વડીલો દ્વારા
યુવાનો સામે એક શસ્ત્રનો હંમેશાં ઉપયોગ થતો આવ્યો છે તે ‘ભણ્યા પણ ગણ્યા નહીં’નો. આમ તો આનો સૂચિતાર્થ આપણી નબળી શિક્ષણ વ્યવસ્થા સામે છે
અને આજે પણ છે જ. એમાં થોડા વર્ષોથી યુવાનોમાં એક નવી હતાશા ઉમેરાઈ રહી છે કે ‘ભણવાથી કોનું ભલું થયું?’ આવો વિચાર
સંભવતઃ કાયમી ધોરણે સ્વીકૃત બની શકે તેમ નથી તોયે બેરોજગારીના વાતાવરણમાં એ
બરાબર ઠીક બેસતું જણાય છે.
દુનિયામાં સૌથી
વધુ બેરોજગાર ભારતમાં છે એ સ્થાન છેલ્લાં ઘણાં દાયકાઓથી આપણી પાસે જ
રહ્યું છે! વિચિત્રતા એ છે કે સૌથી વધુ યુવાનો પણ આખી દુનિયામાં
આપણી પાસે જ છે. યુવા શક્તિના ઉપયોગ વિના દુનિયાનો કોઈ દેશા તાકાતવર ન બની શકે
તેથી આપણી સ્થિતિ ‘ન કહેવાય ન સહેવાય’ જેવી છે.
વસ્તીની તુલનામાં રોજગારી સર્જનની ઝડપ ઓછી રહી છે તેની પાછળના અનેક
કારણોનું વિશ્લેષણ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓ સારી રીતે કરી શકે, પણ તેમાંનું
એક મહત્ત્વનું કારણ સામાજિક સમાનતાના નામે અપનાવાયેલી અનામત (Reservations) પ્રથાનું છે.
આઝાદી પછી જે દારુણ ગરીબીવાળું
બિસ્માર અર્થતંત્ર હતું તેમાં સમાનતાનો આદર્શ સચવાય તે હેતુથી માત્ર દશ વર્ષ
માટે જાતિ આધારિત અનામત પ્રથા અમલમાં મૂકવામાં આવી હતી. બસ, ટૂંકાગાળાની આ વ્યવસ્થાને દેશના શાસકોએ પોતાની સત્તા સાચવવાનું એક બ્રહ્માસ્ત્ર
બનાવી દીધું. તમે પછાત છો, તમે નબળા છો એવું ઠસાવી ઠસાવીને અનામતનું વર્તુળ મોટું ને મોટું કરતાં
જવાની હીનવૃત્તિ જાણે લોકશાહીની પરંપરા બની ગઈ છે. અભણ પ્રજાને જાતિ અને ધર્મના
નામે ઉશ્કેરીને દેશની સંપત્તિ લૂંટવાનો ધંધો બની ગયો. અસમાનતા ઘટાડવાના ભાષણો જ
અસમાનતા અને અરાજકતા વધારનારા શસ્ત્રો બની ગયા. આજે પણ એ શસ્ત્ર outdated થયા હોવાનું
જણાતું નથી!
ગત સપ્તાહ, આ અનામતનું ચકરડું મોટું ને મોટું કરવાની માનસિકતા પર
બ્રેક મારનારું બન્યું હતું. અનામત કક્ષાની બહારના લોકોમાં જે નિમ્ન આર્થિક
સ્થિતિવાળા કુટુંબો છે તેમને 10 ટકા અનામત આપતો કાયદો ટૂંક સમયમાં બની જશે. અનામત
કક્ષા 49.5 ટકા સિવાયના 50.5 ટકાની વસ્તીમાં છેવાડાના લોકોને પણ
સરકારી નોકરી અને શિક્ષણમાં ખાસ રક્ષણ મળે તે હેતુથી આ કાયદો અમલમાં આવવાનો છે. જે લોકો
પહેલેથી જ પોતાને નબળા, પછાત અને હલકી
જાતિના માનીને રક્ષણ મેળવતા હતા તેઓને આ નિર્ણય નહીં જ ગમશે. અપવાદોને બાદ કરો
તો આ લોકોને પોતાનો હિસ્સો ઓછો થવાનો ડર લાગશે, પણ આ સત્ય નથી.
જો કે આ ડરને વધારે બહેકાવવાનું
કામ હવે જાતિ આધારિત કપટી ખેલ ખેલનારા શાસકો કરશે જ. અભણ પ્રજાને ભરમાવીને દેશમાં
અમીર-ગરીબ કે પછાત-સવર્ણ વચ્ચે તિરાડ પાડીને વિભાજનકારી રમતો શરૂ
કરાશે જ. સામાજિક ન્યાય અને સમરસતાના મૂલ્યોને વેરવિખેર કરવા માટે ફરીથી આવા લોકો
સક્રિય થશે. એવામાં નવરાધૂપ અને અણસમજૂ યુવાનો આ ખાઈને વધુ પહોળી બનાવવા પોતાની બુદ્ધિને
બાજુએ મૂકી દે તો નવાઈ નહીં.
