થોડા વર્ષો પહેલા અને આજે પણ વિજ્ઞાનનો વિદ્યાર્થી કોઈ
વડીલને પૂછે કે ‘હવે આગળ
શું ભણવું જોઈએ?’ તો મહદંશે આમ જ સંભળાતું અને સંભળાય છે કે ‘ડોક્ટર કે એન્જિનિયર થજે!’ અને વળી કોઈ વાણિજયનો
વિદ્યાર્થી આવું પૂછે તો તેને ભાગે જવાબ આવતો હોય છે ‘સી.એ.
થઈ જા!’ આર્ટ્સનો કોઈ વિદ્યાર્થી પૂછે તો કહેવાતું ‘પ્રોફેસર થજે!’ પાછલા વર્ષોમાં શિક્ષણ જગતમાં
અભ્યાસક્રમો, સંસ્થાઓ, પદ્ધતિઓ વગેરે
બાબતે એટલું પરિવર્તન આવ્યું છે કે વિદ્યાર્થીઓને આવો જવાબ હવે ‘કન્ફ્યુઝ’ કરે છે. ઈજનેરી,
મેડિકલ, મેનેજમેન્ટ, મીડિયા, શિક્ષણ વગેરે ક્ષેત્રના અભ્યાસક્રમોનું એટલું સ્પેશ્યલાઇઝેશન થઈ ગયું છે
કે જાણકારી વિના બોલવું એટલે જૂઠું બોલ્યા બરાબર જ ગણાય.
લોકો ભણવા
માંગે છે. વધુ સારું ભણવા માંગે છે એ પરિવર્તન ભલે ધીમું ચાલી રહ્યું છે. પણ
છેલ્લા થોડા વર્ષોમાં સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેની નોંધ લેવી
જ પડે. પ્રાથમિક શિક્ષણને વેગવંતુ બનાવનારું સર્વ શિક્ષા અભિયાન, માધ્યમિક શિક્ષણ સજ્જતા માટેનું રાષ્ટ્રીય
માધ્યમિક શિક્ષા અભિયાન(RMSA) અને ઉચ્ચ શિક્ષણને વધુ સક્ષમ
બનાવવા માટેનું રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન(RUSA) એ
બાબતની ગવાહી છે કે ભારતમાં સરકાર તરફથી શિક્ષણને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયત્નો
થઈ રહ્યા છે. આજે થોડી વાત ઉચ્ચ શિક્ષણ અને થોડા પ્રશ્નો વિશે વાત કરીએ.
બારમી અને
તેરમી પંચવર્ષીય યોજનાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે RUSA અંતર્ગત 98983 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ અભિયાનનો
હેતુ 2022-23 સુધીમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ માટેની નોંધણીને 32 ટકા સુધી
પહોંચાડવાનો છે. હાલમાં આ પ્રમાણ લગભગ 20 ટકા જેટલું છે. ભારતીય માનવ સંસાધન
વિભાગનું કહેવું છે કે આ ટકાવારીનો આધાર દેશની 286 રાજ્ય યુનિવર્સિટિઓ અને તેની
હજારો કોલેજો પર રહેલો છે. રાજ્યો દ્વારા આ સંસ્થાઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં નાણાં
ફાળવાય છે, જે રાજ્યની કાચી આંતરિક પેદાશ(GDSP)ના લગભગ અડધા ટકા જેટલી જ છે! મહારાષ્ટ્ર અને ઝારખંડ આ માટે માત્ર 0.14
ટકા રકમ જ ખર્ચે છે. દેશમાં આવેલી 286 રાજ્ય
યુનિવર્સિટિઓમાથી 104 જેટલી તો યુ.જી.સી. પાસેથી કોઈ જ ફંડ મેળવતી નથી અને કેન્દ્ર, રાજ્ય તથા ખાનગી મળીને કુલ 35539 કોલેજોમાથી માત્ર 6787 કોલેજો જ કેન્દ્ર
સરકાર પાસેથી ફંડ મેળવે છે. બાકીની જે મેળવે છે તે પણ પૂરતું નથી હોતું.
