Sunday, 26 October 2014

તહેવારો નહીં, આપણે શુષ્ક બની રહ્યાં છીએ..!



                  એક નિ:સાસો સંભળાયો, દિવાળીમાં હવે કઈં રોમાંચ નથી લાગતો. બીજાએ સૂર પુરાવ્યો હતો, હા યાર, બધુ શુષ્ક લાગે છે આ વખતે. અનુભવ એવો હતો કે ફટાકડા ઓછા સંભળાતા હતા, બજારોમાં માત્ર સાંજ સિવાય ખાસ ગિર્દી નહોતી દેખાતી. શેરી-મહોલ્લામાં પણ પાંચ દિવસમાં માંડ એકાદ દિવસ થોડી ચહલપહલ જણાઈ હતી. માત્ર પેલા જેવા થોડા લોકોએ જ પોતાની અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરી હશે, જ્યારે ઘણા બધાએ તહેવારોના ઓસરતા ઉત્સાહને મનમાં જ દબાવી રાખ્યો હતો.
                કેમ આવું થયું હશે? આ પ્રશ્નનો ઉત્તર એક ન જ હોઈ શકે. ઘણાં બધા હશે. કોઈ મોંઘવારીને તો કોઈ મંદીને આ માટે જવાબદાર ગણતું હશે. બીજા કેટલાકે પર્યાવરણ ફેરફારના કારણને આગળ ધર્યું હશે. શક્ય છે કે કોઇકે આજના શિક્ષણને પણ આવી શુષ્કતા માટે જવાબદાર ઠેરવ્યું હોય! એટલે જ આ પ્રશ્નના અનેક ઉત્તરો મળવાના. બધામાં થોડી થોડી સચ્ચાઈ પણ હશે, છતાં એક પરિવર્તન મને જે જણાયું છે તે વિશે કહું તે પહેલા થોડા વર્ષો પહેલાની દિવાળીને યાદ કરીએ.


