Monday, 3 December 2018

દફ્તર જેનું નામ, હળવું થશે કે?!


                  શિક્ષણ વ્યવસ્થાનો નાનો પણ મહત્ત્વનો એવો દફતરનું વજન નક્કી કરવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો. જો કે તેની ખુશી સરકાર અને મીડિયાને ઘણી થઈ પણ વાલીઓ કે શાળાઓને ખાસ ઉમળકો થયો હોવાનું દેખાતું નથી. જુદી જુદી વયકક્ષા અનુસાર બાળકના દફતરનું વજન નક્કી કરવામાં આવ્યું છે એની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ હશે જ છતાં આ નિર્ણયને અમલમાં મૂકવા બાબતે અન્ય કાયદાઓ જેવુ ઢીલું ઢીલું રહેશે એવો છૂપો ભય લાગે છે.
                શિક્ષણના અગ્રિમ વિચારકો, ચિંતકો કે કેળવણીકારોએ નોંધ્યું છે કે શિક્ષણમાં ભયને સ્થાન હોવું જોઈએ નહીં, કેમ કે જ્યાં ભય હોય છે ત્યાં વિકાસ અવરોધાય છે (ઘણીવાર તે અપરાધનું કારણ પણ બને છે). મારુ તો માનવું છે કે દફતરનો ભાર એ ભયનું જ એક જુદું સ્વરૂપ છે! અમુક વિષયમાં ઓછા ગુણ આવશે તો? જે તે ટીચરનું લેશન ભૂલી ગયા તો? બીજા કરતાં તે પાછળ રહી જશે તો? અભ્યાસક્રમમાં લખાવવાનું બાકી રહી ગયું તો?...આવા વિધાનો વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોના ઉદગાર વિધાનો છે. તેઓનો ભય દફતરમાં ઉમેરાય છે અને તેને ઊંચકનાર વિદ્યાર્થી શારીરિક બોજ અને નુકસાનનો ભોગ બને છે.

                છેલ્લાં થોડા વર્ષોમાં દેખાદેખી અને સ્પર્ધાએ, સમાજના લોકોને જાણે ચાબુક ફટકારી છે. ટૂંકા સમયમાં, અન્યો કરતાં આગળ રહેવાની હોડ પેદા થઈ છે. વડીલો એ હદે રઘવાયા બન્યા છે કે તેમના સંતાનો જાણે તેમના સંસાર રથના ઘોડાઓ છે એમ માનીને તેને ઝડપથી દોડાવવામાં શ્રેષ્ઠતા માની રહ્યાં છે. અભ્યાસની લાલસા એ હદે હોય છે કે પોતાનું બાળક શાળાએ લઈ જવામાં કશું પણ ભૂલી ન જવું જોઈએ. આમાં દફતરનું કદ(વજન) ધ્યાનમાં જ આવતું નથી. પિતા રીક્ષા કે વાનના રૂપિયા ચૂકવીને જવાબદારી પૂરી થઈ માને છે પણ શાળાના દરવાજેથી વર્ગમાં જવા માટે ચાલતું કે દાદર ચઢતા વિદ્યાર્થીનું અવલોકન કરીએ તો નિસ્તેજ ચહેરાથી હાંફી જતાં મજૂરની યાદ જરૂર આવે. શહેરની શાળાઓમાં આવું દ્રશ્ય સામાન્ય છે.
                શિક્ષણની ભપકાદાર(હાઇ-ફાઇ) વ્યવસ્થાવાળી અને સામાન્ય વ્યવસ્થાવાળી શાળાઓમાં આ બાબતે ખાસ ભેદ જણાતો નથી. સાત-આઠ વિષયોના નોટ-પુસ્તકો ઉપરાંત કેટલીક શાળાઓ પ્રેક્ટીસ અને સ્વાધ્યાયના બહાને અન્ય પુસ્તકોની ખરીદી કરવાનો અને વર્ગમાં ઉપયોગનો અતિ આગ્રહ સેવે છે, જેને પરિણામે 14થી 16 જેટલા પુસ્તકો-નોટ દફતરમાં નિયમિત રીતે ગોઠવાયેલા જ રહે છે! એક નોટ કે ચોપડીનું વજન સરેરાશ 250 ગ્રામ વિચારીએ તો પણ ઓછામાં ઓછું 4 કિલો વજન થઈ જાય, જ્યારે સરકારે 2 થી 3 કિલોગ્રામનું વજન નિર્ધારિત કર્યું છે!! ધોરણ છ-સાતના વિદ્યાર્થીઓ માટે 4 કિગ્રા, આઠ-નવના વિદ્યાર્થીઓ માટે 4.5 કિગ્રા તથા ધોરણ દશ માટે વધુમાં વધુ 5 કિગ્રા વજન નક્કી કરવામાં આવ્યું છે.
                આમ તો NCERTના પાઠ્યપુસ્તકો લાવી વર્ગખંડમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની હિમાયત થઈ છે. આવી પ્રવૃત્તિઓ અપનાવાય તો નોટબુકનો ઉપયોગ ઘટે, પણ તેનાથી લેખનનું કામ ઘટે છે એમ કહેવું ઉતાવળું ગણાશે. ઊલટું CBSE કે NCERT પદ્ધતિને કારણે નવા પુસ્તકો, સંદર્ભો, વર્કશીટ વગેરે ઉમેરાયા છે! હવે દફતરનું વજન જાળવવા કોનો, કેટલો ત્યાગ કરવો એ પ્રશ્ન માથાના દુ:ખાવારૂપ બનશે જ. તેથી બાળકો કે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થવાનો છે એ અત્યારથી કહેવું વહેલું ગણાશે.
