Friday, 31 May 2019
Wednesday, 29 May 2019
Training Moments
For watching school teachers training held on 8-6-19,
pl click the link below
School Teachers Training
નોકરીના સમયગાળા દરમ્યાન તજજ્ઞ તરીકે
વિવિધ સંસ્થાઓમાં લીધેલી અને આપેલી તાલીમની કેટલીક યાદગાર ક્ષણો.
Tuesday, 21 May 2019
નવાં બે પુસ્તકોનું વિમોચન
સંચેતનાય નમઃ તથા છાનું છપનું હસીએ મજાનું!
એવા બે પુસ્તકોનું વિમોચન તા: 24/3/19ના રોજ
ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યું.
આ સાથે અત્યાર સુધીમાં જ મારા આઠ પુસ્તકો પ્રકાશિત થયા છે.
ડૉ. બિન્દુ શાહ (એસો.પ્રોફે., નવયુગ કોલેજ) તથા શ્રીમતી મીનાક્ષીબેન દેસાઈ(ટ્રસ્ટીશ્રી, ભૂલકાં ભવન)
ડૉ. દક્ષેશ ઠાકર (પૂર્વ ઉપકુલપતિ, VNSGUni.) અને ડૉ. વિનોદ પટેલ(નિવૃત આચાર્ય, બી.એડ. કોલેજ)
Go for small video:
Thursday, 16 May 2019
નવી આવડતો સાથેનું સરસ્વતી પૂજન!
નવી આવડતો સાથેનું સરસ્વતી પૂજન!
ગઇકાલે રવિવાર હતો
અને લગ્નોની અતિ વ્યસ્તતા હશે એટ્લે ઘણાબધાને
વસંતપંચમીનું નામ મોઢે આવવા છતાં સરસ્વતી પૂજનના દિવસ તરીકે તે બહુ ઓછાને યાદ
આવ્યો હશે. વસંતઋતુના વધામણાં સાથે જે ભૌગોલિક અને પ્રાકૃતિક વાતાવરણમાં ફેરફાર
થવા માંડે તેનો અહેસાસ બધાને જ વધતે-ઓછે અંશે થતો હશે પણ આ દિવસ વિદ્યાની દેવી
સરસ્વતીના પૂજન તરીકે પણ ઉજવાય છે તે ઘણા ઓછાને ખબર છે. જો કે રવિવાર હોવાને કારણે
શાળાઓમાં આ દિવસની ઉજવણી ફિક્કી જ રહી. ભલે, પણ વિદ્યાની
દેવીના પૂજન સાથે વિદ્યાર્થીઓમાં ખાસ પ્રકારના ગુણો વિકસાવવાના જે ઉદ્દેશો છે તે
ભૂલાવા ન જોઈએ. સાંપ્રત સમયમાં કેટલાક ખાસ ગુણોના સિંચનની વાત કરું.
નવા જમાનામાં વિદ્યાર્થીઓ પાસે
નવા પ્રકારની આવડતો જોઈશે, કેમ કે ઘણાબધા
કામો (રોજગારી)માં ‘યાંત્રિક’ પ્રક્રિયાનું પ્રભુત્વ હશે. આ સંદર્ભમાં નવી પેઢીમાં કઈ
આવડતો વિકસાવવી જોઈએ તે વિશે એક વિદેશી ધંધાકીય અગ્રણી ક્લે પાર્કરનો
અસંતોષ છે કે, ‘...કદાચ આપણે તેમણે તકનીકી કુશળતા શીખવીશું પરંતુ તેમને સારા
પ્રશ્નો કેમ પૂછવા અથવા કેવી રીતે વિચારવું એ શીખવતા જ નથી.’ મતલબ એ થયો કે વિચારવાની બાબતમાં નવી પેઢી યાંત્રિક
(રોબોટ) ન બનવી જોઈએ. આ બહુ જ મહત્ત્વનું ચિંતન છે અને શિક્ષણ-સમાજક્ષેત્રના કોઈએ
આ બાબતે મંથન કરવું જ જોઈએ.
હવે પછીના સમયમાં વિદ્યાર્થીઓ વાળ
સરખા ઓળે, કતારબંધ ચાલે કે
ચૂપચાપ સાંભળ્યા કરે એવા મૂલ્યો(ગુણો)ની અપેક્ષા આપણે ઘટાડવી રહી. તેને બદલે વિદ્યાર્થીઓને
ઉપયોગી અને હકારાત્મક ચર્ચાઓમાં પ્રવૃત રાખવા પડશે. તેઓ એકમેક સામે આંખમાં આંખ
પરોવી વાત કરી શકે તેવા આત્મવિશ્વાસુ બનાવવા પડશે. બીજાઓ સાથે કેમ અને કેવો
વ્યવહાર કરવો તે શીખવવા પાછળ સમય આપવો પડશે. હવે પછીનો સમય બહુવિધ આવડત સાથેનો હશે
તેથી શાળા કક્ષાએથી જ ભવિષ્યના નવા અને કુશળ નાગરિકો તૈયાર કરવાની શિક્ષણ વ્યવસ્થા
ગોઠવવી રહી. આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ?
સૌ પ્રથમ આવડત જોઈશે તાર્કિક રીતે
વિચારવાની અને સમસ્યા ઉકેલવાની. ગઇકાલના ઉત્તરો આવતીકાલની સમસ્યાનો ઉકેલ ન આપી શકે
એ બાબત શિક્ષકો-પ્રાધ્યાપકો અને સંચાલકોએ ધ્યાનમાં રાખવી પડશે. શાળા-કોલેજોની
નેતાગીરી ઉપર ઘણાબધા કામનું ભારણ હોય છે તેવા સંજોગોમાં તેઓની પાસે તો સમસ્યા
ઉકેલની કુનેહ જોઈશે જ પરંતુ નવી પેઢીના વિદ્યાર્થીઓને પણ વિવિધ પ્રવૃત્તિઓમાં
રોકીને આવી કુશળતા શીખવવા પ્રયત્ન કરવો પડશે. આ માટે શિક્ષકો-પ્રાધ્યાપકોએ જ
સારા પ્રશ્નો સર્જવાની અને પૂછવાની આવડત કેળવવી પડશે, ખરું?