                મને યાદ છે કિશોરાવસ્થામાં મેં મારી ઘણીખરી દિવાળીઓ શહેરને બદલે ગામડામાં ઉજવી હતી. ઘરમાં બધા જમીને પરવારે એટલે અમે ફટાકડા ફોડવાની પ્રતિક્ષામાં બેસી જતાં. બા, કાકા, કે કોઈ વડીલ આવીને ફટાકડા ભરેલી ટોપલી લાવે એટલે અમે ટોળે વળી જતાં! (આખી ટોપલીમાં કેટલા રૂપિયાના ફટાકડા હતા એમ તમે પૂછો તો કહું કે આશરે દોઢસો રૂપિયાના! તેય આખી દિવાળીના!) જે વડીલ હોય તે તનકતારાનું પેકેટ ખોલેને તેમાથી બે-ત્રણ તનકતારા, એક સાપની ડ્બ્બી, એક બપોરિયાની માચીસ, બે કોઠી, બે ચકરડી, એક(મગિયા) ફટાકડાની લૂમ... બસ આટલું બધાને વહેંચી આપે. અમારે હૈયે ખુશી તો સમાય નહી! દિવેલ પૂરેલો દીવો લઈને બારણે બેસી જતાં. વડીલો ઓટલા પર બેસે ને અમે ફટાકડા ફોડવાનું ચાલુ કરતાં. કોઠી-ચકરડી તો ઘડીમાં ખતમ થઈ જાય. પછી મગિયા ફટાકડાની લૂમ આખી ફોડવાને બદલે એક-એક ફોડતા અને તેય લાકડીમાં ફેરવીને! વળી, નહી ફૂટેલા ફટાકડાને ભેગા કરીને તેની અંદરના પાઉડર(દારૂ?!)ને એક કાગળ કે કોઠીમાં ભરીને સળગાવવાના ખતરનાક પ્રયોગો કરતાં! વીસ-પચીસ મિનિટમાં આ બધો કાર્યક્રમ પૂરો થઈ જતો. નવ વાગે એટલે સૂઈ જતાં! નવું વર્ષ હોય તો ચાર વાગ્યે ઊઠીને થોડા મગિયા ફટાકડા ફોડીને ન્હાઈ-ધોઈ બધાના ઘરે સાલમુબારક કહેવા નીકળી પડતાં. એમાં કેટલીક જગ્યાએથી એક-બે રૂપિયાની કડકડતી નોટ મળતી એનો આનંદ શબ્દોમાં બાંધી શકાય તેમ નથી જ!
                અને હા, દિવાળીના દિવસે આખા ગામના બાળકો અને વડીલો પાદરે મેડિયા(સળગતા દીવાને શેરડીના સાંઠામાં મૂકીને લઈ જવાની પરંપરા) લઈને નીકળતા ત્યારે મશાલ રેલી જેવુ દ્રશ્ય રચાતું. પાદરે ભેગા થતાં એ ત્રણસો માણસો પણ કુંભમેળાની માનવ મેદની જેવા વિશાળ લાગતાં. તળાવને કિનારે મેડિયા ખોસીને થોડા ફટાકડા અને રોકેટ(હવાઈ!) ઉડાડવાનો નજારો આજની દુનિયામાંથી ગૂમ થઈ ગયા છે, ગામડામાંથી પણ!
                કહેવાય છે કે શહેરની દિવાળી વધારે ભપકાદાર હોય છે. પણ શહેરોમાં ઘણાં વર્ષોથી રહેવા છતાં કોઈ દિવાળી અવિસ્મરણીય બની શકી નથી. અહીં કુટુંબદીઠ કદાચ દોઢસો નહી, દોઢ હજારનું દારૂખાનું ફૂટે છે, પણ એકલા એકલા જ ફોડવું પડે છે. દીવાઓને બદલે આધુનિક જમાનાની લાઇટ્સનો ઝગમઘાટ ફેલાય છે. થોડીઘણી રંગોળીઓ સજાવાય છે પણ માણસો પોતાના આંગણાથી બહુ બહાર જતાં નથી! નવા વર્ષે વહેલા નહી, મોડા ઉઠવાની રસમ હોય છે. એકબીજાને મળવા માટે કોઈ ખાસ આતુરતા હોતી નથી, ઊલટું, આવી ઝંઝટમાંથી બચવા માટે લોકો પ્રવાસમાં ઉપડી જાય છે!
                જે પરિવર્તનની વાત મેં કરી છે તે આ છે. શેરી-ગલી-મહોલ્લાઓ શુષ્ક એટલે બની ગયા છે કે માણસ હવે સંકોચાઈ ગયો છે! પોતાની દુનિયામાં સંબંધો વિકસાવવા કે વધારવાને બદલે તેણે તેમાં ધરખમ કાપ મૂકવા માંડ્યો છે. એને હવે સ્નેહીજનો, પાડોશીઓ, મિત્રો કે અપરિચિત વ્યક્તિઓ સાથે હાથ મિલાવવામાં, નમન કરવામાં કે ગળે મળવામાં કોઈ લાભ નથી દેખાતો! લાભ વિનાની કોઈપણ રીતરસમને આપણે શિષ્ટાચારમાંથી બાકાત કરી દીધી છે. એટલે આપણને દિવાળી જ નહીં, બધા તહેવારો શુષ્ક લાગવા માંડ્યા છે. સમૂહમાં રહેવાને આપણે ઝંઝટ સમજવા માંડ્યા છે. આજુબાજુવાળાઓ સાથે વસ્તુઓને વહેંચવાનું તો આપણે બંધ કરી જ દીધું છે, વિચારોને વહેંચવામાં પણ આપણે ગણતરીબાજ થઈ ગયા છીએ!
                જે શાણા-સમજુ લોકો સામાજિક સંબંધો જાળવવામાં માને છે તેઓને માટે દિવાળી જેવા દિવસોમાં ઘરે રહેવું જેલ જેવુ બની રહ્યું છે. કેમ કે, હવે માંડ બે-પાંચ જણા મુલાકાતે આવે છે. એકલપણાની દુ:ખદ અનુભૂતિ આનાથી વધુ શું હોઇ શકે? એકાદ આવા અનુભવ પછી આવા સમજુ લોકો પણ ખિન્ન હ્રદયે ઘર-સમાજથી દૂર નીકળી જવાના આયોજનને જ બહેતર વિકલ્પ માનવા માંડે છે. હા, સ્ત્રી-પુરુષ બેઉ કમાનાર હોય ત્યારે સ્ત્રીઓ સ્નેહમિલન, આગતા-સ્વાગતા કરવામાંથી છટક્વા માટે વધુ પ્રબળ ઇચ્છા ધરાવતી હોય એ શક્યતાને નકારી શકાતી નથી. જે હોય તે માણસોમાં આવેલા આ પરિવર્તનને લીધે શહેરો ખાલી ખાલી અને પર્યટન સ્થળો ભરેલા ભરેલા થઈ જાય છે. રોજિંદા સમયમાં માણસોને શાંતિથી એકબીજાને મળવાની ફૂરસદ હોતી નથી, ને જ્યારે ફૂરસદ હોય છે ત્યારે માણસો એકબીજાથી દૂર જવા લાગે છે. કેવી વિડંબણા કહેવાય! આમ, એકબીજાને મળવાનું(જન્મ-મરણ-લગ્ન સિવાય!)  લગભગ ઓછું થઈ રહ્યું છે તેથી નિ:સાસો નીકળી જાય છે, આ વખતે કઇં તહેવાર જેવું લાગતું નથી,યાર!
                આર્થિક સમૃદ્ધિ વધે તેની સાથે સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનો પણ આવે જ એ સત્ય છે. ફટાકડા ઓછા ફૂટે તો પર્યાવરણને ફાયદો જ છે. પણ માનવ-માનવ વચ્ચેનું અંતર વધે તો તે સુખ-સમૃદ્ધિનો અનુભવ કરાવી શકે ખરો? મારી એક વ્યંગ કવિતાથી સમાપન કરીએ.
આમ જુઓ કે તેમ-
માણસ જ માણસ.
કયાં છે તોયે માણસ?
આ તે કેવું ફારસ?
સપનું એક સંભળાવી ગયું રસ્તામાં,
કેટલું સસ્તામાં!
માણસ જ માણસ.
લાલ, ભૂરા, લીલા, પીળા,
મેઘધનુના રંગો જેવા.
એવા મઝાના મીઠાં મીઠાં
દીઠે કેવા સરસ!
તોયે કયાં છે માણસ?
ટોળામાં એકલપંડો માણસ,
એકલતામાં શૂન્ય....
પીળો પીળો ખરી પડેલો માણસ.
હુંયે માણસ વિનાનો માણસ?!

-ડૉ. વિજય મનુ પટેલ (27/10/14 ગુજરાત ગાર્ડિયનની 'શિક્ષણ સુત્ર' કૉલમમાં છપાયેલ લેખ)

Tuesday, 19 August 2014

My Interview

મિત્રો,

થોડા વર્ષો પહેલા શાળાના ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓએ નક્સલવાદ પરના એક પ્રોજેકટ કાર્ય માટે મારો ઇન્ટરવ્યુ લીધેલ જે આપની સમક્ષ અવલોકનાર્થે મૂક્યો છે. જુઓ ત્યારે....

