Sunday, 17 May 2020

આત્મનિર્ભરતાને રાષ્ટ્રીય મૂલ્ય બનાવીએ!

                થોડા વર્ષો પહેલા રસ્તામાં યોગાનુયોગ મળેલા વિદ્યાર્થીને મેં પૂછ્યુંતું, ક્યાં જાય છે મિત્ર?’ હળવેકથી એણે જવાબ આપ્યોતો, પિત્ઝા ખાવા! અને મેં આશ્ચર્યથી આગળ પૂછ્યુંતું, તો એ ખાવા અહીં નદી પાર આવી ગયો?’ તેણે કહ્યું હતું, સર, મેકડોનલ્ડના જ પિત્ઝા ખવાય ને! હું તો એટલું જ બોલી શક્યો હતો કે, અચ્છા, આવજે તો! આ પ્રસંગનું સ્મરણ અહીં એટલે મૂક્યું છે કે દેશની ભાવિ (નવી અને યુવાન) પેઢીની સામે ગત સપ્તાહમાં વડાપ્રધાન મોદીએ એક વિચાર મૂક્યો છે કે આત્મનિર્ભર બનીએ.

                આમ તો વિશ્વભરના છેલ્લા બે-અઢી માસના લોકડાઉનથી દેશમાં પણ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે સંદર્ભમાં જ પોતાના સંબોધનમાં તેઓએ આ વાતને મૂકી હતી. કોરોના સામેની લડાઇ હજી મટતી નથી અને આસાનીથી મટે તેવી પણ નથી. તેમ છતાં માથે હાથ રાખીને બેસી શકાય તેમ પણ નથી. તો પછી શું? બસ, તકલીફોમાંથી તાકાત મેળવવા દેશની જનતા સમક્ષ આત્મનિર્ભરતાનો સંકલ્પ મૂક્યો છે. આપણા બધાનો એ અનુભવ રહ્યો છે કે લોકડાઉન થી ઘણું બધું ગુમાવ્યું છે, તો બીજી તરફ નવા આવિષ્કારો પણ થયા છે. કેટલા જ જુના ઉત્પાદનોમાં અસાધારણ ઉછાળ આવ્યો છે, તો કેટલાક સાવ નવા ઉત્પાદનો પણ જન્મ્યા છે.


                વડાપ્રધાનનો આત્મનિર્ભર બનીએનો વિચાર ઘણા સમીક્ષકો અને અધકચરી જાણકારી વાળા લોકોને માટે વિરોધ કરવાનું એક શસ્ત્ર બન્યું હશે. પણ હકીકત એ છે કે આત્મનિર્ભરતાનો ખ્યાલ એ સૂચવે છે કે દેશ પાસે જે સંસાધનો અને માનવીય સંપત્તિ છે તેનો ઉપયોગ કરીને શક્ય હોય તેટલું દેશમાં જ ઉત્પાદન હાથ ધરવું, જેથી વિદેશો પરનું અવલંબન ઘટી શકે. આ વિચાર માત્ર ભારતનો જ નથી, દુનિયાનો દરેક દેશ આમ જ વિચારે છે! આમ છતાં દુનિયાના કોઇ પણ દેશ માટે સો ટકા આત્મનિર્ભરતા શક્ય જ નથી.

                આખું વિશ્વ એક સરખી રીતે લાંબા સમય સુધી ચાલનારી માંદગીમાં પટકાયું હોય ત્યારે જેની માંદગી ઓછી ચિંતાજનક હોય તેણે બીજી તકો ઝડપી લેવા માટે તૈયાર પણ રહેવું જોઈએ!( આ લેખ સુધીમાં તો આપણે ઓછી ગંભીર માંદગીમાં છીએ!) દેશના વર્તમાન વડાપ્રધાન પાસે આવું વિઝન છે. એટલે ભલે અર્થતંત્ર ડામાડોળ છે પણ તેને પાટા પર લાવવા માટે દેશની જ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીએ તો શું ખોટું? બસ, આ વિચારને તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન તરીકે રજૂ કર્યું છે. સરકારે પોતાની રીતે ધિરાણ, કરમાફી જેવા અનેક ઉપાયો રજૂ કરી દીધા છે હવે તેનો લાભ ઉઠાવવા અને તક ઝડપી લેવાની જવાબદારી નાના ઉદ્યોગ સાહસિકો, સર્જનશીલ યુવાન નિયોજકો, ખેડૂતો, વ્યવસાયીઓ વગેરે પર છે.

                પણ આટલાથી કામ થઈ જશે કે? ના. એમાં જે અવરોધો અને તકો છે તેની ચર્ચા પણ કરીએ. ઉદ્યોગસાહસિકો નવા વિચારો, નવી વસ્તુ સાથે નવું સાહસ કરવા તૈયાર થશે પણ તેમને જોઈએ છે તેવા કર્મચારીઓ મળશે ખરા? કદાચ બિનકુશળ કારીગરો મળી જશે પણ કૌશલ્યપૂર્ણ માણસોની અછત રહેશે. તેથી જ હવે આઈ.ટી.આઈ, ડીપ્લોમાં કે કૌશલ્ય શીખવતી શિક્ષણ સંસ્થાઓ સામે નવી તકો આવી છે સમજી લેજો. નાના, મધ્યમ કે મોટા ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્ય આધારિત શિક્ષણ અભ્યાસક્રમોની માંગ વધશે. એટલે ગાડરિયા પ્રવાહમાં ભણ ભણ કરનારાઓ પણ ચેતે અને કંઈક નવું વિચારે.