આવનારા સમયમાં ભલે કામોનું
નાની-નાની પ્રવૃત્તિઓમાં વિભાગીકરણ(specialization) રહેવાનુ છે છતાં
સમૂહોમાં કામ કરવાની તત્પરતા ખાસ જોઈશે જ. વિશિષ્ટીકરણમાં વ્યક્તિ પાસે કોઈ એક
કુશળતા હોય છે પરંતુ આખરી ઉત્પાદન કે હેતુ પૂર્તિ માટે તો આવી અનેક આવડતોવાળી
વ્યક્તિઓએ સાથે મળીને જ કામ કરવું પડશે. અવકાશમાં ઉપગ્રહો તરતા મૂકનારા વૈજ્ઞાનિકો
પોતપોતાનું કામ ઉત્તમ રીતે જ કરે છે પરંતુ અન્યો સાથેનું ‘સંકલન’ જ તેને સફળ બનાવે
છે. તેથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલી સામૂહિક પ્રવૃત્તિ કે
કાર્યક્રમોમાં જોડાવા પડશે. આના થકી જ નેતૃત્વના ગુણો સીંચી શકાશે જે આવનારા સમયની
મહત્ત્વની આવડત ગણાશે!
ભવિષ્યમાં સ્વતંત્ર ધંધા કે
વ્યવસાયની તકોની બોલબાલા પણ રહેવાની છે જેમાં વ્યક્તિ સારું વિચારે અને પ્રશ્નોનાં
ઉકેલ માટે નવા નવા વિકલ્પો વિચારે તેવી કુશળતા જોઈશે. તકનીકી કુશળતા સાથે આવો
સમન્વય વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ પ્રગટાવી શકશે. શાળાના વિદ્યાર્થીઓને આ
સંદર્ભમાં જ શું વિચારવું કરતાં પણ કેવી રીતે વિચારવું એ શીખવવું વધારે યોગ્ય
બનશે.
આર્થિક ઉપાર્જન માટે નવી પેઢીને
તૈયાર કરવાની જવાબદારી અને મૂળભૂત ઉદ્દેશ શાળા-કોલેજના શિક્ષણમાં પહેલેથી જ
સમાવિષ્ટ છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાનો ગુણ સીંચવો જરૂરી
બનશે. આ વિષે CISCOના માર્ક ચંડ્લરના વિચારો વાંચો: ‘હું મારા કર્મચારીઓને કહું છું કે તમે પાંચ કામો
કરો છો અને પાંચેય પૂરા કરો તો તમે નિષ્ફળ છો. જો તમે દશ કામો માટે પ્રયત્ન કરો છો
અને આઠમાં સફળ થાવ છો તો તમે હીરો છો! જો તમે ધ્યેય સુધી પહોંચવામાં નિષ્ફળ જશો તો
ટીકા ન થશે, પણ વધુ પ્રયત્ન ન કરશો તો થશે જ !’ શું
વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક(અભ્યાસકીય)દેખાવને સુધારવા માટે આવો જ અભિગમ અપનાવવો
જરૂરી નથી જણાતો? માત્ર વિદ્યાર્થીઓ નહિ, દેશના
શિક્ષણક્ષેત્રના સૌ કોઈએ શૈક્ષણિક ગુણવત્તા સુધારણા બાબતે આવું વિચારવું જ પડશે
અને જોઈએ જ.
આજની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની
એક મોટી નબળાઈ તેમની મૌખિક અભિવ્યક્તિની ઊણપ અથવા વાતચીત કલાના અભાવની છે. કોઈપણ
બાબતને સ્પષ્ટ ઉચ્ચારણ અને સંદર્ભ સાથે તેઓ રજૂ કરવામાં ધરાર નિષ્ફળ નીવડી રહ્યા
છે. નવી પેઢી બોલબોલ બહુ કરે છે, પરંતુ તેમાં ઢંગ નથી. બસ, આ
ખામીને દૂર કરવા શાળાઓએ મથવું પડશે. આપણી શાળાઓમાં વ્યાકરણ કે જોડણી ઉપર અસાધારણ
ભાર અપાય છે, તેની સાથે સારી રીતે લખવા-બોલવા પર પણ ભાર અપાય તે એટલું જ
મહત્ત્વનું છે. કેમ કે સર્જનશીલ વિચારોની અસરકારક પ્રસ્તુતિ આ બંને માધ્યમો (લખવા
અને બોલવા) દ્વારા જ રજૂ થતી હોય છે.
એક સાવ નવી આવડતની કેળવણી પણ નવા
સમયમાં અનિવાર્ય થવાની છે તે માહિતીના વિશ્લેષણની. માહિતી સંચારની આધુનિક
વ્યવસ્થામાં માહિતીના ઢગલે ઢગલા મગજમાં ઠલવાઈ રહ્યા છે. આ બધામાંથી કામની અને જરૂર
પૂરતી માહિતીને અલગ તારવવાની ક્ષમતા નવી પેઢીમાં લાવવી પડશે. શાળા-કોલેજો હવે
માત્ર માહિતી ઠાંસી ઠાંસીને ભરવાને બદલે તેને ચાળવાનું પણ શીખવી શકશે તો ઉત્તમ.
જેમ પેટની ક્ષમતા કરતાં વધુ ખાવું અરુચીકર અને મુશ્કેલી પેદા કરે છે તેમ મગજમાં
અસાધારણ માહિતી પણ નકારાત્મક અસરો પેદા કરે છે. આ બાબતે નવી પેઢીને સચેત કરવાની
જવાબદારી શાળા-કોલેજોની રહેશે.
