Saturday 29 June 2019

World Yoga Day 2019 in School

આવનારા સમયની શૈક્ષણિક ટેક્નોલૉજી!


             અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ ટકાઉ વિકાસ (Sustainable Growth) ની વાત કરે છે, ને સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્દો ગુણવત્તાલક્ષી શિક્ષણ (Quality Education )ની વાત પર ભાર આપે છે. બંને પોતપોતાની પરિસ્થિતિ મુજબ આકલન કરીને આવો મત આપે છે જેની સામે શંકા કરવાને કોઈ સ્થાન નથી કેમ કે, દેશને માટે આ બંને વિચારણીય મુદ્દા છે. વર્તમાન સરકાર તેને માટે શું અને કેટલું કરશે તે મુદ્દાની હાલ ચર્ચા ન કરીએ અને માત્ર આવનારા વર્ષોમાં શિક્ષણમાં કયા નવા વલણ અસ્તિત્વમાં આવશે તેના વિશે વિચારીએ.
               કુદરતી કે વ્યવહારુ બુદ્ધિના મહત્તમ ઉપયોગ કરવામાં હજી આપણે સાવ જ ધીમા છીએ ત્યાં હવે કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence) હાવી થવાની છે. આના દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે અને તેથી વિદ્યાર્થીઓ વિશે શિક્ષકોને ઝડપી પ્રત્યુત્તર (feedback) મળશે. વાલીઓ પણ વિદ્યાર્થીઓની અધ્યયન પ્રવૃત્તિ વિશે જાણી શકશે. આવી ટેક્નોલૉજીથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસીને જ પરીક્ષા આપવી એવું રહેશે જ નહીં! મતલબ દુનિયાના ગમે તે ખૂણેથી તે પરીક્ષામાં જોડાઈ શકશે. હા, જો કોઈ વિદ્યાર્થી છેતરપિંડી કરવા પ્રયત્ન કરશે તોયે આ કૃત્રિમ બુદ્ધિ (AI) તેને પકડી પાડશે. સ્થાનિક રમતવીર (વિદ્યાર્થીઓ) આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો (વિદ્યાર્થીઓ) સાથે સસ્તામાં અને આસાનીથી જોડાઈ શકશે.
             જ્યારે દુનિયા ઢગલાબંધ માહિતી (Data) થકી ચાલવા લાગી છે ત્યારે કૃત્રિમ બુદ્ધિની વિશ્લેષણ ક્ષમતા વડે જે તે શૈક્ષણિક સંસ્થાઓ વધુ સ્પર્ધાત્મક બની શકશે. વિષય વસ્તુની તરાહ અને સમજણ વિકસાવવા, નબળા વિદ્યાર્થીઓને અધ્યયનમાં સક્રિય બનાવા અને વિદ્યાર્થીઓના ડ્રોપ-આઉટ પ્રમાણને ઘટાડવા જેવા વિકટ પ્રશ્નોને ઉકેલવામાં વર્ણનાત્મક અને અનુમાનિત વિશ્લેષણ ઉપયોગી પુરવાર થશે. શાળા સંચાલનના સંદર્ભમાં પણ આવી કૃત્રિમ ચપળતા મદદરૂપ થશે. માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણ થકી વધુ સારા અભ્યાસક્રમની રચના થઈ શકશે અને શાળાના સંસાધનો માટે કરકસરયુક્ત રોકાણ પણ શક્ય બનશે.