                બીજી મુશ્કેલી સ્વાસ્થ્ય સંબંધી છે દેશમાં નાગરિકોના આરોગ્ય બાબતે સ્થિતિ સારી નથી જ. નાદુરસ્ત અથવા ઓછા કાર્યક્ષમ કર્મચારીઓ નવી તકો કે નવા પ્રોડક્ટ્સને માટે આસાનીથી અનુકૂળ થઈ શકશે નહીં. શારીરિક રીતે સક્ષમ કર્મચારીઓ જ આત્મનિર્ભરતામાં વધુ સહાયક બની શકે છે. એટલે આવી પરિસ્થિતિ પણ મેડિકલ ક્ષેત્રના વિકાસમાં નવી તકોનું સર્જન કરશે. દવાઓ, દાક્તરી સાધનો, સંશોધનો અને સ્વચ્છતા જેવા વિવિધ ક્ષેત્રોમાં નવા ઉત્પાદનો, સેવાઓ તેમજ તકનીકી કુશળ માણસોની માંગ વધારશે. યુવાન નિયોજકો આવી દિશામાં પણ વિચારવાનું શરુ કરે તો આત્મનિર્ભરતા તરફની ગતિ તેજ બની શકે..

                એક મોટો અવરોધ સરકારી છાપમાંથી મુક્ત થવાનો છે. વર્ષોથી ચાલી આવેલો આપણો ઈતિહાસ પીછો નથી છોડતો. સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને વહીવટ માટે એવો પૂર્વગ્રહ ઘર કરી ગયો છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે! જો કે છેલ્લા પાંચ-છ વર્ષમાં આ સ્થિતિમાં સુધારો જરૂર આવ્યો છે. દેશના હજારો યુવાનોને રાજકીય નેતૃત્વમાં વિશ્વાસ બેઠો છે અને પોતાની તાકાતથી તેઓ કાશ આંબી શકશે એવી શ્રદ્ધા પણ તેઓમાં બેઠી છે.

                આમ છતાં, દેશની વસ્તીનો એક વિરાટ સમૂહ ટીકા-ટિપ્પણી અને પલાયનવાદમાં જ રાચી રહ્યો છે. આવી પડેલી આપદાને અવસરમાં પલટી નાખવાના શાસકો તરફથી થતાં પ્રયત્નો છતાં તેઓની આંખ પીળું જ જુએ છે અને જીભ કડવાશ પેદા કરે છે! આવો સમૂહ આત્મનિર્ભરતાના વિચારને હાસ્યાસ્પદ ગણાવે છે. કહે છે કે એક તરફ સરકાર વિદેશી કંપનીઓને ભારતમાં લાવવાની વાત કરે છે અને બીજી બાજુ આત્મનિર્ભરતાનું ડાપણ કરે છે. આવું વિચારતા લોકોને અર્થતંત્રની કેટલી સમજ હશે તે તો કેમ જાણી શકીએ?

                એક વાત દેખાય છે કે જે લોકો આત્મનિર્ભર અર્થતંત્રની ટીકા કરે છે એ લોકોને ભય છે કે આમ કરવાથી દેશના નાગરિક તરીકે પોતાના પર વિશેષ જવાબદારી આવી પડશે. સરકાર રાહત પેકેજો આપીને યુવાન સાહસિકોને કામમાં જોતરી દેવા માંગે છે! તેમને એ ડર છે કે દેશમાં જ મોબાઈલ બનાવવામાં આવશે તો વિશ્વ બ્રાન્ડના મોબાઈલ વાપરવા નહીં મળે. જો સંતુર સાબુ કે દંતક્રાંતિ ટૂથપેસ્ટ વાપરીશું તો લક્સ, ડવ કે કોલગેટના સ્ટેટસનું શું થશે? એમને એ ડર લાગે છે કે હાથમાં થમ્સ અપને બદલે સોસિયોની બોટલ હોય તો કેવું વિચિત્ર લાગે?

                સમજાયું હશે કે આત્મનિર્ભરતા સ્વયં એક પડકાર છે, અને એને માટે દરેક દેશવાસીએ જૂનો અભિગમ જ બદલવો પડે!. જો હવે એ દુનિયાના દરેક દેશો માટે એક રાષ્ટ્રીય મૂલ્ય બનવાનું હોય તો આપણે કેમ ન સ્વીકારીએ? તેથી દેશના તમામ બુદ્ધિજીવીઓ તથા સર્જનશીલ સાહસિકોને પોતાના દેશના વિકાસમાં ફાળો આપવાની (કમાણી દ્વારા કે ખર્ચ દ્વારા) એક તક મળી છે. એમ સમજો કે કોરોના કાળમાં એક આશાનું કિરણ આવ્યું છે. તેથી દેશમાં જે બુદ્ધિશાળી, સર્જનશીલ, કૌશલ્યનિપૂણ અને યુવા ઉદ્યોગસાહસિકો છે તેઓ આગળ આવે તો દેશના અન્ય લોકોના જીવનધોરણને પણ ઉજમાળું બનાવી શકે તેમ છે. હવે દરેક નાગરિકમાં રાષ્ટ્ર પ્રત્યેના સ્વાભિમાન જગાડવાનું છે બસ.

                શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, નાણાકીય સંસ્થા, ધાર્મિક ટ્રસ્ટો, કૃષિ સંસ્થાઓ એમ દરેક તબક્કે દેશમાં ઉત્પાદિત વસ્તુઓ માટે ‘’આ તો મારા દેશની પ્રોડક્ટ’’ નું ગૌરવ મહેસુસ થાય તો આ દેશ થોડા વર્ષોમાં જ આત્મનિર્ભરતા તરફ મોટી છલાંગ મારી શકે છે. સૌને એક અપીલ કે દેશના ઉત્પાદનને ધુત્કારીએ નહીં, અપનાવીએ. વડાપ્રધાનની local થી vocal ની જે વાત છે તે આટલી જ છે!

-ડૉ. વિજય મનુ પટેલ

E-mail: Patel_vijaym@yahoo.com


Friday, 1 May 2020

કોરોના, શિક્ષણના મૂલ્યો બદલશે કે?!

