Tuesday, 27 August 2013

Celebration of Janmastami



જન્માષ્ટમીએ પ્રણ લઈએ, એક કનૈયાને ભણાવીએ!


     જગત ઉદ્ધારક શ્રીકૃષ્ણના જન્મદિનની ઉજવણી થાય તેના અઠવાડીયા પૂર્વે જ લોકોને વહેમ-અંધશ્રદ્ધાની નાગચૂડમાંથી બહાર લાવવા માટે લગભગ ૧૮ વર્ષથી લોકશિક્ષણનું કામ કરનારા શ્રી નરેન્દ્ર દાભોલકરની મહારાષ્ટ્રમાં હત્યા કરી દેવામાં આવી. સમાજને અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા એ મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપી આજના વિષય તરફ આગળ વધીએ.
         કૃષ્ણના જન્મદિનને વળી શિક્ષણ સાથે શું લેવા-દેવા એવો પ્રશ્ન આપને જરૂર થયો હશે. પ્રત્યક્ષ રીતે જુઓ તો કઈં જ નથી. કેમ કે, કૃષ્ણએ કઈ શાળા કે કૉલેજમાંથી વૈધિક શિક્ષણ લીધું હતું અને તેમણે શાનો ધંધો કે વ્યવસાય કર્યો હતો તેવી કોઈ ચર્ચા પુરાણોમાં નથી! છતાં, આજે એવા અનેક કૃષ્ણ વિશે વાત કરવી છે કે જેઓ દિવ્ય આત્માઓ નથી. માત્ર સામાન્ય મનુષ્ય તરીકે આ ધરતી પર અવતર્યા છે.
        વર્ષો પહેલા હું ભણેલો એવી સુરેશ જોશીની નવલિકા જન્મોત્સવનું મને અત્યારે ઝાંખું સ્મરણ થાય છે. જેમાં લેખકે એક તરફ ભદ્ર વર્ગના એક ઘરમાં અને બીજી તરફ ગરીબ વર્ગના એક ઝૂપડામાં કૃષ્ણના જન્મની ઉજવણીના વિષય વસ્તુને બહુ જ માર્મિક રીતે રજૂ કરેલ છે. થોડા દિવસ પછી ફરી એ જ કૃષ્ણના જન્મનો દિવસ છે. શાળા-કોલેજના યુવાનો પોતપોતાની રીતે એને ઉજવશે. પણ દેશના એવા કનૈયાઓને યાદ કરવા છે જેનું બાળપણ ભગવાન કૃષ્ણ જેવું નથી.
        દર વર્ષે કાલ્પનિક કૃષ્ણના જન્મનો મહોત્સવ મનાવાય છે. પણ દેશમાં એ જ સમયે હજારો વાસ્તવિક કૃષ્ણના જન્મો થાય છે. અર્થવ્યવસ્થાની ખામીને લીધે આ વાસ્તવિક કનૈયાઓમાંથી ઘણાબધા પોતાની જન્મ તિથિ ઉજવવા માટે નશીબદાર નથી હોતાં. ગરીબી નામે ઓળખાતી સ્થિતિને લીધે આ કનૈયાઓના ભાગ્યમાં પેલા કૃષ્ણ પાસે હતું તેવું માખણ તો શું દૂધ પણ ઉપલબ્ધ નથી, અને મહેલ તો શું સારું ઝૂપડું પણ નથી ત્યારે આપણે તેઓના જીવનને શિક્ષણ-આરોગ્યની સુટેવો અને કૌશલ્યોથી અજવાળવાનું છે. બસ એ રીતે દિવ્ય કૃષ્ણના આ જન્મદિનને ઉજવવાનો છે.
        કૃષ્ણના જન્મનો ઉત્સવ એક અનોખા વ્યક્તિત્વનો પરિચય મેળવવાનો દિવસ છે. કૃષ્ણનું બાળપણ ગોવાળિયા(ગરીબ લોકો) સાથે વીત્યું. તેમની મૈત્રી સુદામા(ગરીબ માણસ) સાથે હતી. કારાવાસની અંધારી કોટડીમાં જન્મ્યા અને ગોકુળની સામાન્ય પ્રજાને વરસાદથી બચાવવા માટે ગોવર્ધન પર્વત પણ ઊંચક્યો. પ્રજાભિમુખ કાર્યો દ્વારા તેમણે એ સાબિત કર્યું કે બહુજન લોકોમાં પ્રિય થવું હોય તો આમ આદમીની ચિંતા કરવી, તેઓની સાથે રહેવું. (આપણા નેતાઓ આ સત્ય સમજે તો સારું!) જો કૃષ્ણ સ્વયં નિમ્ન આવકવાળા-ઓછા વિકસિત લોકોના સહવાસમાં રહીને જીવ્યા હોય તો પછી આપણે એમના જન્મને આવા લોકોના ઉત્કર્ષ માટેના કામ કરીને કેમ ન ઉજવીએ?! આ દિવસે કોઈ એક ગરીબ બાળકને ભણાવવાનું કાર્ય કરીએ તો?
        આ દિવસે વ્યક્તિગત રીતે ભલે લોકો ઘરમાં કૃષ્ણમય બને કે મંદિરમાં જઈ સામૂહિક રીતે કૃષ્ણના જન્મનો દિવસ મનાવે. પણ શૈક્ષણિક સંસ્થાઓ હવે તેને નોખી રીતે ઉજવે. શાળા-કોલેજમાં બુલેટિન બોર્ડ શણગાર થાય, મટકી ફોડ કાર્યક્રમ આયોજિત થાય કે કૃષ્ણ વિશેના ગીતોનો ગુંજારવ થાય એ બધા પારંપરિક અને રૂઢિગત આયોજનો ગણાય. આપણે આવું કરીએ તો?