             કૃત્રિમ બુદ્ધિની શક્તિથી વાસ્તવિકતા અને આભાસી (virtual) દુનિયા વચ્ચેની ભેદરેખા પાતળી બની જશે. વીજાણુ ટેકનોલોજીમાં 5Gના આગમનથી કમ્પ્યુટર-ઇન્ટરનેટની ક્ષમતા ઉત્તરોતર વધુ સારી બનશે પરિણામે શાળા અને ઉચ્ચશિક્ષણની ક્ષમતા પણ વધશે. આવનારા વર્ષોના મિશ્ર અને વિસ્તૃત હાર્ડવેર્સ મોબાઇલમાં આવી જવાના છે. આનાથી શિક્ષકો મોબાઈલ એપ્લીકેશન્સ દ્વારાજ 3D મોડેલ્સ અને પ્રિન્ટ કરી શકાય તેવી વર્કશીટ્સ  વિદ્યાર્થીઓને પૂરા પાડી શકશે. (વર્ગમાં કશું આપવાનું જ નહીં!)
           આપણે જાણીએ છીએ તેમ વિશ્વમાં STEM (Science, Technology, Engendering & Mathematics) વિષયોની બોલબાલા વધી રહી છે. નવીનીકરણ અને તકનીકી ક્ષેત્રે ભવિષ્યમાં ઉત્તમ કૌશલ્યપૂર્ણ નાગરિકો સર્જવા માટે આપણે પણ શાળાકીય અભ્યાસક્રમા તેને સ્થાન આપવું જ પડશે. જો કે આ વિષયો સર્જનાત્મકતા અને કલાના ક્ષેત્રને અવગણે છે તેથી કેટલાક દેશોએ નવી ચળવળ દ્વારા તેમાં Artsના વિષયોને જોડી STEAMની તરાહ અપનાવી છે. તો પછી હવે ટેક્નોલૉજી આપણી સંવેદના કે સાંવેગિક વિકાસમાં મદદરૂપ નહીં થશે એવો સંશય રાખવાની જરૂર ખરી?
               શિક્ષણના ક્ષેત્રે વ્યક્તિગત અધ્યયન(એકલા એકલા ભણો!)ની બોલબાલા વધશે. શૈક્ષણિક ટેક્નોલૉજી કે કૃત્રિમ બુદ્ધિક્ષમતા દ્વારા કોઈપણ વ્યક્તિ પોતપોતાની જરૂરિયાત મુજબ શીખી શકશે અને બીજાને પણ શીખવી શકશે. સહાયક તકનીકી વડે અક્ષમ વિદ્યાર્થીઓએ પણ ઝડપથી સામાન્ય વિદ્યાર્થીઓની કક્ષામાં (પ્રવાહમાં) સામેલ થઈ શકશે સમગ્ર વિશ્વની યુનિવર્સિટી અને શાળાઓમાં ટેક્નોલૉજીનું પ્રભુત્વ વધશે તેને કારણે શાળા સંચાલનનું કામ વધુ કારકસરયુક્ત થશે. કઈ રીતે?
             શૈક્ષણિક સંસ્થાઓ વિશાળ ઝૂમખા(ક્લાઉડ)આધારિત થવાથી ખર્ચમાં બચત થશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. કાગળ અને છપાઈ ખર્ચમાં ભારે કાપ આવશે કેમ કે વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો, પરિણામ અને તમામ શાળાકીય માહિતીનો સંગ્રહ વિશાળ માહિતી (Data) સ્વરૂપે સચવાશે. આનાથી દસ્તાવેજોને નુકસાન થવાનો કે ખોવાઈ જવાનો પ્રશ્ન પણ નહીં રહેશે. ભારત સરકારે અમલમાં મુકેલ ‘digi-locker’ એ કૃત્રિમ બુદ્ધિ ક્ષમતાનું ઉદાહરણ નહીં તો બીજું શું?
             એક અનુમાન મુજબ 2021માં ભારમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ 2 બિલિયન હશે. MOOCs અને બીજા ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા નજીવી કિમતે ડિજિટલ પ્રમાણપત્ર આધારિત અભ્યાસક્રમો ઉપલબ્ધ બનશે. આવનારા વર્ષોમાં સુક્ષમ અધ્યયન, અતિ ઝડપી પરીક્ષણ, સામાજિક પ્રસાર માધ્યમોનું નિયંત્રણ અને લખાણ (કે સામગ્રી)ના સુધારાત્મક કાર્યના કામો શિક્ષણ પ્રક્રિયાનું અતિ આધુનિક સ્વરૂપ ગણાશે.
               ગેરહાજરી, તણાવ અને તીવ્ર ઈચ્છા (Anxiety)ને કારણે શીખવામાં થતી તકલીફોના ઉકેલ માટે શાળાઓને તંદુરસ્તી આધારિત કાર્યક્રમો (wellness program) પોતાના કેમ્પસમાં જ શરૂ કરવા હશે તો ટેક્નોલૉજીના માધ્યમથી સરળ બનશે. શિક્ષકોની તાલીમ પણ શાળા કેમ્પસમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા મેળવી શકશે. ભારતમાં શિક્ષકો અને વહીવટી કર્મચારીઓની તાલીમ માટે શાળાઓ દ્વારા પોતાના બજેટમાં લગભગ 20 ટકા જેટલી જોગવાઈ કરવામાં આવે છે. પરિવર્તન સાથે જ્ઞાન અને કૌશલ્ય દ્વારા શિક્ષણ અને શાળાને પણ અપ-ટુ-ડેટ રાખવામા આ જ તકનિકી કામ લાગવાની છે.
              અનેક પાઠ્યપુસ્તકોમાં સમાયેલું શિક્ષણ થોડા વર્ષો પહેલાં કમ્પ્યુટર અને લેપટોપમાં સમાઈ ગયું હતું. હવે તેમાંથી હથેળીમાં ગોઠવાઈ રહેલાં મોબાઇલમાં સરકી ગયું છે. હજીયે આટલુંયે ઉપયોગમાં લઈશું નહીં ત્યાં આવનારા થોડા વર્ષોમાં જ તે કાંડા ઘડિયાળ કે આંગળીના ટેરવે આવીને ઊભું રહેશે! શિક્ષણમાંથી દફ્તર, નોટબુક, પરીક્ષાખંડ, પ્રયોગશાળા, લાઈબ્રેરી આ બધુ જ વર્ચ્યુયલ બની જવાનું છે. આપણે જોયા કરીશું કે જોડાઈ જઈશું?
              બેશક જોડાવવાનો જ વિકલ્પ શ્રેષ્ઠ રહેશે કેમ કે પાછા વળી જવું એ માનવ વસ્તીનો ઇતિહાસ નથી રહ્યો. માણસમાંથી સુપરમેન તરફ જ ગયા છીએ તો આદિમાનવ તરફનો વિચાર જ શું કામ થાય? સવાલ આ કૃત્રિમ બુદ્ધિક્ષમતા કે ટેક્નોલૉજીને સમજવાનો અને સ્વીકારવાનો છે. પણ આ જ તો મોટો સવાલ છે ખરું કેની?
-ડૉ. વિજય મનુ પટેલ 21-6-19 

