શિક્ષણના ક્ષેત્રે આઈ.ક્યૂ.(Intelligence Quotient) પછી ઇ.ક્યૂ.(Emotional Intelligence Quotient)ની
બોલબાલા એટલે વધી રહી છે કે સાંવેગિક પ્રશ્નો વધુ પજવનારા બની રહ્યાં છે. વિદ્યાર્થીઓના
સર્વાંગી વિકાસમાં શારીરિક સજા અવરોધરૂપ જણાતા તેને કાયદાથી પ્રતિબંધિત કરવામાં
આવી તે પછી શિક્ષણના પ્રશ્નોને નિયંત્રિત કરવાનું શિક્ષકો અને આચાર્યોને માટે
મુશ્કેલ બની રહ્યું જણાય છે. લાગણી, પ્રેમ, સહનશીલતા, આકર્ષણ, સભ્યતા જેવા ગુણો જેની સાથે સંકળાયેલા છે
એવા સાંવેગિક વિકાસની કેળવણીનો પ્રશ્ન માથાના દુ:ખાવારૂપ બની રહ્યો છે. આ નવી પેઢી બુદ્ધિની રીતે વધુ ચપળ, ચબરાક અને ચતુર
જણાય છે, પણ એકબીજા સાથેની વાતચીતમાં ભાષાનો યોગ્ય રીતે પ્રયોગ
કરવામાં, એકબીજાને સહકાર આપવામાં કે ધીરજપૂર્વક કામ કરવામાં
નબળી પુરવાર થઈ રહી છે.
સંવેદનાઓના
શિક્ષણનો કોઈ અલગ અભ્યાસક્રમ ન જ હોય, કેમ કે એ દરેક વિષયોમાં વણાયેલા મૂલ્યો
સાથે સંબંધિત છે. પરસ્પર સહકાર, પ્રેમની ઊર્મી, આક્રમકતા, આદરભાવ આ બધા મૂલ્યો (ગુણો) અતિ મહત્વના
હોવા છતાં સ્વતંત્ર વિષય તરીકે તેની કેળવણી માટેની કોઈ જોગવાઈ અભ્યાસક્રમમાં જોવા
મળતી નથી. શું એટલે આજના વિદ્યાર્થીઓ માનસિક પ્રશ્નોથી વધુ પીડાઈ રહ્યા છે અને
શિક્ષકો-આચાર્યને પણ પીડી રહ્યા છે? આ પ્રશ્નનો સચોટ ઉકેલ
મેળવવો મુશ્કેલ છે. જેને આપણે ભાવનાત્મક વિકાસ કહીએ છીએ તે બોલવામાં તો સરસ લાગે
તેવો શબ્દ છે પણ એને વિદ્યાર્થીઓમાં ઉતારવા માટે એવા જીવનલક્ષી ઉદાહરણો આપવા પડે
જે વિદ્યાર્થીઓના આત્માને ઢંઢોળે, તેને વિચારવા માટે મજબૂર
કરે. પણ સવાલ એ તો રહે જ છે કે આવા ઉદાહરણો સાંભળવા એ લોકો તૈયાર છે ખરા?
એક
શિક્ષક મિત્રની ફરિયાદ નહોતી, દ્વિધા હતી કે આજના વિદ્યાર્થીઓ સંવેદના
શૂન્ય થઈ ગયા છે કે વધુ પડતાં સંવેદનશીલ બન્યા છે તે જ સમજાતું નથી! તેઓ વર્ગમાં
સૂચનાઓ પર ધ્યાન ન આપવામાં બેફિકર બનેલા દેખાય છે અને બે કઠોર શબ્દો કહીએ તો
મિત્રોમાં આપણાં વિશે હલકાં શબ્દોની લ્હાણી કરવા માંડે છે! પોતાના જ કોઈ મિત્રની
મદદ કરવા માટે ફાળો એકત્ર કરવા તત્પર બની જતી આ પેઢી એક નાનકડી ટકોરથી તેની સામેથી
મોઢું શાને ફેરવી લે છે? મૂંઝાઈ જવાય છે. શિક્ષકો અને વાલીઓને માટે કદાચ આજે સૌથી મોટો પડકાર નવી પેઢીને સંવેદનાઓથી
સંતુલિત કેમ કરવી તે શીખવવાનો છે. આપણી આસપાસ બનતા નાના નાના પ્રસંગો સંવેદનાઓને
ઢંઢોળીને દિશા આપનારા બની શકે છે. આવો, આવા કેટલાક વાંચેલા
પ્રસંગોને આજે સંક્ષિપ્તમાં તમારી સમક્ષ મૂકું છું. પણ હા, તેને ધીમે ધીમે વાંચજો, મનન કરજો ને પછી આગળ વધજો.
