Wednesday, 14 August 2019

સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ ભયભીત છે!

              રાત્રે સુઈએ ત્યારે મન ચિંતા કરતાં કરતાં ઊંઘી જાય છે, એવી આશા સાથે કે આવતી કાલ સવારે કઇંક મઝાનું બનશે. સવારે ઊઠીને છાપું હાથમાં લઈએ ત્યારે એમાં મઝા આવે તેવું સાવ ઓછું અને હતાશ કરે તેવું જ વધારે હોય છે. આખા દિવસની ભાગદોડ પછી પાછા રાત્રે સુવા જઈએ ત્યારે આવા (આગ, અકસ્માત, પૂર, આપઘાત, હિંસા જેવા) સમાચારોની ચિંતામાં મન ગરક થઈ જાય છે. શિક્ષણ જગતમાં પણ આ બધાની પરોક્ષ અસરો પડતી જ હોય છે. ત્યાં પણ ક્યાંક પરિણામોનો ભય છે તો ક્યાંક અપેક્ષાઓના ડરથી આખું વાતાવરણ ડહોળાઈ જાય છે. શિક્ષકો, વાલીઓ અને સંચાલકોની અપેક્ષા અને નિયમ પાલનમાં રહેલો છૂપો ડર એ બાળકોના મનમાં ફંગોળાયા કરે છે. આ ભયને દૂર કરવાનું કામ આસાન છે ખરું? કોણ કરે?
                એક જાણીતો પ્રસંગ યાદ કરીએ. એક દિવસ બાળક (વિદ્યાર્થી) એડિસન પોતાના હાથમાં એક બંધ કાગળ લઈને ઘરે પરત ફરે છે. આવીને માતાને કહે છે: મારા શિક્ષકે કહ્યું છે કે આ કાગળ માત્ર તારી માતાના હાથમાં જ આપજે. એ કાગળ વાંચતાં વાંચતાં થોમસ એડિસનની માતાની આંખ ભરાઈ આવી. એડિસને પુછ્યું, ‘માં, એમાં શું લખ્યું છે?’ માતાએ મોટેથી કહ્યું, ‘તમારો પુત્ર જીનીયસ છે, આ શાળા તમારા પુત્રને માટે ઘણી નાની છે અને તેને ભણાવી શકે તેવા ઉત્તમ શિક્ષકો અહીં નથી. મહેરબાની કરી તમે જ તેને ભણાવજો!
                અને પછી એની માતાએ બરાબર એવું જ કર્યું. પૂરા સમર્પણ ભાવ સાથે ઘરમાં જ જાણે શાળા શરૂ કરી. ઘણા વર્ષો વીતી ગયા ને માતાનું મૃત્યુ થયું. હવે એડિસન એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. એક દિવસ ઘરમાં બેઠા બેઠા જૂની ફાઈલો-કાગળો ફેરવતાં હતા ત્યારે નાનપણમાં એમની માતાને જે કાગળ આપવા જણાવ્યુ હતું તે હાથ લાગ્યો. તેમણે તે ઉઘાડયો ને તેમાં લખેલો સંદેશ વાંચ્યો: તમારો દીકરો માનસિક રીતે સાવ નબળો છે, હવેથી અમે તેને શાળામાં રાખી શકીએ તેમ નથી!’

