આજકાલ શિક્ષણના સમુદ્રમાં એક મંથન
ચાલી રહ્યું છે. દેશનું માનવ સંસાધન ખાતું નવી શિક્ષણ નીતિ લાવવા માટે દેશભરમાંથી
સૂચનો મંગાવવામાં વ્યસ્ત છે. બરાબર આજ સમયે બે એવી પરિસ્થિતી સર્જાઈ છે જેને શિક્ષણ નીતિ
સાથે નિસ્બત છે. એક, અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને બીજું,
ગુજરાતમાં શરૂ થયેલું અનામત વિરોધી આંદોલન.
અલ્હાબાદ
હાઈકોર્ટે ખરેખર તો સરકારી નેતા અને અધિકારીઓ(બાબુઓ)ને તમાચો માર્યો છે. પોતાના
ચુકાદામાં તેણે જણાવ્યુ છે કે આ લોકો પોતાના સંતાનોને સરકારી શાળામાં જ ભણાવવા
મૂકે, અને આ કામ આવતા વર્ષના નવા સત્રથી જ અમલમાં આવે! કોર્ટના
ચુકાદાઓ માત્ર પુરાવા કે તર્કને આધારે જ આપવામાં નથી અપાતાં, પણ
તેમાં ન્યાયાધીશની બુદ્ધિ અને દૂરંદેશીપણાની ક્ષમતાનો પણ વિનિયોગ થતો હોય છે.
અત્યાર સુધી આવો ચુકાદો ક્યારેય આવ્યો નથી, એટલે આ
ચુકાદાથી નવી ચર્ચાએ જોર પકડ્યું છે.
કોર્ટને
આવો ચુકાદો આપવાનું કેમ સૂઝયું હશે તેની પાછળનું કારણ ઝટ સમજાઈ જાય તેવું છે.
દેશની કંગાળ શિક્ષણ વ્યવસ્થા અને તેમાંય સરકારી શિક્ષણની તળીએ બેસી ગયેલી વ્યવસ્થા
માટે સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો તે માત્ર ને માત્ર સરકાર જ હોય. અને આ સરકાર
એટલે કોણ? ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને તેમને વહીવટમાં સાથ આપનારા
તેમના સનદી અધિકારીઓ. જો કોઈ આંખનો ડૉક્ટર તેના પોતાના સંતાનની આંખની સારવાર માટે
અન્ય આંખના ડૉક્ટરને બતાવે તો કેવું લાગે? બસ બધી
મોકાણ અંહી જ સર્જાઈ છે. આપણાં નેતાઓ અને અધિકારીઓ (જેઓ સરકારના તમામ લાભો મેળવે
છે) પોતાના સંતાનોને સરકારી(પોતાની જ!) શાળાઓમાં ભણાવવાને બદલે હાઈ-ફાઈ ખાનગી
શાળામાં મૂકે તે હાસ્યાસ્પદ ન કહેવાય? પોતાના પગ પર
કુહાડી મારવા બરાબર કહેવાય ને?!
આ
લોકો આવું કેમ કરે છે તે વિષે પૂછો તો જણાવશે કે, સરકારી
શાળાઓમાં ચોખ્ખાઈ ક્યાં હોય છે? અને મજૂરોના છોકરા સાથે અમારા છોકરા ભણે? અરે
સરકારી શાળાના શિક્ષકો ભણાવતાં જ ક્યાં હોય છે? તેઓ તો
પોતાનું ભરત-ગૂંથણ કરે, શાક સમારે, ઊંઘી જાય કે
મોબાઈલ પર ગેમ રમે! આવી જગ્યાએ કઈ અમારા સંતાનો ભણે વળી? વેરી
બેડ!!
