Saturday 16 January 2016

એક નવા U Turn તરફ માંડ્યુ છે પગલું...


             
                25 વર્ષની નોકરીમાં પરોક્ષ રીતે ઘણા ઇજનેર, દાક્તર, સી.એ., ધંધાદારી વ્યક્તિઓને પોતાના જીવનમાં સ્થાપિત કર્યાનો હૈયે આનંદ છે. પણ હવે થઈ શકે ત્યાં સુધી થોડા લોકોને પ્લમ્બર, સુથાર કે કડિયા સુધી પહોચાડવા છે. આ માટે અઠવાડિયાના બે-ત્રણ દિવસ માટે અવૈધિક પ્રાથમિક શિક્ષણની માનદ પ્રવૃત્તિમાં જોડાયો છું.

                બે અઠવાડિયાની મુલાકાતોથી જણાયું છે કે આ કામ સરળ નથી જ. અહીં પણ ધીરજ, અનુકંપા અને અસ્વસ્થ વાતાવરણમાં રહીને કામ કરવાની ત્રેવડ જ નહીં હિંમત પણ જોઈએ. હા, એની સામે મળે ક્યારેક નિર્દોષ હાસ્ય, તો ક્યારેક કરૂણ રુદન!

                આવું કામ કરવા માટે સૌથી વધુ જરૂર પડે નિષ્ઠાની, સમય આપવાની તૈયારી અને આભડછેટ ને તિલાંજલી આપવાની તૈયારી. હું જાણું છું કે આ મુશ્કેલ છે. છતાં એક નવા U Turn તરફ પગલું માંડ્યુ છે....       

                એક તરફ ભૂલકાં ભવન છે, બીજી તરફ ઓરડા કે ઓટલા શાળા છે. બે અંતિમ પરિસ્થિતમાં સંતુલન જાળવવાનું છે. જોઈએ દીવે દીવો પ્રગટાવાના આ U Turn માં કોણ, ક્યાં, કેટલું મળે છે?!






 


              

પેરિસનું વિશ્વ જળવાયુ સંમેલન: ચિંતા વાજબી છે?!


                નવેમ્બર માસમાં ટી.વી. ન્યૂઝમાં બે સમાચારો સૌથી વધુ પ્રભાવિત લાગ્યા હતા. એકતરફ, દુનિયાભરના શાસકો-નિષ્ણાતો પેરિસમાં વૈશ્વિક પર્યાવરણ સંમેલનમા ભાગ લેવા માટે વિચાર વિમર્શ માટે એકત્ર થયા હતા અને બીજી તરફ પર્યાવરણને  દૂષિત કરનારો રશિયા, ફ્રાંસ અને સીરીયા વચ્ચેનો જંગ ચાલતો હતો. વિચિત્ર એ રીતે લાગે છે કે પર્યાવરણની ચિંતા કરનારાઓએ જ પર્યાવરણને હાનિ પહોંચે તેવી હરકતોને જોતાં રહેવાનુ હતું! ગ્લોબલ વોર્મિંગ(ધરતીના તાપમાનમાં વધારો થવાની પ્રક્રિયા) રાતોરાત સર્જાયેલી સમસ્યા નથી જ. વિકાસની હોડમાં પડેલી દુનિયાના કેટલાક દેશોનું સર્જન છે. પરંતુ એનો ભોગ સમગ્ર પૃથ્વીની જીવસૃષ્ટિ બનશે એ નક્કી છે.


                એવું મનાય છે કે વિશ્વયુદ્ધથી જેટલી હાનિ દુનિયાને થઈ છે (કે થશે!), તેનાથી અનેકગણી તબાહી ગ્લોબલ વોર્મિંગની ઘટનાથી થશે. 1970 પછી પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેની પાછળ ક્લોરોફ્લોરો કાર્બનનું વધતું ઉત્સર્જન અને જંગલમાં લાગતી આગ જેવા કારણો છે. ક્લોરોફ્લોરો કાર્બન એ માનવીય સુખસગવડના સાધનોમાંથી નીપજેલી આફત છે. આ ઉપરાંત, મીથેન, નાઇટ્રેસ ઓકસાઈડ, કાર્બન ઓકસાઈડ જેવા ગેસોનો સમૂહ ગ્રીન હાઉસ ગેસતરીકે ઓળખાય છે. આવા ગેસ ક્યાંથી ઉત્પન્ન થાય છે તે જાણીએ તો વીજળી ઉત્પાદન કરતાં પાવર સ્ટેશનમાથી 21.3%, ઉદ્યોગોમાંથી 16.8%, વાહન વ્યવહારમાં થી 14%, ખેતીના ઉત્પાદનોમાંથી 12.5%, કોલસાના ઉપયોમાંથી 11.3% જેટલું ઉત્સર્જન થાય છે.