               વર્તમાન સંકટ એ રીતે પણ ખાસ બન્યું છે કે એણે સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે. ભૂકંપ, સુનામી વાવાઝોડું કે રમખાણો કોઈ શહેર, પ્રદેશ કે દેશ પૂરતા સીમિત રહે છે પણ અતિ સૂક્ષ્મ કોરોના વાઇરસે એવો આંચકો આપ્યો છે કે સમગ્ર માનવજાત સ્તબ્ધ બની છે. આવા સંજોગોમાં શિક્ષણના જ નહીં, લગભગ તમામ કટાર લેખકોને પણ શું લખવું?’નો મૂંઝારો અવશ્ય વર્તાતો હશે જ. હા, થોડા આર્થિક-સામાજિક વિશ્લેષકોને ઘણુબધું લખવાની ઇચ્છા થતી હશે!

                દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈને આવતા અઠવાડિયે પૂરો થશે. જેઓ આખો કે મોટાભાગનો દિવસ બહાર પ્રવૃત્ત રહેતા હતા તેઓની માનસિક સ્થિતિ ચિંતાજનક બની છે. ઘણાને રોજી-રોટીની જ મોટી ચિંતા છે. એક બાજુ પરિવારથી દૂર કમાવા માટે આવ્યાતા ને હવે ઘર અને રૂપિયા બધુ જ થંભી ગયું હોય ત્યારે એવા મનુષ્યનો વિરાટ સમૂહ શું ન કરી શકે એ વિચારતાં હ્રદય ધ્રુજી જાય છે. છતાં આ સંકટ સામે લડવા માટે એકમાત્ર ધીરજ સિવાય મોટી મૂડી બીજી એકેય જણાતી નથી. જેની પાસે બિલકૂલ નથી તેને થોડુંયે મળે તેની, જેની પાસે થોડું છે તેને થોડું વધારે, અને જેની પાસે વધારે છે તેને હજુયે વધારે મેળવવાની તીવ્ર લાલસા રહેતી હતી. ત્યાં જ કોરોનાએ માનવજાતના અસ્તિત્વ(શરીર)ને ટકાવી રાખવા માટે વિરાટ પડકાર ફેંક્યો છે!

                દુનિયાના દરેક મનુષ્યને સબાર ઉપર માનુષ (સર્વ જીવોમાં શ્રેષ્ઠ)નો ફાંકો હતો. આજે એ વિચારતો થઈ ગયો છે કે જે આજ સુધી માન્યુતુ એ સત્ય નહોતું પણ ઘમંડ હતો! શિક્ષણના વૈધિક માળખામાં આધ્યાત્મિક દર્શનનો ખાસ પ્રભાવ રહ્યો જ નહોતો. હવે દુનિયાએ એ દિશામાં વિચારવું પડશે. ભૌતિકવાદની આંધળી દોટમાં મનુષ્ય માત્ર શરીરની જાહોજલાલી માટે જ દોડતો-હાંફતો રહ્યોતો. પોતાના મન અને આત્મા તરફ તો એ ટાઇમપાસ જેટલો સમય પણ નહોતો આપતો! આજે હવે ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું એ દર્શન વધુ પ્રસ્તુત બની ગયું છે. આવનારી શિક્ષણ વ્યવસ્થામાં એકાંતની પ્રવૃત્તિઓ વિશે વિચારવું પડશે એ નક્કી જ છે.

                સાંભળ્યું છે ને વાંચ્યું પણ છે કે કોરોનાએ આખી પૃથ્વીને Reset કરી છે. હવા શુદ્ધ થઈ ગઈ છે. પાણી નિર્મળ બન્યું છે. પક્ષીઓના સૂક્ષ્મ અવાજો પણ સંભળાઈ રહ્યા છે ને પક્ષી-પ્રાણીઓના દુર્લભ દ્રશ્યો આંખ સામે ઉજાગર થયા છે. કેટલું અદભૂત લાગી રહ્યું છે, નહીં? હકીકત એ છે કે સમગ્ર માનવજાતે જ આ બધાના અસ્તિત્વ સામે ખતરો ઊભો કર્યો હતો. બસ, એક અતિ સૂક્ષ્મ વાઇરસે માનવીના ગુમાનનો મુગટ(Corona) ઉતારી દીધો છે અને એ દ્વારા એક જોરદાર થપ્પડ મારી છે. પણ આટલાથી સુધરી જવાશે?

                ભવિષ્યનો માનવ સમાજ એક નવા માળખા સાથે આકાર લઈ રહ્યો છે. સમજો કે એનો સમૂળગો અભ્યાસક્રમ બદલવો પડશે. યે નજદીકિયા હવે દૂર હૈ કિનારા જેવી બનશે. બે માનવીઓ વચ્ચેના ભૌગોલિક અંતરમાં હવે કાયમનું અંતર પડી ગયું સમજજો. દિલથી કે હુંફથી ભલે નજીકતાનો અનુભવ થશે, પણ બચકે રહેના રે બાબાનો ડર હવે દુનિયાભરના મનુષ્યને રહેવાનો જ છે. અપ્રાકૃતિક વ્યવસ્થા (કે સમાજ) હવે પુનઃ નવા ઢાંચામાં ફેરવાશે. સમાજ સ્વયં Reset થશે. ખરું ને?

               આ સ્થિતિમાં સમાજ પર આધારિત કે સમાજને બદલનારી શિક્ષણ વ્યવસ્થા પણ બદલાશે. શું અને કેવું બદલાશે એ તો ધીમે ધીમે સમજાશે. પણ તાજેતરનો એક કિસ્સો વાંચો. સરકારી કામકાજમાં રોકાયેલી એક સ્ત્રી (મહિલા) કર્મચારીએ ઘર અને કામના સ્થળે પહોંચવામાં 8-10 કિલોમીટર અંતર કાપવું પડતું. કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારને લીધે પોલીસની નાકાબંધીમાંથી બીતા બીતા આવવું પડતું. ક્યારેક સાચી વાત કહેવા છતાં પોલીસનો દંડો ખાવો પડ્યો હતો.

