Monday, 22 February 2016

‘એજયુકેશનાય નમ:’ પુસ્તકનું વિમોચન




ટોક શો સાથે એજયુકેશનાય નમ: પુસ્તકનું વિમોચન



                મેં શિક્ષક તરીકેની કારકિર્દીના 25 વર્ષ પૂરા કર્યા છે.  ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે શ્રેષ્ઠ શિક્ષક-2015 ઍવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. અને હાલમાં તેઓ સુરતની વાડીવાલા શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કાર્યરત છું
                મેં મારા અનુભવ અને નવવિચારોને લોકો સુધી પહોંચાડવા માટે એજયુકેશનાય નમ:નામનું એક નવું પુસ્તક લખ્યું છે જેનું તા: 20/2/16ના રોજ સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ,એન. રાઠોડના અતિથી પદે લોકાર્પણ કારવામાં આવ્યું.
                ત્રણસોથી વધુ લોકોની હાજરીમાં આ વિમોચન કાર્યક્રમ એ રીતે અનોખો હતો કે તેમાં વિદ્યાર્થીઓની વ્યથિત મન: સ્થિતિને વાચા આપતી ચર્ચા (ચલ કહીં દૂર નિકલ જાયેં...) રજૂ કરવામાં આવી હતી. જેમાં તજજ્ઞો તરીકે ડૉ. અભિલાષા અગ્રવાલ, ડૉ. મનીષા મનીષ, ડૉ. ધર્મેશ શાહ અને શ્રી સંજય મહેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. હું આ અગાઉ પણ ચાર પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યો છે. જેને શિક્ષણ જગતમાં બહોળો આવકાર મળી રહ્યો છે. 







વિદ્યાર્થી મનના ‘બ્લેક હૉલ’ને ક્યારે અનુભવશુ?!



વિદ્યાર્થી મનનાબ્લેક હૉલને ક્યારે અનુભવશુ?!

              તે દિવસે વર્ગમાં ક્રિષ્નાનું ધ્યાન બ્લેક બોર્ડ અને શિક્ષક તરફ હતું. એ ધ્યાનથી સાંભળી રહી હોય અને વિષયમાં ખૂબ જ રસ પડ્યો હોય તેમ લ્લગતું હતું. જ્યારે વર્ગના અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ઊંચું-નીચું જોવામાં કે આજુબાજુની લાઇન તરફ નજર કરી લેતા હતા. વર્ગનું વાતાવરણ એકંદરે શાંત હતું ત્યાં શિક્ષકે પ્રશ્ન કર્યો હતો, વિદ્યાર્થીએ માતા-પિતાનું કહ્યું વધારે માનવું જોઈએ કે શિક્ષકનું?!’
                વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓના ચહેરાઓમાં ગુસપુસ ચર્ચાઓ થઈ હતી. કેટલાકે પોતાનો ઉત્તર સ્પષ્ટ રીતે નક્કી કરી લીધો હતો, પણ કેટલાક મૂંઝવણમાં હતા કે બેમાથી કોણ? જીગ્નેશે ઉત્તર આપ્યો હતો શિક્ષક’, પ્રિયાએ પણ કહ્યું હતું શિક્ષક’, જીગર બોલ્યો હતો માતા-પિતા. શિક્ષકે શાંત બેઠેલી ક્રિષ્નાને ઊભી કરી હતી. તેની વિચારીને ધીમેથી બોલી હતી,પ્પા અને શિક્ષકનું!
                એના ઉત્તરમાં માતા નહોતી. કેમ કે, ગઇરાતે મિત્રો સાથે પિત્ઝા ખાવાની તેણીની આજીજીનો તેમણે ઇનકાર કરી દીધો હતો!