આ અભિયાન
દ્વારા સરકાર આ ‘ગેપ’ને પૂરવાનો પ્રયાસ કરશે. તેના સૂચિત કાર્યક્રમોમાં દેશના શૈક્ષણિક રીતે
પછાત એવા 374 જિલ્લાઓમાં ડિગ્રી કોલેજોની સ્થાપના કરવામાં આવશે, અને જે તે રાજયમાં આવી નવી સંસ્થાઓના નિર્માણ કે પ્રવર્તમાન સંસ્થાઓના
વિસ્તરણ માટે રાજ્યોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ અભિયાન અંતર્ગત
કેન્દ્ર-રાજ્યો વચ્ચે નાણાકીય ફાળવણી આ મુજબ થશે. ઉત્તર-પૂર્વ રાજ્યો માટે 90:10, ઉત્તરાખંડ-હિમાચલ માટે 75:25, અને બાકીના રાજ્યો
માટે 65:35 પ્રમાણે નાણાકીય ફાળવણી કરવામાં આવશે.
ઉચ્ચ
શિક્ષણના આ મહા કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર થશે કે નહીં? કેટલો થશે? એ
ચર્ચામાં આપણે જતાં નથી. પણ એટલું તો વિચારી શકીએ કે આવનારા વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ
ક્ષેત્રે પ્રાધ્યાપકોની મોટી માંગ સર્જાશે. અને તેથી એમ.ફીલ., પીએચ.ડી., કે નેટ ઉમેદવારોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
ઑલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન મુજબ ભારતમાં 2010-11માં એમ.ફીલ. માટે 18456
ઉમેદવારો, જ્યારે પીએચ.ડી. માટે 62281 ઉમેદવારો નોંધાયેલા
હતા. સ્વાભાવિક છે કે હાલમાં આ સંખ્યા વધી જ હશે.
પણ, પણ સાંભળો હવે. કેટલાક શોર્ટકટ્સ દ્વારા આવી
ડિગ્રીઓ મેળવાતી હોવાનું પોલાણ યુ.જી.સી.ના ધ્યાનમાં આવ્યું છે. તેથી આવી ઉચ્ચ
પદવીઓને આડેધડ આપનારી યુનિવર્સિટિઓ સામે કડક વલણ અપનાવામાં આવ્યું છે. તેમણે
દેશભરની તમામે તમામ પ્રકારની યુનિવર્સિટિઓને પોતાને ત્યાં એમ.ફીલ. અને પીએચ.ડી.ના
ઉમેદવારોની નોંધણી અને તેમને કેવી રીતે પદવી આપવામાં આવી હતી તે અંગેની માહિતી ચાર
અઠવાડિયાની અંદર મંગાવી છે. યુ.જી.સી.ના ચેરમેન શ્રી વેદપ્રકાશે 430 યુનિવર્સિટીના
ઉપકુલપતિઓને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે આવી પદવી આપતા પહેલા યુ.જી.સી.ના કાયદા-2009ની
ભલામણો પર અચૂક ધ્યાન આપવામાં આવે.
તેમાં એ
બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહાનિબંધ(Thesis)નું મૂલ્યાંકન ઓછામાં ઓછા બે તજજ્ઞો (જેમાં એક રાજ્ય કે
દેશની બહારના હોય) દ્વારા થવું જોઈએ. આ ઉપરાંત થીસીસના સબમીશન પહેલા ઉમેદવારે
સંશોધન અહેવાલોનો કેટલો ઉપયોગ કર્યો છે તેની ચર્ચા પણ મૌખિક મૂલ્યાંકન(viva
voce) વખતે થવી જ જોઈએ.
જે તે
ક્ષેત્રના નિષ્ણાતો નહી મળતા હોવાના કારણો ધરીને, કેટલીક યુનિવેર્સિટીઓ દ્વારા રાજ્ય કે દેશ બહારના નિષ્ણાતો
થકી થીસીસનું મૂલ્યાંકન જ કરવામાં આવતું નહોતું! તામિલનાડુ સ્ટેટ એકેડેમિક ઓડિટ એન્ડ
એક્રેડિટેશન કાઉન્સીલના ચેરમેન એસ.પી. થીયાગરાજને આ સંદર્ભમા જ ટકોર કરી છે કે, ‘હવે વિદ્યાર્થીઓ ઈ-મેઈલ દ્વારા વિદેશી સંશોધકોનો
બહુ સારી રીતે સંપર્ક કેળવી શકે છે. તેથી યુનિવેર્સિટીને નિષ્ણાતો મળતા નથીનો દાવો
વાસ્તવિક લાગતો નથી.’
