Thursday, 9 January 2014

મૂલ્યલક્ષી શિક્ષણ, તુમ કહાં હો ?!



        વિદેશથી પધારેલા એક સંબંધીએ થોડા સમય પહેલા મને જે વાત કરી હતી તે વાંચો. ‘…હું થોડા સમય પહેલા જ એક ખાનગી દવાખાનાની મુલાકાતે ગયો હતો. ભારતીય પરંપરા મુજબ અહીં દવાખાનાની બહાર જ બૂટ-ચંપલ કાઢીને અંદર જવાનું હતું. મેં તેમ કર્યું હતું, પણ પછી બહાર આવીને જોયું તો મારા નવા જ ખરીદેલા ચાર હજારના બૂટ ગૂમ થઈ ગયા હતા!
        મેં આજુબાજુ નજર કરી જોઈ પણ બૂટ ત્યાં નહોતા. હું આ માટે કોને ફરિયાદ કરું? કંપાઉન્ડર કે ડોક્ટરને? જે પેશન્ટ પોતાને ત્યાં આવે છે તેના પગરખાં, હેલ્મેટ કે અન્ય વસ્તુઓ જો બહાર મૂકવાનો આગ્રહ રખાતો હોય તો તેને સાચવવાની જવાબદારી પણ જે તે દવાખાના કે ડોક્ટરની જ હોવી જોઈએ ને? આ માટે તેઓ કોઈ વ્યક્તિ કે સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કેમ ન કરી શકે?...’  
        હું સંબંધીની વેદના અને બળાપો સાંભળી રહ્યો હતો. તેઓ સાચા હતા. દવાખાના, ધાર્મિક સ્થળો, સુપર સ્ટોર્સ, સભાગૃહો વગેરે સ્થળોએ જો આવી વસ્તુઓ બહાર રાખવાનો આગ્રહ હોય તો તેને સાચવવાની જવાબદારી પણ તેઓએ જ સ્વીકારવી પડે. આપણી સભ્યતાને વધુ સારી બનાવવા આપણે સૌ જાગૃત બનીએ એ આશયે આવો કડવો અનુભવ આપની સાથે વહેંચ્યો છે. ગુનાખોરી અને ગેરવર્તન અટકાવવામાં વ્યક્તિઓની માનસિકતા વિશે આજે ફરી થોડી ચર્ચા કરીએ.
        ગત સોમવારે પ્રસિદ્ધ થયેલ શિક્ષણ ગુનાખોરી વધારે કે ઘટાડે?’ લેખ જેમણે વાંચ્યો હશે તેઓ અચૂક ચિંતન કરવા પ્રેરાયા હશે. એક વિદ્વાને કહ્યું છે કે અભણ માણસ રેલવેમાથી એક પાર્સલ ચોરશે, પણ ભણેલો તો આખી ટ્રેન ચોરશે! પહેલો વ્યક્તિ ચોરી કરે તેની પાછળ અભાવ રહેલો છે જ્યારે બીજી વ્યક્તિમાં ભોગવૃત્તિ રહેલી છે. આવી માનસિકતાને રોગ ગણીને આંખ આડા કાન કરવાની જરૂર નથી. સમાજના દરેક સભ્યએ આ બાબતે જાગૃત રહેવું પડશે નહિતર શક્ય છે કે કોઈ મંદિર કે દવાખાનાની બહાર મુકેલ તમારા પગરખાં, સાઇકલ કે કારટેપ પણ ચોરાઇ જાય!
        ટેક્નોલોજી ક્ષેત્રે થયેલી અવનવી શોધોને લીધે અતિ ઝડપે બજારમાં આવેલી વિવિધતાએ સમાજને આ નવી ચિંતા આપી છે. ચાલીસ હજારનો મોબાઈલ વાપરનારો વિદ્યાર્થી બેલેન્સ પૂરાવવા મિત્રના ખિસ્સામાથી 50 કે 100 રૂપિયા ખેરવી લેવાની ફિરાકમાં કેમ રહે છે? પચ્ચીસ-ત્રીસ હજારની સાડી પહેરનારી શ્રીમંત ઘરાનાની સ્ત્રીઓને લિપસ્ટીક કે નેઇલપોલિસ ચોરી લેવાની તલપ કેમ જાગે છે? ભલે, માનસશાસ્ત્રીઓ આને ક્લેપ્ટોમેનિયા રોગ ગણીને આગળ વધી જાય પણ આવી વૃત્તિઓ ઉદભવવાના મૂળમાં જે કારણો છે તેને ડામવાનું કામ કોણે કરવાનું છે એ વિશે તમે પણ વિચારજો જ.
         સમાજે ચોરીને જાણે નિરક્ષરતા કે ગરીબી સાથે જોડી દીધી છે. ગર્ભ શ્રીમંત કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો ચોરી કરે તેની ચર્ચા નથી થતી. ભિખારી જેવો માણસ શાકની લારીમાથી એક ડુંગળી ચોરી લે તો લોકો તેને ઢીબેડી નાંખે, પણ મોટો વેપારી કે અધિકારી વીજળી, વેરા કે સંપત્તિના ઘપલા કરે તો તેની કોઈ ચર્ચા નહિ!?
