Tuesday 14 January 2014

શિક્ષણ જગતમાં કપાતા પતંગો!



           ઉત્તરાયણ આવી ગઈ, પતંગોને ઉડાડાશે અને કપાશે પણ! એક જ વ્યક્તિ એકસાથે બે વિરોધાભાસી પ્રવૃત્તિ કરે એ કેવું વિચિત્ર લાગે છે?! પહેલા પતંગોને ઊંચે ઉડાડવાના અથાગ પ્રયત્નો અને પછી એ જ પતંગ વડે બીજા પતંગને કાપવા માટેની તાલાવેલી. માનવીનું મન ઘડીકમાં જ કેવું બદલાઈ જાય છે? સાફસૂથરો દેખાતો ચગાવનાર, થોડીવારમા જ બીજાને પછાડવા કેવો ઉતાવળો બની જાય છે ! પણ એ પેચમાં ક્યારેક, વ્યક્તિ સ્વયં પણ કપાઈ જાય છે એ દુ:ખદ ક્ષણને વાગોળવા કોઈ ભાગ્યે જ તૈયાર હોય છે. પતંગના આ તહેવારે શિક્ષણક્ષેત્રે  આવી દુ:ખદ ક્ષણો કઈ કઈ છે એ વિશે વિચાર કરીએ.
              કોઈપણ શાળા-કોલેજોના આચાર્ય, સંચાલક કે શિક્ષક્ને પૂછો કે  શિક્ષણમાં તમે શું કરો છો? તો ઘણુંખરું એ જ ચીલાચાલુ ઉત્તર મળી જાય છે સર્વાંગી વિકાસ! તમે વધુ આગળ પૂછો કે એટલે શું? તો જવાબ મળે છે, બાળકો(વિદ્યાર્થીઓ)માં રહેલી વિવિધ શક્તિઓને કેળવવાની પ્રવૃતિઑ કરાવવી! બસ, આનાથી આગળ પૂછવા જેવુ નથી  કેમ કે એના ઉત્તરો શું હશે તે એ આપ વાચકો સમજી જ ગયા હશો. શાળાના વાર્ષિકોત્સવો કે કોલેજ -યુનિવર્સિટિના યુવક મહોત્સવો સર્વાંગી વિકાસની ફલશ્રુતિ સ્વરૂપ માનવામાં આવે છે. પણ ઉપર જણાવેલ ત્રણેયમાંથી એકાદને પણ પૂછો કે એનાથી વિદ્યાર્થીઓની કઈ આંતરિક શક્તિઓ ખીલી? અને કેટલા વિદ્યાર્થીઓની? તો જવાબ મળવામાં વાર લાગશે. કેમ કે, નવી પેઢીને નર્મદનું પાત્ર ભજવવા કરતાં રણબીરનું પાત્ર ભજવવું વધારે ગમે છે. તેઓને ગુજરાતી ગીત-ગઝલ કરતાં ગંદી બાત...ગંદી બાત નું કંપોઝિશન વધારે આકર્ષક લાગે છે !! ઊંચા આદર્શોના પહેલો પેચ અહીં જ કપાઈ જાય છે!     
                