Saturday, 17 May 2014

હે નવી સરકાર! ગદ્દાર નહીં, વફાદાર રહેજે..!

             આ વખતના ચૂંટણી પ્રચારમાં નેતાઓએ પોતાની ભાષણબાજીમાં બ્રેડ પર બટર ઓછું લગાડ્યું અને મરચાવાળી ચટણી જ વધારે લગાડી હતી! પ્રજા માટે શું કરવાનું અને કેટલું કર્યું તેની વાત ને બદલે વ્યક્તિત્વના ડાઘા દેખાડવાની જ ચર્ચાઓ કર્યા કરી. મોટા મોટા વાયદાઓ કરવાનું માંડી વાળ્યું અને જે તે પક્ષે બીજા પક્ષોની સિદ્ધિ પર પાણી અને ઝાડું ફેરવવાનું વધારે કામ કર્યું!
             ચાલો જે થયું તે થયું. સરકાર તો બનવાની જ છે. આ લેખ પ્રકાશિત થશે ત્યારે કદાચ ભવિષ્યવાણી મુજબ ભાજપ અને સાથી પક્ષની સરકાર બની જ ગઈ હશે અને નરેન્દ્રભાઈની ટીમ ગાદી પર આવી ગઈ હશે. ઘણાં વર્ષો પછી ફરી સત્તા હાથમાં આવી હોય ત્યારે તેની ખુશી થાય એ સ્વાભાવિક છે પણ એમાં જો હરખપદૂડા થઈ ને ખોટાં નિર્ણયો કરવા માંડ્યા તો ‘અચ્છે દિન આનેવાલે હૈ’નો ભ્રમ એક મહિના પહેલાં જ તૂટી પડશે. એટલે જ આ લેખ એ શાસક પક્ષના બધા નેતાઓને શિખામણ આપવા જ લખ્યો છે. આમ તો એક કટાર લેખકનું ખાસ ગજું નહિ કે નેતાઓને રાતોરાત સુધારી કાઢે. છતાં આજે એ બધાને કહેવું જ છે.
              પહેલી વાત, જે પરિણામ આવ્યું છે તેનાથી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે એમ નહીં માનતા. ખરેખર તો હવે જ તેની શરૂઆત થઈ છે. જે હોદ્દો મળે તે સ્વીકારીને તેમાં શ્રેષ્ઠ પરિણામ બતાવજો. અને જો હોદ્દો ન મળ્યો હોય તોયે પક્ષમાં રહીને પ્રજા માટેના કામો કરવાનું છોડતા નહીં.
             બીજી વાત, હજૂરિયા-ખજૂરીયાવાળી ઉપાધી લાવતા નહીં! વડાપ્રધાનને વફાદાર રહેવાનુ નક્કી જ રાખજો. બૉસ ઈઝ ગ્રેટ અને બૉસ ઈઝ ઓલવેઝ રાઇટ એ તમને ખબર છે ને? તેમના નેતૃત્વમાં શંકા કરવાનું ટાળજો. તમારે પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવાનો છે એટલે તમારામાંના જ કોઈ સાથીમાં સ્વાર્થની ગંધ આવે તો તેને ‘લોકોની તાકાત’ની બીક બતાવજો. જો એમ ન માને તો કોઈ ચેનલવાળાને જણાવી દેજો!
             ત્રીજી વાત, લોકોએ તમને મોકલ્યા છે સુચારું શાસન માટે, વિકાસ દ્વારા ગરીબી-બેરોજગારી ઘટાડવા અને ભ્રષ્ટાચાર ઘટાડવા. તમારામાંના ઘણાને માટે આ બહુ અઘરું પડવાનું છે એ હું જાણું જ છું. પણ હવે તો છૂટકો જ નથી ને. ‘અચ્છે દિન આનેવાલે હૈ’ ની રેકર્ડ જે વગાડ્યા કરી છે! તમને જે સરકારી વેતન-ભથ્થાઓ અને અન્ય સુવિધાઓ મળે છે તેટલુંય ઘણુબધું હોય છે તેથી કોલસામાં, તેલમાં કે ધૂળ-ઢેફાંમાં હાથ મેલાં ન કરતાં હા..!
             ચોથી વાત, મને ખબર છે આ વખતે પ્રચારમાં કોઈ નેતાએ દેશની શાળા-કોલેજોના શિક્ષણની વાત નથી કરી. શિક્ષકોના ફિક્સ પગારનું શું કરશો કે કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓનું કેટલું વેતન કાપશો એ વિશે નરેન્દ્ર-રાહુલ બેઉ મનમોહનજીની જેમ મૌન જ રહ્યાં છે! ગામડામાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાના વિકાસ વિશે ભાવિ રણનીતિની કોઈએ વાત નથી કરી. ભલે, પણ ‘વિકાસ’માં આ બધુ જ આવી જાય છે એ ભૂલતા નહીં. માત્ર મોટા મોટા શહેરો જ નહીં, નાના નાના ગામડાઓનો ઉદ્ધાર કરવા માટે થોડો પરસેવો પાડજો. તભી તો અચ્છે દિન આયેંગે ના ?!