                આ કર્મચારીના પિતાજીનું ઘર (પિયર) નજીકના અંતરે હતું. જો તે ત્યાં થોડા દિવસ રહે તો પોતાની સરકારી ફરજ પણ સારી રીતે પૂર્ણ કરી શકે તેમ હતી. પણ એવું થઈ શક્યું નહીં. કેમ? તેના પિતાજીના સોસાયટીવાળાઓએ તેણીને ત્યાં રહેવા માટે મંજૂરી જ ન આપી. તેઓએ કહ્યું કે, ‘કોરોનાની સ્થિતિમાં સોસાયટીની બહારની કોઈ વ્યક્તિ દાખલ થઈ શકશે નહીં! એ સ્ત્રી (મહિલા કર્મચારી) કામ પ્રત્યે વફાદાર હતી અને સ્વસ્થ જ હતી છતાં સમાજના જ એક જૂથે તેનો બહિષ્કાર કરી દીધો હતો! માણસનો માણસ પરથી આટલી હદે વિશ્વાસ ઊઠી જશે એવું તો કદાચ કોરોનાના મનમાં પણ નહીં જ હશે!

                આમાં શિક્ષણ સાથે સંકળાયેલા આપણાં જે મૂલ્યો છે પ્રેમ, સહકાર, બંધુતા કે વસુધૈવ કુટુમ્બકમ એ ક્યાં ગયા? હવે આ મૂલ્યો ટકશે ખરા? બીજો એક કિસ્સો પણ જાણીએ. એક સામાન્ય શરદી-ખાંસીવાળા વ્યક્તિને અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યો! શું અસ્પૃશ્યતા નવા સ્વરૂપે આવી? તો પછી અસ્પૃશ્યતા નિવારણ, સમાનતા, શ્રમનું ગૌરવ એ બધા મૂલ્યોએ ટકશે કે? શહેરની બીમારી વખતે ગામડા તરફ પલાયન થઈ જતાં લોકો હવે ક્યાં જશે? ગામડાના લોકો પણ શહેરીજનોને મારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકાર મીઠો આપજે! ગીત ગાઈને હોંશભેર ગળે વળગાડશે ખરા? હાથ મિલાવવા, ગળે વળગાડવા કે સ્પર્શથી શેર લોહી ચઢી જાય છે એવું હવે શીખવાશે ખરું?

                ના. હવે સામાજિક દૂરી (social distancing)’ ને શિક્ષણમાં સમાવવી પડશે. આજ સુધી એ અવગુણ ગણાતો હતો હવે તેને ગુણ તરીકે શીખવવો પડશે. સમૂહમાં બેસીને નાસ્તો કરવો એ ગુણ હતો હવે એ અશિષ્ટાચાર ગણાશે! શિક્ષકોની તાલીમ દરમ્યાન એકબીજાનો પરિચય કે આવડત વધારતી તેમની સામૂહિક રમતો હવે online કરી દેવી પડશે ને? રાષ્ટ્રીય પર્વોની ઉજવણી માટે હવે મોટા મોટા મેદાનો જોઈશે એ ખરું, પણ વાર્ષિકોત્સવ દ્વારા કેળવાતા મૂલ્યોનું શું? સાથે રમીએ સાથે જમીએ, સાથે કરીએ સઘળા કામ, એ સુભાષિતોને પણ બદલવા પડશે ને?

                કેટલા બધા સવાલો છે, નહી? તેથી જ હવે કેળવણીકારો, શિક્ષણવિદ્દો કે સામાજિક ચિંતકોએ નવો અભ્યાસક્રમ લખવો પડશે. દુનિયાભરના આવા લોકો એક અજીબ ટર્નિંગ પોઈન્ટ પર આવીને ઊભા રહી ગયા છે જ્યાંથી પાછળ નહીં, આગળ જ વધવું પડે તેવું છે. પણ આગળ તો મોટી ખાઈ આવી ગઈ છે. હવે શું?! ગજબની દ્વિધા છે!

-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday, 25 April 2020

Zoom એજ્યુકેશન: ટાઇમપાસ તો નથી ને?!

               કોઈ નવી શરૂઆત હંમેશાં આવકારદાયક ગણાય, પણ દરેક નવી શરૂઆત શું એટલી બધી અજોડ હોય છે કે તેને સમાચારપત્રો અને મીડિયામાં ચમકાવવી પડે?! કોરોના મહામારી પછીના અનિવાર્ય લોકડાઉનમાં સૌ કોઈએ નવી શરૂઆત કરવી પડી છે, એટલે શિક્ષણ પણ એમાં બાકાત નથી રહ્યું. કોર્પોરેટ્સ મિટિંગ્સ, ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને વૈશ્વિક સંસ્થાઓ સાથેનું આઉટસોર્સીંગ જેવા કામો તો ઘરે બેઠા થતા જ હતા હવે તેમાં શાળાના વૈધિક શિક્ષણને ઓનલાઈન કરવાનું ચલણ વધ્યું છે.

                દરેક નવી વિષમ પરિસ્થિતી નવી ઉપાધીઓ લાવે, પણ તેમાંથી નવા રસ્તાઓ પણ જન્મતા હોય છે. શાળાના શિક્ષણને ઘેરબેઠા ભણાવવાના નુસ્ખાઓની શરૂઆત થઈ છે, પણ ઘણાબધા લોકો અને સંસ્થાઓને એ એટલું બધુ સાહસિક કદમ લાગ્યું છે કે તેને પબ્લિસિટી સ્ટંટ બનાવી કાઢ્યું છે. રાજ્યથી લઈને સ્થાનિક સ્તર સુધી આવા લોકો એ રીતે પોતાના online શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે કે જાણે તેઓ જ આવું કરનારા સૌથી પહેલા છે!!