                પ્રસંગ કાચની આરપાર ઊડે પતંગિયા!માંથી લેવાયો છે. પણ વાંચ્યા પછી મનમાં વૈચારિક તરંગો છોડી જાય છે. એમ તો આ પુસ્તકમાં એવા ઘણા પ્રસંગો આલેખાયા છે જે હ્રદય-મનને ઝંકૃત કરી જાય છે. (વાંચવા જેવુ પુસ્તક છે!) દ્રાક્ષને ટી.વી. જોતાં જોતાંયે ખાઈ શકાય અને આંખ બંધ કરીને ધી..મે ધી..મે પણ ખાઈ શકાય છે. આ બંનેમાં એકસરખી અનુભૂતિ નથી હોતી ખરું ને? બસ, એવું જ પુસ્તકોના વાંચન બાબતે પણ છે.
                સાંપ્રત સમયમાં વિદ્યાર્થીમનને ઢંઢોળવાના પ્રયાસ કરવા કરતાં વડીલોને સમજાવવાના પ્રયાસોની વધુ જરૂર છે. આપણી આખી શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થી કેન્દ્રી ગણાતી હોય, પરંતુ તેમાં વિદ્યાર્થી કેન્દ્રબિંદુથી આમતેમ જ ફંગોળાતો રહ્યો છે. ભલે તેને પૂછીને (ક્યારેક) પ્રવાસનું કે પરીક્ષાનું સમયપત્રક નક્કી કરવામાં આવે છે, પરંતુ પ્રવાસમાં સ્ત્રી-પુરુષ મર્યાદાના બંધનો કે પરીક્ષાના ટોપ ટેન ના બોજારૂપ વિચારોનો મારો એટલી હદે ચલાવાય છે કે શિક્ષણ પ્રક્રિયામાં મોટાભાગના વિદ્યાર્થીઓ બિચારા બનીને રહી જાય છે.
                કહેવાતી વિદ્યાર્થી કેન્દ્રી વ્યવસ્થામાં યુનિફોર્મ નક્કી કરવાનો, અભ્યાસક્રમ નક્કી કરવાનો, શિક્ષકો પસંદ કરવાના વગેરે જેવા અધિકારો વિદ્યાર્થીઓને ક્યાં મળે છે? તો વળી, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને ભણાવવાની વાત પણ શિક્ષકોને ઝટ સમજાતી નથી. વાલીઓ પણ બાળકેન્દ્રી વ્યવહારમાં ગોથું ખાઈ રહ્યાં છે. ક્રિષ્નાનો ઉત્તર એટલે જ  ભલે ટૂંકો છે પણ આંચકો આપે તેવો છે. (આ પુસ્તક વાંચતા એક મમ્મીની આંખ ભરાઈ આવી હતી તે વાત તેની દીકરીએ મને થોડા દિવસ પહેલા જ જણાવી હતી.)
                વિદ્યાર્થીઓની મન: સ્થિતિને જાણવા માટેનો એક કાર્યક્રમ શહેરમાં યોજાઇ ગયો હતો. શહેરના શિક્ષણ જગત અને બાલ મનોચિકિત્સક ક્ષેત્રના અનુભવી વકતાઓ સાથે સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં મૂંઝાતા-ગૂંગળાતા વિદ્યાર્થીઓના મનને સમજવાની કોશિશ થઈ હતી. ભાર વિનાના ભણતરના વિચારને લાવવાના પ્રયત્નોને ઘણા વર્ષો થયા છે, છતાં વર્ગખંડ, ટ્યુશન ક્લાસ કે ઘરમાં વિદ્યાર્થીઓ પર પડતો બોજ(તણાવ) ઘટવાનું નામ જ નથી લેતો. અનેક અપેક્ષાઓના બોજ તળે સંઘર્ષ અનુભવતા વિદ્યાર્થીઓ ક્યારેક દફ્તર જોરથી ફેંકે છે, ટેબલ ખુરશીને લાત મારે છે, કોઈને કહ્યા વિના મંદિર કે નદી ફિનારે નીકળી પડે છે. અને એનાથીયે વધુ કેટલાક તો કાયમ માટે જિંદગી છોડીને ચાલ્યા જાય છે! આવું બને છે ત્યારે સમાજ સ્તબ્ધ બની જાય છે.
