Sunday, 26 October 2014

તહેવારો નહીં, આપણે શુષ્ક બની રહ્યાં છીએ..!



                  એક નિ:સાસો સંભળાયો, દિવાળીમાં હવે કઈં રોમાંચ નથી લાગતો. બીજાએ સૂર પુરાવ્યો હતો, હા યાર, બધુ શુષ્ક લાગે છે આ વખતે. અનુભવ એવો હતો કે ફટાકડા ઓછા સંભળાતા હતા, બજારોમાં માત્ર સાંજ સિવાય ખાસ ગિર્દી નહોતી દેખાતી. શેરી-મહોલ્લામાં પણ પાંચ દિવસમાં માંડ એકાદ દિવસ થોડી ચહલપહલ જણાઈ હતી. માત્ર પેલા જેવા થોડા લોકોએ જ પોતાની અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરી હશે, જ્યારે ઘણા બધાએ તહેવારોના ઓસરતા ઉત્સાહને મનમાં જ દબાવી રાખ્યો હતો.
                કેમ આવું થયું હશે? આ પ્રશ્નનો ઉત્તર એક ન જ હોઈ શકે. ઘણાં બધા હશે. કોઈ મોંઘવારીને તો કોઈ મંદીને આ માટે જવાબદાર ગણતું હશે. બીજા કેટલાકે પર્યાવરણ ફેરફારના કારણને આગળ ધર્યું હશે. શક્ય છે કે કોઇકે આજના શિક્ષણને પણ આવી શુષ્કતા માટે જવાબદાર ઠેરવ્યું હોય! એટલે જ આ પ્રશ્નના અનેક ઉત્તરો મળવાના. બધામાં થોડી થોડી સચ્ચાઈ પણ હશે, છતાં એક પરિવર્તન મને જે જણાયું છે તે વિશે કહું તે પહેલા થોડા વર્ષો પહેલાની દિવાળીને યાદ કરીએ.


