થોડાં વર્ષો પહેલા વેકેશન દરમ્યાન આવતા જાહેર પરીક્ષાના પરિણામો વખતે શાળામાં
માહોલ કેવો રહેતો? વરસાદ પછીના
લીલાછમ હરિયાળા ખેતરો જેવો! વિદ્યાર્થીઓના જીવંત ચહેરાઓની સાથે મીડિયાવાળા અને વાલીઓથી
શાળાઓ જીવંત બની જતી. પણ બોર્ડે કરેલા ‘ટોપર્સ યાદી’ નાબૂદીના નિર્ણયને લીધે બોર્ડની પરીક્ષાના પરિણામો વખતે શાળાઓ છેલ્લા બે
વર્ષથી જાણે નિસ્તેજ થવા લાગી હતી. મીડિયાવાળાઓએ પણ શું અને કેવી રીતે છાપવું એ વિશે
વિચારવું પડતું. વાલી-વિદ્યાર્થીઓમાંથી ઘણાને તો જાણે શિક્ષણમાંથી રસ ઉડી ગયાનું
અનુભવાતું. પણ હવે તેમાં ધીમે ધીમે પ્રાણ સંચાર થવા માંડયો છે.
ટોપર્સની યાદી પ્રસિદ્ધ ન કરીને
વિદ્યાર્થી-વાલી-શિક્ષકો-સંચાલકો વચ્ચેની બિનતંદુરસ્ત હરીફાઈને નાબુદ કરવાની બોર્ડની
વ્યવસ્થા ધીમે ધીમે ઓગળી રહી છે. પહેલા બોર્ડ-પરીક્ષાની ટકાવારીને આધારે રાજ્ય કે
શહેરના ટોપર્સની યાદી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી, જે હવે ફરીથી નવા સ્વરૂપે ચાલુ થઈ ગઈ છે. ટકાને બદલે તેમાં
હવે ‘એ-વન’ ગ્રેડે સ્થાન લઈ લીધું છે! અખબારવાળા
અને શાળાઓને માટે હવે ‘તમારા એ-વનમાં કેટલા વિદ્યાર્થી?’ એવો પ્રશ્ન મહત્વનો થઈ ગયો છે. ખાનગી ટ્યૂશન વર્ગો પણ પોતાની જાહેરાત
એ-વનની યાદીને આધારે કરવા માંડ્યા છે. જો કે ઘણાખરા વાલીઓને ગ્રેડ અને પર્સનટાઇલ
રેન્કમાં ઝાઝી સમજણ નથી પડતી, તેથી ઘણાં તો મોટા દેખાતા
પર્સનટાઈલ રેન્કને જ પોતાના પાલ્યના ટકા ગણીને તેની સિદ્ધિને વખાણી રહ્યા છે!
આંકડાશાસ્ત્રની રીતે પર્સનટાઇલ
રેન્ક જે તે વિદ્યાર્થીનું સમગ્ર ગુજરાતમાં શું સ્થાન છે તે બતાવે છે. એક ઉદાહરણ
આપું. ધારોકે,
ગુજરાતમાં ધોરણ ૧૦ની પરીક્ષામાં એક લાખ વિદ્યાર્થીઓ બેઠા હોય અને એમાં સમર્થ નામનો
કોઈ વિદ્યાર્થી ૯૦ પર્સનટાઇલ રેન્ક મેળવે તો એનો મતલબ એવો થાય કે સમગ્ર ગુજરાતના આ
એક લાખ વિદ્યાર્થીઓના જૂથમાં સમર્થ ૯૦ ટકા વિદ્યાર્થીઓ કરતાં (એટલે કે નેવું હજાર
વિદ્યાર્થીઓ કરતાં) હોંશિયાર છે, અથવા માત્ર ૧૦ ટકા વિદ્યાર્થીઓ(એટલે
કે દસ હજાર વિદ્યાર્થીઓ) તેનાથી આગળ છે એમ કહેવાય. હવે એ જરૂરી નથી કે સમગ્ર
ગુજરાતના આ એક લાખ વિદ્યાર્થીઓમાં માત્ર સમર્થનો જ ૯૦ પર્સનટાઇલ રેન્ક હોય. માની
લો કે તેના જેવા એક હજાર વિદ્યાર્થીઓએ ૯૦ પર્સનટાઇલ રેન્ક મેળવ્યો હોય તો બોર્ડના
સમગ્ર પરિણામમાં આ રેન્કવાળા ૧૦૦૦ વિદ્યાર્થીઓ હોવાના! હવે આમાં કઈં ખાસ રસ રાખવા
જેવુ છે? જો સમર્થ જેવા વિદ્યાર્થીઓ ઘણાંબધા હશે તો તેમાં
સમર્થનું મહત્વ ધ્યાનાકર્ષક કહેવાય ખરું?
