Saturday, 17 May 2014

હે નવી સરકાર! ગદ્દાર નહીં, વફાદાર રહેજે..!

             આ વખતના ચૂંટણી પ્રચારમાં નેતાઓએ પોતાની ભાષણબાજીમાં બ્રેડ પર બટર ઓછું લગાડ્યું અને મરચાવાળી ચટણી જ વધારે લગાડી હતી! પ્રજા માટે શું કરવાનું અને કેટલું કર્યું તેની વાત ને બદલે વ્યક્તિત્વના ડાઘા દેખાડવાની જ ચર્ચાઓ કર્યા કરી. મોટા મોટા વાયદાઓ કરવાનું માંડી વાળ્યું અને જે તે પક્ષે બીજા પક્ષોની સિદ્ધિ પર પાણી અને ઝાડું ફેરવવાનું વધારે કામ કર્યું!
             ચાલો જે થયું તે થયું. સરકાર તો બનવાની જ છે. આ લેખ પ્રકાશિત થશે ત્યારે કદાચ ભવિષ્યવાણી મુજબ ભાજપ અને સાથી પક્ષની સરકાર બની જ ગઈ હશે અને નરેન્દ્રભાઈની ટીમ ગાદી પર આવી ગઈ હશે. ઘણાં વર્ષો પછી ફરી સત્તા હાથમાં આવી હોય ત્યારે તેની ખુશી થાય એ સ્વાભાવિક છે પણ એમાં જો હરખપદૂડા થઈ ને ખોટાં નિર્ણયો કરવા માંડ્યા તો ‘અચ્છે દિન આનેવાલે હૈ’નો ભ્રમ એક મહિના પહેલાં જ તૂટી પડશે. એટલે જ આ લેખ એ શાસક પક્ષના બધા નેતાઓને શિખામણ આપવા જ લખ્યો છે. આમ તો એક કટાર લેખકનું ખાસ ગજું નહિ કે નેતાઓને રાતોરાત સુધારી કાઢે. છતાં આજે એ બધાને કહેવું જ છે.
              પહેલી વાત, જે પરિણામ આવ્યું છે તેનાથી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે એમ નહીં માનતા. ખરેખર તો હવે જ તેની શરૂઆત થઈ છે. જે હોદ્દો મળે તે સ્વીકારીને તેમાં શ્રેષ્ઠ પરિણામ બતાવજો. અને જો હોદ્દો ન મળ્યો હોય તોયે પક્ષમાં રહીને પ્રજા માટેના કામો કરવાનું છોડતા નહીં.
             બીજી વાત, હજૂરિયા-ખજૂરીયાવાળી ઉપાધી લાવતા નહીં! વડાપ્રધાનને વફાદાર રહેવાનુ નક્કી જ રાખજો. બૉસ ઈઝ ગ્રેટ અને બૉસ ઈઝ ઓલવેઝ રાઇટ એ તમને ખબર છે ને? તેમના નેતૃત્વમાં શંકા કરવાનું ટાળજો. તમારે પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવાનો છે એટલે તમારામાંના જ કોઈ સાથીમાં સ્વાર્થની ગંધ આવે તો તેને ‘લોકોની તાકાત’ની બીક બતાવજો. જો એમ ન માને તો કોઈ ચેનલવાળાને જણાવી દેજો!
             ત્રીજી વાત, લોકોએ તમને મોકલ્યા છે સુચારું શાસન માટે, વિકાસ દ્વારા ગરીબી-બેરોજગારી ઘટાડવા અને ભ્રષ્ટાચાર ઘટાડવા. તમારામાંના ઘણાને માટે આ બહુ અઘરું પડવાનું છે એ હું જાણું જ છું. પણ હવે તો છૂટકો જ નથી ને. ‘અચ્છે દિન આનેવાલે હૈ’ ની રેકર્ડ જે વગાડ્યા કરી છે! તમને જે સરકારી વેતન-ભથ્થાઓ અને અન્ય સુવિધાઓ મળે છે તેટલુંય ઘણુબધું હોય છે તેથી કોલસામાં, તેલમાં કે ધૂળ-ઢેફાંમાં હાથ મેલાં ન કરતાં હા..!
             ચોથી વાત, મને ખબર છે આ વખતે પ્રચારમાં કોઈ નેતાએ દેશની શાળા-કોલેજોના શિક્ષણની વાત નથી કરી. શિક્ષકોના ફિક્સ પગારનું શું કરશો કે કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓનું કેટલું વેતન કાપશો એ વિશે નરેન્દ્ર-રાહુલ બેઉ મનમોહનજીની જેમ મૌન જ રહ્યાં છે! ગામડામાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાના વિકાસ વિશે ભાવિ રણનીતિની કોઈએ વાત નથી કરી. ભલે, પણ ‘વિકાસ’માં આ બધુ જ આવી જાય છે એ ભૂલતા નહીં. માત્ર મોટા મોટા શહેરો જ નહીં, નાના નાના ગામડાઓનો ઉદ્ધાર કરવા માટે થોડો પરસેવો પાડજો. તભી તો અચ્છે દિન આયેંગે ના ?!