                એક-બે કિસ્સામાં તો એવું જાણવા મળ્યું કે આવો કૂદકો આંધળૂકિયો જ હતો કેમ કે, આ રીતે ભણાવવા માટે ન તો તેમની પાસે કોઈ પ્લેટફોર્મ હતું કે ન તો અગાઉથી તૈયાર કરેલું સાહિત્ય (materials) હતું! Online ભણાવવા માટે શિક્ષક પાસે કઈ કઈ સુવિધાઓ કે જાણકારી હોવી જોઈએ તેની તૈયારી સુદ્ધાં કરવામાં આવી નહોતી. અને વળી, આ બધુ જ મફતિયું મળ્યું એટલે સૌ કોઈ લેવા દોડ્યા! કેટલીયે જાણીતી સંસ્થાઓ પોતાની નવી પહેલના પ્રચાર-પ્રસારમાં આંખે પાટો બાંધીને કૂદી પડી હતી. આ એપ્લીકેશનની વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતા વિશે તેમને કોણ પૂછવા જાય? અને કોણ સાચું કહેશે? વિદ્યાર્થીઓ અને વાલીઓ આ અંગે આગળ આવે તો ઝૂમ દ્વારા શિક્ષણની ઉપયોગિતા અંગે સાચું ચિત્ર સ્પષ્ટ થાય.

                એમાંયે ઘણાબધા વ્યક્તિઓ અને સંચાલકો એવાય ખરા કે જેઓ આજ સુધી પોતાનું ઇ-મેઈલ નિયમિત રીતે જોતાં નહોતા. પોતાની સંસ્થાની વેબસાઈટસ પર પણ છેલ્લે શું અને ક્યારે પોસ્ટ કરી હતી તેની પણ જાણ નહોતી! આવા લોકો જ્યારે સમાચારપત્રમાં મોટા ઉપાડે અમે તો ઓનલાઈન ભણાવીએ!ની ગુલબાંગો હાંકે ત્યારે કેટલાયે લોકોને ગેરમાર્ગે દોરી લઘુતાગ્રંથિ પેદા કરવાનું પાપ કરતાં હોય છે. નવું કર્યાનો નિજાનંદ હોય પણ તેને જાહેર કરવાની તીવ્ર ઘેલછા આત્મશ્લાઘાની પરાકાષ્ઠા કહેવાય.

                શિક્ષણ જગતમાં એવી કેટલીય વેબસાઈટસ અને પ્લેટફોર્મ્સ છે જેમની પાસે તકનીકી રીતે ઉત્તમ કહી શકાય તેવા વિડિયોઝ, ઓડિયોઝ અને પ્રિન્ટ કરી શકાય તેવું મૂલ્યાંકન સાહિત્ય છે તેમ છતાં તેઓ પોતાની ખાસ જાહેરાત પણ કરતાં હોય તેવું જણાતું નથી. ઓનલાઈન ભણાવી શકાય તેવું સક્ષમ આંતરમાળખું આ લોકો પાસે છે. છતાં આજ સુધી એ તરફ જોયુ સુદ્ધાં ન હોય તેવી પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થાઓ અચાનક કોઈ તૈયારી કે મૂડીરોકાણ વિના ઓનલાઈન ભણાવવા નીકળી પડે ત્યારે તે હાસ્યાસ્પદ તો લાગે જ છે.

                બીજી તરફ આ ઉતાવળ એટલા માટે પણ યોગ્ય જણાતી નથી કે શાળાના અભ્યાસક્રમને આ રીતે વર્ચુયલી શીખવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ટેવાયેલા જ નથી. એમને પણ આ પ્રક્રિયા કેમ કરવી, તેને માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે, કયા પ્રકારની સાવચેતી રાખવી વગેરેની કોઈ જાણકારી કે પ્રશિક્ષણ આપ્યા વિના જ જોતરી દેવામાં આવ્યા છે. ઘરમાં બેસી રહે એના કરતાં આમ કરજોનો આદેશ છોડીને સંચાલકો અને શિક્ષકો પણ online educationના ખાડામાં કૂદી પડ્યા છે. પણ હવે ખાડામાં અંધારું હોય તો પણ બહાર નીકળવાની મથામણ કરવા કરતાં ત્યાં જ થોડો સમય પડી રહેવામાં તેઓ ઈતીશ્રી માની રહ્યા છે!!

                જેમની પાસે વેબિનાર્સ કે ઓનલાઈન મિટિંગ માટેનું સમૃદ્ધ માળખું છે તેવા કોર્પોરેટ્સ પણ આનો વારંવાર ઉપયોગ કરતાં નથી. માહિતીના આદાન-પ્રદાન કે તાલીમ માટે તેનો વિશેષ ઉપયોગ થાય છે. ઉપરાંત, સ્નાતક કે પછીના વૈધિક શિક્ષણની અનુકૂળતા ન હોય તો અવૈધિક રીતે આવા ઓપન સોર્સથી ભણવાનું કાર્ય ચાલતું હોય છે. પણ આટલી પરિપક્વતા, સમજ કે તકનીકી કુશળતા શાળામાં વિદ્યાર્થીઓ પાસે હોય છે ખરી? તો પછી શાળાના વિદ્યાર્થીઓ માટે online શિક્ષણ કેટલું કારગર? અપરિપક્વ કે અજ્ઞાની વ્યક્તિઓ ઇન્ટરનેટ પર બેસે તો એ તલવારની ધાર પર બેસવા બરાબર છે એવા સમયે શાળાઓ ઝૂમી રહી છે!!

                ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ માટે કેટલાક ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા online વર્ગોનું સંચાલન થતું હોય છે. શક્ય છે કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને કઇંક અંશે અનુકૂળ આવેય ખરું. પરંતુ પ્રાથમિક કક્ષાના બાળકો માટે પણ વર્ચ્યુયલી ભણાવવાની મહાત્વાકાંક્ષા વધારે પડતી લાગે છે. બાળ મનોવિજ્ઞાન કહે છે કે પ્રત્યક્ષીકરણ વિના  શીખવું મહદંશે શક્ય નથી. કેમ કે 5 થી 12 વર્ષના બાળકો ઘણુખરું સ્પર્શ દ્વારા શીખે તો તેઓ વધુ સારી રીતે આત્મસાત કરી શકે છે. આ વાત વર્ચ્યુઅલમાં આવે ખરી?! માત્ર વર્કશીટ્સ, કવીઝ કે કોયડા સ્વરૂપે બાળકોને પ્રવૃત્તિમાં રોકી શકાય છે, ભણાવી શકાતા નથી!

                વર્તમાન કોરોના સંકટે આવનારા સમયની દુનિયા અને તેના વ્યવહારની બદલી નાંખ્યા છે અને એમાં આ રીતે ઘરે રહીને પણ પ્રવૃત રહેવાની નવી બારીઓ ઊઘડશે એમાં કોઈ શંકા નથી. શાળા-કોલેજો હવેથી એ દિશામાં વિચારશે એમ કહેવા કરતાં તેમણે એમ વિચારવું જ પડશે એમ કહીશ. પણ આનો મતલબ એવો કદી થતો નથી કે એ નવી વ્યવસ્થાને સમજ્યા વિના જ કૂદી પડવું. સાયકલ શીખવતા પહેલા એક પગ ઉપર ઊભા રહીને શરીરનું સંતુલન જાળવવાનું શીખવવામાં કોઈ વાંધો ખરો?

                જે હવે લાંબાગાળા માટે વિચારવું પડવાનું છે તો પછી તેને હવે પૂરી તૈયારી અને માળખાકીય રીતે વિચારવાની શરૂઆત ક્યારથી કરવાની છે? આ વિશે હજી કોઈ જ કશું વિચારતું નથી. મોટાભાગની શાળા-કોલેજો અદ્ધર-પદ્ધર પ્રયોગો કરીને સમય વીતાવે છે, કેમ કે એ લોકો જાણે છે કે જૂનું તો હજીયે રહેવાનું જ છે તો પછી ઝાઝું વિચારવાનું કે ખર્ચવાનું રહે જ નહીં ને? સહેલું ને સટ્ટ!

 

-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday, 18 April 2020

જોઈએ છે: એક તાનાશાહ!


               છેલ્લા બે-ત્રણ વર્ષથી મનમાં એક દુષ્ટ વિચાર આવે છે કે નરેન્દ્ર મોદીએ સરમુખત્યાર બની જવું જોઈએ! ઘણાંને આવો વિચાર પસંદ ન આવશે, પણ આટલી ગીચ અને બિનસાંપ્રદાયિક વસ્તીને માટે લોકશાહીના મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોને ટકાવી રાખવા આસાન નથી જણાતા. સ્વતંત્રતાના અધિકારને સ્વછંદી બનાવી દેવાના અને રાષ્ટ્ર કર્તવ્યને હિન્દુવાદી ગણી કાઢવાના અભરખા ઘણાંને આવવા માંડ્યા છે.

                સર્વધર્મ સમભાવના આદર્શનું ગળું બધાએ ભેગા મળીને ઘૂંટવા માંડ્યુ છે. લઘુમતી પ્રજાએ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને પ્રચાર સુધી સીમિત કરી દીધું છે. અહીંની અજ્ઞાન અને ધર્માંધ વસ્તીએ લોકશાહીને બેફામ બનીને વર્તવાની શાસન વ્યવસ્થા સમજી લીધી છે. જે બુદ્ધિજીવી અને સત્તાલોલુપ છે તેઓએ અનીતિ અને કુટિલ-કર્મો દ્વારા દેશમાં અરાજકતા અને અજંપાને સતત જન્મ આપતા રહેવાનું જ કામ કર્યું છે.

                દેશની સરહદોમાં ઘૂસ મારીને, સરકારી લાભો ખાટીને, ધર્મના ધતિંગો પેદા કરીને રાષ્ટ્રને ખતમ કરનારા તત્વોને આ લોકશાહી અટકાવી શકશે નહીં. આવી ઊધઈઓને મારવા માટે તો એક સરમુખત્યારની દવા જ જોઈએ છે! લોકશાહીના ધાન્યમાં એવી જીવાતો પેદા થઈ રહી છે જેનો ઈલાજ ન થાય  શ્રેષ્ઠ ગણાતું લોકશાહીરૂપી ધાન્ય સડી જશે! મતલબી ધંધાદારીઓ, સ્વાર્થી પક્ષો, કટ્ટરપંથી વિચારધારા,    ભ્રષ્ટ પત્રકારીત્વ અને સંપત્તિના લોભીયાઓને લોકશાહીમાં ફાવતું પડી ગયું છે!

                કાશ્મીરની સ્વતંત્રતા તેઓને બંધન લાગે છે. સ્ત્રીઓની તલાકમાંથી મુક્તિ તેઓને ધર્મની દખલ લાગે છે. દેશની સુરક્ષાના સોદામાં તેઓને મનમાની લાગે છે. અરે, માનવ મૃત્યુની આપદાઓના ઉપાયરૂપ લોકડાઉનમાં તેમણે માનવ અધિકારોનું હનન લાગે છે! આવી વિકૃત માનસિકતાઓની આભામાં લોક્શાહીને તડપાવી મારવી છે? એના કરતાં તો વટભેર એક સરમુખત્યારને વેઠવામાં નાનમ શાની?

