Wednesday, 7 November 2018

બહુ થોડા ‘બેક બેન્ચર્સ’ ટોચ પર પહોંચે છે!


બહુ થોડા બેક બેન્ચર્સ ટોચ પર પહોંચે છે!




               એક વિદ્યાર્થીએ આક્રોશભર્યા અવાજે કહ્યું હતું કે, ‘...જે હોય તે બધામાં જ પાછલી લાઇનવાળા જ ડફોળ?! ભણવામાં નબળું રિઝલ્ટ આવે એટલે અમે બધા તોફાની કેમ?’ હું શાંતિથી જવાબ આપું તે પહેલા તેને ફરી શરૂ કરી દીધું હતું, ‘...ને આમાં ઘર અને સ્કૂલવાળા બધા જ સંડોવાયેલા છે...બધ્ધાને ઘર કે શાળામાં પોપટિયું કામ કરતાં રહીએ તો સારા લાગીએ છીએ..!મેં તેની રજૂઆત કરવાની હિંમતને બિરદાવવા સાથે એક પ્રશ્ન પૂછ્યો હતો, ‘તારી વાતમાં વજૂદ તો છે પરંતુ શું તું માને છે કે વર્ગમાં ભણવા પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ?’ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવામાં એ સ્પષ્ટ નહોતો એ જણાઈ આવ્યું હતું.
                    હમણાં આ વિષય ઉપરની જ એક શૈક્ષણિક-સામાજિક ફિલ્મ રિલીઝ થઈ છે અને તેને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જોવાનું શહેરની જાણીતી શાળાઓએ આયોજન કર્યું હતું. આ સાચી દિશાનો પ્રયોગ હતો એટલે આ શાળાઓને અભિનંદન. ફિલ્મનો મૂળ થીમ એ હતો કે બેક બેંચર્સ (જેઓ નબળા અને થોડા તોફાની હોય છે એવા વિદ્યાર્થીઓ કે જેઓ મોટેભાગે પાછળની પાટલીઓ પર બેસવાનું પસંદ કરે છે)ને નકારાત્મક રીતે જોવાની અને તેવું વર્તન કરવાની જરૂર નથી. કેમ કે ભલે તેઓ લેખિત પરીક્ષામાં નબળા હોય પરંતુ સમય જતાં જીવનમાં મોટી સફળતા મેળવી શકતા હોય છે. આવી બહુ સફળ થયેલી જાણીતી હસ્તીઓના નામનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો હતો. 


