Saturday, 17 August 2013

મારા પ્રથમ પુસ્તકનું લોકાર્પણ




    મારા પ્રથમ પુસ્તકનું લોકાર્પણ


   

મિત્રો,
વાણિજ્ય શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજમાં રોજબરોજ નવી નવી માહિતી ઉમેરાતી રહે છે. આવી માહિતીઓથી વાણિજયના વિદ્યાર્થીઓ વાકેફ રહે અને નવી સંકલ્પનાઓનો પરિચય મેળવતા રહે તેવા આશયથી આર્થિક-વાણિજ્યિક પરિભાષા નામના એક પુસ્તકનું મેં લેખન કર્યું, જેને અક્ષરા પ્રકાશન(અમદાવાદ) દ્વારા બજારમાં મૂકવામાં આવ્યું છે. આ પુસ્તક ધોરણ નવથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પણ ઉપયોગી થાય તેવું છે. મેં આ પુસ્તકમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંબંધિત કેટલાક નવા શબ્દો સહિત 300 શબ્દોને સંક્ષિપ્તમાં સમજાવ્યા છે. ગુજરાતી ભાષામાં આવું પુસ્તક નજીકના ભૂતકાળમાં પ્રકાશિત થયું હોવાની મારી જાણમાં નથી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળદ્વારા તૈયાર થયેલ ધોરણ 11,12 અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકનાં લેખક તરીકે કાર્ય કર્યા બાદ મારું આ સ્વતંત્ર પ્રકાશન છે.
       મારા આ સૌપ્રથમ પુસ્તકનું વિમોચન ડૉ. આકાશ આચાર્ય(સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સુરત) અને મેજર ઉન્મેષ પંડ્યા (આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ખોલવડ) દ્વારા ૧૪મી ઓગસ્ટના રોજ આંબેડકર ભવન, સુરત ખાતે સો થી વધુ પ્રબુદ્ધ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉ. આકાશ આચાર્ય અને મેજર ઉન્મેષ પંડ્યાએ ભારતીય અર્થતંત્ર સંબંધિત પોતાના વિદ્વતાપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મહારુદ્ર શર્મા તથા ડૉ. ધર્મેન્દ્ર શેઠે સંભાળ્યું હતું. માણો થોડી ઝલક ઉપરના ફોટાઓ દ્વારા...

Monday, 17 June 2013

બોર્ડ પરીક્ષાના પરિણામો, સરખામણીનો કોઈ જ વિકલ્પ નથી!



         થોડાં વર્ષો પહેલા વેકેશન દરમ્યાન આવતા જાહેર પરીક્ષાના પરિણામો વખતે શાળામાં માહોલ કેવો રહેતો? વરસાદ પછીના લીલાછમ હરિયાળા ખેતરો જેવો! વિદ્યાર્થીઓના જીવંત ચહેરાઓની સાથે મીડિયાવાળા અને વાલીઓથી શાળાઓ જીવંત બની જતી. પણ બોર્ડે કરેલા ટોપર્સ યાદી નાબૂદીના નિર્ણયને લીધે બોર્ડની પરીક્ષાના પરિણામો વખતે શાળાઓ છેલ્લા બે વર્ષથી જાણે નિસ્તેજ થવા લાગી હતી. મીડિયાવાળાઓએ પણ શું અને કેવી રીતે છાપવું એ વિશે વિચારવું પડતું. વાલી-વિદ્યાર્થીઓમાંથી ઘણાને તો જાણે શિક્ષણમાંથી રસ ઉડી ગયાનું અનુભવાતું. પણ હવે તેમાં ધીમે ધીમે પ્રાણ સંચાર થવા માંડયો છે.
       
