Monday, 3 February 2014

એકલતામાં ઝૂરતાં પુસ્તકનું મૌન !



              કબાટના ખાનામાં ઘણાં વર્ષો રહ્યા પછી મને એક હૂંફાળો સ્પર્શ મળ્યો હતો. એ પ્રેમાળ હાથોની આંગળીઓના સ્પર્શથી મારા પાને પાનામાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ હતી. ધીમેથી એ હાથોએ મને ટેબલ પર મૂક્યું હતું. મને હાશ થઈ હતી કે ચાલો, મહિનાઓ પછી કોઈ મારી ભીતર પ્રવેશીને મને મનભરીને માણશે.
              હું ટેબલ પાસેની બારીમાંથી બે દિવસ સુધી બહારની દુનિયાને જોતું રહ્યું, અચાનક વાદળોથી ધૂંધળી બની જતી સાંજ, તો કયારેક પૂરબહારમાં ખીલેલાં સૂર્યથી તપતી અગનજવાળા. થોડે દૂર દેખાતા એક વૃક્ષ પર એકમેકની ચાંચમાં પરોવાયેલી પ્રેમમય યુગલ ક્ષણો, તો વળી અચાનક મારી સન્મુખ  ઘૂ....ઘૂ કરતું આવી પડેલું વિરહી કબૂતર. આમ તો, આ બધુ જ મારામાં સમાયેલું હતું પણ હું ક્યાં એને જોઈ શકું? એ તો બધું જ કાળા અક્ષરોમાં હારબંધ ગોઠવાઈને બેઠેલું હતું મારી ભીતર. એને કોઈક સ્પર્શ મળ્યાની ખુશીને બે દિવસ વીતી ગયા. હું ફરી પાછું એકલતાપણું અનુભવવા લાગ્યું હતું.
             