                એ જ ક્ષણે એડિસને અનુભવ્યું હતું કે તેની માતાએ ઘણા વર્ષો પહેલાં તેને માટે શું કર્યું હતું. તેમણે પોતાની ડાયરીમાં લખ્યું: થોમસ આલવા એડિસન એક નકામું બાળક હતું, પણ એક હીરો માતાને લીધે સદીનો જીનીયસ વ્યક્તિ બન્યો! એક જાણીતી ઉક્તિ છે કે, ‘અવિચારી રીતે બોલાયેલા શબ્દો તલવારની જેમ છેદી કાઢે, પણ ડહાપણભર્યા શબ્દો ઘાને રૂઝવી કાઢે. એડિસનના એ શિક્ષકે લખેલા મૂળ શબ્દો જ તેની માતાએ રજૂ કર્યા હોત તો શું થાત તેની કલ્પના કરી જુઓ. તો કદાચ દુનિયાને વીજળીના દીવા (બલ્બ) અને બીજી અનેક શોધ ન મળી હોત, ખરું ને? એ માતાનો આભાર કે જેમણે એડિસનમાં ભય વધારનારા અને હતાશ કરે તેવા એ શબ્દોને જાણે સુંદર આભૂષણ બનાવવા માટે જુદા જ આકારમાં ઢાળી દીધા હતા!
                ધારોકે તમે શિક્ષક હોવ અથવા વાલી હોવ તો તમારા નબળાં વિદ્યાર્થી (કે સંતાન)ની સ્થિતિ વિશે શું બોલશો? કોના ઉપર દોષારોપણ કરશો? બાળકને ભયભીત કરશો કે ભય ઘટાડવા માટે એડિસનની માતા જેવો રસ્તો લેશો? ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે જીભ તારે, ને તે જ મારે નકારાત્મક વિચારોને ઊર્ધ્વગામી બનાવીને ચરિતાર્થ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ એડિસનની માતાએ આપ્યું. સચ્ચાઈ એ છે કે માતા લોકપ્રિય ન થઈ, પણ પુત્ર પ્રસિદ્ધિ પામ્યો. માંનુ બલિદાન અને મનોવૈજ્ઞાનિક સમજ જેવી તેવી હશે કે?
                બાળક નાનું હોય અને શાળાએ જવાનું આવે ત્યારે એ રડે તો સમજી જવાનું કે તેનામાં ભયનું બીજારોપણ થયું છે. ઘરમાં ખુશ અને પ્રસન્ન રહેતો વિદ્યાર્થી શાળાએ જતી વખતે નિસ્તેજ ચહેરાવાળો થાય તો સ્પષ્ટ છે કે શાળામાં જવામાં એને મઝા કે ખુશીની લાગણી નથી થતી. આ ભય કોનો છે અને શાનો છે એ જાણવું વાલીની પ્રથમ ફરજ છે. પરંતુ એમ થવાને બદલે ઊલટું તેને ઘણીવખત ઢોંગીમાં ખપાવી દેવામાં આવે છે. અહીં વાલી નાદાન બની રહે છે!
                આપણી સમાજ વ્યવસ્થામાં ઘણાબધાં વડીલો ભય બીના પ્રીત નાહીંમાં માનનારા છે, અને આવા લોકો ડર કે આગે જીત હૈનો સ્થૂળ અર્થ પકડીને શિશુ અને તરુણોને વધુ ને વધુ ભયભીત બનાવવાનું દુષ્કૃત્ય કરતાં રહે છે. સંતાનની જે અધૂરપ છે તે તેની અક્ષમતાને (કે રસ-રુચીના અભાવને) લીધે છે એ સમજવાને બદલે તેને ધાક-ધમકી-થપ્પડ કે બરાડાથી વધારવાની કોશિશ કરે છે. જેનામાં ગણિતના પાયાના ખ્યાલોની સમજ અધૂરી છે તેવા સંતાનને મોંઘા અને અતિ વિદ્વાન શિક્ષકને સોંપવા જેવી વાત થઈ. આ કિસ્સામાં સંતાન વધુ ભયભીત થશે કે ખુશ થશે? વિચારી જુઓ.
                ભારતમાં ઈજા અને ટી.બી.પછી અપમૃત્યુનું જો કોઈ કારણ હોય તો તે આપઘાતનું છે અને આપઘાત પાછળનું મહત્ત્વનું પરિબળ ભય છે. કશુંક અધુરપતાનો સતત અહેસાસ ભયના કુંડાળાને વિસ્તારતો જ રહે છે અને અંતે એ દુર્ઘટના બનીને છવાઈ જાય છે! એડિસનના શિક્ષકે સામન્યીકરણ કરીને રસ્તો શોધી કાઢ્યો હતો કે તમારો દીકરો સાવ નબળો છે પણ માએ વિશિષ્ટ પરિણામને પામવા ભય પેદા કરે તેવા શબ્દોને દૂર ફંગોળી દીધા હતા.
                હવે વિચારીએ ભય પેદા કેવી રીતે થાય છે? વાલી અથવા શિક્ષકો ગુરુતાગ્રંથિથી પીડાતા હોય એટલે કે હું જે કહું તે શ્રેષ્ઠ જ હોય, મને જે આવડે તે જ ફાઇનલ અથવા મેં જે કહ્યું તેના સિવાય ઉકેલ જ ન હોય જેવા વિધાનો વારંવાર ઉચ્ચારનારા વાલીઓ કે શિક્ષકો વિદ્યાર્થીઓ (સંતાનો) માં ધીમે ધીમે ભયને ઉછેરતાં હોય છે. આ લોકોની ગુરુતાગ્રંથિ વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ વધારવાનું નિમિત્ત બનતી હોય છે.
                બીજું કારણ આનાથી વિરુદ્ધનું છે. વાલીઓ કે શિક્ષકો સ્વયં લઘુતાથી પીડિત હોય તો તેઓ નવું કરવા ઉત્સાહી તો નથી જ હોતા પરંતુ પોતાના વિદ્યાર્થીઓ કે સંતાનોને પણ એ માટે પ્રોત્સાહિત નથી કરતાં. તેઓની એવી રજૂઆત હોય તો પણ તેને દૂર હડસેલી દે છે! ના...ના..આ ન થશે, આવું કરવામાં જોખમ છે, આમ કરવાનું તારું ગજું નથી જેવા વિધાનો તેઓ ઉચ્ચારતા હોય છે. આવી વૃત્તિ પણ કિશોરો કે તરુણોને હતાશ અને ભીરુ બનાવી દે છે.
                આ ઉપરાંત, અન્ય વ્યક્તિઓ પાસેથી વારંવારની અતિ ઊંચી અપેક્ષાઓ કે હતાશાજનક ટીપ્પણીઓના અનુભવો પછી વિદ્યાર્થીઓ ભય સાથે જીવતા થઈ જાય છે. આવો ભય દેખાતો હોતો નથી. વર્ગમાં બેઠેલાં બાળકો હિમશીલાના ભાગ જેવા હોય છે જે બહાર દેખાય છે તેના કરતાં એમની અંદર ઘણુબધું છુપાયેલું હોય છે. આની ઓળખ જ વાલીઓ અને શિક્ષકોને માટે મોટો પડકાર છે.