                ઉપરના કિસ્સામાં ક્રિષ્નાને દુખ થયું તેમાં માતાને માટે દીકરીને બહાર મોકલવામાં ભય લાગ્યો હશે. પણ તેનાથી ક્રિષ્નાને જે અણગમો થયોતો તે તાત્કાલિક તો ધરબાઈ ગયો હતો. સમાજ (વાલીઓ) ઘણુખરું બહારના ભયથી જેટલો ચિંતિત હોય છે તેટલો વ્યક્તિના અંદરના ભય વિશે ભાગ્યે જ વિચારે છે. વિદ્યાર્થીઓ(સંતાનો)ની અંદર આકાર લેતા આ ભય કે અધૂરપ જ તેને ચલ કહીં દૂર નિકલ જાયેં તરફ ખેંચી જાય છે. કહે છે કે મોબાઇલથી બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઘટી ગયું છે, પણ હકીકત એ  છે કે એનાથી સામસામે બોલવાનું (સંવાદ સાધવાનું) સાવ ઘટી ગયું છે!
                જે પેઢી આગળ વધતી જાય (જૂની થતી જાય) તે હંમેશા પાછળ આવનારી નવી પેઢીને બગડેલી(કે બોલ્ડ!)સમજે છે. અપવાદો હશે, પણ આવું વિદ્યાર્થીઓ માટે પણ વિચારાય છે. વિદ્યાર્થીઓની ઉંમર સાથે તેની આસપાસની પરિસ્થિતિમાં આવેલા પરિવર્તનો હંમેશાં જોડાયેલા રહે છે. એટલે તેના પર જે તે સમયના વાતાવરણનો સૌથી વધુ પ્રભાવ રહે છે. વડીલો ભમરડા કે લખોટીઓ રમીને મોટા થયા પણ તેમના સંતાનો કે તેમનાયે સંતાનોને આવી રમતો રવાનો આગ્રહ સેવવો મૂર્ખામી જ કહેવાય ને? એને તો વીડિયો ગેમ્સ કે બર્થ ડે પાર્ટીમાં વધુ રહેવાનુ ગમે છે. અહીં જ નવી પેઢી ગૂંગળાય છે. ક્રિષ્નાની ગૂગળામણ પણ આજ હતી.
                આ સમસ્યાનો માર્ગ શું? વડીલો તરીકેની ભૂમિકાને સાવ બાજુ પર હડસેલી લેવી જોઈએ? મિત્રો, શિક્ષણ એટલે જ આજીવન ચાલતી પ્રક્રિયા ગણાય છે. શાળા-કોલેજમાંથી ભલે બહાર નીકળી જવાતું હોય છે, પરંતુ જીવનની પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છટકવું આસાન નથી હોતું. વિદ્યાર્થીઓ(કે સંતાનો)ના મનને સમજવા માટે તેઓની સાથે સતત વાતચીત કરવાની ટેવ પાડવી પડશે. તેઓ sms કે chat પર જતાં રહે તે પહેલાં નિયમિત થોડો સમય સંવાદ માટે ફાળવવો પડે અને તેમાંય માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સાંપ્રત સામાયિક વિષયો પણ સમાવી લેવા જોઈએ.
                આમ તો, શિક્ષણ જગતની જ નહીં પણ આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક જગતની સમસ્યાઓ વધવાના મૂળમાં બે માનવીઓ વચ્ચે ઘટી રહેલો સંવાદ છે. તકલીફ એ છે કે લોકોને પણ બોલવાને બદલે મૌન રહીને જોયા-સાંભળ્યા કરવાની આદત પડી ગઈ છે (એટલે તો talk shows પાંખી હાજરી સાથે પૂરા થઈ જતાં હોય છે કેમ કે તેમાં એક કે બે જ જણ બોલતા હોય છે.)
                શિક્ષણની મનો-શારીરિક સમસ્યાઓ ઉકેલવામાં એકમેકને બોલવાની તક આપી, તેને ધીરજપૂર્વક સાંભળવાની જરૂર હોય છે. મારા નવા પુસ્તક વિમોચન સાથે આવી ચર્ચા ગોઠવીને પ્રશ્નોના ઉકેલ તરફ જવાના સવાદને વધુ બુલંદ બનાવવાની કોશિશ કરી હતી. આશા રાખીએ કે આવા કાર્યક્રમો વધે અને તેમાં જોડાનારની સંખ્યાયે વધે!