Saturday 22 June 2019

શિક્ષણ વિશે ક્રાંતિકારી વિચારો

મિત્રો,

       દેશ બદલાઈ રહ્યો છે પણ શિક્ષણમાં જોઇએ તેવું પરિવર્તન દેખાતું નથી! આજે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ વિશે મારા ક્રાન્તિકારી વિચારોને તમારી સમક્ષ મૂક્યાં છે. વાંચો, સમજો અને મંથન કરો!


       ૧- કોઈ પણ ધોરણમાં વષૅ દરમ્યાન વધુમાં વધુ પાંચ જ વિષયો રાખી શકાય. જેમાં ગણિત અને વિજ્ઞાન હોવા જ જોઇએ! બે ભાષા તથા અન્ય એક વિષય જે તે સંસ્થા પોતાની પસંદગી મુજબ રાખી શકે. ધોરણ ૯ પછી ૧૧ સુધીમા બીજો એક વિષય ઉદ્યોગનો ફરજિયાત હોય જ! આ ઉદ્યોગનો વિષય શાળા પોતાની ઈચ્છા મુજબ બદલી શકે.

       ૨- ધોરણ ૧૨ની એકમાત્ર બોર્ડ પરીક્ષા હોય જેમાં માત્ર ગણિત, વિજ્ઞાન, બે ભાષા સહિત કુલ પાંચ વિષયોની જ હોય! કોમર્સ અને આર્ટસમાં ગણિત-વિજ્ઞાનના સ્થાને, મહત્ત્વના બે વિષયો હોય! બોર્ડ પરીક્ષા પાંચ વિષયથી વધુની હોય જ નહીં!