                મને યાદ છે કિશોરાવસ્થામાં મેં મારી ઘણીખરી દિવાળીઓ શહેરને બદલે ગામડામાં ઉજવી હતી. ઘરમાં બધા જમીને પરવારે એટલે અમે ફટાકડા ફોડવાની પ્રતિક્ષામાં બેસી જતાં. બા, કાકા, કે કોઈ વડીલ આવીને ફટાકડા ભરેલી ટોપલી લાવે એટલે અમે ટોળે વળી જતાં! (આખી ટોપલીમાં કેટલા રૂપિયાના ફટાકડા હતા એમ તમે પૂછો તો કહું કે આશરે દોઢસો રૂપિયાના! તેય આખી દિવાળીના!) જે વડીલ હોય તે તનકતારાનું પેકેટ ખોલેને તેમાથી બે-ત્રણ તનકતારા, એક સાપની ડ્બ્બી, એક બપોરિયાની માચીસ, બે કોઠી, બે ચકરડી, એક(મગિયા) ફટાકડાની લૂમ... બસ આટલું બધાને વહેંચી આપે. અમારે હૈયે ખુશી તો સમાય નહી! દિવેલ પૂરેલો દીવો લઈને બારણે બેસી જતાં. વડીલો ઓટલા પર બેસે ને અમે ફટાકડા ફોડવાનું ચાલુ કરતાં. કોઠી-ચકરડી તો ઘડીમાં ખતમ થઈ જાય. પછી મગિયા ફટાકડાની લૂમ આખી ફોડવાને બદલે એક-એક ફોડતા અને તેય લાકડીમાં ફેરવીને! વળી, નહી ફૂટેલા ફટાકડાને ભેગા કરીને તેની અંદરના પાઉડર(દારૂ?!)ને એક કાગળ કે કોઠીમાં ભરીને સળગાવવાના ખતરનાક પ્રયોગો કરતાં! વીસ-પચીસ મિનિટમાં આ બધો કાર્યક્રમ પૂરો થઈ જતો. નવ વાગે એટલે સૂઈ જતાં! નવું વર્ષ હોય તો ચાર વાગ્યે ઊઠીને થોડા મગિયા ફટાકડા ફોડીને ન્હાઈ-ધોઈ બધાના ઘરે સાલમુબારક કહેવા નીકળી પડતાં. એમાં કેટલીક જગ્યાએથી એક-બે રૂપિયાની કડકડતી નોટ મળતી એનો આનંદ શબ્દોમાં બાંધી શકાય તેમ નથી જ!
                અને હા, દિવાળીના દિવસે આખા ગામના બાળકો અને વડીલો પાદરે મેડિયા(સળગતા દીવાને શેરડીના સાંઠામાં મૂકીને લઈ જવાની પરંપરા) લઈને નીકળતા ત્યારે મશાલ રેલી જેવુ દ્રશ્ય રચાતું. પાદરે ભેગા થતાં એ ત્રણસો માણસો પણ કુંભમેળાની માનવ મેદની જેવા વિશાળ લાગતાં. તળાવને કિનારે મેડિયા ખોસીને થોડા ફટાકડા અને રોકેટ(હવાઈ!) ઉડાડવાનો નજારો આજની દુનિયામાંથી ગૂમ થઈ ગયા છે, ગામડામાંથી પણ!
                કહેવાય છે કે શહેરની દિવાળી વધારે ભપકાદાર હોય છે. પણ શહેરોમાં ઘણાં વર્ષોથી રહેવા છતાં કોઈ દિવાળી અવિસ્મરણીય બની શકી નથી. અહીં કુટુંબદીઠ કદાચ દોઢસો નહી, દોઢ હજારનું દારૂખાનું ફૂટે છે, પણ એકલા એકલા જ ફોડવું પડે છે. દીવાઓને બદલે આધુનિક જમાનાની લાઇટ્સનો ઝગમઘાટ ફેલાય છે. થોડીઘણી રંગોળીઓ સજાવાય છે પણ માણસો પોતાના આંગણાથી બહુ બહાર જતાં નથી! નવા વર્ષે વહેલા નહી, મોડા ઉઠવાની રસમ હોય છે. એકબીજાને મળવા માટે કોઈ ખાસ આતુરતા હોતી નથી, ઊલટું, આવી ઝંઝટમાંથી બચવા માટે લોકો પ્રવાસમાં ઉપડી જાય છે!
                જે પરિવર્તનની વાત મેં કરી છે તે આ છે. શેરી-ગલી-મહોલ્લાઓ શુષ્ક એટલે બની ગયા છે કે માણસ હવે સંકોચાઈ ગયો છે! પોતાની દુનિયામાં સંબંધો વિકસાવવા કે વધારવાને બદલે તેણે તેમાં ધરખમ કાપ મૂકવા માંડ્યો છે. એને હવે સ્નેહીજનો, પાડોશીઓ, મિત્રો કે અપરિચિત વ્યક્તિઓ સાથે હાથ મિલાવવામાં, નમન કરવામાં કે ગળે મળવામાં કોઈ લાભ નથી દેખાતો! લાભ વિનાની કોઈપણ રીતરસમને આપણે શિષ્ટાચારમાંથી બાકાત કરી દીધી છે. એટલે આપણને દિવાળી જ નહીં, બધા તહેવારો શુષ્ક લાગવા માંડ્યા છે. સમૂહમાં રહેવાને આપણે ઝંઝટ સમજવા માંડ્યા છે. આજુબાજુવાળાઓ સાથે વસ્તુઓને વહેંચવાનું તો આપણે બંધ કરી જ દીધું છે, વિચારોને વહેંચવામાં પણ આપણે ગણતરીબાજ થઈ ગયા છીએ!
                જે શાણા-સમજુ લોકો સામાજિક સંબંધો જાળવવામાં માને છે તેઓને માટે દિવાળી જેવા દિવસોમાં ઘરે રહેવું જેલ જેવુ બની રહ્યું છે. કેમ કે, હવે માંડ બે-પાંચ જણા મુલાકાતે આવે છે. એકલપણાની દુ:ખદ અનુભૂતિ આનાથી વધુ શું હોઇ શકે? એકાદ આવા અનુભવ પછી આવા સમજુ લોકો પણ ખિન્ન હ્રદયે ઘર-સમાજથી દૂર નીકળી જવાના આયોજનને જ બહેતર વિકલ્પ માનવા માંડે છે. હા, સ્ત્રી-પુરુષ બેઉ કમાનાર હોય ત્યારે સ્ત્રીઓ સ્નેહમિલન, આગતા-સ્વાગતા કરવામાંથી છટક્વા માટે વધુ પ્રબળ ઇચ્છા ધરાવતી હોય એ શક્યતાને નકારી શકાતી નથી. જે હોય તે માણસોમાં આવેલા આ પરિવર્તનને લીધે શહેરો ખાલી ખાલી અને પર્યટન સ્થળો ભરેલા ભરેલા થઈ જાય છે. રોજિંદા સમયમાં માણસોને શાંતિથી એકબીજાને મળવાની ફૂરસદ હોતી નથી, ને જ્યારે ફૂરસદ હોય છે ત્યારે માણસો એકબીજાથી દૂર જવા લાગે છે. કેવી વિડંબણા કહેવાય! આમ, એકબીજાને મળવાનું(જન્મ-મરણ-લગ્ન સિવાય!)  લગભગ ઓછું થઈ રહ્યું છે તેથી નિ:સાસો નીકળી જાય છે, આ વખતે કઇં તહેવાર જેવું લાગતું નથી,યાર!
                આર્થિક સમૃદ્ધિ વધે તેની સાથે સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનો પણ આવે જ એ સત્ય છે. ફટાકડા ઓછા ફૂટે તો પર્યાવરણને ફાયદો જ છે. પણ માનવ-માનવ વચ્ચેનું અંતર વધે તો તે સુખ-સમૃદ્ધિનો અનુભવ કરાવી શકે ખરો? મારી એક વ્યંગ કવિતાથી સમાપન કરીએ.
આમ જુઓ કે તેમ-
માણસ જ માણસ.
કયાં છે તોયે માણસ?
આ તે કેવું ફારસ?
સપનું એક સંભળાવી ગયું રસ્તામાં,
કેટલું સસ્તામાં!
માણસ જ માણસ.
લાલ, ભૂરા, લીલા, પીળા,
મેઘધનુના રંગો જેવા.
એવા મઝાના મીઠાં મીઠાં
દીઠે કેવા સરસ!
તોયે કયાં છે માણસ?
ટોળામાં એકલપંડો માણસ,
એકલતામાં શૂન્ય....
પીળો પીળો ખરી પડેલો માણસ.
હુંયે માણસ વિનાનો માણસ?!

-ડૉ. વિજય મનુ પટેલ (27/10/14 ગુજરાત ગાર્ડિયનની 'શિક્ષણ સુત્ર' કૉલમમાં છપાયેલ લેખ)

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...