Tuesday, 21 July 2020

ઓનલાઈન શિક્ષણ: દ્વિધા અને સત્ય!

કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લેતો. માણસ પણ જાણે અદ્રશ્ય શત્રુ સામે બાથ ભીડવા માંગતો હોય તેમ સામો થઇ રહ્યો છે. દુનિયાના બધા દેશોના નાગરિકોને હવે પુરાઇ રહેવું ગમતું નથી પણ તેઓની જેવી ચહલ-પહલ વધે એટલે વાયરસ ફરી મરણિયો થઇને માનવજાતને પછાડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે શું કરવું તેની સૂઝ પડતી નથી. આ એકલ-દોકલ વ્યક્તિની વાત નથી પણ આખી દુનિયા આવી દ્વિધામાં જીવી રહી છે. અને જ્યાં સુધી કોરોનાની રસી શોધાશે નહીં ત્યાં સુધી તો આમ જ જીવશે.

આ સ્થિતિમાં શિક્ષણ વ્યવસ્થા સાવ ખોરંભે પડી ગયા જેવી સ્થિતિ છે. સરકાર અને સંચાલકો જરાક ઉતાવળા થાય એટલે કોરોના માથું ઊંચકીને તેમને બેસો છાનામાના નો આદેશ કરી દે છે! આવી સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણના આકાશી અવતારમાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે. એ જેવું હોય તેવું હમણાં અન્ય સારો કોઈ વિકલ્પ નથી એટલે એના વિશેની ચર્ચા આજકાલ સાંભળવા મળી રહી છે. થોડા સમય પહેલાં સુરતની ઇજનેરી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જૂથે ગોઠવેલી આવી જ એક ચર્ચાના વિચારો અને રસપ્રદ તારણોને અહીં રજૂ કરીએ.

દાર્શનિક કે તત્વચિંતકોની એક ખાસિયત એ હોય છે કે તેઓ આ જગતમાંથી વિદાય લઈ લે પછી પણ તેમના વિચારોની ચર્ચા પેઢીઓ સુધી થતી રહે છે. એવા બે વિચારકોનો અહીં ઉલ્લેખ કરું. પ્રથમ છે ફાધર વાલેસ. તેમનો એક વિચાર હતો કે ‘’કમ્પ્યુટર યંત્રોની નવી સંસ્કૃતિ છે, ને એ વિશ્વ સંસ્કૃતિ થવાની જ છે.’’ સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે सर्वस्य लोचनम शास्त्रम. મતલબ જ્ઞાન દરેકની આંખ છે. બીજા એક વિચારકનો પણ ઉલ્લેખ કરું તો એ છે એલ્વિન ટોફલર.  એનો એક વિચાર હતો કે ‘’દરેક સંસ્કૃતિને પોતાનું આગવું સામાજિક બંધારણ કે નીતિ નિયમો હોય છે, જેમાં રહીને વ્યક્તિ અરસપરસ વ્યવહારો કરે છે.’’

આ બંને ચિંતકોના વિચારોને જોડીએ તો કમ્પ્યુટર એક નવી સંસ્કૃતિ છે અને તેણે પોતાનું અલગ સામાજિક બંધારણ રચ્યું છે. આજે આપણે બધા જ તેનો હિસ્સો છીએ અને પરસ્પર વ્યવહારો રહ્યા છીએ. આપણને સૌને ખબર જ છે કે પરિવર્તનો પર આપણો સંપૂર્ણ કાબુ નથી, એની સાથે આપણામાં એક કાચબા વૃત્તિ (Turtle instinct) પણ રહેલી હોય છે. જ્યારે કશુંક બદલાય છે ત્યારે આપણા વિચારોને ઘડીભર તે સંકુચિત કરી દે અથવા અટકાવી દે છે. જીવ તરીકે મનુષ્ય કાચબા કરતાં ચડિયાતો છે એટલે એ સમસ્યાનું સમાધાન શોધવા નવા વિકલ્પો તરફ દ્રષ્ટિપાત કરે છે. આવા સમયે શરૂઆતમાં જે ગડમથલ અનુભવાય છે તેમાં સાંપ્રત સમયની ઓનલાઇન શિક્ષણ વિશેની દ્વિધા પણ સમાવિષ્ટ છે.