ઉપનિષદનું સત્ય છે કે અતિ સર્વત્ર
વર્જયેત. આરક્ષણની બાબતમાં પણ હવે તેનું પોત પ્રકાશ્યુ છે. કહેવાતી પછાત જાતિઓમાં ‘ઘૂસ’મારવાની લાલચુ
માનસિકતા છેલ્લાં વર્ષોમાં બળવત્તર બની રહી છે. અનામતના છત્ર હેઠળ શિક્ષણ અને
સરકારી નોકરીઓમાં સમાનતાને બદલે અસમાનતાનું દર્દ વધી રહ્યું છે. દેશના કેટલાક
ભાગોમાં એ વિરોધનાં સ્વરૂપે દેખાયું, તો પણ જાતિ આધારિત અનામતને
પોષવાનું કામ કપટી રાજકારણીઓએ બંધ ના કર્યું. પરિણામે અનામતની બહાર રહેલાં
સવર્ણોને પોતાનું ઝૂંટવાઈ જવાનું અનુભવાયું. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ માત્ર નિમ્ન
જાતિઓમાં જ નહોતો, સવર્ણોના નીચલા
ઠરમાં પણ સળગી રહ્યો હતો.
જો આ વિષમતાને સમજવામાં ન આવે તો
આંતર પ્રજા (ગરીબો-સવર્ણો) વચ્ચેનો કલહ દેશની અર્થવ્યવસ્થાને ખેદાન-મેદાન કરી શકે.
પણ કુશળ નેતા તરીકે મોદીજીએ આ તકલીફને સમજી છે. ભલે તેમનામાંયે સત્તાની મનસા હશે, તો પણ દેશની પ્રજાને એ મંજૂર છે એ મોદીજીની જીત છે! પોતે
સ્વયં પછાત જાતિના હોવા છતાં સવર્ણોની વેદનાને સમજવી અને તેઓને અનામતનું અલગ રક્ષણ
આપવાનો નિર્ણય ‘છપ્પન ઇંચ’ની છાતીવાળા જ કરી શકે, ખરું? આ નિર્ણયને એટલે
જ મીડિયાએ કદાચ ઐતિહાસિક ગણાવ્યો છે.
આનો લાભ બહુ થોડા લોકોને જ મળશે તેથી આ ‘લોલીપોપ’ છે એવી વિરોધીઓની
દલીલમાં જો થોડી સચ્ચાઈ હોય તો હાલમાં જે જાતિઓ અનામતનું રક્ષણ
મેળવી રહી છે તેવા સમૂહોમાં પણ બહુ જૂજ લોકોને જ લાભ મળે છે એ વાત સ્વીકારી લેવી
પડે. વ્યક્તિ સમાજ કે દેશ હોય, અનામતનું રક્ષણ
થોડા સમય માટેનું જ હોવું જોઈએ. કાયમી સ્વરૂપે આવું રક્ષણ પ્રજાને અને દેશને પણ
માયકાંગલો બનાવે છે. રક્ષણવાળા અને રક્ષણ વિનાના જૂથો વચ્ચે વિદ્રોહ પેદા કરે.
એટલે શિક્ષણ, નોકરી કે અન્ય
ક્ષેત્રમાં લાંબી કે કાયમી આરક્ષણ વ્યવસ્થા રાખવી એ ન્યાયી જણાતી નથી. શક્ય હોય
તો દેશના કોઈપણ પછાત નાગરિકને પોતાના જીવનકાળ દરમ્યાન (જો પોતે
ઈચ્છે તો) માત્ર એક જ વખત અને તે પણ પાંચ વર્ષ સુધી જ આવું અનામત રક્ષણ મળે તેવી કોઈ
અજોડ ફોર્મૂલા શા માટે વિચારાતી નથી? આજ સુધી જે
ઘરેડમાં ચાલ્યું છે એને બદલવા માટે ફરી કોઈ છપ્પન ઈંચની છાતી
જોઈશે, મળશે ખરી?
વર્તમાન સુધારો જાતિને બદલે આર્થિક
માપદંડ આધારિત બન્યો છે એટલે ચહલપહલ વધી છે. આમ થવું જરૂરી હતું કેમ કે અનામતના
રક્ષણ સાથે ‘ગરીબીની સ્થિતિ’ જોડાયેલી છે નહીં કે તેની જાતિ. આનાથી સર્વધર્મ સમભાવ અને એકબીજા
પ્રત્યેની સમ્યક દ્રષ્ટિ કેળવાશે. સમાજ વધુ તંદુરસ્ત સંબંધો કેળવી શકશે. જો કે
વધારે મહત્ત્વનું તો એ છે કે દેશની પ્રજામાં અનામતની પ્રથામાંથી ઝડપથી બહાર
નીકળવાની તમન્ના કે તાલાવેલી જાગે. પ્રજા સ્વયં આવી માનસિકતા કેળવે તો લુચ્ચા અને
મતલબી નેતાઓનું આ હથિયાર બુઠ્ઠું થઈ જાય તેમ છે. આવી જાગૃતિ માટે સવર્ણો અને પછાત
જાતિના બુદ્ધિજીવીઓએ મથવું જોઈએ. દેશની ખરી તાકાત અનામતના રક્ષણમાં નથી, તેના કરતાં અનામતના કોચલામાંથી બહાર નીકળવાના અને બહાર
કાઢવાના પુરુષાર્થમાં છે એ રાજા અને પ્રજા સમજે.
No comments:
Post a Comment