એક સર્વેક્ષણમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે બાળકો રોજ નિયમિત રીતે
રમતા હોય છે તેઓનું ગણિત સારું હોય છે. આવું જેમના વાંચવામાં આવ્યું હતું એવા નવમા
ધોરણના એક વિદ્યાર્થીએ આવીને મને કહ્યું હતું કે, ‘સર, મારા ઘરે આવીને મારા ઘરવાળાઓને સમજાવોને!!’ મને થોડું
આશ્ચર્ય થયું હતું એટલે મેં પ્રશ્ન કર્યો હતો, ‘શાના માટે?’ પછી એને મને કોઈ સામયિકમાં વાંચેલી ઉપરની વાત જણાવી. એ
માહિતી કોણે, અને કયા સંદર્ભમાં રજૂ કરી હતી તેની ફિકરમાં પડ્યા વિના મેં આશ્વાસન આપીને
વિદાય કર્યો હતો.
રમત રમે તો ગણિત સારું
આવડે એ વિચાર શરૂઆતમાં તો મારા મગજમાં પણ બેસતો નહોતો. કેમ કે, નોકરીના બહુધા
વર્ષોનો અનુભવ એવું કહેતો હતો કે જે બહુ રમતિયાળ છોકરા-છોકરીઓ હોય છે તેઓ હંમેશાં
ભણવામાં નબળા જણાયા હતા! પણ સર્વેક્ષણના તારણો પર મંથન કરતાં જણાયું હતું કે ગણિત
જેવા વિષયોને સમજવા માટે માનસિક રીતે બાળકો સજ્જ અને તંદુરસ્ત હોવા જોઈએ. મનની
તંદુરસ્તી અને શરીરને માટે કસરતની આવશ્યકતા રહે એ દ્રષ્ટિએ ‘જેના હાથ પગ
ચાલે તેની બુદ્ધિ પણ ચાલે’ વિચારને પુષ્ટિ મળી.
હવે આ માહિતીમાં અધૂરપ એ હતી કે રોજ કેટલા કલાક રમતો રમવી જોઈએ? કેરમ કે ચેસ જેવી રમતો રમવી કે પછી કબડ્ડી, હેન્ડબોલ જેવી રમતો રમવાની? પેલા વિદ્યાર્થી
પાસે પણ આવા પ્રશ્નોના જવાબો નહોતા. એને તો બસ એ વાત ગમી ગઈ કે રોજ રમત રમાય, તો જ ગણિત આવડે! એમાં અવરોધરૂપ તેના સ્વજનો બન્યા હશે(ઘણુખરું બનતા જ હોય
છે!) એટલે એ મને સારથી બનવાનું નિમંત્રણ આપવા આવ્યો હતો.
અહીં પ્રશ્ન માત્ર ગણિત
વિષયનો જ નહોતો. શારીરિક ચુસ્તતા મગજની ક્ષમતાને સતેજ રાખે છે તેથી કોઈપણ વિષયના
અધ્યયન પર તેની અસર વર્તાય જ. હા, વાંચીને યાદ
રાખવા કરતાં જેમાં અર્થઘટન કરવું પડે (તાર્કિક રીતે વિચાર કરવો પડે) તેવા વિષયો
થોડા મુશ્કેલ પડે. યુવાની અને તે પછીના વર્ષોની ખુશીનો આધાર વ્યક્તિ તેના શૈશવ અને
કિશોરકાળને કેવી રીતે પસાર
કરેલો હોય છે તેના પર
રહે છે. જેમ નાનપણથી કરેલી બચતો મોટી ઉંમરે મોટું ફળ આપે છે તેમ શાળા કક્ષાએ તન-મનની કાળજી
જેટલી સારી તેટલી પાછલી ઉંમરે સુખની આભા વધુ.
પણ પેલા છોકરાની જે
અકળામણ હતી તે સાંપ્રત સમાજવ્યવસ્થાનું પ્રતિબિંબ હતી. જે સમયે રમવાનું હોય તેવા
સમયે ભણવાનું આવે તે તેને મંજૂર નહોતું. વડીલોને મન રમતો રમવી એ સમય અને અભ્યાસની
બરબાદી છે. આ જ વડીલો કરકસર કરીને પૈસાનું નિયમિત રોકાણ કરવામાં ઘણી કાળજી રાખતા
હોય છે જેથી ભવિષ્યમાં મોટું આર્થિક વળતર પ્રાપ્ત થાય. પણ આ વળતરનો ફાયદો તન-મનથી નબળી રહી
જતી પેઢીની સારવારમાં જ વાપરવાની ને? એના કરતાં નાનપણમાં બાળકોને નિયમિત રીતે રમત માટે પ્રોત્સાહિત કરવામાં લાભ
નથી જણાતો?
શાળાનો અભિગમ પણ આ
સંદર્ભમાં ક્યાંક એકદમ ઉદાર તો ક્યાંક વધુ જડ જોવા મળે છે. ઘણી શાળાઓ પાસે પોતાના
મેદાનો જ નથી એટલે રમતોત્સવ તો ઠીક પી.ટી.ના તાસ પણ ટાઈમટેબલ પૂરતા જ રહી જાય છે. જે શાળાઓ પાસે મેદાન
છે તે પાર્કિંગમાં વપરાય અથવા અભ્યાસક્રમ પૂરો કરવામાં પી.ટી.ના તાસનો જ ભોગ લેવાય! નર્યા માનસિક બોજને
હળવો કરવામાં સરકારે ‘ખેલ મહાકુંભ’ને અપનાવ્યો છે, પણ વાલીઓ હજી એ
તરફ અમીદ્રષ્ટિ રાખતા નથી એ વિડંબણા છે.