તેથી જ સ્થાનિક
કક્ષાએ ચઢિયાતું કોણ તે નક્કી કરવા માટે પર્સનટાઇલ રેન્ક કરતાં ટકાવારી જ વધુ મહત્વની
બની રહે. ગ્રેડ એ ટકાવારીને આધારે જ નક્કી થાય છે. ૯૧થી વધુ ટકા મેળવનારાઓને એ વન
ગ્રેડ મળ્યો કહેવાય. એટલે સમજો ટકા ગયા ને ગ્રેડ આવ્યા, પણ
સરખામણી તો ત્યાંની ત્યાં જ રહી!! મારું માનવું છે કે જીવનનું કોઈપણ ક્ષેત્ર હોય
સ્પર્ધાના તત્વને વ્યક્તિઓ પોતે જ જન્મ આપે છે. કેમ કે,
વ્યક્તિગત રીતે વિચારો તો તમને પણ એમ વિચારવું જ સારું લાગશે કે હું કોઈ ને કોઈ
રીતે બીજા કરતાં ચઢિયાતી વ્યકિત છું. બસ આજ વાત સંસ્થાઓ કે જૂથને પણ લાગુ પડે છે. જો કે ધોરણ ૧૦ અને
૧૨ના પરિણામોમાં જે સ્પર્ધા જોવા મળે છે તેવી ઉત્તેજના કોલેજ કે યુનિ. કક્ષાએ નથી
હોતી. તેની પાછળના કારણોમાં શિક્ષણનું
વિશાળ ક્ષેત્ર, વિદ્યાર્થીઓ-વાલી-શિક્ષકો વચ્ચે ઓછો
સંપર્ક, અને વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા જવાબદાર છે. આ
ઉપરાંત, વિદ્યાર્થીઓમાં વિકસેલી વૈચારિક વ્યાપકતા પણ ખરી.
સરખામણી કે તુલના કરવાનો જેટલો રોમાંચ શાળા કક્ષાના વિદ્યાર્થીઓને હોય છે, તેટલો ઉચ્ચ શિક્ષણની કક્ષાએ પહોંચ્યા પછી તેમનામાં રહેતો નથી.
વ્યક્તિત્વ
વિકાસમાં સરખામણીને બને ત્યાં સુધી ટાળવી જોઈએ એવું માનસશાસ્ત્રીઓ ભલે કહેતા હોય
પણ એનો કેટલા લોકો સ્વીકાર કરી શકે છે? પોતાના અહંને
પોષવાનું દરેક જણને ગમે છે, માનસશાસ્ત્રીઓને પણ. જયાં આવો
ભાવ હોવાનો ત્યાં સરખામણી આવવાની જ, ભલે તેના ભયસ્થાનો સાથે
આવે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં સરખામણી સમાયેલી છે. એક વિદ્યાર્થીની બીજા
વિદ્યાર્થી સાથે, એક વર્ગની બીજા વર્ગ સાથે, એક શિક્ષકની બીજા શિક્ષક સાથે, એક માધ્યમની બીજા
માધ્યમ સાથે, એક શાળાની બીજી શાળા સાથે, એક કોલેજની બીજી કોલેજ સાથે વગેરે. સવાલ એટલો જ છે કે તુલના કરતી વખતે તેમાં
સંકળાયેલા લોકો વર્તણૂંકમાં સભાન રહે, છકી ન જાય. ચઢિયાતું
સ્થાન મેળવનાર નિમ્ન સ્થાનવાળાને હડધૂત ન કરે અને સિદ્ધિનો યશ માત્ર પોતે જ ન ખાટી
જાય!
