Friday, 29 May 2020

My research's outputs!

 
મિત્રો,
કોરોના મહામારીના લોકડાઉનમાં સમગ્ર ભારત અને ગુજરાતના લોકો કેદ થયેલા હતા ત્યારે માર્ચ-એપ્રિલ-મે-2020ના લોકડાઉનમાં શિક્ષકોની અને લોકોની મન:સ્થિતિને સમજવા માટે મેં બે ડિજિટલ સર્વે હાથ ધર્યા હતા. જેના પરિણામો આપની સાથે અહીં Share કર્યા છે. 1- લોકડાઉનમાં શિક્ષકોની મન:સ્થિતિ

આ સર્વેક્ષણના તારણો પરથી સંશોધક તરીકે મારા વિચારો:      

 

  •  મોટાભાગના શિક્ષકોનો સૌથી વધુ સમય મોબાઈલ-કમ્પ્યુટર સાથે ગયો છે. ભવિષ્યમાં શિક્ષકોની આ સાધનો સાથેની વ્યસ્તતા વધી શકે છે.

  •   મોટાભાગના શિક્ષકો ફુરસદના આ સમયમાં પોતાના વિષયની નોટ્સ બનાવવા કે ઘરકામથી વિશેષ કશું કરી શક્યા નથી. નિરાશાજનક સ્થિતમાં મોટાભાગના શિક્ષકો સર્જનશીલ બની શક્યા નથી.

  • .  શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચેનો ટેલિફોનિક સંવાદ સાવ નજીવો જણાયો હતો. ઓનલાઈન શિક્ષણ બાબતે પણ ઉત્સાહજનક પ્રતિભાવો બહુ ઓછા મળ્યા હતા. વારંવારના કે લાંબા લોકડાઉનથી વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેના સંબંધો શિથિલ બની શકે છે.

આ સર્વેના અભિપ્રાયોના પરિણામ (ચાર્ટ) જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો!

https://docs.google.com/presentation/d/1HPpJ2Lo3tY1VxHbssWo1mVRTHOGwqNcvtFD9Hnn-arE/edit?usp=sharing

2-લોકડાઉન 2020માં લોકોની મન: સ્થિતિ


સામાજિક સર્વેક્ષણના તારણો પરથી સંશોધક તરીકે મારા વિચારો:
  • 1-   મોટાભાગના લોકોનો સૌથી વધુ સમય મોબાઇલમાં વીત્યો છે. ભવિષ્યમાં આની વ્યસ્તતા ઝડપથી ઘટશે નહીં બલ્કે વધી શકે છે!
  • 2-   ફુરસદના આ સમયમાં વાંચન આકર્ષક પ્રવૃત્તિ જણાઈ નથી!
  • 3-   એકંદરે મોટી વસ્તી માનસિક હતાશાનો શિકાર બની છે. એને કારણે ઘણા લોકોની નિર્ણય લેવાની શક્તિ કુંઠિત થશે અથવા ખોટા નિર્ણયો લેવાશે!
  • 4-   ભલે સીધી રીતે કેટલાક અનિષ્ટોને સમર્થન નથી છતાં માનસિક હતાશા, વ્યસન, કંકાસ, ચોરી-લૂંટફાટ, બળાત્કાર કે આપઘાત જેવી સામાજિક સમસ્યાઓમાં ઉછાળ આવી શકે છે!
  • 5-   આરોગ્ય બાબતે સભાનતા આવે તેની સાથે ધીરજ, ઈમાનદારી અને સાદગી જેવા જીવનમૂલ્યો વધુ સુખી જીવન આપશે!
  • 6-   લાંબા લોકડાઉનની આ સ્થિતિ સ્ત્રીઓ-પુરૂષોને લગભગ સરખી રીતે લાભ-ગેરલાભનો અનુભવ આપનાર જણાઈ હતી.
  • 7-   એવો ભય અસ્થાને નથી કે ભવિષ્યમાં સામાજિક અંતર હૈયા વચ્ચેના અંતરને પણ ઘટાડી દે!

આ સર્વેના અભિપ્રાયોના પરિણામ (ચાર્ટ) જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો!

https://docs.google.com/presentation/d/1jAznISWuMzUhjS3ufLlwcSnPPY_OARFKU56zjtPpGpo/edit?usp=sharing

Monday, 25 May 2020

ઈન્ટેલિજન્સ નહીં, ઇમ્યુનિટીવાળા જીતશે!