             પાંચમી વાત, એટલું હંમેશા યાદ રાખજો કે તમને સત્તા મળી છે તે તમારી મહેનત કરતાં આગલી સરકારની નિષ્ફળતાને લીધે છે. તેમણે જે દગાબાજી કરી અને પ્રજાને ઉલ્લુ બનાવવાની ગુસ્તાખી કરી તેની તેમને સજા મળી છે. પણ એ જ તો તમારે બધાએ શીખવાનું છે ને કે પ્રજા તમારો પરમેશ્વર છે, તેને ન ઉલ્લુ બનાવીંગ, ન ઉલ્લુ બનાવીંગ. નહિતર એ પરમેશ્વર(પ્રજા)ને લાત મારતા આવડે જ છે!!
             છઠ્ઠી વાત, સંવિધાન પ્રમાણે કામ કરજો અને બધા પાસે કામ લેજો પણ ખરા. તેમાં વ્હાલા-દવલાની નીતિને ઉજાગર કરતાં નહીં. ખોટું કરનારો તમારો સાથી હશે તોયે તેની તરફદારી કરવાથી બચજો. આ કામ પણ બહુ અઘરું છે તે હું જાણું જ છું પણ એકને બચાવવામાં હજાર મતો તમારી વિરુદ્ધમાં ચાલી જાય છે એ ગણિત નજર સમક્ષ રાખજો. હવેના મતદારો વીસમી નહીં, એકવીસમી સદીના છે. સમજ્યાને?!
             સાતમી વાત, તમને નેતાઓને ખાસ જણાવવાનું કે તમારી જીભને ખાવા અને બોલવામાં સંયમિત રાખજો. હવે દેશના શાળા-કોલેજોના ઘણા યુવાન વિદ્યાર્થીઓ તમારા ભાષણો સાંભળતા થયા છે એટલે જરૂર પડે તો પ્રભાવક અને શિષ્ટ વાણી માટેના ટ્યૂશનો રાખજો. કેમ કે, તમને સાંભળીને તેઓ હલકા કે અપશબ્દો બોલવાનું શીખવા ન જોઈએ હા..!
              આઠમી વાત, વર્ષમાં જેટલો સમય લોકસભા કે વિધાનસભાનું સત્ર ચાલે તેમાં સો ટકાની હાજરી આપજો.(તો જ સરકારી શાળા-કોલેજોમાં પણ સો ટકા હાજરી થાય ને?!) પ્રજાના પ્રશ્નોને ઉકેલવા તમને મોકલેલા છે. મન ફાવે તો ગયા, અને ગયા તો ઊંઘી ગયા એવા એશોઆરામમાં રહ્યાં તો ખેર નથી. લોકો માટે કામ ન થવાનું હોય તો રાજીનામું આપીને કુટુંબ પાસે આવી પહોંચજો. તેમનેય સારું લાગશે!
              નવમી વાત, ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજ નીતિને વચમાં લાવતાં નહિ કેમ કે, આ તો આપણાં જ લોકો છે. તેનો ધર્મ કે જાતિ ગમે તે હોય, વિકાસ દ્વારા તેમના વિચારોમાં ‘દેશભક્તિ’ના સંસ્કાર રેડજો. સહકાર દ્વારા દેશની આંતરિક શક્તિને મજબૂતી બક્ષવા ચ્યવનપ્રાશ બનજો. પણ જો અંતિમ ઉપાય જ બચ્યો હોય ત્યારે ‘નસ્તર’ મૂકવાની હિંમત પણ બતાવજો!
              અને દશમી વાત, તમે લોકશાહી શાસન વ્યવસ્થાના નેતા છો, સરમુખત્યારશાહી વ્યવસ્થાના ચેલા નથી. મજબૂત ટીમવર્ક માટે એકમેકનો આદર કરજો. અને હા, સાચી વાત હોય તો વિરોધ પક્ષના નેતાની વાતને પણ ગોળગોળ ગુમાવ્યા વિના સીધીસટ્ટ સ્વીકારી લેજો. એકબીજા ઉપર કાદવ-ઉછાળવાની રમત રમવાનું બંધ કરજો. કેમ કે, એનાથી વિશ્વમાં આપણાં દેશની છબી ધૂંધળી બને છે. મજબૂત નેતાથી મજબૂત રાષ્ટ્ર બને છે અને મજબૂત રાષ્ટ્રથી જ મજબૂત પ્રતિષ્ઠા બને છે એ ભૂલતા નહીં...
बस, इतनी बातें इस बार, भूलना मत नई सरकार !!


