Saturday 28 February 2015

Exams



બોર્ડ પરીક્ષાની સાથે પ્રવેશ પરીક્ષાઓ પર નજર રાખો!

        માર્ચ મહિનો પૂરો થાય પછી શિક્ષણ જગતમાં નવા પ્રવેશોની સિઝન શરૂ થતી હોય છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા પછી સ્નાતક(ડિગ્રી) અભ્યાસક્રમની પસંદગી અને પ્રવેશની ફિકરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પડી જતાં હોય છે. કેટલાક મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ એ માટે ઇન્ટરનેટ દ્વારા ખૂણે ખૂણે પહોંચીને માહિતી મેળવી લેતાં હોય છે, પરંતુ મોટાભાગના મા-બાપો જે તે અભ્યાસક્રમ વિશે મોડા જાગનારાઓ અને અજાણ હોય છે. આવા લોકો એવું માનતા હોય છે કે નવા પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી જ આગળ વધવાનું હોય છે, પણ એ તેઓનું અજ્ઞાન કે અધૂરપ હોય છે. ઘણા અભ્યાસક્રમોમાં જવા માટે બોર્ડ પરીક્ષાના આગળના વર્ષ કે થોડા માસ પહેલાથી તૈયાર રહેવું પડે, કેમ કે તે માટેની અરજી કરવાનો સમય વર્ષની મધ્યમાં આવતો હોય છે. આજે તેમાની કેટલીક પરીક્ષાનો પરિચય કરીએ.
        1) JEE (Joint Entrance Exam.) : એન્જિનિયરિંગ ડિગ્રીના પ્રવેશ માટે ભારતના તમામ વિદ્યાર્થીએ આપવી પડતી આ પ્રવેશ પરીક્ષા છે. IIT, NIT તેમજ પ્રાદેશિક એન્જિ. કોલેજોમાં પ્રવેશ મેળવવા માટીની આ પરીક્ષા બે ભાગમાં લેવાય છે. JEE Main   અને JEE Advance. પ્રથમ પરીક્ષા 4/4/15ના રોજ લેવાશે. જેમાં પાસ થનાર દોઢ લાખ વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા માટે લાયક ઠરશે! આ બીજી પરીક્ષા 24/5/15ના રોજ લેવાશે. 
        આ પરીક્ષા CBSE દ્વારા સંચાલિત હોય છે, જેની જાહેરાત નવેમ્બર-ડિસેમ્બરમાં આવતી હોય છે. આ પરીક્ષા અંગ્રેજી અને હિન્દીમાં આપી શકાય છે અને માત્ર બે પ્રયત્નોમાં પાસ કરવાની હોય છે.
        2) NATA (National Aptitude Test for Architecture) : દેશની સરકારી, અર્ધસરકારી કે ખાનગી આર્કિટેક્ચર (એન્જિ.) કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની આ પરીક્ષા છે. આ માટેના પ્રવેશપત્ર માર્ચ મહિનાથી ઉપલબ્ધ થતાં હોય છે અને માર્ચથી ઓગષ્ટ સુધીમાં કોઈપણ કામના દિવસે આ પરીક્ષા આપી શકાય છે. તેમાં અવલોકન શક્તિ, ચિત્ર કૌશલ્ય, સૌંદર્ય દ્રષ્ટિ જેવા ગુણોની ચકાસણી થાય છે. જે વિદ્યાર્થી ધોરણ-12માં ગણિત વિષય સાથી 50 ટકાથી વધુ ગુણ મેળવે તે આ પરીક્ષામાં બેસી શકે છે. આ પરીક્ષામાં પાસ થવાનો માપદંડ 40 ટકા (80/200) છે.

