નવી આવડતો સાથેનું સરસ્વતી પૂજન!
ગઇકાલે રવિવાર હતો
અને લગ્નોની અતિ વ્યસ્તતા હશે એટ્લે ઘણાબધાને
વસંતપંચમીનું નામ મોઢે આવવા છતાં સરસ્વતી પૂજનના દિવસ તરીકે તે બહુ ઓછાને યાદ
આવ્યો હશે. વસંતઋતુના વધામણાં સાથે જે ભૌગોલિક અને પ્રાકૃતિક વાતાવરણમાં ફેરફાર
થવા માંડે તેનો અહેસાસ બધાને જ વધતે-ઓછે અંશે થતો હશે પણ આ દિવસ વિદ્યાની દેવી
સરસ્વતીના પૂજન તરીકે પણ ઉજવાય છે તે ઘણા ઓછાને ખબર છે. જો કે રવિવાર હોવાને કારણે
શાળાઓમાં આ દિવસની ઉજવણી ફિક્કી જ રહી. ભલે, પણ વિદ્યાની
દેવીના પૂજન સાથે વિદ્યાર્થીઓમાં ખાસ પ્રકારના ગુણો વિકસાવવાના જે ઉદ્દેશો છે તે
ભૂલાવા ન જોઈએ. સાંપ્રત સમયમાં કેટલાક ખાસ ગુણોના સિંચનની વાત કરું.
નવા જમાનામાં વિદ્યાર્થીઓ પાસે
નવા પ્રકારની આવડતો જોઈશે, કેમ કે ઘણાબધા
કામો (રોજગારી)માં ‘યાંત્રિક’ પ્રક્રિયાનું પ્રભુત્વ હશે. આ સંદર્ભમાં નવી પેઢીમાં કઈ
આવડતો વિકસાવવી જોઈએ તે વિશે એક વિદેશી ધંધાકીય અગ્રણી ક્લે પાર્કરનો
અસંતોષ છે કે, ‘...કદાચ આપણે તેમણે તકનીકી કુશળતા શીખવીશું પરંતુ તેમને સારા
પ્રશ્નો કેમ પૂછવા અથવા કેવી રીતે વિચારવું એ શીખવતા જ નથી.’ મતલબ એ થયો કે વિચારવાની બાબતમાં નવી પેઢી યાંત્રિક
(રોબોટ) ન બનવી જોઈએ. આ બહુ જ મહત્ત્વનું ચિંતન છે અને શિક્ષણ-સમાજક્ષેત્રના કોઈએ
આ બાબતે મંથન કરવું જ જોઈએ.
હવે પછીના સમયમાં વિદ્યાર્થીઓ વાળ
સરખા ઓળે, કતારબંધ ચાલે કે
ચૂપચાપ સાંભળ્યા કરે એવા મૂલ્યો(ગુણો)ની અપેક્ષા આપણે ઘટાડવી રહી. તેને બદલે વિદ્યાર્થીઓને
ઉપયોગી અને હકારાત્મક ચર્ચાઓમાં પ્રવૃત રાખવા પડશે. તેઓ એકમેક સામે આંખમાં આંખ
પરોવી વાત કરી શકે તેવા આત્મવિશ્વાસુ બનાવવા પડશે. બીજાઓ સાથે કેમ અને કેવો
વ્યવહાર કરવો તે શીખવવા પાછળ સમય આપવો પડશે. હવે પછીનો સમય બહુવિધ આવડત સાથેનો હશે
તેથી શાળા કક્ષાએથી જ ભવિષ્યના નવા અને કુશળ નાગરિકો તૈયાર કરવાની શિક્ષણ વ્યવસ્થા
ગોઠવવી રહી. આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ?
સૌ પ્રથમ આવડત જોઈશે તાર્કિક રીતે
વિચારવાની અને સમસ્યા ઉકેલવાની. ગઇકાલના ઉત્તરો આવતીકાલની સમસ્યાનો ઉકેલ ન આપી શકે
એ બાબત શિક્ષકો-પ્રાધ્યાપકો અને સંચાલકોએ ધ્યાનમાં રાખવી પડશે. શાળા-કોલેજોની
નેતાગીરી ઉપર ઘણાબધા કામનું ભારણ હોય છે તેવા સંજોગોમાં તેઓની પાસે તો સમસ્યા
ઉકેલની કુનેહ જોઈશે જ પરંતુ નવી પેઢીના વિદ્યાર્થીઓને પણ વિવિધ પ્રવૃત્તિઓમાં
રોકીને આવી કુશળતા શીખવવા પ્રયત્ન કરવો પડશે. આ માટે શિક્ષકો-પ્રાધ્યાપકોએ જ
સારા પ્રશ્નો સર્જવાની અને પૂછવાની આવડત કેળવવી પડશે, ખરું?
આવનારા સમયમાં ભલે કામોનું
નાની-નાની પ્રવૃત્તિઓમાં વિભાગીકરણ(specialization) રહેવાનુ છે છતાં
સમૂહોમાં કામ કરવાની તત્પરતા ખાસ જોઈશે જ. વિશિષ્ટીકરણમાં વ્યક્તિ પાસે કોઈ એક
કુશળતા હોય છે પરંતુ આખરી ઉત્પાદન કે હેતુ પૂર્તિ માટે તો આવી અનેક આવડતોવાળી
વ્યક્તિઓએ સાથે મળીને જ કામ કરવું પડશે. અવકાશમાં ઉપગ્રહો તરતા મૂકનારા વૈજ્ઞાનિકો
પોતપોતાનું કામ ઉત્તમ રીતે જ કરે છે પરંતુ અન્યો સાથેનું ‘સંકલન’ જ તેને સફળ બનાવે
છે. તેથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલી સામૂહિક પ્રવૃત્તિ કે
કાર્યક્રમોમાં જોડાવા પડશે. આના થકી જ નેતૃત્વના ગુણો સીંચી શકાશે જે આવનારા સમયની
મહત્ત્વની આવડત ગણાશે!