 ઓનલાઇન શિક્ષણ સામે વિરોધ કે વાંધો શા માટે છે? આના કારણોમાં સૌથી પહેલું અને મહત્ત્વનું છે આંતરમાળખાનો અભાવ. ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગના 2017-18 ના સર્વે મુજબ, ભારતમાં  16 ટકા ઘરોમાં રોજના એક થી આઠ કલાક અને ૩૩ ટકા ઘરોમાં રોજના ૯ થી ૧૨ કલાક જ વીજળીની પ્રાપ્યતા છે. મતલબ લગભગ 50 ટકા ઘરોમાં દિવસના 50  ટકા સમય જ વીજળી ઉપલબ્ધ છે. આપણે માની લઈએ કે એ પણ રાત્રીના સમયે જ વધુ મળતી હશે, તેથી દિવસ દરમ્યાન બાળકોના ઓનલાઇન શિક્ષણની વાત અશક્ય જેવી જણાય છે.

બીજું કે, ભારતની ૬૬ ટકા વસ્તી ગામડામાં છે જ્યાં ઇન્ટરનેટ માત્ર 15 ટકા પાસે જ છે. 37% ઘરો તો એક રૂમવાળા છે. સમગ્ર ભારતમાં ૧૧ ટકા ઘરોમાં કમ્પ્યુટર અને ૨૯ ટકા પાસે સ્માર્ટફોન છે. આવી સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો વિચાર જ કંપાવી મૂકે તેમ છે. આ તો થયા આંતરમાળખાના કારણો. જ્યાં બે કે વધુ બાળકો હોય, સંયુક્ત પરિવાર હોય, સીમિત આવક હોય, નબળી ગ્રહણશક્તિવાળા બાળકો હોય અને સંતાનના આરોગ્યથી ભયભીત હોય ત્યાં આવી વ્યવસ્થા સામાજિક રીતે બિનઅસરકારક બને છે.

ઉપરાંત, શિક્ષકોની અપૂરતી સંખ્યા અને ડિજિટલ એજ્યુકેશન માટેની તાલીમના અભાવે પરિસ્થિતિ સહેવાય તેવી નથી જ. ભારતના શિક્ષણ ખાતાની 2016ની માહિતી મુજબ સરકારી શાળાઓમાં પ્રાથમિક કક્ષાએ 17.51 % અને માધ્યમિક કક્ષાએ 14.78 % જગ્યાઓ ખાલી છે! એક જ શિક્ષક હોય તેવી દેશમાં અંદાજે એક લાખ શાળાઓ છે! આ અધૂરપ ઓનલાઈન શિક્ષણમાં કેવી રીતે પૂરી શકાશે?

અને હા, આવી પડેલી આફત આકસ્મિક છે જેમાં શિક્ષકો પણ હેતબાઈ ગયા છે. વર્ગખંડ સિવાય ઓનલાઈન ભણાવી શકાય ખરું પણ તેને માટે દેશના મોટાભાગના શિક્ષકો પાસે યોગ્ય તાલીમ નથી. વર્ગખંડમાં ભણાવવાનું કામ અને સ્ક્રીન પર ભણાવવાનું કામ સરખું નથી જ. જરૂરી સાધનોનો અભાવ, કમ્પ્યુટર કૌશલ્યનો અભાવ અને નવીન અભિગમની અધૂરપ શિક્ષકોને પણ ઓનલાઈન માટે બિનસરકારક બનાવે છે. વળી, જુદી જુદી વય જુથના બાળકોની નાનકડા સ્ક્રીન પર એકાગ્ર થવાની ક્ષમતા વિશે વિચારીએ તો મનોવૈજ્ઞાનિક રીતે પણ ઓનલાઇન શિક્ષણ મર્યાદિત અવધિ માટે જ  અનુકૂળ જણાય છે.

આ બધું છતાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ હવે ધીમે ધીમે એ તરફ વળી રહ્યા છે. શા માટે? આ નવું ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓને અને નવી પેઢીના શિક્ષકોને ખૂબ આકર્ષી રહ્યું છે. આવા લોકો તરફથી સમાચારપત્રો કે સોશિયલ મીડિયામાં મોટા પાયે વિરોધ થયાનું જાણ્યું નથી. બીજું કે, જે લોકો પહેલા તીવ્ર વિરોધ કરતા હતા એવા વાલીઓ પણ લાંબો સમય પોતાના સંતાનોને ઘરમાં સાચવી રાખવામાં થાકી ગયા છે! સ્પર્ધાત્મક યુગમાં તેઓ પણ હવે વિચારવા માંડ્યા છે કે આ રીતે પણ જો થોડું ઘણું ભણાતું હોય તો એમાં વાંધો શું કામ હોવો જોઈએ? અને કોરોના મહામારીથી આખી દુનિયાના ઘણા વિકાસશીલ દેશોએ શિક્ષણના વર્તમાન વિકલ્પ તરીકે ઓનલાઈન વ્યવસ્થા પર ભરોસો મૂક્યો હોય તો આપણે પણ શા માટે પાછળ રહેવું જોઈએ.