અંતમાં,
શિક્ષણમાં એ પૂરતું નથી કે તમે પાસ થઈ જાવ, પરંતુ
એની સાથે માનવ સહજ બીજી આવડતો અને વૈચારિક ક્ષમતામાં ઉમેરણ થવું જોઈએ. વૈશ્વિક
સ્પર્ધાત્મક યુગમાં આ અનિવાર્ય બનવાનું છે. તેને માટે નવી પેઢીને તૈયાર કરીએ અને
સરસ્વતી(વિદ્યા)પૂજનને ના નવા મૂલ્યો (ગુણો) સાથે સાર્થક કરીએ તો સરસ્વતી અને વસંત
બંનેના આશીર્વાદ આપણને મળશે, ખરું ને?!
Monday, 14 January 2019
રાષ્ટ્રીય એકતામાં અવરોધક ‘અનામત’
વડીલો દ્વારા
યુવાનો સામે એક શસ્ત્રનો હંમેશાં ઉપયોગ થતો આવ્યો છે તે ‘ભણ્યા પણ ગણ્યા નહીં’નો. આમ તો આનો સૂચિતાર્થ આપણી નબળી શિક્ષણ વ્યવસ્થા સામે છે
અને આજે પણ છે જ. એમાં થોડા વર્ષોથી યુવાનોમાં એક નવી હતાશા ઉમેરાઈ રહી છે કે ‘ભણવાથી કોનું ભલું થયું?’ આવો વિચાર
સંભવતઃ કાયમી ધોરણે સ્વીકૃત બની શકે તેમ નથી તોયે બેરોજગારીના વાતાવરણમાં એ
બરાબર ઠીક બેસતું જણાય છે.
દુનિયામાં સૌથી
વધુ બેરોજગાર ભારતમાં છે એ સ્થાન છેલ્લાં ઘણાં દાયકાઓથી આપણી પાસે જ
રહ્યું છે! વિચિત્રતા એ છે કે સૌથી વધુ યુવાનો પણ આખી દુનિયામાં
આપણી પાસે જ છે. યુવા શક્તિના ઉપયોગ વિના દુનિયાનો કોઈ દેશા તાકાતવર ન બની શકે
તેથી આપણી સ્થિતિ ‘ન કહેવાય ન સહેવાય’ જેવી છે.
વસ્તીની તુલનામાં રોજગારી સર્જનની ઝડપ ઓછી રહી છે તેની પાછળના અનેક
કારણોનું વિશ્લેષણ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓ સારી રીતે કરી શકે, પણ તેમાંનું
એક મહત્ત્વનું કારણ સામાજિક સમાનતાના નામે અપનાવાયેલી અનામત (Reservations) પ્રથાનું છે.
આઝાદી પછી જે દારુણ ગરીબીવાળું
બિસ્માર અર્થતંત્ર હતું તેમાં સમાનતાનો આદર્શ સચવાય તે હેતુથી માત્ર દશ વર્ષ
માટે જાતિ આધારિત અનામત પ્રથા અમલમાં મૂકવામાં આવી હતી. બસ, ટૂંકાગાળાની આ વ્યવસ્થાને દેશના શાસકોએ પોતાની સત્તા સાચવવાનું એક બ્રહ્માસ્ત્ર
બનાવી દીધું. તમે પછાત છો, તમે નબળા છો એવું ઠસાવી ઠસાવીને અનામતનું વર્તુળ મોટું ને મોટું કરતાં
જવાની હીનવૃત્તિ જાણે લોકશાહીની પરંપરા બની ગઈ છે. અભણ પ્રજાને જાતિ અને ધર્મના
નામે ઉશ્કેરીને દેશની સંપત્તિ લૂંટવાનો ધંધો બની ગયો. અસમાનતા ઘટાડવાના ભાષણો જ
અસમાનતા અને અરાજકતા વધારનારા શસ્ત્રો બની ગયા. આજે પણ એ શસ્ત્ર outdated થયા હોવાનું
જણાતું નથી!
ગત સપ્તાહ, આ અનામતનું ચકરડું મોટું ને મોટું કરવાની માનસિકતા પર
બ્રેક મારનારું બન્યું હતું. અનામત કક્ષાની બહારના લોકોમાં જે નિમ્ન આર્થિક
સ્થિતિવાળા કુટુંબો છે તેમને 10 ટકા અનામત આપતો કાયદો ટૂંક સમયમાં બની જશે. અનામત
કક્ષા 49.5 ટકા સિવાયના 50.5 ટકાની વસ્તીમાં છેવાડાના લોકોને પણ
સરકારી નોકરી અને શિક્ષણમાં ખાસ રક્ષણ મળે તે હેતુથી આ કાયદો અમલમાં આવવાનો છે. જે લોકો
પહેલેથી જ પોતાને નબળા, પછાત અને હલકી
જાતિના માનીને રક્ષણ મેળવતા હતા તેઓને આ નિર્ણય નહીં જ ગમશે. અપવાદોને બાદ કરો
તો આ લોકોને પોતાનો હિસ્સો ઓછો થવાનો ડર લાગશે, પણ આ સત્ય નથી.
જો કે આ ડરને વધારે બહેકાવવાનું
કામ હવે જાતિ આધારિત કપટી ખેલ ખેલનારા શાસકો કરશે જ. અભણ પ્રજાને ભરમાવીને દેશમાં
અમીર-ગરીબ કે પછાત-સવર્ણ વચ્ચે તિરાડ પાડીને વિભાજનકારી રમતો શરૂ
કરાશે જ. સામાજિક ન્યાય અને સમરસતાના મૂલ્યોને વેરવિખેર કરવા માટે ફરીથી આવા લોકો
સક્રિય થશે. એવામાં નવરાધૂપ અને અણસમજૂ યુવાનો આ ખાઈને વધુ પહોળી બનાવવા પોતાની બુદ્ધિને
બાજુએ મૂકી દે તો નવાઈ નહીં.