                મલેશિયાના શિક્ષણમંત્રી ડૉ. મસ્ઝીલી મલિકના મતે, બાળકની સ્કૂલ બેગનું જે વજન છે તેમાં 28 % વજન જ પાઠ્યપુસ્તકોનું હોય છે જ્યારે બાકીનું 72 % બેગનું પોતાનું, નાસ્તાના ડબ્બાનું, સ્ટેશનરી વગેરેનું હોય છે! આપને જાણવું ગમશે કે આપણી જેમ મલેશિયન સરકાર પણ 2019થી વિદ્યાર્થીના વજનથી 10% કે તેથી ઓછું દફતરનું વજન હોય એ નિર્ણય લાગુ કરનાર છે.
                આપણે ત્યાંના દફતરોનું પણ અવલોકન કરતાં જણાય છે કે તેના વધુ વજનમાં માત્ર પુસ્તકો કે નોટબુક જ નથી. તેમાં પૂરક સાહિત્ય, ડાયરી, નાસ્તો, વોટરબેગ, અને કલરબોક્સ જેવી વસ્તુઓ સમાવિષ્ટ રહે છે. જ્યાં પીવાના પાણીની આરોગ્યપ્રદ વ્યવસ્થા ન હોય ત્યાં પણ 250 કે 500 મિલી.ની બોટલ અનિવાર્ય અને રોજિંદી રહે છે બાલમંદિરોમાં ઘણુખરું નાસ્તાની વ્યવસ્થા શાળા દ્વ્રારા થતી હોય છે એટલે ત્યાં વજનનો પ્રશ્ન નથી, પરંતુ પૂર્વ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક કક્ષાએ રોજિંદા નાસ્તાનું વજન પણ બાદ કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં (દફતરના વજન સહિત) 2થી 4 કિગ્રા.નું દફ્તર શોધવું મુશ્કેલ પડશે!!
                દુનિયાના કેટલાક દેશોમાં ઉંમર મુજબ દફતરનું સરેરાશ વજન કેટલું છે તે માત્ર 8 વર્ષના બાળક (વિદ્યાર્થી)ના સંદર્ભમાં વિચારીએ તો ફ્રાંસમાં 3 કિગ્રા., અમેરીકામાં 1.8 કિગ્રા, ઈંગ્લેન્ડમાં 2.7 કિગ્રા જેટલું છે. એની સરખામણીમાં ભારતમાં આ વય જૂથ માટે 2થી 3 કિગ્રા. નક્કી કર્યું છે તે યોગ્ય જણાય છે. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર વિદ્યાર્થીનું જે વજન હોય તેના 10 % કે તેથી ઓછું દફતરનું વજન હોવું જોઈએ. મુશ્કેલી એ છે કે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના શારીરિક બાંધાને જોઈને નક્કી થયેલો હોતો નથી એટલે બિનતંદુરસ્ત બાળક માટે તો દફતરનું વજન વધારે જ લાગવાનુ. જો કે આવા અપવાદરૂપ કિસ્સાનો ઉપાય અલગ મુદ્દો છે.
                આપણી સરકારે નિર્ણય જાહેર કરી દીધો છે, હવે પાલન કરવાની જવાબદારી શાળા અને વાલીની સંયુક્ત રહેશે. વિદેશોએ દફતરનો ભાર ઘટાડવા માટે જે તે દિવસે માત્ર એક-બે પુસ્તકો લાવવાની વ્યવસ્થા વિચારેલી છે. નોટબુકના સ્થાને છૂટા પાના કે વર્કશીટનું ફોલ્ડર, કંપાસ અને નાસ્તાની ગણતરી નક્કી કરેલી છે. આપણે ત્યાં વાલી-શિક્ષકો-સંચાલકો સાથે બેસીને આવું આયોજન કરી શકશે કે?! દફતરના પોતાના વજનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના દફતરની પસંદગીમાં વાલીઓ ધ્યાન રાખશે કે?! એ જ રીતે દફતરનો ભાર ઘટાડવા સંચાલકો પાસે અન્ય બે વિકલ્પો બચે છે: શાળામાં જ વિદ્યાર્થીઓના દફ્તર મૂકવાની વ્યવસ્થા(લોકર્સ) હોય અને નોટબુક-ચોપડાને બદલે ટેબલેટ કે ગેજેટ્સનો ઉપયોગ કરવાની છૂટ આપે! મુશ્કેલ છે ખરું? તો અન્ય ઉપાયો કરવાની માનસિકતા વિશે આપ શું માનો છો?
                ભારત સરકારે આ ધોરણ(કે માપદંડ) શાના આધારે નક્કી કર્યું છે એ જાણવું મહત્ત્વનો પ્રશ્ન નથી, કદાચ જરૂર પણ નથી. સવાલ, શાળા કે વાલીઓ દફતરના વજનને જાળવી રાખવા પ્રયત્ન કરશે ખરા તેનો છે. સરકારે માર્ગદર્શિકા તો ઠેર ઠેરની શાળા સુધી પહોંચાડી દીધી છે પરંતુ તેઓ અમલ ન થાય તો ફરિયાદ કોને કરવાની અને તેની દંડનાત્મક જોગવાઈ શું છે તે બાબતની સ્પષ્ટતા જરૂરી છે. અન્ય અભિયાનો કે પ્રકલ્પની જેમ આ એક અભિયાન બનવું જોઈએ. એમ ન થાય ત્યાં સુધી તો મનમાં પ્રશ્ન રહેવાનો કે દફ્તર હળવું થશે કે?’


- ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)

Wednesday, 7 November 2018

બહુ થોડા ‘બેક બેન્ચર્સ’ ટોચ પર પહોંચે છે!


બહુ થોડા બેક બેન્ચર્સ ટોચ પર પહોંચે છે!




               એક વિદ્યાર્થીએ આક્રોશભર્યા અવાજે કહ્યું હતું કે, ‘...જે હોય તે બધામાં જ પાછલી લાઇનવાળા જ ડફોળ?! ભણવામાં નબળું રિઝલ્ટ આવે એટલે અમે બધા તોફાની કેમ?’ હું શાંતિથી જવાબ આપું તે પહેલા તેને ફરી શરૂ કરી દીધું હતું, ‘...ને આમાં ઘર અને સ્કૂલવાળા બધા જ સંડોવાયેલા છે...બધ્ધાને ઘર કે શાળામાં પોપટિયું કામ કરતાં રહીએ તો સારા લાગીએ છીએ..!મેં તેની રજૂઆત કરવાની હિંમતને બિરદાવવા સાથે એક પ્રશ્ન પૂછ્યો હતો, ‘તારી વાતમાં વજૂદ તો છે પરંતુ શું તું માને છે કે વર્ગમાં ભણવા પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ?’ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવામાં એ સ્પષ્ટ નહોતો એ જણાઈ આવ્યું હતું.
                    હમણાં આ વિષય ઉપરની જ એક શૈક્ષણિક-સામાજિક ફિલ્મ રિલીઝ થઈ છે અને તેને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જોવાનું શહેરની જાણીતી શાળાઓએ આયોજન કર્યું હતું. આ સાચી દિશાનો પ્રયોગ હતો એટલે આ શાળાઓને અભિનંદન. ફિલ્મનો મૂળ થીમ એ હતો કે બેક બેંચર્સ (જેઓ નબળા અને થોડા તોફાની હોય છે એવા વિદ્યાર્થીઓ કે જેઓ મોટેભાગે પાછળની પાટલીઓ પર બેસવાનું પસંદ કરે છે)ને નકારાત્મક રીતે જોવાની અને તેવું વર્તન કરવાની જરૂર નથી. કેમ કે ભલે તેઓ લેખિત પરીક્ષામાં નબળા હોય પરંતુ સમય જતાં જીવનમાં મોટી સફળતા મેળવી શકતા હોય છે. આવી બહુ સફળ થયેલી જાણીતી હસ્તીઓના નામનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો હતો. 