        સવાલ સુટેવોને વિકસાવવાનો છે. આ શીખવવાનું કામ બધાનું છે. આ માટે સ્વયં આચરણ હોવું જોઈએ. એટલે વાત અહીંથી જ અટકી જાય છે! શિક્ષક કે વાલીઓ પોતે જ બીજાના ઘરમાં પગરખાં સાથે જાય તો તેમની અનુગામી પેઢી તેમ જ કરશે. વેપારી પોતે જ ઘરમાં આવેલા બીજા વેપારી સાથે ઉદ્ધતાઈથી વાત કરશે તો તેના સંતાનો એમ જ શીખશે. ડૉક્ટર સ્વયં ટૂંકો પેન્ટ પહેરીને ગાડી ચલાવવા બેસી જશે તો તેમના દીકરા-દીકરી શું બોધપાઠ લેશે?
        શિષ્ટાચાર માટેના ઘણા બધા મૂલ્યો સાપેક્ષ હોય છે એ ખરું પરંતુ તેનું સારું આચરણ બીજા લોકોને ગમતું હોય છે. શિક્ષિત થવાનો ખરો અર્થ જ એ હોય છે કે વૈચારિક રીતે રોજબરોજની જીવનશૈલીમાં આપણે જુદા પડીએ. વધુ સારી રીતભાત અને સૌજન્યપૂર્ણ રીતે એકબીજા સાથે ભળીએ. શિક્ષણ એ સ્વના વિકાસ માટેની પ્રક્રિયા છે. જેટલો સ્વનો વિકાસ થાય તેટલો બીજા પ્રત્યેનો ભાવ પણ મજબૂત બને. બીજા માટે કામ કરવાથી જ સ્વ મોટો થતો જાય છે.
        આપની એ ગેરસમજ છે કે શિક્ષિત થયા એટલે બુદ્ધિશાળી થયા. બુદ્ધિ જો તર્ક(દલીલ) કરવા સુધી જ સીમિત થઈ જશે તો સ્વનો વિકાસ નહીં, કદાચ અધઃપતન થવા માંડે. એટલે જ બુદ્ધિના સદુપયોગ માટે સંસ્કારની આવશ્યકતા રહે છે. સંસ્કાર એટલે સુટેવોનો અમલ! જ્યાં આ હશે ત્યાં ભણતર હોય કે ન હોય ગુના અને ગેરવર્તનની શક્યતા જ ન હોય. પોતાના ઘરનું આંગણું ચોખ્ખુ કરવું એમ બુદ્ધિ કહે, પણ પોતાના ઘરના આંગણાનો કચરો બાજુવાળાના આંગણા તરફ સિફતપૂર્વક લઈ જવો એવો તર્ક કે વિચાર સંસ્કાર નથી. તર્કથી બુદ્ધિશાળી થવાનો ઓડકાર ખવાય, સંસ્કારી ન બનાય!
        નો પાર્કિંગ બોર્ડની સામે જ વાહન પાર્ક કરવું એ નરી નફફટાઈ છે, પણ ઘરના પ્રવેશદ્વારની બરાબર સામે જ વાહન મૂકીને કોઈના ઘરમાં દાખલ થવું એમાં બુદ્ધિનો શું ઉપયોગ કર્યો? પગરખાં ચોરી લેવાની વૃત્તિ નિંદનીય છે પણ આવું ધાર્મિક સ્થળો કે હોસ્પિટલ જેવી જગ્યાએ થાય ત્યારે તે વ્યક્તિની અધમ માનસિકતા છતી કરે છે. પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા સૌ કોઈ સ્વલક્ષી બને તેમાં વાંધો ન હોઈ શકે પરંતુ બીજાનું ઝૂંટવીને પોતાની જરૂરિયાતો સંતોષવાની વૃત્તિ માનવ સભ્યતાને પછાડે છે.
        થોડા સમય પર મળેલી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ પૂછ્યુંતું, સર, કેવા છે હવેના સ્ટુડન્ટ્સ?’ મારાથી કહેવાઈ ગયું હતું. શિષ્ટાચાર ઘણો બદલાયો છે. વિદ્યાર્થીઓ મળવા આવે તો છે. પહેલાં શિક્ષક દિન કે ગુરુપૂર્ણિમા જેવા દિવસોએ ઘણાંબધા આવતાં, હવે જન્મદિને વધુ આવે છે....હા, એ લોકો સાથે કેક લાવેય પણ ખરા, પણ એની મિજબાની તેઓ પોતાની રીતે કરી દે છે!
        દેશ માટે, સમાજ માટે કઈ રીતે જીવવું તે શીખવાની- શીખવવાની આજે તાતી જરૂર છે. મોબાઈલ, ચપ્પુ કે સોય જેવી વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આધાર તો તે વાપરનાર ઉપર જ રહે છે. બસ, અંતે ટૂંકી વાત, દરેક જાણ પોતાના મનના બારી બારણાં ખોલે, અંધકાર આપોઆપ દૂર થશે!