પીએચ.ડી.માં
પ્રવેશ માટેના ધસારાને રોકવા માટે હવે ‘પ્રવેશ પરીક્ષા’ આપવી ફરજિયાત બનાવવામાં
આવી છે. આ પરીક્ષાના ગુણાંકને આધારે જે તે ઉમેદવારને લાયક ગણવાનુ પગલું વાજબી લાગે
છે, કેમ કે વધુ લાભ કે પ્રતિષ્ઠાના લોભમાં ‘ક્ષમતા વિહોણા’ લોકો આડેધડ ઘૂસી જાય તો એના પરિણામો
સમાજે જ ભોગવવા પડે. એટલે એ દ્રષ્ટિએ આ પરીક્ષા યોગ્ય છે. પણ એ સવાલ તો અનુત્તર જ રહ્યો
છે કે મેરીટમાં પસંદ થયેલા આ ઉમેદવારોને યોગ્ય સુવિધા અને યોગ્ય નિષ્ણાત
માર્ગદર્શકો ફાળવાય છે ખરા? હાલમાં,
કેટલાયે ઉમેદવારો પસંદ થઈને આમતેમ અટવાતા હોવાનું જણાયું છે.
વર્ષો પહેલાં
સ્થિતિ એવી હતી કે યુનિવર્સિટીના માન્ય માર્ગદર્શકો(Guides)ને ઉમેદવારોની શોધ હતી. આજે પાસા પલટાયા છે. ઢગલેબંધ ઉમેદવારો ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર થાય છે
ત્યારે માર્ગદર્શકોની તંગી પડી ગઈ છે! સરકારે પ્રવેશ પરીક્ષા દ્વારા ગુણવત્તાલક્ષી
ઉમેદવારો તો શોધ્યા, પણ ગુણવત્તાયુક્ત માર્ગદર્શકો વિના
યુનિવેર્સિટીઓ ખાલી ખાલી ભાસે છે! બીજા રાજ્યો કે વિદેશના માર્ગદર્શકો સાથે
પ્રત્યક્ષ સંવાદ કે મુલાકાતો વિના કેટલું સત્વશીલ માર્ગદર્શન મળે તે પણ વિચારવું
પડે તેમ છે. તેથી, આના ઉકેલ માટે યુ.જી.સી.એ તાકીદે કઈંક
વિચારવું પડશે. નહિતર?!
વધુ ભણવાની
મહત્વાકાંક્ષા ધરાવતા MBA ગ્રેજ્યુએટને
જ્યારે Ph.D. કરવાનું સૂચન કર્યું ત્યારે તેનામાં ખાસ ઉત્સાહ
જણાયો નહોતો. કારણ પૂછ્યું તો કહ્યું, ‘...એમાં ટેસ્ટ આપી છે. સારું મેરીટ આવશે તેવી આશા છે,
પણ પ્રક્રિયા એટલી ધીમી ચાલે છે કે એના કરતાં તો એકાદ વર્ષનો કોઈ સ્પેશ્યલાઇઝેશન
કોર્સ કરી નાખું તો સારું એમ લાગે છે!’ અધ્યેતાએ ભણવું તો છે
પણ સિસ્ટમની અનુકૂળતા સામેનો અવિશ્વાસ એ સૂચવે છે કે ઉચ્ચ શિક્ષણ માટેના સરકારના
પ્રયત્નો માત્ર આંતરમાળખાને વિકસાવવા પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ. સંશોધન
પ્રવૃતિને વેગ મળે તેવા માનવસંપત્તિના આયોજનને પણ સાથે રાખવું પડશે. એ દિશામાં
સરકારી પ્રયત્નો આગળ વધે એવી અપેક્ષા.
-ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-13/5/13)
D statistical support used in writing this blog is really good. d best way 2 present...
ReplyDeleteMeera,
DeleteOne of my friends suggested me to write this way. and now your complement. Thank you very much meera..Regards.