                આ ગેસના ઉત્સર્જનથી ઓઝોન સ્તરને નુકસાન થાય છે તેની સાથે પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું શોષણ વધવાથી તાપમાન વધી રહ્યું છે. જો આ તાપમાનમાં હજી વધારો નોંધાય તો પૃથ્વી પરનો બરફ પીગળવાનું શરૂ થાય તેથી દરિયામાં પાણીની સપાટી ઊંચી જાય અને મોટી માનવવસ્તી ડૂબી જાય.  આમ, ગ્લોબલ વોર્મિંગ જલવાયુ પરીવર્તનની ચાડી ખાય છે. પર્યાવરણની સમસ્યા વધતાં ઘન કચરા, ખાદ્ય પદાર્થોમાં જંતુનાશક તત્વોની હાજરી અને જમીનની ઘટતી ફળદ્રુપતાના સંદર્ભમાં પણ ઓછી નથી.

                એક અહેવાલ મુજબ વિશ્વના સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતાં 20 શહેરોમાંથી 13 શહેરો ભારતમાં આવેલા છે. છતાં વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું સૌથી વધુ ઉત્સર્જન (25%થી વધુ) ચીન દ્વારા થાય છે. 19 ટકા સાથે અમેરિકા બીજા નંબરે છે અને ત્રીજા ક્રમે ભારત આવે છે. જો કે ભારતે પર્યાવરણ બાબતે હંમેશાં સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. 2020 સુધીમાં કાર્બનના ઉત્સર્જનમાં 20થી 25 ટકા ઘટાડો કરવાનું ભારતે જણાવ્યુ છે.

                ભારત હજીયે વિકાસશીલ દેશ છે તેને લાખો મકાનો, વીજળી, રસ્તા અને આંતરમાળખાના વિકાસની ઘણી જરૂર છે. આ માટે સૂર્ય ઊર્જા અને અણુઊર્જાના વિકલ્પો છે પરંતુ એ વિકલ્પો પણ એટલા આસાન નથી. ગ્લોબલ વોર્મિંગ માટે કોઈ એક દેશ હકારાત્મક પગલાં ભારે એટલું પૂરતું નથી (શક્ય પણ નથી!) કેમ કે તેનાથી પૃથ્વીવાસી તરીક કોઈનું પણ ભલું જ નથી થવાનું. સૌનો સાથ સૌનો વિકાસ એ નરેંદ્ર મોદીનું સૂત્ર પર્યાવરણની સમસ્યાના ઉકેલ માટે પણ વૈશ્વિક દ્રષ્ટિએ સાચું ઠરે તેવું છે.

                UNOની 70મી વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થઈ આવેલા આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનની સાથે જલવાયુ ન્યાયનો વિચાર વહેતો કરીને એક નવા માર્ગ તરફ દુનિયાને(ખાસ કરીને વિકસિત દેશોને) વિચારવા મજબૂર કરી છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે માત્ર જલવાયુ પરિવર્તનની જ ચિંતા કરીશું તો તેમાં માત્ર પોતાના અંગત જીવનને સુરક્ષિત કરવાનો સ્વાર્થ જણાશે, પરંતુ જો આપણેજલવાયુ ન્યાય નો વિચાર કરીશું તો કુદરતી આપત્તિઓ સામે ગરીબોને સુરક્ષિત રાખવાની સંવેદના પણ ઉજાગર થશે.

                30 નવેમ્બર થી 11 ડિસેમ્બર 2015 સુધી પેરિસમાં જે જળવાયુ સંમેલન યોજાયું છે તેમાં શું અને કેટલું થશે તે તો હવે પછી જ ખબર પડશે. પણ પર્યાવરનની સમસ્યા ભારતને ક્યાં ક્યાં નડી રહી છે તે તરફ નજર કરીએ.