વર્તમાન પરિસ્થિતિમાં જે મુશ્કેલી છે તે જ સંસાધનોની અછત અને તાલીમના અભાવની છે. આ બંને એક-બે વર્ષમાં દૂર થશે જ. કોરોના મહામારી ચાલી જવાની છે. પણ શિક્ષણમાં ઓનલાઇનનો નવો અવતાર જરૂર રહેવાનો છે સમજજો. તેથી ભવિષ્યમાં શાળાઓની વ્યવસ્થામાં પણ બદલાવ આવે તો નવાઈ નહીં પામતા. શક્ય છે આવનારા થોડા વર્ષોમાં માધ્યમિક થી ઉપરનું બધુ જ સૈદ્ધાંતિક શિક્ષણ ઓનલાઈન થઈ જશે, શાળા-કોલેજો માત્ર વ્યવહારુ (practical) પ્રવૃત્તિઓ માટે જ રહેશે! આને કારણે સમાજ વ્યવસ્થા પણ બદલાશે જ. ઘરોમાં એક જગા ‘online’ માટે જ હશે! આ સંદર્ભમાં google trendનો જે રિપોર્ટ છે તેના આંકડાનો સંદર્ભ અહીં ટાંકીને વાત પૂરી કરીએ.

મિત્રો, છેલ્લાં થોડા મહિનામાં ગૂગલ પર જે શબ્દોથી સર્ચ થયું છે તેમાં Learn online શબ્દમાં 85 %, Teach online શબ્દમાં 148%, At home Learning શબ્દમાં 79% અને Classes online શબ્દમાં અધધ 300%નો વધારો નોંધાયો છે! આ બતાવે છે કે ભારત સાથે દુનિયાભરમાં નવી રીતે ભણવાનો યુગ શરૂ થયો છે. આપણે જાતને તૈયાર કરીશું?

          E-mail: patel_vijaym@yahoo.com

Friday, 19 June 2020

ઓનલાઇન શિક્ષણ: સરકાર કો ભી કન્ફ્યુઝન!

                કોરોના મહામારીના આગમને દેશ અને દુનિયાના સમગ્ર અર્થતંત્રને લોકડાઉનની સ્થિતિમાં મૂકી દીધું છે ત્યારે ભણનારાઓ આમાંથી મુક્ત કઈ રીતે રહી શકે? દુનિયામાં અંદાજે ૭૦ ટકા વિદ્યાર્થીઓ કેદ થયા છે. એકલા ભારતમાં જ નર્સરીથી લઈને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીની શાળાના લગભગ ૩૨ કરોડ વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં બંધ થઈ ગયા છે. આને કારણે વિદ્યાર્થીઓ પર આધારિત શૈક્ષણિક સંસ્થાઓને માટે સામાજિક અને આર્થિક ખર્ચનો બોજ આવી પડ્યો છે. અનુમાન છે કે આવનારા સમયમાં અધવચ્ચેથી શાળા છોડી જનારાઓ(ડ્રોપ-આઉટ)ની સંખ્યા વધશે, જે બાળમજૂરીની સમસ્યાને પણ વધુ વિકટ બનાવશે.

              આ ઉપરાંત, કેટલાક સામાજિક દુષણોમાં પણ ભારે ઉછાળો આવ્યાનું જણાયુ છે. જેમાં બાળકો પર હિંસા-અત્યાચાર, તણાવ કે તીવ્ર આવેગ અને નાની વયે ગર્ભાધાનનો સમાવેશ થાય છે. બીજી તરફ શિક્ષણવિદો પ્રણાલિકાગત શિક્ષણ પદ્ધતિ ચોક એન્ડ ટોક તરફથી ઓનલાઇન તરફ જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાની વ્યવસ્થાએ ઘણાની માનસિક સ્થિરતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનશૈલી વચ્ચેની લક્ષ્મણરેખા ડામાડોળ થઇ છે!


                સરકાર દ્વારા 2012-13માં સ્થાપિત મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ UDISE (Unified District Information System for Education)ના આંકડા મુજબ શાળા કક્ષાએ ભારતમાં 15 લાખ શાળાઓ, 25 કરોડ વિદ્યાર્થીઓ અને 94 લાખ શિક્ષકો છે અને 5૦,૦૦૦ જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. આવા સંજોગોમાં શિક્ષણને પ્રત્યક્ષ (ભૌતિક) સ્વરૂપમાંથી ઓનલાઇન (ડિજિટલ) સ્વરૂપ તરફ લઈ જવું એ મોટો પડકાર છે. આ માટે સરકાર તરફથી જે પ્રયત્નો થઇ રહ્યા છે તેના તરફ એક દ્રષ્ટિપાત કરીએ.