-ડૉ. વિજય મનુ પટેલ-12-8-19

Saturday, 10 August 2019

મિત્રો,

      આજે અહીંથી વડીલ સ્ત્રીઓ- પુરુષોને કહેવું છે કે આપ  છોકરીઓ કે યુવતીઓને રસોઈ શીખવવા માટે જેટલાં હરખઘેલા થાવ છો તેટલા જ તેમને કરાટે, લાઠી કે અન્ય રીતે સ્વ બચાવની તાલીમ આપવામાં ઉત્સાહી શાને થતાં નથી?

      નારી બચાવની હાકલ કરનારાઓ, છોકરાઓ કે યુવકોને પણ સ્ત્રી સન્માન, સભ્યતા કે સુરક્ષાના કાયદા વિશેની‌‌ સમજ‌ આપવા‌ શાને ઉત્સુક નથી?


       સરકારે અને સમાજે સ્ત્રી સશક્તિકરણને બદલે 'પુરુષ જાગૃતિ સપ્તાહ' ની ઉજવણીનો મોટાપાયે પ્રારંભ કરવાની જરુર છે. આપ શું માનો છો?!

        એક શાળાકીય કાર્યક્રમમાં આ વિશેના મારા વિચારો જાણવા નીચેની લિંક પર ક્લિક કરો!

         આપનો આભાર!

Tuesday, 30 July 2019

શહેર-ગામ 'સેતુ'


વ્હાલા મિત્રો,
        શિક્ષણ મારુ ગમતું ક્ષેત્ર છે. શહેરની શાળામાં ઘણાં વર્ષો સુધી ગુણવત્તાસભર અધ્યાપન કાર્ય કર્યા પછી એ વ્યાવસાયિક કુશળતાઓનો લાભ ગામડાની શાળા અને તેના વિદ્યાર્થીઓને મળે એવો વિચાર ચાર વર્ષ પહેલાં મને આવ્યો હતો અને તરત જ અમલમાં પણ મૂક્યો.
        સુરત શહેરથી લગભગ 18 કિ.મિ દૂર મારા વતન અછારણ ગામની પ્રાથમિક શાળાને જ આ માટે પસંદ કરી. બસ, દર વર્ષે એકવાર શહેરની મારી શાળાના થોડા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આ શાળાની મુલાકાતે જવાનો ઉપક્રમ બની ગયો! શહેરના વિદ્યાર્થીઓને ત્યાં જઈને શું કરવાનું રહેશે તેની પૂરી સમજ અને તૈયારી સાથે જે તે દિવસે ત્યાં પહોંચી 3-4 કલાક તેઓ સાથે ભળી જવાનું બસ!