                 આપણે ત્યાં અને દુનિયાભરમાં, જેનો બુદ્ધિઆંક વધારે હોય તેવા વિદ્યાર્થીઓ બધા જ શિક્ષકો અને આચાર્યના લાડકા બની જતાં હોય છે, ખરું ને? સાદી ભાષામાં આપણે જેને હોશિયાર કે ટોપ કક્ષાના વિદ્યાર્થીઓ ગણતા હતા તેઓની બોલબાલા અન્ય કરતાં વધારે જ રહેતી. શિક્ષકો, આચાર્ય અને મા-બાપ પણ આવા વિદ્યાર્થી કે સંતાન માટે બહુ અધીરા અને આશાવાદી રહેતા. બોર્ડ જેવી જાહેર પરિક્ષાના પરિણામોમાં ટોપ રહેવા માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ માત્ર આવા વિદ્યાર્થીઓ પર જ ધ્યાન આપતી. તેથી અભ્યાસમાં સરેરાશ કે નબળા બાળકો અને તેમના વાલીઓ હંમેશાં લઘુતાનો ભાવ અનુભવતા.

                શક્ય છે હવે શાળાઓમાં આ સિનારિયો પણ બદલાશે. હોશિયાર કે વધુ ટકાવાળા નહીં પણ સારી રોગ પ્રતિકારકશક્તિવાળા વિદ્યાર્થીઓની બોલબાલા વધશે. આવા વિદ્યાર્થીઓ ભલે અભ્યાસમાં સરેરાશ હશે તો પણ આવનારા સમયમાં તેમના ગુણપત્રકને બદલે તેમની તંદુરસ્તી કે રોગ પ્રતિકારક વિશેના માપદંડો ધ્યાનમાં લેવાશે. અત્યારે ભલે આ થોડું અજુગતું કે વધારે પડતું પણ લાગતું હશે પણ ભવિષ્યમાં આ હકીકત બને તો નવાઈ ન પામતા. કોરોના મહામારીએ તંદુરસ્તીની વ્યાખ્યા પણ બદલી કાઢી છે. આશ્ચર્ય એટલે થશે કે આરોગ્યમાં શ્રેષ્ઠ ગણાતા સ્પેન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો આ મહામારીમાં ધરાશયી થઇ ગયા. એટલે તમને જરૂર દિલ હે કે માનતા નહીં જેવી લાગણી થશે જ.

             

  

            આ પરિસ્થિતિ આશ્ચર્યજનક પણ છે કેમ કે આ હેલ્થ ટોપર્સ દેશોમાં જ સૌથી વધુ જાનહાનિ થઈ છે (જો કે હવે પછી વિકાસશીલ દેશો જાનહાનીમાં આગળ નીકળી જાય એમ બને). આ આફતમાં દવાની શોધ બાબતે દુનિયામાં અગ્રિમ એવા અમેરિકા અને કેનેડા પણ હાંફી ગયા છે. એટલા માટે જ વિશ્વમાં હવે intelligence કરતાં immunity નું મહત્ત્વ વધવાનું નક્કી છે. આ વાતથી શિક્ષણનું ક્ષેત્ર પણ વંચિત કેવી રીતે રહી શકે?

હેલ્થ ટોપર્સ ગણાતા વિકસિત દેશો આરોગ્ય સુવિધા, આરોગ્ય સંશોધન, સ્વચ્છતા અને આરોગ્ય શિક્ષણ (જાગૃતિ) બાબતે સર્વોચ્ચ એવા દેશો છે. આવા દેશોના લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વિકાસશીલ દેશો કરતાં ઊંચું છે. તેઓ બેક્ટેરિયા, ફૂગ કે મોટાભાગના વાયરસ સામે લડવા સક્ષમ છે અને હતાં જ. પરંતુ આ નવા કોરોના વાયરસે એમના આ સુરક્ષા કવચને પણ ભેદી કાઢ્યું છે. આ કુદરતી કે માનવસર્જિત વાઇરસની સામે એવા લોકો ટકી શક્યા છે જેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહી છે. આ સંદર્ભમાં જ સમગ્ર દુનિયાની માનવ વસ્તીએ સ્વીકારવું પડ્યું છે કે અત્યાર સુધી જે હતું તે પૂરતું નહોતું.