             પાંચમી વાત, એટલું હંમેશા યાદ રાખજો કે તમને સત્તા મળી છે તે તમારી મહેનત કરતાં આગલી સરકારની નિષ્ફળતાને લીધે છે. તેમણે જે દગાબાજી કરી અને પ્રજાને ઉલ્લુ બનાવવાની ગુસ્તાખી કરી તેની તેમને સજા મળી છે. પણ એ જ તો તમારે બધાએ શીખવાનું છે ને કે પ્રજા તમારો પરમેશ્વર છે, તેને ન ઉલ્લુ બનાવીંગ, ન ઉલ્લુ બનાવીંગ. નહિતર એ પરમેશ્વર(પ્રજા)ને લાત મારતા આવડે જ છે!!
             છઠ્ઠી વાત, સંવિધાન પ્રમાણે કામ કરજો અને બધા પાસે કામ લેજો પણ ખરા. તેમાં વ્હાલા-દવલાની નીતિને ઉજાગર કરતાં નહીં. ખોટું કરનારો તમારો સાથી હશે તોયે તેની તરફદારી કરવાથી બચજો. આ કામ પણ બહુ અઘરું છે તે હું જાણું જ છું પણ એકને બચાવવામાં હજાર મતો તમારી વિરુદ્ધમાં ચાલી જાય છે એ ગણિત નજર સમક્ષ રાખજો. હવેના મતદારો વીસમી નહીં, એકવીસમી સદીના છે. સમજ્યાને?!
             સાતમી વાત, તમને નેતાઓને ખાસ જણાવવાનું કે તમારી જીભને ખાવા અને બોલવામાં સંયમિત રાખજો. હવે દેશના શાળા-કોલેજોના ઘણા યુવાન વિદ્યાર્થીઓ તમારા ભાષણો સાંભળતા થયા છે એટલે જરૂર પડે તો પ્રભાવક અને શિષ્ટ વાણી માટેના ટ્યૂશનો રાખજો. કેમ કે, તમને સાંભળીને તેઓ હલકા કે અપશબ્દો બોલવાનું શીખવા ન જોઈએ હા..!
              આઠમી વાત, વર્ષમાં જેટલો સમય લોકસભા કે વિધાનસભાનું સત્ર ચાલે તેમાં સો ટકાની હાજરી આપજો.(તો જ સરકારી શાળા-કોલેજોમાં પણ સો ટકા હાજરી થાય ને?!) પ્રજાના પ્રશ્નોને ઉકેલવા તમને મોકલેલા છે. મન ફાવે તો ગયા, અને ગયા તો ઊંઘી ગયા એવા એશોઆરામમાં રહ્યાં તો ખેર નથી. લોકો માટે કામ ન થવાનું હોય તો રાજીનામું આપીને કુટુંબ પાસે આવી પહોંચજો. તેમનેય સારું લાગશે!
              નવમી વાત, ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજ નીતિને વચમાં લાવતાં નહિ કેમ કે, આ તો આપણાં જ લોકો છે. તેનો ધર્મ કે જાતિ ગમે તે હોય, વિકાસ દ્વારા તેમના વિચારોમાં ‘દેશભક્તિ’ના સંસ્કાર રેડજો. સહકાર દ્વારા દેશની આંતરિક શક્તિને મજબૂતી બક્ષવા ચ્યવનપ્રાશ બનજો. પણ જો અંતિમ ઉપાય જ બચ્યો હોય ત્યારે ‘નસ્તર’ મૂકવાની હિંમત પણ બતાવજો!
              અને દશમી વાત, તમે લોકશાહી શાસન વ્યવસ્થાના નેતા છો, સરમુખત્યારશાહી વ્યવસ્થાના ચેલા નથી. મજબૂત ટીમવર્ક માટે એકમેકનો આદર કરજો. અને હા, સાચી વાત હોય તો વિરોધ પક્ષના નેતાની વાતને પણ ગોળગોળ ગુમાવ્યા વિના સીધીસટ્ટ સ્વીકારી લેજો. એકબીજા ઉપર કાદવ-ઉછાળવાની રમત રમવાનું બંધ કરજો. કેમ કે, એનાથી વિશ્વમાં આપણાં દેશની છબી ધૂંધળી બને છે. મજબૂત નેતાથી મજબૂત રાષ્ટ્ર બને છે અને મજબૂત રાષ્ટ્રથી જ મજબૂત પ્રતિષ્ઠા બને છે એ ભૂલતા નહીં...
बस, इतनी बातें इस बार, भूलना मत नई सरकार !!


-ડૉ. વિજય મનુ પટેલ

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...