કોઈ ચમત્કાર જ બચાવી શકે! આવું વિધાન
દરેક વ્યક્તિએ પોતાના આયુષ્યકાળ દારમ્યાન ઓછામાં ઓછું એકવાર તો સાંભળ્યું જ હશે.
આજકાલ વિશ્વની સાથે આપણી સ્થિતિ પણ આવી જ બની છે. ગઇકાલનો જનતા કર્ફ્યુનો અમલ
અનેકવાર થાય તો કદાચ ચમત્કાર થઈ શકે છે ખરો! અને જો ન થાય તો ભારત અસાધારણ કુદરતી
પ્રકોપનો ભોગ બની જશે. જો કે માનવી જ મુશ્કેલી ઊભી કરે છે, અને
તેનો રસ્તો પણ તે પોતે જ શોધે છે. પણ આ બે વચ્ચેના સમયનો મોટો તફાવત જ અસાધારણ
નુકસાન અને ઝાટકા આપી જતો હોય છે.
આપણી
વૈધિક કેળવણીમાં માનવ સભ્યતા, સંસ્કૃતિ, ભાષા સંબંધો, આર્થિક ઉપાર્જન
વગેરે જેવી અનેક બાબતો સમાવિષ્ટ છે. સમયાંતરે તેમાંથી કેટલૂક ઓછું થઈને નવું
ઉમેરાતું રહે છે. આમ વૈશ્વિક શિક્ષણની પ્રક્રિયા ભલે કોઈ ચોક્કસ માળખામાં જકડાયેલી
હોય છે પરંતુ તે પરીવર્તનશીલ તો રહે જ છે. કોરોના-19ના સંક્રમિત વાયરસે એક નવો
અવતાર લીધો છે, જેણે દુનિયાની બધી વિદ્યાશાખાઓને ડામાડોળ કરી નાંખી છે.
હજી યોગ, દાક્તરી, ઈજનેરી કે અન્ય વિજ્ઞાન તેને ઓળખવામાં-અટકાવવામાં સફળ થયા
નથી.
આવી
સ્થિતિમાં દેશના વડાપ્રધાને ‘જનતા કર્ફ્યુ’ નામના ઈલાજને
જન્મ આપ્યો છે! સરમુખત્યાર, સામ્યવાદી સરકારી પ્રશાસકો વાયરસની સામે લડવા માટે શસ્ત્ર
કે સૈનિકો સિવાય બીજું વિચારી જ ન શકે. આવા સંજોગોમાં લોકશાહી પ્રશાસકે એક નવી
પ્રવૃત્તિમાં દેશના લોકોને જોડવા આહ્વાન કર્યું. આ પ્રયોગ કેટલો સફળ થયો છે તેનું
અનુમાન તો દુનિયાએ કર્યું જ હશે. પણ સામૂહિક કેળવણીનો આ નવો અવતાર હતો એટલું તો
ચોક્કસ કહેવું પડે.
દુનિયાના
શિક્ષણવિદ્દોએ કેળવણીની પરિભાષામાં આ નવા ‘જનતા
કર્ફ્યુ’ના અભિગમને આવકારવો પડશે. શિક્ષણનું એક ધ્યેય આધ્યાત્મ
વિકાસનું ખરું, પણ આજ દિન સુધી એ વ્યક્તિગત આત્માની ઉન્નતિ સુધી જ સીમિત
રહ્યુ હતું. હવે સામૂહિક આત્મોન્નતિ વિશે વિચારવાનો સમય આવ્યો છે. જગતના બાહ્ય
યુદ્ધો બંદૂકના દારૂગોળાથી લઈ બૉંબર વિમાનના અણુબોંબ વડે જીતી શકાય છે એવા ભ્રમમાં
આજ સુધી દુનિયાના ખેંરખાઓ માનતા રહ્યા હતા.
પણ
2019ના અંતમાં જન્મેલા કોવિદ-19 નામના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની તાકાત કોઈ
પરમાણુ બોમ્બથી ઊતરતી નથી તે બતાવી દીધું છે. ભીતરની લડાઈ સામે ખેંરખાઓ પરાસ્ત થયા
છે. આવી સ્થિતિમાં ‘ચમત્કાર’ની પ્રતિક્ષામાં સૌ કોઈ હોય એ સ્વાભાવિક છે. વિશાળ વસ્તી
ધરાવતા ચીનમાં આ હાહાકાર પેદા થયો ને તેના શાસકોને થપ્પડ મારીને વિશાળ વસ્તી
ધરાવતા આપણાં જ દેશમાં તોફાન મચાવવા તત્પર છે ત્યારે દુનિયા લાચાર નજરે આપણી તરફ
જોઈ રહી છે.