-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા 23/12/13)

Saturday, 21 December 2013

આધુનિકતામાં ઓઝલ થતું બાળપણ...



         એક મિત્રએ મને પ્રશ્ન કર્યો, છેલ્લા પાંચ-સાત વર્ષોમાં તમને લોકોમાં કેવું પરિવર્તન દેખાય છે?’ એ સમયે મારા મનમાં જે વિચાર આવ્યો હતો તે મુજબ મેં કહી દીધું હતું, અ...જન્મદિન, લગ્ન, ઉદઘાટન વગેરે જેવા સામાજિક પ્રસંગોમાં ઘણાં લોકો હવે ફૂલ કે ફૂલોનો ગુલદસ્તો લઈને જાય છે! મારી વાત સાથે મિત્ર સંમત તો થયો હતો પણ સામે બીજો એક પ્રશ્ન મને પૂછી નાંખ્યો હતો. ‘…પણ એમાં સુગંધ તો હોતી નથી, તોયે?!’ હું ઘડીભર વિચારમાં પડી ગયો હતો, પણ અંત:સ્ફુરણાથી જે જવાબ સૂઝયો તે આવો હતો: હા, એને આધુનિકતાની દ્વિધા સમજી લો!
        એ નવી જાતના હાઇબ્રીડ બિયારણના ફૂલો હતા. જેમાં તેનું બાહ્ય સૌંદર્ય તો નિખર્યું હતું, પણ અંદરની સોડમ ગૂમ થઈ ગઈ હતી. છતાં સત્ય એ છે કે લોકો એવા ફૂલો પાસે વધુને વધુ સંખ્યામાં પહોંચી રહ્યાં છે. આને આધુનિકતાની દ્વિધા જ કહીશું ને? આ સંદર્ભમાં શાળામાં ભણતાં બાળકો વિશે વિચારીએ.
        બાળકોના ઉછેરનો મુખ્ય આધાર પરિવાર છે. ભારતીય પરિવારનું પ્રાચીન સ્વરૂપ સયુંક્ત પ્રકારનું હતું. સાથે રહેવું, રમવું, જમવું, ફરવા જવું જેવી ક્રિયાઓમાં ભાવનાત્મક જોડાણ બની રહેતું. જીવનના સુખ-દુ:ખનું શિક્ષણ આપોઆપ એમને મળી રહેતું. એકબીજાની જવાબદારીઓ સમજવાની, ઉઠાવવાની અને શીખવવાની પ્રવૃત્તિ બહુ સાહજિક રીતે થતી હતી. દાદા-દાદીની વાર્તાઓ બાળકોના જીવનની ચોપડી ગણાતી અને તેમાંથી જીવન મૂલ્યોની સુગંધ બાળકોમાં સંસ્કરિત થતી હતી.
        હા, એ ખરું કે તે સમયે સ્ત્રીઓના વિકાસની તકો ભાગ્યે જ  તેમના નસીબમાં આવતી. આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આવેલા પરિવર્તને સ્ત્રીઓની સ્વતંત્રતાને પાંખો તો આપી પણ બાળકોની સુગંધને ઉડાડી દીધી છે. સયુંક્ત પ્રથા લુપ્ત થઈ રહી છે, દાદા-દાદીની વાર્તાઓ પણ હવે જુનવાણી અને બકવાસ ગણાઈ રહી છે. મા-બાપ બંને ભણીને નોકરીમાં વ્યસ્ત થઈ રહ્યાં છે, કેમ કે, હવે એકલે હાથે ઘણીબધી(!?) જવાબદારીઓ ઉઠાવવાની નોબત આવી છે.
        હવે, બાળકોની શક્તિઓને આકાશ આપવાની વાત તો ઠીક આંગણું આપવાની પણ ફૂરસદ નથી. ઘરના લોકો સાથેના વ્યવહારમાંથી બાળકો જે સંસ્કાર, કેળવણી પામતા હતાં તે હવે મર્યાદિત માણસોમાં સીમિત થઈ ગયા છે. અરે કેટલાક પરિવારમાં તો બધા સભ્યો ચોવીસ કલાકમાં માંડ બે-ત્રણ કલાક એક સાથે જોવા મળે છે! વિકાસની આડ અસર કહો કે સ્વયંમાં સીમિત થઈ જવાની પ્રવૃત્તિ ગણો, માતા-પિતાઓ હવે પોતાની દુનિયાને જ નવા નવા સ્વપ્ના, સંબંધો, અને પ્રવૃત્તિઓથી એટલી વ્યસ્ત બનાવવા માંડ્યા છે કે પોતાના સંતાનની દુનિયામાં તેઓને ઝાઝો રસ નથી. ઊલટું, પોતે જે ન કરી શક્યા તે તેમના બાળકો પૂર્ણ કરી દે તેવી ઊંચી ઊંચી અપેક્ષાઓના મહેલો રચી રહ્યાં છે. કુટુંબનું આધુનિક સ્વરૂપ બાળપણને કેળવવામાં અસમર્થ બની રહ્યું જણાય છે, કેમ કે એકબીજાને જોડનારી લાગણીની દોરી પણ કાચા વણાટવાળી બની રહી છે. (કાચી દોરીમાં ગાંઠ વધે, ખરું ને?!) શાળાઓ અને શિક્ષકોને માથે જાણે કપરો કાળ આવ્યો છે!
