વિદેશથી પધારેલા એક સંબંધીએ થોડા સમય પહેલા મને જે વાત કરી
હતી તે વાંચો. ‘…હું
થોડા સમય પહેલા જ એક ખાનગી દવાખાનાની મુલાકાતે ગયો હતો. ભારતીય પરંપરા મુજબ અહીં
દવાખાનાની બહાર જ બૂટ-ચંપલ કાઢીને અંદર જવાનું હતું. મેં તેમ કર્યું હતું, પણ પછી બહાર આવીને જોયું તો મારા નવા જ ખરીદેલા ચાર હજારના બૂટ ગૂમ થઈ
ગયા હતા!
મેં આજુબાજુ
નજર કરી જોઈ પણ બૂટ ત્યાં નહોતા. હું આ માટે કોને ફરિયાદ કરું? કંપાઉન્ડર કે ડોક્ટરને? જે પેશન્ટ પોતાને ત્યાં આવે છે તેના પગરખાં,
હેલ્મેટ કે અન્ય વસ્તુઓ જો બહાર મૂકવાનો આગ્રહ રખાતો હોય તો તેને સાચવવાની
જવાબદારી પણ જે તે દવાખાના કે ડોક્ટરની જ હોવી જોઈએ ને? આ
માટે તેઓ કોઈ વ્યક્તિ કે સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કેમ ન કરી શકે?...’
હું સંબંધીની
વેદના અને બળાપો સાંભળી રહ્યો હતો. તેઓ સાચા હતા. દવાખાના, ધાર્મિક સ્થળો, સુપર
સ્ટોર્સ, સભાગૃહો વગેરે સ્થળોએ જો આવી વસ્તુઓ બહાર રાખવાનો
આગ્રહ હોય તો તેને સાચવવાની જવાબદારી પણ તેઓએ જ સ્વીકારવી પડે. આપણી સભ્યતાને વધુ
સારી બનાવવા આપણે સૌ જાગૃત બનીએ એ આશયે આવો કડવો અનુભવ આપની સાથે વહેંચ્યો છે.
ગુનાખોરી અને ગેરવર્તન અટકાવવામાં વ્યક્તિઓની માનસિકતા વિશે આજે ફરી થોડી ચર્ચા
કરીએ.
ગત સોમવારે
પ્રસિદ્ધ થયેલ ‘શિક્ષણ
ગુનાખોરી વધારે કે ઘટાડે?’ લેખ જેમણે વાંચ્યો હશે તેઓ અચૂક
ચિંતન કરવા પ્રેરાયા હશે. એક વિદ્વાને કહ્યું છે કે અભણ માણસ રેલવેમાથી એક પાર્સલ
ચોરશે, પણ ભણેલો તો આખી ટ્રેન ચોરશે! પહેલો વ્યક્તિ ચોરી કરે
તેની પાછળ ‘અભાવ’ રહેલો છે જ્યારે બીજી
વ્યક્તિમાં ‘ભોગવૃત્તિ’ રહેલી છે. આવી
માનસિકતાને રોગ ગણીને આંખ આડા કાન કરવાની જરૂર નથી. સમાજના દરેક સભ્યએ આ બાબતે
જાગૃત રહેવું પડશે નહિતર શક્ય છે કે કોઈ મંદિર કે દવાખાનાની બહાર મુકેલ તમારા
પગરખાં, સાઇકલ કે કારટેપ પણ ચોરાઇ જાય!
ટેક્નોલોજી
ક્ષેત્રે થયેલી અવનવી શોધોને લીધે અતિ ઝડપે બજારમાં આવેલી વિવિધતાએ સમાજને આ નવી
ચિંતા આપી છે. ચાલીસ હજારનો મોબાઈલ વાપરનારો વિદ્યાર્થી બેલેન્સ પૂરાવવા મિત્રના
ખિસ્સામાથી 50 કે 100 રૂપિયા ખેરવી લેવાની ફિરાકમાં કેમ રહે છે? પચ્ચીસ-ત્રીસ હજારની સાડી પહેરનારી શ્રીમંત
ઘરાનાની સ્ત્રીઓને લિપસ્ટીક કે નેઇલપોલિસ ચોરી લેવાની તલપ કેમ જાગે છે? ભલે, માનસશાસ્ત્રીઓ આને ક્લેપ્ટોમેનિયા રોગ ગણીને
આગળ વધી જાય પણ આવી વૃત્તિઓ ઉદભવવાના મૂળમાં જે કારણો છે તેને ડામવાનું કામ કોણે
કરવાનું છે એ વિશે તમે પણ વિચારજો જ.
સમાજે ચોરીને જાણે નિરક્ષરતા કે ગરીબી સાથે જોડી
દીધી છે. ગર્ભ શ્રીમંત કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો ચોરી કરે તેની ચર્ચા નથી થતી.
ભિખારી જેવો માણસ શાકની લારીમાથી એક ડુંગળી ચોરી લે તો લોકો તેને ઢીબેડી નાંખે, પણ મોટો વેપારી કે અધિકારી વીજળી, વેરા કે સંપત્તિના ઘપલા કરે તો તેની કોઈ ચર્ચા નહિ!?