       ૩- બજારમાંથી જે તે ધોરણના પાઠ્યપુસ્તકો સિવાયનું તમામ પ્રકારનુ પરીક્ષાલક્ષી પૂરક સાહિત્ય હટાવી દેવામાં આવે! તૈયાર સાહિત્યથી કલ્પના અને સજૅનશીલતા ખતમ થઈ ગઈ છે!

       ૪- શિક્ષકો ભણાવતા હોય તે વિષય માટે દર બે વર્ષે રાષ્ટ્રીય એજન્સી દ્વારા કસોટી લેવાય. જેમાં લઘુત્તમથી ઓછા ગુણ મેળવનારની નોકરી તો રહે પરંતુ બે માસનો પગાર કપાઈ જાય!, જો સતત ત્રણ વર્ષ આવું થાય તો નોકરીમાંથી છૂટા કરી દેવા!

       ૫- શાળામાં ૩ કલાક વર્ગખંડ શિક્ષણ અને ૨ કલાક પ્રવૃત્તિઓ દ્વારા જ ભણાવવાનું.
અથવા
વિદ્યાર્થીઓએ દર શનિવારે  દફતર વિના શાળામાં જવાનું, અને શિક્ષકોએ માત્ર પ્રવૃત્તિઓ દ્વારા જ ભણાવવાનું!

       ૬- શનિવારે અને રવિવારે શાળા કક્ષાના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસો ફરજિયાત બંધ રહેશે!



       ૭- કોલેજ કે યુનિવર્સિટી શિક્ષણમાં અધ્યાપકે ૬૦ ટકા કોર્સ પ્રવૃત્તિઓ દ્વારા ભણાવવાનો અને ૪૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન કે લાયબ્રેરી દ્વારા જાતે જ ભણવાનું!

       ૮- શાળાના સંતાનોના વાલીઓ પ્રવેશના પ્રથમ વર્ષે સમગ્ર કેમ્પસ જોઈ શકે. ત્યારબાદ માત્ર મિટિંગ હોય ત્યારે જ શાળા કેમ્પસમાં દાખલ થઈ શકે. એ સિવાય તેઓ ઈચ્છે તો શિક્ષકો કે આચાર્ય સાથે ફોન કે ઈમેલ દ્વારા જ સંપર્ક કરી શકે!

       ૯- સરકાર આખા વર્ષમાં શાળાઓમાં પરીક્ષા સિવાય માત્ર ચાર જ પ્રવૃત્તિઓ ફરજિયાત ધોરણે કરાવી શકશે! એ સિવાયના પરિપત્રો જ ન કરી શકે. શાળાઓ શિક્ષણ માટે છે, સરકારી કામો માટે નથી!

      ૧૦- દેશના સમગ્ર શિક્ષણનું માધ્યમ, ધોરણ પાંચ સુધી સંપૂર્ણ રીતે માતૃભાષામાં જ હોય, પરંતુ ત્યારબાદ હિન્દી અથવા અંગ્રેજી સિવાય બીજો વિકલ્પ જ ન હોય! ઉચ્ચ શિક્ષણ માટે પણ આજ વિકલ્પો રહે!

       ૧૧- કૂવામાં હોય તો હવાડામાં આવે એ વિચાર મુજબ ટિચરસૅ ટ્રેનિંગ કોલેજોમાં એક વર્ષ પ્રવેશ અટકાવી બંધ કરી દેવી અને આખું વર્ષ તેના આચાર્ય અને અધ્યાપકોની તાલીમ ચલાવવામાં આવે! સમગ્ર આંતર માળખાકીય સુવિધાઓ અપડેટ કરવી. દર છ મહિને રિફ્રેશર કોર્સ ફરજિયાત હોય! નિષ્ફળતા માટે ઉપરના (શિક્ષકો) જેવી(ક્રમ-૪) દંડનાત્મક કાર્યવાહી કરવી!