        આજકાલના બાળકો પોતાની જિજ્ઞાસાઓમાં પાછળ નથી, પણ એને સંતોષનારા જવાબો તેમને મળતા નથી. તેમણે ખેતરો કે વાડાઓ જોયા નથી એટલે પનીર ક્યાંથી આવે?’ એવા પ્રશ્નનો તેમનો ઉત્તર હોય છે ખેતરોમાંથી. કેમ કે, તે ખાવાની વાનગી છે!! તેઓ હવે રજાના દિવસે મામાના ઘરે જતા નથી, શોપિંગ મોલ્સમાં વધુ જાય છે. તેઓ હાઈ-ફાઈ શાળાઓમાં ભણે તો ગામડાઓના બાળકોના સંઘર્ષને ક્યાંથી જાણે? રૉબોટ અને કારના આધુનિક રમકડાઓએ તેમના જીવનમાં સાદા-સરળ જીવનની ખુશીને આવવા જ નથી દીધી. વિડંબણા એ છે  કે બીજી તરફ આનાથીયે બદતર હાલત અને અભાવમાં ઉછરી રહેલાં બાળકો, જેમની પાસે કુટુંબ છે પણ તેના સભ્યો પાસે સમય નથી. કેમ કે, જરૂરિયાતોની પૂર્તિમાં જ તેમની જિંદગી સમાપ્ત થઈ જાય છે.          
        આધુનિકતાના ઓછાયામાં આજે બાળપણ આધુનિક બન્યું છે. હવે તે તોતડાતું ડા...દા બોલે તેની કરતાં અંગ્રેજીમાં અંકલ બોલે તે આપણને વધુ વહાલું લાગે છે. પહેલા પાંચ-છ વર્ષ સુધી માતા-પિતા સાથે સૂઈ જતું બાળક હવે નર્સરીથી જ  અલગ રૂમમાં સૂઈ જાય તેવી વ્યવસ્થામાં આપણે પડી ગયા છીએ, નહિ? નદી, તળાવમાં નહાવાને હવે આપણે બિનઆરોગ્યપ્રદ ગણીને તેને કોઈ હોટેલ કે સ્વિમીંગ પૂલમાં મોકલી રહ્યા છીએ. બાળકોને દર વર્ષે શહેરમાં યોજાતા રામલીલા મહોત્સવને જોવા લઈ જવાનો હવે આપણી પાસે સમય નથી એટલે સંજય લીલા ભણશાળીની રામલીલા બતાવી દઈએ છીએ! કામ પત્યું!! બાળકોના શરીર-મનની પાયાની આવડતો કેળવવાને બદલે આપણે તેને લિટલ ચેમ્પ ! બનાવવાની હોડમાં ઉતારી રહ્યા છીએ.
        પરિવર્તનો હંમેશા પોતાની સાથે સારા અને નરસા પાસા લઈને આવે છે. પણ આપણે પોતાની ખુશી જાળવવામાં બાળકોને એકલા છોડી દેવાનો ખતરનાક રસ્તો અપનાવવા માંડ્યા છીએ. ભાઈ-બહેનની લડાઈને બેસીને ઉકેલવાને બદલે આપણે એકને ટી.વી. અને બીજાને મોબાઈલ આપીને બેસાડી દીધા. જ્યારે બાળકોએ બાગ-બગીચામાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આપણે તેને શોપિંગ મોલમાં લઈ જવાનો વાયદો કર્યો. રાત્રે વાર્તા કે ગીત સાંભળવાની તેઓની ઈચ્છા પર તેને આઇપેડનું ઇયરફોન કાનમાં લગાડીને આપણે પાણી ફેરવી દીધું! હવે તમે જ વિચારો બાળકોના બાળપણને કોણે છીનવ્યું, ટેક્નોલૉજીએ કે આપણી અસમર્થતા કે સ્વાર્થે?!
        બાળકોની નવી પેઢી G’ છે. એ ગિલ્લી-દંડા કે ભમરડાવાળી નથી જ. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના બાળકો પર મીડિયા અને ટેક્નોલોજીનો જે પ્રભાવ છે તેને અંદાજિત આંકડામાં રજૂ કરું તો 42  ટકા બાળકોના રૂમમાં ટી.વી. છે, 29 ટકા પાસે ડી.વી.ડી પ્લેયર અને 11 ટકા પાસે વીડિયો ગેમ્સ છે. એક-બે વર્ષનું બાળક પણ રોજની સરેરાશ 53 મિનિટ ટી.વી. જુએ છે! પણ AVG નામની ઇન્ટરનેટ સુરક્ષા કંપનીએ કરેલું સર્વે ચોંકાવનારું છે. તે સર્વે મુજબ જે બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે તેમાનાં મોટાભાગના બૂટની દોરી બાંધવામાં અસફળ રહ્યાં હતા! નવી પેઢી વાંચનથી દૂર થઈ રહી છે એટલે તેની એકાગ્રતા અને કલ્પનાશક્તિ પણ બુઠ્ઠી બની રહી છે.
        વડીલોએ જ આધુનિકતાની વ્યાખ્યા સમજવામાં ગરબડ કરી છે એટલે શું થાય? આ પ્રશ્નનો ઉત્તર એક લેખિકાએ આમ આપ્યો છે, વાંચો. ‘…આપણી પાસે બાળકોને આપવા જેવા સંબંધો ક્યાં છે? સ્કૂલ, હોબી ક્લાસ, જીમ, અને ટ્યુશન ક્લાસની દોદધામમાં એ ગલી-મહોલ્લામાં ક્યારે અને કોની સાથે વાતો કરે? પણ બાળપણની એ ખાસિયત છે કે તેણે દુ:ખમાં જીવવું હોતું નથી. એટલે એ તો સુખને 32 ઈંચના ટી.વી.ના પડદા પરના કાર્ટૂન કે છોટા ભીમમાં, નોટપેડના 18 ઈંચના પડદા પરના ફેસબૂકમાં, કે મોબાઇલના 9 ઈંચના પડદા પરના વોટ્સઅપ પરની મિત્રોની ગોઠડીમાં શોધી કાઢશે...
        આધુનિકતામાં ભારતીય બાળપણ સાચે જ વિકસી રહ્યું છે કે કરમાઇ રહ્યું છે? વિચારો કે બાળપણને ખીલવવાનો તમારી પાસે આનાથી વધારે સારો વિકલ્પ છે વાલી અને વાચક મિત્રો?