                UGC અને MHRD જેવા રાષ્ટ્રીય કક્ષાના વિભાગો ઇ-બુક્સ, -જર્નલ્સ કે ઓડિયો-વીડિયો દ્વારા શિક્ષણ માટેની તૈયારીમાં વ્યસ્ત છે.  સરકાર દ્વારા સ્વયંપ્રભા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં ઉચ્ચકક્ષાની 32 શૈક્ષણિક ચેનલો શરૂ થશે, જે 24 કલાક DTH દ્વારા ઘરબેઠા શિક્ષણનું કામ કરશે. આ ચેનલોને શૈક્ષણિક સાહિત્ય કે સામગ્રી IIT, UGC અને NCERT દ્વારા તૈયાર કરીને પહોંચાશે. દેશમાં ઓછી જાણીતી એવી NLDI (National Digital Library of India)દ્વારા પુસ્તકો અને જર્નલને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ વિચારણા હેઠળ છે. પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ માટે વર્ચ્યુઅલ લેબના પ્લેટફોર્મ્સ પણ ઉભા કરવા વિચારાઈ રહ્યું છે.

                ભારત જેવા દેશમાં ઇન્ટરનેટનો પ્રવેશ હજી 36% વિસ્તારમાં જ થયો છે. અને દર 100 વ્યક્તિઓમાંથી 78 વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે (ચીનમાં આ આંકડો તો 99 જેટલો છે!) કાયમી ધોરણે બ્રોડબેન્ડ કનેકશન ધરાવનારા આપણે ત્યાં હજી 1.3 4ટકા છે અને 46 ટકા ઘરોમાં ટેલિવિઝન જ શિક્ષણનું માધ્યમ છે. આવા સંજોગોમાં દૂરસ્થ શિક્ષણ મોટો પડકાર છે. આ ઉપરાંત સ્થાનિક વીજળીની અસુવિધા, સાધનસામગ્રીનો અભાવ અને વિદ્યાર્થી-શિક્ષકોની નબળી ડિજિટલ સ્કીલ જેવા પરિબળો પણ આમાં મોટા અવરોધક પરિબળો છે..

                લગભગ બે મહિનાના લોકડાઉન બાદ હજી બે મહિના સુધી શાળાઓ શરૂ કરવાના સંજોગો ઉપસ્થિત થાય તેમ જણાતું નથી ત્યારે સરકાર સામે મોટો પડકાર એ છે કે અભ્યાસક્રમ ઘટાડીને પણ કઈ રીતે શિક્ષણ શરૂ કરી શકાય. મોટા અને મધ્યમ કદના શહેરોમાં કેટલીક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ માટેના પ્રયત્નો કરી રહી છે પણ નાના શહેર અને તાલુકા કક્ષાના કેટલાયે માબાપો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નથી. તેથી ત્યાં તો તેઓ શાળા દ્વારા અપાતા સાહિત્ય કે માર્ગદર્શન પર જ આધારિત રહેવાના છે. ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને તુલનામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં વધુ વેઠવાનું આવશે.

                જો કે હાલમાં જેનું ચલણ વધ્યું છે એ ઓનલાઈન શિક્ષણમાં ઘણી મર્યાદાઓ રહી છે. સૌથી પહેલી તો, દૂર રહીને વિદ્યાર્થીઓની ગતિવિધિઓને માપવા (મૂલ્યાંકિત) કરવા માટેની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ જ નથી. મતલબ ઘણું ખરું એક તરફી અને નિશ્ચિત દિશા વિનાનું થઈ રહ્યું છે. બીજી મર્યાદા, એ કે જે વિદ્યાર્થીઓ નિયમિત વર્ગોમાં પણ પોતાને એકાગ્ર કરી શકતા નહોતા તેઓ આ શિક્ષણને પણ ગંભીરતાથી લેશે નહીં. એટલે આવા વિદ્યાર્થીઓ સહિત અન્યોને માટે પણ સ્વયં શિસ્ત, પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શનની ઊંચી માંગ શિક્ષણ જગતમાં રહેવાની.

                થોડા સમય પહેલા MOOC પ્લેટફોર્મ પર ઓનલાઈન ભણનારાઓ વિશે અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ આ પ્લેટફોર્મ પર 2012-2018 દરમિયાન હાર્વર્ડ અને MIT યુનિવર્સિટીના 5.64 મિલિયન વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આશ્ચર્યની વાત એ જણાઈ હતી કે આમાંથી પાંચ ટકા કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ જ પોતાનો કોર્સ પૂર્ણ કરી શક્યા હતા! આનો ગર્ભિત અર્થ એ થાય કે શિક્ષકોના યોગ્ય અને સાતત્યપૂર્ણ નિયમિત માર્ગદર્શન વિના ઓનલાઇન શિક્ષણની દુનિયામાં વિદ્યાર્થીઓ ગોઠું જ ખાય છે.