શક્ય હોય તો તમારી આસપાસનાને પણ વહેંચજો.
(૧) આજે,
હું ભીની ભીની ફર્શ પરથી લપસી પડ્યો ત્યારે મારું માથું જમીન પર પટકાય તે પહેલાં જ
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને પકડી લીધો હતો. તે બોલ્યો હતો, ‘માનો કે ન માનો, ત્રણ વર્ષ
પહેલાં આજ રીતે મારી પીઠમાં ઇજા પહોંચી હતી...!’
(૨) હું મારા
મનોવિજ્ઞાનના એક સંશોધન માટે મારા દાદીમાનો
ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો. મેં સફળતાને તેમના શબ્દોમાં રજૂ કરવાનું કહ્યું ત્યારે
તેમણે ધ્રૂજતાં અવાજે જણાવ્યુ હતું, ‘...જીવનની કોઈ
ક્ષણેથી પાછળ(ભૂતકાળ) તરફ નજર કરો અને જે સ્મૃતિથી તમારા ચહેરા પર સ્મિત રેલાય
એનું નામ સફળતા!’
(૩)
હું જ્યારે નિરાશ થયો હતો
ત્યારે મારા
પિતાએ આમ કહ્યું હતું , ‘તું જા અને
પ્રયત્ન તો કર! એક સફળ વસ્તુ
બનાવવા માટે વ્યાવસાયિક થવું જરૂરી નથી.
હા, વ્યાવસાયિકોએ ‘ટાઈટેનિક’ બનાવી,
પણ વિચારશીલ (પરિપકવ) માણસોએ ગૂગલ અને એપલ શરૂ કર્યું.’
(4) બોતેર કલાકની મારી
ફાયર બ્રિગેડની નોકરી પછી આજે કરિયાણાની દુકાનમાંથી દોડતી આવીને એક સ્ત્રી મને
વળગી પડી હતી. હું તેને દૂર કરવા પ્રયત્ન
કરતો હતો એથી તેને લાગ્યું કે મેં તેણીને ઓળખી નથી. તેની આંખમાં હર્ષના આંસુ આવી
ગયા હતા. તે હળવા સ્મિત સાથે બોલી હતી, ‘૯/૧૧/૨૦૦૧ ના રોજ તમે
મને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી બહાર કાઢી હતી!’
(૫) આજે મેં મારા
ગુરુને પૂછ્યું હતું કે ૭૦માં દશકામાં સફળ થયેલા ધંધાદારી વ્યક્તિઓની સફળતા માટેની
ત્રણ ટિપ્સ કઈ હતી? તેઓ હસ્યાં અને બોલ્યા હતા, ‘જે કોઈ નથી વાંચતું તે વાંચવું, જે કોઈ નથી વિચારતું એવું વિચારવું અને જે કોઈ નથી કરતું તેવું કઈંક
કરવું!’
(6) હોસ્પિટલના બિછાને
પડેલા મારા પિતાજીના કપાળ પર મેં આજે ચુંબન કર્યું હતું. એમના મુત્યુ પછીની થોડી ક્ષણોમાં
જ મેં અનુભવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી આજ સુધીનું તેમને આ મારું પહેલું
ચુંબન હતું.