 -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 16/12/2013)

Friday, 20 December 2013

વ્યક્તિત્વ વિકાસ વિશે મારુ પુસ્તક

Hello friends,
Here is the moments about I promised you.
વહાલા મિત્રો,
તમારી પ્રતિક્ષાનો અંત આ સાથે જ.
વ્યક્તિત્વ વિકાસ વિશે એક અનોખી અને સંક્ષિપ્ત શૈલીમાં આ મારુ પુસ્તક આપ સૌને જરૂર પસંદ આવશે જ. જેમણે જોયું અને વાંચ્યું, એક અવાજે વખાણ્યું..


આ પુસ્તક વ્યક્તિત્વ વિકાસમાં ઉપયોગી થાય તેવા વ્યવહારુ ઉકેલ સૂચવનારું છે. સમયની બચત સાથે સામાન્ય કિંમતે ઉત્તમ ગુજરાતી પુસ્તક.

મોદીજી! શહેર પછી હવે ગામડાઓને ધન્ય કરો!



       ગાંધીજીની દ્રષ્ટિએ વિકાસનો માર્ગ ગામડાથી શહેર તરફનો હતો. પણ તેઓની સાથે રહેનારા નહેરુ, સરદાર, મૌલાના કે અન્યો આ આદર્શને મૂર્ત રૂપ આપી શક્યા નહોતા. હવે ૬૫ વર્ષ પછી વિકાસની એવી પ્રક્રિયાને સજીવન કરી શકાય તેમ નથી. એવું વિચારવા જેવુ પણ નથી કેમ કે એ માર્ગ હવે શક્ય જ નથી. આમ તો, દુનિયાના કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા ગાંધીજીની રીતે થયેલી જોવા મળતી નથી. એટલે એ બાબતમાં ગાંધીજીનો વિચાર આદર્શ હતો, વ્યવહારુ નહિ એમ માનીને એની ઝાઝી ચર્ચા કરવાનુ છોડી દઈએ.
        આપણને એ વાત બહુ જ તાર્કિક અને વૈજ્ઞાનિક લાગે છે કે વૃક્ષના વિકાસની શરૂઆત તેના મૂળથી થવી જોઈએ. દેશના વિકાસના સંદર્ભમાં ગાંધીજી અને તેના અનુયાયીઓએ ગામડાઓને મૂળ માનીને પોતાની વિચારધારા રજૂ કરી હતી. ગામડાના વિકાસથી શહેર તરફ જવાને તેઓએ વિકાસની સાચી દિશા ગણી હતી. કદાચ તેની પાછળનો તેઓનો ભય એ હતો કે વિકાસ શહેરથી થશે તો ગામડાના લોકો તેનાથી વંચિત રહી જશે. અને આજે ઘણાને એવું જ લાગી પણ રહ્યું છે. છતાં એ ન ભૂલવું જોઈએ કે વિકાસની મૂળ વિભાવનામાં સાધન-સુવિધાનું આંતરમાળખું રહેલું છે. અને તેનો વિકાસ સરકાર અને ખાનગી સાહસિકો દ્વારા જ થઈ શકે. હવે શાંત ચિત્તે એ વિચારો કે સરકાર કે ઉદ્યોગ સાહસિકો પોતાના(દેશના) સિમિત સાધનોને દૂર દૂરના ગામડા તરફ રોકે તો વધુ લાભ થાય કે મોટા શહેરોની નજીક રોકે તો વધુ વળતર(લાભ) પ્રાપ્ત થાય?
        ઔદ્યોગિક એકમોના વિકાસ વિના દુનિયાનો કોઈ દેશ સમૃદ્ધિ ન પામી શકે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ખેતી કરીને કે રેંટિયો કાંતીને કદાચ રોજી મળે પણ સુવિધાપૂર્ણ જીવન આપે તેવી રોજગારી તો નહી જ. લોકોની પાયાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ ઓદ્યોગિક વિકાસનો સહારો લેવો જ પડે! આઝાદી પછી આટલા વર્ષોમાં દેશની જીડીપીમાં વધારો, લોકોની માથાદીઠ આવકમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો વગેરે જેવા પરિણામો શહેરથી ગામડા તરફ જનારા વિકાસને જ આભારી છે ને?
        ઓદ્યોગિક એકમોના ભયસ્થાનો ઘણા છે, પણ દૂરના ગામડાઓની હાલત સુધારવી હશે તો કોર્પોરેટ જગત જ સહાયભૂત થઈ શકે તેમ છે. પણ હું દેશના ઉદ્યોગપતિઓ ગામડામાં ઉદ્યોગ સ્થાપે એવું બિલકૂલ ઇચ્છતો નથી. બસ, તેઓ  ગામડામાં સારી શાળા બનાવે, શિક્ષકો-યુવાનોની આવડત વધારે તેવા તાલીમી કોર્સ ચલાવે, રસ્તા બનાવે, આરોગ્યના કામો કરે વગેરે જેવી માળખાકીય સુવિધા માટે ઓછા નફાથી જોડાય તેમ ઇચ્છું છુ. કદાચ ગાંધીજીના અંત્યોદય તરફ આ રીતે રિવર્સમાં જવાનો નવતર ખ્યાલ કહું તો ખોટું નથી આ પ્રક્રિયામાં ઉદ્યોગોને શરણે થઈ જવાની બિલકૂલ વાત નથી. વાત ઉદ્યોગ જગતને, સ્વાર્થને બદલે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને યાદ કરાવવાની અને તે માટે જરૂરી પ્રોત્સાહન આપવાની છે.