                    પણ...પણ...જેને દુનિયાની સફળ વ્યક્તિઓ કહીએ છીએ તેમાંની કેટલી વ્યક્તિઓ બેક બેંચર્સ હતી?! આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. કદાચ બહુ થોડાક એમ કહીએ તો પણ ખોટું નથી જ. જે વિદ્યાર્થીઓમાં સહનશીલતા, ત્વરિત નિર્ણયશક્તિ, અમુક ખાસ આવડતો અને સારી તંદુરસ્તી હોય તેવા વિદ્યાર્થીઓ જો બેક બેંચર્સ હોય તો પાછલી જિંદગીમાં ઊંચા શિખર સર કરવાની શક્યતા ઘણી. પણ ગણિત-વિજ્ઞાનની નબળી સમજ, નબળી વૈચારિક ક્ષમતા, નબળું સ્વાસ્થ્ય કે ભયભીત રહેનારા (આત્મવિશ્વાસનો અભાવવાળા) વિદ્યાર્થીઓ જો પાછલી પાટલીઓ પર હોય તો એ વધુ પાછળ રહેવાના ચાન્સ ઘણા !!
                    જીવનની નિષ્ફળતાઓના ઉદાહરણો તથા ભણવામાં નબળી છતાં સફળ થયેલી વ્યક્તિના જીવનને આગળ કરીને શ્રોતાઓને (લોકોને) દિગ્મૂઢ કરવાની આજકાલ ફેશન ચાલી છે. ઘણાબધા વકતાઓ સ્વામી વિવેકાનંદ, બિલ ગેટ્સ, સચીન તેંડુલકર કે લતા મંગેશકરની સફળતાની આગળ રીને લોકોને પ્રભાવિત કરવાની લાલચુ પ્રયુક્તિ અપનાવી રહ્યાં છે. સફળતાના ઉદાહરણો અપાય તેની સાથે તેનો ઇતિહાસ પણ આપો ને? શું આ બધા જ લોકો બેક બેંચર્સ હતા?!  કેટલાક લોકો તો વળી સાવ અભણ, પણ માલેતુજાર બનેલા લોકોના ઉદાહરણો આપતા અચકાતાં નથી. સફળતા એટલે સંપત્તિનું કદ એવી અણઘડ વ્યાખ્યા બાંધીને કહેવાતાં વકતાઓ હાંકયે રાખતા હોય છે.
                    જેઓ પાછલી હરોની વિદ્યાર્થિનીઓ નહોતી એવી બે યુવતીઓની વાત અહીં ઉદાહરણરૂપે રજૂ કરું. શાળામાં તેજસ્વી છતાં નબળી આર્થિક પરિસ્થિતિને લીધે, નહીં ભણવાનો નિર્ણય કરનારી હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ માત્ર 22 વર્ષની વયે રાજ્યના થર્જુન ગામની સરપંચ બની. જો કે, કાકાના વિચારથી તેણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું હતું અને સાથે સાથે ખર્ચને પહોંચી વળવા પત્રકારિતાનું કામ પણ કર્યું હતું. શરૂઆતથી તેનામાં રહેલી દૂરંદેશી વિચારશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ, કુશળ સંચાલનશક્તિ સક્રિય બની અને સૌથી નાની વયે સરપંચ બનવાનું માન ખાટી ગઈ! આ ગામડામાં લોકો શરાબના બંધાણી હતા, જેમાંથી હવે તેણીએ આખા ગામને મુક્ત બનાવી દીધું છે. સર્વશ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મેળવનારી જબના બેક બેંચર્સ નહોતી! જો તેનામાં આવા ગુણો ન હોત તો એ પાછલી પાટલીની વિદ્યાર્થિની હોત તો પણ આવી સફળતા ન મેળવી શકતે.
                    બીજી વાત છે સુરતમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દક્ષિણ ગુજરાતમાં ટોચ પર રહેનારી શ્રેયા ઠુમ્મરની. એ પોતાના ઉચ્ચ પરિણામથી ઈજનેરી કે દાક્તરી તરફ વળી શકી હોત પરંતુ તેને અર્થશાસ્ત્રી બનવું હતું એટલે બ્રિટન તરફ મન વાળ્યું. તેને પ્રથમ વર્ષે જ જાણીતી આંતરરાષ્ટ્રીય બેન્કમાંથી પચાસ લાખની નોકરીની ઓફર મળી ગઈ! જો કે તેણે હાલમાં તો આગળ ભણવામાં જ મન વાળ્યું છે અને નોકરીને બાજુએ હડસેલી છે. છતાં, આવું કઈ રીતે થયું તે જાણવું વધારે મહત્ત્વનું છે.