                    પણ...પણ...જેને દુનિયાની સફળ વ્યક્તિઓ કહીએ છીએ તેમાંની કેટલી વ્યક્તિઓ બેક બેંચર્સ હતી?! આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. કદાચ બહુ થોડાક એમ કહીએ તો પણ ખોટું નથી જ. જે વિદ્યાર્થીઓમાં સહનશીલતા, ત્વરિત નિર્ણયશક્તિ, અમુક ખાસ આવડતો અને સારી તંદુરસ્તી હોય તેવા વિદ્યાર્થીઓ જો બેક બેંચર્સ હોય તો પાછલી જિંદગીમાં ઊંચા શિખર સર કરવાની શક્યતા ઘણી. પણ ગણિત-વિજ્ઞાનની નબળી સમજ, નબળી વૈચારિક ક્ષમતા, નબળું સ્વાસ્થ્ય કે ભયભીત રહેનારા (આત્મવિશ્વાસનો અભાવવાળા) વિદ્યાર્થીઓ જો પાછલી પાટલીઓ પર હોય તો એ વધુ પાછળ રહેવાના ચાન્સ ઘણા !!
                    જીવનની નિષ્ફળતાઓના ઉદાહરણો તથા ભણવામાં નબળી છતાં સફળ થયેલી વ્યક્તિના જીવનને આગળ કરીને શ્રોતાઓને (લોકોને) દિગ્મૂઢ કરવાની આજકાલ ફેશન ચાલી છે. ઘણાબધા વકતાઓ સ્વામી વિવેકાનંદ, બિલ ગેટ્સ, સચીન તેંડુલકર કે લતા મંગેશકરની સફળતાની આગળ રીને લોકોને પ્રભાવિત કરવાની લાલચુ પ્રયુક્તિ અપનાવી રહ્યાં છે. સફળતાના ઉદાહરણો અપાય તેની સાથે તેનો ઇતિહાસ પણ આપો ને? શું આ બધા જ લોકો બેક બેંચર્સ હતા?!  કેટલાક લોકો તો વળી સાવ અભણ, પણ માલેતુજાર બનેલા લોકોના ઉદાહરણો આપતા અચકાતાં નથી. સફળતા એટલે સંપત્તિનું કદ એવી અણઘડ વ્યાખ્યા બાંધીને કહેવાતાં વકતાઓ હાંકયે રાખતા હોય છે.
                    જેઓ પાછલી હરોની વિદ્યાર્થિનીઓ નહોતી એવી બે યુવતીઓની વાત અહીં ઉદાહરણરૂપે રજૂ કરું. શાળામાં તેજસ્વી છતાં નબળી આર્થિક પરિસ્થિતિને લીધે, નહીં ભણવાનો નિર્ણય કરનારી હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ માત્ર 22 વર્ષની વયે રાજ્યના થર્જુન ગામની સરપંચ બની. જો કે, કાકાના વિચારથી તેણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું હતું અને સાથે સાથે ખર્ચને પહોંચી વળવા પત્રકારિતાનું કામ પણ કર્યું હતું. શરૂઆતથી તેનામાં રહેલી દૂરંદેશી વિચારશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ, કુશળ સંચાલનશક્તિ સક્રિય બની અને સૌથી નાની વયે સરપંચ બનવાનું માન ખાટી ગઈ! આ ગામડામાં લોકો શરાબના બંધાણી હતા, જેમાંથી હવે તેણીએ આખા ગામને મુક્ત બનાવી દીધું છે. સર્વશ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મેળવનારી જબના બેક બેંચર્સ નહોતી! જો તેનામાં આવા ગુણો ન હોત તો એ પાછલી પાટલીની વિદ્યાર્થિની હોત તો પણ આવી સફળતા ન મેળવી શકતે.
                    બીજી વાત છે સુરતમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દક્ષિણ ગુજરાતમાં ટોચ પર રહેનારી શ્રેયા ઠુમ્મરની. એ પોતાના ઉચ્ચ પરિણામથી ઈજનેરી કે દાક્તરી તરફ વળી શકી હોત પરંતુ તેને અર્થશાસ્ત્રી બનવું હતું એટલે બ્રિટન તરફ મન વાળ્યું. તેને પ્રથમ વર્ષે જ જાણીતી આંતરરાષ્ટ્રીય બેન્કમાંથી પચાસ લાખની નોકરીની ઓફર મળી ગઈ! જો કે તેણે હાલમાં તો આગળ ભણવામાં જ મન વાળ્યું છે અને નોકરીને બાજુએ હડસેલી છે. છતાં, આવું કઈ રીતે થયું તે જાણવું વધારે મહત્ત્વનું છે.
                    પોતાના શાળા શિક્ષણ દરમ્યાન નેતૃત્વ, સંવાદ અને તાર્કિક વિશ્લેષણ કરવાની ક્ષમતાની કેળવણી પર વિશેષ ધ્યાન આપ્યું હતું. આ કાબેલિયત તેને નાની ઉંમરે મોટી મોટી હસ્તીઓ (ચેતન ભગત, મેઘનાદ દેસાઇ, સંદીપ સિંઘ, જી.ડી.બક્ષી વગેરે) સાથેની મુલાકાતો તરફ દોરી ગઈ. અંગ્રેજી પર કાબૂ અને શિક્ષિત વાલીનું સંતાન હતું તે કરતાંયે તેણીને પોતાની આવડત પરનો આત્મવિશ્વાસ હતો જે તેણે નાની ઉંમરે આ ઊંચાઈ પર લઈ ગયો. તેણી બેક બેન્ચર્સ હોત તો પણ જો એનામાં આ ગુણો ન હોત આ ઊંચાઈએ પહોંચવું મુશ્કેલ હતું.
                    આ સિવાયના ઘણા સફળ વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓના ઉદાહરણો આપણને મળી શકે તેમ છે કે જેઓ શાળા-કોલેજમાં બેક બેન્ચર્સ નહોતા. હકીકત તો એ જ રહે છે કે પાછલી પાટલીઓવાળા જીવનમાં શિખર સુધી પહોંચી શકે છે પરંતુ બહુ થોડા લોકો, ઘણાંબધા નહીં!! કેમ કે, સફળતા માટેના માપદંડો જુદા જુદા ભલે હોય પણ તે ખાસ પ્રકારના કૌશલ્યોની હાજરી તો સૂચવે જ છે. આવા કૌશલ્યને આકાશ મળવું જોઈએ. વળી, આકાશ આપતા પહેલાં સંતાનની ક્ષમતા ઓળખવી પડે. આ બાબતમાં જ મા-બાપો, શિક્ષકો, કેળવણીકારો કે મોટીવેટર્સ પણ માર ખાઈ જાય છે. ફિલ્મનો આશય આવી જ બાબત પ્રત્યે મનોમંથન કરાવવાનો છે, તેથી ફિલ્મની ટેકનીકલ બાબતોની કોઈ ચર્ચા અહીં કરી નથી.
                    ફિલ્મ એવા વાલી અને શિક્ષકોને સચેત કરે છે કે જેઓ વિદ્યાર્થીના લેખિત કામને આધારે જ તેમને નબળા કે સારા ગણે છે, અને તેના ઉપરથી જ તેની કારકિર્દીની સફળતા કે નિષ્ફળતાનું અનુમાન લગાવે છે. ફિલ્મનો એક વિદ્યાર્થી ગોપાલ બેક બેન્ચર્સ છે. ભણવાની પળોજણ અને ટીકા-ટીપ્પણીમાંથી બચવા ઘર છોડે છે, પણ એ અનુભવ તેને માટે સારો નથી જ બનતો. વૈધિક શિક્ષણમાંથી બધું જ બેઠે બેઠું લેવાને બદલે, તેને વધારે વ્યવહારું બનાવીને કિશોરો-તરુણોનો ઉછેર કરવાની શીખ આપણે સૌએ તેમાંથી લેવાની છે એ જ ફિલ્મનો સાર છે. ફિલ્મની ટીમને પણ શિક્ષણ-સમાજ સાથે સંકળાયેલા વિષયવસ્તુ પસંદ કરવા બદલ અભિનંદન!
                    શિક્ષકો, આચાર્યો તથા વાલીઓએ નવી પેઢીને ભણાવવાનું કામ કરવાનું છે, પણ તેણી સાથે દરેકની ક્ષમતાને ઓળખવાનું અઘરું કામ પણ કરવાની જરૂર છે. કોર્ષમાં થોડી બાંધછોડ કરવી પડે તો વાંધો નહીં આવે, પણ આત્મવિશ્વાસ વગરના અને નબળી વિચારશક્તિથી શાળા-કોલેજ છોડનારા યુવાનો કુટુંબ કે સમાજને ખાસ યોગદાન નહીં આપી શકે તેની ચિંતા આ દરેકને થવી જ જોઈએ અને કાયમી રહેવી જોઈએ તો જ આપણે એકને બદલે બે-ત્રણ આઈન્સ્ટાઇન, અમિતાભ, જબના કે શ્રેયા પેદા કરી શકીશું. શું માનો છો?!
                               

- ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)

Thursday, 9 August 2018

શિક્ષક-વાલી સંવાદ: સર્વાંગી વિકાસની અનિવાર્યતા

શિક્ષક-વાલી સંવાદ: સર્વાંગી વિકાસની અનિવાર્યતા   
   
                 રજાના એ દિવસે હળવા મૂડમાં કેટલાક શિક્ષક-આચાર્ય ભેગા મળ્યા હતાં ત્યારે એમની ચર્ચા વચ્ચે એક સૂર ઉઠ્યો હતો: આ લોકોને શાળા શિક્ષણના સંચાલનમાં ઘૂસવા જ ન દેવાય. વારંવારની એમની દખલ રોજિંદા શિક્ષણને ડિસ્ટર્બ કરી મૂકે છે.’ બીજાએ સૂર પુરાવ્યો હતો: તમારી વાત સાચી છે. પણ બીજા એક શિક્ષકે જુદી વાત કરી હતી: કેટલેક અંશે તમારું મંતવ્ય સ્વીકાર્ય છે પણ વાલીઓના સહકાર વિના બાળકોના બધા જ પ્રશ્નો આપણે ઉકેલી ન શકીએ એ પણ હકીકત છે. ઘડીક શાંતિ પઠરાઈ ગઈ હતી. વાત ચિંતન કરવા જેવી હતી એટલું મનોમન સ્વીકારીને કોઈ ઉકેલ વિના બધા વિખરાઈ ગયા હતાં.
                પચાસેક વર્ષના કોઈ વ્યક્તિને તેમના સમયની શિક્ષણ વ્યવસ્થા વિશે પૂછશો તો ઘણુબધું કહેશે, પણ એક વાત અચૂક કહેશે કે, ‘હું ક્યાં અને કેવું ભણતો હતો તેના વિશે મારા મા-બાપને બિલકુલ જાણ નહોતી. કદાચ તેઓ શાળામાં મુલાકાત આવ્યા હોય તેવું પણ મને જાણમાં નથી. આ સાચું હશે કેમ કે તે સમયે સંતનોને ભણાવવા બાબતે ઘર તરફથી કોઈ જ દખલ નહોતી. શિક્ષક જે કહે તે બ્રહ્મવાક્ય ગણાતું. હા, એ વખતે વડીલોનું શિક્ષણ પણ ઝાઝું નહોતું એટલે તેમના સંતાનો પાસે પણ એવી અપેક્ષા તેઓ રાખતા નહોતા!
                       સમય બદલાયો, વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક-સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું, તેની સાથે શિક્ષણ મનોવિજ્ઞાનના ઘણા ફેરફારો સ્વીકૃત બનવા લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. તેથી જેમ વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સારા સંબંધો રહેવા જોઈએ તેમ શિક્ષક-વાલી વચ્ચે પણ રહેવા જોઈએ. મતલબ શાળાઓ સાથે કુટુંબ(સમાજ)નું જોડાણ આજના સમયનો નવો વિચાર છે. જોડાણનો મતલબ બંને સાથે મળીને શાળા ચલાવે એવું નહીં, પરંતુ બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને કેટલાક નિર્ણયો લે તે છે.
                   શિક્ષક અને વાલી વચ્ચેનો સૌથી પહેલો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે, જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાંખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતાં પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્ત્વની ગણાય, એ દ્રષ્ટિએ દરેક વર્ષે નવા સત્રની શરૂઆતમાં શિક્ષક-વાલી  વચ્ચેની પરિચય મિટિંગ થવી જોઈએ. આ મુલાકાત એકમેકની ફરિયાદ કરવા માટેની નહીં થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ કેમ કે તેમ થવાથી બંને પક્ષને કોઈ લાભ તો થતો જ નથી, પરંતુ વિદ્યાર્થીઓના વિકાસમાં તે અવરોધરૂપ બની જાય છે.
                વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તે જ હોવો જોઈએ. આ માટે તેમના મનમાં આવા પ્રશ્નો હોય એ ઇચ્છનીય છે કે: મારુ સંતાન બીજા બાળકો સાથે ભળી શકે છે ખરું? સમૂહ પ્રવૃત્તિઓમાં તેની સામેલગીરી કેવી રહે છે? વાંચન-લેખન માટે હું (વાલી તરીકે) તેને કઈ રીતે મદદરૂપ થઈ શકું તેમ છું? મારા સંતાન માટે કોઈ ખાસ પ્રવૃત્તિનું સૂચન છે? સંતાનની ઘરવર્તણૂક સામે કોઈ રજૂઆત કરવાની છે? આવા પ્રશ્નોનાં સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી સંતાનના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે.
                શિક્ષકો સાથેની મુલાકાત બાબતે બીજી એક-બે વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એક, અગાઉથી ચોક્કસ સમય નક્કી કરીને જ મળવું જોઈએ અને બે, આવી મુલાકાતો બહુ લાંબી ન જ થવી જોઈએ. જે તે શિક્ષકના વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ હોય છે એટલે દરેકનું વ્યક્તિગત સમાધાન એકસાથે ન થઈ શકે. હા, આવી મુલાકાતમાં પણ દોષારોપણને બદલે સમસ્યાના સમાધાનને શોધવાની કવાયત રહેવી જોઈએ. આ માટે શિક્ષક અને વાલી બંને પ્રસન્ન હોય એ અત્યંત આવશ્યક છે. જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતા(તાકાત)થી વાકેફ થઈ ને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે છે.
                જ્યોર્જ લિયોનાર્ડનો વિચાર છે કે, ‘જે સ્વયંને બદલી શકે એવી બધી જ પ્રવૃત્તિ શિક્ષણ છે(Education is, doing anything that changes you).’ અર્થાત, બાળકો સાથે સંકળાયેલા સૌ પોતાના સારા કામ થકી તેના વ્યક્તિત્વને નિખારી શકે છે. એ દ્રષ્ટિએ વાલી-શિક્ષકો વચ્ચેનો સંબંધ વિદ્યાર્થીઓના પરિવર્તનમા મહત્ત્વનો સંબંધ છે. એમ છતાં  આપણે ત્યાં બંને વચ્ચે મોટી ખાઈ જોવા મળે છે કેમ કે બંને વચ્ચેની મુલાકાત મોટાભાગે એકબીજાની ફરિયાદ માટે જ થતી જોવા મળે છે. વિદેશોમાં આવી મૈત્રી(Relationship)ને બાળકોની વિચારશક્તિને ખીલવવામાં ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.
                રિઝો-1999 અને પાર્ચ-2011ના સંશોધનોનો સાર એવો હતો કે, નિયમિત રીતે વાલી-શિક્ષક વચ્ચેની ટૂંકી મુલાકાત શાળા-સમાજના સંબંધને પ્રોત્સાહિત કરે છે. એકબીજાના જ્ઞાન-માહિતીની અદલાબદલીથી બંને પક્ષે વૈચારિક વાતાવરણમાં સુધારો થાય છે. વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક, બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે, જે વર્ગખંડ શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે. ઓબ્રે-2011નો અભ્યાસ પણ એ વાતની પુષ્ટિ આપે છે કે જ્યારે શાળા અમુક ખાસ પ્રવૃત્તિ કે અભ્યાસલક્ષી નિર્ણયોમાં વાલીઓને સામેલ કરે છે ત્યારે બાળકના વિકાસમાં તેની હકારાત્મક અસર પડે છે.
                બદલાયેલી સામાજિક-આર્થિક પરિસ્થિતમાં કુટુંબ વ્યવસ્થામાં ઘણા પરિવર્તનો આવ્યા છે. સંયુક્તમાંથી એકાંગી કુટુંબો વધ્યા છે. શિક્ષણ મેળવેલ દંપતીઓ(વાલીઓ) નોકરી-વયવસાયમાં જોડાવા તત્પર બન્યા છે. ઇન્ટરનેટ-મોબાઈલ ટેક્નોલૉજી રોજિંદા જીવનમાં હાવી બની રહી છે ત્યારે સંતાનની મુશ્કેલીઓ ઘર અને શાળામાં કઈ અને કેવી છે તે જાણવું અતિ આવશ્યક બન્યું છે. આવા સંજોગોમાં તરુણ વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેની વૈચારિક ક્ષમતાને ઊર્ધ્વગામી બનાવવાનો શ્રેષ્ઠ   રસ્તો શિક્ષક(શાળા)-વાલી(સમાજ) વચ્ચેના સંવાદિતાપૂર્ણ સંબંધોને વિકસાવવાનો જ જણાય છે.  
                શિક્ષક અને વાલી, બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી(બાળક)છે, જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભોગોલિક અંતર ધરાવે, પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો-પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યૂનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે. તેથી જ, દરેક શાળાઓને વાલી જેવા શિક્ષક અને દરેક કુટુંબને શિક્ષક જેવા વાલીઓની જરૂર છે એ ન જ ભૂલીએ.


-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)

Wednesday, 1 August 2018

સારા વાલી બનવા ‘મનો-જીવ વિજ્ઞાન’ સમજો!