-ડૉ.વિજય મનુ પટેલ (શિક્ષણ સૂત્ર કૉલમ માટે)

Monday, 1 February 2016

એક દિવસ, બે અનુપમ ઘડી!




મિત્રો,

        आपने कभी सूरजसी प्रतापी ऑर चाँदसी नरमी को एकसाथ महसूस किया है? शायद नहीं, मुजे ऐसा मौका हाथ लग गया!



        એક તરફ, તા.1લી ફેબ્રુઆરી 2016ના રોજ બપોરે સહારા જૂથના સુબ્રતો રોય લિખિત Life’s Mantras પુસ્તકનાં (સુરત કેન્દ્ર ખાતે) વિમોચન વિધિના અતિથિ બનવાનો ઉમળકાભેર અવસર હતો.

        બીજી તરફ, તે જ સાંજે  ઝૂપડપટ્ટીના બાળકો સાથેનો સહવાસ હતો. એક જ દિવસની બે અનોખી ઘડી હતી. પ્રથમમાં કોર્પોરેટ પરિવારનો સહારો હતો, બીજામાં હું ગરીબ બાળકોનો સહારો બનવા મથી રહ્યો હતો! दोस्तो, कैसा लगा ये मिलन ?!








સ્ફૂર્તિલા શરીર-મન જ સુધારે ભણતર ગુણવત્તા!


             એક સર્વેક્ષણમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે બાળકો રોજ નિયમિત રીતે રમતા હોય છે તેઓનું ગણિત સારું હોય છે. આવું જેમના વાંચવામાં આવ્યું હતું એવા નવમા ધોરણના એક વિદ્યાર્થીએ આવીને મને કહ્યું હતું કે, સર, મારા ઘરે આવીને મારા ઘરવાળાઓને સમજાવોને!! મને થોડું આશ્ચર્ય થયું હતું એટલે મેં પ્રશ્ન કર્યો હતો, શાના માટે?’ પછી એને મને કોઈ સામયિકમાં વાંચેલી ઉપરની વાત જણાવી. એ માહિતી કોણે, અને કયા સંદર્ભમાં રજૂ કરી હતી તેની ફિકરમાં પડ્યા વિના મેં આશ્વાસન આપીને વિદાય કર્યો હતો.

                રમત રમે તો ગણિત સારું આવડે એ વિચાર શરૂઆતમાં તો મારા મગજમાં પણ બેસતો નહોતો. કેમ કે, નોકરીના બહુધા વર્ષોનો અનુભવ એવું કહેતો હતો કે જે બહુ રમતિયાળ છોકરા-છોકરીઓ હોય છે તેઓ હંમેશાં ભણવામાં નબળા જણાયા હતા! પણ સર્વેક્ષણના તારણો પર મંથન કરતાં જણાયું હતું કે ગણિત જેવા વિષયોને સમજવા માટે માનસિક રીતે બાળકો સજ્જ અને તંદુરસ્ત હોવા જોઈએ. મનની તંદુરસ્તી અને શરીરને માટે કસરતની આવશ્યકતા રહે એ દ્રષ્ટિએ જેના હાથ પગ ચાલે તેની બુદ્ધિ પણ ચાલેવિચારને પુષ્ટિ મળી.

               
હવે આ માહિતીમાં અધૂરપ એ હતી કે રોજ કેટલા કલાક રમતો રમવી જોઈએ? કેર કે ચેસ જેવી રમતો રમવી કે પછી કબડ્ડી, હેન્ડબોલ જેવી રમતો રમવાની? પેલા વિદ્યાર્થી પાસે પણ આવા પ્રશ્નોના જવાબો નહોતા. એને તો બસ એ વાત ગમી ગઈ કે રોજ રમત રમાય, તો જ ગણિત આવડે! એમાં અવરોધરૂપ તેના સ્વજનો બન્યા હશે(ઘણુખરું બનતા જ હોય છે!) એટલે એ મને સારથી બનવાનું નિમંત્રણ આપવા આવ્યો હતો.