         
       ટોપર્સની યાદી પ્રસિદ્ધ ન કરીને વિદ્યાર્થી-વાલી-શિક્ષકો-સંચાલકો વચ્ચેની બિનતંદુરસ્ત હરીફાઈને નાબુદ કરવાની બોર્ડની વ્યવસ્થા ધીમે ધીમે ઓગળી રહી છે. પહેલા બોર્ડ-પરીક્ષાની ટકાવારીને આધારે રાજ્ય કે શહેરના ટોપર્સની યાદી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી, જે હવે ફરીથી નવા સ્વરૂપે ચાલુ થઈ ગઈ છે. ટકાને બદલે તેમાં હવે એ-વન ગ્રેડે સ્થાન લઈ લીધું છે! અખબારવાળા અને શાળાઓને માટે હવે તમારા એ-વનમાં કેટલા વિદ્યાર્થી?’ એવો પ્રશ્ન મહત્વનો થઈ ગયો છે. ખાનગી ટ્યૂશન વર્ગો પણ પોતાની જાહેરાત એ-વનની યાદીને આધારે કરવા માંડ્યા છે. જો કે ઘણાખરા વાલીઓને ગ્રેડ અને પર્સનટાઇલ રેન્કમાં ઝાઝી સમજણ નથી પડતી, તેથી ઘણાં તો મોટા દેખાતા પર્સનટાઈલ રેન્કને જ પોતાના પાલ્યના ટકા ગણીને તેની સિદ્ધિને વખાણી રહ્યા છે!
        આંકડાશાસ્ત્રની રીતે પર્સનટાઇલ રેન્ક જે તે વિદ્યાર્થીનું સમગ્ર ગુજરાતમાં શું સ્થાન છે તે બતાવે છે. એક ઉદાહરણ આપું. ધારોકે, ગુજરાતમાં ધોરણ ૧૦ની પરીક્ષામાં એક લાખ વિદ્યાર્થીઓ બેઠા હોય અને એમાં સમર્થ નામનો કોઈ વિદ્યાર્થી ૯૦ પર્સનટાઇલ રેન્ક મેળવે તો એનો મતલબ એવો થાય કે સમગ્ર ગુજરાતના આ એક લાખ વિદ્યાર્થીઓના જૂથમાં સમર્થ ૯૦ ટકા વિદ્યાર્થીઓ કરતાં (એટલે કે નેવું હજાર વિદ્યાર્થીઓ કરતાં) હોંશિયાર છે, અથવા માત્ર ૧૦ ટકા વિદ્યાર્થીઓ(એટલે કે દસ હજાર વિદ્યાર્થીઓ) તેનાથી આગળ છે એમ કહેવાય. હવે એ જરૂરી નથી કે સમગ્ર ગુજરાતના આ એક લાખ વિદ્યાર્થીઓમાં માત્ર સમર્થનો જ ૯૦ પર્સનટાઇલ રેન્ક હોય. માની લો કે તેના જેવા એક હજાર વિદ્યાર્થીઓએ ૯૦ પર્સનટાઇલ રેન્ક મેળવ્યો હોય તો બોર્ડના સમગ્ર પરિણામમાં આ રેન્કવાળા ૧૦૦૦ વિદ્યાર્થીઓ હોવાના! હવે આમાં કઈં ખાસ રસ રાખવા જેવુ છે? જો સમર્થ જેવા વિદ્યાર્થીઓ ઘણાંબધા હશે તો તેમાં સમર્થનું મહત્વ ધ્યાનાકર્ષક કહેવાય ખરું?
        તેથી જ સ્થાનિક કક્ષાએ ચઢિયાતું કોણ તે નક્કી કરવા માટે પર્સનટાઇલ રેન્ક કરતાં ટકાવારી જ વધુ મહત્વની બની રહે. ગ્રેડ એ ટકાવારીને આધારે જ નક્કી થાય છે. ૯૧થી વધુ ટકા મેળવનારાઓને એ વન ગ્રેડ મળ્યો કહેવાય. એટલે સમજો ટકા ગયા ને ગ્રેડ આવ્યા, પણ સરખામણી તો ત્યાંની ત્યાં જ રહી!! મારું માનવું છે કે જીવનનું કોઈપણ ક્ષેત્ર હોય સ્પર્ધાના તત્વને વ્યક્તિઓ પોતે જ જન્મ આપે છે. કેમ કે, વ્યક્તિગત રીતે વિચારો તો તમને પણ એમ વિચારવું જ સારું લાગશે કે હું કોઈ ને કોઈ રીતે બીજા કરતાં ચઢિયાતી વ્યકિત છું. બસ આજ વાત સંસ્થાઓ  કે જૂથને પણ લાગુ પડે છે. જો કે ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામોમાં જે સ્પર્ધા જોવા મળે છે તેવી ઉત્તેજના કોલેજ કે યુનિ. કક્ષાએ નથી હોતી. તેની પાછળના કારણોમાં શિક્ષણનું  વિશાળ ક્ષેત્ર, વિદ્યાર્થીઓ-વાલી-શિક્ષકો વચ્ચે ઓછો સંપર્ક, અને વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા જવાબદાર છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં વિકસેલી વૈચારિક વ્યાપકતા પણ ખરી. સરખામણી કે તુલના કરવાનો જેટલો રોમાંચ શાળા કક્ષાના વિદ્યાર્થીઓને હોય છે, તેટલો ઉચ્ચ શિક્ષણની કક્ષાએ પહોંચ્યા પછી તેમનામાં રહેતો નથી.