        કૃષ્ણના જન્મદિન પછીના સપ્તાહમાં આપણી આસપાસ રહેતા એ દુર્ભાગ્ય કનૈયાઓમાંથી કેટલાકની મુલાકાત ગોઠવવાનું કામ આપણાં વિદ્યાર્થીઓને સોંપીએ. વિદ્યાર્થીઓ તેમની સાથે બે-ત્રણ મુલાકાતની વાતચીત દ્વારા તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરે. ચિત્રોવાળી ચોપડીઓ દ્વારા તેઓની સાથે અભ્યાસલક્ષી ચર્ચા કરે અને એવા વંચિત કનૈયાઓ સાથેના ફોટા અને અનુભવોને શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે વહેંચે! એક નવા પ્રકારનો આ ઉપક્રમ બનશે. કૃષ્ણના જન્મને કદાચ આ રીતે વધુ સાર્થક રીતે ઉજવ્યાનો આનંદ મળશે. સંચાલકો-આચાર્યો, આ બાબતે આપ શું વિચારો છો?
        બીજા પ્રકારના એક કાર્યક્રમ માટે શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ આમ વિચારી શકે. ભગવાન કૃષ્ણના જીવનના સામાન્ય લોકો સાથે વીતાવેલાં પ્રસંગોને વણીને દસ-પંદર મિનિટની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવે અને તેને નગરપ્રાથમિક, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાના વિદ્યાર્થીઓ સમક્ષ ભજવવામાં આવે. આનાથી સમાજના પછાત ગણાતા બાળકો(વિદ્યાર્થીઓ) સાથે અનુબંધ સ્થપાશે. આ પ્રવૃતિ દ્વારા કૃષ્ણ જીવનના કેટલાક સારા મૂલ્યોનું શિક્ષણ આપવાનું સદ્કર્મ વિદ્યાર્થી-શિક્ષકો દ્વારા શક્ય બનશે. શિક્ષણ થકી આવા કનૈયાઓના જીવનને અજવાળવાનું સાચા અર્થમાં નિમિત્ત બનશે.
        જન્માષ્ટમીના અવસરે સમાજસેવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતની વસ્તુઓનું મફત વિતરણ થાય કે રક્તદાન કાર્યક્રમો થાય તે તો આવકારપાત્ર છે, પરંતુ શાળા-કોલેજો આવા તહેવારોની ઉજવણી બાબતે ચીલાચાલુ ઘરેડમાથી બહાર જ નથી આવતી. આ લેખ દ્વારા તેઓને નવો માર્ગ સુઝાડવાનો પ્રયાસ છે. શક્ય છે કેટલાકને માટે એ પ્રેણાદાયી બને, કેટલાકને માટે માત્ર શબ્દો જ બની રહે.  પણ એક વાત ચોક્કસ છે કે આપણી આસપાસના લોકોને સુખી, પ્રસન્ન કે સંતુષ્ટ રાખ્યા વિના આપણે એકલાં કે થોડા લોકો જ જીવનનો સાચો આનંદ લૂંટી શકતા નથી!
        ભારતીય બંધારણે ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો હક્ક આપ્યો છે. અને તેને પૂરી કરવાની જવાબદારી રાજ્ય સરકારો પર નાંખવામાં આવી છે. દેશના બાળકોને ભણતાં કરવા સરકાર અનેક અભિયાનો અને કાર્યક્રમો યોજે છે છતાં એ હકીકત છે કે ભારતમાં દર સો બાળકોમાંથી ૧૯ શાળાથી સંપૂર્ણ વંચિત રહે છે. જેઓ શાળામાં જોડાય છે તેવા સો માંથી સિત્તેર માધ્યમિક સુધી પહોંચ્યા પહેલા જ શાળા છોડી દે છે. આવા શાળા છોડી દેતાં સો બાળકોમાં ૬૬ છોકરીઓ હોય છે! (રાધા કૈસે ન જલે?!)
        મિત્રો, વિશ્વના ૫ થી ૧૪ વર્ષના બાળકોમાં દર છ માંથી એક બાળમજૂર છે. ભારતની ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ  ૫ થી ૧૪ વર્ષના ૨૫.૨ કરોડ (વસ્તીના લગભગ ૨૫ ટકા!) બાળકો હતા, જેમાંથી ૧.૨૬ કરોડ બાળમજૂરો હતા! જે દેશમાં સાચુકલા કનૈયાઓની સ્થિતિ આવી દયાપાત્ર હોય ત્યાં ભલે એક દિવસ પેલા દિવ્ય કૃષ્ણને યાદ કરીએ, કૃષ્ણમય થઈએ પણ બાકીના દિવસોમાં આ કનૈયાઓ માટે સારું કામ તો કરીએ ને? સરકારી વિભાગો, સમાજ સેવા ટ્રસ્ટ, NGO’s વગેરે સમાજના ઉત્થાન માટે કામ કરતાં જ રહે છે. હવે, શૈક્ષણિક સંસ્થાઓએ થઈ શકે તેવું અને તેટલું કામ કરવાનું રહે છે. દરેક પોતપોતાની રીતે એવું આયોજન કરે, અમલમાં મૂકે અને કૃષ્ણ ભકિતને સાર્થક કરે. चलो! यूं करें किसी गरीबको पढ़ाया जाये, जन्मोत्सव को इसी तरह मनाया जाये..!
               
-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા: 27/8/13)

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...