                દેશના લથડી પડેલા અર્થતંત્રને પાટે ચડાવવા માટે તો `આત્મનિર્ભર ભારત`નો સંકલ્પ સરકારે આપ્યો છે. પણ શિક્ષણમાં આત્મનિર્ભર કેવી રીતે થવાશે એ બાબતે સરકાર પોતે જ દ્વિધામાં છે. કુદરતી આપત્તિ સમયે જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટુકડી ઉપલબ્ધ હોય છે તેમ શિક્ષણમાં પેદા થતી આવી કટોકટી સામે હજી સુધી તો કોઈ બચાવ ટુકડી સરકાર પાસે નથી. હવે નીતિવિષયક અને અમલ યોગ્ય એમ બંને પ્રકારના નિર્ણયો સરકારે લેવા રહ્યા.

                તેની સાથે દેશના શિક્ષકોને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવા પડશે. શિક્ષકોને તૈયાર કરનારી સંસ્થાઓએ સ્વયં પોતાના અભ્યાસક્રમ દ્વારા, ભાવી આકસ્મિક લોકડાઉનની આફત સામે કામ આવે તેવી આવડતો શીખવવી પડશે. પોતાનું ઇમેલ એકાઉન્ટ નહીં ધરાવનારા શિક્ષકોની સંખ્યા પણ આ દેશમાં ખૂબ મોટી છે, તો પછી આવા લોકો વિડીયો બનાવવા, ડિજિટલ સાહિત્ય તૈયાર કરવામાં કે બ્લેકબોર્ડ વિના ભણાવી શકવામાં સફળ થશે ખરા? ભણાવવા કે શીખવા ઉપરાંત મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા (કે સમજ્યા) તેના મૂલ્યાંકનનો પણ છે.

                જોકે આ માટેનો ઉપાય વિદ્યાર્થીઓ દ્વારા રજુ થતા ઓપનબુક એસેસમેન્ટ, ઓનલાઇન પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા વગેરે જેવી પ્રયુક્તિઓનો છે જેનાથી વિદ્યાર્થીઓની નબળાઈ અને ક્ષમતાઓનો અંદાજ મેળવી શકાય છે. દુનિયાના વિકસિત દેશો કરતાં ભારત જેવા ગીચ વસ્તીવાળા વિકાસશીલ દેશની વસ્તીને શિક્ષિત કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે હવે તે સમૂળગી જ બદલાઈ ગઈ છે સમજો. હમણાં તો એ દિશામાં સરકારની ભાવિ યોજનાઓ અને પ્રોત્સાહક નીતિ પર સૌની નજર મંડાયેલી છે. આ લખાય છે ત્યાં સુધી નવા સત્રમાં શું અને કેમ કરવાનું છે તે જણાવ્યું નથી. એટલે ત્યાં સુધી સંચાલકો, આચાર્યો, શિક્ષકો, કોચિંગ ક્લાસીસ વગેરે પોતાની રીતે તૈયારી કરવામાં પડ્યા જ છે તો તેમને પણ ચાલવા દઈએ. ખરું ને?

ડૉ. વિજય મનુ પટેલ 


Friday, 29 May 2020

My research's outputs!

 
મિત્રો,
કોરોના મહામારીના લોકડાઉનમાં સમગ્ર ભારત અને ગુજરાતના લોકો કેદ થયેલા હતા ત્યારે માર્ચ-એપ્રિલ-મે-2020ના લોકડાઉનમાં શિક્ષકોની અને લોકોની મન:સ્થિતિને સમજવા માટે મેં બે ડિજિટલ સર્વે હાથ ધર્યા હતા. જેના પરિણામો આપની સાથે અહીં Share કર્યા છે. 



1- લોકડાઉનમાં શિક્ષકોની મન:સ્થિતિ

આ સર્વેક્ષણના તારણો પરથી સંશોધક તરીકે મારા વિચારો:      

 

  •  મોટાભાગના શિક્ષકોનો સૌથી વધુ સમય મોબાઈલ-કમ્પ્યુટર સાથે ગયો છે. ભવિષ્યમાં શિક્ષકોની આ સાધનો સાથેની વ્યસ્તતા વધી શકે છે.