        વ્યક્તિત્વ વિકાસમાં સરખામણીને બને ત્યાં સુધી ટાળવી જોઈએ એવું માનસશાસ્ત્રીઓ ભલે કહેતા હોય પણ એનો કેટલા લોકો સ્વીકાર કરી શકે છે? પોતાના અહંને પોષવાનું દરેક જણને ગમે છે, માનસશાસ્ત્રીઓને પણ. જયાં આવો ભાવ હોવાનો ત્યાં સરખામણી આવવાની જ, ભલે તેના ભયસ્થાનો સાથે આવે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં સરખામણી સમાયેલી છે. એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થી સાથે, એક વર્ગની બીજા વર્ગ સાથે, એક શિક્ષકની બીજા શિક્ષક સાથે, એક માધ્યમની બીજા માધ્યમ સાથે, એક શાળાની બીજી શાળા સાથે, એક કોલેજની બીજી કોલેજ સાથે વગેરે. સવાલ એટલો જ છે કે તુલના કરતી વખતે તેમાં સંકળાયેલા લોકો વર્તણૂંકમાં સભાન રહે, છકી ન જાય. ચઢિયાતું સ્થાન મેળવનાર નિમ્ન સ્થાનવાળાને હડધૂત ન કરે અને સિદ્ધિનો યશ માત્ર પોતે જ ન ખાટી જાય!
        સંચાલન જગતનો નિયમ છે કે જ્યાં સ્પર્ધા હોય ત્યાં જ માનવશકિત અને સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. આ સ્પર્ધા એટલે જ તુલના કે સરખામણી.  જીવનના કોઈ ક્ષેત્રમાંથી તેને હાંકી કાઢવી સરળ નથી. તેથી જ બુદ્ધિશાળી માણસોએ એમાં મધ્યમ માર્ગ આપ્યો તંદુરસ્ત સ્પર્ધાના ખ્યાલ સાથે. મિત્રો, જીવનમાં તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. જો કે આ શબ્દ બોલવામાં જેટલો સરળ છે, તેટલો સમજવામાં અઘરો છે. બીજાથી આગળ જવામાં માત્ર પોતાની લીટીને જ મોટી કરવાના પ્રયત્નોનું નામ એટલે તંદુરસ્ત સ્પર્ધા! હવે ઘણી નવી નવી શાળાઓ બોર્ડના પરિણામોમાં ઝળકવા માંડી છે એ કદાચ સ્વયંને વધુ ઊંચે લઈ જવાની દિશાના જ પ્રયત્નો હશે તો એ સરખામણીની દિશામાં એક સારી શરૂઆત ગણી શકાય. આવી માનસિકતા શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા સૌનામાં આવવી જોઈએ. પણ આવું કામ ખુલ્લા દિલના વિચારવંત વ્યક્તિઓ જ કરી શકે, સામાન્ય વ્યક્તિનું એમાં ગજું નહીં. શું માનો છો?
        અંતે, શાળાઓનું ખરેખર કર્તવ્ય શું છે? માત્ર ઊંચા પરિણામો બતાવવાનું કે સર્વાંગી વિકાસ કરવાનું? આ પ્રશ્નનો જવાબ અમેરિકાના ખ્યાતિ પ્રાપ્ત શિક્ષણવિદ જ્હોન હોલ્ટ પાસેથી સાંભળીને છૂટા પડીએ: ‘…શાળાઓનો હેતુ ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિઓ પેદા કરવાનો છે કે પછી પરીક્ષામાં સફળતા મેળવી શકનારા વિદ્યાર્થીઓ પેદા કરવાનો? શાળાઓમાં પરીક્ષાને નામે એક ષડયંત્ર ચાલે છે, એક યુક્તિ રમાય છે. જેમાં ઘણીવાર ખરેખરું જ્ઞાન ધરાવતાં વિદ્યાર્થીઓ નાપાસ કે નબળા પુરવાર થાય છે અને સાવ સામાન્ય વિદ્યાર્થીઓ સફળતા મેળવીને છટકી જતાં હોય છે. (આચાર્ય, શિક્ષક કે સંચાલક તરીકે) આપણું કાર્ય બાળકોને હોંશિયાર બનાવવાનું નથી. બધા બાળકો જન્મથી જ બુદ્ધિશાળી હોય છે. આપણે તો માત્ર તેમને મૂર્ખ અને બુદ્ધિહીન બનાવે તેવી હરકતો- શિક્ષણને નામે કરતાં અટકાવવાનું છે!
        

- ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ-17/6/13)

Monday, 13 May 2013

પીએચ.ડી., એમ.ફીલ. કે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું શું?!




       થોડા વર્ષો પહેલા અને આજે પણ વિજ્ઞાનનો વિદ્યાર્થી કોઈ વડીલને પૂછે કે હવે આગળ શું ભણવું જોઈએ?’ તો મહદંશે આમ જ સંભળાતું અને સંભળાય છે કે ડોક્ટર કે એન્જિનિયર થજે! અને વળી કોઈ વાણિજયનો વિદ્યાર્થી આવું પૂછે તો તેને ભાગે જવાબ આવતો હોય છે સી.એ. થઈ જા! આર્ટ્સનો કોઈ વિદ્યાર્થી પૂછે તો કહેવાતું પ્રોફેસર થજે! પાછલા વર્ષોમાં શિક્ષણ જગતમાં અભ્યાસક્રમો, સંસ્થાઓ, પદ્ધતિઓ વગેરે બાબતે એટલું પરિવર્તન આવ્યું છે કે વિદ્યાર્થીઓને આવો જવાબ હવે કન્ફ્યુઝ કરે છે. ઈજનેરી, મેડિકલ, મેનેજમેન્ટ, મીડિયા, શિક્ષણ વગેરે ક્ષેત્રના અભ્યાસક્રમોનું એટલું સ્પેશ્યલાઇઝેશન થઈ ગયું છે કે જાણકારી વિના બોલવું એટલે જૂઠું બોલ્યા બરાબર જ ગણાય.
        લોકો ભણવા માંગે છે. વધુ સારું ભણવા માંગે છે એ પરિવર્તન ભલે ધીમું ચાલી રહ્યું છે. પણ છેલ્લા થોડા વર્ષોમાં સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેની નોંધ લેવી જ પડે. પ્રાથમિક શિક્ષણને વેગવંતુ બનાવનારું સર્વ શિક્ષા અભિયાન, માધ્યમિક શિક્ષણ સજ્જતા માટેનું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન(RMSA) અને ઉચ્ચ શિક્ષણને વધુ સક્ષમ બનાવવા માટેનું રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન(RUSA) એ બાબતની ગવાહી છે કે ભારતમાં સરકાર તરફથી શિક્ષણને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે થોડી વાત ઉચ્ચ શિક્ષણ અને થોડા પ્રશ્નો વિશે વાત કરીએ.