        3) BITSET : કમ્પ્યુટર પર આધારિત આ પરીક્ષા બિરલા ઈન્સ્ટિ. ઓફ ટેકનૉલોજિ, પિલાની (રાજસ્થાન) દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસી, માહિતી વ્યવસ્થાપન જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાય છે. આ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીએ ધોરણ 12 સમકક્ષ પરીક્ષામાં 75 ટકાથી વધુ ગુણ મેળવવા જરૂરી છે. ઉપરાંત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયોમાં 60 ટકાથી વધુ ગુણ જોઈએ.
        સળંગ ત્રણ કલાકની આ પરીક્ષા ચાર ભાગમાં વહેંચાયેલી હોય છે. આ વર્ષે આ પરીક્ષા 14/5/15 થી 29/5/15 દરમ્યાન લેવાશે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 20/2/15 છે.
        4) VITEEE (Vellore Institute of Technology) :  દ્વારા લેવાતી એન્જિ. ના પ્રવેશ માટેની પરીક્ષા છે. આ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીએ ધોરણ 12માં ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયોમાં સરેરાશ 60 ટકાથી વધુ ગુણ જોઈએ. ચાલુ વર્ષે તે 8/4/15 થી 19/4/15 દરમ્યાન લેવાશે, જે માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 27/2/15 છે.
        5) AIPMT (All India Pre-Medical Test) : આ પરીક્ષા દેશમાં આવેલી સરકારી મેડિકલ/ડેન્ટલ કોલેજોમાં પ્રવેશની જગ્યાઓ ભરવા માટે તથા દિલ્હી યુનિ., બનારસ હિન્દુ યુનિ. જેવી જુદા જુદા રાજયોની કોલેજોમાં પ્રવેશ માટે ઉપયોગમાં લેવાય છે. આ પરીક્ષાનું સંચાલન CBSE દ્વારા થાય છે. વર્ષે આ પરીક્ષા 3/5/15ના રોજ લેવાનાર છે. આ માટેની અરજીનું કાર્ય ડિસેમ્બરમાં જ પૂર્ણ થઈ જાય છે, છતાં લેટ ફી સાથે 31 જાન્યુ. સુધી અરજી થઈ શકે છે. આ પરીક્ષામાં વિજ્ઞાન સંબંધિત 180 વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે.
        6) CLAT ( Common Law  Admission Test) :  ભારતની 14 રાષ્ટ્રીય કાયદા યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક પદવી મેળવવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે, જેનું સંચાલન લખનૌની રામમનોહર લોહીયા લૉ યુનિ. દ્વારા થાય છે.
        પ્રવેશપાત્રતા માટે ધોરણ 12માં 45 ટકાથી વધુ ગુણ (SC-ST માટે 40 ટકા) હોવા જોઈએ અને ઉંમર 20 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ પરીક્ષા બે કલાક અને 200 ગુણની હોય છે. જેમાં ખોટા જવાબ માટે નકારાત્મક ગુણાંકન (માઇનસ) વ્યવસ્થા હોય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/15 છે અને પરીક્ષા 10/5/15ના રોજ લેવાશે.
        7) NIFT (National Institute of Fashion Technology) : ધોરણ 12 પછી ફેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓની  GAT-General Ability Test, CAT- Creative Ability Test અને Situation Test દ્વારા પસંદગી કરવામાં આવે છે. આ પરીક્ષા માટે અરજીની અંતિમ તારીખ 10/1/15 હતી અને હવે પ્રથમ તબક્કાની પરીક્ષા 8/2/15ના રોજ અને બીજા તબક્કાની પરીક્ષા 22/2/15ના રોજ લેવાશે. જુથ ચર્ચા તથા મુલાકાત એપ્રિલ-મે માસમાં થશે.
        8) CPT (Common Proficiency Test) : પરીક્ષા દ્વારા ધોરણ 12 પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય તરફ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વર્ષમાં બે વખત તક મળે છે. કે માટે દર વર્ષની એપ્રિલ પહેલાં Institute of Chartered  Accountant of Indiaમાં નોંધણી કરાવવી પડે. ચાર સેશનમાં 200 ગુણની આ પરીક્ષા હવે 14/6/15ના રોજ હશે.
        9) NDA (National Defense  Academy) : દેશની સુરક્ષાના ભૂમિ, નૌકા અને હવાઈદળમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષાનું સંચાલન UPSC દ્વારા થાય છે. પ્રવેશ યોગ્યતા માટે ધોરણ 12ની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરેલી હોવી જોઈએ અને ઉંમર 16.5 વર્ષથી 19 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરવાની અંતિમ તારીખ 23/1/15 હતી અને હવે આ પરીક્ષા 19/4/15ના રોજ લેવાશે.
        વાચક મિત્રો, આવી તો અનેક પરીક્ષાઓ જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે જેના વિશે અગાઉથી જાણકારી મેળવવી આવશ્યક છે. આવી પરીક્ષાના માળખામાં સમયાંતરે ફેરફારો થતાં રહે છે તેથી અન્ય સ્રોત દ્વારા પણ ચકાસણી કરો એ ઇચ્છનીય છે.

ડૉ. વિજય મનુ પટેલ
 

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...