જે થોડા વર્ષો
પહેલાં પોતે તરૂણી હતી અને આજે એક સંતાનની માતા હતી તેવી સુહાસિનીની આકસ્મિક મુલાકાતે એક પ્રશ્ન પૂછાઇ
ગયો, ‘કેવી લાગે છે હવે
દિનચર્યા?’ ઉત્તર હતો, ‘બહુ વ્યસ્ત!’ મેં સ્પષ્ટતા
માટે આગળ પૂછ્યું, ‘શાની પ્રવૃત્તિમાં?’ જવાબ હતો, ‘બાળક અને ઘરની’ દુનિયાની સમાજ
વ્યવસ્થામાં સ્ત્રી તરીકેના જન્મ સાથે જ અન્ય જવાબદારીનો ભાર બહુધા એમને પક્ષે જ
વધુ રહે છે. મેં વધુ જાણવા છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો હતો, ‘વાલી બનતા પહેલાં
બાળકોના ઉછેર બાબતે કોઈ મનોમંથન કે વાંચન કર્યું હતું?’ ઉત્તર સ્પષ્ટ ‘ના’ હતો. આ માત્ર સુહાસિનીનો જ જવાબ નહોતો, નેવું ટકા ભારતીય નારીનો ઉત્તર હતો એમ સમજી જ લેજો કેમ કે
હું ખોટો પડું એવા ચાન્સ નહિવત છે!
આ તો એક પક્ષની વાત હતી.
વર્ષો પહેલાં પોતે તરુણ હતો અને આજે પિતા બનેલા પ્રતીકની મુલાકાતમાં મેં પ્રશ્ન
કર્યો હતો, ‘પિતા તરીકે કેવું અનુભવાય છે?’ જવાબ હતો, ‘સરસ સર’ મેં પૂછ્યું, બસ એટલું જ?’ એણે અટકીને જવાબ
આપ્યો હતો, ‘પત્ની ઘણુંબધુ સંભાળી લે છે એટલે રૂટિનમાં ખાસ ફર્ક નથી!’ આ ઉત્તર માત્ર પ્રતીકનો જ નહોતો, ભારતના 90 ટકા પુરુષો(પિતાઓ)નો હતો, આમાં પણ હું ખોટો પડું એવા નહિવત ચાન્સ છે! આજે મા-બાપ (વાલી) બનવા અને તેને
નિભાવવા વિશે થોડી વાત કરીએ.
ગિજુભાઈ બધેકાનું ‘મા-બાપ થવું અઘરું છે’ અને મેડમ મોન્ટેસોરી નું ‘The Absorbent Mind’ પુસ્તક વાંચ્યું ન હોય તેમણે સારા વાલી થવા માટે સંઘર્ષ જ કરવો પડે. બાળ કે
તરુણ કેળવણીના પ્રશ્નો જ્યારે ઉદભવે ત્યારે તાત્કાલિક શોધી કાઢવામાં આવતાં ઉપાયો
ઘર અને સમાજમાં અસંતોષ અને ઉત્પાત પેદા કરનારા બની રહે છે, કેમ કે તેમાં ઉછેરનું દમન થતું હોય છે, પ્રોત્સાહન નહીં.
માતા કે પિતા બની
જવું સરળ છે, પરંતુ આજીવન તેના વાલી બની રહેવાનુ કામ આસાન નથી. તેમાં
સૌથી વધુ મહત્ત્વની ક્રિયા બની રહે છે સંતાનો સાથેના સંવાદની. સંતાનો સામે વાલીઓ
જે કઇં બોલે છે તેના ઉપર જ તેમણે ધ્યાન આપવાની વિશેષ જરૂર હોય છે. જો આટલું સચવાય
તો ઉછેર તંદુરસ્ત રીતે થાય. પરંતુ અહીં જ ગરબડ થતી હોય છે. વાલીઓએ એ સમજવું પડે કે
પોતાના શબ્દો કે કૃત્ય ખરાબ હોઈ શકે છે અને તેનાથી કોઈને નુકસાન થઈ શકે છે. પરંતુ
તેઓએ પોતાના સંતાનને ‘તું ખરાબ છોકરો કે તું ખરાબ છોકરી’ છે એવું
તો કદી કહેવું જોઈએ નહીં.
વાલી
અને સંતાન વચ્ચેના હકારાત્મક વિધાનો સૌથી શ્રેષ્ઠ સેતુ બની શકે છે. જો વાલી તરફથી
સતત ‘ના’, ’આમ નહીં’, ‘તારાથી નહીં જ થાય’ એવા
શબ્દો સંભળાતા રહે તો સંતાન પોતાના વાલીમાંથી વિશ્વાસ અને શ્રદ્ધા ગુમાવી બેસે છે.