તો મતલબ સાફ છે કે સમગ્ર માનવજાતને જોવાની દૃષ્ટિમાં પણ ફર્ક આવવાનો. કોઈ વ્યક્તિના રૂપ, રંગ. દેખાવ, જાતિ અને ધર્મને બદલે મજબૂત રોગપ્રતિકારકશક્તિવાળી વ્યક્તિ જ હવે સૌ કોઈની પહેલી પસંદગી બનશે, દરેક દેશ એવા વિદ્યાર્થીઓને જ પોતાના દેશમાં ભણવા માટે પ્રવેશ આપશે જેની પાસે ઇમ્યુનિટી પાસપોર્ટ હશે. વિદ્યાર્થીઓ જ શું કામ? પ્રવાસાર્થીઓ, મુલાકાતીઓ કે ધંધાર્થીઓએ પણ હવે બે પાસપોર્ટ રાખીને જ ફરવું પડશે! વિદેશ પ્રવાસ તો ખરું પણ પોતાના જ દેશમાં રહેવા-ફરવા માટે હવે માત્ર બાહ્ય શારીરિક જ નહીં પણ અંદરની શક્તિને પણ સમૃદ્ધ રાખવી પડશે.

ભારત જેવા ગીચ વસ્તીવાળા અને અપૂરતી ડોક્ટરી સુવિધાવાળા દેશને કોરોના મહામારીએ મોટો પડકાર ફેંક્યો છે. લાંબા lockdownને કારણે પર્યાવરણ સ્વચ્છ થયું છે તેથી ગંદકીને કારણે ફેલાતા રોગોમાં ઘટાડો થયો છે, પણ તેનો મતલબ એ નથી કે આપણો હેલ્થ ઇન્ડેક્ષ ઉંચો થઇ જશે! આયુર્વેદશાસ્ત્ર આપણી પાસે છે છતાં તે સર્વસ્વ કહી ન શકાય. દેશી અને વિદેશી એમ બંને ઉપચાર પદ્ધતી દ્વારા ભારતીય નાગરિકોની રોગ પ્રતિકારકશક્તિ કઈ રીતે વધારવી એ હવે સરકારી તંત્રનો અને પ્રજાનો પણ પ્રશ્ન બનવો જોઈએ કેમ કે, વાયરસની સામે લડવાની રસી ઝડપથી શોધાતી નથી અને જો એ મળી જાય પછી પણ બીજા ખતરનાક વાયરસ ન આવે તેની ખાતરી છે ખરી? કદાચ એ કોઈ જ આપી શકે તેમ નથી.

આ સ્થિતિમાં જે રામબાણ ઈલાજ છે તે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવાનો જ છે. શાળા- કોલેજમાં દાખલ થતાં પહેલાં જ હવે તેની બોલબાલા શરૂ થશે. કદાચ બાળક જન્મના સમયથી જ પ્રતિકારશક્તિ સાથે આરોગ્યનો વિષય હવે ચર્ચિત વિષય બનવાનો છે. નબળી રોગ પ્રતિકારકશક્તિવાળી વ્યકતિએ ક્યાં ક્યાં સહન કરવું પડી શકે છે તેની વાત પણ કરી લઈએ. વારંવાર શરદી, ફ્લૂ, તાવ જેવી બીમારીમાં સપડાવાથી જે તે વ્યક્તિ સાથે તેની આસપાસ રહેનારા લોકો જ એક પ્રકારનું અંતર રાખતા થઇ જાય એવું બને. આ અંતર મુલાકાત-ચર્ચા કે મિલન પ્રવૃત્તિઓના કાપ (ઘટાડા) સાથેનું પણ હોઈ શકે છે.

જો આવા વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં હશે તો વારંવારની ગેરહાજરી તેને અન્ય વિદ્યાર્થીઓથી તો દુર રાખશે જ પણ શારીરિક-માનસિક અભ્યાસકીય પ્રવૃત્તિમાં પણ તેને નબળા પુરવાર કરશે. કોલેજના શિક્ષણ બાદ નોકરી કે વ્યવસાય પસંદગીમાં પણ નબળી રોગપ્રતિકારક શક્તિ અવરોધ બની શકે છે. સતત ઠંડા કે ગરમ વાતાવરણમાં કામ કરવામાં શરીર લાંબો સમય સાથ ન આપે તો તેવી નોકરી કે વ્યવસાય પણ છૂટી શકે છે. સંક્રમિત થવાનું જ્યાં સૌથી વધુ જોખમ છે એવી હોસ્પિટલ, લેબોરેટરી, સંશોધન સંસ્થાઓ કે કેટલાક પ્રકારના જોખમી એકમોમાં કામ કરવા માટેની તકો પણ છીનવાઇ શકે છે.