ભવિષ્યમાં સ્વતંત્ર ધંધા કે
વ્યવસાયની તકોની બોલબાલા પણ રહેવાની છે જેમાં વ્યક્તિ સારું વિચારે અને પ્રશ્નોનાં
ઉકેલ માટે નવા નવા વિકલ્પો વિચારે તેવી કુશળતા જોઈશે. તકનીકી કુશળતા સાથે આવો
સમન્વય વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ પ્રગટાવી શકશે. શાળાના વિદ્યાર્થીઓને આ
સંદર્ભમાં જ શું વિચારવું કરતાં પણ કેવી રીતે વિચારવું એ શીખવવું વધારે યોગ્ય
બનશે.
આર્થિક ઉપાર્જન માટે નવી પેઢીને
તૈયાર કરવાની જવાબદારી અને મૂળભૂત ઉદ્દેશ શાળા-કોલેજના શિક્ષણમાં પહેલેથી જ
સમાવિષ્ટ છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાનો ગુણ સીંચવો જરૂરી
બનશે. આ વિષે CISCOના માર્ક ચંડ્લરના વિચારો વાંચો: ‘હું મારા કર્મચારીઓને કહું છું કે તમે પાંચ કામો
કરો છો અને પાંચેય પૂરા કરો તો તમે નિષ્ફળ છો. જો તમે દશ કામો માટે પ્રયત્ન કરો છો
અને આઠમાં સફળ થાવ છો તો તમે હીરો છો! જો તમે ધ્યેય સુધી પહોંચવામાં નિષ્ફળ જશો તો
ટીકા ન થશે, પણ વધુ પ્રયત્ન ન કરશો તો થશે જ !’ શું
વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક(અભ્યાસકીય)દેખાવને સુધારવા માટે આવો જ અભિગમ અપનાવવો
જરૂરી નથી જણાતો? માત્ર વિદ્યાર્થીઓ નહિ, દેશના
શિક્ષણક્ષેત્રના સૌ કોઈએ શૈક્ષણિક ગુણવત્તા સુધારણા બાબતે આવું વિચારવું જ પડશે
અને જોઈએ જ.
આજની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની
એક મોટી નબળાઈ તેમની મૌખિક અભિવ્યક્તિની ઊણપ અથવા વાતચીત કલાના અભાવની છે. કોઈપણ
બાબતને સ્પષ્ટ ઉચ્ચારણ અને સંદર્ભ સાથે તેઓ રજૂ કરવામાં ધરાર નિષ્ફળ નીવડી રહ્યા
છે. નવી પેઢી બોલબોલ બહુ કરે છે, પરંતુ તેમાં ઢંગ નથી. બસ, આ
ખામીને દૂર કરવા શાળાઓએ મથવું પડશે. આપણી શાળાઓમાં વ્યાકરણ કે જોડણી ઉપર અસાધારણ
ભાર અપાય છે, તેની સાથે સારી રીતે લખવા-બોલવા પર પણ ભાર અપાય તે એટલું જ
મહત્ત્વનું છે. કેમ કે સર્જનશીલ વિચારોની અસરકારક પ્રસ્તુતિ આ બંને માધ્યમો (લખવા
અને બોલવા) દ્વારા જ રજૂ થતી હોય છે.
એક સાવ નવી આવડતની કેળવણી પણ નવા
સમયમાં અનિવાર્ય થવાની છે તે માહિતીના વિશ્લેષણની. માહિતી સંચારની આધુનિક
વ્યવસ્થામાં માહિતીના ઢગલે ઢગલા મગજમાં ઠલવાઈ રહ્યા છે. આ બધામાંથી કામની અને જરૂર
પૂરતી માહિતીને અલગ તારવવાની ક્ષમતા નવી પેઢીમાં લાવવી પડશે. શાળા-કોલેજો હવે
માત્ર માહિતી ઠાંસી ઠાંસીને ભરવાને બદલે તેને ચાળવાનું પણ શીખવી શકશે તો ઉત્તમ.
જેમ પેટની ક્ષમતા કરતાં વધુ ખાવું અરુચીકર અને મુશ્કેલી પેદા કરે છે તેમ મગજમાં
અસાધારણ માહિતી પણ નકારાત્મક અસરો પેદા કરે છે. આ બાબતે નવી પેઢીને સચેત કરવાની
જવાબદારી શાળા-કોલેજોની રહેશે.
અંતમાં,
શિક્ષણમાં એ પૂરતું નથી કે તમે પાસ થઈ જાવ, પરંતુ
એની સાથે માનવ સહજ બીજી આવડતો અને વૈચારિક ક્ષમતામાં ઉમેરણ થવું જોઈએ. વૈશ્વિક
સ્પર્ધાત્મક યુગમાં આ અનિવાર્ય બનવાનું છે. તેને માટે નવી પેઢીને તૈયાર કરીએ અને
સરસ્વતી(વિદ્યા)પૂજનને ના નવા મૂલ્યો (ગુણો) સાથે સાર્થક કરીએ તો સરસ્વતી અને વસંત
બંનેના આશીર્વાદ આપણને મળશે, ખરું ને?!
No comments:
Post a Comment