ઉપનિષદનું સત્ય છે કે અતિ સર્વત્ર
વર્જયેત. આરક્ષણની બાબતમાં પણ હવે તેનું પોત પ્રકાશ્યુ છે. કહેવાતી પછાત જાતિઓમાં ‘ઘૂસ’મારવાની લાલચુ
માનસિકતા છેલ્લાં વર્ષોમાં બળવત્તર બની રહી છે. અનામતના છત્ર હેઠળ શિક્ષણ અને
સરકારી નોકરીઓમાં સમાનતાને બદલે અસમાનતાનું દર્દ વધી રહ્યું છે. દેશના કેટલાક
ભાગોમાં એ વિરોધનાં સ્વરૂપે દેખાયું, તો પણ જાતિ આધારિત અનામતને
પોષવાનું કામ કપટી રાજકારણીઓએ બંધ ના કર્યું. પરિણામે અનામતની બહાર રહેલાં
સવર્ણોને પોતાનું ઝૂંટવાઈ જવાનું અનુભવાયું. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ માત્ર નિમ્ન
જાતિઓમાં જ નહોતો, સવર્ણોના નીચલા
ઠરમાં પણ સળગી રહ્યો હતો.
જો આ વિષમતાને સમજવામાં ન આવે તો
આંતર પ્રજા (ગરીબો-સવર્ણો) વચ્ચેનો કલહ દેશની અર્થવ્યવસ્થાને ખેદાન-મેદાન કરી શકે.
પણ કુશળ નેતા તરીકે મોદીજીએ આ તકલીફને સમજી છે. ભલે તેમનામાંયે સત્તાની મનસા હશે, તો પણ દેશની પ્રજાને એ મંજૂર છે એ મોદીજીની જીત છે! પોતે
સ્વયં પછાત જાતિના હોવા છતાં સવર્ણોની વેદનાને સમજવી અને તેઓને અનામતનું અલગ રક્ષણ
આપવાનો નિર્ણય ‘છપ્પન ઇંચ’ની છાતીવાળા જ કરી શકે, ખરું? આ નિર્ણયને એટલે
જ મીડિયાએ કદાચ ઐતિહાસિક ગણાવ્યો છે.
આનો લાભ બહુ થોડા લોકોને જ મળશે તેથી આ ‘લોલીપોપ’ છે એવી વિરોધીઓની
દલીલમાં જો થોડી સચ્ચાઈ હોય તો હાલમાં જે જાતિઓ અનામતનું રક્ષણ
મેળવી રહી છે તેવા સમૂહોમાં પણ બહુ જૂજ લોકોને જ લાભ મળે છે એ વાત સ્વીકારી લેવી
પડે. વ્યક્તિ સમાજ કે દેશ હોય, અનામતનું રક્ષણ
થોડા સમય માટેનું જ હોવું જોઈએ. કાયમી સ્વરૂપે આવું રક્ષણ પ્રજાને અને દેશને પણ
માયકાંગલો બનાવે છે. રક્ષણવાળા અને રક્ષણ વિનાના જૂથો વચ્ચે વિદ્રોહ પેદા કરે.
એટલે શિક્ષણ, નોકરી કે અન્ય
ક્ષેત્રમાં લાંબી કે કાયમી આરક્ષણ વ્યવસ્થા રાખવી એ ન્યાયી જણાતી નથી. શક્ય હોય
તો દેશના કોઈપણ પછાત નાગરિકને પોતાના જીવનકાળ દરમ્યાન (જો પોતે
ઈચ્છે તો) માત્ર એક જ વખત અને તે પણ પાંચ વર્ષ સુધી જ આવું અનામત રક્ષણ મળે તેવી કોઈ
અજોડ ફોર્મૂલા શા માટે વિચારાતી નથી? આજ સુધી જે
ઘરેડમાં ચાલ્યું છે એને બદલવા માટે ફરી કોઈ છપ્પન ઈંચની છાતી
જોઈશે, મળશે ખરી?
વર્તમાન સુધારો જાતિને બદલે આર્થિક
માપદંડ આધારિત બન્યો છે એટલે ચહલપહલ વધી છે. આમ થવું જરૂરી હતું કેમ કે અનામતના
રક્ષણ સાથે ‘ગરીબીની સ્થિતિ’ જોડાયેલી છે નહીં કે તેની જાતિ. આનાથી સર્વધર્મ સમભાવ અને એકબીજા
પ્રત્યેની સમ્યક દ્રષ્ટિ કેળવાશે. સમાજ વધુ તંદુરસ્ત સંબંધો કેળવી શકશે. જો કે
વધારે મહત્ત્વનું તો એ છે કે દેશની પ્રજામાં અનામતની પ્રથામાંથી ઝડપથી બહાર
નીકળવાની તમન્ના કે તાલાવેલી જાગે. પ્રજા સ્વયં આવી માનસિકતા કેળવે તો લુચ્ચા અને
મતલબી નેતાઓનું આ હથિયાર બુઠ્ઠું થઈ જાય તેમ છે. આવી જાગૃતિ માટે સવર્ણો અને પછાત
જાતિના બુદ્ધિજીવીઓએ મથવું જોઈએ. દેશની ખરી તાકાત અનામતના રક્ષણમાં નથી, તેના કરતાં અનામતના કોચલામાંથી બહાર નીકળવાના અને બહાર
કાઢવાના પુરુષાર્થમાં છે એ રાજા અને પ્રજા સમજે.
Monday, 3 December 2018
દફ્તર જેનું નામ, હળવું થશે કે?!
શિક્ષણ વ્યવસ્થાનો નાનો પણ મહત્ત્વનો
એવો ‘દફતરનું વજન’ નક્કી કરવાનો નિર્ણય સરકારે
જાહેર કર્યો. જો કે તેની ખુશી સરકાર અને મીડિયાને ઘણી થઈ પણ વાલીઓ કે શાળાઓને ખાસ
ઉમળકો થયો હોવાનું દેખાતું નથી. જુદી જુદી વયકક્ષા અનુસાર બાળકના દફતરનું વજન
નક્કી કરવામાં આવ્યું છે એની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ હશે જ છતાં આ નિર્ણયને અમલમાં
મૂકવા બાબતે અન્ય કાયદાઓ જેવુ ઢીલું ઢીલું રહેશે એવો છૂપો ભય લાગે છે.