આવા લોકોને સામાજિક પ્રસંગો મેળાવડાઓમાં અસ્પૃશ્યતા જેવો ભાવ અનુભવાય તો નવાઈ નહીં. કોઈપણ પ્રકારના પ્રદુષણો સામે લડવાની ક્ષમતાવાળું શરીર બનાવવા માટે માત્ર જિમ જવાથી કામ નહીં ચાલશે. વ્યસનોથી દૂર રહેવું પડશે, વારંવાર junk foods કે કોલ્ડડ્રિન્કના ઉપયોગ કરનારાઓએ પોતાની આહાર-વિહારની આદતોને બદલવી જ પડશે. આવું જ માંસાહાર કરનારાઓએ પણ વિચારવાનું રહેશે. સમતોલ પૌષ્ટિક આહારને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી હવે રસોડામાં ઉતારવો પડશે કે અમલમાં મૂકવો પડશે. વાંચ-વાંચ કે લખ-લખ કરવાથી જ હવે પરીક્ષાઓનો જંગ જીતાશે નહીં. હવામાનના ફેરફારો સામે અડીખમ રહે તેવા શરીર માટે વિદ્યાર્થીઓ પોતાને તૈયાર નહીં કરશે તો ભવિષ્યની અનેક તકો તેમને માટે ધૂંધળી થશે એ નક્કી છે.

 પહેલું સુખ તે જાતે નર્યા અને Health is wealthને હવે ઉંચાઇ, વજન કે શારીરિક બાંધા ની દ્રષ્ટિએ જ નહીં પણ ઊંચી રોગ પ્રતિકારકશક્તિથી પણ જોવી પડશે. યે અંદર કી બાત હૈ, સમજ્યા?!

E-mail: patel_vijaym@yahoo.com

     

Sunday, 17 May 2020

આત્મનિર્ભરતાને રાષ્ટ્રીય મૂલ્ય બનાવીએ!

                થોડા વર્ષો પહેલા રસ્તામાં યોગાનુયોગ મળેલા વિદ્યાર્થીને મેં પૂછ્યુંતું, ક્યાં જાય છે મિત્ર?’ હળવેકથી એણે જવાબ આપ્યોતો, પિત્ઝા ખાવા! અને મેં આશ્ચર્યથી આગળ પૂછ્યુંતું, તો એ ખાવા અહીં નદી પાર આવી ગયો?’ તેણે કહ્યું હતું, સર, મેકડોનલ્ડના જ પિત્ઝા ખવાય ને! હું તો એટલું જ બોલી શક્યો હતો કે, અચ્છા, આવજે તો! આ પ્રસંગનું સ્મરણ અહીં એટલે મૂક્યું છે કે દેશની ભાવિ (નવી અને યુવાન) પેઢીની સામે ગત સપ્તાહમાં વડાપ્રધાન મોદીએ એક વિચાર મૂક્યો છે કે આત્મનિર્ભર બનીએ.

                આમ તો વિશ્વભરના છેલ્લા બે-અઢી માસના લોકડાઉનથી દેશમાં પણ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે સંદર્ભમાં જ પોતાના સંબોધનમાં તેઓએ આ વાતને મૂકી હતી. કોરોના સામેની લડાઇ હજી મટતી નથી અને આસાનીથી મટે તેવી પણ નથી. તેમ છતાં માથે હાથ રાખીને બેસી શકાય તેમ પણ નથી. તો પછી શું? બસ, તકલીફોમાંથી તાકાત મેળવવા દેશની જનતા સમક્ષ આત્મનિર્ભરતાનો સંકલ્પ મૂક્યો છે. આપણા બધાનો એ અનુભવ રહ્યો છે કે લોકડાઉન થી ઘણું બધું ગુમાવ્યું છે, તો બીજી તરફ નવા આવિષ્કારો પણ થયા છે. કેટલા જ જુના ઉત્પાદનોમાં અસાધારણ ઉછાળ આવ્યો છે, તો કેટલાક સાવ નવા ઉત્પાદનો પણ જન્મ્યા છે.


