વિદ્યાર્થી મનના ‘બ્લેક હૉલ’ને ક્યારે
અનુભવશુ?!
તે દિવસે વર્ગમાં ક્રિષ્નાનું ધ્યાન બ્લેક બોર્ડ અને શિક્ષક
તરફ હતું. એ ધ્યાનથી સાંભળી રહી હોય અને વિષયમાં ખૂબ જ રસ પડ્યો હોય તેમ લ્લગતું
હતું. જ્યારે વર્ગના અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ઊંચું-નીચું જોવામાં કે આજુબાજુની
લાઇન તરફ નજર કરી લેતા હતા. વર્ગનું વાતાવરણ એકંદરે શાંત હતું ત્યાં શિક્ષકે
પ્રશ્ન કર્યો હતો, ‘વિદ્યાર્થીએ માતા-પિતાનું કહ્યું વધારે માનવું જોઈએ કે શિક્ષકનું?!’
વર્ગમાં બેઠેલા
વિદ્યાર્થીઓના ચહેરાઓમાં ગુસપુસ ચર્ચાઓ થઈ હતી. કેટલાકે પોતાનો ઉત્તર સ્પષ્ટ રીતે
નક્કી કરી લીધો હતો, પણ કેટલાક મૂંઝવણમાં હતા કે બેમાથી કોણ? જીગ્નેશે ઉત્તર આપ્યો હતો ‘શિક્ષક’, પ્રિયાએ પણ કહ્યું હતું ‘શિક્ષક’, જીગર બોલ્યો હતો ‘માતા-પિતા.’ શિક્ષકે શાંત બેઠેલી ક્રિષ્નાને ઊભી કરી હતી. તેની વિચારીને ધીમેથી બોલી હતી,‘પપ્પા અને શિક્ષકનું!’
એના ઉત્તરમાં માતા
નહોતી. કેમ કે, ગઇરાતે મિત્રો સાથે પિત્ઝા ખાવાની તેણીની આજીજીનો તેમણે ઇનકાર કરી દીધો હતો!
પ્રસંગ ‘કાચની આરપાર ઊડે
પતંગિયા!’માંથી લેવાયો છે. પણ વાંચ્યા પછી મનમાં વૈચારિક તરંગો છોડી જાય છે. એમ તો આ
પુસ્તકમાં એવા ઘણા પ્રસંગો આલેખાયા છે જે હ્રદય-મનને ઝંકૃત કરી જાય છે. (વાંચવા
જેવુ પુસ્તક છે!) દ્રાક્ષને ટી.વી. જોતાં જોતાંયે ખાઈ
શકાય અને આંખ બંધ કરીને ધી..મે ધી..મે પણ ખાઈ શકાય છે. આ
બંનેમાં એકસરખી અનુભૂતિ નથી હોતી ખરું ને? બસ, એવું જ પુસ્તકોના વાંચન બાબતે પણ છે.
સાંપ્રત સમયમાં વિદ્યાર્થીમનને ઢંઢોળવાના પ્રયાસ કરવા કરતાં વડીલોને
સમજાવવાના પ્રયાસોની વધુ જરૂર છે. આપણી આખી શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થી કેન્દ્રી
ગણાતી હોય, પરંતુ તેમાં વિદ્યાર્થી
કેન્દ્રબિંદુથી આમતેમ જ ફંગોળાતો રહ્યો છે. ભલે તેને પૂછીને (ક્યારેક) પ્રવાસનું
કે પરીક્ષાનું સમયપત્રક નક્કી કરવામાં આવે છે, પરંતુ પ્રવાસમાં સ્ત્રી-પુરુષ મર્યાદાના બંધનો કે
પરીક્ષાના ‘ટોપ ટેન’ ના
બોજારૂપ વિચારોનો મારો એટલી હદે ચલાવાય છે કે શિક્ષણ પ્રક્રિયામાં મોટાભાગના
વિદ્યાર્થીઓ બિચારા બનીને રહી જાય છે.
કહેવાતી વિદ્યાર્થી કેન્દ્રી વ્યવસ્થામાં યુનિફોર્મ નક્કી કરવાનો, અભ્યાસક્રમ નક્કી કરવાનો, શિક્ષકો પસંદ કરવાના વગેરે જેવા અધિકારો વિદ્યાર્થીઓને
ક્યાં મળે છે? તો વળી, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને ભણાવવાની વાત પણ શિક્ષકોને
ઝટ સમજાતી નથી. વાલીઓ પણ ‘બાળકેન્દ્રી’ વ્યવહારમાં ગોથું ખાઈ રહ્યાં છે. ક્રિષ્નાનો ઉત્તર એટલે
જ ભલે ટૂંકો છે પણ આંચકો આપે તેવો છે. (આ
પુસ્તક વાંચતા એક મમ્મીની આંખ ભરાઈ આવી હતી તે વાત તેની દીકરીએ મને થોડા દિવસ
પહેલા જ જણાવી હતી.)
વિદ્યાર્થીઓની મન: સ્થિતિને
જાણવા માટેનો એક કાર્યક્રમ શહેરમાં યોજાઇ ગયો હતો. શહેરના શિક્ષણ જગત અને બાલ
મનોચિકિત્સક ક્ષેત્રના અનુભવી વકતાઓ સાથે સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં
મૂંઝાતા-ગૂંગળાતા વિદ્યાર્થીઓના મનને સમજવાની કોશિશ થઈ હતી. ભાર વિનાના ભણતરના
વિચારને લાવવાના પ્રયત્નોને ઘણા વર્ષો થયા છે, છતાં વર્ગખંડ,
ટ્યુશન ક્લાસ કે ઘરમાં વિદ્યાર્થીઓ પર પડતો બોજ(તણાવ) ઘટવાનું નામ જ નથી લેતો.
