સર, હું કાલે સ્કૂલે નથી આવવાનો!, ...અરે હમણાં ક્યાં
પરીક્ષા ગોઠવી તમે સર?! આવા વાક્યો ખાસ કરીને શાળાના
વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યા છે. અને તે પણ આજકાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે તેના
સંદર્ભમાં. જો કે આની કોઈ નવાઈ નથી કેમ કે થોડા દિવસો પછી નવરાત્રીના સંદર્ભમાં પણ
તે સાંભળવા મળશે. આ બધા પર્વોમાં માત્ર શાળાના જ નહી પણ કોલેજમાં ભણતા અને ન ભણતા
કેટલાક યુવાનોને મઝા જ કરવી હોય છે. ઘણુખરું આવા યુવાનો ગણપતિ બાપા કે અંબે માતાના
નામે પોતાને ભણવામાંથી અળગા કરવાનું બહાનું બનાવી લેતા હોય છે. આજે ઉત્સવોની
ઉજવણીના સંદર્ભમાં જ થોડું વિચારીએ.
લોકમાન્ય
ટિળકે લોકોને સામૂહિક રીતે એકબીજા સાથે જોડવા માટે ગણેશોત્સવની શરૂઆત કરી હતી.
એકમેકના સહકારથી પેદા થતી તાકાતનો પરચો અંગ્રેજ સરકારને બતાવવાની તેમની ગણતરી હતી.
પણ આજકાલ તો આ ઉત્સવમાં જાણે એક જૂથ બીજા જૂથ સામે લડવા માટે તૈયાર હોય છે. ભલા, અમારા ગણેશ કરતાં બીજાના ગણેશ વધુ સારા કેમ
હોય ?! આવી હીન ભાવનાને લીધે આ શહેર સહિત દેશના કેટલાયે
સ્થળોએ ગણેશ મંડળો વચ્ચે વૈમનસ્ય અને લડાઈના અનેક બનાવો બની ચૂક્યા હશે.
જ્યારે
સમાજમાં બળાત્કાર,
ચોરી-લૂંટફાટ, કે મારામારીના બનાવો થાય ત્યારે જ બધા બૂમાબૂમ
કરે છે કે આ બધા તત્વોને સરકાર નાથતી કેમ નથી? પણ ભલા માણસો
આ તત્વો આવે છે ક્યાંથી? આપણાં સમાજમાંથી જ ને? આપણી જ આસપાસ વસતા કોઈ ઘરોમાંથી જ પેદા થાય છે ને?
વળી આવો ઉત્પાત કઈં રાતોરાત નથી થતો. એના બીજ તો જાણ્યે-અજાણ્યે શાળાઓમાં ભણતી
વખતે જ રોપાઈ જતાં હોય છે!
ગણેશોત્સવમાં
જોડાનાર વડીલોમાં તો કદાચ ધાર્મિક શ્રદ્ધાનું તત્વ હશે. પણ યુવાનોમાં? ખાસ
નહિ. મોટેભાગે તેમનો રસ ઢોલ-નગારા પીટવામાં, ગીતો પર
નાચવામાં કે થોડા દિવસો સુધી ભેગા મળીને ગપસપ કરવામાં વધુ હોય છે. આ યુવાનોના
મા-બાપ એવું માની લેતાં હોય છે કે થોડા દિવસો માટે અમારા છોકરાઓ ધાર્મિક
પ્રવૃત્તિમાં જોડાશે તો એ બહાને કઈંક સુધારો થશે. પણ એ તેઓનો ભ્રમ હોય છે. કોઈપણ
પ્રવુત્તિ પાછળની પૌરાણિક કે વૈજ્ઞાનિક માહિતી-જાણકારી વિના કોઈ મૂલ્યો આપોઆપ
સંસ્કરિત નથી થતાં. શાળાઓમાં પણ વર્ષોથી વિદ્યાર્થીઓને
ઉત્સવો સંબંધિત પાઠો ભણાવાય છે. જે તે ઉત્સવ ક્યાં, કેવી
રીતે ઉજવાય અને તેનું મહત્વ શું જેવી બાબતો તેમાં હોય. પછી પાઠ પૂરો થઈ જાય એટલે
પ્રશ્નપત્રમાં એ વિશે પ્રશ્ન પૂછાય, વિદ્યાર્થી ઉત્તર લખે ને
ગુણ અપાઇ જાય એટલે શિક્ષકનું કામ પૂરું થઈ જાય. પણ ઉત્સવોમાં સ્ત્રીઓ પ્રત્યે
કુદ્રષ્ટિ ન થાય, જરૂર હોય ત્યાં પગરખા સાથે ન જવાય, કચરો ગમે ત્યાં ન ફેંકાય, વીજળીનો મર્યાદિત વપરાશ જ
કરવાનો અને ઢોલ-નગારાને અમર્યાદિતપણે ન જ વગાડાય વગેરે બાબતો વિશે આ પાઠોમાં
ભાગ્યેજ ઉલ્લેખ જોવા મળે છે! વળી, શિક્ષકો, મા-બાપો અને કહેવાતા ધર્મગુરુઓ તરફથી પણ આવું ભાગ્યે જ શીખવાય છે.