વિદ્યાર્થીઓની સાથે
મા-બાપોને પણ સફળ વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવવું છે પણ ઘરમાં કે રૂમમા બેઠા
બેઠા. માત્ર મહાન વ્યક્તિઓના ચોપડા કે આત્મકથા વાંચવામાં રોજની કસરત માટે એક કલાક
માટે પણ ફાળવી ન શકનાર ક્યારેય સફળતાનો સ્વાદ મેળવી શકતા નથી. સફળતા માત્ર રમતો
રમવાથી જ મળે એવું નથી પરંતુ મનની સ્ફૂર્તિ, શરીરની સ્ફૂર્તિમાં રહેલી છે એ વાતને સમજવામાં પણ છે. જો કે એક વિપરીત ઉદાહરણ પણ વાંચો.
આજના સેલિબ્રિટિ શેફ
તરીક જેનું નામ બોલાય છે તે વિકાસ ખન્ના જન્મ સમયે જ પગની તકલીફ લઈને આવ્યો હતો.
જન્મના પંદર દિવસ બાદ જ તેના પર સર્જરી થઈ. ત્રણ અઠવાડીયા પથારીવશ રહ્યા પછી પણ 13
વર્ષ સુધી લાકડાના બૂટ પહેરવા પડ્યા. પોતાની સમકક્ષના બાળકો સાથે રમવા જઈ શકતો નહોતો તેની આ મજબૂરી કે વિવશતા તેને ઘરમાં પુરાઈ
રહેવાનુ કારણ બની હતી.
આવી સ્થિતિમાં તે
અભ્યાસમાં ઝાઝું કરી શકશે નહીં તેવી ગ્રંથિ સ્વાભાવિક રીતે જ બંધાઈ ગઈ હતી. પરંતુ
સતત ઘરમાં રહેવા માટે તેણે રસોડુ પસંદ કર્યું. સમય ક્યાં વીતાવવો તેના ઉકેલમાં
તેણે મનને રસોઈ તરફ પ્રવૃત્તિ તરફ રોક્યું. શારીરિક અક્ષમતા છતાં અહીં મનની ક્ષમતા
વિકસી રહી હતી તેનું કારણ ‘ઘર’ની સકારાત્મક ભૂમિકા હતી. દાદી, મમ્મી અને કાકાના
સહકારથી તે હોટેલ મનેજમેન્ટ સુધી ભણ્યો. શરૂઆતમાં ડીશ ધોવાનું કામ પણ કર્યું અને
એમ કરતાં કરતાં તે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શેફ(કૂક) બની ગયો.
આ કિસ્સામાં રમતનું
મેદાન કે શારીરિક કસરતોને ઝાઝો અવકાશ મળ્યો નહોતો. શક્ય છે એ કારણે ગણિત-વિજ્ઞાન
જેવા અઘરા વિષયો સાથે ઇજનેર કે દાક્તર થવાને બદલે મગજના જમણા
ભાગ(સર્જનાત્મકપ્રવૃત્તિ)નો ઉપયોગ કરવાનું અનુકૂળ માન્યું હોય. તેમ છતાં શારીરિક
ફિટનેસ માટે વિકાસે કશું જ ન કર્યું હોય એમ માનવાને કારણ નથી. મેદાન નહિ તો ઘરમાં
નાનકડી જગ્યાને ‘જીમ’ બનાવ્યું જ હશે.
આર્થિક સાથે સામાજિક
વ્યવસ્થામાં પરિવર્તન આવે એટલે જીવન શૈલી પણ બદલાય જ છતાં તંદુરસ્ત વિકાસ બાબતે સૌ
કોઈનું વલણ એકસરખું જ રહે છે. આમાં વિક્ષેપ પડે છે બિનતંદુરસ્ત સ્પર્ધાની લીધે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે શાળા-કોલેજો પણ જ્યારથી
માત્રને માત્ર શૈક્ષણિક પ્રગતિને જ સુખનો માપદંડ ગણવા માંડે ત્યારે ઉપરના જેવા
પ્રશ્નો શરૂ થાય છે.
પેલા વિદ્યાર્થીની
ફરિયાદ કે રજૂઆત ખોટી કે અયોગ્ય પણ નહોતી. એ તો ગણિતના પરિણામ
સુધારવા માટે રમતના સમય પર ચોકડી મારી દેતા તમામ સ્વજનોની વિચારસરણી પ્રત્યે અણગમો
દર્શાવનારી હતી. હા, તેઓને રોજ કેટલો સમય અને કયા પ્રકારની રમતો રમવાની છૂટ
આપવાની છે એ બાબતે પોતપોતાની સ્થિતિ મુજબ નિર્ણય કરવાનો છે, અને તેને અમલમાં પણ
મૂકવાનો છે. તો નક્કી કરી દો ત્યારે!!
(ગુજરાત ગાર્ડિયન અખબારમા છપાયેલ લેખ, 1/12/2016)
No comments:
Post a Comment