  •   મોટાભાગના શિક્ષકો ફુરસદના આ સમયમાં પોતાના વિષયની નોટ્સ બનાવવા કે ઘરકામથી વિશેષ કશું કરી શક્યા નથી. નિરાશાજનક સ્થિતમાં મોટાભાગના શિક્ષકો સર્જનશીલ બની શક્યા નથી.

  • .  શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચેનો ટેલિફોનિક સંવાદ સાવ નજીવો જણાયો હતો. ઓનલાઈન શિક્ષણ બાબતે પણ ઉત્સાહજનક પ્રતિભાવો બહુ ઓછા મળ્યા હતા. વારંવારના કે લાંબા લોકડાઉનથી વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેના સંબંધો શિથિલ બની શકે છે.

આ સર્વેના અભિપ્રાયોના પરિણામ (ચાર્ટ) જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો!

https://docs.google.com/presentation/d/1HPpJ2Lo3tY1VxHbssWo1mVRTHOGwqNcvtFD9Hnn-arE/edit?usp=sharing

2-લોકડાઉન 2020માં લોકોની મન: સ્થિતિ


સામાજિક સર્વેક્ષણના તારણો પરથી સંશોધક તરીકે મારા વિચારો:
  • 1-   મોટાભાગના લોકોનો સૌથી વધુ સમય મોબાઇલમાં વીત્યો છે. ભવિષ્યમાં આની વ્યસ્તતા ઝડપથી ઘટશે નહીં બલ્કે વધી શકે છે!
  • 2-   ફુરસદના આ સમયમાં વાંચન આકર્ષક પ્રવૃત્તિ જણાઈ નથી!
  • 3-   એકંદરે મોટી વસ્તી માનસિક હતાશાનો શિકાર બની છે. એને કારણે ઘણા લોકોની નિર્ણય લેવાની શક્તિ કુંઠિત થશે અથવા ખોટા નિર્ણયો લેવાશે!
  • 4-   ભલે સીધી રીતે કેટલાક અનિષ્ટોને સમર્થન નથી છતાં માનસિક હતાશા, વ્યસન, કંકાસ, ચોરી-લૂંટફાટ, બળાત્કાર કે આપઘાત જેવી સામાજિક સમસ્યાઓમાં ઉછાળ આવી શકે છે!
  • 5-   આરોગ્ય બાબતે સભાનતા આવે તેની સાથે ધીરજ, ઈમાનદારી અને સાદગી જેવા જીવનમૂલ્યો વધુ સુખી જીવન આપશે!
  • 6-   લાંબા લોકડાઉનની આ સ્થિતિ સ્ત્રીઓ-પુરૂષોને લગભગ સરખી રીતે લાભ-ગેરલાભનો અનુભવ આપનાર જણાઈ હતી.
  • 7-   એવો ભય અસ્થાને નથી કે ભવિષ્યમાં સામાજિક અંતર હૈયા વચ્ચેના અંતરને પણ ઘટાડી દે!

આ સર્વેના અભિપ્રાયોના પરિણામ (ચાર્ટ) જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો!

https://docs.google.com/presentation/d/1jAznISWuMzUhjS3ufLlwcSnPPY_OARFKU56zjtPpGpo/edit?usp=sharing

Monday, 25 May 2020

ઈન્ટેલિજન્સ નહીં, ઇમ્યુનિટીવાળા જીતશે!

                 આપણે ત્યાં અને દુનિયાભરમાં, જેનો બુદ્ધિઆંક વધારે હોય તેવા વિદ્યાર્થીઓ બધા જ શિક્ષકો અને આચાર્યના લાડકા બની જતાં હોય છે, ખરું ને? સાદી ભાષામાં આપણે જેને હોશિયાર કે ટોપ કક્ષાના વિદ્યાર્થીઓ ગણતા હતા તેઓની બોલબાલા અન્ય કરતાં વધારે જ રહેતી. શિક્ષકો, આચાર્ય અને મા-બાપ પણ આવા વિદ્યાર્થી કે સંતાન માટે બહુ અધીરા અને આશાવાદી રહેતા. બોર્ડ જેવી જાહેર પરિક્ષાના પરિણામોમાં ટોપ રહેવા માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ માત્ર આવા વિદ્યાર્થીઓ પર જ ધ્યાન આપતી. તેથી અભ્યાસમાં સરેરાશ કે નબળા બાળકો અને તેમના વાલીઓ હંમેશાં લઘુતાનો ભાવ અનુભવતા.

