Monday, 6 April 2020

નાનો છેદ નાવને ડૂબાડી શકે છે!

      કોઈ સામૂહિક પ્રસંગમાં બધાએ જ મૌન પાળવાનું છે એવું જણાવ્યા પછીયે કોઈ એક વ્યક્તિ પણ મોઢું ખોલી દે તો સમગ્ર મૌન વ્યવસ્થા (કે નિ:શબ્દ શાંતિના અનુભવ) ઉપર પાણી ફરી જાય, ખરું? તેવું જ આખા દેશાના લોકોને ઘાટા પાડી પાડીને કહેવાયું હોય કે 21 દિવસ ઘર સિવાય કોઈપણ સ્થળે ચારથી વધુ માણસોએ ભેગા થવાનું નથી અને છતાં ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે હજારોની ભીડ બેગી થાય (કે કરાય!) તો આખા દેશના આરોગ્ય સામે મોટો ખતરો પેદા થઈ જાય. આને ધર્મ ન કહેવાય, અધર્મ જ કહેવો પડે!
માનવ જીવનને ઉન્નત બનાવવા માટેના બે મુખ્ય માર્ગો છે: ધર્મ અને વિજ્ઞાન. આ બંને પૂરક અને બેમાંથી એકનું હાવી થવું એટલે પતન નિશ્ચિત માનવું. એકના મૂળમાં શ્રદ્ધા છે અને બીજાના મૂળમાં શંકા! વિચિત્ર લાગે તેવી વાત છે ને? પણ એમ છતાં આ બંને વચ્ચે યોગ્ય સંતુલન રહે તો જ માનવ ઉન્નતિ સાધી શકે. કેવી પરિસ્થિતિમાં બંનેમાંથી કોને કેટલું મહત્ત્વ આપવું તેવી વિવેકબુદ્ધિ પણ આ બંનેના સંતુલન વિના સંભવ નથી. જે લોકોને આપણે જડ કે રૂઢિચુસ્ત કહીએ છીએ તેઓ ઘણુખરું આ બંનેના અસંતુલનથી પીડાતા લોકો છે.
વિનોબાજીના વિચારો અહીં મૂકું: કોલેજમાં પ્રોફેસર તર્કશાસ્ત્ર ભણાવે છે, “માણસ મર્ત્ય છે, સૉક્રેટિસ માણસ છે, એટલે એ અચૂક મરવાનો.” આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સોક્રેટિસનો દાખલો આપે છે, પોતાનો કેમ નહીં? પોતે પણ તો મર્ત્ય છે? બધા માણસ મર્ત્ય છે. આવું પ્રોફેસર શીખવશે જ નહીં. તે મરણને સોક્રેટિસના માથે ધકેલી દે છે. કારણ કે તે હાજર નથી! ગુરુ અને શિષ્ય બંને સોક્રેટિસને મરણ અર્પણ કરીને પોતે સલામત બનીને ફરતા રહે છે. મૃત્યુને વિસરી જવાનો આવો પ્રયાસ રાત અને દિવસ જાણીબુઝીને ચલાવાય છે. 
મરકસ(ધાર્મિક મેળાવડા)માં જે થયું તે મનુષ્યની વિવેકબુદ્ધિ પર હાવી થયેલા અધર્મના પ્રચારનું ભૂત હતું. અજ્ઞાનતાની અસ્વીકૃતિ અને પરપીડનવૃત્તિની નિર્લજ્જતા હતી. વિજ્ઞાનને બદલે ધર્મને જ સર્વસ્વ ગણી લેવાની જીદ હતી. બધુ જ “અલ્લાહ”ને માથે ઢોળી દેવાની જબરી પલાયનવૃત્તિ હતી!! અલાહના દૂત બનવા નીકળેલા એવા ટોળાનું અમાનુષી કૃત્ય હતું કે જેના સ્વીકાર કરવામાં પણ ‘અલ્લાહની મરજી વિના કશું જ થવાનું નથી’નો અહંકાર માથે ચઢ્યો હતો. વિજ્ઞાનના સત્યને ધર્માંધતા દ્વારા છુપાવવાની ગુસ્તાખી હતી. આ વિનિપાત અધર્મએ સર્જ્યો હતો.
જે ધર્મ અન્યોનું ભલું ન કરી શકે તેવા ધર્મને ઝાઝી સ્વીકૃતિ નથી મળતી અને ધારોકે આવા માણસો વિશાળ ટોળું પણ બનાવી લે તો પણ એ દૈવી શક્તિથી આગળ કશું જ કરી શકશે નહીં. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ જથ્થામાં સૌથી વધુ હોય છે તેનો નાશ કે નુકસાન પણ વિશેષ જ થવાનું! દુનિયાના કોઈપણ ધર્મએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે તે વહેલા-મોડા વિનાશમાં જ પરિણમ્યા છે. જેઓએ ધર્મના મર્મને સમજ્યો, અને સાચવ્યો એવા લોકો જ જીવનની ઉન્નતિ અને ઊંચાઈને પામી શક્યા છે.