        શહેર અને ગામડાની શાળા અને શિક્ષકો આ રીતે મળે, શીખે અને શીખવે તો એ પણ સમાજ સેવાથી ઓછું ન કહી શકાય. આપના થકી આ વાતને વેગ મળે એવા આશયથી મોડે મોડે પણ આપની સાથે આ વિચારો મૂક્યા છે.
        નીચેની આ વિડીયો લિન્ક દ્વારા તમે આ પ્રવૃત્તિની ઝલક જોઈ શકશો.

        વધુ સારા સંદેશ સાથે નીચેની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ જોવા વિનંતી...

        શહેર-ગામ સેતુના આ પ્રકલ્પ વિશે જાણવા અને રસ લેવા બદલ આભાર.

Friday, 26 July 2019

જિજ્ઞાસાવૃત્તિને વર્ગખંડમાં ઉછેરીએ!


            શિક્ષક, આચાર્યના એ નિવેદનથી નારાજ હતા કે, ‘...વિદ્યાર્થી મિત્રો, આવનારી વિશેષ પરીક્ષા આંતરિક મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવાશે નહીં. આ માત્ર જેટલું શીખ્યા છીએ તેની એક નાનકડી મૂલ્યાંકન કસોટી છે એટલું સમજવાનું છે. શિક્ષક વર્ષોના અનુભવી હતા એટલે એ નિરાશ થયા હતા કેમ કે આવું બોલવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાને ગંભીરતાથી લેશે જ નહીં. એમના વિચાર મુજબ જેમાં માર્કસનો લાભ મળવાનો નથી તેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ રસ લેતા જ નથી. માત્ર  ટાઇમપાસ સિવાય કશું જ નહિ કરે!
                શિક્ષક તરીકે એમનો અનુભવ ખોટો નહોતો જ. પણ પરીક્ષા લેવી જરૂરી હતી. પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેવાશે એવું જૂઠું રટણ આચાર્ય કરવા તૈયાર નહોતા. જે  છે તે જ કહેવાની વાતે તેઓ મક્કમ હતા એ દ્રષ્ટિએ તેઓ પણ ખોટા નહોતા જ. ખેર, આ તો પરીક્ષાની વાત હતી અને શિક્ષણ જગતમાં સૌથી વધુ ચર્ચા પણ પરીક્ષાની જ થતી હોય છે એટલે આજે તેના વિશેની વાત અટકાવીને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિની કેળવણીની કરીએ.