                શક્ય છે હવે શાળાઓમાં આ સિનારિયો પણ બદલાશે. હોશિયાર કે વધુ ટકાવાળા નહીં પણ સારી રોગ પ્રતિકારકશક્તિવાળા વિદ્યાર્થીઓની બોલબાલા વધશે. આવા વિદ્યાર્થીઓ ભલે અભ્યાસમાં સરેરાશ હશે તો પણ આવનારા સમયમાં તેમના ગુણપત્રકને બદલે તેમની તંદુરસ્તી કે રોગ પ્રતિકારક વિશેના માપદંડો ધ્યાનમાં લેવાશે. અત્યારે ભલે આ થોડું અજુગતું કે વધારે પડતું પણ લાગતું હશે પણ ભવિષ્યમાં આ હકીકત બને તો નવાઈ ન પામતા. કોરોના મહામારીએ તંદુરસ્તીની વ્યાખ્યા પણ બદલી કાઢી છે. આશ્ચર્ય એટલે થશે કે આરોગ્યમાં શ્રેષ્ઠ ગણાતા સ્પેન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો આ મહામારીમાં ધરાશયી થઇ ગયા. એટલે તમને જરૂર દિલ હે કે માનતા નહીં જેવી લાગણી થશે જ.

             

  

            આ પરિસ્થિતિ આશ્ચર્યજનક પણ છે કેમ કે આ હેલ્થ ટોપર્સ દેશોમાં જ સૌથી વધુ જાનહાનિ થઈ છે (જો કે હવે પછી વિકાસશીલ દેશો જાનહાનીમાં આગળ નીકળી જાય એમ બને). આ આફતમાં દવાની શોધ બાબતે દુનિયામાં અગ્રિમ એવા અમેરિકા અને કેનેડા પણ હાંફી ગયા છે. એટલા માટે જ વિશ્વમાં હવે intelligence કરતાં immunity નું મહત્ત્વ વધવાનું નક્કી છે. આ વાતથી શિક્ષણનું ક્ષેત્ર પણ વંચિત કેવી રીતે રહી શકે?

હેલ્થ ટોપર્સ ગણાતા વિકસિત દેશો આરોગ્ય સુવિધા, આરોગ્ય સંશોધન, સ્વચ્છતા અને આરોગ્ય શિક્ષણ (જાગૃતિ) બાબતે સર્વોચ્ચ એવા દેશો છે. આવા દેશોના લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વિકાસશીલ દેશો કરતાં ઊંચું છે. તેઓ બેક્ટેરિયા, ફૂગ કે મોટાભાગના વાયરસ સામે લડવા સક્ષમ છે અને હતાં જ. પરંતુ આ નવા કોરોના વાયરસે એમના આ સુરક્ષા કવચને પણ ભેદી કાઢ્યું છે. આ કુદરતી કે માનવસર્જિત વાઇરસની સામે એવા લોકો ટકી શક્યા છે જેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહી છે. આ સંદર્ભમાં જ સમગ્ર દુનિયાની માનવ વસ્તીએ સ્વીકારવું પડ્યું છે કે અત્યાર સુધી જે હતું તે પૂરતું નહોતું.

તો મતલબ સાફ છે કે સમગ્ર માનવજાતને જોવાની દૃષ્ટિમાં પણ ફર્ક આવવાનો. કોઈ વ્યક્તિના રૂપ, રંગ. દેખાવ, જાતિ અને ધર્મને બદલે મજબૂત રોગપ્રતિકારકશક્તિવાળી વ્યક્તિ જ હવે સૌ કોઈની પહેલી પસંદગી બનશે, દરેક દેશ એવા વિદ્યાર્થીઓને જ પોતાના દેશમાં ભણવા માટે પ્રવેશ આપશે જેની પાસે ઇમ્યુનિટી પાસપોર્ટ હશે. વિદ્યાર્થીઓ જ શું કામ? પ્રવાસાર્થીઓ, મુલાકાતીઓ કે ધંધાર્થીઓએ પણ હવે બે પાસપોર્ટ રાખીને જ ફરવું પડશે! વિદેશ પ્રવાસ તો ખરું પણ પોતાના જ દેશમાં રહેવા-ફરવા માટે હવે માત્ર બાહ્ય શારીરિક જ નહીં પણ અંદરની શક્તિને પણ સમૃદ્ધ રાખવી પડશે.