જનતા કર્ફ્યુની કેળવણી વિશેની વાત બે અઠવાડિયા પહેલા આજ કૉલમ દ્વારા રજૂ કરી હતી. એક નવું ક્ષેત્ર છે, વિકટ છે કેમ કે આ દેશમાં લોકશાહી છે! અતિ વસ્તીની ગીચતા અને તેમાંએ ધર્માંધતાથી છલકાતી મોટી વસ્તી. આ બધાને જે રીતે ‘સરમુખત્યાર’ સાચવી શકે તેટલો એક લોકશાહી નેતા ન સાચવી શકે. આવી વસ્તી અરાજકતા અને અશાંતિના દ્રશ્યો જ નહીં પરિણામો પણ પેદા કરી દે છે. 
આખા દેશમાં મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને ઘણીબધી મસ્જિદો બંધ હતી ત્યારે નિઝામુદ્દીનની મસ્જિદમાં દેશ-વિદેશના અભણ લોકો ભેગા થયા હતા? ના. એ બધા ધર્મનો મેક-અપ ચઢાવીને તેનો પ્રચાર-પ્રસાર કરવા નીકળ્યા હતા! ચીન કે સાઉદીમાં કેમ આવું ન બન્યું? એટલે ઘણીવાર મોદી ‘સમુખત્યાર’ બને એવો દુષ્ટ વિચાર આવી જાય છે! આ કઈં વર્ગખંડના 60 છોકરા સાચવવાની વાત છે કે?! (હજી જો જો, ઘણા દેશવિરોધીઓ આ જમાતને નામે ઉતરી પડશે મેદાનમાં!) 
દરેક મનુષ્ય પાસે જીવન જીવવાના બે વિકલ્પો છે: એક, વ્યક્તિગત વિકાસ અને બીજો, સામાજિક વિકાસ. પ્રથમ, સમાજમાં રહીને અથવા એકાંત શોધીને થઈ શકે. મોટાભાગની વસ્તી સામાજિક વ્યવસ્થામાં રહે છે તેથી તેને પોતાના વિકાસની સાથે સામાજિક નીતિ-નિયમોનું પાલન કરવાનું રહે છે. આમાં કેટલાક લોકો પોતાને જ અલ્લાહ કે ભગવાન માનતા હોય છે એટલે સામાજિક કે પ્રસાશનિક વ્યવસ્થાને ધરાર અવગણીને પોતે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની ગુસ્તાખી કરતાં હોય છે. મરકસ આવું ઉદાહારણ હતું.
વર્તમાન કોરોના વાયરસની બિમારીના ઉદાહરણો આખી દુનિયા સમક્ષ છે. દુનિયાના કરોડો લોકો ભલે પોતપોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરતાં હોય છતાં અહીં એકલો ‘ધર્મ’ કોઈને બચાવી શક્યો નથી. જે દેશના લોકોએ વિજ્ઞાનની જાણકારી મેળવી, વિજ્ઞાને રજૂ કરેલી ‘શંકા’માં ‘શ્રદ્ધા’ મૂકી એવા દેશ અને લોકો પોતાનું અસ્તિત્વ સરળ રીતે બચાવી શક્યા છે. કુદરતી આપત્તિઓ માનવીના ‘સ્વધર્મ’ની યાદ અપાવે છે, નહીં કે બાહ્ય ધર્મની. આવા વિકટ સમયમાં સૌથી પહેલો માનવધર્મ જ હોય. જે લોકો બાહ્ય ધર્મને જ સ્વધર્મ માનવાનો દંભ કરે છે તેઓ પોતે તો ડૂબે જ છે, પણ ઘણીવખત અન્યોનું પણ અહિત કરી નાંખતા હોય છે.
જો કે આવી વિકટ પરિસ્થિતોમાં કેટલાક તકવાદીઓ આર્થિક, ધાર્મિક કે રાજકીય રોટલો સેકી લેવામાં એટલા સ્વાર્થી બની જતાં હોય છે કે પોતાનો સ્વધર્મ જ ચૂકી જતાં હોય છે. ગીતાના ‘ફળ વિના કર્મ કરો’નો ઉપદેશ પણ ક્યાંથી યાદ આવે?! પોતાના અસ્તિત્વ વિના કોઈ ધર્મ ટકી શકતો નથી આટલી સીધી સાદી વાત મરકસમાં ભેગા થયેલાં હજારો લોકોને ન આવી? આને અજ્ઞાનતા, ભ્રષ્ટ કે વિપરીત બુદ્ધિ સિવાય બીજું શું કહી શકાય?
ઘણી વખત સંશાધનો કરતાંયે ‘સમજદારીભર્યું’ વર્તન મોટી શક્તિ અને ક્ષમતા બની જતાં હોય છે. હાલની સ્થિતિ એવી જ છે. એકાદ કે થોડા લોકોની અવળચંડાઈ નાવને ડૂબાડી શકે તેમ છે. દેશના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને તેમના આદેશોનું પાલન કરો, બસ! 


- ડૉ.વિજય મનુ પટેલ

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...