Monday, 3 December 2018

દફ્તર જેનું નામ, હળવું થશે કે?!


                  શિક્ષણ વ્યવસ્થાનો નાનો પણ મહત્ત્વનો એવો દફતરનું વજન નક્કી કરવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો. જો કે તેની ખુશી સરકાર અને મીડિયાને ઘણી થઈ પણ વાલીઓ કે શાળાઓને ખાસ ઉમળકો થયો હોવાનું દેખાતું નથી. જુદી જુદી વયકક્ષા અનુસાર બાળકના દફતરનું વજન નક્કી કરવામાં આવ્યું છે એની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ હશે જ છતાં આ નિર્ણયને અમલમાં મૂકવા બાબતે અન્ય કાયદાઓ જેવુ ઢીલું ઢીલું રહેશે એવો છૂપો ભય લાગે છે.
                શિક્ષણના અગ્રિમ વિચારકો, ચિંતકો કે કેળવણીકારોએ નોંધ્યું છે કે શિક્ષણમાં ભયને સ્થાન હોવું જોઈએ નહીં, કેમ કે જ્યાં ભય હોય છે ત્યાં વિકાસ અવરોધાય છે (ઘણીવાર તે અપરાધનું કારણ પણ બને છે). મારુ તો માનવું છે કે દફતરનો ભાર એ ભયનું જ એક જુદું સ્વરૂપ છે! અમુક વિષયમાં ઓછા ગુણ આવશે તો? જે તે ટીચરનું લેશન ભૂલી ગયા તો? બીજા કરતાં તે પાછળ રહી જશે તો? અભ્યાસક્રમમાં લખાવવાનું બાકી રહી ગયું તો?...આવા વિધાનો વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોના ઉદગાર વિધાનો છે. તેઓનો ભય દફતરમાં ઉમેરાય છે અને તેને ઊંચકનાર વિદ્યાર્થી શારીરિક બોજ અને નુકસાનનો ભોગ બને છે.