હાઇકોર્ટની
લપડાક એટલે જ યોગ્ય જણાય છે કે જેનું સર્જન અને સંચાલન પોતાના થકી થતું હોય તેવી
શાળામાં પોતાના જ બાળકો ન ભણે તો તેનો સીધો સંદેશ શો જાય? સરકારી
લાભો મેળવીને લખલૂટ ધન કમાવવાનું, ને તેનાથી ધંધાદારી સુવિધાવાળી હાઈ-ફાઈ શાળાઓમાં પોતાના
સંતાનોને સારું શિક્ષણ આપવા માટે પોતાની જ સંસ્થાઓને રખડતી મૂકી દેવી એ સરકારનું
શરમજનક કૃત્ય ન કહેવાય? પોતાના સંતાનોને સલામત અને સંસ્કૃત રાખીને સમાજના અન્ય
બાળકોને ખંડેર જેવી શાળામાં ધકેલવાનું સરકારી બાબુઓનું કૃત્ય શોભાસ્પદ નથી જ. વળી, કોર્ટના
ચુકાદાનો ગર્ભિત સૂર એ પણ છે કે સરકારી શાળાઓના કંગાળ વહીવટ, સાધનોની
અધૂરપ અને શિક્ષકોની અછત માટે પણ આ લોકો જ જવાબદાર છે.
ભારતની
શાળાઓની સુવિધાની વાત છોડો, શિક્ષણની ગુણવત્તા માટે શિક્ષકોની ભારે અછત પ્રવર્તે છે.
આશરે જુદા જુદા વિભાગોમાં પંજાબમાં 12875,
દિલ્હીમાં 1000, ઉત્તરપ્રદેશમાં 1,45000,
બિહારમાં 1,38000, અને ઉતરાખંડ 3232 જેટલા શિક્ષકોની અધૂરપ છે.
કોર્ટના
ચુકાદાનો અમલ થાય તો ધીમે ધીમે સરકારી શાળાઓમાં કાબેલ શિક્ષકોની ભરતી થશે, તેથી
શિક્ષણ ગુણવત્તા સુધરશે. પોતાના જ સંતાનો શાળામાં ભણશે તો શૌચાલય, મેદાન,
લાઈબ્રેરી, લેબોરેટરી જેવી સુવિધા ઝડપથી પ્રાપ્ય બનશે. ખાનગી શાળાઓ
સામે સ્પર્ધા ઊભી થશે તો તેઓની ઊંચી ફી વસૂલવાની વૃત્તિ પર નિયંત્રણ આવશે. આ ફટકાર
પાછળ કોર્ટની ભાવના તો ઘણી ઊંચી અને તાર્કિક છે, પણ તેનો
અમલ તો સરકારી નેતા અને સરકારી અધિકારીઓએ જ કરવાનો છે. તેથી યે ઈશ્ક નહીં આસાન!!
હવે
બીજી સાંપ્રત પરિસ્થિતી તરફ વળીએ. દેશભરમાં તમામ નાગરિકોને સમાન સુવિધા પ્રાપ્ય
બને તે માટે બંધારણની કલમ 16(4) મુજબ કોઈપણ પછાત વર્ગના નાગરિકોને (Any backward
class of citizen)ને
અનામતનો લાભ મળી શકે. ધ્યાન રહે કે આ શબ્દમાં ક્યાંય Caste શબ્દ
નથી! પણ આપણાં નેતાઓ એટલા અભણ(ચતુર!?) કે Classનો અર્થ Caste કરી
નાખ્યો! એટલું જ નહી મતના લોભિયા બનીને જાતિ આધારિત આરક્ષણ કરી નાંખ્યું. વિડંબના
તો એ બની કે સુપ્રીમ કોર્ટે પણ તેણે સમર્થન આપી દીધું. આમ ન્યાય
તોળવા ગયા પણ અન્યાયનો જાણે આરંભ થઈ ગયો હતો!