            પણ હું નસીબદાર હતું, એ જ હૂંફાળી આંગળીઓએ હળવેકથી આજે મારા પ્રથમ પાનાને સ્પર્શ કર્યો. એની બે આંખોની અમી દ્રષ્ટિનું સાક્ષી આજે માત્ર હું જ હતું! તે નયનો ધીમે ધીમે મારી ભીતર ખૂંપી રહ્યાનું હું અનુભવી રહ્યું હતું, બીજું, ત્રીજું ......દસમું... એક પછી એક પાનાં પર ફરતી આંગળીઓ મારા અંગે અંગમાં એક સ્ફૂર્તિ લાવી રહી હતી. પણ વીસમાં પાને એક નાનકડો કાગળનો ટૂકડો મૂકીને મને ફરી પાછું ટેબલના ખૂણામાં ધકેલવામાં આવ્યું, હું નિરાશામાં ડૂબી ગયું કે કયાંક ફરી એ જ વિરહની એકાંત ક્ષણો મારા નસીબમાં આવવાની કે શું?
              મારી વ્યથા આ જ રહી છે. મારા બાહ્યરૂપથી લોકો ઘેલા થઈને દોડી આવે છે, મને હોંશે હોંશે પોતાની સાથે લઈ જાય છે. અને પછી કાચના કબાટમાં એ રીતે ગોઠવી દે છે જેમ ફલાવરવાઝમાં ફૂલોને. શહેર મોટું થાય, ભણતર તરફ વધારેને વધારે લોકો જોડતા જાય તેમ મારી દુનિયા પણ વિશાળ બનતી જાય એટલે હું પણ હરખાઉં, શાળાઓ, કોલેજો ને શહેરોમાં પુસ્તકમેળાઓ ભરાય ત્યારે હું વસંતની જેમ ખીલી ઉઠું છું. મારા અનેક સાથી મિત્રોને જોતાં ઈર્ષાથી વ્યથિત પણ બની જાઉં છું, કેમ કે, અનેક હૂંફાળી આંગળીઓના સ્પર્શથી હું વંચિત રહી ગયું તો? હું એવી ક્ષણોની પ્રતીક્ષામાં નિરંતર તડપતું રહું છું. 
              એક અઠવાડિયું વીતી ગયું હતું. હવે મારા પર બીજું એક પુસ્તક ગોઠવાઈ ગયું હતું. મારી આશા અમર હતી, પણ ધીરજમાં લૂણો લાગ્યો હોય તેવું લાગવા માંડ્યુ હતું. રખેને કાલે વળી કોઈ ડિક્ષનરીનો ભાર આવી પડે, ને તેના પછી કદાચ કોઈ એલાર્મ પણ એના ઉપર ગોઠવાઈ જાય! ખેર, એની ચિંતા હમણાં શાને કરવી? હું તો ટેબલના એ ખૂણામાંથીયે પેલી બે અમી નજરને શોધી રહ્યું હતું. થોડા દિવસ પછી હું સફાળું થઈને ધ્રુજી ઊઠયું જયારે મારી બાજુમાં જ એ હાથોમાંથી બીજું એક રંગબેરંગી અને સોહામણું પુસ્તક ટેબલ પર સરક્યું હતું.
              હું ફરી ઉદાસ બન્યું હતું. મારી ભીતર ફરી જાણે એકાંતનું અંધારું છવાવા માંડ્યુ હતું. હું જાણતું હતું કે એ આંગળીઓ હવે આ નવા સાથી તરફ જ વળશે. એને હળવેકથી હાથમાં, ખોળામાં ને વળી કયારેક ઓશિકાની બાજુમાં વહાલના અમી છાંટણા મળશે. અને સાચે જ એના પાનાં પર ધીમે ધીમે ફરી રહેલી નજરનું હું સાક્ષી બન્યું હતું. હું ખૂણામાંથી એ આંખો અને તેની સાથે બદલાતા ચહેરાના ભાવોને એવી રીતે જોઈ રહ્યું હતું જેમ એક મા સ્તનપાન કરતાં બાળકના ચહેરાને જોયા કરે. મારો એકાંતવાસ જાણે ગાયબ થઈ ગયો હતો. એ આંખો અને આંગળીઓ જાણે મારા જ પાનાં પર ફરી રહ્યાં હતા. તળીયે દબાયેલા મારાં અસ્તિત્વને હું કેવી અદભુત રીતે જીવી રહ્યું હતું!? મારી આ અનુભૂતિને કોણ સમજી શકશે? કદાચ ઈશ્વર પણ નહીં. ખરું?!
              ફરી પાછા કેટલાંક દિવસો વીતી ગયા હતા. સાંજના સાત વાગ્યા હતા. એ નવો સાથી પણ હવે એકલો થઈને બારીની બહાર ટગરટગર જોયા કરતો હતો. સાંજે અંધારું થઈ જાય છે અને મારી જેમ એ પણ ટેબલના હૂંફાળા સ્પર્શ સાથે સૂઈ જાય છે. બીજું એક અઠવાડિયું વીતી ગયું હતું, ને એ પણ હવે  મારી બાજુમાં જ ખૂણામાં ધકેલાયું હતું. એની વ્યથા મારા સિવાય બીજું કોણ સમજે? કોઇકે સાચું જ કહ્યું છે ને કે ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત’. મારા નસીબમાં આમ જ રહેવાનુ. ફરી કોઈ બુક સ્ટૉલમાં કે પુસ્તક મેળામાં, જેના પર આંખો ઠરશે તે હરખાતું અમારી વચ્ચે આવી જ પડશે.
                જીવનની આ ઘટમાળ કેટલી લાંબી રહેશે તે નક્કી નથી હોતું. ક્યારેક પેઢી દર પેઢી સુધી ટકી રહું તો ક્યારેક બે-ચાર દિવસમાં જ પસ્તીના ટેમ્પામાં હડસેલાઈ જાઉં. એ હૂંફાળા સ્પર્શ અને હથેળીનો સ્પર્શ ક્યારે, કેટલો મળે? એ મારા જીવન માટે હમેશાં અનિશ્ચિત જ રહેવાનુ. ભીતર કેવા કેવા સંબંધોને ઉછેરું, કેવી કલ્પનાની રોમાંચક દુનિયાથી મારા અસ્તિત્વને ભરું, પણ તોયે મારી તરફ આકર્ષાયેલા એ હાથ અને આંખો જ્યારે અધવચ્ચે મને તરછોડે છે ત્યારે સાલું લાગી આવે છે...
                જે ટેબલ પર પહેલા હું એક્લુ હતું એ ટેબલ પર મારા અનેક સાથીઓ આવી પડ્યા છે. પહેલા કબાટમાં રહ્યા, પછી બહાર આવ્યા. ટેબલની બાજુએ આવેલી બારીએ જાણે મારી ભીતરની દુનિયામાં ડોકું કરાવ્યાનું પુણ્ય મેળવી લીધું હતું. એ કોમળ હાથોનો પણ એટલો આભાર તો અચૂક માનીશ કે આ બારીને તેમણે મોટેભાગે ખુલ્લી રાખી કે જેથી બહાર જે દેખાતું તેમાનું કેટલુંક મેં મારી અંદર મહેસુસ કર્યું. પણ હા, એમાં ધૂળની રજકણોએ મારા બાહ્ય રૂપને ઝાંખુ જરૂર કરી દીધું હતું.
                બે મહિના ઉપર વીત્યા છે. મારી ધારણા મુજબ હવે મારી ઉપર ડિક્ષનરી અને એલાર્મનો ભાર આવી પડ્યો છે. પણ વીસમાં પાને સચવાયેલી પેલી કાપલી યથાવત છે. મારા પછીના મારા સાથીનું પણ બાવીસમું પાનું વળેલું છે. ડિક્શનરીને કયારેક એ હુફાળોં સ્પર્શ મળે છે. એટલે તેની ઉપરનું એલાર્મ આમથી તેમ અમારી આસપાસ ફરતું રહે છે. કયારેક પેલા કવિની પંક્તિ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે... યાદ આવી જાય છે ત્યારે હૈયે ફરી એ હાથ અને નજર મળે ન મળે... ની વેદના છલકાઈ જાય છે, શું એ પણ કોઈકને દેખાશે?! ઈશ્વરને પણ નહીં, ખરુને?!
               આજકાલ લોકોને પુસ્તક ભેટમાં આપવાનું ઘેલું લાગ્યું છે છાશવારે લોકો ભેટ આપવા મને શોધતા આવે છે ત્યારે હું ગભરાવા માંડું છુ! અરે, સાંભળ્યું છે કે હમણાં જ આ શહેરમાં પુસ્તક મેળો પણ યોજાઇ ગયો. ખેર, મારા જેવા કેટલાંય સાથીઓ આનંદ અને ઉલ્લાસથી હૂંફાળા હાથોમાં ગોઠવાઇ તો ગયા હશે...પણ પછી?! એમના નસીબમાં પણ મારી જેમ જ હશે એકાંતનો અંધકાર!! એ જ તડપતી આંખો અને હૂંફાળા સ્પર્શનો ઇંતેઝાર!!
     
    -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 3/2/1014)

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...