              
               બુદ્ધિ, પ્રયત્નો અને જિજ્ઞાસાવૃત્તિના માપદંડો શૈક્ષણિક સિદ્ધિ નક્કી કરનારા મુખ્ય પરિબળો છે. આપણે આપણાં વિદ્યાર્થીઓની ક્ષમતા જાણવા માટે ઘણો સમય વ્યતીત કરતાં હોઈએ છીએ છતાં તેમાં મહત્ત્વના પરિબળ જેવા જિજ્ઞાસાવૃત્તિ બાબતે બહુ ઓછું ધ્યાન આપીએ છીએ. 2018માં 6200 વિદ્યાર્થીઓએ ઉપર મિશિગન યુનિવર્સિટીના પ્રાચી શાહ દ્વારા થયેલાં સર્વેક્ષણમાં જણાયું હતું કે નર્સરીના જે બાળકો ખૂબ જિજ્ઞાસુ હતા તેઓના ગણિત અને વાંચનમાં ઊંચા ગુણાંક હતા!
              શિક્ષકો કે અધ્યાપકોનું જો કોઈ મહત્ત્વનું કામ હોય તો તે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને જગાડવાનું છે. આનંદદાયક રીતે તેમની વૈચારિક ક્ષમતાને વિસ્તારવાનું આ કામ તાર્કિક ક્ષમતાના વિકાસ (Critical Thinking) તરીકે પણ ઓળખાય છે. આપણાં વર્ગખંડો કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાને મુગ્ધ અને ઊર્જાવાન કરે તેવી પ્રવૃત્તિઓને વહેંચવા માટે ઉતાવળા હોય છે અને દરેક વિદ્યાથીઓ પોતપોતાની રીતે જિજ્ઞાસુ હોય છે. નવા સંશોધન મુજબ જુદા જુદા પ્રકારની જુજ્ઞાસાવૃત્તિ છે. જો શાળા-કોલેજ કક્ષાએ તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો માત્ર વિદ્યાર્થીને મદદ કરવા માટે જ નહીં, પણ તેમના જીવનને ઉન્નત બનાવવામાં પણ ઉપયોગી થાય છે.
               સંશોધક ટોન કશ્ડેન કહે છે કે જિજ્ઞાસાવૃત્તિને માત્ર એક ગુણ તરીકે ગણી શકાય નહીં, તેને તો અનેક પરિમાણો છે. પોતાના સંશોધનકાળ દરમ્યાન તેમણે અને તેમની ટીમે પુખ્તવયની ચાર હજાર વ્યક્તિઓને સમાવતા ત્રણ સંશોધનો હાથ ધર્યા હતા. આ કાર્યમાંથી તેમણે જિજ્ઞાસાવૃત્તિના પાંચ પ્રકારો રજૂ કર્યા છે.
              પ્રથમ છે પ્રસન્ન શોધ જિજ્ઞાસાવૃત્તિ (Joyous exploration). જ્યારે આપણે કોઈ નવી જગ્યા, નવા પ્રકારની કલાકૃતિ વિશે જાણવા ઉત્સુક બનીએ છીએ ત્યારે જે મુગ્ધતા અને રોમાંચ જાગે છે તે આવી જિજ્ઞાસાવૃત્તિનું પરિણામ હોય છે. કઈંક એવું જાણવાની જુગુપ્સા કે ઉત્કંઠા જેની કલ્પના જ તે તરફ જવા પ્રેરિત કરે છે. એક વિદ્યાર્થી માત્ર સાંભળેલી વાતથી સુગર રોકેટ બનાવવા ઉતાવળો બને છે ત્યારે તેની જિજ્ઞાસાવૃત્તિ પ્રસન્ન શોધ તરફની છે.
             બીજી છે જરૂરિયાત પ્રેરિત જાણવાની જિજ્ઞાસાવૃત્તિ(Need to know). કોઈ ચોક્કસ પરિસ્થિતી કે સંજોગોમાં પહોંચ્યા પછી ઘડીક અટકી જવાય ત્યારે જે વૃતિ જાગે છે તે આ પ્રકારની છે. જેમ કે સુગર રોકેટ બનાવવાના પ્રોજેકટમાં જ્યાં અધૂરપ અનુભવાય અને તેની પૂર્તિ માટે નવું જાણવાની આવશ્યકતા આવી પડે તે. હવે એવી કઈ જાણકારી મેળવવી જ પડશે જેનાથી અધૂરપ પૂર્ણતામાં ફેરવાય. અહીં વ્યક્તિ વિકલ્પોની શોધ તરફ પણ વળી શકે છે.
                ત્રીજો પ્રકાર છે સામાજિક જિજ્ઞાસાવૃત્તિ (Social curiosity). જ્યારે કોઈ અન્ય વ્યક્તિ વિશે વધુ જાણવાની જરૂર પડે ત્યારે તેવી વ્યક્તિ સાથે વધુ મુલાકાત કે અવલોકન દ્વારા તમે એવી રીતે વર્તો છો જેમ કોઈ બિલકુલ નવી વ્યક્તિ સાથે મૈત્રી કરવા ઇચ્છતા હોવ! ચોથી છે ઉત્કંઠાના સ્વીકારની જિજ્ઞાસાવૃત્તિ(Accepting the anxiety). અહીં વ્યક્તિ અણગમતી લાગણીઓને સહન કરે છે એટલા માટે કે તેમાંથી કોઈ નવો અનુભવ મળે! જેમ કે કોઈપણ અન્ય સભ્યને ઓળખાતા ન હોવ છતાં તમે ક્લબના સભ્ય બનવા માટે પ્રેરિત થાવ છો. અહીં તમે કઈંક નવો અનુભવ મળે તે માટે અપરિચિતોમાં જવાનું પસંદ કરી લો છો.
                પાંચમી છે રોમાંચની શોધ માટેની જિજ્ઞાસાવૃત્તિ(Thrill seeking). અહીં વ્યક્તિ જોખમો ઉઠાવવા પ્રેરિત બને છે કેમ કે તેમાંથી એક નવો અને રોમાંચકારી અનુભવ મળશે. સાઈકલની રેસ જીતવા માટે સારી અને ઉપયોગી સાઇકલ ખરીદવા માટે વ્યક્તિ પોતાના શહેરને બદલે દેશ-વિદેશ સુધીની યાત્રા ખેડવાનું જોખમ ઉઠાવે છે. આ રોમાંચક જિજ્ઞાસાવૃત્તિ કહી શકાય.
                જિજ્ઞાસાવૃત્તિને સતેજ કરવા માટેની એક પદ્ધતિ હેતુ નિર્ધારણ (Goal Setting)ની છે. વિદ્યાર્થીઓને એક મોટા ધ્યેયની સિદ્ધિ તરફ જવા માટે નાના નાના (ટૂંકા ગાળાના) ધ્યેયો નક્કી કરવાનું કહેવામા આવે (જેમ કે આવતા અઠવાડિયે એક કાવ્યનો સવાલ મોઢે લખવાનો હોય) આ રીતે ક્રમશઃ જવાબો કે દાખલા તરફ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવે તો ધીમે ધીમે વિદ્યાર્થીઓએ સ્વયં ધ્યેયની પૂર્તિ તરફ જિજ્ઞાસુ બનશે. પ્રાથમિક શિક્ષણથી આવી ટેવ પાડવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તેમનામાં સંશોધન વૃત્તિ આપોઆપ વિકસશે.
                વર્ગખંડ શિક્ષણમાં દરેક વિદ્યાર્થી માટે, દરેક પરિસ્થિતિ મુજબ જિજ્ઞાસાવૃત્તિનો પ્રકાર બદલાતો રહે છે. આ દરેકના કયા વિશેષ લાભો છે તે બાબતે ભલે સ્પષ્ટ ન હોઈએ તો પણ તે વ્યક્તિને માટે કશુક પ્રાપ્ત કર્યાના બદલાનું નિમિત્ત તો જરૂર બને જ છે.