                છેલ્લાં થોડા વર્ષોમાં દેખાદેખી અને સ્પર્ધાએ, સમાજના લોકોને જાણે ચાબુક ફટકારી છે. ટૂંકા સમયમાં, અન્યો કરતાં આગળ રહેવાની હોડ પેદા થઈ છે. વડીલો એ હદે રઘવાયા બન્યા છે કે તેમના સંતાનો જાણે તેમના સંસાર રથના ઘોડાઓ છે એમ માનીને તેને ઝડપથી દોડાવવામાં શ્રેષ્ઠતા માની રહ્યાં છે. અભ્યાસની લાલસા એ હદે હોય છે કે પોતાનું બાળક શાળાએ લઈ જવામાં કશું પણ ભૂલી ન જવું જોઈએ. આમાં દફતરનું કદ(વજન) ધ્યાનમાં જ આવતું નથી. પિતા રીક્ષા કે વાનના રૂપિયા ચૂકવીને જવાબદારી પૂરી થઈ માને છે પણ શાળાના દરવાજેથી વર્ગમાં જવા માટે ચાલતું કે દાદર ચઢતા વિદ્યાર્થીનું અવલોકન કરીએ તો નિસ્તેજ ચહેરાથી હાંફી જતાં મજૂરની યાદ જરૂર આવે. શહેરની શાળાઓમાં આવું દ્રશ્ય સામાન્ય છે.
                શિક્ષણની ભપકાદાર(હાઇ-ફાઇ) વ્યવસ્થાવાળી અને સામાન્ય વ્યવસ્થાવાળી શાળાઓમાં આ બાબતે ખાસ ભેદ જણાતો નથી. સાત-આઠ વિષયોના નોટ-પુસ્તકો ઉપરાંત કેટલીક શાળાઓ પ્રેક્ટીસ અને સ્વાધ્યાયના બહાને અન્ય પુસ્તકોની ખરીદી કરવાનો અને વર્ગમાં ઉપયોગનો અતિ આગ્રહ સેવે છે, જેને પરિણામે 14થી 16 જેટલા પુસ્તકો-નોટ દફતરમાં નિયમિત રીતે ગોઠવાયેલા જ રહે છે! એક નોટ કે ચોપડીનું વજન સરેરાશ 250 ગ્રામ વિચારીએ તો પણ ઓછામાં ઓછું 4 કિલો વજન થઈ જાય, જ્યારે સરકારે 2 થી 3 કિલોગ્રામનું વજન નિર્ધારિત કર્યું છે!! ધોરણ છ-સાતના વિદ્યાર્થીઓ માટે 4 કિગ્રા, આઠ-નવના વિદ્યાર્થીઓ માટે 4.5 કિગ્રા તથા ધોરણ દશ માટે વધુમાં વધુ 5 કિગ્રા વજન નક્કી કરવામાં આવ્યું છે.
                આમ તો NCERTના પાઠ્યપુસ્તકો લાવી વર્ગખંડમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની હિમાયત થઈ છે. આવી પ્રવૃત્તિઓ અપનાવાય તો નોટબુકનો ઉપયોગ ઘટે, પણ તેનાથી લેખનનું કામ ઘટે છે એમ કહેવું ઉતાવળું ગણાશે. ઊલટું CBSE કે NCERT પદ્ધતિને કારણે નવા પુસ્તકો, સંદર્ભો, વર્કશીટ વગેરે ઉમેરાયા છે! હવે દફતરનું વજન જાળવવા કોનો, કેટલો ત્યાગ કરવો એ પ્રશ્ન માથાના દુ:ખાવારૂપ બનશે જ. તેથી બાળકો કે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થવાનો છે એ અત્યારથી કહેવું વહેલું ગણાશે.
                મલેશિયાના શિક્ષણમંત્રી ડૉ. મસ્ઝીલી મલિકના મતે, બાળકની સ્કૂલ બેગનું જે વજન છે તેમાં 28 % વજન જ પાઠ્યપુસ્તકોનું હોય છે જ્યારે બાકીનું 72 % બેગનું પોતાનું, નાસ્તાના ડબ્બાનું, સ્ટેશનરી વગેરેનું હોય છે! આપને જાણવું ગમશે કે આપણી જેમ મલેશિયન સરકાર પણ 2019થી વિદ્યાર્થીના વજનથી 10% કે તેથી ઓછું દફતરનું વજન હોય એ નિર્ણય લાગુ કરનાર છે.
                આપણે ત્યાંના દફતરોનું પણ અવલોકન કરતાં જણાય છે કે તેના વધુ વજનમાં માત્ર પુસ્તકો કે નોટબુક જ નથી. તેમાં પૂરક સાહિત્ય, ડાયરી, નાસ્તો, વોટરબેગ, અને કલરબોક્સ જેવી વસ્તુઓ સમાવિષ્ટ રહે છે. જ્યાં પીવાના પાણીની આરોગ્યપ્રદ વ્યવસ્થા ન હોય ત્યાં પણ 250 કે 500 મિલી.ની બોટલ અનિવાર્ય અને રોજિંદી રહે છે બાલમંદિરોમાં ઘણુખરું નાસ્તાની વ્યવસ્થા શાળા દ્વ્રારા થતી હોય છે એટલે ત્યાં વજનનો પ્રશ્ન નથી, પરંતુ પૂર્વ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક કક્ષાએ રોજિંદા નાસ્તાનું વજન પણ બાદ કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં (દફતરના વજન સહિત) 2થી 4 કિગ્રા.નું દફ્તર શોધવું મુશ્કેલ પડશે!!
                દુનિયાના કેટલાક દેશોમાં ઉંમર મુજબ દફતરનું સરેરાશ વજન કેટલું છે તે માત્ર 8 વર્ષના બાળક (વિદ્યાર્થી)ના સંદર્ભમાં વિચારીએ તો ફ્રાંસમાં 3 કિગ્રા., અમેરીકામાં 1.8 કિગ્રા, ઈંગ્લેન્ડમાં 2.7 કિગ્રા જેટલું છે. એની સરખામણીમાં ભારતમાં આ વય જૂથ માટે 2થી 3 કિગ્રા. નક્કી કર્યું છે તે યોગ્ય જણાય છે. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર વિદ્યાર્થીનું જે વજન હોય તેના 10 % કે તેથી ઓછું દફતરનું વજન હોવું જોઈએ. મુશ્કેલી એ છે કે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના શારીરિક બાંધાને જોઈને નક્કી થયેલો હોતો નથી એટલે બિનતંદુરસ્ત બાળક માટે તો દફતરનું વજન વધારે જ લાગવાનુ. જો કે આવા અપવાદરૂપ કિસ્સાનો ઉપાય અલગ મુદ્દો છે.
                આપણી સરકારે નિર્ણય જાહેર કરી દીધો છે, હવે પાલન કરવાની જવાબદારી શાળા અને વાલીની સંયુક્ત રહેશે. વિદેશોએ દફતરનો ભાર ઘટાડવા માટે જે તે દિવસે માત્ર એક-બે પુસ્તકો લાવવાની વ્યવસ્થા વિચારેલી છે. નોટબુકના સ્થાને છૂટા પાના કે વર્કશીટનું ફોલ્ડર, કંપાસ અને નાસ્તાની ગણતરી નક્કી કરેલી છે. આપણે ત્યાં વાલી-શિક્ષકો-સંચાલકો સાથે બેસીને આવું આયોજન કરી શકશે કે?! દફતરના પોતાના વજનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના દફતરની પસંદગીમાં વાલીઓ ધ્યાન રાખશે કે?! એ જ રીતે દફતરનો ભાર ઘટાડવા સંચાલકો પાસે અન્ય બે વિકલ્પો બચે છે: શાળામાં જ વિદ્યાર્થીઓના દફ્તર મૂકવાની વ્યવસ્થા(લોકર્સ) હોય અને નોટબુક-ચોપડાને બદલે ટેબલેટ કે ગેજેટ્સનો ઉપયોગ કરવાની છૂટ આપે! મુશ્કેલ છે ખરું? તો અન્ય ઉપાયો કરવાની માનસિકતા વિશે આપ શું માનો છો?
                ભારત સરકારે આ ધોરણ(કે માપદંડ) શાના આધારે નક્કી કર્યું છે એ જાણવું મહત્ત્વનો પ્રશ્ન નથી, કદાચ જરૂર પણ નથી. સવાલ, શાળા કે વાલીઓ દફતરના વજનને જાળવી રાખવા પ્રયત્ન કરશે ખરા તેનો છે. સરકારે માર્ગદર્શિકા તો ઠેર ઠેરની શાળા સુધી પહોંચાડી દીધી છે પરંતુ તેઓ અમલ ન થાય તો ફરિયાદ કોને કરવાની અને તેની દંડનાત્મક જોગવાઈ શું છે તે બાબતની સ્પષ્ટતા જરૂરી છે. અન્ય અભિયાનો કે પ્રકલ્પની જેમ આ એક અભિયાન બનવું જોઈએ. એમ ન થાય ત્યાં સુધી તો મનમાં પ્રશ્ન રહેવાનો કે દફ્તર હળવું થશે કે?’


- ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)

1 comment:

  1. આપના વિચારોને પણ અહીં રજૂ કરી શકશો.

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...