(૭) હું જન્મથી જ અંધ
હતો. આઠ વર્ષની ઉંમરે મને બેઝબોલ રમવાની ઈચ્છા થઈ ત્યારે પિતાજીને
પૂછ્યું, ‘પિતાજી, હું બેઝ બોલ રમી શકીશ?’ તેમણે જવાબ આપ્યો હતો, ‘તું પ્રયત્ન ન કરશે ત્યાં સુધી ન જાણી શકશે. કિશોરાવસ્થામાં
મેં ફરી પૂછ્યું હતું, ‘ડેડી, હું સર્જન બની શકીશ?’ તેમનો ઉત્તર હતો, ’જ્યાં સુધી તું પ્રયત્ન ન કરે ત્યાં સુધી તું જાણી
નહીં શકશે.’ આજે હું સફળ ડૉક્ટર છું. કેમકે, મેં પ્રયત્ન કર્યો હતો!
(૮) આજે મારી આઠ વર્ષની
પુત્રીએ મને વપરાયેલી વસ્તુનો ફરી ઉપયોગ(Recycling) કરવાનું કહ્યું. મેં ભારે આશ્ચર્યથી
પૂછ્યું, ‘શામાટે?’ તેણીએ ઉત્તર આપ્યો, ‘...કે
જેથી આ ગ્રહને બચાવવામાં તમે મને મદદ કરી શકો!’ મને વધારે આશ્ચર્ય
થયું એટલે ફરી પૂછ્યું, ‘પણ તું શા
માટે ગ્રહ બચાવવા માંગે છે?’ તેણીનો ઉત્તર હતો, ‘...કે જેથી હું મારી બધી વસ્તુ ત્યાં મૂકી શકું!’
(૯) આજે મેં જ્યારે
સ્તન કેન્સર પીડિત ૨૭ વર્ષીય મહિલાને પોતાના બે વર્ષના એબ્નોર્મલ બાળક સાથે ચાળાં કરતાં
કરતાં અટ્ટહાસ્ય કરતી જોઈ ત્યારે અચાનક મેં મારી જિંદગી સામે ફરિયાદ કરવાનું માંડી
વળી તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું.
(૧૦) મારા તૂટેલા પગ
અને વજન સાથે ચાલવામાં ડગુમગુ થતાં મને જોઈને વ્હીલચેરમાં બેઠેલા છોકરાએ મારા બેગ
અને પુસ્તકો ઊંચકવામાં મને મદદ કરી. તેણે મને કેમ્પસમાંથી વર્ગ સુધી પહોંચાડ્યો
હતો. જતાં જતાં તે બોલ્યો હતો, ‘હું ઈચ્છું કે આપ
જલદીથી સાજા થઈ જાવ.’
(૧૧) હું કેન્યામાં પ્રવાસ
કરી રહ્યો હતો ત્યારે ઝિમ્બાબ્વેના એક નિરાશ્રિતને મળ્યો હતો. તેણે ત્રણ દિવસથી
કઈં ખાધું નહોતું એટલે તેનું શરીર કૃશ અને નિસ્તેજ લાગતું હતું. મારા મિત્રએ
પોતાની અડધી ખાધેલી સેન્ડવિચ તેની સામે ધરી ત્યારે તેના મુખેથી સરી પડેલા શબ્દો
હતા, ‘આપણે વહેંચીને ખાઈએ(we can
Share it)!’
મિત્રો,
આ શબ્દો જે તે પરિસ્થિતિમાં સંવેદનાને ઝંકૃત કરી ગયા હતાં. શક્ય છે કે તેવી
સંવેદના આ લેખમાં આપ ન અનુભવી શક્યા હોવ, તોયે અહીં મારો આશય
આ ઉદાહરણો દ્વારા તમારી સંવેદનાને ઢંઢોળવાનો હતો બસ. સંવેદનાય નમઃ!
-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 5/5/14)
No comments:
Post a Comment