                નિયમિત ટી.વી. ન્યૂઝ જોનારા લોકોને ખ્યાલ હશે કે દિલ્હીની પર્યાવરણ સમસ્યા ભારતમાં સૌથી વધુ ચર્ચાતી રહી છે. અમેરિકા, જર્મની જેવા દેશોએ તો પોતાના અધિકારીઓએ અને નાગરિકોને સ્પષ્ટ જણાવ્યુ છે કે દિલ્હીમાં લાંબો સમય રોકાણ ન કરવું! જો રહેવાની ફરજ પડે જ તો ઘર કે ઓફિસમાં શુદ્ધ હવા માટેની વ્યવસ્થા કરવી! દિલ્હીમાં પ્રદૂષણને કારણે અકાળે મૃત્યુ પામનારાઓની સંખ્યા 2010 મુજબ 19700 હતી. જો કે, દિલ્હીની સાથે મુંબઈ અને કલકત્તા જેવા શહેરો પણ આ સમસ્યાથી ઘેરાયેલા છે.

                હવા પછી શાકભાજીની વાત પણ જાણીએ.  નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓકયુપેશનલ હેલ્થ અને આણંદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે થયેલી એક ચકાસણીમાં સમગ્ર દેશમાંથી જુદા જુદા શાકભાજીના 10593 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 2253( 21.3%)માં જંતુનાશક દવાના અવશેષ મળ્યા હતા. 306(2.9%)માં આ પ્રમાણ વિશેષ હતું. ગુજરાતનાં નમૂનામાં આ પ્રમાણ અનુક્રમે 29.5% અને 6.7% હતું! સરસ મઝાના, લીલાછમ દેખાતા શાકભાજી આપણી તન્દુરસ્તી માટે કેટલા મદદરૂપ થઈ શકે તે પણ વિચારી જુઓ.

                ભારતની સરકારે મેક ઇન ઈન્ડિયાની જોરશોરથી જાહેરાત કરી છે. દેશમા વિકાસને પ્રોત્સાહિત કરવામાં તેની ભૂમિકા સકારાત્મક બની શકે. પરંતુ તે માટે વીજળી, પાણી, જમીનના પ્રશ્નો સીધા પર્યાવરણ સાથે જોડાયેલાં છે. કોલસાથી વીજળી ઉત્પાદન કરવું એ પર્યાવરણનો મોટો શત્રુ છે. અણુઊર્જા કહેવાય તો છે કે પ્રદૂષણ મુક્ત છે, પરંતુ એ માનવ વસ્તીને કયારે ગળી જાય તે નક્કી નથી હોતું. સૂર્યઊર્જા  હજીયે ખર્ચાળ અને ઓછી તાકાતવર ગણાય છે.

                ભારતની બીજી એક આવશ્યકતા છે મકાનોની. જેને માટે જોઈ ઈંટ, પણ આ ઈંટના ભઠ્ઠાઓ જ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારા છે. કેમ કે, તેમાં જૂના ટાયર અને પ્લાસ્ટિકનો બળતણ તરીકે ઉપયોગ થાય છે જે સૌથી વધુ કાર્બન ઓકે છે. તેની સાથે આજકાલ આપણી મોટી વસ્તી પાસે મોબાઈલ છે જેને ચલાવનારા ટાવરોમાં વપરાય છે ડીઝલ. જે પણ કાર્બનનું ઉત્સર્જન કરે છે. ટેબ્લેટ્સ, ટી.વી., મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોની બોલબાલા એટલી વધી છે કે આવનારા સમયમાં સોલિડ વેસ્ટ નો પ્રશ્ન વધુ સોલિડ બનવાનો છે.

                પેરિસના સંમેલનમાંથી સરકાર કેવા નિર્ણયો કરશે તે તો સમય જ કહેશે પણ એક નાગરિક તરીકે પર્યાવરણ સુરક્ષા વિશે વિચારવાનું અને અમલમાં મૂકવાનું આપણે છોડવા જેવુ તો નથી. શું માનો છો?!


-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડીયન અખબારમાં છપાયેલ લેખ 5/12/2015)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...