                વડાપ્રધાનનો આત્મનિર્ભર બનીએનો વિચાર ઘણા સમીક્ષકો અને અધકચરી જાણકારી વાળા લોકોને માટે વિરોધ કરવાનું એક શસ્ત્ર બન્યું હશે. પણ હકીકત એ છે કે આત્મનિર્ભરતાનો ખ્યાલ એ સૂચવે છે કે દેશ પાસે જે સંસાધનો અને માનવીય સંપત્તિ છે તેનો ઉપયોગ કરીને શક્ય હોય તેટલું દેશમાં જ ઉત્પાદન હાથ ધરવું, જેથી વિદેશો પરનું અવલંબન ઘટી શકે. આ વિચાર માત્ર ભારતનો જ નથી, દુનિયાનો દરેક દેશ આમ જ વિચારે છે! આમ છતાં દુનિયાના કોઇ પણ દેશ માટે સો ટકા આત્મનિર્ભરતા શક્ય જ નથી.

                આખું વિશ્વ એક સરખી રીતે લાંબા સમય સુધી ચાલનારી માંદગીમાં પટકાયું હોય ત્યારે જેની માંદગી ઓછી ચિંતાજનક હોય તેણે બીજી તકો ઝડપી લેવા માટે તૈયાર પણ રહેવું જોઈએ!( આ લેખ સુધીમાં તો આપણે ઓછી ગંભીર માંદગીમાં છીએ!) દેશના વર્તમાન વડાપ્રધાન પાસે આવું વિઝન છે. એટલે ભલે અર્થતંત્ર ડામાડોળ છે પણ તેને પાટા પર લાવવા માટે દેશની જ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીએ તો શું ખોટું? બસ, આ વિચારને તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન તરીકે રજૂ કર્યું છે. સરકારે પોતાની રીતે ધિરાણ, કરમાફી જેવા અનેક ઉપાયો રજૂ કરી દીધા છે હવે તેનો લાભ ઉઠાવવા અને તક ઝડપી લેવાની જવાબદારી નાના ઉદ્યોગ સાહસિકો, સર્જનશીલ યુવાન નિયોજકો, ખેડૂતો, વ્યવસાયીઓ વગેરે પર છે.

                પણ આટલાથી કામ થઈ જશે કે? ના. એમાં જે અવરોધો અને તકો છે તેની ચર્ચા પણ કરીએ. ઉદ્યોગસાહસિકો નવા વિચારો, નવી વસ્તુ સાથે નવું સાહસ કરવા તૈયાર થશે પણ તેમને જોઈએ છે તેવા કર્મચારીઓ મળશે ખરા? કદાચ બિનકુશળ કારીગરો મળી જશે પણ કૌશલ્યપૂર્ણ માણસોની અછત રહેશે. તેથી જ હવે આઈ.ટી.આઈ, ડીપ્લોમાં કે કૌશલ્ય શીખવતી શિક્ષણ સંસ્થાઓ સામે નવી તકો આવી છે સમજી લેજો. નાના, મધ્યમ કે મોટા ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્ય આધારિત શિક્ષણ અભ્યાસક્રમોની માંગ વધશે. એટલે ગાડરિયા પ્રવાહમાં ભણ ભણ કરનારાઓ પણ ચેતે અને કંઈક નવું વિચારે.

                બીજી મુશ્કેલી સ્વાસ્થ્ય સંબંધી છે દેશમાં નાગરિકોના આરોગ્ય બાબતે સ્થિતિ સારી નથી જ. નાદુરસ્ત અથવા ઓછા કાર્યક્ષમ કર્મચારીઓ નવી તકો કે નવા પ્રોડક્ટ્સને માટે આસાનીથી અનુકૂળ થઈ શકશે નહીં. શારીરિક રીતે સક્ષમ કર્મચારીઓ જ આત્મનિર્ભરતામાં વધુ સહાયક બની શકે છે. એટલે આવી પરિસ્થિતિ પણ મેડિકલ ક્ષેત્રના વિકાસમાં નવી તકોનું સર્જન કરશે. દવાઓ, દાક્તરી સાધનો, સંશોધનો અને સ્વચ્છતા જેવા વિવિધ ક્ષેત્રોમાં નવા ઉત્પાદનો, સેવાઓ તેમજ તકનીકી કુશળ માણસોની માંગ વધારશે. યુવાન નિયોજકો આવી દિશામાં પણ વિચારવાનું શરુ કરે તો આત્મનિર્ભરતા તરફની ગતિ તેજ બની શકે..