-ડૉ. વિજય મનુ પટેલ

Wednesday, 7 May 2014

શિક્ષણમાં સંવેદના અને સંવેદનાનું શિક્ષણ!



          શિક્ષણના ક્ષેત્રે આઈ.ક્યૂ.(Intelligence Quotient) પછી ઇ.ક્યૂ.(Emotional Intelligence Quotient)ની બોલબાલા એટલે વધી રહી છે કે સાંવેગિક પ્રશ્નો વધુ પજવનારા બની રહ્યાં છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શારીરિક સજા અવરોધરૂપ જણાતા તેને કાયદાથી પ્રતિબંધિત કરવામાં આવી તે પછી શિક્ષણના પ્રશ્નોને નિયંત્રિત કરવાનું શિક્ષકો અને આચાર્યોને માટે મુશ્કેલ બની રહ્યું જણાય છે. લાગણી, પ્રેમ, સહનશીલતા, આકર્ષણ, સભ્યતા જેવા ગુણો જેની સાથે સંકળાયેલા છે એવા સાંવેગિક વિકાસની કેળવણીનો પ્રશ્ન માથાના દુ:ખાવારૂપ બની રહ્યો છે. આ નવી પેઢી બુદ્ધિની રીતે વધુ ચપળ, ચબરાક અને ચતુર જણાય છે, પણ એકબીજા સાથેની વાતચીતમાં ભાષાનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં, એકબીજાને સહકાર આપવામાં કે ધીરજપૂર્વક કામ કરવામાં નબળી પુરવાર થઈ રહી છે.
                સંવેદનાઓના શિક્ષણનો કોઈ અલગ અભ્યાસક્રમ ન જ હોય, કેમ કે એ દરેક વિષયોમાં વણાયેલા મૂલ્યો સાથે સંબંધિત છે. પરસ્પર સહકાર, પ્રેમની ઊર્મી, આક્રમકતા, આદરભાવ આ બધા મૂલ્યો (ગુણો) અતિ મહત્વના હોવા છતાં સ્વતંત્ર વિષય તરીકે તેની કેળવણી માટેની કોઈ જોગવાઈ અભ્યાસક્રમમાં જોવા મળતી નથી. શું એટલે આજના વિદ્યાર્થીઓ માનસિક પ્રશ્નોથી વધુ પીડાઈ રહ્યા છે અને શિક્ષકો-આચાર્યને પણ પીડી રહ્યા છે? આ પ્રશ્નનો સચોટ ઉકેલ મેળવવો મુશ્કેલ છે. જેને આપણે ભાવનાત્મક વિકાસ કહીએ છીએ તે બોલવામાં તો સરસ લાગે તેવો શબ્દ છે પણ એને વિદ્યાર્થીઓમાં ઉતારવા માટે એવા જીવનલક્ષી ઉદાહરણો આપવા પડે જે વિદ્યાર્થીઓના આત્માને ઢંઢોળે, તેને વિચારવા માટે મજબૂર કરે. પણ સવાલ એ તો રહે જ છે કે આવા ઉદાહરણો સાંભળવા એ લોકો તૈયાર છે ખરા?