ખરી
હકીકત એ જ હતી કે જેઓ નાણાકીય સ્થિતિએ કંગાળ હોય તેને જ અનામતનું રક્ષણ મળે, તેને
બદલે થયું એવું કે અમુક જાતિ પછાત છે તેથી
તેવા સમગ્ર સમૂહને આવા લાભો મળવા માંડ્યા! આમ આર્થિક નબળાઈને બદલે ‘જાતિ’ મહત્વનો
માપદંડ બની ગઈ. એ તો સારૂ છે કે સુપ્રીમ કોર્ટે અનામતનું રક્ષણ 50 ટકા પર
અટકાવ્યું છે.
મૂળ
વાત એ છે કે જાતિને આધાર બનાવીને આર્થિક રીતે પછાત ન હોય તેવા લોકોએ પણ સરકારી
લાભો દ્વારા લૂટવાનું ચાલુ રાખ્યું છે. આથી જ હવે
ગુર્જરો, બ્રાહ્મણો, પાટીદારો અને
અન્ય બિનપછાત ગણાતી જાતિઓ રોષે ભરાઈ છે. અનામતને નામે સંપત્તિવાન બની ગયેલી પેઢી પોતાના પછીની પેઢીને લાભ ખાટવા
માટે ‘પછાત’ જ રાખે તે તો અધમ કૃત્ય ગણાય. બક્ષીપંચનો લાભ લઈને ડોક્ટર
કે ઇજનેર બનેલ વ્યક્તિને કેટલા વર્ષ સુધી આર્થિક રીતે પછાત ગણવી તેના મૂલ્યાંકનની
કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી બિનઅનામત લોકોને સહન કરવાના પ્રશ્નો વધવા માંડ્યા!
ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગવાને બદલે ધરાયેલા લોકોનો જઠરાગ્નિ જાગે ત્યારે મન ચકરાવે
તો ચઢે જ , પણ એ વિચારણીય ઘડી પણ બને જ.
પાટીદારો
કે ગુર્જરો કે અન્યો આટલી મોટી સંખ્યામાં ક્યારે વિરોધ કરવા મેદાને પડે? જ્યારે
સરકારી વ્યવસ્થામાં ‘ઊધઈ’ પડી હોય ત્યારે પોતાની ભવિષ્યની પેઢીનો શિકાર ન થઈ જાય તે
માટે ‘વ્યવસ્થા સુધાર’ની હાકલ કરે
તેમાં કઈ ખોટું નથી. નામ ભલે અનામત આંદોલન આપ્યું હોય, પણ મારા
મતે તેઓ અનામત વ્યવસ્થામાં સુધાર થાય તેની તરફેણમાં હશે જ. OBCને બદલે EBC થાય તો
તે વ્યવસ્થા વધુ ન્યાયી હશે. પણ નેતાઓને ન્યાય-અન્યાય કરતાં પોતાની સત્તા વધુ
વહાલી હોય છે એટલે મત મેળવવા માટે કોમવાદી રમત રમવાનું એમને ઝડપથી ફાવી જતું હોય
છે. એકબીજા સાથે લડાવી મારીને ‘સુધારણા’નું ગળું ઘોંટી દેવાના એમના સાર્થક પ્રયત્નો રહેવાના જ છે.
આર્થિક
રીતે નબળી વ્યક્તિને દેશની કોઈપણ વ્યવસ્થાનો લાભ મળવો જ જોઈએ એ આદર્શ અને ન્યાયી
વ્યવસ્થા છે. તેમાં વહાલા-દવલાનો મોહ વર્જિત છે અને એમ જ રહેવો જ જોઈએ. આ માટે
ગુજરાતનું આ આંદોલન દેશવ્યાપી બને તો જ બંધારણમાં સુધારા શક્ય બનશે. અન્યથા, અનામત
પ્રથાનું ભૂત પેઢી દર પેઢીએ ધૂણતું જ રહેશે. ન્યાય માટે મૂકેલી વ્યવસ્થા ધીમે ધીમે
અન્યાયને પોષતી જ રહેશે, પોષતી જ રહેશે...સરકાર કો સોચના ચાહીએ..દિલ સે !!
ડૉ. વિજય મનુ પટેલ
(ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 22/8/15 )
No comments:
Post a Comment