              
જે થોડા વર્ષો પહેલાં પોતે તરૂણી હતી અને આજે એક સંતાનની માતા હતી તેવી  સુહાસિનીની આકસ્મિક મુલાકાતે એક પ્રશ્ન પૂછાઇ ગયો, કેવી લાગે છે હવે દિનચર્યા?’ ઉત્તર હતો, બહુ વ્યસ્ત! મેં સ્પષ્ટતા માટે આગળ પૂછ્યું, શાની પ્રવૃત્તિમાં?’ જવા હતો, બાળક અને ઘરની દુનિયાની સમાજ વ્યવસ્થામાં સ્ત્રી તરીકેના જન્મ સાથે જ અન્ય જવાબદારીનો ભાર બહુધા એમને પક્ષે જ વધુ રહે છે. મેં વધુ જાણવા છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો હતો, વાલી બનતા પહેલાં બાળકોના ઉછેર બાબતે કોઈ મનોમંથન કે વાંચન કર્યું હતું?’ ઉત્તર સ્પષ્ટ ના હતો. આ માત્ર સુહાસિનીનો જ જવાબ નહોતો, નેવું ટકા ભારતીય નારીનો ઉત્તર હતો એમ સમજી જ લેજો કેમ કે હું ખોટો પડું એવા ચાન્સ નહિવત છે!
આ તો એક પક્ષની વાત હતી. વર્ષો પહેલાં પોતે તરુણ હતો અને આજે પિતા બનેલા પ્રતીકની મુલાકાતમાં મેં પ્રશ્ન કર્યો હતો, પિતા તરીકે કેવું અનુભવાય છે?’ જવાબ હતો, સરસ સર મેં પૂછ્યું, બસ એટલું જ?’ એણે અટકીને જવાબ આપ્યો હતો, પત્ની ઘણુંબધુ સંભાળી લે છે એટલે રૂટિનમાં ખાસ ફર્ક નથી! આ ઉત્તર માત્ર પ્રતીકનો જ નહોતો, ભારતના 90 ટકા પુરુષો(પિતાઓ)નો હતો, આમાં પણ હું ખોટો પડું એવા નહિવત ચાન્સ છે! આજે મા-બાપ (વાલી) બનવા અને તેને નિભાવવા વિશે થોડી વાત કરીએ.

           
ગિજુભાઈ બધેકાનું મા-બાપ થવું અઘરું છે અને મેડમ મોન્ટેસોરી નું The Absorbent Mind’ પુસ્તક વાંચ્યું ન હોય તેમણે સારા વાલી થવા માટે સંઘર્ષ કરવો પડે. બાળ કે તરુણ કેળવણીના પ્રશ્નો જ્યારે ઉદભવે ત્યારે તાત્કાલિક શોધી કાઢવામાં આવતાં ઉપાયો ઘર અને સમાજમાં અસંતોષ અને ઉત્પાત પેદા કરનારા બની રહે છે, કેમ કે તેમાં ઉછેરનું દમન થતું હોય છે, પ્રોત્સાહન નહીં.
માતા કે પિતા બની જવું સરળ છે, પરંતુ આજીવન તેના વાલી બની રહેવાનુ કામ આસાન નથી. તેમાં સૌથી વધુ મહત્ત્વની ક્રિયા બની રહે છે સંતાનો સાથેના સંવાદની. સંતાનો સામે વાલીઓ જે કઇં બોલે છે તેના ઉપર જ તેમણે ધ્યાન આપવાની વિશેષ જરૂર હોય છે. જો આટલું સચવાય તો ઉછેર તંદુરસ્ત રીતે થાય. પરંતુ અહીં જ ગરબડ થતી હોય છે. વાલીઓએ એ સમજવું પડે કે પોતાના શબ્દો કે કૃત્ય ખરાબ હોઈ શકે છે અને તેનાથી કોઈને નુકસાન થઈ શકે છે. પરંતુ તેઓએ પોતાના સંતાનને તું ખરાબ છોકરો કે તું ખરાબ છોકરી છે એવું તો કદી કહેવું જોઈએ નહીં.
             વાલી અને સંતાન વચ્ચેના હકારાત્મક વિધાનો સૌથી શ્રેષ્ઠ સેતુ બની શકે છે. જો વાલી તરફથી સતત ના’, ’આમ નહીં’, ‘તારાથી નહીં જ થાય એવા શબ્દો સંભળાતા રહે તો સંતાન પોતાના વાલીમાંથી વિશ્વાસ અને શ્રદ્ધા ગુમાવી બેસે છે. બાળકોને તમે અવાજ ન કરો એમ કહેવાને બદલે બાળકો શાંતિથી વાતો કરો કહેવું વધુ યોગ્ય છે. તેવી જ રીતે તમારે ઘરમાં રમવાનું નથી એમ કહેવાને બદલે તમે મિત્રોને બોલાવીને મેદાન પર રમવા જાઓ તો?’ કહેવું સારા વ્યવહારનું ઉદાહરણ બની શકે. કેટલાક કામ કે પ્રવૃત્તિ આદેશ કરીને કહેવા કરતાં ચાલ સાથે મળીને કરીએ?’ જેવા પ્રશ્નથી રજૂ થાય તો એકમેક પ્રત્યે સહકારની ભાવના જન્માવે છે, જે પ્રસન્ન પરિવાર માટે ખૂબ જ આવશ્યક છે.
ગત બે દિવસમાં સુરતમાં પેરેંટિંગ ફોર પીસ સંસ્થા દ્વારા આયોજીત સેમિનારમાં પણ કદાચ આ  વિષય પર ચર્ચા-વિમર્શ થયા હશે. આ સંદર્ભમાં જ મેડમ મોન્ટેસોરીને યાદ કરવા જેવા છે. વિશ્વ શાંતિના કામ માટે તેમણે કેળવણીના ત્રણ અંગો પર જ ભાર આપ્યો છે. તેમના માટે માનવીને પશુથી જુદા પાડતા આ અંગો છે: હાથ, હૈયું અને મન. (ગાંધીજીની કેળવણીનો પણ આ જ મધ્યવર્તી વિચાર છે.) હાથનો ઉપયોગ સામૂહિક કામોમાં થાય, હૃદયના પ્રેમ-કરુણાના ભાવો દ્વારા કુટુંબ અને સમાજના સભ્યો વચ્ચે સેતુ રચાય અને મન દ્વારા સારાસાર પારખવાની શક્તિનો વિકાસ થાય તો વિશ્વ શાંતિ સ્થપાય.
              વિશ્વ શાંતિની શરૂઆત, કુટુંબની શાંતિથી જ થઈ શકે અને કુટુંબ એ સંતાનો અને વાલીઓ વચ્ચેના સંવાદની પ્રસ્તુતિ છે. વૈચારિક આદાનપ્રદાનથી કુટુંબની તંદુરસ્તીનું માપ નીકળે છે. એટલા માટે સારા વાલી બનવા માટે મનોવિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની સમજ અનિવાર્ય થઈ પડે છે. અગાઉની જે વાત કહેવાઈ છે તેના સમર્થનમાં મોન્ટેસોરીના કેટલાક સૂચનો નોંધવા જેવા છે. એક તો, વિકાસના પ્રથમ તબક્કામાં (જન્મથી 6 વર્ષ સુધી) ઘરમાં ભાષાના ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ભાષા જ લાગણીની રજૂઆતનું સાધન છે. (કદાચ એટલે જ એવું બોલાતું હશે કે જેની ભાષા બગડે તેનો ભવ બગડે!) 
            બીજું, વિકાસના બીજા તબક્કામાં (6 વર્ષથી 12 વર્ષ સુધી) સંતાનો સારું-નરસું સમજવા સક્ષમ બને છે તેથી ન્યાયના મૂલ્યોનું ઘડતર શરૂ થાય છે. આ ઉંમરગાળામાં વાલીઓએ જાતિભેદથી બચવાની વિશેષ જરૂર રહે છે. નાના-મોટા કે ભાઈ-બહેનની સરખામણીમાં ખાસ સાવધાની રાખવી. ત્રીજુ, કુટુંબના સભ્યોએ એકબીજાને આદર-સન્માન આપવા પર હંમેશા તત્પર રહેવું જોઈએ.(આપણે ત્યાં આની ભારે ઊણપ છે, ખરું?!) Parenting for peace તરફની યાત્રા આના વિના સંભવ નથી.
અને ચોથું, વાલી જે મૂલ્યો સ્વયં જાળવશે, તે જ મૂલ્યો પોતાના સંતાનોમાં રોપી શકશે. પ્રાચીન અને આધુનિક સમયમાં જે અસંતુલન રહે છે તે બહુધા આ બાબતે જ હોય છે. તરુણાવસ્થામાં આ અસંતુલન બળવાસ્વરૂપે બહાર આવે છે. સૌથી વધારે સાચવવાની જરૂર આ તબક્કામાં જ રહે છે કેમ કે બંને પક્ષે અહમ ઘવાય છે! દર વખતે (ઉંમરમાં નાના હોવાથી) બાળકે જ નમતું જોખવું જોઈએ એવો વાલીઓ (વડીલો)નો હઠાગ્રહ શાંતિ પર પાણી ફેરવી મૂકે છે. વાલીઓએ એ મંથન કરવાની જરૂર રહે છે કે કયા કયા સંજોગોમાં પોતે સંતાનો સામે સંપૂર્ણ કે આંશિક શરણાગતિ સ્વીકારી લેશે. તમેય વિચારો ત્યારે..!!