સંચાલન જગતનો નિયમ છે કે જ્યાં
સ્પર્ધા હોય ત્યાં જ માનવશકિત અને સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. આ સ્પર્ધા એટલે જ
તુલના કે સરખામણી. જીવનના કોઈ
ક્ષેત્રમાંથી તેને હાંકી કાઢવી સરળ નથી. તેથી જ બુદ્ધિશાળી માણસોએ એમાં મધ્યમ
માર્ગ આપ્યો ‘તંદુરસ્ત
સ્પર્ધા’ના ખ્યાલ સાથે. મિત્રો,
જીવનમાં તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. જો કે આ શબ્દ બોલવામાં જેટલો સરળ છે, તેટલો સમજવામાં અઘરો છે. બીજાથી આગળ જવામાં માત્ર પોતાની લીટીને જ મોટી
કરવાના પ્રયત્નોનું નામ એટલે તંદુરસ્ત સ્પર્ધા! હવે ઘણી નવી નવી શાળાઓ બોર્ડના
પરિણામોમાં ઝળકવા માંડી છે એ કદાચ સ્વયંને વધુ ઊંચે લઈ જવાની દિશાના જ પ્રયત્નો
હશે તો એ સરખામણીની દિશામાં એક સારી શરૂઆત ગણી શકાય. આવી માનસિકતા શિક્ષણ સંસ્થા
સાથે સંકળાયેલા સૌનામાં આવવી જોઈએ. પણ આવું કામ ખુલ્લા દિલના વિચારવંત વ્યક્તિઓ જ
કરી શકે, સામાન્ય વ્યક્તિનું એમાં ગજું નહીં. શું માનો છો?
અંતે, શાળાઓનું ખરેખર કર્તવ્ય શું છે? માત્ર ઊંચા પરિણામો બતાવવાનું કે સર્વાંગી
વિકાસ કરવાનું? આ પ્રશ્નનો જવાબ અમેરિકાના ખ્યાતિ પ્રાપ્ત
શિક્ષણવિદ જ્હોન હોલ્ટ પાસેથી સાંભળીને છૂટા પડીએ: ‘…શાળાઓનો
હેતુ ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિઓ પેદા કરવાનો છે કે પછી પરીક્ષામાં સફળતા મેળવી
શકનારા વિદ્યાર્થીઓ પેદા કરવાનો? શાળાઓમાં પરીક્ષાને નામે એક
ષડયંત્ર ચાલે છે, એક યુક્તિ રમાય છે. જેમાં ઘણીવાર ખરેખરું
જ્ઞાન ધરાવતાં વિદ્યાર્થીઓ નાપાસ કે નબળા પુરવાર થાય છે અને સાવ સામાન્ય
વિદ્યાર્થીઓ સફળતા મેળવીને છટકી જતાં હોય છે. (આચાર્ય,
શિક્ષક કે સંચાલક તરીકે) આપણું કાર્ય બાળકોને હોંશિયાર બનાવવાનું નથી. બધા બાળકો
જન્મથી જ બુદ્ધિશાળી હોય છે. આપણે તો માત્ર તેમને મૂર્ખ અને બુદ્ધિહીન બનાવે તેવી
હરકતો- શિક્ષણને નામે કરતાં અટકાવવાનું છે! ’
No comments:
Post a Comment