                અહીં પ્રશ્ન માત્ર ગણિત વિષયનો જ નહોતો. શારીરિક ચુસ્તતા મગજની ક્ષમતાને સતેજ રાખે છે તેથી કોઈપણ વિષયના અધ્યયન પર તેની અસર વર્તાય જ. હા, વાંચીને યાદ રાખવા કરતાં જેમાં અર્થઘટન કરવું પડે (તાર્કિક રીતે વિચાર કરવો પડે) તેવા વિષયો થોડા મુશ્કેલ પડે. યુવાની અને તે પછીના વર્ષોની ખુશીનો આધાર વ્યક્તિ તેના શૈશવ અને કિશોરકાળને કેવી રીતે પસાર કરેલો હોય છે તેના પર રહે છે. જેમ નાનપણથી કરેલી બચતો મોટી ઉંમરે મોટું ફળ આપે છે તેમ શાળા કક્ષાએ ન-મનની કાળજી જેટલી સારી તેટલી પાછલી ઉંમરે સુખની આભા વધુ.

                પણ પેલા છોકરાની જે અકળામણ હતી તે સાંપ્રત સમાજવ્યવસ્થાનું પ્રતિબિંબ હતી. જે સમયે રમવાનું હોય તેવા સમયે ભણવાનું આવે તે તેને મંજૂર નહોતું. વડીલોને મન રમતો રમવી એ સમય અને અભ્યાસની બરબાદી છે. આ જ વડીલો કરકસર કરીને પૈસાનું નિયમિત રોકાણ કરવામાં ઘણી કાળજી રાખતા હોય છે જેથી ભવિષ્યમાં મોટું આર્થિક વળતર પ્રાપ્ત થાય. પણ આ વળતરનો ફાયદો ન-મનથી નબળી રહી જતી પેઢીની સારવારમાં જ વાપરવાની ને? એના કરતાં નાનપણમાં બાળકોને નિયમિત રીતે રમત માટે પ્રોત્સાહિત કરવામાં લાભ નથી જણાતો?

                શાળાનો અભિગમ પણ આ સંદર્ભમાં ક્યાંક એકદમ ઉદાર તો ક્યાંક વધુ જડ જોવા મળે છે. ઘણી શાળાઓ પાસે પોતાના મેદાનો જ નથી એટલે રમતોત્સવ તો ઠીક પી.ટી.ના તાસ પણ ટાઈમટેબલ પૂરતા જ રહી જાય છે. જે શાળાઓ પાસે મેદાન છે તે પાર્કિંગમાં વપરાય અથવા અભ્યાસક્રમ પૂરો કરવામાં પી.ટી.ના તાસનો જ ભોગ લેવાય! નર્યા માનસિક બોજને હળવો કરવામાં સરકારે ખેલ મહાકુંભને અપનાવ્યો છે, પણ વાલીઓ હજી એ તરફ અમીદ્રષ્ટિ રાખતા નથી એ વિડંબણા છે.

                વિદ્યાર્થીઓની સાથે મા-બાપોને પણ સફળ વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવવું છે પણ ઘરમાં કે રૂમમા બેઠા બેઠા. માત્ર મહાન વ્યક્તિઓના ચોપડા કે આત્મકથા વાંચવામાં રોજની કસરત માટે એક કલાક માટે પણ ફાળવી ન શકનાર ક્યારેય સફળતાનો સ્વાદ મેળવી શકતા નથી. સફળતા માત્ર રમતો રમવાથી જ મળે એવું નથી પરંતુ મનની સ્ફૂર્તિ, શરીરની સ્ફૂર્તિમાં રહેલી છે એ વાતને સમજવામાં પણ છે. જો કે એક વિપરીત ઉદાહરણ પણ વાંચો.