                શોષિત, લુલી, અને નિ:સહાય લોકશાહી કરતાં તો ખુમારીથી અનુશાસન સ્થાપતો એક સરમુખત્યાર વધુ કારગર નીવડે એવું લાગે છે. આટલી બધી વસ્તીને લોકશાહીના નામે રેઢી ન મૂકી દેવાય. એના કરતાં બંદુકના ભયથી કતારબંધ ચાલતો દેશ વધુ સારો ન હોય કે?

                ચાલો, લોકશાહી ઉત્તમ શાસન વ્યવસ્થા છે, ખરું. તો પછી પ્રજાને પણ ઉત્તમ બનાવવી પડશે ને? મન ફાવે તેમ લવારા કરતાં કે ધર્મના ધતિંગો કરતી પ્રજાને સુધારવા માટે થોડો સમય લાકડીના સટાકા પણ બોલાવવા પડે ને? એટલે થોડા વર્ષો તો થોડા વર્ષો, પણ મને લાગે છે કે હવે આ દેશને એક સરમુખત્યાર જોઈએ છે, એટલે મોદીજી એ બને! એમ કરતાં કરતાં લોકશાહી શું છે તેનો બરાબર સ્વાદ ચખાડે! વિચાર દુષ્ટ છે પણ આવ્યો છે શું કરું?!

- ડૉ. વિજય મનુ પટેલ         

Monday, 6 April 2020

નાનો છેદ નાવને ડૂબાડી શકે છે!