                એક શિક્ષક મિત્રની ફરિયાદ નહોતી, દ્વિધા હતી કે આજના વિદ્યાર્થીઓ સંવેદના શૂન્ય થઈ ગયા છે કે વધુ પડતાં સંવેદનશીલ બન્યા છે તે જ સમજાતું નથી! તેઓ વર્ગમાં સૂચનાઓ પર ધ્યાન ન આપવામાં બેફિકર બનેલા દેખાય છે અને બે કઠોર શબ્દો કહીએ તો મિત્રોમાં આપણાં વિશે હલકાં શબ્દોની લ્હાણી કરવા માંડે છે! પોતાના જ કોઈ મિત્રની મદદ કરવા માટે ફાળો એકત્ર કરવા તત્પર બની જતી આ પેઢી એક નાનકડી ટકોરથી તેની સામેથી મોઢું શાને ફેરવી લે છે? મૂંઝાઈ જવાય છે. શિક્ષકો અને વાલીઓને માટે કદાચ આજે સૌથી મોટો પડકાર નવી પેઢીને સંવેદનાઓથી સંતુલિત કેમ કરવી તે શીખવવાનો છે. આપણી આસપાસ બનતા નાના નાના પ્રસંગો સંવેદનાઓને ઢંઢોળીને દિશા આપનારા બની શકે છે. આવો, આવા કેટલાક વાંચેલા પ્રસંગોને આજે સંક્ષિપ્તમાં તમારી સમક્ષ મૂકું છું. પણ હા, તેને ધીમે ધીમે વાંચજો, મનન કરજો ને પછી આગળ વધજો. શક્ય હોય તો તમારી આસપાસનાને પણ વહેંચજો.
                (૧) આજે, હું ભીની ભીની ફર્શ પરથી લપસી પડ્યો ત્યારે મારું માથું જમીન પર પટકાય તે પહેલાં જ વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને પકડી લીધો હતો. તે બોલ્યો હતો, માનો કે ન માનો, ત્રણ વર્ષ પહેલાં આજ રીતે મારી પીઠમાં ઇજા પહોંચી હતી...!
                (૨) હું મારા મનોવિજ્ઞાનના એક સંશોધન  માટે મારા દાદીમાનો ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો. મેં સફળતાને તેમના શબ્દોમાં રજૂ કરવાનું કહ્યું ત્યારે તેમણે ધ્રૂજતાં અવાજે જણાવ્યુ હતું, ‘...જીવનની કોઈ ક્ષણેથી પાછળ(ભૂતકાળ) તરફ નજર કરો અને જે સ્મૃતિથી તમારા ચહેરા પર સ્મિત રેલાય એનું નામ સફળતા!
            () હું જ્યારે નિરાશ યો હતો ત્યારે મારા પિતાએ આમ કહ્યું હતું , તું જા અને પ્રયત્ન તો કર! એક સફળ વસ્તુ બનાવવા માટે વ્યાવસાયિક થવું જરૂરી નથી. હા, વ્યાવસાયિકોએ ટાઈટેનિક બનાવી, પણ વિચારશીલ (પરિપકવ) માણસોએ ગૂગલ અને એપલ શરૂ કર્યું.
                (4) બોતેર કલાકની મારી ફાયર બ્રિગેડની નોકરી પછી આજે કરિયાણાની દુકાનમાંથી દોડતી આવીને એક સ્ત્રી મને વળગી પડી હતી. હું તેને દૂર  કરવા પ્રયત્ન કરતો હતો એથી તેને લાગ્યું કે મેં તેણીને ઓળખી નથી. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તે હળવા સ્મિત સાથે બોલી હતી, ૯/૧૧/૨૦૦૧ ના રોજ તમે મને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી બહાર કાઢી હતી!
                (૫) આજે મેં મારા ગુરુને પૂછ્યું હતું કે ૭૦માં દશકામાં સફળ થયેલા ધંધાદારી વ્યક્તિઓની સફળતા માટેની ત્રણ ટિપ્સ કઈ હતી? તેઓ હસ્યાં અને બોલ્યા હતા, જે કોઈ નથી વાંચતું તે વાંચવું, જે કોઈ નથી વિચારતું એવું વિચારવું અને જે કોઈ નથી કરતું તેવું કઈંક કરવું!
                (6) હોસ્પિટલના બિછાને પડેલા મારા પિતાજીના કપાળ પર મેં આજે ચુંબન કર્યું હતું. એમના મુત્યુ પછીની થોડી ક્ષણોમાં જ મેં અનુભવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી આજ સુધીનું તેમને આ મારું પહેલું ચુંબન હતું.
                (૭) હું જન્મથી જ અંધ હતો. આઠ વર્ષની ઉંમરે મને બેઝબોલ રમવાની ઈચ્છા થઈ ત્યારે પિતાજીને પૂછ્યું, પિતાજી, હું બેઝ બોલ રમી શકીશ?’ તેમણે જવાબ આપ્યો હતો, તું પ્રયત્ન ન કરશે ત્યાં સુધી ન જાણી શકશે. કિશોરાવસ્થામાં મેં ફરી પૂછ્યું હતું, ડેડી, હું સર્જન બની શકીશ?’ તેમનો ઉત્તર હતો, જ્યાં સુધી તું પ્રયત્ન ન કરે ત્યાં સુધી તું જાણી નહીં શકશે.’ આજે હું સફળ ડૉક્ટર છું. કેમકે, મેં પ્રયત્ન કર્યો હતો!
                (૮) આજે મારી આઠ વર્ષની પુત્રીએ મને વપરાયેલી વસ્તુનો ફરી ઉપયોગ(Recycling) કરવાનું કહ્યું. મેં ભારે આશ્ચર્યથી પૂછ્યું, શામાટે?’ તેણીએ ઉત્તર આપ્યો, ‘...કે જેથી આ ગ્રહને બચાવવામાં તમે મને મદદ કરી શકો!મને વધારે આશ્ચર્ય થયું એટલે ફરી પૂછ્યું, પણ તું શા માટે ગ્રહ બચાવવા માંગે છે?’ તેણીનો ઉત્તર હતો, ‘...કે જેથી હું મારી બધી વસ્તુ ત્યાં મૂકી શકું!
                (૯) આજે મેં જ્યારે સ્તન કેન્સર પીડિત ૨૭ વર્ષીય મહિલાને પોતાના બે વર્ષના એબ્નોર્મલ બાળક સાથે ચાળાં કરતાં કરતાં અટ્ટહાસ્ય કરતી જોઈ ત્યારે અચાનક મેં મારી જિંદગી સામે ફરિયાદ કરવાનું માંડી વળી તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું.               
                (૧૦) મારા તૂટેલા પગ અને વજન સાથે ચાલવામાં ડગુમગુ થતાં મને જોઈને વ્હીલચેરમાં બેઠેલા છોકરાએ મારા બેગ અને પુસ્તકો ઊંચકવામાં મને મદદ કરી. તેણે મને કેમ્પસમાંથી વર્ગ સુધી પહોંચાડ્યો હતો. જતાં જતાં તે બોલ્યો હતો, હું ઈચ્છું કે આપ જલદીથી સાજા થઈ જાવ.
                (૧૧) હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ઝિમ્બાબ્વેના એક નિરાશ્રિતને મળ્યો હતો. તેણે ત્રણ દિવસથી કઈં ખાધું નહોતું એટલે તેનું શરીર કૃશ અને નિસ્તેજ લાગતું હતું. મારા મિત્રએ પોતાની અડધી ખાધેલી સેન્ડવિચ તેની સામે ધરી ત્યારે તેના મુખેથી સરી પડેલા શબ્દો હતા, આપણે વહેંચીને ખાઈએ(we can Share it)!’
                મિત્રો, આ શબ્દો જે તે પરિસ્થિતિમાં સંવેદનાને ઝંકૃત કરી ગયા હતાં. શક્ય છે કે તેવી સંવેદના આ લેખમાં આપ ન અનુભવી શક્યા હોવ, તોયે અહીં મારો આશય આ ઉદાહરણો દ્વારા તમારી સંવેદનાને ઢંઢોળવાનો હતો બસ. સંવેદનાય નમઃ!

                 -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 5/5/14)

Sunday, 30 March 2014

સિવિલ સર્વિસ પરીક્ષા: પ્રતિભાવંત યુવાનોની ખોજ કે...?!