શિક્ષણના
અગ્રિમ વિચારકો, ચિંતકો કે કેળવણીકારોએ નોંધ્યું છે કે શિક્ષણમાં ભયને સ્થાન
હોવું જોઈએ નહીં, કેમ કે જ્યાં ભય હોય છે ત્યાં વિકાસ
અવરોધાય છે (ઘણીવાર તે અપરાધનું કારણ પણ બને છે). મારુ તો માનવું છે કે દફતરનો ભાર
એ ભયનું જ એક જુદું સ્વરૂપ છે! અમુક વિષયમાં ઓછા ગુણ આવશે તો? જે તે ટીચરનું લેશન ભૂલી ગયા તો? બીજા કરતાં તે
પાછળ રહી જશે તો? અભ્યાસક્રમમાં લખાવવાનું બાકી રહી ગયું તો?...આવા વિધાનો વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોના ઉદગાર
વિધાનો છે. તેઓનો ભય દફતરમાં ઉમેરાય છે અને તેને ઊંચકનાર વિદ્યાર્થી શારીરિક બોજ
અને નુકસાનનો ભોગ બને છે.
છેલ્લાં
થોડા વર્ષોમાં દેખાદેખી અને સ્પર્ધાએ, સમાજના લોકોને જાણે ચાબુક ફટકારી છે. ટૂંકા
સમયમાં, અન્યો કરતાં આગળ રહેવાની હોડ પેદા થઈ છે. વડીલો એ
હદે રઘવાયા બન્યા છે કે તેમના સંતાનો જાણે તેમના સંસાર રથના ઘોડાઓ છે એમ માનીને
તેને ઝડપથી દોડાવવામાં શ્રેષ્ઠતા માની રહ્યાં છે. અભ્યાસની લાલસા એ હદે હોય છે કે
પોતાનું બાળક શાળાએ લઈ જવામાં કશું પણ ભૂલી ન જવું જોઈએ. આમાં દફતરનું કદ(વજન)
ધ્યાનમાં જ આવતું નથી. પિતા રીક્ષા કે વાનના રૂપિયા ચૂકવીને જવાબદારી પૂરી થઈ માને
છે પણ શાળાના દરવાજેથી વર્ગમાં જવા માટે ચાલતું કે દાદર ચઢતા વિદ્યાર્થીનું અવલોકન
કરીએ તો નિસ્તેજ ચહેરાથી હાંફી જતાં ‘મજૂર’ની યાદ જરૂર આવે. શહેરની શાળાઓમાં આવું દ્રશ્ય સામાન્ય છે.
શિક્ષણની
ભપકાદાર(હાઇ-ફાઇ) વ્યવસ્થાવાળી અને સામાન્ય વ્યવસ્થાવાળી શાળાઓમાં આ બાબતે ખાસ ભેદ
જણાતો નથી. સાત-આઠ વિષયોના નોટ-પુસ્તકો ઉપરાંત કેટલીક શાળાઓ પ્રેક્ટીસ અને
સ્વાધ્યાયના બહાને અન્ય પુસ્તકોની ખરીદી કરવાનો અને વર્ગમાં ઉપયોગનો અતિ આગ્રહ
સેવે છે, જેને પરિણામે 14થી 16 જેટલા પુસ્તકો-નોટ દફતરમાં નિયમિત રીતે
ગોઠવાયેલા જ રહે છે! એક નોટ કે ચોપડીનું વજન સરેરાશ 250 ગ્રામ વિચારીએ તો પણ
ઓછામાં ઓછું 4 કિલો વજન થઈ જાય, જ્યારે
સરકારે 2 થી 3 કિલોગ્રામનું વજન નિર્ધારિત કર્યું છે!! ધોરણ છ-સાતના વિદ્યાર્થીઓ
માટે 4 કિગ્રા, આઠ-નવના વિદ્યાર્થીઓ માટે 4.5 કિગ્રા તથા
ધોરણ દશ માટે વધુમાં વધુ 5 કિગ્રા વજન નક્કી કરવામાં આવ્યું છે.
આમ
તો NCERTના પાઠ્યપુસ્તકો લાવી વર્ગખંડમાં પ્રવૃત્તિ દ્વારા
શિક્ષણની હિમાયત થઈ છે. આવી પ્રવૃત્તિઓ અપનાવાય તો નોટબુકનો ઉપયોગ ઘટે, પણ તેનાથી લેખનનું કામ ઘટે છે એમ કહેવું ઉતાવળું ગણાશે. ઊલટું CBSE કે NCERT પદ્ધતિને કારણે નવા પુસ્તકો, સંદર્ભો, વર્કશીટ વગેરે ઉમેરાયા છે! હવે દફતરનું
વજન જાળવવા કોનો, કેટલો ત્યાગ કરવો એ પ્રશ્ન માથાના દુ:ખાવારૂપ
બનશે જ. તેથી બાળકો કે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થવાનો છે એ અત્યારથી કહેવું
વહેલું ગણાશે.
મલેશિયાના
શિક્ષણમંત્રી ડૉ. મસ્ઝીલી મલિકના મતે, બાળકની સ્કૂલ બેગનું જે વજન છે તેમાં 28 %
વજન જ પાઠ્યપુસ્તકોનું હોય છે જ્યારે બાકીનું 72 % બેગનું પોતાનું, નાસ્તાના ડબ્બાનું, સ્ટેશનરી વગેરેનું હોય છે! આપને
જાણવું ગમશે કે આપણી જેમ મલેશિયન સરકાર પણ 2019થી વિદ્યાર્થીના વજનથી 10% કે તેથી ઓછું દફતરનું વજન હોય એ નિર્ણય લાગુ કરનાર છે.
