Saturday 29 June 2019

આવનારા સમયની શૈક્ષણિક ટેક્નોલૉજી!


             અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ ટકાઉ વિકાસ (Sustainable Growth) ની વાત કરે છે, ને સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્દો ગુણવત્તાલક્ષી શિક્ષણ (Quality Education )ની વાત પર ભાર આપે છે. બંને પોતપોતાની પરિસ્થિતિ મુજબ આકલન કરીને આવો મત આપે છે જેની સામે શંકા કરવાને કોઈ સ્થાન નથી કેમ કે, દેશને માટે આ બંને વિચારણીય મુદ્દા છે. વર્તમાન સરકાર તેને માટે શું અને કેટલું કરશે તે મુદ્દાની હાલ ચર્ચા ન કરીએ અને માત્ર આવનારા વર્ષોમાં શિક્ષણમાં કયા નવા વલણ અસ્તિત્વમાં આવશે તેના વિશે વિચારીએ.
               કુદરતી કે વ્યવહારુ બુદ્ધિના મહત્તમ ઉપયોગ કરવામાં હજી આપણે સાવ જ ધીમા છીએ ત્યાં હવે કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence) હાવી થવાની છે. આના દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે અને તેથી વિદ્યાર્થીઓ વિશે શિક્ષકોને ઝડપી પ્રત્યુત્તર (feedback) મળશે. વાલીઓ પણ વિદ્યાર્થીઓની અધ્યયન પ્રવૃત્તિ વિશે જાણી શકશે. આવી ટેક્નોલૉજીથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસીને જ પરીક્ષા આપવી એવું રહેશે જ નહીં! મતલબ દુનિયાના ગમે તે ખૂણેથી તે પરીક્ષામાં જોડાઈ શકશે. હા, જો કોઈ વિદ્યાર્થી છેતરપિંડી કરવા પ્રયત્ન કરશે તોયે આ કૃત્રિમ બુદ્ધિ (AI) તેને પકડી પાડશે. સ્થાનિક રમતવીર (વિદ્યાર્થીઓ) આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો (વિદ્યાર્થીઓ) સાથે સસ્તામાં અને આસાનીથી જોડાઈ શકશે.
             જ્યારે દુનિયા ઢગલાબંધ માહિતી (Data) થકી ચાલવા લાગી છે ત્યારે કૃત્રિમ બુદ્ધિની વિશ્લેષણ ક્ષમતા વડે જે તે શૈક્ષણિક સંસ્થાઓ વધુ સ્પર્ધાત્મક બની શકશે. વિષય વસ્તુની તરાહ અને સમજણ વિકસાવવા, નબળા વિદ્યાર્થીઓને અધ્યયનમાં સક્રિય બનાવા અને વિદ્યાર્થીઓના ડ્રોપ-આઉટ પ્રમાણને ઘટાડવા જેવા વિકટ પ્રશ્નોને ઉકેલવામાં વર્ણનાત્મક અને અનુમાનિત વિશ્લેષણ ઉપયોગી પુરવાર થશે. શાળા સંચાલનના સંદર્ભમાં પણ આવી કૃત્રિમ ચપળતા મદદરૂપ થશે. માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણ થકી વધુ સારા અભ્યાસક્રમની રચના થઈ શકશે અને શાળાના સંસાધનો માટે કરકસરયુક્ત રોકાણ પણ શક્ય બનશે.