ભારત જેવા ગીચ વસ્તીવાળા અને અપૂરતી ડોક્ટરી સુવિધાવાળા દેશને કોરોના મહામારીએ મોટો પડકાર ફેંક્યો છે. લાંબા lockdownને કારણે પર્યાવરણ સ્વચ્છ થયું છે તેથી ગંદકીને કારણે ફેલાતા રોગોમાં ઘટાડો થયો છે, પણ તેનો મતલબ એ નથી કે આપણો હેલ્થ ઇન્ડેક્ષ ઉંચો થઇ જશે! આયુર્વેદશાસ્ત્ર આપણી પાસે છે છતાં તે સર્વસ્વ કહી ન શકાય. દેશી અને વિદેશી એમ બંને ઉપચાર પદ્ધતી દ્વારા ભારતીય નાગરિકોની રોગ પ્રતિકારકશક્તિ કઈ રીતે વધારવી એ હવે સરકારી તંત્રનો અને પ્રજાનો પણ પ્રશ્ન બનવો જોઈએ કેમ કે, વાયરસની સામે લડવાની રસી ઝડપથી શોધાતી નથી અને જો એ મળી જાય પછી પણ બીજા ખતરનાક વાયરસ ન આવે તેની ખાતરી છે ખરી? કદાચ એ કોઈ જ આપી શકે તેમ નથી.

આ સ્થિતિમાં જે રામબાણ ઈલાજ છે તે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવાનો જ છે. શાળા- કોલેજમાં દાખલ થતાં પહેલાં જ હવે તેની બોલબાલા શરૂ થશે. કદાચ બાળક જન્મના સમયથી જ પ્રતિકારશક્તિ સાથે આરોગ્યનો વિષય હવે ચર્ચિત વિષય બનવાનો છે. નબળી રોગ પ્રતિકારકશક્તિવાળી વ્યકતિએ ક્યાં ક્યાં સહન કરવું પડી શકે છે તેની વાત પણ કરી લઈએ. વારંવાર શરદી, ફ્લૂ, તાવ જેવી બીમારીમાં સપડાવાથી જે તે વ્યક્તિ સાથે તેની આસપાસ રહેનારા લોકો જ એક પ્રકારનું અંતર રાખતા થઇ જાય એવું બને. આ અંતર મુલાકાત-ચર્ચા કે મિલન પ્રવૃત્તિઓના કાપ (ઘટાડા) સાથેનું પણ હોઈ શકે છે.

જો આવા વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં હશે તો વારંવારની ગેરહાજરી તેને અન્ય વિદ્યાર્થીઓથી તો દુર રાખશે જ પણ શારીરિક-માનસિક અભ્યાસકીય પ્રવૃત્તિમાં પણ તેને નબળા પુરવાર કરશે. કોલેજના શિક્ષણ બાદ નોકરી કે વ્યવસાય પસંદગીમાં પણ નબળી રોગપ્રતિકારક શક્તિ અવરોધ બની શકે છે. સતત ઠંડા કે ગરમ વાતાવરણમાં કામ કરવામાં શરીર લાંબો સમય સાથ ન આપે તો તેવી નોકરી કે વ્યવસાય પણ છૂટી શકે છે. સંક્રમિત થવાનું જ્યાં સૌથી વધુ જોખમ છે એવી હોસ્પિટલ, લેબોરેટરી, સંશોધન સંસ્થાઓ કે કેટલાક પ્રકારના જોખમી એકમોમાં કામ કરવા માટેની તકો પણ છીનવાઇ શકે છે.

આવા લોકોને સામાજિક પ્રસંગો મેળાવડાઓમાં અસ્પૃશ્યતા જેવો ભાવ અનુભવાય તો નવાઈ નહીં. કોઈપણ પ્રકારના પ્રદુષણો સામે લડવાની ક્ષમતાવાળું શરીર બનાવવા માટે માત્ર જિમ જવાથી કામ નહીં ચાલશે. વ્યસનોથી દૂર રહેવું પડશે, વારંવાર junk foods કે કોલ્ડડ્રિન્કના ઉપયોગ કરનારાઓએ પોતાની આહાર-વિહારની આદતોને બદલવી જ પડશે. આવું જ માંસાહાર કરનારાઓએ પણ વિચારવાનું રહેશે. સમતોલ પૌષ્ટિક આહારને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી હવે રસોડામાં ઉતારવો પડશે કે અમલમાં મૂકવો પડશે. વાંચ-વાંચ કે લખ-લખ કરવાથી જ હવે પરીક્ષાઓનો જંગ જીતાશે નહીં. હવામાનના ફેરફારો સામે અડીખમ રહે તેવા શરીર માટે વિદ્યાર્થીઓ પોતાને તૈયાર નહીં કરશે તો ભવિષ્યની અનેક તકો તેમને માટે ધૂંધળી થશે એ નક્કી છે.

 પહેલું સુખ તે જાતે નર્યા અને Health is wealthને હવે ઉંચાઇ, વજન કે શારીરિક બાંધા ની દ્રષ્ટિએ જ નહીં પણ ઊંચી રોગ પ્રતિકારકશક્તિથી પણ જોવી પડશે. યે અંદર કી બાત હૈ, સમજ્યા?!

E-mail: patel_vijaym@yahoo.com

     

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...