આપણે
ત્યાંના દફતરોનું પણ અવલોકન કરતાં જણાય છે કે તેના વધુ વજનમાં માત્ર પુસ્તકો કે
નોટબુક જ નથી. તેમાં પૂરક સાહિત્ય, ડાયરી, નાસ્તો, વોટરબેગ, અને કલરબોક્સ જેવી વસ્તુઓ સમાવિષ્ટ રહે
છે. જ્યાં પીવાના પાણીની આરોગ્યપ્રદ વ્યવસ્થા ન હોય ત્યાં પણ 250 કે 500 મિલી.ની
બોટલ અનિવાર્ય અને રોજિંદી રહે છે બાલમંદિરોમાં ઘણુખરું નાસ્તાની વ્યવસ્થા શાળા
દ્વ્રારા થતી હોય છે એટલે ત્યાં વજનનો પ્રશ્ન નથી, પરંતુ
પૂર્વ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક કક્ષાએ રોજિંદા નાસ્તાનું વજન પણ બાદ કરી શકાય
તેમ નથી. આવી સ્થિતિમાં (દફતરના વજન સહિત) 2થી 4 કિગ્રા.નું દફ્તર શોધવું મુશ્કેલ
પડશે!!
દુનિયાના
કેટલાક દેશોમાં ઉંમર મુજબ દફતરનું સરેરાશ વજન કેટલું છે તે માત્ર 8 વર્ષના બાળક
(વિદ્યાર્થી)ના સંદર્ભમાં વિચારીએ તો ફ્રાંસમાં 3 કિગ્રા.,
અમેરીકામાં 1.8 કિગ્રા, ઈંગ્લેન્ડમાં 2.7 કિગ્રા જેટલું છે.
એની સરખામણીમાં ભારતમાં આ વય જૂથ માટે 2થી 3 કિગ્રા. નક્કી કર્યું છે તે યોગ્ય
જણાય છે. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર વિદ્યાર્થીનું જે વજન હોય તેના 10 % કે તેથી
ઓછું દફતરનું વજન હોવું જોઈએ. મુશ્કેલી એ છે કે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના શારીરિક
બાંધાને જોઈને નક્કી થયેલો હોતો નથી એટલે બિનતંદુરસ્ત બાળક માટે તો દફતરનું વજન
વધારે જ લાગવાનુ. જો કે આવા અપવાદરૂપ કિસ્સાનો ઉપાય અલગ મુદ્દો છે.
આપણી
સરકારે નિર્ણય જાહેર કરી દીધો છે, હવે પાલન કરવાની જવાબદારી શાળા અને વાલીની
સંયુક્ત રહેશે. વિદેશોએ દફતરનો ભાર ઘટાડવા માટે જે તે દિવસે માત્ર એક-બે પુસ્તકો
લાવવાની વ્યવસ્થા વિચારેલી છે. નોટબુકના સ્થાને છૂટા પાના કે વર્કશીટનું ફોલ્ડર, કંપાસ અને નાસ્તાની ગણતરી નક્કી કરેલી છે. આપણે ત્યાં વાલી-શિક્ષકો-સંચાલકો
સાથે બેસીને આવું આયોજન કરી શકશે કે?! દફતરના પોતાના વજનને
ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના દફતરની પસંદગીમાં વાલીઓ ધ્યાન રાખશે કે?! એ જ રીતે દફતરનો ભાર ઘટાડવા સંચાલકો પાસે અન્ય બે વિકલ્પો બચે છે:
શાળામાં જ વિદ્યાર્થીઓના દફ્તર મૂકવાની વ્યવસ્થા(લોકર્સ) હોય અને નોટબુક-ચોપડાને
બદલે ટેબલેટ કે ગેજેટ્સનો ઉપયોગ કરવાની છૂટ આપે! મુશ્કેલ છે ખરું? તો અન્ય ઉપાયો કરવાની માનસિકતા વિશે આપ શું માનો છો?
ભારત
સરકારે આ ધોરણ(કે માપદંડ) શાના આધારે નક્કી કર્યું છે એ જાણવું મહત્ત્વનો પ્રશ્ન
નથી, કદાચ જરૂર પણ નથી. સવાલ, શાળા કે વાલીઓ
દફતરના વજનને જાળવી રાખવા પ્રયત્ન કરશે ખરા તેનો છે. સરકારે માર્ગદર્શિકા તો ઠેર
ઠેરની શાળા સુધી પહોંચાડી દીધી છે પરંતુ તેઓ અમલ ન થાય તો ફરિયાદ કોને કરવાની અને
તેની દંડનાત્મક જોગવાઈ શું છે તે બાબતની સ્પષ્ટતા જરૂરી છે. અન્ય અભિયાનો કે
પ્રકલ્પની જેમ આ એક અભિયાન બનવું જોઈએ. એમ ન થાય ત્યાં સુધી તો મનમાં પ્રશ્ન
રહેવાનો કે ‘દફ્તર હળવું થશે કે?’
- ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)
Wednesday, 7 November 2018
બહુ થોડા ‘બેક બેન્ચર્સ’ ટોચ પર પહોંચે છે!
બહુ થોડા ‘બેક
બેન્ચર્સ’ ટોચ પર પહોંચે છે!
એક વિદ્યાર્થીએ
આક્રોશભર્યા અવાજે કહ્યું હતું કે, ‘...જે હોય તે
બધામાં જ પાછલી લાઇનવાળા જ ડફોળ?! ભણવામાં નબળું રિઝલ્ટ આવે એટલે અમે બધા તોફાની કેમ?’ હું
શાંતિથી જવાબ આપું તે પહેલા તેને ફરી શરૂ કરી દીધું હતું, ‘...ને આમાં
ઘર અને સ્કૂલવાળા બધા જ સંડોવાયેલા છે...બધ્ધાને ઘર કે શાળામાં પોપટિયું કામ કરતાં
રહીએ તો સારા લાગીએ છીએ..!’ મેં તેની રજૂઆત કરવાની હિંમતને બિરદાવવા સાથે એક પ્રશ્ન
પૂછ્યો હતો, ‘તારી વાતમાં વજૂદ તો છે પરંતુ શું તું માને છે કે વર્ગમાં
ભણવા પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ?’ મારા આ પ્રશ્નનો
ઉત્તર આપવામાં એ સ્પષ્ટ નહોતો એ જણાઈ આવ્યું હતું.
