Friday, 25 December 2015

આધ્યાત્મ ગુરુની વિદાય અને આપઘાતનું અઠવાડિયું!



                શિક્ષણનો એક ઉદ્દેશ છે, સમાજની આધ્યાત્મિક ઉન્નતિ. આ માટે જરૂરી હોય છે શિક્ષકોનું એ તરફનું ચિંતન. પણ એવા શિક્ષકો ગણ્યા ગાંઠયા જ મળી શકે. એક એવા શિક્ષકને આજે યાદ કરીએ. 10મી ઓગસ્ટ 1931માં જન્મેલા અને આધ્યાત્મ શિક્ષક તરીકેની ઊંચાઈને પ્રાપ્ત થયેલા શ્રી કીરીટ જોષીનું 83 વર્ષની વયે 24મી સપ્ટેમ્બરના 2014 રોજ અવસાન થયું. તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદા અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો. 1955માં તેઓ I.A.S તરીકેની  પસંદગી પામ્યા તો ખરા, પરંતુ 1956માં જ સુરતના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેના પદથી રાજીનામું આપીને શ્રી અરવિંદ અને માતાજીનાં યોગ અભ્યાસ માટે પૉંડિચેરી જવાનું યોગ્ય માની લીધું. શ્રી માતાજીનાં સાંનિધ્યમાં રહીને તેમણે ઘણા શૈક્ષણિક પ્રયોગો કર્યા અને શ્રી અરવિંદ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન(પૉંડિચેરી)માં ફિલોસોફી અને મનોવિજ્ઞાન શીખવવાનું કાર્ય કર્યું.

                1976માં ભારત સરકારે શિક્ષણ માટેની સલાહકાર સમિતિમાં તેમની નિમણૂક કરી અને 1983થી 1988 સુધી ભારત સરકારના ખાસ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 1987થી 1989 સુધી તેઓ UNESCOની શૈક્ષણિક સંસ્થા(હેમ્બર્ગ)ના ઉપપ્રમુખ પદ પર રહ્યા. 1999થી 2004 સુધી ઓરોવિલ્લ એજ્યુકેશનનું પ્રમુખ પદ શોભાવ્યું. મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકારના મુખ્ય સલાહકાર તરીકે રહીને તેમણે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપનમાં ઉલ્લેખનીય સહયોગ આપ્યો. સંશોધન, ફિલોસોફી અને આધ્યાત્મ કેળવણીને પોતાનું જીવન કર્મ બનાવનારા સ્વ.શ્રી કીરીટ જોષીને ભાવભીની શ્રદ્ધાંજલી.

                ગત સપ્તાહમાં સુરત શહેરની જુદી જુદી શાળાના બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો એ સમાચાર અખબારોમાં છવાયેલા રહ્યાં. ધોરણ 9ના વિદ્યાર્થીના કિસ્સામાં શિક્ષક અને ધોરણ 11ના વિદ્યાર્થીના કિસ્સામાં તેના પિતાજી જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે. આ બંને બનાવો શાળાશિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા છે. આમેય સમાજના મોટા હિસ્સાનું જોડાણ શાળાઓ સાથે જ વિશેષ હોય છે એટલે મીડિયાને પણ અવનવા ન્યૂઝ ત્યાંથી જ મળતા હોય છે. આપઘાત કરનારાઓ વિભિન્ન વયજૂથ અને વિવિધ કારણો ધરાવતાં હોય છે, તેથી તેનું મૂલ્યાંકન વ્યક્તિદીઠ અલગ રહે તેવું બને. પણ આ બંને કિસ્સા ટીનેજર્સના છે એટલે એ વધારે ધ્યાનાકર્ષક બન્યા છે.

                શાળાઓ-કોલેજો સાથે જે કઇં ઘટનાઓ બનતી હોય છે તેમાં હંમેશા થોડું તો પૂર્વગ્રહયુક્ત માનસ જોડાયેલું રહે જ છે. આવી સંસ્થાઓ કે તેમના કોઈ કર્મચારી ગમે તેટલા સંનિષ્ઠ હોય તો પણ સમાજના કેટલાક લોકો તેના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક જોડાઈ શકતા નથી. અને મુશ્કેલીના સમયમાં તો તે અંતર ઓર વધી જતું હોય છે! શિક્ષણ સંસ્થાઓ એકંદરે સભ્ય અને સંસ્કારી વ્યક્તિઓનો સમૂહ છે, દબંગ કે હીન માણસોનો નથી એ  સત્ય સમાજ ખુદ ભૂલી જાય છે. આને વિડંબણા જ ગણવી પડે અને સત્ય સામે ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે. બીજી તરફ કુટુંબના વ્યક્તિ દ્વારા થતી કનડગત એટલી વિવાદાસ્પદ બનતી નથી. ધોરણ 11ના વિદ્યાર્થીએ કરેલ આપઘાતની ચર્ચા એટલી ન થઈ જેટલી ધોરણ 9ના વિદ્યાર્થીના કિસ્સામાં થઈ! કેમ? વિચારો સમાજના પ્રબુદ્ધજનો!