      ૧૨- નવી શાળા-કોલેજોની મંજૂરી દર ત્રણ વર્ષે, બે વર્ષ માટે બંધ કરી દેવી. આ સમય દરમ્યાન 'જરૂરિયાત'  બાબતે ગંભીરતાપૂર્વક સર્વેક્ષણ કરી ત્યારબાદ જ, તે સંખ્યામાં મંજૂરી આપવી. નવા વાહનોના ઉત્પાદન બાબતે પણ આમ જ વિચારવું. મન ફાવે તેમ 'વિકાસ'ને નામે છૂટો દોર ન અપાય !!

   ૧3- જે નીતિ અંતિમ સ્વરૂપમાં નક્કી થાય તે પછી તેનો અમલ ઓછામાં ઓછો દશ વર્ષ સુધી રાખવો જ તે પહેલાં તેમાં કોઈ ફેરફાર નહીં કરવો. આઠ વર્ષ બાદ નવી વિચારણા અને ફેરફાર શરૂ કરવાની કામગીરી કરવી!. 


- Dr Vijay Manu Patel
M.Com., Ph.D (Edu.),PGJMC
Principal, Smt. V. D. Desai (Wadiwala) School, Adajan Road,
SURAT-395009.


Wednesday 19 June 2019


મિત્રો, 
મારી હળવી રમૂજી શૈલીમાં આ સંવાદો આપ સૌને પસંદ આવશે તેવી આશા છે, છતાં સાંપ્રત વિષય પરનું આ લખાણ આપને  કેવું લાગ્યું તે વિશે  આપનો અભિપ્રાય જણાવશો તો ગમશે। 






Friday 7 June 2019

હે વાલીઓ, છોકરાને કાબુમાં રાખો!


             સોરી, પપ્પા મારે A ગ્રેડ જોઈતો હતો: આ શબ્દો ગયા અઠવાડિયે વડોદરામાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખનાર સાતમા ધોરણની વિદ્યાર્થિની સ્નેહા ચૌહાણના હતા. આ જ જિલ્લાના છાણી ગામે નેહા નામની ધોરણ નવની વિદ્યાર્થીનીએ પણ પરિણામના આગલા દિવસોમાં ફાંસે લટકી આત્મહત્યા કરી હતી. આ બંને દુર્ઘટના પાછળના કારણો શિક્ષણમાં નિષ્ફળતા અથવા નબળા પરિણામનો ર હતો. ડર કે આગે જીત ભાગ્યે જ હોય છે, બાકી તો મો જ હાવી થઈ જાય છે!
              આ બંને કિસ્સામાં બે બાબતો સામાન્ય હતી. એક, બંને છોકરીઓ હતી અને બે, બંને તરુણ વયની હતી. બેટી બચાવો, બેટી પઢાવોના વિચાર સાથે દેશમાં સામાજિક ક્રાંતિ થઈ રહી હોય ત્યારે આવા બનાવો આત્મવિશ્વાસ ડગાવી દેનારા હોય છે. અપમૃત્યુ, બળાત્કાર, શારીરિક છેડતી અને અશ્લીલ ટીકાઓ જેવા શબ્દો બહુધા સ્ત્રી શોષણ અને અપમાનના પ્રતીકરૂપ છે. છોકરીઓ કે સ્ત્રીઓને ભાગે આ બધુ મોટેભાગે પુરુષો તરફથી જ આવે છે તેથી દેશમાં હવે બેટા પઢાવો, બેટી બચાવોના નવા સામાજીક આંદોલનની જરૂર છે!
             ભારતીય સમાજમાં છોકરીના જન્મ સાથે જ અનેક મર્યાદાઓની બેડી લાગી જાય છે. જ્યારે છોકરાના જન્મ બાબતે નરી સ્વછંદતાને જાણ્યે-અજાણ્યે પોષવાનું શરૂ થઈ જાય છે. આમ કરવામાં સ્ત્રીઓ પોતે પણ ભાન ભૂલે છે એ આશ્ચર્યજનક છે. છોકરાઓને સામાજિક કેળવણી આપવા વિષે ઝાઝી ચર્ચા થતી નથી એટલે આજે એ વિશે થોડા વિચારો વહેચું.