                આજના સેલિબ્રિટિ શેફ તરીક જેનું નામ બોલાય છે તે વિકાસ ખન્ના જન્મ સમયે જ પગની તકલીફ લઈને આવ્યો હતો. જન્મના પંદર દિવસ બાદ જ તેના પર સર્જરી થઈ. ત્રણ અઠવાડીયા પથારીવશ રહ્યા પછી પણ 13 વર્ષ સુધી લાકડાના બૂટ પહેરવા પડ્યા. પોતાની સમકક્ષના બાળકો સાથે રમવા જશકતો નહોતો તેની આ મજબૂરી કે વિવશતા તેને ઘરમાં પુરાઈ રહેવાનુ કારણ બની હતી.

                        આવી સ્થિતિમાં તે અભ્યાસમાં ઝાઝું કરી શકશે નહીં તેવી ગ્રંથિ સ્વાભાવિક રીતે જ બંધાઈ ગઈ હતી. પરંતુ સતત ઘરમાં રહેવા માટે તેણે રસોડુ પસંદ કર્યું. સમય ક્યાં વીતાવવો તેના ઉકેલમાં તેણે મનને રસોઈ તરફ પ્રવૃત્તિ તરફ રોક્યું. શારીરિક અક્ષમતા છતાં અહીં મનની ક્ષમતા વિકસી રહી હતી તેનું કારણ ઘરની સકારાત્મક ભૂમિકા હતી. દાદી, મમ્મી અને કાકાના સહકારથી તે હોટેલ મનેજમેન્ટ સુધી ભણ્યો. શરૂઆતમાં ડીશ ધોવાનું કામ પણ કર્યું અને એમ કરતાં કરતાં તે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શેફ(કૂક) બની ગયો.

                આ કિસ્સામાં રમતનું મેદાન કે શારીરિક કસરતોને ઝાઝો અવકાશ મળ્યો નહોતો. શક્ય છે એ કારણે ગણિત-વિજ્ઞાન જેવા અઘરા વિષયો સાથે ઇજનેર કે દાક્તર થવાને બદલે મગજના જમણા ભાગ(સર્જનાત્મકપ્રવૃત્તિ)નો ઉપયોગ કરવાનું અનુકૂળ માન્યું હોય. તેમ છતાં શારીરિક ફિટનેસ માટે વિકાસે કશું જ ન કર્યું હોય એમ માનવાને કારણ નથી. મેદાન નહિ તો ઘરમાં નાનકડી જગ્યાને જીમ બનાવ્યું જ હશે.

                આર્થિક સાથે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવે એટલે જીવન શૈલી પણ બદલાય જ છતાં તંદુરસ્ત વિકાસ બાબતે સૌ કોઈનું વલણ એકસરખું જ રહે છે. આમાં વિક્ષેપ પડે છે બિનતંદુરસ્ત  સ્પર્ધાની લીધે. વાલીઓ  અને વિદ્યાર્થીઓ સાથે શાળા-કોલેજો પણ જ્યારથી માત્રને માત્ર શૈક્ષણિક પ્રગતિને જ સુખનો માપદંડ ગણવા માંડે ત્યારે ઉપરના જેવા પ્રશ્નો શરૂ થાય છે.

                પેલા વિદ્યાર્થીની ફરિયાદ કે રજૂઆત ખોટી કે અયોગ્ય પણ નહોતી. એ તો ગણિતના પરિણામ સુધારવા માટે રમતના સમય પર ચોકડી મારી દેતા તમામ સ્વજનોની વિચારસરણી પ્રત્યે અણગમો દર્શાવનારી હતી. હા, તેઓને રોજ કેટલો સમય અને કયા પ્રકારની રમતો રમવાની છૂટ આપવાની છે એ બાબતે પોતપોતાની સ્થિતિ મુજબ નિર્ણય કરવાનો છે, અને તેને અમલમાં પણ મૂકવાનો છે. તો નક્કી કરી દો ત્યારે!!

  (ગુજરાત ગાર્ડિયન અખબારમા છપાયેલ લેખ, 1/12/2016)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...