                    પોતાના શાળા શિક્ષણ દરમ્યાન નેતૃત્વ, સંવાદ અને તાર્કિક વિશ્લેષણ કરવાની ક્ષમતાની કેળવણી પર વિશેષ ધ્યાન આપ્યું હતું. આ કાબેલિયત તેને નાની ઉંમરે મોટી મોટી હસ્તીઓ (ચેતન ભગત, મેઘનાદ દેસાઇ, સંદીપ સિંઘ, જી.ડી.બક્ષી વગેરે) સાથેની મુલાકાતો તરફ દોરી ગઈ. અંગ્રેજી પર કાબૂ અને શિક્ષિત વાલીનું સંતાન હતું તે કરતાંયે તેણીને પોતાની આવડત પરનો આત્મવિશ્વાસ હતો જે તેણે નાની ઉંમરે આ ઊંચાઈ પર લઈ ગયો. તેણી બેક બેન્ચર્સ હોત તો પણ જો એનામાં આ ગુણો ન હોત આ ઊંચાઈએ પહોંચવું મુશ્કેલ હતું.
                    આ સિવાયના ઘણા સફળ વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓના ઉદાહરણો આપણને મળી શકે તેમ છે કે જેઓ શાળા-કોલેજમાં બેક બેન્ચર્સ નહોતા. હકીકત તો એ જ રહે છે કે પાછલી પાટલીઓવાળા જીવનમાં શિખર સુધી પહોંચી શકે છે પરંતુ બહુ થોડા લોકો, ઘણાંબધા નહીં!! કેમ કે, સફળતા માટેના માપદંડો જુદા જુદા ભલે હોય પણ તે ખાસ પ્રકારના કૌશલ્યોની હાજરી તો સૂચવે જ છે. આવા કૌશલ્યને આકાશ મળવું જોઈએ. વળી, આકાશ આપતા પહેલાં સંતાનની ક્ષમતા ઓળખવી પડે. આ બાબતમાં જ મા-બાપો, શિક્ષકો, કેળવણીકારો કે મોટીવેટર્સ પણ માર ખાઈ જાય છે. ફિલ્મનો આશય આવી જ બાબત પ્રત્યે મનોમંથન કરાવવાનો છે, તેથી ફિલ્મની ટેકનીકલ બાબતોની કોઈ ચર્ચા અહીં કરી નથી.
                    ફિલ્મ એવા વાલી અને શિક્ષકોને સચેત કરે છે કે જેઓ વિદ્યાર્થીના લેખિત કામને આધારે જ તેમને નબળા કે સારા ગણે છે, અને તેના ઉપરથી જ તેની કારકિર્દીની સફળતા કે નિષ્ફળતાનું અનુમાન લગાવે છે. ફિલ્મનો એક વિદ્યાર્થી ગોપાલ બેક બેન્ચર્સ છે. ભણવાની પળોજણ અને ટીકા-ટીપ્પણીમાંથી બચવા ઘર છોડે છે, પણ એ અનુભવ તેને માટે સારો નથી જ બનતો. વૈધિક શિક્ષણમાંથી બધું જ બેઠે બેઠું લેવાને બદલે, તેને વધારે વ્યવહારું બનાવીને કિશોરો-તરુણોનો ઉછેર કરવાની શીખ આપણે સૌએ તેમાંથી લેવાની છે એ જ ફિલ્મનો સાર છે. ફિલ્મની ટીમને પણ શિક્ષણ-સમાજ સાથે સંકળાયેલા વિષયવસ્તુ પસંદ કરવા બદલ અભિનંદન!
                    શિક્ષકો, આચાર્યો તથા વાલીઓએ નવી પેઢીને ભણાવવાનું કામ કરવાનું છે, પણ તેણી સાથે દરેકની ક્ષમતાને ઓળખવાનું અઘરું કામ પણ કરવાની જરૂર છે. કોર્ષમાં થોડી બાંધછોડ કરવી પડે તો વાંધો નહીં આવે, પણ આત્મવિશ્વાસ વગરના અને નબળી વિચારશક્તિથી શાળા-કોલેજ છોડનારા યુવાનો કુટુંબ કે સમાજને ખાસ યોગદાન નહીં આપી શકે તેની ચિંતા આ દરેકને થવી જ જોઈએ અને કાયમી રહેવી જોઈએ તો જ આપણે એકને બદલે બે-ત્રણ આઈન્સ્ટાઇન, અમિતાભ, જબના કે શ્રેયા પેદા કરી શકીશું. શું માનો છો?!
                               

- ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...