-ડૉ. વિજય મનુ પટેલ 

Thursday, 18 July 2019

NCC - Regular Activity

વાચક મિત્રો,

વર્ષો સુધી શિક્ષક તરીકે કામ કર્યું છતાં કંઇક ખૂટતું જણાયું હતું. થોડાં મનોમંથન પછી સંભવિત ઉકેલ જણાયો. આચાર્યની જવાબદારી સ્વીકાર્યા પછી અમે શાળામાં છેલ્લા ચાર વર્ષથી NCCના વર્ગો શરૂ કર્યા છે, અને આજ પર્યન્ત ઉત્સાહથી એને સંભાળી રહ્યો છું.

પરિણામ હકારાત્મક જણાયું. વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સંયમ સાથેનો જુસ્સો વધ્યો. AAN સંસ્થાના તાલીમી કમાન્ડરો દર રવિવારે વિદ્યાર્થીઓમાં દેશદાઝની સ્ફૂર્તિ ભરે છે. આ માટે ડૉ. ઉન્મેષ પંડ્યા, સુનિલ વાળંદ અને સમગ્ર ટીમને અભિનંદન!

આવી તાલીમ થકી કેટલાક કેડેટસે સ્વતંત્ર રીતે જુદી-જુદી ઇવેન્ટમાં અને  સમગ્ર શાળાની ટીમે ગુજરાત સ્તરે ચેમ્પિયનશીપ મેળવી હતી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને અનુશાસનના મૂલ્યો આવી પ્રવૃત્તિ દ્વારા જ અસરકારક રીતે રોપી શકાય છે એમાં કોઈ શંકા નથી.

અમારી શાળામાં ચાલતી NCCની આ પ્રવૃત્તિની કેટલીક ઝલક આપને માટે આ રહી-











 શાળામાં ચાલતી NCCની આ પ્રવૃત્તિની કેટલીક વિડીયો ક્ષણોને માણવા નીચેની લિન્ક  પર ક્લિક કરો -






Saturday, 13 July 2019

પ્રોજેકટ પદ્ધતિ: ઉત્તમ છતાં નિષ્ક્રિય?!

                 એક સર્જનશીલ શિક્ષક સાથેની વાતચીતમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘણા વર્ષોની નોકરી બહુ ઉત્સાહપૂર્વક કર્યા પછી આજે એ થોડા નિરાશ થઈ બોલ્યા હતા: હવે નવું કરવાની બહુ ઈચ્છા નથી થતી. વિચારો તો નવા નવા આવે છે પણ નવું કર્યા પછી પ્રતિચારો (feedback) ઓછા થઈ ગયા છે એટલે એવું લાગે છે કે જે કઈં નવી પ્રવૃત્તિ કે નવા પ્રયોગો કરું છું તે વિદ્યાર્થીઓને પસંદ નથી આવતા. હું સાંભળી રહ્યો હતો અને મનોમન સંમતિ પણ આપી રહ્યો હતો, કેમ કે ક્યારેક મને પણ આવું લાગ્યું હતું.
                સોશ્યલ મીડિયા પરની ટૂંકી પોસ્ટ કર્યા પછી જેની સૌને તાલાવેલી હોય છે તે એ કે લખાણ (કે ચિત્ર) પર કેટલી likes કે comments મળે છે. આ સ્વાભાવિક હોય છે પરંતુ ધીમે ધીમે એ અપેક્ષામાં પરિવર્તિત થતી જાય છે. શરૂઆતમાં પ્રતિચારો ઘણા મળે પણ પછી એમાં ઓટ શરૂ થતી જાય છે. આમ થવાનું એક કારણ વિવિધાતાનો અભાવ હોય છે! નવું મૂકો (કે આપો) પણ એક જ પ્રકારનું હોય તો લોકો માટે એમાંથી ધીમે ધીમે રસ ઘટી જાય છે. આ મનોવૈજ્ઞાનિક રીતે પણ સ્વીકૃત તથ્ય છે!