        બારમી અને તેરમી પંચવર્ષીય યોજનાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે RUSA અંતર્ગત 98983 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ અભિયાનનો હેતુ 2022-23 સુધીમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ માટેની નોંધણીને 32 ટકા સુધી પહોંચાડવાનો છે. હાલમાં આ પ્રમાણ લગભગ 20 ટકા જેટલું છે. ભારતીય માનવ સંસાધન વિભાગનું કહેવું છે કે આ ટકાવારીનો આધાર દેશની 286 રાજ્ય યુનિવર્સિટિઓ અને તેની હજારો કોલેજો પર રહેલો છે. રાજ્યો દ્વારા આ સંસ્થાઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં નાણાં ફાળવાય છે, જે રાજ્યની કાચી આંતરિક પેદાશ(GDSP)ના લગભગ અડધા ટકા જેટલી જ છે! મહારાષ્ટ્ર અને ઝારખંડ આ માટે માત્ર 0.14 ટકા રકમ જ ખર્ચે છે. દેશમાં આવેલી 286 રાજ્ય યુનિવર્સિટિઓમાથી 104 જેટલી તો યુ.જી.સી. પાસેથી કોઈ જ ફંડ મેળવતી નથી અને કેન્દ્ર, રાજ્ય તથા ખાનગી મળીને કુલ 35539 કોલેજોમાથી માત્ર 6787 કોલેજો જ કેન્દ્ર સરકાર પાસેથી ફંડ મેળવે છે. બાકીની જે મેળવે છે તે પણ પૂરતું નથી હોતું.
        આ અભિયાન દ્વારા સરકાર આ ગેપને પૂરવાનો પ્રયાસ કરશે. તેના સૂચિત કાર્યક્રમોમાં દેશના શૈક્ષણિક રીતે પછાત એવા 374 જિલ્લાઓમાં ડિગ્રી કોલેજોની સ્થાપના કરવામાં આવશે, અને જે તે રાજયમાં આવી નવી સંસ્થાઓના નિર્માણ કે પ્રવર્તમાન સંસ્થાઓના વિસ્તરણ માટે રાજ્યોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કેન્દ્ર-રાજ્યો વચ્ચે નાણાકીય ફાળવણી આ મુજબ થશે. ઉત્તર-પૂર્વ રાજ્યો માટે 90:10, ઉત્તરાખંડ-હિમાચલ માટે 75:25, અને બાકીના રાજ્યો માટે 65:35 પ્રમાણે નાણાકીય ફાળવણી કરવામાં આવશે.
        ઉચ્ચ શિક્ષણના આ મહા કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર થશે કે નહીં? કેટલો થશે? એ ચર્ચામાં આપણે જતાં નથી. પણ એટલું તો વિચારી શકીએ કે આવનારા વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રાધ્યાપકોની મોટી માંગ સર્જાશે. અને તેથી એમ.ફીલ., પીએચ.ડી., કે નેટ ઉમેદવારોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ઑલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન મુજબ ભારતમાં 2010-11માં એમ.ફીલ. માટે 18456 ઉમેદવારો, જ્યારે પીએચ.ડી. માટે 62281 ઉમેદવારો નોંધાયેલા હતા. સ્વાભાવિક છે કે હાલમાં આ સંખ્યા વધી જ હશે.
        પણ, પણ સાંભળો હવે. કેટલાક શોર્ટકટ્સ દ્વારા આવી ડિગ્રીઓ મેળવાતી હોવાનું પોલાણ યુ.જી.સી.ના ધ્યાનમાં આવ્યું છે. તેથી આવી ઉચ્ચ પદવીઓને આડેધડ આપનારી યુનિવર્સિટિઓ સામે કડક વલણ અપનાવામાં આવ્યું છે. તેમણે દેશભરની તમામે તમામ પ્રકારની યુનિવર્સિટિઓને પોતાને ત્યાં એમ.ફીલ. અને પીએચ.ડી.ના ઉમેદવારોની નોંધણી અને તેમને કેવી રીતે પદવી આપવામાં આવી હતી તે અંગેની માહિતી ચાર અઠવાડિયાની અંદર મંગાવી છે. યુ.જી.સી.ના ચેરમેન શ્રી વેદપ્રકાશે 430 યુનિવર્સિટીના ઉપકુલપતિઓને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે આવી પદવી આપતા પહેલા યુ.જી.સી.ના કાયદા-2009ની ભલામણો પર અચૂક ધ્યાન આપવામાં આવે.