-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ-30-7-18)

Friday, 22 June 2018

કારકિર્દી નિર્ણયની ભ્રમણાઓનું ચિંતન

              રમતમાં હાર-જીત આવે, તેમ જીવનમાં સુખ-દુ:ખની સ્થિતિ પણ આવે જ. સમગ્ર સૃષ્ટિમાં કશું સ્થાયી નથી. કદાચ એટલે જ આપણને આ દુનિયા ગમે છે! શાંત અને ભેંકાર ભાસતી શાળા-કોલેજો હવે થોડા દિવસો પછી ધમધમવા માંડશે. નવા વિદ્યાર્થીઓ અને નવા પાઠ્યપુસ્તકો સાથે ફરીથી જૂના શિક્ષકોના સંવાદો શરૂ થશે. નવા વાલીઓની અપેક્ષાઓ સાથે શિક્ષકો, આચાર્ય અને સંચાલકો સાથે નવી મિટિંગોનો દોર ચાલશે. કારકિર્દીના નવા આયામો ઊઘડશે તેની સાથે વાલી-વિદ્યાર્થીઓની વિમાસણ પણ યથાવત રહેશે.
            બદલાતી કૌટુંબિક વ્યવસ્થા અને કુટુંબના સભ્યોનો બદલાતો અભિગમ સામાજિક શાંતિને દૂર રાખવા મથી રહ્યો છે. બધું બદલાય છે તેમ છતાં શાંતિનો અનુભવ ઓછો થાય છે. આવું શાને થાય છે એ પ્રશ્નનો ઉત્તર આસાન નથી એટલે દરેક વ્યક્તિ આ માટે બીજા પર ઠીકરા ફોડે છે. વિરોધ પક્ષવાળા શાસક પક્ષને, સંતાનો વાલીઓને, દર્દીઓ દાક્તરોને અને વિદ્યાર્થીઓ શિક્ષકોને જવાબદાર ઠેરવે છે. આમાં અપવાદો હોય તો પણ સાચું નથી. માનવી જ્યારે પોતાની અપેક્ષાઓ બહુ ઊંચી આંકે છે ત્યારથી તેની દુ:ખી થવાની શરૂઆત થઈ જાય છે. 
              102 નોટ નોટ આઉટ ફિલ્મમાં 102 વર્ષ સુધી જીવીને અમુક વ્યક્તિનો રેકર્ડ તોડવાની બાપની મહત્ત્વાકાંક્ષા પણ વધારે પડતી જ હતી, છતાં એ સભાનાવસ્થામાં લેવાયેલી હતી અને એનો એકમાત્ર આશય લાંબુ જીવવાનો નહોતો. માત્ર પોતાના પુત્રના જીવન પ્રત્યેના નિરાશાજનક આભિગમને બદલવા માટેની મથામણ હતી. લાંબુ જીવવાનું મહત્ત્વનું નથી, પણ પ્રસન્નતાથી જીવવું જોઈએ એવો સંદેશ ફિલ્મના મૂળમાં છે. મોટી ઉંમરનો (વૃદ્ધ) બાપ, પોતાનાથી નાના (વૃદ્ધ!) પુત્રને જીવન જીવવાની ફિલસૂફી શીખવવાનો નવતર કિમીયો અજમાવે છે. એની સાથે નવી પેઢીના પોતાના પુત્ર અને તેના દીકરા(પૌત્ર)ને સબક શીખવાડે છે! સંવેદનશીલતાની આંધળી દોટમાં સરી પડતાં બાપ(પોતાના પુત્ર)ને તેનો બાપ મોટી ઉંમરે પણ એક મહત્ત્વનો લેશન આપે છે. આ ફિલ્મનો એક ડાયલોગ, ‘મેરે પુત્રકો, ઉનકે પુત્રકે સામને મેં હારને નહીં દૂંગા’ ધ્યાનાકર્ષક અને યાદગાર છે. 
                 કારકિર્દીના સંદર્ભમાં વિચારીશું તો મોટાભાગના વાલીઓ પોતાના સંતાનો(ખાસ કરીને પુત્રના)ના શિક્ષણમાં અસાધારણ રોકાણ કરવા તૈયાર થઈ જાય છે. મોટો દાક્તર કે ઇજનેર બને, વિદેશમાં જઈ ભણે, અવનવા કોર્ષ કરે...ને એમાં ને એમા મા-બાપો ફુલાય. વર્ષો પછી વાસ્તવિક્તા સમજાય ત્યારે આ જ સંતાનો વાલીઓની સંવેદનાનું શોષણ કરવા માંડે ત્યારે જાણે ‘વૃદ્ધાશ્રમ’ની વ્યવસ્થાને બળ મળતું હોય તેવું લાગે. સુખની શોધ અને તેને પામવાની ઘેલછા કુટુંબને સમરાંગણ બનાવી મૂકતી હોય છે. કારકિર્દીની પસંદગી કેટલી યોગ્ય હતી કે અયોગ્ય હતી તેનું ભાન કુટુંબ અને સમાજને મોડુ થાય છે એટલે આ સિલસિલો અટકતો નથી. હમણાં બોર્ડ પરીક્ષાના પરિણામો આવ્યા છે, કોલેજોના હવે આવશે. પરિણામ જ્યારે હાથમાં આવે છે ત્યારે મનોમંથન શરૂ થાય છે કે કઈ લાઇનમાં જવું અથવા જે લાઇન છે તે બરાબર છે કે નહી? તેથી, આજે કારકિર્દી વિશેની વિશેની ધારણાઓ (ભ્રમણાઓ!)નું ચિંતન કરવું છે. 
