Saturday 31 March 2012

એપ્રિલ ફૂલ - એક કવિતા



                                                           
એપ્રિલ ફૂલ

                                    એપ્રિલની ગરમીમાં
                                          ઓરડાની બારીમાંથી
                                          ડોકિયા કરીને બનાવતું હતું
                                          મને 'એપ્રિલ ફૂલ'
                                          એક રાતું ફૂલ...
                                          વાયુની લહેરખીમાં એ હરખાયું,
                                          ને મન મારું વિચારે ચગડોળાયું-
                                          ગરમ હવાની આગમાં છે
                                          તોયે તાજગી એની રગરગમાં છે ?
                                          ઓરડાના ફ્લાવરવાઝનું
                                          હું જાણે વાસી ફૂલ હતું
                                          ને એ તપતા સૂરજનું
                                          માલામાલ ફૂલ !
                                          સાચે જ એ મને 'એપ્રિલ ફૂલ' કહેતું હતું ?

                                          - ડો.વિજય પટેલ

Monday 26 March 2012

દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું તે જાણવા આયોજન પંચે રજૂ કરેલું નવું ધોરણ વિવાદાસ્પદ બન્યું છે તે આ રહ્યું- શહેર માટે દૈનિક લઘુત્તમ ખર્ચ રૂપિયા 28.26 અને ગામડા માટે દૈનિક લઘુત્તમ ખર્ચ રૂપિયા 22.42...આ વિશેની મારી મર્મસ્પર્શી કવિતા વાંચો...



 ગરીબાઇ

ઉપર સ્વચ્છ નભ હતું,
નીચે હરિયાળી ધરા હતી.
ને બેઉની વચ્ચે
સુકાયેલી બે આંખો હતી!
એ તો સ..ર..ર..ર.. ટ્રેનમાં વહેતી
ટગર ટગર વેદના હતી.
સપનાઓથી છલોછલ
એ આંખોમાં કેટલીયે તમન્નાઓ
આપઘાત કરશે,
પૂરપાટ ઝડપમાં
ભૂખ પણ વહી જશે દૂ..ર..દૂ..ર
શી ખબર ?
આપણને હોય કશી ફિકર ?
મોતિયાથી ત્રસ્ત થયાં છે જ્યાં નયન !!

- ડો.વિજય પટેલ

Monday 19 March 2012

મોબાઇલ બે દિલ જોડે અને તોડેય પણ !


મોબાઇલ બે દિલ જોડે અને તોડેય પણ ! 

        ક્રેયાની એક જ જીદ હતી કે દશમાં ધોરણમાં મારા 75 ટકાથી વધુ ગુણ આવે તો મોબાઇલ ખરીદવો. અને એમાં એ સફળ પણ થઇ હતી. પણ પછી તેને આ નવા જમાનાના રોમાંચક રમકડાંની એટલી બધી માયા લાગી હતી કે એના વડે એ સતત જોડાયેલી જ રહેતી. બહેનપણી-મિત્રોનું વર્તુળ એટલું વિસ્તર્યું કે ધીમે ધીમે તે પોતાના ઘરના સભ્યોથી જ અળગી બની ગઇ. એની પોતાની અંગત દુનિયાનો આનંદ પણ મોબાઇલે ઝૂંટવી લીધો હતો...
       
       નવી પેઢીના યુવક-યુવતીઓને આટલી જ વાત કહેવી છે કે - '' અતિ સર્વત્ર વર્જયેત્ ''. વસ્તુઓને તમારા તાબામાં રાખો, નહીં કે તમે વસ્તુઓના ગુલામ બની જાઓ. જીવંત માણસો સાથે સંબંધ કેળવવાને બદલે નિર્જીવ વસ્તુઓના મોહમાં પડશો તો જિંદગીમાં અજંપો, હતાશા ને દુ:ખ સિવાય કંઇ જ નહિ મળશે.
       
       સમજદારી અને મર્યાદામાં ઉપયોગ કરશો તો મોબાઇલ દૂરનાને તમારી નજીક લાવી દેશે પણ સતત સમ્પર્ક રાખ્યા કરશો તો એ જ તમારી નજીકનાને તમારાથી દૂર પણ કરી દેશે...વિચારો ઘડીભર.

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...