        તેમાં એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહાનિબંધ(Thesis)નું મૂલ્યાંકન ઓછામાં ઓછા બે તજજ્ઞો (જેમાં એક રાજ્ય કે દેશની બહારના હોય) દ્વારા થવું જોઈએ. આ ઉપરાંત થીસીસના સબમીશન પહેલા ઉમેદવારે સંશોધન અહેવાલોનો કેટલો ઉપયોગ કર્યો છે તેની ચર્ચા પણ મૌખિક મૂલ્યાંકન(viva voce) વખતે થવી જ જોઈએ.
        જે તે ક્ષેત્રના નિષ્ણાતો નહી મળતા હોવાના કારણો ધરીને, કેટલીક યુનિવેર્સિટીઓ દ્વારા રાજ્ય કે દેશ બહારના નિષ્ણાતો થકી થીસીસનું મૂલ્યાંકન જ કરવામાં આવતું નહોતું! તામિલનાડુ સ્ટેટ એકેડેમિક ઓડિટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલના ચેરમેન એસ.પી. થીયાગરાજને આ સંદર્ભમા જ ટકોર કરી છે કે, હવે વિદ્યાર્થીઓ ઈ-મેઈલ દ્વારા વિદેશી સંશોધકોનો બહુ સારી રીતે સંપર્ક કેળવી શકે છે. તેથી યુનિવેર્સિટીને નિષ્ણાતો મળતા નથીનો દાવો વાસ્તવિક લાગતો નથી. 
        પીએચ.ડી.માં પ્રવેશ માટેના ધસારાને રોકવા માટે હવે પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરીક્ષાના ગુણાંકને આધારે જે તે ઉમેદવારને લાયક ગણવાનુ પગલું વાજબી લાગે છે, કેમ કે વધુ લાભ કે પ્રતિષ્ઠાના લોભમાં ક્ષમતા વિહોણા લોકો આડેધડ ઘૂસી જાય તો એના પરિણામો સમાજે જ ભોગવવા પડે. એટલે એ દ્રષ્ટિએ આ પરીક્ષા યોગ્ય છે. પણ એ સવાલ તો અનુત્તર જ રહ્યો છે કે મેરીટમાં પસંદ થયેલા આ ઉમેદવારોને યોગ્ય સુવિધા અને યોગ્ય નિષ્ણાત માર્ગદર્શકો ફાળવાય છે ખરા? હાલમાં, કેટલાયે ઉમેદવારો પસંદ થઈને આમતેમ અટવાતા હોવાનું જણાયું છે.       
        વર્ષો પહેલાં સ્થિતિ એવી હતી કે યુનિવર્સિટીના માન્ય માર્ગદર્શકો(Guides)ને ઉમેદવારોની શોધ હતી. આજે પાસા પલટાયા છે. ઢગલેબંધ ઉમેદવારો ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર થાય છે ત્યારે માર્ગદર્શકોની તંગી પડી ગઈ છે! સરકારે પ્રવેશ પરીક્ષા દ્વારા ગુણવત્તાલક્ષી ઉમેદવારો તો શોધ્યા, પણ ગુણવત્તાયુક્ત માર્ગદર્શકો વિના યુનિવેર્સિટીઓ ખાલી ખાલી ભાસે છે! બીજા રાજ્યો કે વિદેશના માર્ગદર્શકો સાથે પ્રત્યક્ષ સંવાદ કે મુલાકાતો વિના કેટલું સત્વશીલ માર્ગદર્શન મળે તે પણ વિચારવું પડે તેમ છે. તેથી, આના ઉકેલ માટે યુ.જી.સી.એ તાકીદે કઈંક વિચારવું પડશે. નહિતર?!
        વધુ ભણવાની મહત્વાકાંક્ષા ધરાવતા MBA ગ્રેજ્યુએટને જ્યારે Ph.D. કરવાનું સૂચન કર્યું ત્યારે તેનામાં ખાસ ઉત્સાહ જણાયો નહોતો. કારણ પૂછ્યું તો કહ્યું, ‘...એમાં ટેસ્ટ આપી છે. સારું મેરીટ આવશે તેવી આશા છે, પણ પ્રક્રિયા એટલી ધીમી ચાલે છે કે એના કરતાં તો એકાદ વર્ષનો કોઈ સ્પેશ્યલાઇઝેશન કોર્સ કરી નાખું તો સારું એમ લાગે છે! અધ્યેતાએ ભણવું તો છે પણ સિસ્ટમની અનુકૂળતા સામેનો અવિશ્વાસ એ સૂચવે છે કે ઉચ્ચ શિક્ષણ માટેના સરકારના પ્રયત્નો માત્ર આંતરમાળખાને વિકસાવવા પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ. સંશોધન પ્રવૃતિને વેગ મળે તેવા માનવસંપત્તિના આયોજનને પણ સાથે રાખવું પડશે. એ દિશામાં સરકારી પ્રયત્નો આગળ વધે એવી અપેક્ષા.