             કૃત્રિમ બુદ્ધિની શક્તિથી વાસ્તવિકતા અને આભાસી (virtual) દુનિયા વચ્ચેની ભેદરેખા પાતળી બની જશે. વીજાણુ ટેકનોલોજીમાં 5Gના આગમનથી કમ્પ્યુટર-ઇન્ટરનેટની ક્ષમતા ઉત્તરોતર વધુ સારી બનશે પરિણામે શાળા અને ઉચ્ચશિક્ષણની ક્ષમતા પણ વધશે. આવનારા વર્ષોના મિશ્ર અને વિસ્તૃત હાર્ડવેર્સ મોબાઇલમાં આવી જવાના છે. આનાથી શિક્ષકો મોબાઈલ એપ્લીકેશન્સ દ્વારાજ 3D મોડેલ્સ અને પ્રિન્ટ કરી શકાય તેવી વર્કશીટ્સ  વિદ્યાર્થીઓને પૂરા પાડી શકશે. (વર્ગમાં કશું આપવાનું જ નહીં!)
           આપણે જાણીએ છીએ તેમ વિશ્વમાં STEM (Science, Technology, Engendering & Mathematics) વિષયોની બોલબાલા વધી રહી છે. નવીનીકરણ અને તકનીકી ક્ષેત્રે ભવિષ્યમાં ઉત્તમ કૌશલ્યપૂર્ણ નાગરિકો સર્જવા માટે આપણે પણ શાળાકીય અભ્યાસક્રમા તેને સ્થાન આપવું જ પડશે. જો કે આ વિષયો સર્જનાત્મકતા અને કલાના ક્ષેત્રને અવગણે છે તેથી કેટલાક દેશોએ નવી ચળવળ દ્વારા તેમાં Artsના વિષયોને જોડી STEAMની તરાહ અપનાવી છે. તો પછી હવે ટેક્નોલૉજી આપણી સંવેદના કે સાંવેગિક વિકાસમાં મદદરૂપ નહીં થશે એવો સંશય રાખવાની જરૂર ખરી?
               શિક્ષણના ક્ષેત્રે વ્યક્તિગત અધ્યયન(એકલા એકલા ભણો!)ની બોલબાલા વધશે. શૈક્ષણિક ટેક્નોલૉજી કે કૃત્રિમ બુદ્ધિક્ષમતા દ્વારા કોઈપણ વ્યક્તિ પોતપોતાની જરૂરિયાત મુજબ શીખી શકશે અને બીજાને પણ શીખવી શકશે. સહાયક તકનીકી વડે અક્ષમ વિદ્યાર્થીઓએ પણ ઝડપથી સામાન્ય વિદ્યાર્થીઓની કક્ષામાં (પ્રવાહમાં) સામેલ થઈ શકશે સમગ્ર વિશ્વની યુનિવર્સિટી અને શાળાઓમાં ટેક્નોલૉજીનું પ્રભુત્વ વધશે તેને કારણે શાળા સંચાલનનું કામ વધુ કારકસરયુક્ત થશે. કઈ રીતે?
             શૈક્ષણિક સંસ્થાઓ વિશાળ ઝૂમખા(ક્લાઉડ)આધારિત થવાથી ખર્ચમાં બચત થશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. કાગળ અને છપાઈ ખર્ચમાં ભારે કાપ આવશે કેમ કે વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો, પરિણામ અને તમામ શાળાકીય માહિતીનો સંગ્રહ વિશાળ માહિતી (Data) સ્વરૂપે સચવાશે. આનાથી દસ્તાવેજોને નુકસાન થવાનો કે ખોવાઈ જવાનો પ્રશ્ન પણ નહીં રહેશે. ભારત સરકારે અમલમાં મુકેલ ‘digi-locker’ એ કૃત્રિમ બુદ્ધિ ક્ષમતાનું ઉદાહરણ નહીં તો બીજું શું?
             એક અનુમાન મુજબ 2021માં ભારમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ 2 બિલિયન હશે. MOOCs અને બીજા ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા નજીવી કિમતે ડિજિટલ પ્રમાણપત્ર આધારિત અભ્યાસક્રમો ઉપલબ્ધ બનશે. આવનારા વર્ષોમાં સુક્ષમ અધ્યયન, અતિ ઝડપી પરીક્ષણ, સામાજિક પ્રસાર માધ્યમોનું નિયંત્રણ અને લખાણ (કે સામગ્રી)ના સુધારાત્મક કાર્યના કામો શિક્ષણ પ્રક્રિયાનું અતિ આધુનિક સ્વરૂપ ગણાશે.
               ગેરહાજરી, તણાવ અને તીવ્ર ઈચ્છા (Anxiety)ને કારણે શીખવામાં થતી તકલીફોના ઉકેલ માટે શાળાઓને તંદુરસ્તી આધારિત કાર્યક્રમો (wellness program) પોતાના કેમ્પસમાં જ શરૂ કરવા હશે તો ટેક્નોલૉજીના માધ્યમથી સરળ બનશે. શિક્ષકોની તાલીમ પણ શાળા કેમ્પસમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા મેળવી શકશે. ભારતમાં શિક્ષકો અને વહીવટી કર્મચારીઓની તાલીમ માટે શાળાઓ દ્વારા પોતાના બજેટમાં લગભગ 20 ટકા જેટલી જોગવાઈ કરવામાં આવે છે. પરિવર્તન સાથે જ્ઞાન અને કૌશલ્ય દ્વારા શિક્ષણ અને શાળાને પણ અપ-ટુ-ડેટ રાખવામા આ જ તકનિકી કામ લાગવાની છે.
              અનેક પાઠ્યપુસ્તકોમાં સમાયેલું શિક્ષણ થોડા વર્ષો પહેલાં કમ્પ્યુટર અને લેપટોપમાં સમાઈ ગયું હતું. હવે તેમાંથી હથેળીમાં ગોઠવાઈ રહેલાં મોબાઇલમાં સરકી ગયું છે. હજીયે આટલુંયે ઉપયોગમાં લઈશું નહીં ત્યાં આવનારા થોડા વર્ષોમાં જ તે કાંડા ઘડિયાળ કે આંગળીના ટેરવે આવીને ઊભું રહેશે! શિક્ષણમાંથી દફ્તર, નોટબુક, પરીક્ષાખંડ, પ્રયોગશાળા, લાઈબ્રેરી આ બધુ જ વર્ચ્યુયલ બની જવાનું છે. આપણે જોયા કરીશું કે જોડાઈ જઈશું?
              બેશક જોડાવવાનો જ વિકલ્પ શ્રેષ્ઠ રહેશે કેમ કે પાછા વળી જવું એ માનવ વસ્તીનો ઇતિહાસ નથી રહ્યો. માણસમાંથી સુપરમેન તરફ જ ગયા છીએ તો આદિમાનવ તરફનો વિચાર જ શું કામ થાય? સવાલ આ કૃત્રિમ બુદ્ધિક્ષમતા કે ટેક્નોલૉજીને સમજવાનો અને સ્વીકારવાનો છે. પણ આ જ તો મોટો સવાલ છે ખરું કેની?
-ડૉ. વિજય મનુ પટેલ 21-6-19 

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...