Friday 1 May 2020

કોરોના, શિક્ષણના મૂલ્યો બદલશે કે?!

               વર્તમાન સંકટ એ રીતે પણ ખાસ બન્યું છે કે એણે સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે. ભૂકંપ, સુનામી વાવાઝોડું કે રમખાણો કોઈ શહેર, પ્રદેશ કે દેશ પૂરતા સીમિત રહે છે પણ અતિ સૂક્ષ્મ કોરોના વાઇરસે એવો આંચકો આપ્યો છે કે સમગ્ર માનવજાત સ્તબ્ધ બની છે. આવા સંજોગોમાં શિક્ષણના જ નહીં, લગભગ તમામ કટાર લેખકોને પણ શું લખવું?’નો મૂંઝારો અવશ્ય વર્તાતો હશે જ. હા, થોડા આર્થિક-સામાજિક વિશ્લેષકોને ઘણુબધું લખવાની ઇચ્છા થતી હશે!

                દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈને આવતા અઠવાડિયે પૂરો થશે. જેઓ આખો કે મોટાભાગનો દિવસ બહાર પ્રવૃત્ત રહેતા હતા તેઓની માનસિક સ્થિતિ ચિંતાજનક બની છે. ઘણાને રોજી-રોટીની જ મોટી ચિંતા છે. એક બાજુ પરિવારથી દૂર કમાવા માટે આવ્યાતા ને હવે ઘર અને રૂપિયા બધુ જ થંભી ગયું હોય ત્યારે એવા મનુષ્યનો વિરાટ સમૂહ શું ન કરી શકે એ વિચારતાં હ્રદય ધ્રુજી જાય છે. છતાં આ સંકટ સામે લડવા માટે એકમાત્ર ધીરજ સિવાય મોટી મૂડી બીજી એકેય જણાતી નથી. જેની પાસે બિલકૂલ નથી તેને થોડુંયે મળે તેની, જેની પાસે થોડું છે તેને થોડું વધારે, અને જેની પાસે વધારે છે તેને હજુયે વધારે મેળવવાની તીવ્ર લાલસા રહેતી હતી. ત્યાં જ કોરોનાએ માનવજાતના અસ્તિત્વ(શરીર)ને ટકાવી રાખવા માટે વિરાટ પડકાર ફેંક્યો છે!

                દુનિયાના દરેક મનુષ્યને સબાર ઉપર માનુષ (સર્વ જીવોમાં શ્રેષ્ઠ)નો ફાંકો હતો. આજે એ વિચારતો થઈ ગયો છે કે જે આજ સુધી માન્યુતુ એ સત્ય નહોતું પણ ઘમંડ હતો! શિક્ષણના વૈધિક માળખામાં આધ્યાત્મિક દર્શનનો ખાસ પ્રભાવ રહ્યો જ નહોતો. હવે દુનિયાએ એ દિશામાં વિચારવું પડશે. ભૌતિકવાદની આંધળી દોટમાં મનુષ્ય માત્ર શરીરની જાહોજલાલી માટે જ દોડતો-હાંફતો રહ્યોતો. પોતાના મન અને આત્મા તરફ તો એ ટાઇમપાસ જેટલો સમય પણ નહોતો આપતો! આજે હવે ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું એ દર્શન વધુ પ્રસ્તુત બની ગયું છે. આવનારી શિક્ષણ વ્યવસ્થામાં એકાંતની પ્રવૃત્તિઓ વિશે વિચારવું પડશે એ નક્કી જ છે.

                સાંભળ્યું છે ને વાંચ્યું પણ છે કે કોરોનાએ આખી પૃથ્વીને Reset કરી છે. હવા શુદ્ધ થઈ ગઈ છે. પાણી નિર્મળ બન્યું છે. પક્ષીઓના સૂક્ષ્મ અવાજો પણ સંભળાઈ રહ્યા છે ને પક્ષી-પ્રાણીઓના દુર્લભ દ્રશ્યો આંખ સામે ઉજાગર થયા છે. કેટલું અદભૂત લાગી રહ્યું છે, નહીં? હકીકત એ છે કે સમગ્ર માનવજાતે જ આ બધાના અસ્તિત્વ સામે ખતરો ઊભો કર્યો હતો. બસ, એક અતિ સૂક્ષ્મ વાઇરસે માનવીના ગુમાનનો મુગટ(Corona) ઉતારી દીધો છે અને એ દ્વારા એક જોરદાર થપ્પડ મારી છે. પણ આટલાથી સુધરી જવાશે?

                ભવિષ્યનો માનવ સમાજ એક નવા માળખા સાથે આકાર લઈ રહ્યો છે. સમજો કે એનો સમૂળગો અભ્યાસક્રમ બદલવો પડશે. યે નજદીકિયા હવે દૂર હૈ કિનારા જેવી બનશે. બે માનવીઓ વચ્ચેના ભૌગોલિક અંતરમાં હવે કાયમનું અંતર પડી ગયું સમજજો. દિલથી કે હુંફથી ભલે નજીકતાનો અનુભવ થશે, પણ બચકે રહેના રે બાબાનો ડર હવે દુનિયાભરના મનુષ્યને રહેવાનો જ છે. અપ્રાકૃતિક વ્યવસ્થા (કે સમાજ) હવે પુનઃ નવા ઢાંચામાં ફેરવાશે. સમાજ સ્વયં Reset થશે. ખરું ને?