        આપણે ત્યાં ગામડાઓના લોકોને સુવિધા પૂરી પાડવાથી માંડીને તેમના જીવન સ્તરને ઊંચે લઈ જવાનું કામ માત્ર સરકાર પર જ છોડી દેવાયું છે. તેથી, ગામડાના લોકોને પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી વગેરે પૂરે પાડવાની જવાબદારી અમારી નથી એમ માનીને શહેરના લોકો અને ઓદ્યોગિક સાહસિકો અળગા જ રહ્યા છે. હવે સમય છે આજ મૂડીપતિઓને ગામડા તરફ આકર્ષવાનો. પણ તેમાં નફાખોરી નહી, એક મજબૂત રાષ્ટ્ર માટે ગરીબ અને સુવિધાથી વંચિત લોકો તરફના તેઓનું કર્તવ્ય પણ સમાયેલું હોય. આ માટે થોડી વાત કરવી છે નરેન્દ્ર મોદી સાથે.      
        માનનીય નરેન્દ્રભાઈ, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિકાસ માટેના તમારા પ્રયત્નો ઘણા સારા રહ્યા છે. પણ એ સમાજના અમુક લોકો ખાસ કરીને શહેરના શિક્ષિત વર્ગોને વધુ લાભદાયી રહ્યા છે. વિકાસને શહેરથી છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તમારી સામે મોટો પડકાર છે. દેશ-વિદેશના મોટા ઉદ્યોગ માધાંતા તમારા વ્યક્તિત્વથી ખેંચાયા છે ત્યારે તમારે આજ મૂડીપતિઓને ગામડા તરફ વાળવાના છે. પણ ગામડાઓની જમીન હડપવા નહી, ગામડાઓના લોકોના આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓના નિર્માણ કરવા માટે અને તે પણ ઓછા નફાના ધોરણે. આ કાર્ય આર્થિક-સામાજિક અસમાનતાને દૂર કરવામાં મહત્વનુ બની રહેશે. વિકાસને નામે માત્ર સેટેલાઈટ ઊડાડયા કરીશું ને તેનાથી દૂરના ગામડાઓને કમ્પુટરથી જોડી દેવાની વાત કર્યા કરીશું પણ એ જ ગામડાના લોકોને પીવાના પાણીના ફાંફા પડે, ભણવા માટે શાળા કે સ્લેટ-પેન પણ ઉપલબ્ધ ન હોય ત્યારે સંપૂર્ણ વિકાસ ને વાત કેવી?
        મોદીજી! તમારી કામગીરીની નોંધ તમારા વિરોધીઓએ પણ વખાણી છે, પણ હવે કરવાની જરૂર છે ગામડાઓની સુવિધા વધારવાની. તમારી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપની કુશળતાને દૂરના સ્થળોએ લઈ જાવ. તેનો વિકાસ કરો ને દુનિયાના હિરો બની જાવ બસ! ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનાં ગામડાના ૬૦ ટકા લોકો પાસે પાણીની સુવિધા નથી, ૬૭ ટકા પાસે સંડાસ નથી અને બાળમૃત્યુદર દર હજારે ૪૪નો છે ત્યારે હું આજે આપને અહીં ૫મી માર્ચ ૨૦૧૩માં જેમનું દેહાંત થયું એવા વેનેઝુએલાના ૫૮ વર્ષીય રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝની કામગીરીની યાદ અપાવું. ૧૯૯૮માં સત્તા પર આવ્યા પછી ૨૦૦૫ સુધીમાં તેમણે નિરક્ષરતાને દેશમાંથી નાબૂદ કરી દીધી. યુનેસ્કોએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે ચાવેઝનું આ શિક્ષા અભિયાન (કે જે મિશન રોબિન્સનથી પણ ઓળખાતું હતું!) અપેક્ષા કરતાં વધુ સફળ રહ્યું હતું. વળી, ૧૯૯૯ થી ૨૦૧૦ વચ્ચે દર લાખની વસ્તીએ ડૉક્ટરોની સંખ્યામાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો! સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ વેનેઝુએલામાં લેટિન અમેરિકાના દેશોની તુલનામાં અસમાનતા ખૂબ ઓછી જોવા મળી. ત્યાં ૨૦૧૨ સુધીમાં ૯૫ ટકા વસ્તી પીવાનું પાણી પ્રાપ્ત કરવા સક્ષમ બની ગઈ છે. ૧૯૯૮માં વેનેઝુએલાની ૨૧ ટકા વસ્તી કુપોષણનો શિકાર હતી તે તેમના કાર્યકાળ દરમ્યાન ઘટીને ૨૦૧૨માં ૩ ટકા થઈ ગઈ!
        ચાવેઝ સ્વભાવે આક્રમક હતા. તેનું પરિણામ તેઓએ ઘણીવાર ભોગવવું પડ્યું હતું. છતાં વેનેઝુએલાની ગરીબ પ્રજાને માટે તેમણે જે કર્યું છે તેનાથી જાણે કે તેઓએ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભૂલાયેલા વિચારોને વહેતા કરી દીધા હતા. નરેન્દ્રભાઈ, ગાંધી, સરદાર કે વિવેકાનંદ તમારા આદર્શ કોણ છે તેમાં બહુજન પ્રજાને રસ નથી. તેઓ તો માત્ર ઇચ્છે છે સુવિધાપૂર્ણ જીવન, ન્યાય અને સલામતી. માત્ર ગુજરાત જ નહી પણ ભારતીય પ્રજામાં આપની છબી એક દ્રઢનિશ્ચયી અને પરીવર્તનકારી નેતા તરીકે ઊભરી છે ત્યારે આપ સૌનામાં વિશ્વાસ પ્રગટાવી દુનિયાને નેતૃત્વનો એક મજબૂત પૂરાવો પૂરો પાડો એવી આશા સાથે અટકું છું.