              લોકસભાની-૨૦૧૪ ચૂંટણીમાં યુ.પી.એ સરકાર બહુમત મેળવે કે ન મેળવે, પણ જતાં જતાં તેમણે દેશના એવા યુવક-યુવતીઓને માટે એક સોનેરી સિક્કો ઉછળ્યો છે, જેઓ દેશની સિવિલ સર્વિસિસમાં પ્રવેશવા થનગની રહ્યા છે. આને ચૂંટણીનો ચક્રવ્યૂહ કહો કે જરૂરિયાત કહો, પણ આ પરીક્ષાની તૈયારી કરનારા લાખો વિધ્યાર્થીઓને મોટી રાહત મળી છે. સિવિલ સર્વિસિસમાં વહીવટી,(IAS), પોલીસ(IPS), અને વિદેશ(IFS) એમ ત્રણ પ્રકારના હોદ્દાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા ત્રણ તબકકામાં પાસ કરવાની હોય છે. પ્રાથમિક પરીક્ષા બાદ, મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં સફળ થવાનું હોય છે. આવી પરીક્ષામાં પાસ થવા માટે વધુમાં વધુ ચાર જ તક મળતી હતી(ઓબીસી ઉમેદવારને સાત, જ્યારે એસસી/એસટી ઉમેદવારો માટે કોઈ મર્યાદા નથી!) ૨૦૧૪થી જે સુધારો અમલી થયો તે મુજબ તમામ પ્રકારના ઉમેદવારો હવે બે પરીક્ષા વધુ આપી શકશે. જો કે સામાન્ય ઉમેદવારોને ઉંમરની ઉપલી સીમામાં (3૦ વર્ષમાં) કોઈ વધારો મળ્યો નથી. (આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવાની લઘુતમ વય મર્યાદા ૨૧ વર્ષની છે)
            ચાલુ વર્ષ દરમ્યાન આ નવી રાહતને લીધે ઉમેદવારોની સંખ્યા વધી જવાની છે ત્યારે મનમાં ફરી ભ્રષ્ટાચારનો વંટોળ પેદા થવા લાગે છે. આજકાલ આની ચર્ચા એટલી હોટ છે કે આવી ઉચ્ચ પરીક્ષા વિશે લખતી વખતે પણ તરત જ મન એ તરફ વળી ગયું! જો કે નોંધનીય બાબત એ છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ સૌથી મોખરે આવી જાય છે:  રાજકારણીઓ, આઇ.એસ.અધિકારીઓ અને કોર્પોરેટ માધાંતાઓ. યુ.પી.એ સરકારનો આ નિર્ણય દેશના બુદ્ધિશાળી  યુવાનોને સુચારુ શાસન ચલાવવા માટેની તક છે કે પછી ભ્રષ્ટાચાર કરવા માટેનું પ્રલોભન છે એ વિચારણીય પ્રશ્ન છે.
              આવા મહત્વના(તગડા?!) હોદ્દા તરફ જવામાં રાહત મેળવનારા યુવાનો આ નોકરી માટે કેટલા યોગ્ય છે તે વિશે જાણો એક અભિપ્રાય. પોતાની ૨૩ વર્ષની ઉંમરે આઇ.એ.એસ તરીકે જોડાયેલા અને ગત વર્ષે જ નિવૃત થયેલ એક અધિકારીને UPSCએ ઇન્ટરવ્યૂ પેનલ માટે બોલાવ્યા હતા, એ વખતે તેઓએ જે પરીવર્તન જોયું તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પહેલું, મોટાભાગના ઉમેદવારો શહેરોમાંથી  નહીં, જિલ્લા અને નાના નગરોમાંથી આવ્યા હતા. બીજું, તેઓમાંના ઘણા પાસે M.Tech., M.B.B.S. જેવી વ્યાવસાયિક ડિગ્રી હતી પરંતુ ચાલીસ વર્ષ પહેલાના ઉમેદવારો પાસે અંગ્રેજીનું જે પ્રભુત્વ હતું તે આ લોકોમાં નહોતું! ત્રીજું, તેઓમાંથી ઘણાનો બીજો પ્રયત્ન હતો અને પરણીત તથા બાળકોવાળા હતા.
                ઇન્ટરવ્યૂ લેનાર આ અધિકારી વસ્તી વિષયક પરિવર્તનથી ખુશ હતા પણ IAS અને IPS માટે જે શ્રેષ્ઠતા જોઈએ તે આ ઉમેદવારો પાસે નહોતી તેનાથી વ્યથિત હતા. ૧૯૭૦માં પોતાના રાજ્યને યાદ કરતાં તેઓએ કહ્યુંતું કે તે વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અને સુપ્રિન્ટેન્ડન્ટ અપરણીત ફૂટડા યુવાન હતા અને ટેનિસ, ઘોડેસવારી જેવી રમતોમાં પાવરધા હતા. એમનો કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ હતો કે આજના ઉમેદવારો શરીર-મન સૌષ્ઠવ બાબતે ઊણા ઉતરતા હતા.
               જો કે સરકારે હાલમાં આપેલી આટલી છૂટ છતાં દરવાજા સાવ ખુલ્લા મૂકી દીધા નથી. આજે લગભગ 1500 IAS, 1250 IPS અને 300 IFS અધિકારીઓની દેશને જરૂર છે, આવનારા દશકમાં નિવૃત થનાર અધિકારીઓને ધ્યાનમાં લેતા આ આંકડાઓ વધી શકે તેમ છે. તેની સામે આ વર્ષે બધા મળીને માત્ર 590 ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે. 2012માં 1037 જગ્યાઓમાંથી 998 જગ્યાઓ જ ભરવામાં આવી હતી. એટલે દેશના બુદ્ધિશાળી યુવાનો આવા હોદ્દા પર આવે તે જરૂરી જ નહીં પણ ઇચ્છનીય ગણાય.
