થોડા વર્ષો પહેલા રસ્તામાં યોગાનુયોગ મળેલા વિદ્યાર્થીને મેં પૂછ્યું’તું, ‘ક્યાં જાય છે મિત્ર?’ હળવેકથી એણે જવાબ આપ્યો’તો, ‘પિત્ઝા ખાવા!’ અને મેં આશ્ચર્યથી આગળ પૂછ્યું’તું, ‘તો એ ખાવા અહીં નદી પાર આવી ગયો?’ તેણે કહ્યું હતું, ‘સર, મેકડોનલ્ડના જ પિત્ઝા ખવાય ને!’ હું તો એટલું જ બોલી શક્યો હતો કે, ‘અચ્છા, આવજે તો!’ આ પ્રસંગનું સ્મરણ અહીં એટલે મૂક્યું છે કે દેશની ભાવિ (નવી અને યુવાન) પેઢીની
સામે ગત સપ્તાહમાં વડાપ્રધાન મોદીએ એક વિચાર મૂક્યો છે કે ‘આત્મનિર્ભર બનીએ.’
આમ તો વિશ્વભરના છેલ્લા
બે-અઢી માસના લોકડાઉનથી દેશમાં પણ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે સંદર્ભમાં જ પોતાના સંબોધનમાં તેઓએ આ
વાતને મૂકી હતી. કોરોના સામેની લડાઇ હજી મટતી નથી અને આસાનીથી મટે તેવી પણ નથી.
તેમ છતાં માથે હાથ રાખીને બેસી શકાય તેમ પણ નથી. તો પછી શું? બસ, તકલીફોમાંથી તાકાત મેળવવા દેશની જનતા સમક્ષ આત્મનિર્ભરતાનો સંકલ્પ મૂક્યો છે.
આપણા બધાનો એ અનુભવ રહ્યો છે કે લોકડાઉન
થી ઘણું બધું ગુમાવ્યું છે, તો બીજી તરફ નવા આવિષ્કારો પણ થયા છે. કેટલા જ જુના
ઉત્પાદનોમાં અસાધારણ ઉછાળ આવ્યો છે, તો કેટલાક સાવ નવા ઉત્પાદનો પણ જન્મ્યા છે.
વડાપ્રધાનનો ‘આત્મનિર્ભર બનીએ’નો વિચાર ઘણા સમીક્ષકો અને અધકચરી જાણકારી વાળા લોકોને માટે
વિરોધ કરવાનું એક શસ્ત્ર બન્યું હશે. પણ હકીકત એ છે કે આત્મનિર્ભરતાનો ખ્યાલ એ
સૂચવે છે કે દેશ પાસે જે સંસાધનો અને માનવીય સંપત્તિ છે તેનો ઉપયોગ કરીને શક્ય હોય
તેટલું દેશમાં જ ઉત્પાદન હાથ ધરવું, જેથી વિદેશો પરનું અવલંબન ઘટી શકે. આ વિચાર માત્ર ભારતનો જ નથી, દુનિયાનો દરેક દેશ આમ જ વિચારે છે! આમ છતાં દુનિયાના કોઇ
પણ દેશ માટે સો ટકા આત્મનિર્ભરતા શક્ય જ નથી.
આખું વિશ્વ એક સરખી રીતે લાંબા સમય સુધી ચાલનારી માંદગીમાં પટકાયું
હોય ત્યારે જેની માંદગી ઓછી ચિંતાજનક હોય તેણે બીજી તકો ઝડપી લેવા માટે તૈયાર પણ
રહેવું જોઈએ!( આ લેખ સુધીમાં તો આપણે ઓછી ગંભીર
માંદગીમાં છીએ!) દેશના વર્તમાન વડાપ્રધાન પાસે આવું વિઝન છે. એટલે ભલે અર્થતંત્ર ડામાડોળ છે
પણ તેને પાટા પર લાવવા માટે દેશની જ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીએ તો શું ખોટું? બસ, આ વિચારને તેમણે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ તરીકે રજૂ કર્યું છે. સરકારે પોતાની રીતે ધિરાણ, કરમાફી જેવા અનેક ઉપાયો રજૂ કરી દીધા છે હવે તેનો લાભ ઉઠાવવા અને તક ઝડપી
લેવાની જવાબદારી નાના ઉદ્યોગ સાહસિકો, સર્જનશીલ યુવાન નિયોજકો, ખેડૂતો, વ્યવસાયીઓ વગેરે પર છે.