          જયારથી શાળાઓમાં ક્રમશ: સેમિસ્ટર પ્રથા અને સાથે સાથે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન દાખલ કરવામાં આવ્યું છે, ત્યારથી વર્ગખંડ  શિક્ષક જાણે આઉટડોર બની ગયું છે! વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકની સાથે ઇતર-પ્રવૃતિઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? કેટલા સમયમાં પૂરું કરવું, અને તેને કેમ લેખિત સ્વુરૂપમાં ઉતારવું? એ પ્રશ્નોનાં જવાબો મેળવવામાં શિક્ષકો માથું ખંજવાળતા થઈ ગયા છે, મોટાભાગના સંચાલકોએ તો તેમાં માથું મારવાનું જ છોડયું છે! જે શિક્ષકોને જેમ સમજાયું તેમ જ તે વિદ્યાર્થીનું મુલ્યાંકન કરવાનું મુનાસીબ માન્યુ છે. તેમાંય કેટલાક શિક્ષકોએ તો છૂટે હાથે ગુણની લ્હાણી કરવામા જ ડહાપણ માન્યું! પરિણામ એ આવ્યું કે અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા જ અર્થહીન  બની હોવાનું અનુભવાય છે. આની ઝાઝી ચર્ચા થઈ શકે તેમ નથી પણ બીજો પેચ અહીં કપાય છે!      
                  રાષ્ટ્રીય શિક્ષા પ્રણાલીને અનુસરવામાં ગુજરાતનું શિક્ષણ ખાતું જાણે દોડ લગાવી રહ્યું છે સીબીએસઇ જે ફેરફારો લાવે એટલે તરત આપણે હરખપદૂડા થવા માંડીએ છીએ! કેમ  આપની પાસે સ્વતંત્ર રીતે વિચારી શકે એવા શિક્ષણ તજ્જ્ઞો નથી? ગુજરાત તો શ્રેષ્ઠ રાજ્ય છે ને?! એન.સી.ઈ.આર.ટી. એ દેશ ની સર્વોચ સંસ્થા છે, તેથી સાથે તાલ મિલાવવામાં વાંધો નથી. પણ તેય જો દર ત્રણ મહિને એક નવો ફતવો લાવે તો અમલ ક્યારે અને કેવી રીતે કરવાનો? ગુજરાતનાં શિક્ષણ ખાતા પાસે કોઈ લાંબાગાળાનું આયોજન હોય એમ જણાતું નથી, નહિતર શાળાની સેમિસ્ટર કે સર્વગ્રાહી મૂલ્યાંકન વ્યવસ્થા આટલી જલ્દી કંટાળાજનક શાને બને? શ્રેષ્ઠ ગુજરાત એટલે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા એવી ગુલબાંગો વિશે  શિક્ષણખાતાના કોઈ સરકારી અધિકારીને પૂછશો તો કઈં ખાસ બોલી શકશે નહીં. તેમનો પેચ પણ સમજો કપાઈ જ જશે !
                 ભાષાના વિદ્વાન શિક્ષકને મેં પૂછયુ, આજકાલ બહુ ગંભીર દેખાવ છો, શી તકલીફ છે ભાઈ ?! ને એમણે ચહેરા પર હાસ્ય લાવતા કહ્યું, હવે ભાષા કરતાં સરકારી કામમાં વધારે વ્યસ્ત રહું છું, મતદાર યાદી સુધારણા માટે ઘરે ઘરે ફરું છું...સમાજ સેવા તો શિક્ષકોએ જ કરવાની હોય ને! એમના જવાબમાં વ્યંગ હતો એ સ્પષ્ટ હતું. હું જાણું છું કે આ મિત્ર ભાષામાં અતિ નિષણાંત છે, પાઠ્ય-પુસ્તકના લેખક તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પણ છતાં શિક્ષણમાં તેમણે જે કરવું જોઈએ તે સરકારી કામગીરીઓ કે અન્ય  કારણોસર નથી કરી શક્યા તેનો રંજ તેમના હૈયે હતો, આવા તો બીજા કેટલાય શિક્ષકો છે જેમની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ શાળા, સમાજ અને સરકાર કરે, તો શિક્ષણની ગુણવત્તામાં મોટો ઉછાળો આવે. પણ તેઓની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી હોય છે. નિષ્ઠા, વફાદારી, ક્ષમતા, શ્રેષ્ઠતા જેવા તેમના ગુણો યોગ્ય દિશા અને પ્રોત્સાહનની હવા વિના હાકલ-ડોલક થઈને નીચે ઢળી રહ્યા છે( એ કપાયા નથી એવું આશ્વાસન લેવાય ખરું ?)
                  છઠ્ઠી જાન્યુઆરીના મારા લેખ વિશે મને એક જ મિત્રએ ધન્યવાદ આપ્યા હતા. એ લેખ મૂલ્યહીનતાના પથરાયેલા સામ્રાજ્ય સંબધિત હતો, એટલે મને એક પણ શુભેચ્છા મળે તેવી અપેક્ષાયે રાખી નહોતી. કેમકે સારા મૂલ્યોના ઉદાહરણ રજૂ ન કરવામાં આપણે લગભગ 95 ટકા લોકો સામેલ છીએ !વિદ્યાર્થીઓના હિત માટે અને સારા સમાજ કે નાગરિકોના નિર્માણ માટે સૌએ કામ કરવાનું છે એવી વાત શિક્ષણ જગતનો એકે એક વ્યક્તિ સ્વીકારે છે, ને એમ છતાં વિદ્યાર્થી સિવાયના બધા જ પોતપોતાની રીતે ચાલ્યા જ કરે છે. વિદ્યાર્થીએ તો માત્ર આ બધાને અનુસરવાનું જ હોય ને?! સરકારને વધારેમાં વધારે બાળકો શાળામાં નોધાય તેમાં રસ છે, પણ નવા શિક્ષકોને વધુ પગાર આપવામાં રસ નથી! સંચાલકો ગુણવતા સુધારવા શિક્ષકો નવી ટેક્નોલૉજી વાપરે તેવું ઈચ્છે  છે, પણ તેઓ સ્ટાફરૂમ પુરતોય મોબાઈલ રાખે તે મંજૂર નથી !! શિક્ષકો લેખિત પરીક્ષા લેવા ઉત્સાહી  છે, પણ પ્રોકસી તાસ માટે એટલા ઉત્સાહી નથી ! આમ છતાં, શાળાના કોઈ વિદ્યાર્થીને પૂછીએ ક ભણવાની મજા આવે છે? તો  એ જ કહેશે બહુ જ! ને એટલે મારા જેવાનો પતંગ પણ કપાઈ જાય છે!
         ગાંધીનગર ખાતે બે દિવસની શિક્ષણ પરિષદમાં દેશ-વિદેશના 100થી વધુ વાઇસ ચાન્સેલર, 85 શિક્ષણવિદ અને પાંચ હજાર ડેલિગેટ્સ મળીને ગુણાત્મક શિક્ષણ અંગે શું અને કેવા નિર્ણયો લીધા છે તે જાણવા આપણે રાહ જોવી પડશે. પણ હમણાં તો આપણે સારા શિક્ષણની અપેક્ષાના પતંગને ઊંચે તો ઉડાડીએ, ખરું ને ?!

-ડૉ. વિજય મનુ પટેલ ( ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 13/01/2013)

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...