કોરોના મહામારીના આગમને દેશ અને દુનિયાના સમગ્ર અર્થતંત્રને લોકડાઉનની સ્થિતિમાં મૂકી દીધું છે ત્યારે ભણનારાઓ આમાંથી મુક્ત કઈ
રીતે રહી શકે? દુનિયામાં અંદાજે ૭૦ ટકા
વિદ્યાર્થીઓ કેદ થયા છે. એકલા ભારતમાં જ નર્સરીથી લઈને ઉચ્ચતર માધ્યમિક કક્ષા
સુધીની શાળાના લગભગ ૩૨ કરોડ વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં બંધ થઈ ગયા છે. આને કારણે
વિદ્યાર્થીઓ પર આધારિત શૈક્ષણિક સંસ્થાઓને માટે સામાજિક અને આર્થિક ખર્ચનો બોજ આવી
પડ્યો છે. અનુમાન છે કે આવનારા સમયમાં અધવચ્ચેથી શાળા છોડી જનારાઓ(ડ્રોપ-આઉટ)ની
સંખ્યા વધશે, જે બાળમજૂરીની સમસ્યાને પણ
વધુ વિકટ બનાવશે.
આ ઉપરાંત, કેટલાક સામાજિક દુષણોમાં પણ ભારે ઉછાળો આવ્યાનું જણાયુ છે.
જેમાં બાળકો પર હિંસા-અત્યાચાર, તણાવ કે તીવ્ર
આવેગ અને નાની વયે ગર્ભાધાનનો સમાવેશ થાય છે. બીજી તરફ શિક્ષણવિદો પ્રણાલિકાગત શિક્ષણ પદ્ધતિ ‘ચોક એન્ડ ટોક’ તરફથી ઓનલાઇન
તરફ જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાની વ્યવસ્થાએ ઘણાની માનસિક
સ્થિરતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનશૈલી વચ્ચેની
લક્ષ્મણરેખા ડામાડોળ થઇ છે!
સરકાર દ્વારા 2012-13માં સ્થાપિત મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ UDISE (Unified District Information System for Education)ના આંકડા મુજબ શાળા કક્ષાએ ભારતમાં 15
લાખ શાળાઓ, 25 કરોડ વિદ્યાર્થીઓ અને 94 લાખ શિક્ષકો છે અને 5૦,૦૦૦ જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. આવા સંજોગોમાં શિક્ષણને
પ્રત્યક્ષ (ભૌતિક) સ્વરૂપમાંથી ઓનલાઇન (ડિજિટલ) સ્વરૂપ તરફ લઈ જવું એ મોટો પડકાર
છે. આ માટે સરકાર તરફથી જે પ્રયત્નો થઇ રહ્યા છે તેના તરફ એક દ્રષ્ટિપાત કરીએ.
UGC અને MHRD જેવા રાષ્ટ્રીય કક્ષાના
વિભાગો ઇ-બુક્સ, ઇ-જર્નલ્સ કે ઓડિયો-વીડિયો દ્વારા
શિક્ષણ માટેની તૈયારીમાં વ્યસ્ત છે. સરકાર દ્વારા ‘સ્વયંપ્રભા’ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં
ઉચ્ચકક્ષાની 32 શૈક્ષણિક ચેનલો શરૂ થશે, જે 24 કલાક DTH દ્વારા ઘરબેઠા શિક્ષણનું કામ કરશે. આ ચેનલોને શૈક્ષણિક સાહિત્ય કે સામગ્રી IIT, UGC અને NCERT દ્વારા તૈયાર કરીને પહોંચાશે.
દેશમાં ઓછી જાણીતી એવી NLDI (National Digital Library of India)દ્વારા પુસ્તકો અને જર્નલને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ વિચારણા હેઠળ છે.
પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ માટે વર્ચ્યુઅલ લેબના પ્લેટફોર્મ્સ પણ ઉભા કરવા વિચારાઈ
રહ્યું છે.
ભારત જેવા દેશમાં
ઇન્ટરનેટનો પ્રવેશ હજી 36% વિસ્તારમાં જ થયો છે. અને
દર 100 વ્યક્તિઓમાંથી 78 વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ
કરે છે (ચીનમાં આ આંકડો તો 99 જેટલો છે!) કાયમી ધોરણે
બ્રોડબેન્ડ કનેકશન ધરાવનારા આપણે ત્યાં હજી 1.3 4ટકા છે અને 46 ટકા ઘરોમાં
ટેલિવિઝન જ શિક્ષણનું માધ્યમ છે. આવા સંજોગોમાં દૂરસ્થ શિક્ષણ મોટો પડકાર છે. આ
ઉપરાંત સ્થાનિક વીજળીની અસુવિધા, સાધનસામગ્રીનો અભાવ અને
વિદ્યાર્થી-શિક્ષકોની નબળી ડિજિટલ સ્કીલ જેવા પરિબળો પણ આમાં મોટા અવરોધક પરિબળો છે..
લગભગ બે મહિનાના લોકડાઉન બાદ હજી બે મહિના સુધી
શાળાઓ શરૂ કરવાના સંજોગો ઉપસ્થિત થાય તેમ જણાતું નથી ત્યારે સરકાર સામે મોટો પડકાર
એ છે કે અભ્યાસક્રમ ઘટાડીને પણ કઈ રીતે શિક્ષણ શરૂ કરી શકાય. મોટા અને મધ્યમ કદના
શહેરોમાં કેટલીક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ માટેના પ્રયત્નો કરી રહી છે પણ નાના શહેર
અને તાલુકા કક્ષાના કેટલાયે માબાપો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નથી. તેથી ત્યાં તો તેઓ
શાળા દ્વારા અપાતા સાહિત્ય કે માર્ગદર્શન પર જ આધારિત રહેવાના છે. ખાનગી શાળાઓના
વિદ્યાર્થીઓને તુલનામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં વધુ વેઠવાનું આવશે.