Monday, 21 October 2013

ભૂલકાં ભવન વાંચન જૂથ

                  શનિવાર તા-19/10/13નારોજ મેં  ભૂલકાં ભવન શાળામાં જ આ જૂથ સમક્ષ 'મનન સાથે વાંચન' વિશે મારા વિચારો રજૂ કર્યા હતા. જેમાં એક પ્રવુત્તિ પણ સામેલ હતી.


Monday, 16 September 2013

જાહેર ઉત્સવો અને ઉજવણીની શિસ્તબદ્ધતા




        સર, હું કાલે સ્કૂલે નથી આવવાનો!, ...અરે હમણાં ક્યાં પરીક્ષા ગોઠવી તમે સર?! આવા વાક્યો ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યા છે. અને તે પણ આજકાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં. જો કે આની કોઈ નવાઈ નથી કેમ કે થોડા દિવસો પછી નવરાત્રીના સંદર્ભમાં પણ તે સાંભળવા મળશે. આ બધા પર્વોમાં માત્ર શાળાના જ નહી પણ કોલેજમાં ભણતા અને ન ભણતા કેટલાક યુવાનોને મઝા જ કરવી હોય છે. ઘણુખરું આવા યુવાનો ગણપતિ બાપા કે અંબે માતાના નામે પોતાને ભણવામાંથી અળગા કરવાનું બહાનું બનાવી લેતા હોય છે. આજે ઉત્સવોની ઉજવણીના સંદર્ભમાં જ થોડું વિચારીએ.
        લોકમાન્ય ટિળકે લોકોને સામૂહિક રીતે એકબીજા સાથે જોડવા માટે ગણેશોત્સવની શરૂઆત કરી હતી. એકમેકના સહકારથી પેદા થતી તાકાતનો પરચો અંગ્રેજ સરકારને બતાવવાની તેમની ગણતરી હતી. પણ આજકાલ તો આ ઉત્સવમાં જાણે એક જૂથ બીજા જૂથ સામે લડવા માટે તૈયાર હોય છે. ભલા, અમારા ગણેશ કરતાં બીજાના ગણેશ વધુ સારા કેમ હોય ?! આવી હીન ભાવનાને લીધે આ શહેર સહિત દેશના કેટલાયે સ્થળોએ ગણેશ મંડળો વચ્ચે વૈમનસ્ય અને લડાઈના અનેક બનાવો બની ચૂક્યા હશે. 