      કોઈ સામૂહિક પ્રસંગમાં બધાએ જ મૌન પાળવાનું છે એવું જણાવ્યા પછીયે કોઈ એક વ્યક્તિ પણ મોઢું ખોલી દે તો સમગ્ર મૌન વ્યવસ્થા (કે નિ:શબ્દ શાંતિના અનુભવ) ઉપર પાણી ફરી જાય, ખરું? તેવું જ આખા દેશાના લોકોને ઘાટા પાડી પાડીને કહેવાયું હોય કે 21 દિવસ ઘર સિવાય કોઈપણ સ્થળે ચારથી વધુ માણસોએ ભેગા થવાનું નથી અને છતાં ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે હજારોની ભીડ બેગી થાય (કે કરાય!) તો આખા દેશના આરોગ્ય સામે મોટો ખતરો પેદા થઈ જાય. આને ધર્મ ન કહેવાય, અધર્મ જ કહેવો પડે!
માનવ જીવનને ઉન્નત બનાવવા માટેના બે મુખ્ય માર્ગો છે: ધર્મ અને વિજ્ઞાન. આ બંને પૂરક અને બેમાંથી એકનું હાવી થવું એટલે પતન નિશ્ચિત માનવું. એકના મૂળમાં શ્રદ્ધા છે અને બીજાના મૂળમાં શંકા! વિચિત્ર લાગે તેવી વાત છે ને? પણ એમ છતાં આ બંને વચ્ચે યોગ્ય સંતુલન રહે તો જ માનવ ઉન્નતિ સાધી શકે. કેવી પરિસ્થિતિમાં બંનેમાંથી કોને કેટલું મહત્ત્વ આપવું તેવી વિવેકબુદ્ધિ પણ આ બંનેના સંતુલન વિના સંભવ નથી. જે લોકોને આપણે જડ કે રૂઢિચુસ્ત કહીએ છીએ તેઓ ઘણુખરું આ બંનેના અસંતુલનથી પીડાતા લોકો છે.
વિનોબાજીના વિચારો અહીં મૂકું: કોલેજમાં પ્રોફેસર તર્કશાસ્ત્ર ભણાવે છે, “માણસ મર્ત્ય છે, સૉક્રેટિસ માણસ છે, એટલે એ અચૂક મરવાનો.” આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સોક્રેટિસનો દાખલો આપે છે, પોતાનો કેમ નહીં? પોતે પણ તો મર્ત્ય છે? બધા માણસ મર્ત્ય છે. આવું પ્રોફેસર શીખવશે જ નહીં. તે મરણને સોક્રેટિસના માથે ધકેલી દે છે. કારણ કે તે હાજર નથી! ગુરુ અને શિષ્ય બંને સોક્રેટિસને મરણ અર્પણ કરીને પોતે સલામત બનીને ફરતા રહે છે. મૃત્યુને વિસરી જવાનો આવો પ્રયાસ રાત અને દિવસ જાણીબુઝીને ચલાવાય છે. 
મરકસ(ધાર્મિક મેળાવડા)માં જે થયું તે મનુષ્યની વિવેકબુદ્ધિ પર હાવી થયેલા અધર્મના પ્રચારનું ભૂત હતું. અજ્ઞાનતાની અસ્વીકૃતિ અને પરપીડનવૃત્તિની નિર્લજ્જતા હતી. વિજ્ઞાનને બદલે ધર્મને જ સર્વસ્વ ગણી લેવાની જીદ હતી. બધુ જ “અલ્લાહ”ને માથે ઢોળી દેવાની જબરી પલાયનવૃત્તિ હતી!! અલાહના દૂત બનવા નીકળેલા એવા ટોળાનું અમાનુષી કૃત્ય હતું કે જેના સ્વીકાર કરવામાં પણ ‘અલ્લાહની મરજી વિના કશું જ થવાનું નથી’નો અહંકાર માથે ચઢ્યો હતો. વિજ્ઞાનના સત્યને ધર્માંધતા દ્વારા છુપાવવાની ગુસ્તાખી હતી. આ વિનિપાત અધર્મએ સર્જ્યો હતો.
જે ધર્મ અન્યોનું ભલું ન કરી શકે તેવા ધર્મને ઝાઝી સ્વીકૃતિ નથી મળતી અને ધારોકે આવા માણસો વિશાળ ટોળું પણ બનાવી લે તો પણ એ દૈવી શક્તિથી આગળ કશું જ કરી શકશે નહીં. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ જથ્થામાં સૌથી વધુ હોય છે તેનો નાશ કે નુકસાન પણ વિશેષ જ થવાનું! દુનિયાના કોઈપણ ધર્મએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે તે વહેલા-મોડા વિનાશમાં જ પરિણમ્યા છે. જેઓએ ધર્મના મર્મને સમજ્યો, અને સાચવ્યો એવા લોકો જ જીવનની ઉન્નતિ અને ઊંચાઈને પામી શક્યા છે.
જનતા કર્ફ્યુની કેળવણી વિશેની વાત બે અઠવાડિયા પહેલા આજ કૉલમ દ્વારા રજૂ કરી હતી. એક નવું ક્ષેત્ર છે, વિકટ છે કેમ કે આ દેશમાં લોકશાહી છે! અતિ વસ્તીની ગીચતા અને તેમાંએ ધર્માંધતાથી છલકાતી મોટી વસ્તી. આ બધાને જે રીતે ‘સરમુખત્યાર’ સાચવી શકે તેટલો એક લોકશાહી નેતા ન સાચવી શકે. આવી વસ્તી અરાજકતા અને અશાંતિના દ્રશ્યો જ નહીં પરિણામો પણ પેદા કરી દે છે. 
આખા દેશમાં મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને ઘણીબધી મસ્જિદો બંધ હતી ત્યારે નિઝામુદ્દીનની મસ્જિદમાં દેશ-વિદેશના અભણ લોકો ભેગા થયા હતા? ના. એ બધા ધર્મનો મેક-અપ ચઢાવીને તેનો પ્રચાર-પ્રસાર કરવા નીકળ્યા હતા! ચીન કે સાઉદીમાં કેમ આવું ન બન્યું? એટલે ઘણીવાર મોદી ‘સમુખત્યાર’ બને એવો દુષ્ટ વિચાર આવી જાય છે! આ કઈં વર્ગખંડના 60 છોકરા સાચવવાની વાત છે કે?! (હજી જો જો, ઘણા દેશવિરોધીઓ આ જમાતને નામે ઉતરી પડશે મેદાનમાં!) 
દરેક મનુષ્ય પાસે જીવન જીવવાના બે વિકલ્પો છે: એક, વ્યક્તિગત વિકાસ અને બીજો, સામાજિક વિકાસ. પ્રથમ, સમાજમાં રહીને અથવા એકાંત શોધીને થઈ શકે. મોટાભાગની વસ્તી સામાજિક વ્યવસ્થામાં રહે છે તેથી તેને પોતાના વિકાસની સાથે સામાજિક નીતિ-નિયમોનું પાલન કરવાનું રહે છે. આમાં કેટલાક લોકો પોતાને જ અલ્લાહ કે ભગવાન માનતા હોય છે એટલે સામાજિક કે પ્રસાશનિક વ્યવસ્થાને ધરાર અવગણીને પોતે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની ગુસ્તાખી કરતાં હોય છે. મરકસ આવું ઉદાહારણ હતું.
વર્તમાન કોરોના વાયરસની બિમારીના ઉદાહરણો આખી દુનિયા સમક્ષ છે. દુનિયાના કરોડો લોકો ભલે પોતપોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરતાં હોય છતાં અહીં એકલો ‘ધર્મ’ કોઈને બચાવી શક્યો નથી. જે દેશના લોકોએ વિજ્ઞાનની જાણકારી મેળવી, વિજ્ઞાને રજૂ કરેલી ‘શંકા’માં ‘શ્રદ્ધા’ મૂકી એવા દેશ અને લોકો પોતાનું અસ્તિત્વ સરળ રીતે બચાવી શક્યા છે. કુદરતી આપત્તિઓ માનવીના ‘સ્વધર્મ’ની યાદ અપાવે છે, નહીં કે બાહ્ય ધર્મની. આવા વિકટ સમયમાં સૌથી પહેલો માનવધર્મ જ હોય. જે લોકો બાહ્ય ધર્મને જ સ્વધર્મ માનવાનો દંભ કરે છે તેઓ પોતે તો ડૂબે જ છે, પણ ઘણીવખત અન્યોનું પણ અહિત કરી નાંખતા હોય છે.
જો કે આવી વિકટ પરિસ્થિતોમાં કેટલાક તકવાદીઓ આર્થિક, ધાર્મિક કે રાજકીય રોટલો સેકી લેવામાં એટલા સ્વાર્થી બની જતાં હોય છે કે પોતાનો સ્વધર્મ જ ચૂકી જતાં હોય છે. ગીતાના ‘ફળ વિના કર્મ કરો’નો ઉપદેશ પણ ક્યાંથી યાદ આવે?! પોતાના અસ્તિત્વ વિના કોઈ ધર્મ ટકી શકતો નથી આટલી સીધી સાદી વાત મરકસમાં ભેગા થયેલાં હજારો લોકોને ન આવી? આને અજ્ઞાનતા, ભ્રષ્ટ કે વિપરીત બુદ્ધિ સિવાય બીજું શું કહી શકાય?
ઘણી વખત સંશાધનો કરતાંયે ‘સમજદારીભર્યું’ વર્તન મોટી શક્તિ અને ક્ષમતા બની જતાં હોય છે. હાલની સ્થિતિ એવી જ છે. એકાદ કે થોડા લોકોની અવળચંડાઈ નાવને ડૂબાડી શકે તેમ છે. દેશના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને તેમના આદેશોનું પાલન કરો, બસ! 


- ડૉ.વિજય મનુ પટેલ

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...