                   -ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-13/5/13)

Monday, 29 April 2013

હાશ! અરાજક્તાભર્યું શૈક્ષણિક વર્ષ પત્યું!




      બે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિ અજાણતા જ આધાર કાર્ડ મેળવવાની લાઈનમાં ઊભી હતી. વેપારીએ પ્રાધ્યાપકને પૂછ્યું- આ વર્ષ કેવું રહ્યું?’ પ્રાધ્યાપક બોલ્યા, જૂનું છે તે જતું નથી ને નવું કઈં ને કઈં આવ્યા જ કરે છે! તેમણે વાત આગળ ચલાવતાં પ્રશ્ન કર્યો- તમારા ફીલ્ડમાં કેવું છે?’ જવાબ આવ્યો- અમારામાં પણ નવું નવું તો ઘણું આવે છે પણ તે લોકોને મોઘું લાગે છે, ને આજનું નવું કાલે ક્યાં જૂનું થઈને નીકળી જાય છે તેની ખબર જ નથી પડતી બોલો!
        વેપાર અને શિક્ષણ આમ તો બંને સાવ જુદા ક્ષેત્ર છે એટલે એની સરખામણી બહુ યોગ્ય કહેવાય નહી. પણ બેઉમાં એક વાત સામાન્ય રહી છે તે દ્વિધાયુક્ત માહોલ’. વેપારીઓને સમજાતું નથી કે તેજી ચાલે છે કે મંદી? અને વર્ષને અંતે શિક્ષકો-પ્રાધ્યાપકોને સમજાતું નથી કે તેઓએ આખા વર્ષમાં શું કર્યું?! શિક્ષણમાં આ વર્ષ કેવું રહ્યું તેની આજે થોડી ગપસપ કરીએ.
        પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસક્રમ બદલાયો, પાઠ્યપુસ્તકો બદલાયા, ધોરણ આઠને પ્રાથમિકમાં સમાવાયું, ધોરણ નવમા શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન(SSE) અને સિમેસ્ટર પદ્ધતિ લાગુ થઈ. ધોરણ દસ અને અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પણ સિમેસ્ટર પદ્ધતિ આવી પણ ધોરણ ૧૧,૧૨ વાણિજ્ય અને વિનયન પ્રવાહ જેમના તેમ જ રહ્યા! વળી, વિજ્ઞાન પ્રવાહમાં માત્ર પહેલા અને ત્રીજા સિમેસ્ટરમાં OMR પરીક્ષા લેવાનો નિર્ણય હતો તેમાં ફેરફાર કરીને બીજા-ચોથામાં પણ OMR પ્રશ્નો રાખવાનું ફાઇનલ કરાયું! અંતે પણ આ લોકો ચાર સેમ પૂરા કર્યા પછી પણ ગુજકેટ અને નીટમાં ફીટ થવા દોડતા જ રહ્યાં.
        ધોરણ નવ અને દસમાં ભણાવનારા આખું વર્ષ પરીક્ષા લેવાના કે મૂલ્યાંકનની માથાકૂટમાંથી જ બહાર નહીં આવ્યા. સાઠ વિદ્યાર્થીઓમાં જાતજાતની આવડત અને કુશળતા શોધવાના આ પ્રથમ પ્રયાસે કેટલાયને હાર્ટ એટેક લાવી દીધો! તો વળી ઘણાબધાએ  સરસ રીતે પત્રકોમાં સ્વૈચ્છિક ગુણાંકન(!) કરીને બધું થાળે પાડી દીધું! બીજી તરફ નાપાસ નહી કરવાના અને ડાયરેક્ટ પરીક્ષા આપવાના પ્રકલ્પથી ધોરણ ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસનારાઓ એટલા બધા વધી ગયા કે પુરવણી તપાસનારા શિક્ષકો ઘટી પડ્યા ! પહેલા સરકારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને એટલી બહેકાવી કે હવે તેના જ સંચાલકો શિક્ષણ ખાતાને એમ કહીને હંફાવી રહ્યાં છે કે, તમે અમારા શિક્ષકોને પગાર નથી ચૂકવતા, તેમની પસંદગીનો અમારો હક્ક છીનવી લો છો તો જાવ જાહેર પરીક્ષાના પેપર તપાસવા અમે પણ શિક્ષકો નહી મોકલીએ, થાય તે કરી લો! આ બેની લડાઈમાં ત્રીજા (શિક્ષકો) ફાવવાનો તો સવાલ નહોતો પણ ઉલટા તેઓ વધારે રિબાયા.
        આ વર્ષે જાણે શિક્ષણ ક્ષેત્રે એટલા બધા સ્પેશિયાલિસ્ટ(!) ડૉક્ટરો વધી ગયા કે જાત જાતના ઈલાજની ગોળી અને ઈંજેક્સન્સ ખાઈ ખાઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનેય શક્તિને બદલે અશકિત આવી ગઈ છે. નવા પરિવર્તનોથી નવી શક્તિ, નવો ઉત્સાહ આવવાને બદલે શિક્ષકો વિદ્યાર્થીઓને કહેતા રહે છે  કે, અલ્યાઓ! તમે બરાબર ભણજો અમારું તો હવે પૂરું થયું! આ બાજુ બિચારા વિદ્યાર્થીઓ આખું વર્ષ ભણવા કરતાં મૂલ્યાંકન(પરીક્ષા)માં જ એવા ડૂબેલા રહ્યાં કે તેઓ તરવાનું જ ભૂલી ગયા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા!! ક્યા કરે ?!
        ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યારે મળે છે ત્યારે શાળાજીવનના મધૂરા સંસ્મરણોને અચૂક વાગોળે છે. પણ હવે છેલ્લા બે-ત્રણ વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ મળે છે ત્યારે એવી વાતો ઓછી થઈ ગઈ છે. કેમ કે હવે શાળા-કોલેજોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સૌથી મહત્વની પ્રવૃત્તિ રહી હોય તો તે પરીક્ષા લેવાની અને રિઝલ્ટ આપવાની. સર્વાંગી વિકાસ માટેની સામૂહિક પ્રવુત્તિઓ કે કાર્યક્રમો હવે મોસમ બનીને નહી માત્ર માવઠું બનીને આવે છે. ક્યારેક જ!
