Tuesday 8 September 2015

શિક્ષકો ‘ચિરંજીવ છાપ’ સર્જવા પ્રયત્નશીલ રહે




શિક્ષકો ચિરંજીવ છાપ સર્જવા પ્રયત્નશીલ રહે


                એક વધુ શિક્ષક દિન વીતી ગયો છે. સમાજમાંથી કેટલા લોકોએ પોતાના શિક્ષકોને યાદ કર્યા હશે તે તો ખબર ન પડે, પણ સોશિયલ મીડિયા પર તેની થોડી ચહલપહલ દેખાશે ખરી. તેમાં યુવા પેઢી મોખરે હશે, ભલે તેમાં શુભેચ્છાના શબ્દો ઓછા અને likes વધુ હશે!
                શિક્ષક કે શાળાનું ખરું મહત્વ તો વર્ષો પછી જ સમજાતું અને સંભળાતું હોય છે. હા, જે ભૂતકાળના વિદ્યાર્થીઓએ પોતાના વ્યવસાય અને જીવનમાં એકંદરે સારી રીતે સ્થાપિત થઈ ગયા હશે તેમના મુખેથી જ આ બંનેની પ્રસંશા સાંભળવા મળશે. જે નિષ્ફળ વ્યક્તિ તરીકે સંઘર્ષની સ્થિતિમાં હશે તેઓ પોતાના શિક્ષક કે શાળાને ભાગ્યે જ યશ આપશે, યાદ કરશે!
                એક વાત એ પણ ખરી કે વિષયને સારી રીતે ભણાવવા સાથે જે શિક્ષકે વિદ્યાર્થીઓને અન્ય ક્ષમતાઓને વિકસાવવામાં મદદ કરી હોય તે શિક્ષક માનસપટ પર જલદીથી આવશે. આમ કરવામાં ભલે શિક્ષકે ક્યારેક ઠપકો કે થપ્પડ પણ મારી હશે તોયે તેને વખોડવાને બદલે  યોગ્ય માનશે! જે શિક્ષકોએ પોતાની નોકરીના વર્ષોને સીધી સાદી આગમન-નિગમન પ્રક્રિયામાં જ ઢાળી દીધા હશે તેઓ આ દિવસે પણ યાદ નહીં આવશે.