                એક મોટો અવરોધ સરકારી છાપમાંથી મુક્ત થવાનો છે. વર્ષોથી ચાલી આવેલો આપણો ઈતિહાસ પીછો નથી છોડતો. સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને વહીવટ માટે એવો પૂર્વગ્રહ ઘર કરી ગયો છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે! જો કે છેલ્લા પાંચ-છ વર્ષમાં આ સ્થિતિમાં સુધારો જરૂર આવ્યો છે. દેશના હજારો યુવાનોને રાજકીય નેતૃત્વમાં વિશ્વાસ બેઠો છે અને પોતાની તાકાતથી તેઓ કાશ આંબી શકશે એવી શ્રદ્ધા પણ તેઓમાં બેઠી છે.

                આમ છતાં, દેશની વસ્તીનો એક વિરાટ સમૂહ ટીકા-ટિપ્પણી અને પલાયનવાદમાં જ રાચી રહ્યો છે. આવી પડેલી આપદાને અવસરમાં પલટી નાખવાના શાસકો તરફથી થતાં પ્રયત્નો છતાં તેઓની આંખ પીળું જ જુએ છે અને જીભ કડવાશ પેદા કરે છે! આવો સમૂહ આત્મનિર્ભરતાના વિચારને હાસ્યાસ્પદ ગણાવે છે. કહે છે કે એક તરફ સરકાર વિદેશી કંપનીઓને ભારતમાં લાવવાની વાત કરે છે અને બીજી બાજુ આત્મનિર્ભરતાનું ડાપણ કરે છે. આવું વિચારતા લોકોને અર્થતંત્રની કેટલી સમજ હશે તે તો કેમ જાણી શકીએ?

                એક વાત દેખાય છે કે જે લોકો આત્મનિર્ભર અર્થતંત્રની ટીકા કરે છે એ લોકોને ભય છે કે આમ કરવાથી દેશના નાગરિક તરીકે પોતાના પર વિશેષ જવાબદારી આવી પડશે. સરકાર રાહત પેકેજો આપીને યુવાન સાહસિકોને કામમાં જોતરી દેવા માંગે છે! તેમને એ ડર છે કે દેશમાં જ મોબાઈલ બનાવવામાં આવશે તો વિશ્વ બ્રાન્ડના મોબાઈલ વાપરવા નહીં મળે. જો સંતુર સાબુ કે દંતક્રાંતિ ટૂથપેસ્ટ વાપરીશું તો લક્સ, ડવ કે કોલગેટના સ્ટેટસનું શું થશે? એમને એ ડર લાગે છે કે હાથમાં થમ્સ અપને બદલે સોસિયોની બોટલ હોય તો કેવું વિચિત્ર લાગે?

                સમજાયું હશે કે આત્મનિર્ભરતા સ્વયં એક પડકાર છે, અને એને માટે દરેક દેશવાસીએ જૂનો અભિગમ જ બદલવો પડે!. જો હવે એ દુનિયાના દરેક દેશો માટે એક રાષ્ટ્રીય મૂલ્ય બનવાનું હોય તો આપણે કેમ ન સ્વીકારીએ? તેથી દેશના તમામ બુદ્ધિજીવીઓ તથા સર્જનશીલ સાહસિકોને પોતાના દેશના વિકાસમાં ફાળો આપવાની (કમાણી દ્વારા કે ખર્ચ દ્વારા) એક તક મળી છે. એમ સમજો કે કોરોના કાળમાં એક આશાનું કિરણ આવ્યું છે. તેથી દેશમાં જે બુદ્ધિશાળી, સર્જનશીલ, કૌશલ્યનિપૂણ અને યુવા ઉદ્યોગસાહસિકો છે તેઓ આગળ આવે તો દેશના અન્ય લોકોના જીવનધોરણને પણ ઉજમાળું બનાવી શકે તેમ છે. હવે દરેક નાગરિકમાં રાષ્ટ્ર પ્રત્યેના સ્વાભિમાન જગાડવાનું છે બસ.

                શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, નાણાકીય સંસ્થા, ધાર્મિક ટ્રસ્ટો, કૃષિ સંસ્થાઓ એમ દરેક તબક્કે દેશમાં ઉત્પાદિત વસ્તુઓ માટે ‘’આ તો મારા દેશની પ્રોડક્ટ’’ નું ગૌરવ મહેસુસ થાય તો આ દેશ થોડા વર્ષોમાં જ આત્મનિર્ભરતા તરફ મોટી છલાંગ મારી શકે છે. સૌને એક અપીલ કે દેશના ઉત્પાદનને ધુત્કારીએ નહીં, અપનાવીએ. વડાપ્રધાનની local થી vocal ની જે વાત છે તે આટલી જ છે!

-ડૉ. વિજય મનુ પટેલ

E-mail: Patel_vijaym@yahoo.com


Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...