આવા
સન્નાટામાં પોતાની કુશાગ્ર બુદ્ધિ અને વ્યૂહરચનાના ભાગરૂપે મોદીજીએ એક અનોખો
પ્રયોગ જનતા કર્ફ્યુ નામે વહેતો કર્યો છે. ગઈકાલે તેનો પહેલો પ્રયોગ હતો! લશ્કરી
દમનને બદલે દેશની જનતાને ‘સ્વયં શિસ્ત’ના પાઠ ભણાવતી આ
વિનંતીને સ્વીકારવાની ત્રેવડ આપણી પ્રજામાં રાતોરાત આવતી નથી એ ખરું પણ તેવું
કરાવવામાં ‘કોરોના આતંક’ની પરિસ્થિતિનો
તેમણે ખૂબી અને સાંવેગિક ઢબે ઉપયોગમાં લઈ
લીધી. એમ કરીને એમ જાણી લીધું કે ભવિષ્યમાં આવી કે આનાથી વિપરીત મહામારીમાં લોકોના
મન-હ્રદયને કેવી રીતે ઊર્જાનું પાવરહાઉસ બનાવી દેવાય.
વિશ્વના
સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોએ પોતાના શાસ્ત્રોમાં તો
ઘણું વાંચ્યું-લખ્યું અને વિચાર્યુંયે હશે, પણ
વિશ્વની તાકાતવર મહાસત્તાઓને ધૂળચાટતા કરી નાંખનાર અતિસૂક્ષ્મ હુમલાની સામે બાથ
ભીડવામાં પ્રજાની ‘સ્વયં શિસ્ત’ અમોઘ કે વિફળ
શસ્ત્ર પુરવાર થશે એ બાબતે પોતાના શાસ્ત્રોને ક્યારેય ઢંઢોળ્યા નહીં હોય. કદાચ
જનતા કર્ફ્યુ જેવો ખ્યાલ જ પ્રથમ વખત અનુભવ્યો હશે. સામૂહિક કેળવણી, અને તે
પણ ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશમાં મહદંશે પણ સફળ થઈ જશે તો પણ ચર્ચા કે ચિંતનનો
વિષય બનશે જ.
માનવી
સર્વ જીવોમાં શક્તિશાળી અને ચતુર સજીવ મનાય છે. પણ વાયરસ નામના પરોપજીવીને
સમજવામાં એ લાચારી અનુભવે રહ્યો છે. માત્ર મેડિકલ ક્ષેત્રનું જ્ઞાન ધરાવનારા 5-10
ટકા અભ્યાસુઓ જ વાયરસની જીવનપદ્ધતિ (લાઇફ સ્ટાઈલ) સમજી શકે છે. બાકીના 95-90 ટકા, વાયરસના
વાહક બન્યા પછી પણ હવામાં ઉડતા હોય છે! આવા લોકો એવા ભ્રમમાં રહેતા હોય છે કે તેઓ
તો ખૂબ તંદુરસ્ત છે. હાલ ભારત આવા લોકોથી જ સૌથી વધુ ભયભીત છે! શરીરમાં પ્રવેશેલા
વાયરસની સંખ્યા અસાધારણ વધી જાય છે ત્યારે મહામારીમાં લાખોનું પતન નિશ્ચિત થઈ જતું
હોય છે. જો પ્રજા સમજે તો, જનતા કર્ફ્યુનું અણમોલ મહત્ત્વ આમાં જ છે!
કોઈપણ
દેશના સત્તાધીશો આવી સ્થિતિમાં લાચાર બની જતાં હોય છે. એક નવા પ્રયોગ તરીકે જનતા
કર્ફ્યુ કેવો ને કેટલો કારગર નીવડે એ માટે માત્ર કાલનો પ્રયોગ પૂરતો નથી જ. હજી
આવા ‘સ્વયં કેદ(self quarantine)’ ના ઘણા દિવસોની આદત જ અકસીર દવા
સાબીત થઈ શકે છે.. કેમ કે વિશ્વના એક જ મગજ ફરેલા માનવીને આવેલો દુષ્ટ વિચાર ભયાનક
તબાહી મચાવી શકે છે એ વિચારવું મુશ્કેલ નથી.
વિશાળ
દેશની પ્રજાના જુનવાણી કે અંધ વિચારોને રાતોરાત બદલીને તેઓને જાગૃત કરવા એ કઇં
ખાવાના ખેલ નથી. સતાધીશોની સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિની ખરી કસોટી જ આવા સમયે થતી
હોય છે. ગઇકાલનો પ્રયોગ દેશની પ્રજાને સ્વયં જગાડવાનો હતો. સાથે 130 કરોડ
નાગરિકોને એકસાથે વાયરસ સામેના યુદ્ધ માટે લડવા તૈયાર કરવાનું રિહર્સલ હતું એમ
સમજો.
જે મથે છે તે
સૂર્યને આંબી શકે છે એવી શ્રદ્ધા પણ રાખજો. જ્યારે મેડિકલ સાયન્સ પાસે ઉપાય નથી
હોતો ત્યારે બધાએ એકસાથે પોતાની ઊર્જાની આભા પ્રગટાવવાની હોય છે. આવું કામ લગભગ
સર્વગુણ સંપન્ન કહી શકાય એવું નેતૃત્વ ઝંખે છે. વર્તમાન વડાપ્રધાન મોદીજી કદાચ
એમાં ફીટ બેસે છે. આ નવીન વિચાર સાથે તેમણે શિક્ષણમાં પણ એક નવો અધ્યાય શરૂ કર્યો
છે સમજી લો, બસ!
-ડૉ. વિજય મનુ પટેલ
No comments:
Post a Comment