હમણાં આ વિષય
ઉપરની જ એક શૈક્ષણિક-સામાજિક ફિલ્મ રિલીઝ થઈ છે અને તેને શાળાના વિદ્યાર્થીઓ અને
વાલીઓ સાથે જોવાનું શહેરની જાણીતી શાળાઓએ આયોજન કર્યું હતું. આ સાચી દિશાનો પ્રયોગ
હતો એટલે આ શાળાઓને અભિનંદન. ફિલ્મનો મૂળ થીમ એ હતો કે ‘બેક બેંચર્સ’ (જેઓ નબળા અને
થોડા તોફાની હોય છે એવા વિદ્યાર્થીઓ કે જેઓ મોટેભાગે પાછળની પાટલીઓ પર બેસવાનું
પસંદ કરે છે)ને નકારાત્મક રીતે જોવાની અને તેવું વર્તન કરવાની જરૂર નથી. કેમ કે
ભલે તેઓ લેખિત પરીક્ષામાં નબળા હોય પરંતુ સમય જતાં જીવનમાં મોટી સફળતા મેળવી શકતા
હોય છે. આવી બહુ સફળ થયેલી જાણીતી હસ્તીઓના નામનો ઉલ્લેખ પણ તેમાં
કરવામાં આવ્યો હતો.
પણ...પણ...જેને દુનિયાની
સફળ વ્યક્તિઓ કહીએ છીએ તેમાંની કેટલી વ્યક્તિઓ ‘બેક બેંચર્સ’ હતી?! આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. કદાચ ‘બહુ થોડાક’ એમ કહીએ તો પણ
ખોટું નથી જ. જે વિદ્યાર્થીઓમાં સહનશીલતા, ત્વરિત નિર્ણયશક્તિ, અમુક ખાસ આવડતો અને સારી તંદુરસ્તી હોય તેવા વિદ્યાર્થીઓ જો ‘બેક બેંચર્સ’ હોય તોય પાછલી જિંદગીમાં
ઊંચા શિખર સર કરવાની શક્યતા ઘણી. પણ ગણિત-વિજ્ઞાનની નબળી સમજ, નબળી વૈચારિક ક્ષમતા, નબળું સ્વાસ્થ્ય કે ભયભીત રહેનારા (આત્મવિશ્વાસનો અભાવવાળા) વિદ્યાર્થીઓ જો
પાછલી પાટલીઓ પર હોય તો એ વધુ પાછળ રહેવાના ચાન્સ ઘણા !!
જીવનની નિષ્ફળતાઓના ઉદાહરણો
તથા ભણવામાં નબળી છતાં સફળ થયેલી વ્યક્તિના જીવનને આગળ કરીને શ્રોતાઓને (લોકોને) દિગ્મૂઢ
કરવાની આજકાલ ફેશન ચાલી છે. ઘણાબધા વકતાઓ સ્વામી વિવેકાનંદ, બિલ ગેટ્સ, સચીન તેંડુલકર કે
લતા મંગેશકરની સફળતાની આગળ ધરીને લોકોને પ્રભાવિત કરવાની લાલચુ પ્રયુક્તિ અપનાવી રહ્યાં છે. સફળતાના
ઉદાહરણો અપાય તેની સાથે તેનો ઇતિહાસ પણ આપો ને? શું આ બધા જ
લોકો બેક બેંચર્સ હતા?! કેટલાક લોકો તો
વળી સાવ અભણ, પણ માલેતુજાર બનેલા લોકોના
ઉદાહરણો આપતા અચકાતાં નથી. સફળતા એટલે ‘સંપત્તિનું કદ’ એવી અણઘડ
વ્યાખ્યા બાંધીને કહેવાતાં વકતાઓ હાંકયે રાખતા હોય છે.
જેઓ પાછલી હરોળની વિદ્યાર્થિનીઓ નહોતી એવી બે
યુવતીઓની વાત અહીં ઉદાહરણરૂપે રજૂ કરું. શાળામાં તેજસ્વી છતાં નબળી આર્થિક
પરિસ્થિતિને લીધે, નહીં ભણવાનો નિર્ણય કરનારી હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ
માત્ર 22 વર્ષની વયે રાજ્યના થર્જુન ગામની સરપંચ બની. જો કે, કાકાના
વિચારથી તેણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું હતું અને સાથે સાથે ખર્ચને પહોંચી વળવા
પત્રકારિતાનું કામ પણ કર્યું હતું. શરૂઆતથી તેનામાં રહેલી દૂરંદેશી વિચારશક્તિ, ત્વરિત
નિર્ણયશક્તિ, કુશળ સંચાલનશક્તિ સક્રિય બની અને સૌથી નાની વયે સરપંચ
બનવાનું માન ખાટી ગઈ! આ ગામડામાં લોકો શરાબના બંધાણી હતા, જેમાંથી
હવે તેણીએ આખા ગામને મુક્ત બનાવી દીધું છે. સર્વશ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મેળવનારી
જબના ‘બેક બેંચર્સ’ નહોતી! જો
તેનામાં આવા ગુણો ન હોત તો એ પાછલી પાટલીની વિદ્યાર્થિની હોત તો પણ આવી સફળતા ન
મેળવી શકતે.
બીજી વાત છે સુરતમાંથી ધોરણ
12 વિજ્ઞાન પ્રવાહમાં દક્ષિણ ગુજરાતમાં ટોચ પર રહેનારી શ્રેયા ઠુમ્મરની. એ પોતાના
ઉચ્ચ પરિણામથી ઈજનેરી કે દાક્તરી તરફ વળી શકી હોત પરંતુ તેને અર્થશાસ્ત્રી બનવું
હતું એટલે બ્રિટન તરફ મન વાળ્યું. તેને પ્રથમ વર્ષે જ જાણીતી આંતરરાષ્ટ્રીય બેન્કમાંથી
પચાસ લાખની નોકરીની ઓફર મળી ગઈ! જો કે તેણે હાલમાં તો આગળ ભણવામાં જ મન વાળ્યું છે
અને નોકરીને બાજુએ હડસેલી છે. છતાં, આવું કઈ રીતે
થયું તે જાણવું વધારે મહત્ત્વનું છે.