                પહેલી ભ્રમણા, કારકિર્દીનો નિર્ણય ધોરણ દશ કે બારમાં, વિદ્યાર્થીઓ આવે પછી જ કરવાનો હોય. જે તે સંતાનની પ્રાથમિક શિક્ષણની તરાહ, તેને ગમતી પ્રવૃત્તિઓ, તેની આવડત અને કુટુંબની આર્થિક-સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતાન ધોરણ આઠ કે નવમા આવે ત્યારે જ નક્કી કરવી જોઈએ. આપણે બહુધા કારકિર્દીનો નિર્ણય એકાદ અઠવાડિયામાં જ કરી દેતા હોઈએ છીએ! બીજી ભ્રમણા, જેમાં શોખ હોય તેવી કારકિર્દી પસંદ કરાય. આમાં ભલભલા લોકો અટવાઈ પડ્યા છે. રસ કે શોખથી મનોરંજન કે મઝા મળે, પણ જરૂરી નથી કે તેનાથી રૂપિયા(આવક) મળશે જ. આર્થિક ક્ષમતા કેળવવા માટે આવડત કે ક્ષમતા જોઈએ, મજા આવે તેવું કામ નહીં. બહુ થોડા અપવાદો મળશે ખરા કે જેમાં પોતાના શોખને પોતાના વ્યવસાય કે ધંધો બનાવ્યો હોય. પરંતુ આવું ભાગ્યે જ જોવા મળે છે માટે પહેલા સંતાનની ક્ષમતા પર ધ્યાન આપો, શોખ પર નહીં! 
              ત્રીજી ભ્રમણા એ છે કે જેમાં વધુ કમાણી થાય તેવી ક્ષેત્રો ઉત્તમ કહેવાય. જરૂરિયાતની પૂર્તિ માટે નાણાંની આવશ્યકતાને નકારી ન શકાય. પરંતુ નોકરીમાં વધુ નાણાં, વધુ સંતોષ આપે છે તે સાચું નથી જ. મોટાભાગના લોકોને પૂછશો તો ઉત્તર આ જ હશે, ‘સેટિસફેકસન? એની વાત છોડો!’ કમાણીની વાત અનંત છે એટલે જે તે વ્યક્તિએ પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરવી જરૂરી છે. આની ચર્ચા કારકિર્દી નિર્ણયના શરૂઆતના તબક્કે થવી જ જોઈએ. નાણાં બધી જ વસ્તુઓ ખરીદી શકે છે, પરંતુ કારકિર્દીમાં સૌથી અગ્રિમ મૂકવાની ભૂલ ઘણાબધા કરતાં હોય છે. ચોથી, પોતાના મિત્ર કે સગા જે ફિલ્ડમાં છે તેમાં જવું શ્રેષ્ઠ રહેશે. દરેક વ્યક્તિની ક્ષમતા ભાગ્યે જ સરખી હોય શકે. આવડતને સંબંધો સાથે ખાસ નિસબર હોતી નથી. આપણે ત્યાં બહુધા દાક્તરો પોતાના સંતાનોને પોતાના જ ફિલ્ડમાં લાવવા હઠાગ્રહી હોય છે! તેમનામાં ક્ષમતા હોય તો વાંધો નથી, પણ અક્ષમ વ્યક્તિ(સંતાનો) માટે આવા ઠોકી બેસાડવામાં આવતાં નિર્ણયો જોખમી બને છે(અને બન્યા પણ છે!). 
                પાંચમી, જેમાં ઓછામાં ઓછી તકલીફ તેમાં જવું હિતાવહ છે. જગતમાં કોઈપણ ક્ષેત્ર મહેનત વિનાનું નથી. કોઈ શારીરિક શ્રમ કરે છે, કોઈ માનસિક રીતે વધુ કામ કરે છે તો કોઈ શરીર-મન બંનેનો વધુ ઉપયોગ કરે છે. અમુક કામો એક જગ્યાએ બેસીને જ કરવાના હોય, અમુક માટે બહાર ફરવું પડે! એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે એ.સી.રૂમમાં બેસીને કામ કરવાનું સૌથી શાંતિ અને સલામતભર્યું હોય છે. આવા લોકોએ આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે! 
                 અને છઠ્ઠી ભ્રમણા એ છે કે પહેલાં ગમે તેમાં કૂદી પડવાનું, પછી બધું આવડી જ જાય! આ જોખમી રસ્તો છે. આમ કરનાર માટે એટલું તો સ્પષ્ટ થઈ જાય કે પોતે નિર્ણય નથી લઈ શકતી કે તેનામા કઈ આવડત છે. આવું કરનારા પુરુષાર્થ કરતાં નસીબ પર વધુ મદાર રાખતા હોય છે. લાગ્યું તો તીર નહિતર તુક્કો! વારંવાર એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં કુદવાની વૃત્તિ જીવનમાં સાતત્યપૂર્ણ કામ અપાવી શકતી નથી. સારાંશમાં, જીવનનો મહત્ત્વનો નિર્ણય કરતી વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પૂરતી ચર્ચા કરે, એકમેકને આદર આપે અને પોતાની ક્ષમતા, સંસાધનો અને ભાવી જીવન વિશેની પોતાની સંકલ્પના સાથે રાખે એ અત્યંત આવશ્યક છે. -ડૉ. વિજય મનુ પટેલ (શિક્ષણ સૂત્ર કૉલમમાં છપાયેલ લેખ)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...