               આ પરીક્ષામાં પાસીંગ ગુણ હોતા નથી, કટ ઓફ માર્કસનું ધોરણ હોય છે.(નેગેટિવ માર્કિંગ પણ ખરું) તે પસાર કરો એટલે આગળની પરીક્ષામાં બેસવાની તક મળે છે. આવા વિદ્યાર્થીઓ ભેગા મળે ત્યારે એવું ભાગ્યે જ બોલતા હોય છે કે મારા ફલાણા ટકા આવ્યા. તેઓના મેરીટ ક્રમાંક અને વય અનુસાર જ જે તે હોદ્દા માટેની પસંદગી આપવામાં આવે છે. 2012 ની સિવિલ સેર્વિસિસની પરીક્ષામાં કેરળની યુવતીએ 2250માંથી 1193 ગુણ (53%) મેળવીને ટોપ નું સ્થાન મેળવ્યું એ હિસાબે 50% સુધીના વિદ્યાર્થીઓને સૌથી ઉચ્ચ હોદ્દાઓ માટે પસંદ કરવામાં આવ્યા હતાં!
               એક તરફ પરીક્ષાના માળખામાં અનુકૂળ ફેરફાર અને બીજી તરફ ઉમેદવારોની વધતી સંખ્યા શું એ વાતની પુષ્ટિ કરે છે કે કટ ઓફ માર્કસનું ધોરણ આસાન બની રહ્યું છે? ના 2012 માં આ ધોરણ 800 થી નીચે ગયુ છે તે 2004 માં 1000 કે તેથી વધુ હતું. મતલબ કે સરકારે જે બે વધુ પરીક્ષાની છૂટ આપી છે તેમ છતાં હવે આ પરીક્ષાઓ પાસ કરવાનું કઠિન બની રહ્યું છે. આ પરીક્ષા હવે ગોખણિયા જ્ઞાન            ને બદલે મૌલિક અભિવ્યક્તિ અને કુશાગ્ર બુદ્ધિની કલા બની રહી છે. UPSCની માર્ગદર્શક સૂચના મુજબ મુખ્ય પરીક્ષાનો ઉદ્દેશ પરીક્ષાર્થીઓના સમગ્ર બૌદ્ધિક ગુણો તથા તેના ઊંડા જ્ઞાનના મૂલ્યાંકનનો છે, માત્ર માહિતી ભંડાર તથા યાદશક્તિના મૂલ્યાંકનનો નથી.
                અગાઉ જણાવ્યુ તેમ દેશમાં હજીયે ઘણાં આવા ઉચ્ચ હોદ્દા માટે યોગ્ય માણસોની જરૂર છે અને દિવસે દિવસે એ વધવાની છે. પણ બીજી તરફ પરીક્ષાનું પાસ થવાનું કઠિન બનાવાઇ રહ્યું છે, તેનો આશય ખરેખર પ્રતિભાશાળી ઉમેદવારોને શોધવાનો છે. પણ, અર્થશાત્રનો એ નિયમ છે કે પુરવઠા કરતાં માંગ વધી જાય તો ભાવો વધે. અહીં એનો મતલબ આવા હોદ્દા પર ઉમેદવારોની પસંદગીમાં ભ્રષ્ટાચાર વધવાનો પણ સંકેત છે. જગ્યાઓ ઘણી ને, ઉમેદવારો ઓછા મળે તો નબળા અને ઓછા કાર્યક્ષમ ઉમેદવારોને માટે સેટિંગ થવા માંડશે! જો આમ થાય તો સૌથી વધુ ભ્રષ્ટાચાર કરનારાઓમાં આઇ.એ.એસ અધિકારીઓએ હોય છે એ વાતને પુષ્ટિ નહીં મળે?!
                એક વાત એવી પણ જોવા મળી છે કે પરીક્ષામાં સારા ગુણાંક મેળવનારા ઉમેદવારોમાંથી  કેટલાકનું ઇન્ટરવ્યૂમાં પ્રદર્શન સારું નહોતું. અર્થાત, અહીં ઇન્ટરવ્યૂથી ઉમેદવાર પોતે કેટલો સંતુષ્ટ છે તે મહત્વનુ નથી પણ ઇન્ટરવ્યૂ પેનલને કેટલો સંતોષ આપી શકે છે તે મહત્વનું છે. તમે બેઠા છો તેની પાછળની દીવાલનો રંગ કયો છે? એવા એક પ્રશ્નના ઉત્તરમાં ઉમેદવારે જરાક ડોકું ફેરવવાની કોશિશ કરી અને એ ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ થઈ ગયો હતો! આમ, આ પરીક્ષાની તૈયારી વૈતરા પ્રકારની નહીં, પણ સ્માર્ટ પ્રકારની જોઈએ. ઇન્ટરવ્યૂ માટે પણ યોગ્ય તાલીમ અને પ્રશિક્ષણની આવશ્યકતા રહે છે.
               વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવનારા લોકો દેશના વહીવટ, સુરક્ષા અને વિદેશી વહીવટમાં જોડાય એ દેશના હિતમાં છે. પણ એમાંયે સમગ્ર ટીમ સુચારુ સંચાલનમાં સહયોગી થાય તો જ. ગુજરાતીઓ આવી પરીક્ષાથી બહુધા દૂર જ રહેલા જણાયા છે, છતાં બદલાતા પ્રવાહોમાં શ્રેષ્ઠ પ્રશાસક યુવાનો દેશને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય તો એની ખુશી ગુજરાતીઓના હૈયે હોય જ. વિચારે ગુજરાતનાં યુવાનો આ વિશે. આપ વધુ જાણકારી માટે www.upsc.gov.in પર જઈ શકો છો.                      
  
-ડૉ. વિજય મનુ પટેલ ( ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા- 31/3/14)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...