                9) ઉત્તમ ટેરોન: ગૌહાટી(આસામ)ની આસપાસના દસ અને પોતાના ગામ પામોહીના બાળકોને ભણાવવાની જવાબદારી સાથે ઉત્તમ ટેરોન પોતાના રાજ્યની સો ટકા સાક્ષરતા માટે મથી રહ્યાં છે. 2003માં પારિજાત એકેડમીથી પોતાના કાર્યની શરૂઆત કરનાર ઉત્તમનું ભારપૂર્વક માનવું છે કે શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ છે અને ગરીબ કે ધનિક કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ.
                10) સુદ્ધાંશું વિશ્વાસ: પંચાણુ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની આજની તારીખે પણ રાષ્ટ્રની સેવા કરવા તત્પર છે. છેલ્લા ચાર દશકામાં સુદ્ધાંશુંએ સુંદરવન અને આસપાસના અંતરિયાળ ગામડાઓમાં લગભગ 20 મફત શાળાઓ શરૂ કરી છે. પોતાની શ્રી રામકૃષ્ણ સેવાશ્રમ સંસ્થા દ્વારા તેઓએ ઘણા અનાથ લોકોનું જીવન ઉજાળ્યું છે અને નિરક્ષરતાને હાંકી કાઢવાના પોતાના પ્રયત્નોને સતત ચાલુ રાખ્યા છે.
                આ અનોખા શિક્ષકોને ઍવોર્ડ મળે કે ન મળે કોઈ ફર્ક નથી પડતો. માનવ સેવાની જ્યોત પ્રગટાવવાની લગની જ એમનું મોટું પ્રેરક બળ છે. અહીંથી  આ અને એમના જેવા સૌને આપણે સલામ તો કરીએ જ.


-ડૉ. વિજય મનુ પટેલ-ગુજરાત ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત લેખ

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...