Saturday 23 November 2019

નવી શિક્ષણ નીતિના ડ્રાફ્ટ વિશે

             ભારતમાં આર્થિક વિકાસ માટે જેમ પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવે છે તેમ દેશના શૈક્ષણિક માળખાની રૂપરેખા નક્કી કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવે છે અને અમલમાં મૂકાય છે. ભારતમાં સૌથી પહેલી શિક્ષણનીતિ 1968માં ઇન્દિરા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવી અને ત્યારબાદ બીજી 1986માં રાજીવ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
                1947થી 2017 સુધીમાં બે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપરાંત અનેક શૈક્ષણિક કમિશનો રચાયા અને તેમણે કરેલી ભલામણોમાંથી જરૂરી ભલામણોનો અમલ કરવાના જે તે સરકારોએ પ્રયત્ન કર્યા. 1961થી એક સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવેલી NCERTએ પણ શિક્ષણ સુધારણા માટેના પ્રયોગો અને પ્રયત્નો કર્યા છે. આ સંસ્થા આજે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂરી સૂચનો કરતી રહે છે. 2010માં અટલ બિહારી બાજપેઈ દ્વારા 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે દેશ વ્યાપી સર્વ શિક્ષા અભિયાનની યોજના શરૂ કરવામાં આવી.