અનેક અપેક્ષાઓના બોજ તળે સંઘર્ષ અનુભવતા વિદ્યાર્થીઓ ક્યારેક દફ્તર જોરથી ફેંકે છે, ટેબલ ખુરશીને લાત મારે છે, કોઈને કહ્યા વિના મંદિર કે નદી ફિનારે નીકળી પડે છે. અને
એનાથીયે વધુ કેટલાક તો કાયમ માટે જિંદગી છોડીને ચાલ્યા જાય છે! આવું બને છે ત્યારે
સમાજ સ્તબ્ધ બની જાય છે.
ઉપરના કિસ્સામાં
ક્રિષ્નાને દુખ થયું તેમાં માતાને માટે દીકરીને બહાર
મોકલવામાં ભય લાગ્યો હશે. પણ
તેનાથી ક્રિષ્નાને જે અણગમો થયો’તો તે તાત્કાલિક તો ધરબાઈ ગયો હતો. સમાજ (વાલીઓ) ઘણુખરું બહારના ભયથી જેટલો ચિંતિત હોય છે તેટલો વ્યક્તિના અંદરના ભય વિશે ભાગ્યે જ વિચારે છે. વિદ્યાર્થીઓ(સંતાનો)ની અંદર આકાર લેતા આ ભય કે અધૂરપ જ તેને ‘ચલ કહીં દૂર નિકલ જાયેં ’તરફ ખેંચી
જાય છે. કહે છે કે મોબાઇલથી બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઘટી ગયું છે, પણ હકીકત
એ છે કે એનાથી સામસામે
બોલવાનું (સંવાદ સાધવાનું) સાવ ઘટી ગયું છે!
જે પેઢી આગળ વધતી જાય (જૂની થતી જાય) તે
હંમેશા પાછળ આવનારી નવી પેઢીને ‘બગડેલી’(કે બોલ્ડ!)સમજે છે. અપવાદો હશે, પણ આવું વિદ્યાર્થીઓ માટે પણ વિચારાય છે. વિદ્યાર્થીઓની
ઉંમર સાથે તેની આસપાસની પરિસ્થિતિમાં આવેલા પરિવર્તનો હંમેશાં જોડાયેલા રહે છે.
એટલે તેના પર જે તે સમયના વાતાવરણનો સૌથી વધુ પ્રભાવ રહે જ છે. વડીલો ભમરડા
કે લખોટીઓ રમીને મોટા થયા પણ તેમના સંતાનો કે તેમનાયે સંતાનોને આવી રમતો રમવાનો આગ્રહ સેવવો
મૂર્ખામી જ કહેવાય ને? એને તો વીડિયો ગેમ્સ કે બર્થ ડે પાર્ટીમાં વધુ રહેવાનુ ગમે છે. અહીં જ નવી
પેઢી ગૂંગળાય છે. ક્રિષ્નાની ગૂગળામણ પણ આજ હતી.
આ સમસ્યાનો માર્ગ શું? વડીલો તરીકેની ભૂમિકાને સાવ બાજુ પર હડસેલી લેવી જોઈએ? મિત્રો,
શિક્ષણ એટલે જ આજીવન ચાલતી પ્રક્રિયા ગણાય છે. શાળા-કોલેજમાંથી ભલે બહાર નીકળી
જવાતું હોય છે, પરંતુ જીવનની પરીક્ષાના
અભ્યાસક્રમમાંથી છટકવું આસાન નથી હોતું. વિદ્યાર્થીઓ(કે સંતાનો)ના મનને સમજવા માટે
તેઓની સાથે સતત વાતચીત કરવાની ટેવ પાડવી પડશે. તેઓ sms કે chat પર
જતાં રહે તે પહેલાં નિયમિત થોડો સમય સંવાદ માટે ફાળવવો પડે અને તેમાંય માત્ર
અભ્યાસ જ નહીં પરંતુ સાંપ્રત સામાયિક વિષયો પણ સમાવી લેવા જોઈએ.
આમ તો, શિક્ષણ જગતની જ નહીં પણ આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક જગતની સમસ્યાઓ વધવાના મૂળમાં બે
માનવીઓ વચ્ચે ઘટી રહેલો સંવાદ છે. તકલીફ એ છે કે લોકોને પણ બોલવાને બદલે મૌન રહીને
જોયા-સાંભળ્યા કરવાની આદત પડી ગઈ છે (એટલે તો talk shows પાંખી
હાજરી સાથે પૂરા થઈ જતાં હોય છે કેમ કે તેમાં એક કે બે જ જણ બોલતા હોય છે.)
શિક્ષણની મનો-શારીરિક
સમસ્યાઓ ઉકેલવામાં એકમેકને બોલવાની તક આપી, તેને ધીરજપૂર્વક સાંભળવાની જરૂર હોય છે. મારા નવા પુસ્તક
વિમોચન સાથે આવી ચર્ચા ગોઠવીને પ્રશ્નોના ઉકેલ તરફ જવાના ‘સવાદ’ને વધુ
બુલંદ બનાવવાની કોશિશ કરી હતી. આશા રાખીએ કે આવા કાર્યક્રમો વધે અને તેમાં
જોડાનારની સંખ્યાયે વધે!
-ડૉ.વિજય મનુ પટેલ (શિક્ષણ સૂત્ર કૉલમ માટે)
No comments:
Post a Comment