                શિક્ષકોનું મહત્ત્વ ક્યારેય ઘટી શકવાનું નથી. ઈશ્વર કે અલ્લાહનું ઘટે છે? આ લોકો ક્યારેય ફરિયાદ નથી કરતાં, પણ આપણે શિક્ષકોને એવું લાગ્યા કરે છે કે સમાજમાં આપણું મહત્ત્વ ઓસરી ગયું છે. પહેલા લોકો શિક્ષકોને કેટલું માન-સન્માન આપતા હતાં, આજે નમસ્કાર સિવાય ખાસ કઈં નહીં ?! આવું માનવા કરતાં શિક્ષકોએ થોડું આત્મમંથન  કરવું જોઈએ. એમાં સરકારનો આવનારો નિર્ણય તમને મદદરૂપ થશે કે કેમ તે વિચારી જુઓ.
                ઇ.સ.2010થી અમલમાં આવેલ RTE કાયદા મુજબ પ્રાથમિક શિક્ષણ(ધોરણ 1થી 8 સુધીમાં) કોઈપણ વિદ્યાર્થીને તેના તે જ ધોરણમાં રાખી શકાય નહીં (એટલે કે નાપાસ ન કરાય). ત્રણ-ચાર વર્ષના અનુભવોથી શિક્ષકો અને બુદ્ધિજીવીઓને એવું લાગ્યું કે આ વ્યવસ્થા બરાબર નથી. નબળા વિદ્યાર્થીઓ પણ ઉપર ધકેલાતા જાય તો ઉપલા ધોરણમાં પણ રકાસ જ થવાનો. જેની અસર ખાનગી તથા સરકારી શાળાના બોર્ડ પરીક્ષાના પરિણામો પર જણાતી હોવાનું લાગ્યું છે.
                સરકારના નાપાસ ન કરવાના નિર્ણય પાછળ બે કારણો હતા: એક, દરેક બાળકમાં કોઈને કોઈ સારી ક્ષમતા હોય જ છે. કોઈ એક-બે વિષયના નબળા પરિણામથી તેનો વિકાસ અટક્વો ન જોઈએ. અને બીજું, જો પ્રાથમિક શિક્ષણથી જ બાળક drop out થાય તો ઉચ્ચ શિક્ષણ પાછળ કરેલું મૂડીરોકાણ વ્યર્થ જાય. તાર્કિક રીતે આ વિચારો સાચા જ હતા અને છે, પરંતુ સમાજમાંથી જે દલીલો ઊઠી તેને સરકારને વિચારવા મજબૂર કરી છે.
                ઑગસ્ટ 19, 2015ના રોજ નવી દિલ્હી ખાતે માનવ સંસાધન મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષપણા હેઠળ એક સમીક્ષાત્મક બેઠક યોજાઇ ચૂકી છે. આ બેઠકમાં ધોરણ આઠ સુધીમાં કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિર્ણય પર ફેરવિચારણાં થઈ હતી. અનેક રાજયોના પ્રતિનિધિઓ અને અન્ય મંત્રીઓ સાથેની આ બેઠકમાં આ મુદ્દા ઉપરાંત મફત અને ફરજિયાત  શિક્ષણને ધોરણ દશ સુધી લંબાવવાની દરખાસ્ત હતી તથા શાળામાંથી છોકરીઓના drop out દરને ઘટાડવા માટે સેનિટરી નેપકિન્સ પૂરા પાડવાની ચર્ચા પણ થઈ હતી.
                એન.ડી.એ સરકાર રચિત CABE(Central Advisory Board of Education)ની આ સૌપ્રથમ મિટિંગ હતી, જેમાં સરકારના મંત્રી, અધિકારીઓ સાથે શિક્ષણવિદ્દો પણ સામેલ હતાં. આ ચર્ચામાંથી આખરી નિર્ણય શું આવશે તેની આપણને ખબર નથી પણ જો નાપાસ કરવાની વ્યવસ્થા પુનઃ સ્થાપિત થશે તો તેમાંથી કયા લાભાલાભ થશે તે વિચારીએ.
                જે સજ્જ અને વિદ્વાન શિક્ષકો હશે તે આવા નિર્ણયથી અચૂક ખુશ થશે, કેમ કે તેઓ આ વ્યવસ્થાને જ ન્યાયી ગણતાં હતા. ક્ષમતાવાળી વ્યક્તિ તો આગળ જતી હતી પણ ક્ષમતા વગરનાને આગળ ધકેલવામાં આ લોકો ભારે હતાશા અનુભવતા હતા. નવું શીખવા-શીખવવાની ચાનક ઓસરી જતી હતી કારણ કે પાસ કરી જ દેવાના છેનું આખરી સત્ય તેમની સામે જ રહેતું હતું. હોંશિયાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ એટલે હાશકારો થશે કે જે લાયક હોય તે જ આગળ જાય.