                આ બધા પ્રયત્નો છતાં ઘણા વર્ષો (એટલે કે 1986 પછીના) સુધી કોઈ નક્કર કહી શકાય તેવી શિક્ષણ નીતિ અમલમાં ન આવી. તેની આવશ્યકતા એટલા માટે હતી કે આટલા લાંબા અંતરાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને દેશની આંતરિક વિકાસ પ્રક્રિયામાં જે ફેરફારો આવ્યા તેમાં શિક્ષણનું ક્ષેત્ર અસ્તવ્યસ્ત થયું હતું. બધું બદલાતું હતું પણ શિક્ષણ જાણે ગોકળગાય ગતિએ જ ચાલતું રહ્યું! આખરે શહેર અને ગામડાં માટે પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે 2017માં પ્રખર વૈજ્ઞાનિક કે. કસ્તુરીરંગનના વડપણ હેઠળ 11 સભ્યોની ટીમને નવી શૈક્ષણિક નીતિ માટેનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સરકારે સોંપ્યું. આ નવા શૈક્ષણિક નીતિના મુસદ્દામાં શું છે એ પ્રશ્નના ઉત્તર માટે કેટલાક મહત્વના સૂચનો કે ભલામણો વિશે જાણીએ.
                નવી શિક્ષણ નીતિનો આ ડ્રાફ્ટ શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, વિશેષ ક્ષેત્ર (ટેક્નોલૉજી, કારકિર્દી, પ્રોદ્ધ અને ભાષા શિક્ષણ) અને પરિવર્તનશીલ શિક્ષણમાં વહેંચાયેલો છે. તેનો મુખ્ય ઉદ્દેશ આવનારા વીસ વર્ષ એટલે કે 2020 થી 2040 દરમ્યાન ગુણવત્તાલક્ષી શિક્ષણની ખાતરી આપવાનો છે. આ મુદ્દો શિક્ષણના મુખ્ય પાંચ અંગો પર પ્રકાશ પાડે છે: 1. પ્રવેશ 2. સમાન તક 3. ગુણવત્તા 4. ઉત્તરદાયિત્વ અને 5. આર્થિક અનુકૂળતા. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણના માળખાને પાંચ, ત્રણ,  ત્રણ અને ચાર એ રીતે ૧૫ વર્ષમાં વિભાજિત કરવામાં આવ્યું છે એટલે  વિદ્યાર્થી 3 વર્ષથી લઈને 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં તેનું વૈધિક શિક્ષણનું કામ પૂરું થઈ રહેશે. તેમાં પ્રથમ પાંચ વર્ષનો પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1 અને 2 સુધીના પાયાના શિક્ષણનો તબક્કો, ત્યાર પછીનો 3 વર્ષ (ધોરણ 3થી 5) નો સજ્જતા (Preparatory) શિક્ષણનો તબક્કો, એના પછીના ત્રણ વર્ષ (ધોરણ 6થી 8)નો મધ્યમ તબક્કો રહેશે અને પછીના ચાર વર્ષ (ધોરણ 9થી 12) માધ્યમિક કક્ષાના ગણાશે. આ માત્ર શૈક્ષણિક તબક્કાઓ રહેશે જેનાથી શાળાના ભૌતિક મકાનમાં કોઈ ફરક નથી પડતો નથી.
                ધોરણ 2 થી 8 વર્ષના બાળકો બહુ ઝડપથી ભાષાઓ શીખવા સક્ષમ હોય છે તેથી પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક કક્ષામાં ભાષાઓના શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે આ ડ્રાફ્ટમાં ત્રણ ઉચ્ચ કક્ષાની સંસ્થાની રચના ભલામણ કરવામાં આવી છે. એક સંશોધક યુનિવર્સિટી, બીજી શૈક્ષણિક યુનિવર્સિટી અને ત્રીજી ડિગ્રી આપતી સ્વાયત કોલેજો. મતલબ ઉચ્ચ શિક્ષણને વધુ સ્વાયત્ત બનાવવા પર ભાર આપવામાં આવ્યો છે. આ તમામનું સંચાલન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન કરશે. દેશમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શિક્ષા આયોગ બનાવવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં દેશના નામાંકિત શિક્ષણવિદો, સંશોધકો, કેબિનેટ પ્રધાનો, રાજ્યના મુખ્યમંત્રીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પણ હશે.
                મુસદ્દામાં માનવ સંસાધન વિકાસ ખાતું (MHRD) છે તેને બદલીને શિક્ષણ ખાતું (MoE) કરવાની વાત કહેવામાં આવી છે. હાલની ફરજિયાત અને મફત શિક્ષણની વય મર્યાદા 6 થી 14 છે જે બદલાઈને 3 થી 18 વર્ષની થશે અને એમાં શરૂઆતના વર્ષોમાં રમત અને પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે. માતૃભાષાના શિક્ષણ પર ભાર અપાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષકો વચ્ચે વિકલ્પ સ્વરૂપે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા પર પણ વિચાર કરવાની ભલામણ છે કેમ કે, આ વ્યવસ્થાથી પ્રવેશ સંખ્યા  વધશે તથા ભણતરનો ખર્ચ ઘટશે એવું કમિટીનું માનવું છે. શિક્ષકોને તૈયાર કરવા માટેનો અભ્યાસક્રમ ચાર વર્ષનો ઈન્ટિગ્રેટેડ કરવામાં આવશે અને તે જે તે વિષય અને વિદ્યાશાખા આધારિત અમલમાં મુકવામાં આવશે. ઉચ્ચ શિક્ષણને વધુ વ્યવસાયિક બનાવવા પર આ મુસદ્દામાં ભાર અપાયો છે.
                જો કે આ ઠરાવની જોગવાઈઓમાં હજુ કેટલીક અસ્પષ્ટતા જણાય છે. અભ્યાસક્રમનો ભાર ઘટાડવાની વાત છે પણ એ ઉપરાંત શિક્ષણના શાસ્ત્રીય (સૈદ્ધાંતિક) પાસા, શિક્ષકો સંબંધિત મર્યાદાઓ વગેરે જેવી બાબતો વર્ગખંડ શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલી છે છતાં તેની વિસ્તૃત સ્પષ્ટતા જણાતી નથી. વળી પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણના તબક્કે વાંચન અને મૌખિક પ્રવૃત્તિ વિશે વધારાનો કલાક ફાળવવાની વાત છે, તો સાંભળવા, બોલવા અને લખવા જેવી અનેક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર નથી લાગતી? દેશમાં અનેક ભાષાઓ અસ્તિત્વમાં છે. માતૃભાષા સિવાયની અન્ય ભાષાઓ પણ શીખવા માટે ભાર અપાયો છે પણ બહુવિધ ભાષા શીખવનારા શિક્ષકો મળશે ખરા? આ મુસદ્દામાં શું શીખવવા કરતા કઈ રીતે શીખવું એના પર વધુ ભાર આપવામાં આવ્યો છે.
                રાજ્ય સરકારની શિક્ષણમાં શું ભૂમિકા હશે એની સ્પષ્ટતા પણ ખાસ દેખાતી નથી. વળી મુસદ્દામાં શિક્ષણ પાછળ જીડીપીના 20% ખર્ચની જોગવાઈની વાત છે પણ નજીકના ભવિષ્યમાં આ શક્ય જણાતું નથી. કોર્પોરેટ જગતને પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે કેટલુંક ભંડોળ શિક્ષણ તરફ વાળવાની વાત કરી છે પણ આમ કરવાના ભયસ્થાનો પણ છે જ.
                ભારત અતિ વૈવિધ્ય ધરાવતો દેશ છે એટલે તેને માટે કોઈપણ પ્રકારની સમાન અને સુગ્રથિત નીતી નક્કી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવુ મુશ્કેલ કામ છે. નવી શૈક્ષણિક નીતિનો આ ડ્રાફ્ટ હજી થોડા ફેરફારો સાથે થોડા સમય પછી નવી રાષ્ટ્રીય નીતિ-2019 તરીકે રજૂ થશે. એમાં શક્ય છે થોડી અધુરપ રહે પણ ખરી. એમ છતાં એ અગાઉની શૈક્ષણિક નીતિ કરતા વધુ સારી અને ઉર્ધ્વગામી હશે એટલું નક્કી છે. આપણે સૌ તેને સ્વીકારીને નવા ભારતના નિર્માણમાં સહયોગ આપીએ.
  
-ડૉ. વિજય મનુ પટેલ 

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...