પોતાના શાળા શિક્ષણ દરમ્યાન
નેતૃત્વ, સંવાદ અને તાર્કિક વિશ્લેષણ કરવાની ક્ષમતાની કેળવણી પર
વિશેષ ધ્યાન આપ્યું હતું. આ કાબેલિયત તેને નાની ઉંમરે મોટી મોટી હસ્તીઓ (ચેતન ભગત, મેઘનાદ
દેસાઇ, સંદીપ સિંઘ, જી.ડી.બક્ષી
વગેરે) સાથેની મુલાકાતો તરફ દોરી ગઈ. અંગ્રેજી પર કાબૂ અને શિક્ષિત વાલીનું સંતાન
હતું તે કરતાંયે તેણીને પોતાની આવડત પરનો આત્મવિશ્વાસ હતો જે તેણે નાની ઉંમરે આ
ઊંચાઈ પર લઈ ગયો. તેણી ‘બેક બેન્ચર્સ’ હોત તો પણ જો
એનામાં આ ગુણો ન હોત આ ઊંચાઈએ પહોંચવું મુશ્કેલ હતું.
આ સિવાયના ઘણા સફળ
વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓના ઉદાહરણો આપણને મળી શકે તેમ છે કે જેઓ શાળા-કોલેજમાં બેક
બેન્ચર્સ નહોતા. હકીકત તો એ જ રહે છે કે પાછલી પાટલીઓવાળા જીવનમાં શિખર સુધી
પહોંચી શકે છે પરંતુ બહુ થોડા લોકો, ઘણાંબધા નહીં!!
કેમ કે, સફળતા માટેના માપદંડો જુદા જુદા ભલે હોય પણ તે ખાસ પ્રકારના
કૌશલ્યોની હાજરી તો સૂચવે જ છે. આવા કૌશલ્યને આકાશ મળવું જોઈએ. વળી, આકાશ
આપતા પહેલાં સંતાનની ક્ષમતા ઓળખવી પડે. આ બાબતમાં જ મા-બાપો, શિક્ષકો,
કેળવણીકારો કે મોટીવેટર્સ પણ માર ખાઈ જાય છે. ફિલ્મનો આશય આવી જ બાબત પ્રત્યે
મનોમંથન કરાવવાનો છે, તેથી ફિલ્મની ટેકનીકલ બાબતોની કોઈ ચર્ચા અહીં કરી નથી.
ફિલ્મ એવા વાલી અને શિક્ષકોને
સચેત કરે છે કે જેઓ વિદ્યાર્થીના લેખિત કામને આધારે જ તેમને નબળા કે સારા ગણે છે, અને
તેના ઉપરથી જ તેની કારકિર્દીની સફળતા કે નિષ્ફળતાનું અનુમાન લગાવે છે. ફિલ્મનો એક
વિદ્યાર્થી ગોપાલ બેક બેન્ચર્સ છે. ભણવાની પળોજણ અને ટીકા-ટીપ્પણીમાંથી બચવા ઘર
છોડે છે, પણ એ અનુભવ તેને માટે સારો નથી જ બનતો. વૈધિક શિક્ષણમાંથી
બધું જ બેઠે બેઠું લેવાને બદલે, તેને વધારે વ્યવહારું બનાવીને કિશોરો-તરુણોનો ઉછેર કરવાની
શીખ આપણે સૌએ તેમાંથી લેવાની છે એ જ ફિલ્મનો સાર છે. ફિલ્મની ટીમને પણ શિક્ષણ-સમાજ
સાથે સંકળાયેલા વિષયવસ્તુ પસંદ કરવા બદલ અભિનંદન!
શિક્ષકો, આચાર્યો
તથા વાલીઓએ નવી પેઢીને ભણાવવાનું કામ કરવાનું છે, પણ તેણી
સાથે દરેકની ‘ક્ષમતા’ને ઓળખવાનું અઘરું કામ પણ કરવાની જરૂર છે. કોર્ષમાં થોડી
બાંધછોડ કરવી પડે તો વાંધો નહીં આવે, પણ આત્મવિશ્વાસ
વગરના અને નબળી વિચારશક્તિથી શાળા-કોલેજ છોડનારા યુવાનો કુટુંબ કે સમાજને ખાસ
યોગદાન નહીં આપી શકે તેની ચિંતા આ દરેકને થવી જ જોઈએ અને કાયમી રહેવી જોઈએ તો જ
આપણે એકને બદલે બે-ત્રણ આઈન્સ્ટાઇન, અમિતાભ, જબના કે
શ્રેયા પેદા કરી શકીશું. શું માનો છો?!
- ડૉ.
વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)
Subscribe to:
Posts (Atom)
Featured post
પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!
એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી: ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...
-
UAE ની વિદેશ યાત્રાનું ચિંતન ત્રેપન વર્ષ સુધી દિવાળીમાં ઘરે જ રહેવાનું બન્યું હતું. સમજણ આવી પછીયે દિવાળી ક...
-
મિત્રો, દેશ બદલાઈ રહ્યો છે પણ શિક્ષણમાં જોઇએ તેવું પરિવર્તન દેખાતું નથી! આજે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ વિશે મારા ક્રાન્તિકા...
-
શિક્ષક-વાલી સંવાદ: સર્વાંગી વિકાસની અનિવાર્યતા રજાના એ દિવસે હળવા મૂડમાં કેટલાક શિક્ષક-આચાર્ય ભેગા મળ્યા હતાં ...
-
ભારતમાં આર્થિક વિકાસ માટે જેમ પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવે છે તેમ દેશના શૈક્ષણિક માળખાની રૂપરેખા નક્કી કરવા મ...
-
અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ ટકાઉ વિકાસ ( Sustainable Growth) ની વાત કરે છે , ને સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્દો ગુણવત...