        સંચાલકો અને વાલીઓને પણ હવે ઊંચી ઊંચી(મોટી મોટી!) પરીક્ષાઓનો ચસ્કો લાગ્યો હોવાનું જોવા મળ્યું છે. સાતમાનું ગણિત આવડે નહીં ને AIEEE, GRE, NEET વગેરેની તૈયારી શરૂ થઈ જાય! પ્રાથમિકનો પાયો મજબૂત કરવા પર ધ્યાન આપવાને બદલે આ લોકો ઉચ્ચતર શિક્ષણની ફિકર કરવા માંડ્યા છે ભવિષ્યનું આયોજન હોય, પણ પાયો મજબૂત નહીં હોય તો શું? એવું સમજાવતા કહીએ તો કહે છે કે, ‘...કઈં નહીં. સરકારે જ કીધું છે કે પ્રાથમિક શિક્ષણમાં કોઈને નાપાસ નહી કરવાના! બધી ચિંતા સરકારે જ દૂર કરી દીધી પછી અમારે હવે દૂરનું જ વિચારવાનુ રહેને બોલો?’
        આ તરફ વેકેશન પડવાનું એટલે સરકારે શિક્ષકોને માટે અણગમતી(!) પ્રવૃત્તિ તૈયાર રાખી છે. પાંચ દિવસની નિવાસી તાલીમ. એ પણ બે તબક્કામાં. ગુજરાતનાં કોઈ શિક્ષકને પુછો તો એવું જ તારણ મળશે કે શિક્ષકોને સમજાય તેવું હોમવર્ક કર્યા વિના થયેલા આ તાલીમી આયોજનમાં શિક્ષકો અપગ્રેડ થવાને બદલે વધારે ગૂંચવાતા જ હોય છે! આ તાલીમ સાથે સંકળાયેલા સૌને અધુરાપણાનો અહેસાસ થતો હોય છે પણ છતાં બધાને અંતિમ ઓડકાર તો સંતોષ નો જ આવે છે કે હાશ પત્યું !!
        છેલ્લા બે-ત્રણ વર્ષથી શાળાઓમાં એક પરિવર્તન દેખાય છે તે એ કે વેકેશનની આવી તાલીમ આવે તે પહેલા તો સંચાલકો અને આચાર્યો ધોરણ દસ, બારના વર્ગો શરૂ કરી દે છે. આવતા વર્ષનું અત્યારથી ભણીએ તો આવતા વર્ષે કોર્સ વહેલો પૂરો થઈ જાય ને?! તમે કોઈ સંચાલકને પૂછો કે આવું કેમ? તો કહેશે, બીજા બધા જ કરે છે ને!ક્યારેક લાગે છે કે  સંચાલકો અને વાલીઓને પણ શિક્ષણ પ્રક્રિયાને જેમ તેમ દોડાવી જવામાં બહુ રસ જણાય છે.
          યથા રાજા તથા પ્રજા એ ઉક્તિ અનુસાર સરકારના એક નિર્ણયથી આખી શિક્ષણવ્યવસ્થા પ્રભાવિત થાય. હવે સરકારને શિક્ષણમાં શા માટે, અને કેટલો રસ હોય તે વિચારવાનું કામ મુશ્કેલ નથી. પોતાની સત્તા અને પ્રભાવ રાખવાની હોડમાં સૌ નીતિ-નિર્ધારકો પડી ગયા છે. સંચાલકોને પોતાની શાળા-કોલેજની ફિકર છે, તો સત્તાધીશોને પોતાની ખુરશી(સત્તા)ની ફિકર છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને શાળામાં શિક્ષક-આચાર્યની નિમણૂક કરવા સુધીની જોગવાઈ ગુજરાત સરકારે કરી દીધી છે. સરકાર એક તરફ ખર્ચ ઘટાડવાને બહાને ખાનગી શાળા-કોલેજોને ઉત્તેજન આપી રહી છે અને બીજી તરફ સંચાલનમાં પોતાની હઠ ચલાવી રાખવા માંગે છે.(એમાં કદાચ સંચાલકોની દાનત પર સરકારને શંકા છે.) જો કે શિક્ષણને રાજકારણનું આશ્રય સ્થાન બનાવવાનો દુષ્ટ વિચાર આવનારા સમયમાં નવા પ્રશ્નો સર્જે તો નવાઈ નહીં.
          યુનિવર્સિટી શિક્ષણમાં આ વર્ષે એક સાથે બે કોર્સ ભણવાનો નવો વિચાર તો આવ્યો, પણ પરીક્ષાના પેપરો ફૂટવાના છબરાડઓએ કોલેજ શિક્ષણનો ક્લાયમેક્સ બગાડી નાંખ્યો. વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીની વરીયાવ કોલેજે તો પરીક્ષાની ચોરીમાં સત્તાધીશોને નાકે દમ લાવી દીધો! ને સુરત શિક્ષણ સમિતિની શાળાના છબરડામાં તો એવુંય થયું કે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ ભણ્યા જૂનો અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રો આવ્યા નવા અભ્યાસક્રમના. ખરું થિયું!!
          સારાંશમાં કહીએ તો વીતેલાં વર્ષમાં આપણું શિક્ષણ સરકારી કે ખાનગી, અધ્યાપનનું કે મૂલ્યાંકનું, અને નવું કે જૂનું? એવી ઘટમાળમાં જ અટવાતું રહ્યું. જે કઈં અને જ્યાં પણ ગૂચવાડો થતો ત્યારે તેને માટે જવાબદાર કોણ એ નક્કી કરવા માટે શિક્ષણ ક્ષેત્રના સૌ કોઈ બીજા તરફ જ આંગળી ચીંધતા જોવા મળ્યા. એક બીજા સાથે હાથ મિલાવવાનો અવસર તો મહદંશે ખોવાયેલો જ રહ્યો. બોર્ડની પરીક્ષાના પરીણામોમાં હવે કઇં નવું ન થાય અને આવતા વર્ષે નવું શું થશે તેની દ્વિધા સાથે પણ સૌના હૈયે એટલું આશ્વાસન જરૂર રહ્યું કે હાશ! આ વર્ષ તો પત્યું યાર !!

          -ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 28/4/13)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...