                જે નબળા વિદ્યાર્થીઓ છે તેઓ અને તેમના વાલીઓને પહેલા મોટી રાહત હતી કે આપણે તો પાસ થવાના જ છે! આટલી અંબુજા સુરક્ષાએ તેઓને કઈં જ નહીં કરીને કામચોર બનાવી દીધા હતા. શાળાને જાણે બાજુએ જ ધકેલી દીધી હતી તે હવે ચાલી શકશે નહીં. શાળામાં નિયમિત રીતે હાજર રહ્યાં વિના આગળ ભણી શકશે નહીં તે વાત તેઓને વધુ મહેનત માટે ફરજ પાડશે.
                નબળા પાયા સાથે આગળ વધીને બિનકુશળ શિક્ષિત બનાવવાની સરકારી વ્યવસ્થા પર પણ લગામ આવશે. યોગ્ય રીતે ભણીને જ આગળ વધવાથી દેશને કુશળ શ્રમિકો મળશે. જો કે તેનો લાભ મળતાં વર્ષો લાગશે, પણ અત્યંત જરૂરી એવો લાભ મળી શકશે.
                હવે ગેરલાભ વિશે વિચારીએ. સૌથી મોટી તકલીફ નબળા અને કામચોર શિક્ષકોને થવાની છે. પહેલા તેઓ નચિંત હતા કેમ કે ભણાવ્યા વિના જ ગુણ આપી દેવાના હતા! એમાં તેઓને સાથી ફાવટ પણ આવી ગઈ હશે. વળી, વિદ્યાર્થી નાપાસ થાય, તો કોઈ આંગળી ઉઠાવે ને?! બધા જ પાસ થઈ જાય એટલે શિક્ષકોની નબળાઈ છતી નહોતી થતી(ભલે શિક્ષક શાળામાં ઊંઘી જાય કે શાક સમારે!). હવે એમાં તકલીફ પડશે.
                જે તે ધોરણમાં બે-ચાર વિદ્યાર્થીઓ નાપાસ થશે તો કોઈ વાલીઓ કે અધિકારીઓએ હલ્લો નહીં કરશે પણ...પણ નાપાસ થનારાઓની સંખ્યા વધારે હશે તો તેમાં નાલેશી જે તે વિષય શિક્ષકની જ ગણાશે! (મતલબ આડેધડ નાપાસ કરવામાંયે જોખમ!) તેથી નિયમિત રીતે, સારી રીતે અને સમજપૂર્વક ભણાવવાનું શિક્ષકનું કર્તવ્ય બનશે. આમ કરવું કષ્ટદાયક હશે કે લાભકારક એ તો શિક્ષક પર જ નિર્ભર રહેશે. પોતાનો પગાર મફતનો છે કે મહેનતનો તે સમાજ મૂલવશે!
                વારંવાર નાપાસ થવાથી વિદ્યાર્થી અને વાલીએ બીજા વિકલ્પ તરફ વિચારવાની ફરજ પડશે. દરેક પોતાની ક્ષમતા હોય તેવી જ કારકિર્દી તરફ આગળ વધે તે ઇચ્છનીય અને ન્યાયી નિર્ણય કહેવાય. આમ નાપાસ થવાથી કારકિર્દી માર્ગદર્શનની આવી માનસિકતા કેળવાશે. વારંવાર ગણિતમાં નાપાસ થનાર બાળકના વાલીએ તેને ઇજનેર બનાવવાના હવાતિયા છોડી દેવા જોઈએ. આવું સત્ય નાપાસ ન થવાથી સમજાય ખરું?
                આવનારા સમયમાં શિક્ષકોનું મહત્ત્વ વધશે કે ઘટશે તે પ્રશ્ન અસ્થાને છે. સરકાર નીતિ બદલશે તો શિક્ષકોએ પણ પોતાની માનસિકતા શા માટે ન બદલવી જોઈએ? રાહ જોઈએ.


ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 7/9/15)
 

ગુજરાત સરકાર દ્વારા Best Teacher Award-2015



મેં પ્રાપ્ત કર્યો ગુજરાત સરકારનો
BEST TEACHER AWARD-2015



                ગુજરાતના રાજયપાલ શ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથેનું આ સાંનિધ્ય યાદગાર ક્ષણ બની રહેશે.
                આ અવસર વ્યક્તિગત રીતે ઘણો મોટો હશે, પણ જો એ બીજાના મનમાં અહોભાવ ન પ્રગટાવી શકે તો એનું મૂલ્ય સામાન્ય જ કહેવાય. તેથી હું આને એક નવી શરૂઆત માનું છું, અંત નહીં. તેમાં આપ સુજ્ઞજનોનું માર્ગદર્શન મને નવી ક્ષિતિજો સર કરવામાં ઉપયોગી નીવડશે એવી આશા.

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...