બાળકોને ‘તમે અવાજ ન કરો’ એમ કહેવાને બદલે
‘બાળકો શાંતિથી વાતો કરો’ કહેવું વધુ યોગ્ય છે. તેવી જ રીતે ‘તમારે
ઘરમાં રમવાનું નથી’ એમ કહેવાને બદલે ‘તમે
મિત્રોને બોલાવીને મેદાન પર રમવા જાઓ તો?’ કહેવું સારા
વ્યવહારનું ઉદાહરણ બની શકે. કેટલાક કામ કે પ્રવૃત્તિ આદેશ કરીને કહેવા કરતાં ‘ચાલ સાથે
મળીને કરીએ?’ જેવા પ્રશ્નથી રજૂ થાય તો એકમેક પ્રત્યે સહકારની ભાવના
જન્માવે છે, જે પ્રસન્ન પરિવાર માટે ખૂબ જ આવશ્યક છે.
ગત બે દિવસમાં સુરતમાં ‘પેરેંટિંગ
ફોર પીસ’ સંસ્થા દ્વારા આયોજીત સેમિનારમાં પણ કદાચ આ વિષય પર ચર્ચા-વિમર્શ થયા હશે. આ સંદર્ભમાં જ
મેડમ મોન્ટેસોરીને યાદ કરવા જેવા છે. વિશ્વ શાંતિના કામ માટે તેમણે કેળવણીના ત્રણ
અંગો પર જ ભાર આપ્યો છે. તેમના માટે માનવીને પશુથી જુદા પાડતા આ અંગો છે: હાથ, હૈયું
અને મન. (ગાંધીજીની કેળવણીનો પણ આ જ મધ્યવર્તી વિચાર છે.) હાથનો ઉપયોગ સામૂહિક
કામોમાં થાય, હૃદયના પ્રેમ-કરુણાના ભાવો દ્વારા કુટુંબ અને સમાજના સભ્યો
વચ્ચે સેતુ રચાય અને મન દ્વારા સારાસાર પારખવાની શક્તિનો વિકાસ થાય તો વિશ્વ શાંતિ
સ્થપાય.
વિશ્વ શાંતિની શરૂઆત,
કુટુંબની શાંતિથી જ થઈ શકે અને કુટુંબ એ સંતાનો અને વાલીઓ વચ્ચેના સંવાદની
પ્રસ્તુતિ છે. વૈચારિક આદાનપ્રદાનથી કુટુંબની તંદુરસ્તીનું માપ નીકળે છે. એટલા
માટે સારા વાલી બનવા માટે મનોવિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની સમજ અનિવાર્ય થઈ પડે છે.
અગાઉની જે વાત કહેવાઈ છે તેના સમર્થનમાં મોન્ટેસોરીના કેટલાક સૂચનો નોંધવા જેવા
છે. એક તો, વિકાસના પ્રથમ તબક્કામાં (જન્મથી 6 વર્ષ સુધી) ઘરમાં ‘ભાષા’ના ઉપયોગ
પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ભાષા જ લાગણીની રજૂઆતનું સાધન છે. (કદાચ એટલે જ એવું
બોલાતું હશે કે જેની ભાષા બગડે તેનો ભવ બગડે!)
બીજું, વિકાસના
બીજા તબક્કામાં (6 વર્ષથી 12 વર્ષ સુધી) સંતાનો સારું-નરસું સમજવા સક્ષમ બને છે
તેથી ન્યાયના મૂલ્યોનું ઘડતર શરૂ થાય છે. આ ઉંમરગાળામાં વાલીઓએ જાતિભેદથી બચવાની
વિશેષ જરૂર રહે છે. નાના-મોટા કે ભાઈ-બહેનની સરખામણીમાં ખાસ સાવધાની રાખવી. ત્રીજુ,
કુટુંબના સભ્યોએ એકબીજાને આદર-સન્માન આપવા પર હંમેશા તત્પર રહેવું જોઈએ.(આપણે
ત્યાં આની ભારે ઊણપ છે, ખરું?!) Parenting for peace તરફની યાત્રા
આના વિના સંભવ નથી.
અને ચોથું, વાલી જે
મૂલ્યો સ્વયં જાળવશે, તે જ મૂલ્યો પોતાના સંતાનોમાં રોપી શકશે. પ્રાચીન અને
આધુનિક સમયમાં જે અસંતુલન રહે છે તે બહુધા આ બાબતે જ હોય છે. તરુણાવસ્થામાં આ
અસંતુલન ‘બળવા’ સ્વરૂપે બહાર આવે છે. સૌથી વધારે સાચવવાની જરૂર આ તબક્કામાં
જ રહે છે કેમ કે બંને પક્ષે અહમ ઘવાય છે! દર વખતે (ઉંમરમાં નાના હોવાથી) બાળકે જ
નમતું જોખવું જોઈએ એવો વાલીઓ (વડીલો)નો હઠાગ્રહ શાંતિ પર પાણી ફેરવી મૂકે છે.
વાલીઓએ એ મંથન કરવાની જરૂર રહે છે કે કયા કયા સંજોગોમાં પોતે સંતાનો સામે સંપૂર્ણ
કે આંશિક ‘શરણાગતિ’ સ્વીકારી લેશે. તમેય વિચારો ત્યારે..!!
-ડૉ.
વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ-30-7-18)
No comments:
Post a Comment