             છોકરીઓ સ્વભાવે નમ્ર અને શાંતિપ્રિય હોય છે જ્યારે છોકરાઓ ચંચળ અને આક્રમક હોય છે, ખરું?બંને પ્રકારમાંથી કયા સ્વભાવને સારો ગણી શકાય તેના ઉત્તરમાં મહત્તમ પસંદગી છોકરીવાળા સ્વભાવ તરફ જ ઢળે છે છતાં ભારતના ઘણા કુટુંબોમાં બાળકોના આક્રમક સ્વભાવ માટે ગૌરવ અનુભવાય છે, બોલો. અજુગતું લાગશે જ  પણ આ અવલોકન સાવ ખોટું નથી એ પણ એટલું જ સાચું છે! શક્ય છે જાગૃત વાચક તરીકે આપને પણ આવો કઇંક અનુભવ હોય.
           છોકરાઓના વર્તન સુધારાની દિશામાં શું થઈ શકે? દરેક મા-બાપે જાતિભેદને ધ્યાનમાં રાખ્યા વિના જાહેર વર્તનો શીખવવાની જરૂર છે. નમ્રતા, વિવેક, આદર, પ્રામાણિક્તા, વિરોધ વગેરેમાં જાતિને શું લેવાદેવા છે? છોકરાઓમાં વારંવાર ગુસ્સે થવાની આદતને કદીપણ પ્રોત્સાહિત કરવી ન જોઈએ. ઘરના કોઈપણ સભ્ય સાથે ઊંચા અવાજમાં વાત ન કરવાની કેળવણી (કે અંકુશ) વડીલોના હાથમાં છે. છોકરાઓને સમજાવટ દ્વારા હિંસાત્મક વર્તનથી જેમ બને તેમ જલદીથી વિમુખ કરવાના પ્રયત્નો ઘરના વડીલોએ કરવાની જરૂર છે.
            તમારાં છોકરાઓએ બીજાની સામે (ઘરના કે બહારના) શરમમાં મુકાવું પડે તેવા અન્યોના વર્તનથી તેમને બચવવાની જરૂર છે. મનોવિજ્ઞાનના મતે, ઘરના સભ્યો, સગાસંબંધીઓ કે મિત્રો તરફથી છોકરાઓએ જો વારંવાર શરમિંદગી અનુભવવી પડતી હોય તો તેવા છોકરાઓ હિંસક કે આક્રમક બની જવા સંભવ છે. એટલે મહોલ્લામાં કે સામાજિક મેળાવડાઓમાં પોતાના છોકરા માટે અન્યો દ્વારા કોઈ અજુગતિ ટીકા-ટિપ્પણી ન થાય તેનું ધ્યાન વાલીઓએ રાખવું જોઈએ. જેમ છોકરીઓને અન્યો સાથે વાતચીત કે ચર્ચામાં સામેલ થવામાં અટકાવીએ છીએ તે રીતે છોકરાઓને પણ અન્યો સાથે મળવા-ભણવામાં ધ્યાન રાખવું જોઈએ. આપણાં બધાનો એવો પણ અનુભવ છે કે અપશબ્દો, ગાળ કે છીછરી ટીપ્પણી છોકરાઓ દ્વારા જ વધુ થતી હોય છે. પોતાનું સંતાન (છોકરો) કેવા મિત્રોના જૂથમાં વધુ રહે છે તેના ઉપર દેખરેખ રાખવાનું કામ વાલીઓનું છે એ ન ભુલશો.
       આધુનિક સમયમાં છોકરાઓ પર સૌથી વધુ પ્રભાવ હોય તો ઇલેક્ટ્રોનિક્સ સાધનો(gadgets)નો છે. આની ઘેલછા કેવા પરિણામો લાવે છે તે સમાચાર રૂપે અખબારોમાં ચમકતું રહે છે. તેથી છોકરાઓની ઇન્ટરનેટ પ્રવૃતિઓ પર નજર રાખવી આધુનિક મા-બાપોનું કર્તવ્ય બને છે. બાળકો મોબાઈલ કે કમ્પ્યુટર પર રમતો રમે છે તે કેવા પ્રકારની છે તેની જાણકારી અને દેખરેખ વાલીએ જ  રાખવી પડશે. જો હિંસાત્મક રમતોમાં છોકારાઓ વધુ સામેલ થશે (મોટાભાગની રમતો આવી જ હોય છે!) તો લાંબેગાળે તેનું વર્તન પણ ઉદંડ અને આક્રમક જ હશે. વારંવાર યુદ્ધ કે હિંસાત્મક દ્રશ્યોવાળી ફિલ્મ જોવાના શોખીન છોકરાઓના મા-બાપે પણ ચેતી જવાની જરૂર છે!