        જ્યારે સમાજમાં બળાત્કાર, ચોરી-લૂંટફાટ, કે મારામારીના બનાવો થાય ત્યારે જ બધા બૂમાબૂમ કરે છે કે આ બધા તત્વોને સરકાર નાથતી કેમ નથી? પણ ભલા માણસો આ તત્વો આવે છે ક્યાંથી? આપણાં સમાજમાંથી જ ને? આપણી જ આસપાસ વસતા કોઈ ઘરોમાંથી જ પેદા થાય છે ને? વળી આવો ઉત્પાત કઈં રાતોરાત નથી થતો. એના બીજ તો જાણ્યે-અજાણ્યે શાળાઓમાં ભણતી વખતે જ રોપાઈ જતાં હોય છે!
        ગણેશોત્સવમાં જોડાનાર વડીલોમાં તો કદાચ ધાર્મિક શ્રદ્ધાનું તત્વ હશે. પણ યુવાનોમાં? ખાસ નહિ. મોટેભાગે તેમનો રસ ઢોલ-નગારા પીટવામાં, ગીતો પર નાચવામાં કે થોડા દિવસો સુધી ભેગા મળીને ગપસપ કરવામાં વધુ હોય છે. આ યુવાનોના મા-બાપ એવું માની લેતાં હોય છે કે થોડા દિવસો માટે અમારા છોકરાઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાશે તો એ બહાને કઈંક સુધારો થશે. પણ એ તેઓનો ભ્રમ હોય છે. કોઈપણ પ્રવુત્તિ પાછળની પૌરાણિક કે વૈજ્ઞાનિક માહિતી-જાણકારી વિના કોઈ મૂલ્યો આપોઆપ સંસ્કરિત નથી થતાં.   શાળાઓમાં પણ વર્ષોથી વિદ્યાર્થીઓને ઉત્સવો સંબંધિત પાઠો ભણાવાય છે. જે તે ઉત્સવ ક્યાં, કેવી રીતે ઉજવાય અને તેનું મહત્વ શું જેવી બાબતો તેમાં હોય. પછી પાઠ પૂરો થઈ જાય એટલે પ્રશ્નપત્રમાં એ વિશે પ્રશ્ન પૂછાય, વિદ્યાર્થી ઉત્તર લખે ને ગુણ અપાઇ જાય એટલે શિક્ષકનું કામ પૂરું થઈ જાય. પણ ઉત્સવોમાં સ્ત્રીઓ પ્રત્યે કુદ્રષ્ટિ ન થાય, જરૂર હોય ત્યાં પગરખા સાથે ન જવાય, કચરો ગમે ત્યાં ન ફેંકાય, વીજળીનો મર્યાદિત વપરાશ જ કરવાનો અને ઢોલ-નગારાને અમર્યાદિતપણે ન જ વગાડાય વગેરે બાબતો વિશે આ પાઠોમાં ભાગ્યેજ ઉલ્લેખ જોવા મળે છે! વળી, શિક્ષકો, મા-બાપો અને કહેવાતા ધર્મગુરુઓ તરફથી પણ આવું ભાગ્યે જ શીખવાય છે.
        ઉત્સવો ટાઈમપાસ કે મનોરંજનના હેતુ માટે નથી જ હોતા. તેમાં મનુષ્યની ઉર્જાને હકારાત્મક રીતે શાંત પાડવાનો અને સમાજ તરફી બનાવવાવનો ઉદ્દેશ રહેલો હોય છે. પણ ગણેશોત્સવમાં શું થાય છે? લોકોની ટ્રાફિકની મુશ્કેલી વધે છે કેમ કે મંડપો જાહેર રસ્તા પર બાંધવામાં આવે છે! એકબાજુ પેટ્રોલ મોંઘું થયાની બુમરાણ મચાવીએ અને બીજી બાજુ ટ્રાફિકને અડચણ અને મંડપોમાં વીજળીનો વપરાશ વધારીને આપણે કેવી વિચિત્ર વ્યવસ્થા અપનાવીએ છીએ?! આમ તો આ ઉત્સવને આપણે સામૂહિક કહીએ છીએ પણ માંડ ૫૦ મીટરના અંતરે એક-એક કરતાં અનેક ગણેશ મંડપો ઊભા થઈ જાય ત્યારે સમૂહનો અર્થ શો તારવવો? ગણેશજીનો ધર્મ વાડા ઊભા કરવાનું શીખવે છે કે આસપાસની શેરી-મહોલ્લા-સોસાયટીઓને ભેગા કરીને ભાઈચારો કેળવવાનું શીખવે છે? ગણેશને આપણે વિઘ્નનાશક, વિઘ્નહર્તા, વિઘ્ન વિનાશન તરીકે ઓળખાવ્યા પણ આપની જાતને વિઘ્નકર્તા અને વિઘ્નસર્જક બનાવી દીધી! ઉત્સવમાં સામેલ થનારા સૌ આ વિચારે.
        હા, આ ઉત્સવનું આર્થિક મૂલ્ય ઘણું છે. તેની ઉજવણી થકી કેટલાય લોકો(મંડપ, વીજળી, સંગીત વગેરે સાથે જોડાયેલ)ને રોજગારી મળે છે. સંઘરાયેલું કાળુ નાણું બહાર આવે છે, અને એવા નાણાંનો સમાજોપયોગી કાર્યોમાં ઉપયોગ થાય તો અર્થશાસ્ત્રીઓને પણ આનંદ થાય! આર્થિક શુષ્કતા કે અર્થતંત્રની મંદીનું વિઘ્ન દૂર કરવામાં ગણેશજીનું આગમન સાચા અર્થમાં તેમને વિધ્નહર્તા બનાવે છે. પણ વાંધો ગણેશજીના યુવાન ભક્તો સામે છે. આ યુવાનો બહુધા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ છે.
        ઈદ સમિતિ, રથયાત્રા, કે ગણેશ સમિતિ સાથે સંકળાયેલા બધા જ યુવાનો ઉપદ્રવી નથી હોતા. ગણેશોત્સવના સમય દરમ્યાન અનેક સમજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા યુવક મંડળો હોય છે, પણ એ બહુ અલ્પ સંખ્યામાં છે. જ્યાં આવા સામૂહિક પર્વોમાં વડીલો, શિક્ષિતોની સામેલગીરી ઓછી ત્યાં ઉત્સવો ધતિંગ બની રહેવાના ચાન્સ વધુ. ગણેશોત્સવ, નવરાત્ર, હોળી, કે ઈદ જેવા પર્વોની ઉજવણીમાં જ્યારે સમાજના અગ્રણી વડીલો દૂર રહે છે ત્યારે એવા કાર્યક્રમો માત્ર મોજશોખ અને ક્યારેક હલકા મનોરંજનથી વિશેષ બંતા નથી. પણ મુશ્કેલી એ છે કે નવી પેઢીને વડીલોની આમન્યા ઓછી રાખવી છે અને પોતાની રીતે જીવવું વધારે છે! આવી દ્વિધામાં કહેવાતા સજ્જનો દૂર રહે છે, પરિણામે ધર્મ એકતાને બદલે ભાગલાનું ઝેર પ્રસરાવવાનું નિમિત્ત બની જાય છે. તો પછી આવા ઉત્સવો ઉજવવાનું બંધ નહીં કરી દેવું જોઈએ?
        ધાર્મિક ઝનૂનતા, અંધશ્રદ્ધા કે દૂષ્પ્રચારને અટકાવીને માત્ર માનવધર્મને અગ્રિમતા આપવાનો સંદેશ કોઈપણ ધાર્મિક તહેવારોમાં વહેતો રહેવો જોઈએ. બધા ધર્મ અને સંપ્રદાયો સાથે સંકળાયેલા પ્રબુદ્ધજનોએ  બદલાતા સમય સાથે પોતાના મૂલ્યોને પણ બદલવા જ જોઈએ, અને પ્રશાસનમાં દખલ કરવામાંથી અળગા રહેવું પડશે. ધાર્મિક સરઘસ, યાત્રા, ઉજવણી અંગે ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકા(ગાઈડલાઇન્સ) તૈયાર કરવામાં સૌએ સહયોગ આપવો પડશે. અને પ્રશાસન પણ તેને સખ્તાઈપૂર્વક અમલ કરવાની તત્પરતા દાખવશે તો જ સાચા અર્થમાં ગણેશોત્સવ વિઘ્નહર્તા’, ઈદ ખુશામદીદ અને ક્રિસ્ટમસ હેપ્પી બનશે. સૌને માટે!
        અંતમાં, તહેવારો વિશે કાકાસાહેબ કાલેલકરના વિચારો વાગોળી છૂટા પડીએ: તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગોને સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો યથાકાળે સંકલ્પપૂર્વક  શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ. તો સૌને श्री गणेशाय नमः।

-ડૉ. વિજય મનુ પટેલ(ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-16/9/13)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...