છેલ્લા બે-ત્રણ
વર્ષથી મનમાં એક દુષ્ટ વિચાર આવે છે કે નરેન્દ્ર મોદીએ સરમુખત્યાર બની જવું જોઈએ!
ઘણાંને આવો વિચાર પસંદ ન આવશે, પણ આટલી ગીચ અને બિનસાંપ્રદાયિક વસ્તીને માટે ‘લોકશાહીના
મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોને ટકાવી રાખવા આસાન નથી જણાતા.
સ્વતંત્રતાના અધિકારને ‘સ્વછંદી’ બનાવી દેવાના અને રાષ્ટ્ર કર્તવ્યને ‘હિન્દુવાદી’ ગણી
કાઢવાના અભરખા ઘણાંને આવવા માંડ્યા છે.
સર્વધર્મ સમભાવના આદર્શનું ગળું
બધાએ ભેગા મળીને ઘૂંટવા માંડ્યુ છે. લઘુમતી પ્રજાએ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યને
માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને પ્રચાર સુધી સીમિત કરી દીધું છે. અહીંની અજ્ઞાન
અને ધર્માંધ વસ્તીએ લોકશાહીને બેફામ બનીને વર્તવાની શાસન વ્યવસ્થા સમજી લીધી છે. જે
બુદ્ધિજીવી અને સત્તાલોલુપ છે તેઓએ અનીતિ અને કુટિલ-કર્મો દ્વારા દેશમાં અરાજકતા
અને અજંપાને સતત જન્મ આપતા રહેવાનું જ કામ કર્યું છે.
દેશની સરહદોમાં ઘૂસ મારીને, સરકારી
લાભો ખાટીને, ધર્મના ધતિંગો પેદા કરીને રાષ્ટ્રને ખતમ કરનારા તત્વોને આ
લોકશાહી અટકાવી શકશે નહીં. આવી ઊધઈઓને મારવા માટે તો એક સરમુખત્યારની દવા જ જોઈએ
છે! લોકશાહીના ધાન્યમાં એવી જીવાતો પેદા થઈ રહી છે જેનો ઈલાજ ન થાય શ્રેષ્ઠ ગણાતું લોકશાહીરૂપી ધાન્ય સડી જશે!
મતલબી ધંધાદારીઓ, સ્વાર્થી પક્ષો, કટ્ટરપંથી વિચારધારા, ભ્રષ્ટ પત્રકારીત્વ અને સંપત્તિના લોભીયાઓને
લોકશાહીમાં ફાવતું પડી ગયું છે!
કાશ્મીરની સ્વતંત્રતા તેઓને બંધન
લાગે છે. સ્ત્રીઓની તલાકમાંથી મુક્તિ તેઓને ધર્મની દખલ લાગે છે. દેશની સુરક્ષાના
સોદામાં તેઓને મનમાની લાગે છે. અરે, માનવ મૃત્યુની
આપદાઓના ઉપાયરૂપ ‘લોકડાઉન’માં તેમણે માનવ અધિકારોનું હનન લાગે છે! આવી વિકૃત
માનસિકતાઓની આભામાં લોક્શાહીને તડપાવી મારવી છે? એના
કરતાં તો વટભેર એક સરમુખત્યારને વેઠવામાં નાનમ શાની?
શોષિત, લુલી, અને નિ:સહાય
લોકશાહી કરતાં તો ખુમારીથી અનુશાસન સ્થાપતો એક સરમુખત્યાર વધુ કારગર નીવડે એવું
લાગે છે. આટલી બધી વસ્તીને લોકશાહીના નામે રેઢી ન મૂકી દેવાય. એના કરતાં બંદુકના
ભયથી કતારબંધ ચાલતો દેશ વધુ સારો ન હોય કે?
ચાલો, લોકશાહી
ઉત્તમ શાસન વ્યવસ્થા છે, ખરું. તો પછી પ્રજાને પણ ઉત્તમ બનાવવી પડશે ને? મન ફાવે
તેમ લવારા કરતાં કે ધર્મના ધતિંગો કરતી પ્રજાને સુધારવા માટે થોડો સમય લાકડીના
સટાકા પણ બોલાવવા પડે ને? એટલે થોડા વર્ષો તો થોડા વર્ષો, પણ મને
લાગે છે કે હવે આ દેશને એક સરમુખત્યાર જોઈએ છે, એટલે
મોદીજી એ બને! એમ કરતાં કરતાં લોકશાહી શું છે તેનો બરાબર સ્વાદ ચખાડે! વિચાર દુષ્ટ
છે પણ આવ્યો છે શું કરું?!
- ડૉ. વિજય મનુ પટેલ
No comments:
Post a Comment