પણ આટલાથી કામ થઈ જશે
કે? ના. એમાં જે અવરોધો અને તકો છે તેની ચર્ચા પણ કરીએ. ઉદ્યોગસાહસિકો નવા વિચારો, નવી વસ્તુ સાથે નવું સાહસ કરવા તૈયાર થશે પણ તેમને જોઈએ છે તેવા કર્મચારીઓ
મળશે ખરા? કદાચ બિનકુશળ કારીગરો મળી જશે પણ કૌશલ્યપૂર્ણ માણસોની અછત રહેશે. તેથી જ હવે
આઈ.ટી.આઈ, ડીપ્લોમાં કે કૌશલ્ય શીખવતી શિક્ષણ સંસ્થાઓ સામે નવી તકો આવી છે સમજી લેજો.
નાના, મધ્યમ કે મોટા ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્ય આધારિત શિક્ષણ અભ્યાસક્રમોની માંગ
વધશે. એટલે ગાડરિયા પ્રવાહમાં ભણ ભણ કરનારાઓ પણ ચેતે અને કંઈક નવું વિચારે.
બીજી મુશ્કેલી
સ્વાસ્થ્ય સંબંધી છે દેશમાં નાગરિકોના આરોગ્ય બાબતે સ્થિતિ સારી નથી જ. નાદુરસ્ત
અથવા ઓછા કાર્યક્ષમ કર્મચારીઓ નવી તકો કે નવા પ્રોડક્ટ્સને માટે આસાનીથી અનુકૂળ થઈ
શકશે નહીં. શારીરિક રીતે સક્ષમ કર્મચારીઓ જ આત્મનિર્ભરતામાં વધુ સહાયક બની શકે છે.
એટલે આવી પરિસ્થિતિ પણ મેડિકલ ક્ષેત્રના વિકાસમાં નવી તકોનું સર્જન કરશે. દવાઓ, દાક્તરી સાધનો, સંશોધનો અને સ્વચ્છતા જેવા
વિવિધ ક્ષેત્રોમાં નવા ઉત્પાદનો, સેવાઓ તેમજ તકનીકી કુશળ
માણસોની માંગ વધારશે. યુવાન નિયોજકો આવી દિશામાં પણ વિચારવાનું શરુ કરે તો
આત્મનિર્ભરતા તરફની ગતિ તેજ બની શકે..
એક મોટો અવરોધ ‘સરકારી છાપ’માંથી મુક્ત થવાનો છે.
વર્ષોથી ચાલી આવેલો આપણો ઈતિહાસ પીછો નથી છોડતો. સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને
વહીવટ માટે એવો પૂર્વગ્રહ ઘર કરી ગયો છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત
જુદા હોય છે! જો કે છેલ્લા પાંચ-છ વર્ષમાં આ સ્થિતિમાં સુધારો જરૂર આવ્યો છે.
દેશના હજારો યુવાનોને રાજકીય નેતૃત્વમાં વિશ્વાસ બેઠો છે અને પોતાની તાકાતથી તેઓ આકાશ આંબી શકશે એવી શ્રદ્ધા પણ તેઓમાં બેઠી છે.
આમ છતાં, દેશની વસ્તીનો એક વિરાટ સમૂહ ટીકા-ટિપ્પણી અને પલાયનવાદમાં જ રાચી રહ્યો છે.