               આ સ્થિતિમાં સમાજ પર આધારિત કે સમાજને બદલનારી શિક્ષણ વ્યવસ્થા પણ બદલાશે. શું અને કેવું બદલાશે એ તો ધીમે ધીમે સમજાશે. પણ તાજેતરનો એક કિસ્સો વાંચો. સરકારી કામકાજમાં રોકાયેલી એક સ્ત્રી (મહિલા) કર્મચારીએ ઘર અને કામના સ્થળે પહોંચવામાં 8-10 કિલોમીટર અંતર કાપવું પડતું. કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારને લીધે પોલીસની નાકાબંધીમાંથી બીતા બીતા આવવું પડતું. ક્યારેક સાચી વાત કહેવા છતાં પોલીસનો દંડો ખાવો પડ્યો હતો.

                આ કર્મચારીના પિતાજીનું ઘર (પિયર) નજીકના અંતરે હતું. જો તે ત્યાં થોડા દિવસ રહે તો પોતાની સરકારી ફરજ પણ સારી રીતે પૂર્ણ કરી શકે તેમ હતી. પણ એવું થઈ શક્યું નહીં. કેમ? તેના પિતાજીના સોસાયટીવાળાઓએ તેણીને ત્યાં રહેવા માટે મંજૂરી જ ન આપી. તેઓએ કહ્યું કે, ‘કોરોનાની સ્થિતિમાં સોસાયટીની બહારની કોઈ વ્યક્તિ દાખલ થઈ શકશે નહીં! એ સ્ત્રી (મહિલા કર્મચારી) કામ પ્રત્યે વફાદાર હતી અને સ્વસ્થ જ હતી છતાં સમાજના જ એક જૂથે તેનો બહિષ્કાર કરી દીધો હતો! માણસનો માણસ પરથી આટલી હદે વિશ્વાસ ઊઠી જશે એવું તો કદાચ કોરોનાના મનમાં પણ નહીં જ હશે!

                આમાં શિક્ષણ સાથે સંકળાયેલા આપણાં જે મૂલ્યો છે પ્રેમ, સહકાર, બંધુતા કે વસુધૈવ કુટુમ્બકમ એ ક્યાં ગયા? હવે આ મૂલ્યો ટકશે ખરા? બીજો એક કિસ્સો પણ જાણીએ. એક સામાન્ય શરદી-ખાંસીવાળા વ્યક્તિને અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યો! શું અસ્પૃશ્યતા નવા સ્વરૂપે આવી? તો પછી અસ્પૃશ્યતા નિવારણ, સમાનતા, શ્રમનું ગૌરવ એ બધા મૂલ્યોએ ટકશે કે? શહેરની બીમારી વખતે ગામડા તરફ પલાયન થઈ જતાં લોકો હવે ક્યાં જશે? ગામડાના લોકો પણ શહેરીજનોને મારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકાર મીઠો આપજે! ગીત ગાઈને હોંશભેર ગળે વળગાડશે ખરા? હાથ મિલાવવા, ગળે વળગાડવા કે સ્પર્શથી શેર લોહી ચઢી જાય છે એવું હવે શીખવાશે ખરું?

                ના. હવે સામાજિક દૂરી (social distancing)’ ને શિક્ષણમાં સમાવવી પડશે. આજ સુધી એ અવગુણ ગણાતો હતો હવે તેને ગુણ તરીકે શીખવવો પડશે. સમૂહમાં બેસીને નાસ્તો કરવો એ ગુણ હતો હવે એ અશિષ્ટાચાર ગણાશે! શિક્ષકોની તાલીમ દરમ્યાન એકબીજાનો પરિચય કે આવડત વધારતી તેમની સામૂહિક રમતો હવે online કરી દેવી પડશે ને? રાષ્ટ્રીય પર્વોની ઉજવણી માટે હવે મોટા મોટા મેદાનો જોઈશે એ ખરું, પણ વાર્ષિકોત્સવ દ્વારા કેળવાતા મૂલ્યોનું શું? સાથે રમીએ સાથે જમીએ, સાથે કરીએ સઘળા કામ, એ સુભાષિતોને પણ બદલવા પડશે ને?

                કેટલા બધા સવાલો છે, નહી? તેથી જ હવે કેળવણીકારો, શિક્ષણવિદ્દો કે સામાજિક ચિંતકોએ નવો અભ્યાસક્રમ લખવો પડશે. દુનિયાભરના આવા લોકો એક અજીબ ટર્નિંગ પોઈન્ટ પર આવીને ઊભા રહી ગયા છે જ્યાંથી પાછળ નહીં, આગળ જ વધવું પડે તેવું છે. પણ આગળ તો મોટી ખાઈ આવી ગઈ છે. હવે શું?! ગજબની દ્વિધા છે!

-ડૉ. વિજય મનુ પટેલ 

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...