ઉત્સવો
ટાઈમપાસ કે મનોરંજનના હેતુ માટે નથી જ હોતા. તેમાં મનુષ્યની ઉર્જાને હકારાત્મક
રીતે શાંત પાડવાનો અને સમાજ તરફી બનાવવાવનો ઉદ્દેશ રહેલો હોય છે. પણ ગણેશોત્સવમાં
શું થાય છે? લોકોની
ટ્રાફિકની મુશ્કેલી વધે છે કેમ કે મંડપો જાહેર રસ્તા પર બાંધવામાં આવે છે! એકબાજુ
પેટ્રોલ મોંઘું થયાની બુમરાણ મચાવીએ અને બીજી બાજુ ટ્રાફિકને અડચણ અને મંડપોમાં
વીજળીનો વપરાશ વધારીને આપણે કેવી વિચિત્ર વ્યવસ્થા અપનાવીએ છીએ?! આમ તો આ ઉત્સવને આપણે સામૂહિક કહીએ છીએ પણ માંડ ૫૦ મીટરના અંતરે એક-એક કરતાં
અનેક ગણેશ મંડપો ઊભા થઈ જાય ત્યારે સમૂહનો અર્થ શો તારવવો?
ગણેશજીનો ધર્મ વાડા ઊભા કરવાનું શીખવે છે કે આસપાસની શેરી-મહોલ્લા-સોસાયટીઓને ભેગા
કરીને ભાઈચારો કેળવવાનું શીખવે છે? ગણેશને આપણે વિઘ્નનાશક, વિઘ્નહર્તા, વિઘ્ન વિનાશન તરીકે ઓળખાવ્યા પણ આપની
જાતને વિઘ્નકર્તા અને વિઘ્નસર્જક બનાવી દીધી! ઉત્સવમાં સામેલ થનારા સૌ આ વિચારે.
હા, આ ઉત્સવનું આર્થિક મૂલ્ય ઘણું છે. તેની
ઉજવણી થકી કેટલાય લોકો(મંડપ, વીજળી,
સંગીત વગેરે સાથે જોડાયેલ)ને રોજગારી મળે છે. સંઘરાયેલું કાળુ નાણું બહાર આવે છે, અને એવા નાણાંનો સમાજોપયોગી કાર્યોમાં ઉપયોગ થાય તો અર્થશાસ્ત્રીઓને પણ
આનંદ થાય! આર્થિક શુષ્કતા કે અર્થતંત્રની મંદીનું વિઘ્ન દૂર કરવામાં ગણેશજીનું
આગમન સાચા અર્થમાં તેમને વિધ્નહર્તા બનાવે છે. પણ વાંધો ગણેશજીના યુવાન ભક્તો સામે
છે. આ યુવાનો બહુધા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ છે.
ઈદ સમિતિ, રથયાત્રા, કે ગણેશ
સમિતિ સાથે સંકળાયેલા બધા જ યુવાનો ઉપદ્રવી નથી હોતા. ગણેશોત્સવના સમય દરમ્યાન
અનેક સમજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા યુવક મંડળો હોય છે, પણ એ
બહુ અલ્પ સંખ્યામાં છે. જ્યાં આવા સામૂહિક પર્વોમાં વડીલો,
શિક્ષિતોની સામેલગીરી ઓછી ત્યાં ઉત્સવો ધતિંગ બની રહેવાના ચાન્સ વધુ. ગણેશોત્સવ, નવરાત્ર, હોળી, કે ઈદ જેવા
પર્વોની ઉજવણીમાં જ્યારે સમાજના અગ્રણી વડીલો દૂર રહે છે ત્યારે એવા કાર્યક્રમો
માત્ર મોજશોખ અને ક્યારેક હલકા મનોરંજનથી વિશેષ બંતા નથી. પણ મુશ્કેલી એ છે કે નવી
પેઢીને વડીલોની આમન્યા ઓછી રાખવી છે અને પોતાની રીતે જીવવું વધારે છે! આવી
દ્વિધામાં કહેવાતા સજ્જનો દૂર રહે છે, પરિણામે ધર્મ એકતાને
બદલે ભાગલાનું ઝેર પ્રસરાવવાનું નિમિત્ત બની જાય છે. તો પછી આવા ઉત્સવો ઉજવવાનું
બંધ નહીં કરી દેવું જોઈએ?
ધાર્મિક
ઝનૂનતા,
અંધશ્રદ્ધા કે દૂષ્પ્રચારને અટકાવીને માત્ર માનવધર્મને અગ્રિમતા આપવાનો સંદેશ કોઈપણ
ધાર્મિક તહેવારોમાં વહેતો રહેવો જોઈએ. બધા ધર્મ અને સંપ્રદાયો સાથે સંકળાયેલા
પ્રબુદ્ધજનોએ બદલાતા સમય સાથે પોતાના
મૂલ્યોને પણ બદલવા જ જોઈએ, અને પ્રશાસનમાં દખલ કરવામાંથી
અળગા રહેવું પડશે. ધાર્મિક સરઘસ, યાત્રા, ઉજવણી અંગે ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકા(ગાઈડલાઇન્સ) તૈયાર કરવામાં સૌએ
સહયોગ આપવો પડશે. અને પ્રશાસન પણ તેને સખ્તાઈપૂર્વક અમલ
કરવાની તત્પરતા દાખવશે તો જ સાચા અર્થમાં ગણેશોત્સવ ‘વિઘ્નહર્તા’, ઈદ ‘ખુશામદીદ’ અને ક્રિસ્ટમસ ‘હેપ્પી’ બનશે. સૌને માટે!
અંતમાં, તહેવારો વિશે કાકાસાહેબ કાલેલકરના વિચારો
વાગોળી છૂટા પડીએ: તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગોને સારી રીતે
જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેનું મહત્વ
સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો
યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ. તો સૌને श्री
गणेशाय नमः।
-ડૉ. વિજય મનુ પટેલ(ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-16/9/13)
No comments:
Post a Comment