આવી પડેલી આપદાને અવસરમાં પલટી નાખવાના શાસકો તરફથી થતાં પ્રયત્નો છતાં તેઓની આંખ
પીળું જ જુએ છે અને જીભ કડવાશ પેદા કરે છે! આવો સમૂહ આત્મનિર્ભરતાના વિચારને
હાસ્યાસ્પદ ગણાવે છે. કહે છે કે એક તરફ સરકાર વિદેશી કંપનીઓને ભારતમાં લાવવાની વાત
કરે છે અને બીજી બાજુ આત્મનિર્ભરતાનું ડાપણ કરે છે. આવું વિચારતા લોકોને
અર્થતંત્રની કેટલી સમજ હશે તે તો કેમ જાણી શકીએ?
એક વાત દેખાય છે કે જે
લોકો આત્મનિર્ભર અર્થતંત્રની ટીકા કરે છે એ લોકોને ભય છે કે આમ કરવાથી દેશના
નાગરિક તરીકે પોતાના પર વિશેષ જવાબદારી આવી પડશે. સરકાર રાહત પેકેજો આપીને યુવાન
સાહસિકોને કામમાં જોતરી દેવા માંગે છે! તેમને એ ડર છે કે દેશમાં જ મોબાઈલ
બનાવવામાં આવશે તો વિશ્વ બ્રાન્ડના મોબાઈલ વાપરવા નહીં મળે. જો સંતુર સાબુ કે
દંતક્રાંતિ ટૂથપેસ્ટ વાપરીશું તો લક્સ, ડવ કે કોલગેટના સ્ટેટસનું
શું થશે? એમને એ ડર લાગે છે કે હાથમાં થમ્સ અપને બદલે સોસિયોની બોટલ હોય
તો કેવું વિચિત્ર લાગે?
સમજાયું હશે કે
આત્મનિર્ભરતા સ્વયં એક પડકાર છે, અને એને માટે દરેક
દેશવાસીએ જૂનો અભિગમ જ બદલવો પડે!. જો હવે એ દુનિયાના દરેક દેશો માટે એક રાષ્ટ્રીય
મૂલ્ય બનવાનું હોય તો આપણે કેમ ન સ્વીકારીએ? તેથી દેશના તમામ
બુદ્ધિજીવીઓ તથા સર્જનશીલ સાહસિકોને પોતાના દેશના વિકાસમાં ફાળો આપવાની (કમાણી
દ્વારા કે ખર્ચ દ્વારા) એક તક મળી છે. એમ સમજો કે કોરોના કાળમાં એક આશાનું કિરણ
આવ્યું છે. તેથી દેશમાં જે બુદ્ધિશાળી, સર્જનશીલ, કૌશલ્યનિપૂણ અને યુવા ઉદ્યોગસાહસિકો છે તેઓ આગળ આવે તો દેશના અન્ય લોકોના
જીવનધોરણને પણ ઉજમાળું બનાવી શકે તેમ છે. હવે દરેક નાગરિકમાં રાષ્ટ્ર પ્રત્યેના
સ્વાભિમાન જગાડવાનું છે બસ.
શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, નાણાકીય સંસ્થા, ધાર્મિક ટ્રસ્ટો, કૃષિ સંસ્થાઓ એમ દરેક તબક્કે દેશમાં ઉત્પાદિત વસ્તુઓ માટે ‘’આ તો મારા દેશની પ્રોડક્ટ’’ નું ગૌરવ મહેસુસ થાય તો આ દેશ થોડા વર્ષોમાં જ આત્મનિર્ભરતા તરફ મોટી છલાંગ મારી શકે છે. સૌને એક અપીલ કે દેશના ઉત્પાદનને ધુત્કારીએ નહીં, અપનાવીએ. વડાપ્રધાનની local થી vocal ની જે વાત છે તે આટલી જ છે!
-ડૉ.
વિજય મનુ પટેલ
E-mail: Patel_vijaym@yahoo.com
એકદમ સાચી વાત છે. પહેલા તો લોકોનો વિશ્વાસ જીતવો પડશે. બીજુ કે ઉત્પાદન દરેકને પોષાય અને પહોચી વળાય એવી રીતનું હોવું જોઈએ. અને ત્રીજું કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર નથી થતો એ વાતે લોકોને વિશ્વાસમાં લેવા પડશે.
ReplyDelete