જો કે હાલમાં જેનું ચલણ
વધ્યું છે એ ઓનલાઈન શિક્ષણમાં ઘણી મર્યાદાઓ રહી છે. સૌથી પહેલી તો, દૂર રહીને વિદ્યાર્થીઓની
ગતિવિધિઓને માપવા (મૂલ્યાંકિત) કરવા માટેની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ જ નથી. મતલબ ઘણું ખરું એક તરફી અને નિશ્ચિત
દિશા વિનાનું થઈ રહ્યું છે. બીજી મર્યાદા, એ કે જે વિદ્યાર્થીઓ
નિયમિત વર્ગોમાં પણ પોતાને એકાગ્ર કરી શકતા નહોતા તેઓ આ શિક્ષણને પણ ગંભીરતાથી લેશે
નહીં. એટલે આવા વિદ્યાર્થીઓ સહિત અન્યોને માટે પણ સ્વયં શિસ્ત, પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શનની ઊંચી માંગ શિક્ષણ જગતમાં રહેવાની.
થોડા સમય પહેલા MOOC પ્લેટફોર્મ પર ઓનલાઈન ભણનારાઓ વિશે અમેરિકામાં થયેલા એક
અભ્યાસ મુજબ આ પ્લેટફોર્મ પર 2012-2018
દરમિયાન હાર્વર્ડ અને MIT
યુનિવર્સિટીના 5.64
મિલિયન વિદ્યાર્થીઓ નોંધાયા
હતા. આશ્ચર્યની વાત એ જણાઈ હતી કે આમાંથી પાંચ ટકા કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ જ પોતાનો
કોર્સ પૂર્ણ કરી શક્યા હતા! આનો ગર્ભિત અર્થ એ થાય કે શિક્ષકોના યોગ્ય અને
સાતત્યપૂર્ણ નિયમિત માર્ગદર્શન વિના ઓનલાઇન શિક્ષણની દુનિયામાં વિદ્યાર્થીઓ ગોઠું
જ ખાય છે.
દેશના લથડી પડેલા
અર્થતંત્રને પાટે ચડાવવા માટે તો `આત્મનિર્ભર
ભારત`નો સંકલ્પ સરકારે આપ્યો છે. પણ શિક્ષણમાં આત્મનિર્ભર કેવી
રીતે થવાશે એ બાબતે સરકાર પોતે જ દ્વિધામાં છે. કુદરતી આપત્તિ સમયે જેમ ડિઝાસ્ટર
મેનેજમેન્ટની ટુકડી ઉપલબ્ધ હોય છે તેમ શિક્ષણમાં પેદા થતી આવી કટોકટી સામે હજી
સુધી તો કોઈ બચાવ ટુકડી સરકાર પાસે નથી. હવે નીતિવિષયક અને અમલ યોગ્ય એમ બંને
પ્રકારના નિર્ણયો સરકારે લેવા રહ્યા.
તેની સાથે દેશના
શિક્ષકોને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવા પડશે. શિક્ષકોને તૈયાર કરનારી
સંસ્થાઓએ સ્વયં પોતાના અભ્યાસક્રમ દ્વારા, ભાવી આકસ્મિક લોકડાઉનની આફત સામે કામ આવે તેવી આવડતો શીખવવી પડશે. પોતાનું ઇમેલ એકાઉન્ટ નહીં
ધરાવનારા શિક્ષકોની સંખ્યા પણ આ દેશમાં ખૂબ મોટી છે, તો પછી આવા લોકો વિડીયો બનાવવા, ડિજિટલ
સાહિત્ય તૈયાર કરવામાં કે બ્લેકબોર્ડ વિના ભણાવી શકવામાં સફળ થશે ખરા? ભણાવવા કે શીખવા ઉપરાંત મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ કેટલું
શીખ્યા (કે સમજ્યા) તેના મૂલ્યાંકનનો પણ છે.
જોકે આ માટેનો ઉપાય વિદ્યાર્થીઓ
દ્વારા રજુ થતા ઓપનબુક એસેસમેન્ટ, ઓનલાઇન
પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા વગેરે જેવી
પ્રયુક્તિઓનો છે જેનાથી વિદ્યાર્થીઓની નબળાઈ અને ક્ષમતાઓનો અંદાજ મેળવી શકાય છે.
દુનિયાના વિકસિત દેશો કરતાં ભારત જેવા ગીચ વસ્તીવાળા વિકાસશીલ દેશની વસ્તીને
શિક્ષિત કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે હવે તે સમૂળગી જ બદલાઈ ગઈ છે સમજો. હમણાં
તો એ દિશામાં સરકારની ભાવિ યોજનાઓ અને પ્રોત્સાહક નીતિ પર સૌની નજર મંડાયેલી છે. આ
લખાય છે ત્યાં સુધી નવા સત્રમાં શું અને કેમ કરવાનું છે તે જણાવ્યું નથી. એટલે ત્યાં સુધી સંચાલકો, આચાર્યો, શિક્ષકો, કોચિંગ ક્લાસીસ વગેરે પોતાની રીતે તૈયારી કરવામાં પડ્યા જ
છે તો તેમને પણ ચાલવા દઈએ. ખરું ને?
ડૉ. વિજય મનુ પટેલ
No comments:
Post a Comment