            ઘણાબધાને પસંદ ન આવે તેવી એક પ્રવૃત્તિ પાલતુ પ્રાણી રાખવાની છે. કૂતરો, બિલાડી, સસલું, કાચબો કે અન્ય પક્ષીને ઘરમાં રાખવાથી છોકરાને જવાબદારીપૂર્વકનું કામ મળે છે. આવા મૂંગા પ્રાણીઓને સંભાળવાની કામગીરી તેમનામાં સહાનુભૂતિ જન્માવે છે, જે પેલા હિંસાત્મક વર્તનમાંથી તેઓને બચાવી લે છે. જો પ્રાણીઓ-પક્ષીઓ સાથે છોકરાઓ સારું વર્તન કરશે તો તેની આસપાસના માણસો સાથે પણ તેવું જ વર્તન કરવા પ્રેરાશે. છોકરાઓના વર્તનને સુધારવાનો આ સાવ નોખો પ્રયોગ છે. જે ઘરોમાં ગુસ્સાનું પ્રભુત્વ છે તેવા વડીલોને આ ઉપાય અજમાવી જોવા સલાહ છે!
           વાલીઓએ છોકરાની બાહ્ય રમતો (ખાસ કરીને મેદાન કે ખુલ્લી જગ્યાઓમાં રમાતી હોય તેવી)માં પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આજકાલ શહેરોમાં આની ભારે ઉણપ વર્તાય છે. રમવાની ખુલ્લી જગ્યા ન હોવાના કારણે નહીં પણ ગોખણિયા અને પરીક્ષાલક્ષી શિક્ષણને કારણે છોકરા-છોકરીઓ અને વાલીઓ રમત કે શારીરિક પ્રવ્રત્તિથી લગભગ વિમુખ બની ગયા છે. આવા ઘરના છોકરાઓ રખડપટ્ટી દ્વારા મનોરંજન મેળવે છે, જેમાંથી વ્યસનો, છેડતી, અપશબ્દો અને હિંસા જેવા અવગુણો ગ્રહણ કરે છે. બહુધા વાલીઓ આ બાબતે મૌન સેવે છે અથવા અજ્ઞાત હોય છે.
             છોકરાઓને પણ સૌંદર્ય ગમે છે. ઘર કે બહારની દુનિયામાં રહેલા વૃક્ષો, ફૂલો, નદી-તળાવો, ઘરની સુશોભિત વસ્તુઓ વગેરે તરફ ધ્યાન દોરતા વાલીઓએ શીખવવાની જરૂર છે. આ બધુ ન થાય ત્યારે છોકરાઓના સૌંદર્યની શોધ માત્ર છોકરી કે સ્ત્રી પુરતી જ સીમિત થઈ જાય છે! આ મનોવૈજ્ઞાનિક વાસ્તવિક્તા છે. છોકરાઓને દુનિયામાં ઠેર ઠેર પડેલી સુંદરતાનો અનુભવ કરાવવાની જવાબદારી વડીલો અને વાલીઓની છે. જ્યારે આમ નથી થતું ત્યારે છોકરાઓ ભટકી જાય છે અને તેના દુષ્પરિણામો કુટુંબ અને સમાજે ભોગવવાનો વારો આવે છે. તેથી હે વાલીઓ! મંથન કરજો અને આ ઉપાયો અચૂક અજમાવજો.

-ડૉ. વિજય મનુ પટેલ 

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...