              
                  જે શિક્ષકો પ્રયોગશીલ છે તેઓ પણ જો એક જ પ્રકારની પ્રવૃત્તિ વારંવાર કર્યા કરશે તો પોતાનું સત્વ ગુમાવશે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો વિચાર છે કે, ‘નિષ્ફળતા એ જ પ્રગતિમાં સફળતા છે. કોઈપણ પ્રવૃત્તિમાં શિક્ષક નિષ્ફળ નીવડે છે ત્યારે તેણે એ યાદ રાખવાનું છે કે એમાંથી પણ પોતે અને વિદ્યાર્થીઓ કઇંક તો શીખે જ છે. સમૂહ કાર્ય પદ્ધતિ (Project Base Method)માં નવીન વિચાર અને ઉત્સાહ સૌથી વિશેષ હોય છે. પરંતુ જ્યારે એમાં ઇચ્છિત પરિણામ નથી મળતું ત્યારે?
                આવું થાય ત્યારે પ્રારંભિક તબક્કે આવી કામગીરીમાંથી જ બહાર જવાનો વિચાર આવે છે. અને ઘણા શિક્ષકો એને જે તે વર્ષ પૂરતી જ નહીં, કાયમ માટે તિલાંજલી આપી દે છે! પ્રોજેકટ પદ્ધતિ એ સામૂહિક શિક્ષણ (Collaborative learning)નું સ્વરૂપ છે. માનવ સંસ્કૃતિ સમૂહના પાયા પર વિકસેલી  છે. એટલે શિક્ષણમાં પણ તે અભિન્ન રીતે જોડાયેલી છે. સમૂહમાં રહીને વિદ્યાર્થીઓ વાતચીત, માન-સન્માન, ભાગીદારીતા, સહકાર જેવા ગુણો શીખે છે. હવે આ રીતે કોઈ કામ કરવામાં નિષ્ફળતા મળે તો તેમાં પદ્ધતિનો દોષ કેવી રીતે હોય? હા, એમાં અંતિમ ધ્યેય પર ન જવાતું હોય તો પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરના જેવા અનુભવો તો પ્રાપ્ત કરે જ છે.
                એક શાળાના શિક્ષકને વિચાર આવ્યો કે મારે તાપી નદી વિશેનું પ્રોજેકટ કાર્ય કરાવવું છે. તેમણે વિદ્યાર્થીનું એક જૂથ તૈયાર કર્યું અને એક દિવસ આદેશ કર્યો કે તમારે દશથી પંદર દિવસમાં તાપી નદી વિશેનું પ્રોજેકટ કાર્ય પૂર્ણ કરવાનું છે. તાસ પૂરો થયો પછી આ જૂથના વિદ્યાથીઓ ભેગા તો થયા પણ આમાં શું કરવાનું એ વિશેનું સમાધાન મળ્યું નહોતું. શિક્ષકના પક્ષે પહેલી ક્ષતિ આ રહી ગઈ હતી કે તાપી નદીમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવાનો હતો તે જણાવ્યુ જ નહોતું.
                એક ઉત્સાહી વિદ્યાર્થીએ ફોન પર શિક્ષક પાસેથી આનો જવાબ મેળવી લીધો. એ જવાબ હતો: તમારે નદીનું ભૌગોલિક સ્થાન, તેનું મૂળ, આસપાસના શહેર કે ગામડાઓ વિશેની માહિતી ભેગી કરવાની. થોડાં દિવસો વીત્યા પછી શિક્ષકે જૂથને બોલાવીને પૂછ્યું, ‘કેટલું કામ પત્યુ?’ જેણે ફોન કરીને જાણ્યું હતું તેણે થોડીઘણી માહિતી ભેગી કર્યાનું કહ્યું, અન્યો તો મૌન જ રહ્યાં! શિક્ષકની બીજી ક્ષતિ અહીં રહી ગઈ હતી. વચ્ચે વચ્ચે સમગ્ર જૂથ સાથે ચર્ચા અને માર્ગદર્શન અપાયું જ નહીં એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ કઈ માહિતી, ક્યાંથી અને કોણ મેળવશે તે બાબતે અધૂરાં જ રહ્યાં!
