આપણે ત્યાં અને દુનિયાભરમાં, જેનો બુદ્ધિઆંક વધારે હોય તેવા વિદ્યાર્થીઓ બધા જ શિક્ષકો અને આચાર્યના લાડકા બની જતાં હોય છે, ખરું ને? સાદી ભાષામાં આપણે જેને હોશિયાર કે ટોપ કક્ષાના વિદ્યાર્થીઓ ગણતા હતા તેઓની બોલબાલા અન્ય કરતાં વધારે જ રહેતી. શિક્ષકો, આચાર્ય અને મા-બાપ પણ આવા વિદ્યાર્થી કે સંતાન માટે બહુ અધીરા અને આશાવાદી રહેતા. બોર્ડ જેવી જાહેર પરિક્ષાના પરિણામોમાં ‘ટોપ’ રહેવા માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ માત્ર આવા વિદ્યાર્થીઓ પર જ ધ્યાન આપતી. તેથી અભ્યાસમાં સરેરાશ કે નબળા બાળકો અને તેમના વાલીઓ હંમેશાં લઘુતાનો ભાવ અનુભવતા.
શક્ય છે હવે શાળાઓમાં આ સિનારિયો પણ બદલાશે. હોશિયાર કે વધુ ટકાવાળા નહીં પણ સારી રોગ પ્રતિકારકશક્તિવાળા વિદ્યાર્થીઓની બોલબાલા વધશે. આવા વિદ્યાર્થીઓ ભલે અભ્યાસમાં સરેરાશ હશે તો પણ આવનારા સમયમાં તેમના ગુણપત્રકને બદલે તેમની તંદુરસ્તી કે રોગ પ્રતિકારક વિશેના માપદંડો ધ્યાનમાં લેવાશે. અત્યારે ભલે આ થોડું અજુગતું કે વધારે પડતું પણ લાગતું હશે પણ ભવિષ્યમાં આ હકીકત બને તો નવાઈ ન પામતા. કોરોના મહામારીએ તંદુરસ્તીની વ્યાખ્યા પણ બદલી કાઢી છે. આશ્ચર્ય એટલે થશે કે આરોગ્યમાં શ્રેષ્ઠ ગણાતા સ્પેન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો આ મહામારીમાં ધરાશયી થઇ ગયા. એટલે તમને જરૂર ‘દિલ હે કે માનતા નહીં’ જેવી લાગણી થશે જ.
આ પરિસ્થિતિ આશ્ચર્યજનક પણ છે કેમ કે આ હેલ્થ ટોપર્સ દેશોમાં જ સૌથી વધુ જાનહાનિ થઈ છે (જો કે હવે પછી વિકાસશીલ દેશો જાનહાનીમાં આગળ નીકળી જાય એમ બને). આ આફતમાં દવાની શોધ બાબતે દુનિયામાં અગ્રિમ એવા અમેરિકા અને કેનેડા પણ હાંફી ગયા છે. એટલા માટે જ વિશ્વમાં હવે intelligence કરતાં immunity નું મહત્ત્વ વધવાનું નક્કી છે. આ વાતથી શિક્ષણનું ક્ષેત્ર પણ વંચિત કેવી રીતે રહી શકે?
હેલ્થ ટોપર્સ ગણાતા વિકસિત દેશો આરોગ્ય સુવિધા, આરોગ્ય સંશોધન, સ્વચ્છતા અને આરોગ્ય શિક્ષણ (જાગૃતિ) બાબતે સર્વોચ્ચ એવા દેશો છે. આવા દેશોના લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વિકાસશીલ દેશો કરતાં ઊંચું છે. તેઓ બેક્ટેરિયા, ફૂગ કે મોટાભાગના વાયરસ સામે લડવા સક્ષમ છે અને હતાં જ. પરંતુ આ નવા કોરોના વાયરસે એમના આ સુરક્ષા કવચને પણ ભેદી કાઢ્યું છે. આ કુદરતી કે માનવસર્જિત વાઇરસની સામે એવા લોકો ટકી શક્યા છે જેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહી છે. આ સંદર્ભમાં જ સમગ્ર દુનિયાની માનવ વસ્તીએ સ્વીકારવું પડ્યું છે કે અત્યાર સુધી જે હતું તે પૂરતું નહોતું.
તો મતલબ સાફ છે કે સમગ્ર માનવજાતને જોવાની દૃષ્ટિમાં પણ ફર્ક આવવાનો. કોઈ વ્યક્તિના રૂપ, રંગ. દેખાવ, જાતિ અને ધર્મને બદલે મજબૂત રોગપ્રતિકારકશક્તિવાળી વ્યક્તિ જ હવે સૌ કોઈની પહેલી પસંદગી બનશે, દરેક દેશ એવા વિદ્યાર્થીઓને જ પોતાના દેશમાં ભણવા માટે પ્રવેશ આપશે જેની પાસે ‘ઇમ્યુનિટી પાસપોર્ટ’ હશે. વિદ્યાર્થીઓ જ શું કામ? પ્રવાસાર્થીઓ, મુલાકાતીઓ કે ધંધાર્થીઓએ પણ હવે બે પાસપોર્ટ રાખીને જ ફરવું પડશે! વિદેશ પ્રવાસ તો ખરું પણ પોતાના જ દેશમાં રહેવા-ફરવા માટે હવે માત્ર બાહ્ય શારીરિક જ નહીં પણ અંદરની શક્તિને પણ સમૃદ્ધ રાખવી પડશે.