સવાલ
સુટેવોને વિકસાવવાનો છે. આ શીખવવાનું કામ બધાનું છે. આ માટે સ્વયં આચરણ હોવું
જોઈએ. એટલે વાત અહીંથી જ અટકી જાય છે! શિક્ષક કે વાલીઓ પોતે જ બીજાના ઘરમાં પગરખાં
સાથે જાય તો તેમની અનુગામી પેઢી તેમ જ કરશે. વેપારી પોતે જ ઘરમાં આવેલા બીજા
વેપારી સાથે ઉદ્ધતાઈથી વાત કરશે તો તેના સંતાનો એમ જ શીખશે. ડૉક્ટર સ્વયં ટૂંકો
પેન્ટ પહેરીને ગાડી ચલાવવા બેસી જશે તો તેમના દીકરા-દીકરી શું બોધપાઠ લેશે?
શિષ્ટાચાર
માટેના ઘણા બધા મૂલ્યો સાપેક્ષ હોય છે એ ખરું પરંતુ તેનું સારું આચરણ બીજા લોકોને
ગમતું હોય છે. શિક્ષિત થવાનો ખરો અર્થ જ એ હોય છે કે વૈચારિક રીતે રોજબરોજની
જીવનશૈલીમાં આપણે જુદા પડીએ. વધુ સારી રીતભાત અને સૌજન્યપૂર્ણ રીતે એકબીજા સાથે
ભળીએ. શિક્ષણ એ ‘સ્વ’ના વિકાસ માટેની પ્રક્રિયા છે. જેટલો સ્વનો વિકાસ થાય તેટલો બીજા
પ્રત્યેનો ભાવ પણ મજબૂત બને. બીજા માટે કામ કરવાથી જ સ્વ મોટો થતો જાય છે.
આપની એ
ગેરસમજ છે કે શિક્ષિત થયા એટલે બુદ્ધિશાળી થયા. બુદ્ધિ જો તર્ક(દલીલ) કરવા સુધી જ
સીમિત થઈ જશે તો સ્વનો વિકાસ નહીં, કદાચ અધઃપતન થવા માંડે. એટલે જ બુદ્ધિના સદુપયોગ માટે સંસ્કારની આવશ્યકતા
રહે છે. સંસ્કાર એટલે સુટેવોનો અમલ! જ્યાં આ હશે ત્યાં ભણતર હોય કે ન હોય ગુના અને
ગેરવર્તનની શક્યતા જ ન હોય. પોતાના ઘરનું આંગણું ચોખ્ખુ કરવું એમ બુદ્ધિ કહે, પણ પોતાના ઘરના આંગણાનો કચરો બાજુવાળાના આંગણા તરફ સિફતપૂર્વક લઈ જવો એવો
તર્ક કે વિચાર સંસ્કાર નથી. તર્કથી બુદ્ધિશાળી થવાનો ઓડકાર ખવાય, સંસ્કારી ન બનાય!
નો પાર્કિંગ
બોર્ડની સામે જ વાહન પાર્ક કરવું એ નરી નફફટાઈ છે, પણ ઘરના પ્રવેશદ્વારની બરાબર સામે જ વાહન મૂકીને કોઈના ઘરમાં દાખલ
થવું એમાં બુદ્ધિનો શું ઉપયોગ કર્યો? પગરખાં ચોરી લેવાની
વૃત્તિ નિંદનીય છે પણ આવું ધાર્મિક સ્થળો કે હોસ્પિટલ જેવી જગ્યાએ થાય ત્યારે તે
વ્યક્તિની અધમ માનસિકતા છતી કરે છે. પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા સૌ કોઈ
સ્વલક્ષી બને તેમાં વાંધો ન હોઈ શકે પરંતુ બીજાનું ઝૂંટવીને પોતાની જરૂરિયાતો
સંતોષવાની વૃત્તિ માનવ સભ્યતાને પછાડે છે.
થોડા સમય પર
મળેલી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ પૂછ્યું’તું, ‘સર, કેવા છે હવેના સ્ટુડન્ટ્સ?’ મારાથી કહેવાઈ ગયું
હતું. શિષ્ટાચાર ઘણો બદલાયો છે. વિદ્યાર્થીઓ મળવા આવે તો છે. પહેલાં શિક્ષક દિન કે
ગુરુપૂર્ણિમા જેવા દિવસોએ ઘણાંબધા આવતાં, હવે જન્મદિને વધુ
આવે છે....હા, એ લોકો સાથે કેક લાવેય પણ ખરા, પણ એની મિજબાની તેઓ પોતાની રીતે કરી દે છે!
દેશ માટે, સમાજ માટે કઈ રીતે જીવવું તે શીખવાની-
શીખવવાની આજે તાતી જરૂર છે. મોબાઈલ, ચપ્પુ કે સોય જેવી
વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આધાર તો તે વાપરનાર ઉપર જ રહે છે. બસ, અંતે ટૂંકી વાત, દરેક જાણ પોતાના મનના બારી બારણાં ખોલે, અંધકાર આપોઆપ દૂર થશે!
-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા 23/12/13)
No comments:
Post a Comment