                આ મૂંઝવણમાંથી શિક્ષકે ઉકેલ આપ્યો કે લાઈબ્રેરી, સામયિકો અને ઇન્ટરનેટ પરથી સામગ્રી શોધવી. વાત થોડી આગળ ચાલી, પણ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની માયાજાળમાં એવા ફસાયા કે જે જોઈએ છે તેને બદલે બીજું બધુ જ મળતું! આથી કેટલાકે કંટાળાથી અને કેટલાકે ડરથી ઇન્ટરનેટની વાત જ માંડી વાળી. બે-ત્રણ જણ સિવાય બીજા કોઈ પાસે સંશોધનવૃત્તિ અને વિકલ્પો હતા જ નહિ. જૂથમાં અમૂક લોકો તો કઈં કરતાં જ નથીનો અસંતોષ વધ્યો. સામૂહિક શક્તિથી જે કામ ઉત્તમ રીતે પૂર્ણ થવું જોઈતું હતું તે સામાન્ય અને એકાંગી બનીને સમેટાઈ ગયું!
                તાપી નદીના પ્રોજેકટમાં ચીલાચાલુથી વિશેષ કશું ન થયું. તાપી નદીની મુલાકાત, તાપી નદી કિનારે વસેલાં તીર્થસ્થાનોના ચિત્રો કે ત્યાં વસતા એકાદ વ્યક્તિ સાથેના ટૂંકા સંવાદો જેવી વાતોની શિક્ષકે એમાં સમાવવી જોઈતી હતી. પણ શિક્ષક સ્વયં આવા કામ વિશે સ્પષ્ટ નહોતા. સામૂહિક રીતે કામ કરવામાં કે કરાવવામાં કામ કે પ્રવૃત્તિની વહેંચણી નક્કી કરવાની હોય એ વાત કદાચ શિક્ષક સાહજિક રીતે ચૂકી ગયા હતા! વિષયવસ્તુની પસંદગીથી લઈને અંતિમ સ્વરૂપ સુધી શિક્ષકની હાજરી અનિવાર્ય છે છતાં તે મોટેભાગે પડદા પાછળ રહે છે એ આ પ્રોજેકટ પદ્ધતિની ખાસિયત છે.
                આપણી શિક્ષણ વ્યવસ્થામાં આ પ્રકારે શીખવવાની બોલબાલા ઓછી જણાઈ છે. આમ તો અન્ય નવીન પદ્ધતિઓનો પણ જૂજ જ ઉપયોગ થાય છે. એની પાછળનું મહત્ત્વનું કારણ એ હોય છે કે આમાં શિક્ષકે ખૂબ વિચારવું પડે છે! મનોવિજ્ઞાન કહે છે કે મોટાભાગના માણસો સરળ વ્યવસ્થા જ પસંદ કરે છે એ દ્રષ્ટિએ સૂઝવાળા કરતાં પણ જુદું વિચારવાવાળા કે જુદો રસ્તો પસંદ કરવાવાળા શિક્ષકો પણ દુર્લભ જ રહેવાના.
                આ લેખ વાંચ્યા પછી એમાં થોડા વધુ શિક્ષકો ઉમેરાય એવી આશા છે. ઘણીવખત જે મૂંઝવણો વિદ્યાર્થી કક્ષાએ અનુભવાતી હોય તેવી જ શિક્ષક કક્ષાએ પણ અનુભવાતી હોય છે. પણ એ તરફ કોણે ધ્યાન આપવાનું હોય? ત્યાંયે અસમંજસતા જ હોય છે, ખરું? એટલે શિક્ષણ ઘરેડ મુજબ ચાલતું રહે છે. આમ છતાં જે શિક્ષકો મથે છે તેઓને દિલથી અભિનંદન. આવા લોકો નવીનીકરણ અને સર્જનાત્મકતાની જ્યોતને બૂઝવવા નથી દેતાં એવું ભગીરથ કાર્ય તો કરે જ છે.


-ડૉ. વિજય મનુ પટેલ 

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...