ભારત જેવા ગીચ વસ્તીવાળા અને અપૂરતી ડોક્ટરી સુવિધાવાળા દેશને કોરોના મહામારીએ મોટો પડકાર ફેંક્યો છે. લાંબા lockdownને કારણે પર્યાવરણ સ્વચ્છ થયું છે તેથી ગંદકીને કારણે ફેલાતા રોગોમાં ઘટાડો થયો છે, પણ તેનો મતલબ એ નથી કે આપણો હેલ્થ ઇન્ડેક્ષ ઉંચો થઇ જશે! આયુર્વેદશાસ્ત્ર આપણી પાસે છે છતાં તે સર્વસ્વ કહી ન શકાય. દેશી અને વિદેશી એમ બંને ઉપચાર પદ્ધતી દ્વારા ભારતીય નાગરિકોની રોગ પ્રતિકારકશક્તિ કઈ રીતે વધારવી એ હવે સરકારી તંત્રનો અને પ્રજાનો પણ પ્રશ્ન બનવો જોઈએ કેમ કે, વાયરસની સામે લડવાની રસી ઝડપથી શોધાતી નથી અને જો એ મળી જાય પછી પણ બીજા ખતરનાક વાયરસ ન આવે તેની ખાતરી છે ખરી? કદાચ એ કોઈ જ આપી શકે તેમ નથી.
આ સ્થિતિમાં જે રામબાણ ઈલાજ છે તે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવાનો જ છે. શાળા- કોલેજમાં દાખલ થતાં પહેલાં જ હવે તેની બોલબાલા શરૂ થશે. કદાચ બાળક જન્મના સમયથી જ પ્રતિકારશક્તિ સાથે આરોગ્યનો વિષય હવે ચર્ચિત વિષય બનવાનો છે. નબળી રોગ પ્રતિકારકશક્તિવાળી વ્યકતિએ ક્યાં ક્યાં સહન કરવું પડી શકે છે તેની વાત પણ કરી લઈએ. વારંવાર શરદી, ફ્લૂ, તાવ જેવી બીમારીમાં સપડાવાથી જે તે વ્યક્તિ સાથે તેની આસપાસ રહેનારા લોકો જ એક પ્રકારનું અંતર રાખતા થઇ જાય એવું બને. આ અંતર મુલાકાત-ચર્ચા કે મિલન પ્રવૃત્તિઓના કાપ (ઘટાડા) સાથેનું પણ હોઈ શકે છે.
જો આવા વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં હશે તો વારંવારની ગેરહાજરી તેને અન્ય વિદ્યાર્થીઓથી તો દુર રાખશે જ પણ શારીરિક-માનસિક અભ્યાસકીય પ્રવૃત્તિમાં પણ તેને નબળા પુરવાર કરશે. કોલેજના શિક્ષણ બાદ નોકરી કે વ્યવસાય પસંદગીમાં પણ નબળી રોગપ્રતિકારક શક્તિ અવરોધ બની શકે છે. સતત ઠંડા કે ગરમ વાતાવરણમાં કામ કરવામાં શરીર લાંબો સમય સાથ ન આપે તો તેવી નોકરી કે વ્યવસાય પણ છૂટી શકે છે. સંક્રમિત થવાનું જ્યાં સૌથી વધુ જોખમ છે એવી હોસ્પિટલ, લેબોરેટરી, સંશોધન સંસ્થાઓ કે કેટલાક પ્રકારના જોખમી એકમોમાં કામ કરવા માટેની તકો પણ છીનવાઇ શકે છે.
આવા લોકોને સામાજિક પ્રસંગો મેળાવડાઓમાં અસ્પૃશ્યતા જેવો ભાવ અનુભવાય તો નવાઈ નહીં. કોઈપણ પ્રકારના પ્રદુષણો સામે લડવાની ક્ષમતાવાળું શરીર બનાવવા માટે માત્ર ‘જિમ’ જવાથી કામ નહીં ચાલશે. વ્યસનોથી દૂર રહેવું પડશે, વારંવાર junk foods કે કોલ્ડડ્રિન્કના ઉપયોગ કરનારાઓએ પોતાની આહાર-વિહારની આદતોને બદલવી જ પડશે. આવું જ માંસાહાર કરનારાઓએ પણ વિચારવાનું રહેશે. સમતોલ પૌષ્ટિક આહારને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી હવે રસોડામાં ઉતારવો પડશે કે અમલમાં મૂકવો પડશે. વાંચ-વાંચ કે લખ-લખ કરવાથી જ હવે પરીક્ષાઓનો જંગ જીતાશે નહીં. હવામાનના ફેરફારો સામે અડીખમ રહે તેવા શરીર માટે વિદ્યાર્થીઓ પોતાને તૈયાર નહીં કરશે તો ભવિષ્યની અનેક તકો તેમને માટે ધૂંધળી થશે એ નક્કી છે.
પહેલું સુખ તે જાતે નર્યા અને Health is wealthને હવે ઉંચાઇ, વજન કે શારીરિક બાંધા ની દ્રષ્ટિએ જ નહીં પણ ઊંચી રોગ પ્રતિકારકશક્તિથી પણ જોવી પડશે. યે અંદર કી બાત હૈ, સમજ્યા?!
E-mail: patel_vijaym@yahoo.com
No comments:
Post a Comment