                કોઈપણ વ્યક્તિ માટે આપઘાત ક્યારેય નવી શરૂઆત બની નથી શકતી એ સત્ય બહુધા લોકોને ખબર હોય છે છતાં આપઘાત કરનારાઓની સંખ્યા વિશ્વમાં અને ભારતમાં પણ ઓછી નથી. એમાંય ચિંતાજનક બાબત એ છે કે આપઘાત કરનારાઓમાં સૌથી વધુ પ્રમાણ યુવાન વયના લોકોનું હોય છે. જે વ્યક્તિ આપઘાત કરે છે તેની પાછળનું કારણ ઘરની વ્યક્તિ હોય કે બહારની, તેનાથી કુટુંબીજનો ક્યારેય ખુશ નથી હોતા છતાં  દુનિયામાં દર 40 સેકંડે એક વ્યક્તિ આપઘાત કરે છે અને વિશ્વના ત્રણ આપઘાતમાં એક ભારતનો હોય છે. અર્થાત, ભારતમાં દર બે મિનિટે એક વ્યક્તિ આપઘાત કરે છે! 2012માં WHOના મતે ભારતમાં 2.5 લાખ લોકોએ આપઘાત દ્વારા જીવન ટૂંકાવી દીધું હતું, જેમાં સૌથી વધુ યુવાનો(15થી 29વર્ષના) હતા! સમાજનું ભૌતિકવાદી માનસ, આર્થિક-સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે અસમાનતા જેવા કારણોથી નવી પેઢી પર ઘાતક અસર વર્તાઇ રહી છે ત્યારે સાંપ્રત ઘટનાઓને માત્ર એક જ માપદંડથી જોવી એ નરી બેવકૂફી જ ગણાય.

                જેમ એક ડૉક્ટરની સારવારથી કોઈ વ્યક્તિ(દર્દી)નું મૃત્યુ થાય તો સમગ્ર ડૉક્ટર જગત પર શંકા કરવી તદ્દન અતાર્કિક હોય છે તે જ રીતે કોઈ એક શિક્ષકના કારણે વિદ્યાર્થીને કે તેના કુટુંબને સહન કરવાનો સમય આવે ત્યારે તે માટે સમગ્ર શાળા કે શિક્ષણ સમાજને વિકૃત વ્યવસ્થા તરીકે જોવી બિલકુલ હાસ્યાસ્પદ ગણાય. સમાજનો એ અભિગમ પણ અતિ વિચિત્ર જણાય છે કે શિક્ષક વિદ્યાર્થીને મારે કે ટીકા કરે તો તેની તેના ઉપર ખરાબ અસર પડે, માનસિક વિકાસમાં અવરોધ પેદા કરે અને આવી જ હરકત તેના મા-બાપ કરે તો? કોઈ ફરિયાદ નહીં, કોઈ રેલી નહીં. અદભૂત!!

                મીડિયાએ પણ આવા સંજોગોમાં વિવેક દાખવીને સત્ય શોધવામાં સહયોગ આપવાનો હોય છે નહીં કે ઉતાવળા બનીને સમાચાર બનાવવાની હોડમાં પડી જવાનું હોય છે. જો કે સ્થાનિક અખબારો કે ચેનલો એવો સંયમ જાળવવાની કોશિશમાં હોય છે તો ખરા, પણ આંધળી સ્પર્ધા તેઓને પણ તટસ્થ રહેવાનું ભુલાવી દેતી હોય છે. હા, શાળાઓ અને શિક્ષકોમાંથી વિશ્વાસ ખતમ ન થઈ જાય તેની તકેદારી સમાજે અને પત્રકારોએ પણ રાખવી જ પડશે, રાખવી જ જોઈએ. ન્યાય શોધવા માટે ઉતાવળે અંધ બનવા કરતાં દેખતા રહીને અન્યાય અટકાવવાનો પ્રયત્ન વધુ સાર્થક બનવા જોઈએ.

                હવે ફરી સ્વ. કીરીટ જોષીને યાદ કરીએ. તેમણે શિક્ષક-અધ્યાપક તરીકે પોતાના જીવનને આધ્યાત્મ સાથે જોડી દીધું  હતું. એમના જીવનમાંથી પ્રવર્તમાન શિક્ષકો અને વાલીઓ પણ એ શીખે કે શક્ય હોય ત્યાં સુધી પોતાના કામના સ્થળે કે ઘરે પોતાના તન-મનને આધ્યાત્મ ઉન્નતિનો થોડો સ્પર્શ જરૂર આપે, નિયમિત રીતે આપે. જો આમ થશે તો પોતાના ગુસ્સા કે કલુષિત વિચારો પર લગામ આવશે અને તેનો લાભ પોતાના બાળકો કે વિદ્યાર્થીઓને પણ મળશે. અતિ સંવેદનશીલ કે સંવેદનહીન બની રહેલા બાળકોને નિયંત્રિત કરવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય જણાય છે. હા, આ માત્ર શિક્ષકોની જ નહીં, વાલીઓ અને વડીલોની પણ સરખી જ  જવાબદારી બને છે. મીડિયા પણ આવી બાબતોને ઉજાગર કરે એવી અપેક્ષા શાને ન રાખીએ?!




-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)


No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...